“મનોહર છિંકારી”
મનોહર એ કંઈ એવું વિશેષણ નથી કે જેનો ઉપયોગ આપણે બકરાં માટે કરીએ. આપણે બકરાંને ઉપયોગી પ્રાણી તરીકે જોઈ શકીએ જે આપણા માટે માંસ અને પોષણકારક દુધ પૂરું પાડે છે. પરંતુ એ કારણે આપણે તેઓને કંઈ મનોહર કહીશું નહિ.
તેમ છતાં, બાઇબલ પત્નીને “પ્રેમાળ હરણી તથા મનોહર છિંકારી” તરીકે વર્ણવે છે. (નીતિવચન ૫:૧૮, ૧૯) નીતિવચનના લેખક સુલેમાને ઈસ્રાએલના પ્રાણીઓનો અભ્યાસ કર્યો હોવાથી તેમણે યોગ્યપણે જ આ અલંકારોનો ઉપયોગ કર્યો હોય શકે. (૧ રાજા ૪:૩૦-૩૩) તેમણે તેમના પિતા દાઊદની જેમ મૃત સરોવરના કિનારે એન-ગેદીના વિસ્તારમાં રાની બકરાંઓનું અવલોકન કર્યું હોય શકે.
યહુદાહના વેરાન પ્રદેશમાં રહેતું રાની બકરાંઓનું નાનું ટોળું વસંતઋતુમાં નિયમિત એન-ગેદીએ આવે છે. આ વેરાન પ્રદેશમાં એન-ગેદી પાણીનું ઉદ્ભવસ્થાન છે, તેથી સદીઓથી રાની બકરાંઓ પાણી પીવા અહીં આવે છે. હકીકતમાં એન-ગેદીનો અર્થ “બચ્ચાં માટે પાણીનો ઝરો” થાય છે. અને આ વિસ્તારમાં નિયમિત બકરાંઓની હાજરી એનો પુરાવો આપે છે. શાઊલ રાજાની સતાવણીથી સંતાવા રાજા દાઊદ એન-ગેદીએ આવતા હતા ત્યારે તેમણે “રાની બકરાંના ખડકો પર” થોડા સમય માટે રહેવું પડતું હતું.—૧ શમૂએલ ૨૪:૧, ૨.
તમે એન-ગેદીએ ખીણોમાંથી પાણી માટે પસાર થતાં બકરાંની પાછળ જતી બકરીને આજે પણ જોઈ શકો છો. આમ, તમે બકરીને વફાદાર પત્ની સાથે સરખાવી શકો. બકરીનો શાંત સ્વભાવ અને એનું લાવણ્ય સ્ત્રીના ગુણ બતાવે છે. દેખીતી રીતે “મનોહર” શબ્દ રાની બકરીના શાંત અને લાવણ્ય દેખાવને ચિત્રિત કરે છે.a
બકરી સશક્ત તેમ જ શાંત હોય છે. યહોવાહે અયૂબને કહ્યું તેમ રાની બકરીઓ ભેખડો પર બચ્ચાંને જન્મ આપે છે. એ એવી જગ્યા છે જ્યાં ખોરાક મળતો નથી અને ઘણો તાપ હોય છે. (અયૂબ ૩૯:૧) આવી મુશ્કેલીઓ હોવા છતાં તે પોતાનાં બચ્ચાઓની કાળજી રાખે છે. તેઓને ટેકરી પર ચઢવાનું તથા પોતાની જેમ જ કૂદકો મારવાનું શીખવે છે. બકરી શિકારીઓથી પોતાનાં બચ્ચાનું હિંમતથી રક્ષણ કરે છે. એક અવલોકનકર્તાએ જોયું કે એક રાની બકરીએ પોતાનાં બચ્ચાનું રક્ષણ કરવા ગરૂડ સાથે એકાદ કલાક સુધી લડાઈ કરી.
ખ્રિસ્તી પત્નીઓ અને માતાઓ પણ ગમે તેવા સંજોગોમાં પોતાનાં બાળકોની સંભાળ રાખે છે. રાની બકરીની જેમ તેઓ દેવે આપેલી જવાબદારીને નિઃસ્વાર્થપણે પૂરી કરે છે. તેઓ પોતાનાં બાળકોનું આત્મિક જોખમોથી રક્ષણ કરવા પણ સખત મહેનત કરે છે. તેથી આ અલંકારનો ઉપયોગ સ્ત્રીઓ માટે કરીને સુલેમાને તેઓની સુંદરતા અને આત્મિક ગુણો પર ધ્યાન દોર્યું હતું જે મુશ્કેલીભર્યા સમયમાં પણ પ્રકાશે છે.
[ફુટનોટ]
a ધ ન્યુ બ્રાઉન-ડ્રાઈવર-બ્રિગ્સ-ગસેનીઅસ હેબ્રુ ઍન્ડ ઈગ્લીશ લેક્સીકન અનુસાર, હેબ્રી શબ્દ ખૅનનું આ સંદર્ભ પ્રમાણે ગુજરાતીમાં “મનોહર” ભાષાંતર કરવામાં આવ્યું છે. એનો અર્થ, શાંત અને લાવણ્ય દેખાવ થાય છે.
[પાન ૩૦, ૩૧ પર ચિત્ર]
ખ્રિસ્તી પત્ની અને માતા પરમેશ્વરે આપેલી જવાબદારીને પરિપૂર્ણ કરવા આત્મિક ગુણો બતાવે છે