દુષ્ટતા ફેલાવનારને ખુલ્લો પાડ્યો!
યહોવાહ ઈશ્વરે યહુદી લોકોને વચન આપ્યું હતું કે ઇન્સાનને પાપ અને મરણમાંથી છોડાવવા એક તારણહાર કે મસીહા આવશે. બાઇબલ જણાવે છે કે લગભગ બે હજાર વર્ષ પહેલાં ઘણા યહુદીઓ એ મસીહાની રાહ જોતા હતા. (યોહાન ૬:૧૪) જ્યારે ઈસુ ધરતી પર આવ્યા ત્યારે લોકોને ઘણો દિલાસો મળ્યો. તેમણે લોકોને ઈશ્વર વિષે શીખવ્યું. બીમાર લોકોને સાજા કર્યા. ભૂખ્યાને ખવડાવ્યું. તોફાની દરિયાને શાંત પાડ્યો. અરે, ગુજરી ગયેલાને પણ જીવતા કર્યા. (માત્થી ૮:૨૬; ૧૪:૧૪-૨૧; ૧૫:૩૦, ૩૧; માર્ક ૫:૩૮-૪૩) તેમણે ઈશ્વર વિષે લોકોને જણાવ્યું. એ પણ જણાવ્યું કે જે કોઈ યહોવાહના માર્ગમાં ચાલશે તેને અમર જીવન મળશે! (યોહાન ૩:૩૪) ઈસુએ વાણી-વર્તનથી પુરાવો આપ્યો કે ઈશ્વરે મોકલેલા મસીહ તે પોતે જ છે. તે જ ઇન્સાનને ભૂંડાઈ, પાપ ને મરણની જંજીરમાંથી આઝાદ કરશે.
ઈસુના બોધથી યહુદી ધર્મગુરુઓએ રાજી-ખુશીથી તેમનો આવકાર કરવાની જરૂર હતી. પણ તેમને પગલે ચાલવાને બદલે તેઓ ઈસુને નફરત કરવા લાગ્યા. તેમના પર જુલમ ગુજાર્યો. તેમને મારી નાંખવાનું કાવતરું ઘડ્યું!—માર્ક ૧૪:૧; ૧૫:૧-૩, ૧૦-૧૫.
ઈસુએ યહુદી ધર્મગુરુઓનો ઢોંગ ખુલ્લો પાડ્યો. (માત્થી ૨૩:૩૩-૩૫) પણ તે જાણતા હતા કે ધર્મગુરુઓના દિલમાં કોણ ઝેર રેડે છે. કોના ઇશારે તેમની નફરત કરે છે. ઈસુએ તેઓને કહ્યું: “તમે તમારા બાપ શેતાનના છો, અને તમારા બાપની દુર્વાસના [ભૂંડી ઇચ્છા] પ્રમાણે તમે કરવા ચાહો છો. તે પ્રથમથી મનુષ્યઘાતક [ખૂની] હતો, અને તેનામાં સત્ય નથી, તેથી તે સત્યમાં સ્થિર રહ્યો નહિ, જ્યારે તે જૂઠું બોલે છે, ત્યારે તે પોતાથી જ બોલે છે; કેમ કે તે જૂઠો, અને જૂઠાનો બાપ છે.” (યોહાન ૮:૪૪) ઈસુ જાણતા હતા કે ઇન્સાન ખૂનખરાબી કે જુલમ ગુજારી શકે છે. પણ અહીંયા તે જણાવે છે કે દુષ્ટતાની પાછળ ખરેખર શેતાન રહેલો છે.
તો સવાલ થાય કે શેતાનને કોણે બનાવ્યો? ઈસુએ પોતે એનો જવાબ આપ્યો: શેતાન ‘સત્યમાં સ્થિર રહ્યો નહિ.’ એ પુરાવો આપે છે કે યહોવાહે શેતાનને બનાવ્યો ન હતો. તે જાતે શેતાન બન્યો. યહોવાહે તો અગણિત સ્વર્ગદૂતો બનાવ્યા હતા. બધા તેમને ભજતા. બધા તેમને વફાદાર. પણ એમાંનો એક દૂત વિચારવા લાગ્યો કે ‘યહોવાહને બદલે બધા મને ભજે તો કેવું સારું!’ એ હક્ક પડાવવા તે યહોવાહની સામે થયો.a (માત્થી ૪:૮, ૯) ચાલો જોઈએ કે શું થયું.
યહોવાહે આદમ અને હવાને સુંદર મજાનો એદન બાગ ઘર તરીકે રહેવા આપ્યો હતો. ફક્ત તેઓને એક જ વૃક્ષનું ફળ ખાવાની મના કરી હતી. પણ શેતાને જૂઠું બોલીને ચાલાકીથી એ ફળ ખાવા હવાને લલચાવી. આમ વિશ્વમાં સૌથી પહેલું જૂઠાણું શેતાને ફેલાવ્યું. તેણે યહોવાહની નિંદા કરી. એટલે તેને ‘જૂઠો ને જૂઠાનો બાપ’ કહેવામાં આવે છે. આદમ ને હવા શેતાનની ચાલાકીમાં ફસાઈ ગયા. તેઓએ ઈશ્વરની આજ્ઞા તોડી. યહોવાહની નજરમાં એ ઘોર પાપ હતું. એનાથી ઈશ્વર સાથેનો તેઓનો નાતો કપાઈ ગયો. તેઓ પર પાપ રાજ કરવા લાગ્યું. તેઓ બીમાર થવા લાગ્યા. ઘરડા થયા. છેવટે મરણ પામ્યા. તેઓનાં સર્વ બાળકોને વારસામાં એ જ મળ્યું. આમ શેતાન ખૂની બન્યો. એક મહા રાક્ષસ!—ઉત્પત્તિ ૩:૧-૬; રૂમી ૫:૧૨.
સ્વર્ગના બીજા દૂતો પણ શેતાનના રંગે રંગાયા. તેઓ પણ શેતાનની જેમ યહોવાહની સામે થયા. (૨ પીતર ૨:૪) શેતાનની જેમ ઇન્સાન પર બૂરી નજર કરવા લાગ્યા. ખોટી વાસના સંતોષવા તેઓ ધરતી પર આવ્યા. પરિણામે ધરતી ખૂન-ખરાબી અને જુલમથી ભરાઈ ગઈ.
પૃથ્વી બૂરાઈથી ભરાઈ ગઈ
બાઇબલ જણાવે છે: ‘ભૂમિ પર માણસો વધવા લાગ્યાં, અને તેઓને દીકરીઓ થઈ, ત્યારે ઈશ્વરના દીકરાઓએ માણસોની દીકરીઓને જોઈ, કે તેઓ સુંદર છે; અને જે સર્વને તેઓએ પસંદ કરી તેઓમાંથી તેઓએ પત્નીઓ કરી.’ (ઉત્પત્તિ ૬:૧, ૨) “ઈશ્વરના દીકરાઓ” કોણ હતા? તેઓ ઇન્સાન નહિ, પણ સ્વર્ગદૂતો હતા. (અયૂબ ૧:૬; ૨:૧) આપણે એમ કઈ રીતે કહી શકીએ? કેમ કે માણસો તો ૧,૫૦૦ વર્ષથી પરણતા-પરણાવતા હતા. એટલે અહીંયા તેઓની નહીં, પણ ઈશ્વરભક્ત નુહના જમાનામાં બગડી ગયેલા સ્વર્ગદૂતોની વાત થતી હતી. તેઓએ સ્વર્ગમાંથી સ્ત્રીઓ પર બૂરી નજર કરી. પોતાની અયોગ્ય ઇચ્છા સંતોષવા ધરતી પર માણસનું રૂપ લીધું. તેઓએ માણસોની દીકરીઓમાંથી પત્નીઓ પસંદ કરી. એ ઈશ્વરની નજરે ઘોર પાપ હતું. બાઇબલ જણાવે છે કે એ સમયે દુનિયા ઘોર પાપ ને દુષ્ટ કામોથી ભરાઈ ગઈ હતી.
આ દુષ્ટ દૂતોને જે સંતાનો થયા એનાથી દુનિયા તોબા-તોબા પોકારી ગઈ. તેઓના એ સંતાનો વર્ણસંકર રાક્ષસી પ્રજા હતી. તેઓ બસ બીજાઓને પાડી નાખતા, તેઓનું બૂરું જ કરતા. મારામારી-ખૂનખરાબીમાં એક નંબર. તેઓ માટે બાઇબલ આવા શબ્દો વાપરે છે: ‘મહાવીરો, બળવાનો અને નામાંકિત.’—ઉત્પત્તિ ૬:૪.
એ દુષ્ટ દૂતો અને તેઓનાં રાક્ષસી સંતાનોએ પૃથ્વીને હદબહાર જોર-જુલમ ને ખૂન-ખરાબીથી ભરી દીધી. ઉત્પત્તિ ૬:૧૧ જણાવે છે, ‘ઈશ્વરની નજરમાં પૃથ્વી દુષ્ટ થઈ ગઈ ને જુલમથી ભરપૂર હતી.’ લોકો પર તેઓની ખરાબ અસર પડી. તેઓ પણ રાક્ષસની જેમ વર્તવા લાગ્યા.
દુષ્ટ દૂતો અને તેઓનાં સંતાનોએ કઈ રીતે લોકોને પોતાની મુઠ્ઠીમાં કરી લીધા? લોકોનું દિલ આમેય ભૂંડાં કામો કરવા ઢળેલું હતું, એમાં તેઓએ બળતામાં ઘી રેડ્યું. ‘સર્વ માણસે પોતાની ચાલ દુષ્ટ કરી હતી.’ યહોવાહ એ જોઈને બેસી ન રહ્યા. પણ જળપ્રલય લાવ્યા. દુષ્ટ લોકોનો નાશ કર્યો. ફક્ત ઈશ્વરભક્ત નુહ અને તેના કુટુંબને બચાવ્યા. (ઉત્પત્તિ ૬:૫, ૧૨-૨૨) પેલા દુષ્ટ દૂતોનું શું થયું? જળપ્રલયમાંથી બચવા તેઓએ માણસનું શરીર છોડીને પાછું દૂતોનું રૂપ લીધું. પણ તેઓએ યહોવાહની કૃપા ગુમાવી દીધી. તેઓ સ્વર્ગમાં ગયા અને શેતાનની સાથે મળી ગયા. યહોવાહ અને તેમના વફાદાર સ્વર્ગદૂતોના દુશ્મન બન્યા. આ બનાવ પછી યહોવાહે એ દુષ્ટ દૂતો પાસેથી મનુષ્યનું રૂપ લેવાની શક્તિ લઈ લીધી. (યહુદા ૬) પણ તેઓ હજી માણસોને ગેરમાર્ગે દોરી શકે છે. તેઓને પોતાના ઇશારે નચાવી શકે છે.
શેતાનને ખુલ્લો પાડવામાં આવ્યો!
પહેલો યોહાન ૫:૧૯ જણાવે છે કે શેતાન લોકોને કઈ હદ સુધી અસર કરી શકે છે: “આખું જગત તે દુષ્ટની [શેતાનની] સત્તામાં રહે છે.” દિવસે દિવસે શેતાન દુનિયાને વિનાશને માર્ગે પૂરા વેગથી દોરી રહ્યો છે. એ માટે તે આકાશ-પાતાળ એક કરવા પ્રયત્ન કરે છે. શા માટે? કેમ કે યહોવાહે ૧૯૧૪માં, ઈસુને સ્વર્ગમાં રાજા બનાવ્યા. પછી તરત શેતાન અને તેના સાથી દૂતોને સ્વર્ગમાંથી પૃથ્વી પર ફેંકી દેવામાં આવ્યા. એના વિષે બાઇબલમાં પહેલેથી જણાવેલું હતું: “પૃથ્વી તથા સમુદ્રને અફસોસ! કેમ કે શેતાન તમારી પાસે ઊતરી આવ્યો છે, ને તે ઘણો કોપાયમાન થયો છે, કેમ કે તે જાણે છે કે હવે મારે માટે થોડો જ વખત રહેલો છે.” (પ્રકટીકરણ ૧૨:૭-૧૨) હવે સવાલ થાય કે શેતાન આજે કઈ રીતે માણસોને ખોટે રવાડે ચડાવે છે?
તે ટીવી, રેડિયો, વીડિયો, ફિલ્મો ને પુસ્તકોથી લોકોને જણાવે છે કે ‘તમે જ મનના માલિક. મન ફાવે તેમ કરો.’ શેતાન વિષે એફેસી ૨:૨ કહે છે: તે ‘વાયુની સત્તાનો અધિકારી છે.’ એનો શું અર્થ થાય? તે જગતના વાણી-વર્તન પર ‘વાયુની’ જેમ રાજ કરે છે. એટલે લોકો ઈશ્વરના માર્ગે ચાલવાને બદલે મન ફાવે એમ જીવે છે. શેતાનની અસર ચારે-બાજુ ફેલાયેલી છે. શેતાન ને તેના સાથીદારો લોકોના મનમાં ઝેર રેડે છે. નફરતની આગ ભડકાવે છે. એટલે લોકો ઈશ્વર અને તેમના સંસ્કારને ભૂલી ગયા છે.
તમારાં દિલની સંભાળ રાખો
લોકોનું મન ભ્રષ્ટ કરવા શેતાન અનેક રીતો વાપરે છે. ઝેરી ‘વાયુની’ જેમ તે ગંદા ચિત્રો કે પોર્નોગ્રાફીથી લોકોમાં અયોગ્ય સેક્સની ભૂખ જગાડે છે. લોકોને એવું મનાવે છે કે એમાં કંઈ ખોટું નથી. (૧ થેસ્સાલોનીકી ૪:૩-૫) જેમ કે, લોકોને મનોરંજન પૂરું પાડવા બળાત્કાર, ગ્રૂપમાં બળાત્કાર, કોઈ વ્યક્તિને મારતા જઈને બળાત્કાર કરવો, પ્રાણીઓ સાથે સેક્સ માણવું વગેરે ખુલ્લેઆમ પોર્નોગ્રાફીમાં બતાવવામાં આવે છે. અરે, માસૂમ બાળકોને પણ તેઓ છોડતા નથી. તેઓનાં નગ્ન ચિત્રો કે તેઓ સાથે સેક્સ કરતા હોય એવી ફિલ્મો બનાવીને વેચે છે. એવાં ચિત્રો કે ફિલ્મો જોનારને એની બૂરી લત લાગી શકે. એ તેઓનાં મન ભ્રષ્ટ કરી દે છે.b એવાં ચિત્રો જોનાર કે ગંદું સાહિત્ય વાંચનાર કુટુંબમાં માન ગુમાવે છે. ઈશ્વર સાથેનો તેનો નાતો કપાઈ જાય છે. શેતાન ને તેના સાથીદારો પોર્નોગ્રાફીના આશિક છે. તેઓ ચાહે છે કે બધા એ જુએ ને તેમના જેવા બને. જળપ્રલય પહેલાં નુહના જમાનામાં સેક્સની અયોગ્ય ભૂખ સંતોષવા તેઓ માણસનું રૂપ લઈને ધરતી પર આવ્યા હતા. એ ઈશ્વરની નજરમાં ઘોર પાપ હતું.
ઇઝરાએલના રાજા સુલેમાને ઉત્તેજન આપ્યું: ‘પૂરા ખંતથી તારા હૃદયની સંભાળ રાખ; કેમ કે તેમાંથી જ જીવનનો ઉદ્ભવ છે.’ (નીતિવચનો ૪:૨૩) પોર્નોગ્રાફીનાં મૂળ આપણા દિલમાં વિકસે નહિ માટે શું કરવું? ટીવી પર એવા પ્રોગ્રામ આવે તો તરત જ ચેનલ બદલવી જોઈએ. ઇંટરનેટ પર અચાનક એવાં ચિત્રો આવે તો તરત જ એ બંધ કરી દેવું જોઈએ. એવાં ચિત્રો જોયા કરીશું તો આપણું મન ભ્રષ્ટ થઈ જશે. એવું ન થાય માટે તરત જ એ બંધ કરી દેવું જોઈએ! ધારો કે તમે એક સૈનિક છો. જો કોઈ તમારી સામે બંદૂક તાકે તો તમે શું કરશો? બહાદુરની જેમ તેની સામે જ ઊભા રહેશો કે બચવા આમ-તેમ સંતાશો? એ જ રીતે શેતાન પણ આપણા દિલમાં ગંદા વિચારોનાં બી રોપવા મથે છે, જેથી આપણે કુટુંબનું માન ગુમાવીએ ને ઈશ્વર સાથેનો નાતો કાપી નાખીએ.
શેતાનને આપણા દિલમાં મારા-મારી ને ખૂન-ખરાબીનાં બી પણ રોપવા દેવા ન જોઈએ. શેતાન જાણે છે કે જે કોઈ ‘દુષ્ટતા ને જુલમ’ માટે પ્રેમ કેળવે છે તેને યહોવાહ ધિક્કારે છે. (ગીતશાસ્ત્ર ૧૧:૫) ખરું કે શેતાન કદાચ આપણા હાથે ખૂન-ખરાબી નહિ કરાવે. પણ તે ચાહે છે કે આપણા દિલમાં એના માટે પ્રેમ જાગે. જાણી જોઈને ઈશ્વરના દુશ્મન બનીએ. ઘણી વાર લોકપ્રિય પ્રોગ્રામ, ફિલ્મો, સંગીત કે પુસ્તકોમાં જાદુમંત્ર ને મેલીવિદ્યા હોય છે. એમાં કોઈ નવાઈની વાત નથી. કેમ? ભલે આજે રાક્ષસો જીવતા નથી તોપણ લોકોમાં રાક્ષસ જેવો સ્વભાવ, ગુણો ને વર્તન જોવા મળે છે! તમે ટીવી-વીડિયો પર કેવી ફિલ્મો કે પ્રોગ્રામ જુઓ છો? તમારી પસંદગીથી તમે એવું બતાવો છો કે શેતાનની ચાલાકી કે યુક્તિમાં તમે ફસાયા નથી?—૨ કોરીંથી ૨:૧૧.
શેતાનની લાલચોથી કઈ રીતે બચશો?
શેતાનના પંજામાંથી બચવું રમત વાત નથી. બાઇબલ જણાવે છે કે જે કોઈ ઈશ્વરના માર્ગે ચાલે છે તેઓએ શેતાન અને તેના સાથીદારો સામે લડવું પડશે. તેમ જ પોતાની મજબૂરી કે ખરાબ આદતો પર કાબૂ રાખવા ખૂબ મહેનત કરવી પડશે. એમ કઈ રીતે થઈ શકે? ઈશ્વરે આપણને મદદ કરવા અનેક ગોઠવણ કરી છે. એનો આપણે પૂરો લાભ લેવો જોઈએ. એમ કરીશું તો આપણે તેમની કૃપા પામીશું!—એફેસી ૬:૧૨; રૂમી ૭:૨૧-૨૫.
ઈશ્વરની શક્તિ અપાર છે. તે પોતાની શક્તિ દ્વારા આપણને મદદ આપે છે. લગભગ બે હજાર વર્ષ પહેલાં ઈશ્વરભક્ત પાઊલે બીજા ભક્તોને લખ્યું કે ઈશ્વરે આપણને દુનિયાના લોકો જેવું વાણી-વર્તન કેળવવા શક્તિ આપી નથી. પણ તેમના જેવો સ્વભાવ કેળવવા શક્તિ આપી છે. (૧ કોરીંથી ૨:૧૨) જેઓ ઈશ્વરની દોરવણી પ્રમાણે જીવે છે તેઓની પસંદગી તેમના જેવી જ છે. ઈશ્વર જે ધિક્કારે છે એ જ તેમના ભક્તો પણ ધિક્કારે છે. (આમોસ ૫:૧૫) આપણને જો ઈશ્વરની શક્તિ જોઈતી હોય તો શું કરવું જોઈએ? એ માટે ઈશ્વરે આપણને બાઇબલ આપ્યું છે. એ સમજવા ને દિલમાં ઉતારવા આપણે સાચા દિલથી તેમને પ્રાર્થના કરવી જોઈએ. તેમના ભક્તોની સંગત રાખવી જોઈએ.—લુક ૧૧:૧૩; ૨ તીમોથી ૩:૧૬; હેબ્રી ૧૦:૨૪, ૨૫.
આ બધી ગોઠવણો આપણા માટે જાણે કે સૈનિકના હથિયારો જેવી છે. એ ‘સર્વ હથિયાર’ ધારણ કરીને આપણે એક સૈનિકની જેમ શેતાન સામે લડવા સજ્જ થઈશું. તો જ આપણે ‘શેતાનની કુયુક્તિઓ સામે ટકી શકીશું.’ (એફેસી ૬:૧૧-૧૮) આપણા રક્ષણ માટે ઈશ્વર જે પણ ગોઠવણો કરી છે એનો આપણે પૂરેપૂરો લાભ લેવો જોઈએ. કેમ કે આપણા જીવન-મરણનો સવાલ છે. કઈ રીતે?
દુષ્ટતાની ઘડીઓ ગણાઈ રહી છે!
એક ઈશ્વરભક્તે કહ્યું: “જ્યારે દુષ્ટો ઘાસની પેઠે વધે છે, અને સર્વ અન્યાય કરનારાઓની ચઢતી થાય છે, ત્યારે તે તેમનો સર્વકાળનો નાશ થવાને માટે જ છે.” (ગીતશાસ્ત્ર ૯૨:૭) નુહના દિવસોની જેમ આજે પણ દુષ્ટતા દિવસે દિવસે ફૂલી-ફાલી રહી છે. યહોવાહ ઈશ્વર એ લાંબો સમય ચાલવા દેશે નહિ. તે ફક્ત દુષ્ટ લોકોને જ સજા નહિ કરે. શેતાન સાથે જોડાયેલા સર્વ દૂતોને પણ સજા કરશે. પ્રથમ શેતાન અને તેના સાથી દૂતોને ઊંડાણમાં નાખી દેવામાં આવશે. ત્યાંથી તેઓ ઇન્સાનને કંઈ પણ નુકસાન નહિ કરી શકે. પછી તેઓનો કાયમ માટે નાશ થશે. (૨ તીમોથી ૩:૧-૫; પ્રકટીકરણ ૨૦:૧-૩, ૭-૧૦) તેઓને એ સજા કોણ આપશે? ઈસુ ખ્રિસ્ત પોતે. તેમના વિષે બાઇબલ કહે છે: ‘શેતાનનાં કામનો નાશ કરવા માટે ઈશ્વરનો પુત્ર પ્રગટ થયો.’—૧ યોહાન ૩:૮.
શું તમારે દુષ્ટતાનો અંત જોવો છે? તમે જરૂર એ જોઈ શકશો. ખુદ ઈશ્વરે બાઇબલમાં એનું વચન આપ્યું છે. બાઇબલ સિવાય બીજું કોઈ પુસ્તક જણાવતું નથી કે શેતાનને કારણે આજે દુષ્ટતા ફેલાઈ છે. બાઇબલ જ જણાવે છે કે શેતાન અને તેનાં સર્વ કામોનો નાશ કરવામાં આવશે. અમે ઉત્તેજન આપીએ છીએ કે તમે બાઇબલમાંથી શીખતા રહો. સાચા ઈશ્વરને ઓળખો. શેતાનની લાલચો ને દબાણોથી બચવા એ તમને મદદ કરશે. પછી તમે એવી દુનિયામાં રહી શકશો જ્યાં દુષ્ટતાનું નામ-નિશાન નહિ હોય.—ગીતશાસ્ત્ર ૩૭:૯, ૧૦. (w 07 6/1)
[Footnotes]
a યહોવાહની સામે થનાર આ દૂતનું નામ બાઇબલ જણાવતું નથી. યહોવાહે તેને શેતાન કહ્યો. મૂળ ભાષામાં શેતાનનો અર્થ થાય ‘વિરોધ’ કરનાર. એક સમયમાં તૂર દેશના રાજાનો સ્વભાવ પણ શેતાન જેવો જ હતો. (હઝકીએલ ૨૮:૧૨-૧૯) શરૂઆતમાં શેતાન અને એ રાજામાં કોઈ બૂરાઈ ન હતી. પણ સમય જતાં તેઓનાં મન ફુલાઈ ગયાં. તેઓ અભિમાની બન્યા.
b સજાગ બનો! ઑક્ટોબર-ડિસેમ્બર ૨૦૦૩, “પોર્નોગ્રાફી જોવામાં શું ખોટું છે?” લેખ જુઓ. યહોવાહના સાક્ષીઓએ આ મૅગેઝિન બહાર પાડ્યું છે.
[Box/Picture on page 6]
દંતકથાઓમાં સત્યનો અંશ
દુનિયામાં જૂના જમાનાની અનેક દંતકથાઓ જણાવે છે કે એક સમયે ધરતી પર દેવો, દાનવો અને રાક્ષસો હતા. પૃથ્વી પર જળપ્રલય આવ્યું હતું વગેરે. દાખલા તરીકે, અક્કેડિયન ભાષામાં લખાયેલું ગિલ્ગામેશ મહાકાવ્ય જણાવે છે કે જળપ્રલય આવ્યો હતો, એક વહાણ બાંધવામાં આવ્યું હતું. અમુક લોકો બચી ગયા હતા. કહેવામાં આવે છે કે ગિલ્ગામેશ પોતે વાસનાનો ભૂખ્યો હતો. તે જુલમી હતો. તે અડધો દેવ, અડધો માનવ હતો. એઝટેક લોકોમાં પણ એવી વાર્તા છે કે પ્રાચીન સમયમાં પૃથ્વી પર રાક્ષસો હતા. અને જળપ્રલય આવ્યો હતો. નૉર્વે અને આસપાસના અમુક દેશોની પણ એક પુરાણી વાર્તા છે કે એક સમયે પૃથ્વી પર રાક્ષસોની આખી જાતિ રહેતી હતી. એ સમયમાં બર્ગેલમિર નામની બુદ્ધિશાળી વ્યક્તિ હતી. તેણે મોટું વહાણ બનાવ્યું. જળપ્રલય આવ્યો ત્યારે તે અને તેની પત્ની એમાં ચડી ગયાં અને બચી ગયા. આવી વાર્તાઓ પુરાવો આપે છે કે બાઇબલનો અહેવાલ સાચો છે. જળપ્રલયમાં દુષ્ટ લોકોનો નાશ થયો. એમાં અમુક લોકો બચી ગયા હતા. આપણે બધા તેઓના સંતાન છીએ.
[Picture]
શિલાપાટી પર લખાયેલું ગિલ્ગામેશને લગતું મહાકાવ્ય
[Credit Line]
© Heldur Netocny/Panos Pictures
[Picture on page 5]
લોકોમાં રાક્ષસ જેવાં વાણી-વર્તન જોવા મળે છે
[Picture on page 7]
સાચા ઈશ્વરને ઓળખવાથી આપણને શેતાનની સામે ટકી રહેવા શક્તિ મળે છે