શું તમારા જીવનનો પાયો મજબૂત છે?
મકાનની મજબૂતાઈનો આધાર પાયા પર છે. જો પાયો ઊંડો ને મજબૂત હશે તો મકાન પણ લાંબો સમય અડીખમ રહેશે. બાઇબલ ઘણી વખત પાયાનો શબ્દ ચિત્ર તરીકે ઉપયોગ કરે છે.
ઈશ્વરભક્ત યશાયાહ, યહોવાહ પરમેશ્વરને “પૃથ્વીનો પાયો નાખનાર” કહે છે. (યશાયાહ ૫૧:૧૩) આ “પૃથ્વીનો પાયો” શું છે? તે કોઈ મકાનના પાયાની વાત કરતા ન હતા, પણ ઈશ્વરના નિયમો વિષે જણાવતા હતા. એ કદી પણ બદલાતા નથી. આ નિયમો પૃથ્વીના પરિભ્રમણને નિયંત્રણમાં રાખે છે. એને એક જગ્યાએ સ્થિર રાખે છે. (ગીતશાસ્ત્ર ૧૦૪:૫) બાઇબલ એક એવા “પાયા” વિષે પણ જણાવે છે જેના પર માનવ સમાજ ટકી રહ્યો છે. જેમ કે, ન્યાયતંત્ર, કાયદો અને વ્યવસ્થા. અન્યાય, ભ્રષ્ટાચાર અને હિંસાથી કાયદા અને વ્યવસ્થાનો “નાશ થાય છે” અર્થાત્ નિષ્ફળ જાય છે. ત્યારે, સમાજ પડી ભાંગે છે.—ગીતશાસ્ત્ર ૧૧:૨-૬; નીતિવચનો ૨૯:૪.
આ સિદ્ધાંત આપણા જીવનમાં પણ લાગુ પડે છે. ઈસુએ પહાડ પરના ઉપદેશમાં કહ્યું: “જે કોઈ મારી આ વાતો સાંભળે છે, ને પાળે છે, તેને એક ડાહ્યા માણસની ઉપમા આપવામાં આવશે, કે જેણે પોતાનું ઘર ખડક પર બાંધ્યું; અને વરસાદ વરસ્યો, ને રેલ આવી, ને વાવાઝોડાં થયાં, ને તે ઘર પર સપાટા લાગ્યા; પણ તેનો પાયો ખડક પર નાખેલો હતો, માટે તે પડ્યું નહિ. અને જે કોઈ મારી આ વાતો સાંભળે છે, ને પાળતો નથી, તેને એક મૂર્ખ માણસની ઉપમા આપવામાં આવશે, કે જેણે પોતાનું ઘર રેતી પર બાંધ્યું; અને વરસાદ વરસ્યો, ને રેલ આવી, ને વાવાઝોડાં થયાં, ને તે ઘર પર સપાટા લાગ્યા, ને તે પડી ગયું; અને તેનો નાશ મોટો થયો.”—માત્થી ૭:૨૪-૨૭.
તમે તમારા જીવનનો પાયો શેના પર નાંખ્યો છે? શું માનવ ફિલોસોફી પર છે જે ગમે ત્યારે પડી ભાંગે છે? કે પછી ઈસુએ કહ્યું તેમ, ખડક પર પાયો નાંખ્યો છે જે જીવનમાં વાવાંઝોડાં જેવી મુશ્કેલીઓમાં પણ ટકી રહે છે?