‘યહોવાહનો ભય તે જ જ્ઞાન છે’
“વાતનું પરિણામ આપણે સાંભળીએ; તે આ છે: દેવનું ભય રાખ અને તેની આજ્ઞાઓ પાળ; દરેક મનુષ્યની સંપૂર્ણ ફરજ એ છે.” (સભાશિક્ષક ૧૨:૧૩) પરમેશ્વરની પ્રેરણાથી પ્રાચીન ઈસ્રાએલના રાજા કેવા જોરદાર પરિણામ પર આવ્યા! અયૂબ પણ પરમેશ્વરનો ભય કે આદરભાવ રાખવાનું મૂલ્ય સમજતા હતા. આથી જ, તેમણે કહ્યું: “પ્રભુનો ભય તે જ જ્ઞાન છે; અને દુષ્ટતાથી દૂર રહેવું એ જ બુદ્ધિ છે.”—અયૂબ ૨૮:૨૮.
બાઇબલમાં યહોવાહનો ભય રાખવાને ખાસ મહત્ત્વ આપવામાં આવ્યું છે. શા માટે યહોવાહનો ભય રાખવો એ ડહાપણનો માર્ગ છે? પરમેશ્વરનો ભય રાખવાથી આપણને પોતાને તેમ જ સમૂહ તરીકે કઈ રીતે લાભ થાય છે? એના જવાબ આપણને નીતિવચનોના ચૌદમા અધ્યાયની ૨૬થી ૩૫ કલમોમાં મળે છે.a
‘દૃઢ વિશ્વાસનો’ ઝરો
“યહોવાહના ભયમાં દૃઢ વિશ્વાસ સમાએલો છે; અને તે રાખનારનાં છોકરાંને આશ્રયસ્થાન મળશે.” (નીતિવચનો ૧૪:૨૬) પરમેશ્વરનો ભય રાખનારા સર્વશક્તિમાન પરમેશ્વર, યહોવાહ પર જ ભરોસો રાખે છે. આવા લોકો ગમે તેવી મુશ્કેલીનો પણ દૃઢ વિશ્વાસથી સામનો કરે છે. તેમનું ભવિષ્ય પણ સુખી હોય છે.
જેઓ આ જગતના સંગઠનો, એના વિચારો અને એની ધનસંપત્તિમાં પોતાનો ભરોસો મૂકે છે તેઓના ભવિષ્ય વિષે શું કહી શકાય? તેઓ જે કંઈ આશાઓ રાખે છે એ હંગામી ધોરણે છે. કેમ કે, બાઇબલ કહે છે: “જગત તથા તેની લાલસા જતાં રહે છે; પણ જે દેવની ઇચ્છા પૂર્ણ કરે છે તે સદા રહે છે.” (૧ યોહાન ૨:૧૭) તો પછી, શું આપણે આ “જગત પર અથવા જગતમાંના વાનાં પર” પ્રેમ રાખવો જોઈએ?—૧ યોહાન ૨:૧૫.
પરમેશ્વરના માર્ગમાં ચાલનારા માબાપ પોતાનાં બાળકોને “આશ્રયસ્થાન મળશે” એવી ખાતરી કઈ રીતે રાખી શકે? ગીતશાસ્ત્રના લેખકે કહ્યું: “આવો, દીકરાઓ, મારૂં સાંભળો; હું તમને યહોવાહનું ભય રાખતાં શીખવીશ.” (ગીતશાસ્ત્ર ૩૪:૧૧) માબાપ બાળકોને માર્ગદર્શન આપીને તથા સારું ઉદાહરણ બેસાડીને પરમેશ્વરનો ભય રાખતા શીખવી શકે. આમ કરવાથી તેઓ મોટા થશે ત્યારે પણ તેઓને યહોવાહમાં દૃઢ વિશ્વાસ હશે.—નીતિવચનો ૨૨:૬.
સુલેમાન રાજા કહે છે, “મોતના ફાંદામાંથી છૂટી જવાને માટે યહોવાહનું ભય જીવનનો ઝરો છે.” (નીતિવચનો ૧૪:૨૭) યહોવાહનો ભય “જીવનનો ઝરો” છે કારણ કે સાચા પરમેશ્વર, “જીવતા પાણીનો ઝરો” છે. (યિર્મેયાહ ૨:૧૩) યહોવાહ અને ઈસુ ખ્રિસ્તનું જ્ઞાન લેવાથી આપણે અનંતજીવન મેળવી શકીએ છીએ. (યોહાન ૧૭:૩) પરમેશ્વરનો ભય આપણને મરણના ફાંદામાં ફસાતા પણ અટકાવે છે. કેવી રીતે? નીતિવચનો ૧૩:૧૪ બતાવે છે: “મોતના ફાંદાઓમાંથી છૂટી જવાને માટે, જ્ઞાનીનું શિક્ષણ જીવનનો ઝરો છે.” આપણે યહોવાહનો ભય રાખીએ, તેમની આજ્ઞાઓ પાળીએ અને તેમના શબ્દમાંથી મળતા માર્ગદર્શન પ્રમાણે કરીએ ત્યારે આપણને લાભ થાય છે. આપણને એવાં કાર્યોથી રક્ષણ મળે છે જે આપણને નુકસાન પહોંચાડી શકે અથવા કમોત લાવી શકે.
“રાજાનું ગૌરવ”
મોટા ભાગે રાજા સુલેમાન પરમેશ્વરનો ભય રાખનારા હતા. તે પરમેશ્વરની આજ્ઞા પાળતા હતા. પરિણામે, તેમના રાજમાં શાંતિ હતી. એક રાજાનું શાસન કેટલું સારું છે એ કેવી રીતે નક્કી કરી શકાય? નીતિવચનો ૧૪:૨૮ એનો જવાબ આપે છે: “પ્રજાજનોની વૃદ્ધિ એ રાજાનું ગૌરવ છે; પણ ઘટતી જતી વસતીમાં રાજાની પડતી છે.” પ્રજા કેટલી સુખી છે એના આધારે રાજાની સફળતા નક્કી કરવામાં આવે છે. જો વધારે લોકોને રાજાનું શાસન ગમે તો એ રાજાની સફળતા બતાવે છે. સુલેમાન રાજાનું શાસન “[રાતો] સમુદ્રથી [ભૂમધ્ય] સમુદ્ર સુધી, અને [યુફ્રેટિસ] નદીથી તે પૃથ્વીની સીમા સુધી” ફેલાયેલું હતું. (ગીતશાસ્ત્ર ૭૨:૬-૮) તેમના રાજમાં લોકો પરમશાંતિ અને સમૃદ્ધિમાં રહેતા હતા. (૧ રાજાઓ ૪:૨૪, ૨૫) આમ, સુલેમાનનું શાસન સફળ હતું. પરંતુ, જો કોઈ પણ રાજા સારી રીતે રાજ ન ચલાવતો હોય, અને લોકો એ રાજ નીચે રહેવા ન માંગતા હોય તો એનાથી રાજાનું ગૌરવ નીચું થઈ જતું.
આ બાબતમાં, મહાન સુલેમાન, ઈસુ ખ્રિસ્ત જે મસીહી રાજા છે, તેમના ગૌરવ વિષે શું કહી શકાય? આજે તેમના નાગરિકો ક્યાં ક્યાં છે એનો વિચાર કરો. આખી પૃથ્વી પર ૬૦ લાખ કરતાં વધારે લોકોએ તેમના શાસન હેઠળ રહેવાનું પસંદ કરી લીધું છે. તેઓ ઈસુમાં વિશ્વાસ બતાવે છે અને એક થઈને સાચા પરમેશ્વરની ઉપાસના કરે છે. (યોહાન ૧૪:૧) હજાર વર્ષના શાસનના અંત સુધીમાં, જેઓ મરણની ઊંઘમાં છે તેઓ સર્વને સજીવન કરવામાં આવશે. પારાદેશ એટલે કે બગીચા જેવી પૃથ્વી આનંદી અને ન્યાયી લોકોથી ભરાઈ જશે. તેઓ પોતાના રાજાને કદર બતાવે છે. એ ખ્રિસ્તના શાસનની સફળતાનો કેટલો મોટો પુરાવો હશે! ચાલો આપણે રાજ્યની અદ્ભુત આશાને કદી ન છોડીએ.
આત્મિક અને શારીરિક ફાયદાઓ
પરમેશ્વરનો ભય આપણને હૃદય અને મનની શાંતિ આપે છે. કારણ કે જ્ઞાન અથવા ડહાપણના ઘણાં પાસાઓમાં યોગ્ય નિર્ણયો લેવાનો અને બુદ્ધિ ચલાવવાનો પણ સમાવેશ થાય છે. નીતિવચનો ૧૪:૨૯ કહે છે: “જે ક્રોધ કરવે ધીમો છે તે ઘણો બુદ્ધિમાન છે; પણ ઉતાવળિયા સ્વભાવનો માણસ મૂર્ખાઈને ઉત્તેજન આપે છે.” આમ, બુદ્ધિ આપણને બેકાબૂ ગુસ્સે થતા અટકાવશે. કેમ કે, બુદ્ધિમાન વ્યક્તિ એ જોઈ શકશે કે બેકાબૂ ગુસ્સો પરમેશ્વર સાથેના આપણા સંબંધમાં તિરાડ પાડી શકે છે. “વૈરભાવ, કજીઆકંકાશ, ઈર્ષા, ક્રોધ, ખટપટ” આપણને ‘પરમેશ્વરના રાજ્યનો વારસો’ મેળવતા અટકાવે છે. (ગલાતી ૫:૧૯-૨૧) આપણને સલાહ મળી છે કે આપણો વાંક ન હોય તોપણ આપણે ગુસ્સાને પોતા પર રાજ કરવા ન દઈએ. (એફેસી ૪:૨૬, ૨૭) અધીરા બનીને ઉતાવળે લીધેલું પગલું આપણને એવાં કામો કરવા કે બોલી જવા ઉશ્કેરે છે કે જેના લીધે પાછળથી પેટ ભરીને પસ્તાવું પડે.
ગુસ્સાને લીધે શરીર પર ખરાબ અસર થાય છે. એના વિષે રાજા સુલેમાન કહે છે: “હૃદયની શાંતિ શરીરનું જીવન છે; પણ ઈર્ષા હાડકાંનો સડો છે.” (નીતિવચનો ૧૪:૩૦) ગુસ્સાને લીધે અમુક બીમારી થાય છે. જેમ કે, શ્વાસનળીની મુશ્કેલી, બ્લડ પ્રેશર વધી જવું, લીવરની મુશ્કેલીઓ અને સ્વાદુપિંડ પર પણ એની ખરાબ અસર થાય છે. ડૉક્ટરો એમ પણ બતાવે છે કે બેકાબૂ ગુસ્સે થવાથી અલ્સર, એલર્જી, અસ્થમા, ચામડીની બીમારી અને પાચનતંત્રમાં ગરબડ ઊભી થાય છે. જ્યારે કે બીજી તર્ફે, “હૃદયની શાંતિ શરીરનું જીવન છે.” તો પછી, “જે બાબતો શાંતિકારક છે તથા જે વડે આપણે એકબીજામાં સુધારોવધારો કરી શકીએ એવી બાબતોની પાછળ આપણે લાગુ રહેવું” કેટલું સારું છે.—રૂમી ૧૪:૧૯.
પરમેશ્વરનો ભય આપણને નિષ્પક્ષ બનવા મદદ કરે છે
સુલેમાન રાજા કહે છે, “ગરીબ પર જુલમ કરનાર પોતાના સરજનહારની નિંદા કરે છે; પણ દરિદ્રી ઉપર દયા રાખનાર તેને માન આપે છે.” (નીતિવચનો ૧૪:૩૧) પરમેશ્વરનો ભય રાખનાર વ્યક્તિ જાણે છે કે માણસોને બનાવનાર, પરમેશ્વર યહોવાહ છે. એનો અર્થ એમ થયો કે ગરીબો પણ તેના ભાઈબહેનો છે. તેમ જ, જે રીતે આપણે ગરીબો સાથે વ્યવહાર રાખીએ છીએ એ બતાવશે કે આપણે યહોવાહને માન આપીએ છીએ કે તેમનું અપમાન કરીએ છીએ. પરમેશ્વરને મહિમા આપવા, આપણે એકબીજા સાથે ભેદભાવ રાખ્યા વિના વર્તવું જોઈએ. ગરીબ ભાઈબહેનો માટે કોઈ ભેદભાવ રાખ્યા વિના તેઓને પરમેશ્વરની સેવામાં આગળ વધવા મદદ કરવી જોઈએ. આપણે બધાને, ભલે તેઓ ગરીબ હોય કે અમીર, દરેકને પરમેશ્વરના રાજ્યના સુસમાચાર જણાવવા જોઈએ.
પરમેશ્વરનો ભય રાખવાના બીજા એક ફાયદા વિષે રાજા સુલેમાન કહે છે, “દુષ્ટો તેમની દુષ્ટતાથી જ પતન પામે છે, પણ નેકજનની નિર્દોષતા તેનું રક્ષણ કરે છે.” (નીતિવચનો ૧૪:૩૨) કઈ રીતે દુષ્ટોનું પતન થાય છે? એમ કહેવામાં આવે છે કે જ્યારે તેઓ પર મુસીબત આવી પડે છે ત્યારે તેઓને એમાંથી બહાર નીકળવાનો કોઈ માર્ગ મળતો નથી. બીજી તર્ફે, પરમેશ્વરનો ભય રાખનાર પર મુસીબતો આવી પડે છે ત્યારે, તેને પરમેશ્વર માટેની પ્રમાણિકતા સહારો આપે છે. મોત આવી જાય તોપણ યહોવાહમાં પૂરેપૂરો ભરોસો રાખીને, તે અયૂબ જેવો જ નિર્ણય કરે છે. અયૂબે કહ્યું હતું: “મરતાં સુધી હું મારા પ્રામાણિકપણાનો ઈનકાર કરીશ નહિ.”—અયૂબ ૨૭:૫.
પ્રામાણિકતા જાળવી રાખવામાં પરમેશ્વરનો ભય અને જ્ઞાન કે ડહાપણની જરૂર પડે છે. પરંતુ, આ ડહાપણ ક્યાંથી મેળવી શકીએ? “બુદ્ધિમાનના અંતઃકરણમાં જ્ઞાન રહે છે; પણ મૂર્ખના અંતરમાંનું જ્ઞાન જણાઈ જાય છે.” (નીતિવચનો ૧૪:૩૩) બુદ્ધિમાન માણસના હૃદયમાં જ્ઞાન કે ડહાપણ જોવા મળે છે. મૂર્ખમાં પણ એ ડહાપણ જોવા મળે છે. કઈ રીતે? એક પુસ્તક બતાવે છે, “મૂર્ખ પોતે માને છે કે તેનામાં ડહાપણ છે. એ બતાવવા તે ઉત્સુક હોય છે. પરંતુ તે વિચાર્યા વગર બોલી નાખે છે. એમ તેની મૂર્ખતા દેખાઈ આવે છે.”
“રાષ્ટ્રોને ગૌરવ અપાવે છે”
આપણે જોયું કે પરમેશ્વરનો ભય રાખવાથી વ્યક્તિ પર કેવી અસર થાય છે. વળી, પરમેશ્વરના ભયની આખા રાષ્ટ્ર પર કેવી અસર થાય છે એ તરફ ધ્યાન દોરતા સુલેમાન રાજા કહે છે: “ન્યાયપણું રાષ્ટ્રને ગૌરવ અપાવે છે; પણ પાપ કોઈ પણ પ્રજા માટે લાંછનરૂપ છે.” (નીતિવચનો ૧૪:૩૪, IBSI) ઈસ્રાએલ રાષ્ટ્રના ઉદાહરણમાંથી આ સિદ્ધાંત કેટલો સ્પષ્ટ રીતે જોવા મળે છે! તેઓ પરમેશ્વરના ઉચ્ચ સિદ્ધાંતોને વળગી રહ્યા ત્યારે તેઓએ બીજાં રાષ્ટ્રો કરતાં વધુ સફળતા મેળવી. તેમ છતાં, તેઓએ વારંવાર પરમેશ્વરની આજ્ઞા તોડી. એના લીધે તેઓ દુઃખી થયા અને પરમેશ્વરે તેઓને છેવટે છોડી દીધા. આ જ સિદ્ધાંત આજે પરમેશ્વરના લોકોને પણ લાગુ પડે છે. ખ્રિસ્તી મંડળ જગતથી અલગ છે કારણ કે તેઓ પરમેશ્વરના સિદ્ધાંતો પ્રમાણે જીવે છે. તેમ છતાં, જગતથી અલગ રહેવા માટે, આપણે રોજબરોજના જીવનમાં શુદ્ધ રહેવું જોઈએ. વારંવાર પાપ કરવાથી આપણે પોતે જ નીચું જોવું પડે છે, તેમ જ મંડળ અને પરમેશ્વર પર પણ લાંછન લાવીએ છીએ.
રાજાને કઈ બાબતથી આનંદ થાય છે એ વિષે સુલેમાન કહે છે: “કાર્યક્ષમ સેવકોથી રાજા આનંદ પામે છે; પણ સમસ્યાઓ ઊભી કરનારાઓ પર તે ગુસ્સે થાય છે.” (નીતિવચનો ૧૪:૩૫; IBSI) “સાચું બોલનારાથી રાજા આનંદ પામે છે, અને સારું બોલનાર પ્રત્યે તે સદ્ભાવ દાખવે છે.” (સુભાષિતો [નીતિવચનો] ૧૬:૧૩, સંપૂર્ણ) હા, આપણે સચ્ચાઈથી વર્તીએ છીએ અને રાજ્યનો પ્રચાર કરવા તેમ જ શિષ્યો બનાવવાના કાર્યમાં ભાગ લઈએ છીએ ત્યારે આપણા આગેવાન અને રાજા ઈસુ ખ્રિસ્તને ઘણી ખુશી થાય છે. તેથી, ચાલો આપણે આ કામમાં લાગુ રહીએ અને સાચા પરમેશ્વરનો ભય રાખવાથી મળતા આશીર્વાદોનો આનંદ માણીએ.
[ફુટનોટ]
a નીતિવચનો ૧૪:૧-૨૫ની ચર્ચા માટે ચોકીબુરજ, નવેમ્બર ૧૫, ૨૦૦૪, પાન ૨૬-૨૯ અને જુલાઈ ૧૫, ૨૦૦૫, પાન ૧૭-૨૦ પર જુઓ.
[પાન ૧૫ પર ચિત્ર]
પરમેશ્વરનો ભય રાખતા શીખવી શકાય છે