“તારૂં શરીર [નાભિ] નીરોગી થશે”
એવું માનવામાં આવે છે કે મોટા ભાગના લોકો ભય, દુઃખ, ઈર્ષા, ગુસ્સો અને ધિક્કાર જેવા માનસિક દબાણને કારણે બીમાર પડે છે. એમ હોય તો, બાઇબલમાં આપેલી સલાહથી આપણને કેવું સરસ ઉત્તેજન મળે છે જે કહે છે કે, ‘યહોવાહનો ડર રાખવાથી’ “તારૂં શરીર [નાભિ] નીરોગી થશે, અને તારાં હાડકાં બળવંત રહેશે.”—નીતિવચન ૩:૭, ૮.
હાડકાંઓના કારણે શરીરને આધાર મળે છે. તેથી વ્યક્તિની લાગણીઓ પર કેવી અસર પડે છે એ બતાવવા બાઇબલ ઉદાહરણ તરીકે ‘હાડકાંનો’ ઉલ્લેખ કરે છે. પરંતુ યહોવાહનો ડર રાખવાથી કઈ રીતે તમારું “શરીર [નાભિ] નીરોગી થશે?”
અમુક બાઇબલ પંડિતો જુદા જુદા મંતવ્યો ધરાવે છે તેથી તેઓએ આ કલમમાં ‘નાભિનો’ ઉલ્લેખ કર્યો નથી. એક ટીકાકાર મુજબ, ‘નાભિ’ શરીરની એકદમ મધ્યે આવી હોવાથી એ શરીરના જરૂરી બધા જ અંગોને દર્શાવે છે. બીજા એક પંડિતે જણાવ્યું કે ‘નાભિ’ શબ્દનો અર્થ નાળ થઈ શકે જેનો ઉપયોગ હઝકીએલ ૧૬:૪માં કરવામાં આવ્યો છે. આમ હોય તો નીતિવચન ૩:૮ ભારપૂર્વક બતાવે છે કે આપણે પરમેશ્વર પર પૂરેપૂરા આધારિત રહેવું જોઈએ, જેમ ગર્ભમાં શિશું ખોરાક માટે પોતાની માતા પર સંપૂર્ણ આધારિત હોય છે. બીજી બાજુ ‘નાભિનો’ અર્થ સ્નાયુ અથવા સ્નાયુબંધ પણ થઈ શકે. આ કલમના આજુબાજુના સંદર્ભ પ્રમાણે કદાચ શરીરના નરમ અવયવોને અહીં “હાડકાં” સાથે સરખામણી કરવામાં આવી છે.
ભલે એનો અર્થ ગમે તે થતો હોય, પરંતુ એક વાત ચોક્કસ છે: યહોવાહ પરમેશ્વરનો ભય રાખવો એ ડહાપણભર્યું છે. પરમેશ્વરના નિયમો પાળવાથી આજે પણ આપણે તંદુરસ્ત રહી શકીએ છીએ. એટલું જ નહિ, એમ કરવાથી આપણે તેમની કૃપા મેળવીશું. એટલે કે યહોવાહ આપણને તેમની આવનાર નવી દુનિયામાં તન અને મનની સંપૂર્ણ તંદુરસ્તીવાળું હંમેશ માટેનું જીવન આપશે.—યશાયાહ ૩૩:૨૪; પ્રકટીકરણ ૨૧:૪; ૨૨:૨.
[પાન ૩૨ પર ચિત્રની ક્રેડીટ લાઈન]
Dr. G. Moscoso/SPL/Photo Researchers