યહોવાહ દેવના મિત્ર બનીએ
“તમે દેવની પાસે જાઓ, એટલે તે તમારી પાસે આવશે,” શિષ્ય યાકૂબે લખ્યું. (યાકૂબ ૪:૮) ગીતકર્તા દાઊદે કહ્યું: “યહોવાહનો મર્મ તેના ભક્તોની પાસે છે.” (ગીતશાસ્ત્ર ૨૫:૧૪) હા, યહોવાહ ચાહે છે કે આપણે તેમના મિત્ર બનીએ. જોકે, દેવના નિયમો પાળનારા બધા જ ઉપાસકો તેમની નજીક હોવાનું અનુભવતા નથી.
તમારા વિષે શું? શું તમે દેવના મિત્ર છો? તમે જરૂર દેવના મિત્ર બનવા ચાહતા હશો. પરંતુ, કઈ રીતે આપણે દેવ સાથે મૈત્રી બાંધી શકીએ? આપણા માટે એનો અર્થ શું થાય છે? નીતિવચનનો ત્રીજો અધ્યાય આપણને એ જણાવે છે.
કૃપા અને સત્યતાથી જીવો
ઈસ્રાએલના રાજા સુલેમાને નીતિવચનના ત્રીજા અધ્યાયની શરૂઆત આ શબ્દોથી કરી: “મારા દીકરા, મારૂં શિક્ષણ વિસરી ન જા; તારા હૃદયે મારી આજ્ઞાઓને સંઘરી રાખવી; કેમકે તે તને દીર્ઘાયુષ્ય, આવરદાનાં વર્ષો તથા શાંતિની વૃદ્ધિ આપશે.” (આ લેખમાંના ત્રાંસા અક્ષરો અમારા છે.) (નીતિવચન ૩:૧, ૨) સુલેમાન દેવની પ્રેરણાથી એ લખ્યું. તેથી, કોઈ પિતા જાણે આપતા હોય એવી આ સલાહ યહોવાહ દેવ પાસેથી આવે છે. બાઇબલમાં નોંધવામાં આવેલી દેવની સૂચનાઓ, એટલે કે તેમના નિયમો, અથવા શિક્ષણ અને તેમની આજ્ઞાઓ પ્રમાણે જીવવા અહીં આપણને ઉત્તેજન આપવામાં આવ્યું છે. આમ કરીશું તો, આપણને “દીર્ઘાયુષ્ય, આવરદાનાં વર્ષો તથા શાંતિની વૃદ્ધિ” મળશે. હા, દુષ્ટના માર્ગમાં ચાલવાથી આપણું અકાળે મોત થઈ શકે છે. તેમ જ, તેઓના માર્ગમાં ન ચાલવાથી હમણાં પણ આપણે શાંતિપૂર્ણ જીવનનો આનંદ માણી શકીએ છીએ. વળી, આપણે શાંતિપૂર્ણ નવી દુનિયામાં હંમેશા જીવવાની આશા રાખી શકીએ.—નીતિવચન ૧:૨૪-૩૧; ૨:૨૧, ૨૨.
સુલેમાને આગળ કહ્યું: “કૃપા તથા સત્ય તારો ત્યાગ ન કરો; તેઓને તારે ગળે બાંધ; તેઓને તારા હૃદયપટ પર લખી રાખ; તેથી તું દેવ તથા માણસની નજરમાં કૃપા તથા સુકીર્તિ પામશે.”—નીતિવચન ૩:૩, ૪.
મૂળ ભાષામાં “કૃપા” શબ્દનું ભાષાંતર, “વફાદાર પ્રેમ” પણ થાય છે, જેમાં પ્રમાણિકતા, એકતા અને વફાદારી સમાયેલા છે. ભલે ગમે એ થાય છતાં, શું આપણે યહોવાહ દેવને વળગી રહીશું? શું આપણે ભાઈ-બહેનોને કૃપા બતાવીએ છીએ? શું આપણે તેમના દોસ્ત બનવાનો પ્રયત્ન કરીએ છીએ? તેઓ સાથેના સંબંધમાં મુશ્કેલી ઊભી થાય છતાં, શું આપણી “જીભનો નિયમ માયાળુપણું” રહે છે?—નીતિવચન ૩૧:૨૬.
યહોવાહ ખૂબ જ કૃપાળુ હોવાથી, તે “ક્ષમા કરવાને તત્પર છે.” (ગીતશાસ્ત્ર ૮૬:૫) આપણાં પાપનો પસ્તાવો કરીને, આપણે સત્યના માર્ગે ચાલીશું તો, ખરેખર યહોવાહ દેવ તરફથી “તાજગીના સમયો” આવશે. (પ્રેરિતોનાં કૃત્યો ૩:૧૯) શું આપણા દેવનું અનુકરણ કરીને, આપણે બીજાઓનાં પાપ માફ કરવાં ન જોઈએ?—માત્થી ૬:૧૪, ૧૫.
યહોવાહ “સત્યના દેવ” હોવાથી, તેમના મિત્રો થવા ચાહનારાઓ પાસેથી તે ‘સચ્ચાઈ’ ચાહે છે. (ગીતશાસ્ત્ર ૩૧:૫) ‘દુરાચારી માણસો’ બહુરૂપી હોય છે. તેઓ પોતાની અસલિયત સંતાડે છે. જો આપણે ખ્રિસ્તી ભાઈ-બહેનો સાથે એક રીતે અને તેઓ સાથે ન હોઈએ ત્યારે જુદી જ રીતે વર્તીશું, તો શું આપણે પણ ઢોંગી નથી? એમ હોય તો, શું યહોવાહ આપણા મિત્ર બનશે? (ગીતશાસ્ત્ર ૨૬:૪) ખરેખર, એમ કરવું મૂર્ખાઈ હશે, કેમ કે યહોવાહની નજરમાં “કોઈ પણ સૃષ્ટ વસ્તુ ગુપ્ત નથી”!—હેબ્રી ૪:૧૩.
કૃપા અને સચ્ચાઈ અમૂલ્ય હાર જેવા છે, જેને ‘આપણા ગળે બાંધીએ’, કેમ કે એ આપણને “દેવ તથા માણસની નજરમાં કૃપા” પામવા મદદ કરે છે. આપણે આ ગુણોનો દેખાડો જ ન કરવો જોઈએ. પરંતુ, એને ‘આપણા હૃદયપટ પર લખવાની’ જરૂર છે, જેથી એ જીવનનો ભાગ બની જાય.
યહોવાહમાં પૂરેપૂરો ભરોસો રાખો
શાણા રાજા આગળ કહે છે: “તારા ખરા હૃદયથી યહોવાહ પર ભરોસો રાખ, અને તારી પોતાની જ અક્કલ પર આધાર ન રાખ. તારા સર્વ માર્ગોમાં તેની આણ સ્વીકાર, એટલે તે તારા રસ્તાઓ પાધરા કરશે.”—નીતિવચન ૩:૫, ૬.
ખરેખર, યહોવાહમાં જ પૂરેપૂરો ભરોસો રાખી શકાય. તે ઉત્પન્નકર્તા હોવાથી “મહા સમર્થ અને બળવાન” છે. (યશાયાહ ૪૦:૨૬, ૨૯) તે પોતાના સર્વ હેતુઓ પૂરા કરી શકે છે. અરે, તેમના નામનો શાબ્દિક અર્થ થાય, “તે બને છે,” જે આપણને ખાતરી આપે છે કે તે પોતાનાં વચનો જરૂર પૂરાં કરશે! “દેવથી જૂઠું બોલી શકાતું નથી,” એ હકીકત તેમની સચ્ચાઈનો અજોડ દાખલો છે. (હેબ્રી ૬:૧૮) તેમનો મુખ્ય ગુણ પ્રેમ છે. (૧ યોહાન ૪:૮) તે “પોતાના સર્વ માર્ગોમાં ન્યાયી છે, તે પોતાનાં સર્વ કામોમાં કૃપાળુ છે.” (ગીતશાસ્ત્ર ૧૪૫:૧૭) આપણે દેવમાં ભરોસો ન રાખી શકીએ તો, બીજા કોનામાં રાખીશું? જોકે, તેમનામાં ભરોસો કેળવવા એ જરૂરી છે કે, આપણે ‘અનુભવ કરીએ અને જોઈએ કે યહોવાહ ઉત્તમ છે.’ એ માટે, આપણે બાઇબલમાંથી જે કંઈ શીખીએ એ જીવનમાં ઉતારીએ, અને એનાથી થતા લાભો પર મનન કરીએ.—ગીતશાસ્ત્ર ૩૪:૮.
કઈ રીતે આપણે ‘સર્વ માર્ગોમાં યહોવાહની આણ સ્વીકારી’ શકીએ? ગીતકર્તાએ કહ્યું: “હું તારા સર્વ કામોનું મનન કરીશ, અને તારાં કૃત્યો વિષે વિચાર કરીશ.” (ગીતશાસ્ત્ર ૭૭:૧૨) આપણે દેવને જોઈ શકતા નથી. તેથી, એ મહત્વનું છે કે, આપણે તેમનાં કાર્યો અને તેમના લોકો સાથેના વહેવાર પર મનન કરીએ, જેથી તેમની સાથે મિત્રતા બાંધવામાં મદદ મળશે.
યહોવાહની આણ સ્વીકારવાની એક મહત્ત્વની રીત પ્રાર્થના પણ છે. રાજા દાઊદે “આખો દહાડો” યહોવાહને અરજ કરી. (ગીતશાસ્ત્ર ૮૬:૩) દાઊદ અરણ્યમાં નાસી છૂટ્યા ત્યારે, ઘણી વાર આખી રાત પ્રાર્થના કરતા હતા. (ગીતશાસ્ત્ર ૬૩:૬, ૭) પ્રેષિત પાઊલે ભલામણ કરી કે, “હરવખત પ્રાર્થના તથા વિનંતી કરો.” (એફેસી ૬:૧૮) આપણે કેટલી વાર પ્રાર્થના કરીએ છીએ? શું યહોવાહ દેવ સાથે દિલ ખોલીને વાત કરવાનું આપણને ગમે છે? અઘરા સંજોગોમાં આવી પડીએ ત્યારે, મદદ માટે આપણે યહોવાહને આજીજી કરીએ છીએ? આપણે મહત્ત્વનો નિર્ણય લેવાના હોઈએ ત્યારે, શું આપણે યહોવાહના માર્ગદર્શન માટે પ્રાર્થના કરીએ છીએ? આપણી હૃદયપૂર્વકની પ્રાર્થના યહોવાહ દેવને ગમે છે. તે આપણને વચન આપે છે કે, તે આપણી પ્રાર્થનાઓ સાંભળશે અને ‘આપણા રસ્તાઓ પાધરા કરશે.’
આપણે યહોવાહમાં પૂરેપૂરો ભરોસો રાખવાને બદલે, ‘પોતાની જ અક્કલ પર આધાર રાખીએ,’ અથવા જગતના પ્રખ્યાત લોકો પર રાખીએ, એ કેવું મૂર્ખતાભર્યું છે! સુલેમાન કહે છે, “પોતાની નજરમાં જ્ઞાની ન થા.” એના બદલે, તેમણે સલાહ આપી: “યહોવાહનો ડર રાખીને દુષ્ટતાથી દૂર થા; તેથી તારૂં શરીર નીરોગી થશે, અને તારાં હાડકાં બળવંત રહેશે.” (નીતિવચન ૩:૭, ૮) યહોવાહના યોગ્ય ડરની અસર આપણાં વાણી-વર્તન, વિચારો અને લાગણીઓ પર પડવી જોઈએ. એવો યોગ્ય ભય આપણને ખોટું કરતા અટકાવશે, અને દરેક રીતે આપણા પોતાના જ લાભમાં હશે.
યહોવાહને સૌથી સારું આપો
બીજી કઈ રીતે આપણે યહોવાહના મિત્ર બની શકીએ? રાજા સુલેમાન જણાવે છે, “તારા દ્રવ્યથી, તથા તારી પેદાશના પ્રથમ ફળથી યહોવાહનું સન્માન કર.” (નીતિવચન ૩:૯) યહોવાહનું સન્માન કરવાનો અર્થ થાય કે, આપણે તેમનું ઊંડુ માન રાખીએ અને લોકોને તેમના નામનો પ્રચાર કરીએ. જે “દ્રવ્યથી” આપણે યહોવાહનું સન્માન કરી શકીએ, એ આપણો સમય, આવડત, શક્તિ અને ધન-દોલત છે. એ ‘પ્રથમફળ,’ સૌથી સારું હોવું જોઈએ. આપણી સંપત્તિનો આપણે જે રીતે ઉપયોગ કરીએ છીએ, એ બતાવી આપશે કે, આપણે ખરેખર ‘પહેલાં તેમના રાજ્યને તથા દેવના ન્યાયીપણાને શોધીએ’ છીએ કે નહિ?—માત્થી ૬:૩૩.
યહોવાહની સેવામાં આપણે ‘દ્રવ્ય’ વાપરીશું તો, એનો બદલો જરૂર મળશે. સુલેમાને ખાતરી આપી, “એમ કરવાથી તારી વખારો ભરપૂર થશે, અને તારા દ્રાક્ષાકુંડો નવા દ્રાક્ષારસથી ઊભરાઈ જશે.” (નીતિવચન ૩:૧૦) ખરું કે, આત્મિક રીતે સફળ થવાથી કંઈ ભૌતિક સફળતા આવી જતી નથી. પરંતુ, યહોવાહની સેવામાં આપણી મિલકતનો ઉદારતાથી ઉપયોગ કરવાથી આશીર્વાદો જરૂર મળે છે. દેવની ઇચ્છા પૂરી કરવી ઈસુ માટે “અન્ન” હતું. (યોહાન ૪:૩૪) એ જ રીતે, આપણે પણ પ્રચારકાર્યમાં અને શિષ્યો બનાવવામાં ભાગ લઈને યહોવાહને મહિમા આપીશું તો એમાંથી આપણને તાજગી મળશે. આપણે એ કામમાં મચ્યા રહીશું તો, આપણો આત્મિક ભંડાર ખૂટશે નહિ. આપણો આનંદ ‘નવા દ્રાક્ષદારૂની’ જેમ ઉભરાઈ જશે.
શું આપણે દરરોજ યહોવાહ દેવને પૂરતા ખોરાક માટે પ્રાર્થના નથી કરતા, અને આશા નથી રાખતા કે, એ જરૂરિયાત તે પૂરી પાડશે? (માત્થી ૬:૧૧) આપણી પાસે જે કંઈ છે, એ પ્રેમાળ પિતા યહોવાહ પાસેથી જ આવે છે. તેમની ભક્તિમાં આપણે જે રીતે આપણું ‘દ્રવ્ય’ વાપરીશું, તે આપણને એ પ્રમાણે આશીર્વાદ આપશે.—૧ કોરીંથી ૪:૭.
યહોવાહની શિસ્ત સ્વીકારો
યહોવાહ સાથે મૈત્રી બાંધવામાં શિસ્ત કેટલી જરૂરી છે, એ જોતા ઈસ્રાએલના રાજા ભલામણ કરે છે: “મારા દીકરા, યહોવાહની શિક્ષાને તુચ્છ ન ગણ; અને તેના ઠપકાથી કાયર ન થા; કેમકે જેમ પિતા પોતાના માનીતા પુત્રને ઠપકો દે છે તેમ યહોવાહ જેના પર પ્રેમ રાખે છે તેને ઠપકો દે છે.”—નીતિવચન ૩:૧૧, ૧૨.
છતાં, શિસ્ત સ્વીકારવું હંમેશા સહેલું હોતું નથી. પ્રેષિત પાઊલે લખ્યું, “કોઈ પણ શિક્ષા હાલ તરત આનંદકારક લાગતી નથી, પણ ખેદકારક લાગે છે; પણ પાછળથી તો તે કસાએલાઓને ન્યાયીપણાનાં શાંતિદાયક ફળ આપે છે.” (હેબ્રી ૧૨:૧૧) ઠપકો અને શિસ્ત એ તાલીમના મહત્ત્વનાં પાસાં છે, જે આપણને દેવની પાસે લાવે છે. યહોવાહ પાસેથી મળતી શિસ્ત તેમનો પ્રેમ બતાવે છે. ભલે પછી એ આપણાં માબાપ પાસેથી, ખ્રિસ્તી મંડળમાંથી અથવા બાઇબલનો વ્યક્તિગત અભ્યાસ કરતી વખતે એના પર મનન કરવાથી મળે. એ સ્વીકારવાથી આપણને જ લાભ થશે.
ડહાપણ અને સમજશક્તિ કેળવો
પછી, દેવ સાથે મિત્રતા બાંધવામાં ડહાપણ અને સમજશક્તિનું મહત્ત્વ જણાવતા રાજા સુલેમાને કહ્યું: “જે માણસને જ્ઞાન મળે છે, અને જે માણસ બુદ્ધિ સંપાદન કરે છે, તેને ધન્ય છે. કેમકે તેનો વેપાર રૂપાના વેપાર કરતાં, અને તેનો લાભ ચોખ્ખા સોનાના લાભ કરતાં શ્રેષ્ઠ છે. . . . જેઓ તે ગ્રહણ કરે છે તેઓનું તે જીવનવૃક્ષ છે; જેઓ તેને પકડી રાખે છે તે દરેકને ધન્ય છે.”—નીતિવચન ૩:૧૩-૧૮.
યહોવાહ દેવે બનાવેલી અદ્ભુત સૃષ્ટિમાં જે ડહાપણ અને બુદ્ધિનો ઉપયોગ કર્યો હતો, એ યાદ કરાવતા સુલેમાન જણાવે છે: “યહોવાહે જ્ઞાન વડે પૃથ્વી રચી; તેણે બુદ્ધિથી આકાશોને સ્થાપન કર્યા. . . . મારા દીકરા, તેઓને તારી આંખો આગળથી દૂર થવા ન દે; સુજ્ઞાન તથા વિવેકબુદ્ધિ પકડી રાખ; તો તેઓ તારા આત્માનું જીવન, તથા તારા ગળાની શોભા થશે.”—નીતિવચન ૩:૧૯-૨૨.
દેવ ડહાપણ અને સમજશક્તિ ધરાવે છે. આપણે ફક્ત એવા ગુણો કેળવીએ, એટલું જ પૂરતું નથી, પણ આપણે એને વળગી રહીએ. એ આપણે કઈ રીતે કરી શકીએ? બાઇબલનો ઊંડો અભ્યાસ કરવામાં અને એ લાગુ પાડવામાં સખત મહેનત કરીને એમ કરી શકીએ. સુલેમાન કહેવાનું ચાલુ રાખે છે, “ત્યારે તું તારા માર્ગમાં સહીસલામત ચાલતો થશે, અને તારો પગ લથડશે નહિ.” તેમણે ઉમેર્યું: “સૂતી વેળાએ તને ડર લાગશે નહિ; અને તું સૂઈ જશે ત્યારે તને મીઠી ઊંઘ આવશે.”—નીતિવચન ૩:૨૩, ૨૪.
હમણાં, આપણે શેતાનના દુષ્ટ જગત પર ચોરની પેઠે આવનાર ‘અકસ્માત નાશની’ રાહ જોઈએ છીએ. એ સમયે પણ આપણે સલામતીમાં ચાલી શકીએ અને મનની શાંતિથી ઊંઘી શકીએ છીએ. (૧ થેસ્સાલોનીકી ૫:૨, ૩; ૧ યોહાન ૫:૧૯) મહાન વિપત્તિ ઝઝૂમી રહી છે છતાં આપણને આ ભરોસો છે: “જ્યારે અચાનક ભય આવી પડે, અને દુષ્ટોની પાયમાલી થાય ત્યારે તું ન ડર. કેમકે યહોવાહ તારૂં રક્ષણ કરશે, અને તારા પગને સપડાઈ જતો બચાવશે.”—નીતિવચન ૩:૨૫, ૨૬; માત્થી ૨૪:૨૧.
જે સારું છે એ કરો
સુલેમાને સલાહ આપી: “હિત કરવાની શક્તિ તારા હાથમાં હોય તો જેને માટે તે ઘટારત હોય તેનાથી તે પાછું ન રાખ.” (નીતિવચન ૩:૨૭) બીજાઓના ભલા માટે આપણી ધનસંપત્તિનો ઉદારતાથી ઉપયોગ કરીને આપણે ઘણી રીતે મદદ કરી શકીએ. પરંતુ, આ ‘અંતના સમયમાં’ શું એ સૌથી સારું નથી કે, આપણે બીજાઓને સાચા દેવના મિત્ર બનવા મદદ કરીએ? (દાનીયેલ ૧૨:૪) તેથી, હમણાં જ સમય છે કે, આપણે પ્રચાર કાર્ય અને શિષ્ય બનાવવાના કામમાં ઉત્સાહી બનીએ.—માત્થી ૨૮:૧૯, ૨૦.
શાણા રાજાએ વ્યવહારુ સલાહ આપતા કહ્યું: “તારી પાસે હોય, તો તારા પડોશીને એમ ન કહે, કે જા, ને ફરી આવજે, અને હું તને કાલે આપીશ. તારા પડોશીનું ભૂંડું કરવાની પેરવી ન કર, કેમકે તે તારી પડોશમાં નિર્ભય રહે છે. કોઈ માણસે તારૂં કંઈ નુકસાન કર્યું ન હોય, તો વિનાકારણ તેની સાથે તકરાર ન કર. તું જુલમી માણસની અદેખાઈ ન કર, અને તેનો એકે માર્ગ પસંદ ન કર.”—નીતિવચન ૩:૨૮-૩૧.
સુલેમાને પોતાની સલાહનો સાર જણાવતા કહ્યું: “કેમકે આડા માણસોથી યહોવાહ કંટાળે છે; પણ પ્રામાણિક જનો તેનો મર્મ સમજે છે. યહોવાહનો શાપ દુષ્ટના ઘર પર ઊતરે છે; પણ તે સદાચારીઓના રહેઠાણને આશીર્વાદ દે છે. નિશ્ચે તે તિરસ્કાર કરનારાનો તિરસ્કાર કરે છે; પણ તે નમ્ર જનોને કૃપા આપે છે. જ્ઞાનીઓ ગૌરવનો વારસો પામશે; પણ મૂર્ખોને ફજેતી જ મળશે.”—નીતિવચન ૩:૩૨-૩૫.
ખરેખર, આપણે યહોવાહ સાથે મિત્રતાનો આનંદ માણવા ચાહતા હોઈએ તો, આપણે કદી પણ કાવતરાંખોર બનીશું નહિ. (નીતિવચન ૬:૧૬-૧૯) આપણે દેવની નજરમાં જે સાચું છે એ જ કરીશું તો, આપણે તેમની કૃપા અને આશીર્વાદો પામીશું. આપણે દેવના ડહાપણથી વર્તીએ છીએ એની બીજાઓ નોંધ લેશે, એમ આપણને માન પણ મળી શકે. તેથી, ચાલો આ હિંસક અને દુષ્ટ જગતના ભ્રષ્ટ માર્ગોથી આપણે દૂર રહીએ. હા, આપણે ન્યાયી માર્ગો પકડી રાખીએ અને યહોવાહ દેવના મિત્ર બનીએ!
[પાન ૨૫ પર ચિત્રો]
‘તારા દ્રવ્યથી, યહોવાહનું સન્માન કર’