અદૃશ્યને જોતા હોય એમ અડગ રહો!
“અદૃશ્યને જોતો હોય એમ [મુસા] અડગ રહ્યો.”—હેબ્રી ૧૧:૨૭.
યહોવાહ પરમેશ્વરને આપણે જોઈ શકતા નથી. મુસાએ તેમનો મહિમા જોવાની વિનંતી કરી ત્યારે, યહોવાહે કહ્યું: “તું મારૂં મુખ જોઈ શકતો નથી; કેમકે મને જોઈને કોઈ માણસ જીવતો રહી શકે નહિ.” (નિર્ગમન ૩૩:૨૦) પ્રેષિત યોહાને લખ્યું: “દેવને કોઈ માણસે કદી દીઠો નથી.” (યોહાન ૧:૧૮) અરે, મનુષ્ય તરીકે ઈસુ ખ્રિસ્ત પૃથ્વી પર હતા ત્યારે, તે પણ યહોવાહને જોઈ શકતા ન હતા. તેમ છતાં, ઈસુએ પહાડ પરના ઉપદેશમાં કહ્યું: “મનમાં જેઓ શુદ્ધ છે તેઓને ધન્ય છે; કેમકે તેઓ દેવને જોશે.” (માત્થી ૫:૮) ઈસુના કહેવાનો શું અર્થ હતો?
૨ બાઇબલ શીખવે છે કે યહોવાહ અદૃશ્ય પરમેશ્વર છે. (યોહાન ૪:૨૪; કોલોસી ૧:૧૫; ૧ તીમોથી ૧:૧૭) તેથી, ઈસુએ એમ ન કહ્યું કે આપણે યહોવાહને આપણી આંખોથી જોઈ શકીએ છીએ. એ સાચું છે કે અભિષિક્ત ખ્રિસ્તીઓ સ્વર્ગમાં સજીવન થયા પછી, યહોવાહ પરમેશ્વરને જોઈ શકશે. પરંતુ, જેઓ ‘મનમાં શુદ્ધ છે’ અને પૃથ્વી પર હંમેશ માટે જીવવાની આશા રાખે છે, તેઓ પણ પરમેશ્વરને “જોઈ” શકશે. એ કઈ રીતે શક્ય છે?
૩ આપણે યહોવાહે ઉત્પન્ન કરેલી વસ્તુઓ જોવા સમય કાઢીને તેમના વિષે ઘણું જાણી શકીએ છીએ. આપણે તેમની શક્તિથી પ્રભાવિત થઈને તેમને ઉત્પન્નકર્તા તરીકે સ્વીકારવા પ્રેરાઈ શકીએ. (હેબ્રી ૧૧:૩; પ્રકટીકરણ ૪:૧૧) આ બાબતે પ્રેષિત પાઊલે લખ્યું: “કેમકે તેના [પરમેશ્વરના] અદૃશ્ય ગુણો, એટલે તેનું સનાતન પરાક્રમ અને દેવત્વ, જગત ઉત્પન્ન થયું ત્યારથી સૃજેલી વસ્તુઓના નિરીક્ષણથી સ્પષ્ટ જણાય છે.” (રૂમી ૧:૨૦) તેથી, પરમેશ્વરને જોવા વિષે ઈસુએ જે કહ્યું એમાં યહોવાહના કેટલાક ગુણો જોવાનો સમાવેશ થાય છે. પરમેશ્વરને જોવા માટે ખરું જ્ઞાન અને આત્મિક ‘અંતદૃષ્ટિ’ હોવી જરૂરી છે. (એફેસી ૧:૧૮; મુક્તિ-સંદેશ) ઈસુએ જે કહ્યું અને કર્યું એ યહોવાહ વિષે ઘણું જણાવે છે. તેથી, ઈસુએ કહ્યું: “જેણે મને જોયો છે તેણે બાપને જોયો છે.” (યોહાન ૧૪:૯) ઈસુએ પોતાના જીવનમાં યહોવાહના જેવા જ ગુણો બતાવ્યા. આમ, ઈસુના જીવન વિષેનું જ્ઞાન અને શિક્ષણ આપણને પરમેશ્વરને જોવા કે તેમના કેટલાક ગુણો સમજવા મદદ કરે છે.
આત્મિકતા મહત્ત્વની છે
૪ આજે, વિશ્વાસ અને ખરી આત્મિકતા બહુ ઓછા પ્રમાણમાં જોવા મળે છે. પાઊલે કહ્યું, “સર્વ માણસો વિશ્વાસ કરનાર નથી.” (૨ થેસ્સાલોનીકી ૩:૨) ઘણા લોકો પોતાના જીવનમાં જ ડૂબેલા હોય છે અને તેઓને પરમેશ્વરમાં વિશ્વાસ હોતો નથી. તેઓનું પાપી વલણ અને આત્મિકતાની ખામીના કારણે, તેઓ સમજણની આંખોથી પરમેશ્વરને જોઈ શકતા નથી. તેથી, પ્રેષિત યોહાને લખ્યું: “જે ભૂંડું કરે છે તેણે દેવને જોયો નથી.” (૩ યોહાન ૧૧) આવા લોકો પરમેશ્વરને પોતાની આંખે જોઈ શકતા ન હોવાથી, તેઓ એ રીતે વર્તે છે કે જાણે પરમેશ્વર પણ તેઓને જોતા નથી. (હઝકીએલ ૯:૯) તેઓને આત્મિક બાબતો ગમતી નથી, તેથી તેઓ “દેવનું જ્ઞાન” મેળવી શકતા નથી. (નીતિવચન ૨:૫) તેથી, પ્રેષિત પાઊલે યોગ્ય રીતે જ લખ્યું: “સાંસારિક માણસ દેવના આત્માની વાતોનો સ્વીકાર કરતું નથી; કેમકે તે વાતો તેને મૂર્ખતા જેવી લાગે છે; અને તેઓ આધ્યાત્મિક રીતે સમજાય છે, માટે તે તેમને સમજી શકતું નથી.”—૧ કોરીંથી ૨:૧૪.
૫ તેમ છતાં, આપણે આત્મિક મનવાળા હોઈશું તો, એક વાત યાદ રાખીશું. તે વાત એ છે કે પરમેશ્વર ભલે ભૂલો શોધતા નથી છતાં, તે આપણાં ખોટાં કાર્યો અને ઇચ્છાઓ વિષે જાણે છે. ખરેખર, “મનુષ્યના માર્ગો ઉપર યહોવાહની નજર છે. અને તે તેના સર્વ રસ્તાની સંભાળની તુલના કરે છે.” (નીતિવચન ૫:૨૧) આપણે પાપ કરી બેસીએ તો, આપણે પસ્તાવો કરીને યહોવાહની માફી માંગવી જોઈએ, કારણ કે આપણે તેમને ચાહીએ છીએ અને તેમને દુઃખી કરવા માંગતા નથી.—ગીતશાસ્ત્ર ૭૮:૪૧; ૧૩૦:૩.
અડગ રહેવા શું મદદ કરશે?
૬ આપણે ભલે યહોવાહને જોઈ શકતા નથી છતાં, હંમેશા યાદ રાખીએ કે તે આપણને જોઈ શકે છે. તે ખરેખર અસ્તિત્વ ધરાવે છે અને મદદ માટે જેઓ તેમને પોકારે છે, તેઓની નજીક તે છે એવી ખાતરી રાખવાથી આપણે અડગ રહી શકીશું. આપણે યહોવાહ પ્રત્યેની વફાદારીમાં મક્કમ અને દૃઢ રહીશું. (ગીતશાસ્ત્ર ૧૪૫:૧૮) આપણે મુસા જેવા બની શકીએ જેમના વિષે પાઊલે લખ્યું: “વિશ્વાસથી તેણે મિસરનો ત્યાગ કર્યો, રાજાના ક્રોધથી તે બીધો નહિ; કેમકે જાણે તે અદૃશ્યને જોતો હોય એમ તે અડગ રહ્યો.”—હેબ્રી ૧૧:૨૭.
૭ ઈસ્રાએલીઓને મિસરની ગુલામીમાંથી બહાર કાઢી લાવવા યહોવાહે સોંપેલું કાર્ય કરવા, મુસાને અવારનવાર જુલમી રાજા ફારૂનના રાજદરબારમાં જવું પડતું હતું. એ ધાર્મિક અને લશ્કરી અધિકારીઓથી ભરેલો રહેતો હતો. દેખીતી રીતે જ, મહેલની દીવાલો પર પણ જૂઠા દેવોની મૂર્તિઓ કોતરેલી હતી. પરંતુ મિસરના નિર્જીવ દેવોથી ભિન્ન, યહોવાહ અદૃશ્ય હોવા છતાં મુસા માટે વાસ્તવિક હતા. તેથી, મુસા ફારૂનથી બિલકુલ ડર્યા નહિ, એ આશ્ચર્યની બાબત નથી.
૮ શાનાથી મુસા ફારૂનની સામે વારંવાર જવા માટે હિંમતવાન થયા? બાઇબલ આપણને કહે છે કે, “મુસા પૃથ્વીની પીઠ પરના સર્વ લોક કરતાં નમ્ર હતો.” (ગણના ૧૨:૩) સ્પષ્ટપણે, મુસા આત્મિક રીતે દૃઢ હતા અને યહોવાહ પોતાની સાથે છે, એવી તેમને પૂરી ખાતરી હતી. તેથી, મુસા મિસરના એ કઠોર રાજા સામે જઈને “તે અદૃશ્યને” વિષે જણાવી શક્યા. આજે એવી કઈ રીતો છે કે જેનાથી આપણે અદૃશ્ય પરમેશ્વરને “જોઈને” તેમનામાં આપણો વિશ્વાસ મજબૂત કરી શકીએ?
૯ આપણો વિશ્વાસ બતાવવાની અને અદૃશ્યને જોતા હોય એમ અડગ રહેવાની એક રીત એ છે કે, સતાવણી આવે તોપણ હિંમતથી પ્રચાર કરતા રહેવું. ઈસુએ પોતાના શિષ્યોને ચેતવણી આપી: “મારા નામને લીધે સઘળા તમારો દ્વેષ કરશે.” (લુક ૨૧:૧૭) તેમણે એ પણ કહ્યું: ‘દાસ પોતાના શેઠથી મોટો નથી, જો તેઓ મારી પૂઠે પડ્યા, તો તેઓ તમારી પૂઠે પણ પડશે.’ (યોહાન ૧૫:૨૦) ઈસુના મરણ પછી તેમના શિષ્યોને ધમકીઓ આપવામાં આવી, જેલમાં પૂરવામાં આવ્યા અને મારવામાં આવ્યા. આમ, ઈસુના શબ્દો સાચા પુરવાર થયા. (પ્રેરિતોનાં કૃત્યો ૪:૧-૩; ૧૮-૨૧; પ્રેરિતોનાં કૃત્યો ૫:૧૭, ૧૮, ૪૦) સતાવણી સહન કરતા જઈને પણ, ઈસુના પ્રેષિતો અને બીજા શિષ્યોએ હિંમતથી પ્રચાર કરવાનું ચાલુ રાખ્યું.—પ્રેરિતોનાં કૃત્યો ૪:૨૯-૩૧.
૧૦ મુસાની જેમ, ઈસુના શરૂઆતના શિષ્યો પણ દુશ્મનોથી ડરી ગયા નહિ. તેઓને યહોવાહમાં પૂરો ભરોસો હતો, આથી તેઓ સખત સતાવણીનો પણ સામનો કરી શક્યા. હા, તેઓ જાણે અદૃશ્યને પોતાની નજર સામે જોતા હોય એમ અડગ રહ્યા. આજે, યહોવાહ આપણું રક્ષણ કરે છે એવી પૂરેપૂરી ખાતરી આપણને રાજ્યનો પ્રચાર કરવા માટે હિંમત આપે છે અને નિર્ભય બનાવે છે. બાઇબલ કહે છે કે “માણસની બીક ફાંદારૂપ છે; પણ જે કોઈ યહોવાહ પર ભરોસો રાખે છે તે સહીસલામત રહેશે.” (નીતિવચન ૨૯:૨૫) તેથી, આપણે સતાવણીના ભયથી પીછેહઠ કરતા નથી. તેમ જ, આપણા સેવાકાર્યમાં પણ શરમ અનુભવતા નથી. આપણો વિશ્વાસ આપણને પાડોશીઓને, નોકરી પર, શાળાએ અને બીજાઓને હિંમતથી પ્રચાર કરવા ઉત્તેજન આપે છે.—રૂમી ૧:૧૪-૧૬.
અદૃશ્ય યહોવાહ પોતાના લોકોને દોરે છે
૧૧ વિશ્વાસની આંખોથી આપણે જોઈએ છીએ કે યહોવાહ પોતાના પૃથ્વી પરના સંગઠનને માર્ગદર્શન આપે છે. તેથી, મંડળમાં જવાબદાર ભાઈઓની ખામીઓ શોધીને આપણે તેઓની ટીકા કરવી જોઈએ નહિ. પ્રેષિત પીતર અને ઈસુના સાવકા ભાઈ યહુદાએ મંડળના અમુક જણ વિષે ચેતવણી આપી કે જેઓમાં આત્મિકતાની મોટી ખામી હતી. તેઓ મંડળમાં આગેવાની લઈ રહેલાઓની આકરી નિંદા કરતા હતા. (૨ પીતર ૨:૯-૧૨; યહુદા ૮) જો યહોવાહ ખરેખર ત્યાં હાજર હોત તો શું તેઓએ એવી નિંદા કરી હોત? ના, ચોક્કસ નહિ! પરંતુ યહોવાહ દૃશ્ય નથી એ કારણે, તેઓ એ ભૂલી ગયા કે પોતે હજુ પણ તેમને જવાબ આપવો પડશે.
૧૨ હા, એ સાચું છે કે ખ્રિસ્તી મંડળ અપૂર્ણ મનુષ્યોનું બનેલું છે. વડીલો તરીકે સેવા કરતા ભાઈઓ ભૂલો કરે છે, જે ક્યારેક આપણને પોતાને અસર કરી શકે. તોપણ, યહોવાહ પોતાના લોકોની દેખરેખ રાખવા તેઓનો ઉપયોગ કરે છે. (૧ પીતર ૫:૧, ૨) આત્મિક મનવાળા સ્ત્રી-પુરુષો જાણે છે કે આ એક રીતે યહોવાહ પોતાના લોકોને માર્ગદર્શન આપે છે. એ કારણે, ખ્રિસ્તી તરીકે આપણે કચકચ કરવાનું ફરિયાદી વલણ ટાળીને, પોતાના લોકોને માર્ગદર્શન આપવા યહોવાહે કરેલી ગોઠવણની કદર કરીએ. મંડળના જવાબદાર ભાઈઓને આધીન રહીને, આપણે બતાવીએ છીએ કે આપણે અદૃશ્ય યહોવાહને જોઈએ છીએ.—હેબ્રી ૧૩:૧૭.
યહોવાહને મહાન શિક્ષક તરીકે જોવા
૧૩ આત્મિક સમજણ મેળવવાની બીજી પણ એક જરૂરિયાત છે. યશાયાહે ભાખ્યું: “આંખો તારા શિક્ષકને જોશે.” (યશાયાહ ૩૦:૨૦) યહોવાહ પોતાના પૃથ્વી પરના સંગઠન દ્વારા આપણને શીખવી રહ્યા છે, એ માનવા પણ વિશ્વાસની જરૂર છે. (માત્થી ૨૪:૪૫-૪૭) આપણા મહાન શિક્ષકને જોવા, નિયમિત બાઇબલ અભ્યાસ કરવો અને ખ્રિસ્તી સભાઓમાં હાજરી આપવી એ જ પૂરતું નથી. પરંતુ, યહોવાહે આત્મિક રીતે કરેલી ગોઠવણોનો પૂરેપૂરો લાભ લેવો પણ જરૂરી છે. દાખલા તરીકે, ઈસુ દ્વારા યહોવાહ જે માર્ગદર્શન પૂરું પાડે છે એને આપણે પૂરેપૂરું ધ્યાન આપવાની જરૂર છે. જેથી, આપણે આત્મિક રીતે ધીમે ધીમે મંદ ન પડી જઈએ.—હેબ્રી ૨:૧.
૧૪ કેટલીક વખત આપણને મળતા આત્મિક ખોરાકમાંથી પૂરેપૂરો લાભ મેળવવા માટે ખાસ પ્રયત્ન કરવા પડે છે. દાખલા તરીકે, સમજવામાં અઘરા લાગતા અમુક બાઇબલ અહેવાલો પર આપણે ફક્ત ઉપરછલ્લી નજર નાખી લઈએ. આપણે ચોકીબુરજ અને સજાગ બનો! સામયિકો વાંચતા હોઈએ ત્યારે, આપણને ખાસ રસ ન હોય એવા વિષયોના લેખ વાંચીએ પણ નહિ. અથવા ખ્રિસ્તી સભાઓમાં આપણું મન કોઈ બીજા જ વિચારોમાં ચડી ગયું હોય શકે. તેમ છતાં, આપણે જેના પર વાત થઈ રહી હોય, એ વિષયો પર ખાસ ધ્યાન આપીને સભાનો આનંદ માણી શકીએ. આપણને મળતા આત્મિક માર્ગદર્શનની ઊંડી કદર કરીને, આપણે ખરેખર યહોવાહને આપણા મહાન શિક્ષક તરીકે સ્વીકારીએ છીએ એમ બતાવી શકીએ.
આપણે હિસાબ આપવો પડશે
૧૫ આ ‘અંતના સમયમાં’ ચારે બાજુ ફેલાયેલી દુષ્ટતાના લીધે ખાસ કરીને અદૃશ્ય પરમેશ્વરમાં ભરોસો રાખવો ખૂબ જ મહત્ત્વનું છે. (દાનીયેલ ૧૨:૪) અપ્રામાણિકતા અને જાતીય અનૈતિકતા કૂદકેને ભૂસકે વધી રહી છે. આપણે એ યાદ રાખવું જોઈએ કે કોઈ માણસ જોઈ ન શકતું હોય તોપણ યહોવાહ આપણા દરેક કાર્યને જુએ છે. કેટલાક લોકો આ ભૂલી ગયા છે. કોઈ તેઓને જોતું ન હોય ત્યારે, તેઓ બાઇબલ જેને ધિક્કારે છે, એવા ખરાબ કાર્યમાં સંડોવાઈ શકે. દાખલા તરીકે, કેટલાક લોકો ઈન્ટરનેટ, ટીવી અને બીજા આધુનિક ટૅકનૉલોજીનાં માધ્યમો પર આવતા નુકસાનકારક મનોરંજન કાર્યક્રમ અને બીભત્સ ચિત્રો જુએ છે. આ બંધ બારણા પાછળ થઈ શકતું હોવાથી કેટલાક એવી રીતે વર્તે છે કે, જાણે યહોવાહ પણ તેઓને જોતા નથી.
૧૬ પ્રેષિત પાઊલના શબ્દો યાદ રાખવામાં આપણું જ ભલું છે: “આપણ દરેકને પોતપોતાનો હિસાબ દેવને આપવો પડશે.” (રૂમી ૧૪:૧૨) એ ધ્યાનમાં રાખવાની જરૂર છે કે આપણે જેટલી વાર પાપ કરીએ, એ દેવની વિરુદ્ધ પાપ કરીએ છીએ. એ વિષે સજાગ રહીશું તો, આપણને તેમનાં ઉચ્ચ ધોરણોને વળગી રહેવા અને ખરાબ વર્તણૂક ટાળવા મદદ મળશે. બાઇબલ આપણને યાદ કરાવે છે કે, “તેની આગળ કોઈ પણ સૃષ્ટ વસ્તુ ગુપ્ત નથી; પણ જેની સાથે આપણને કામ છે, તેની દૃષ્ટિમાં સઘળાં નાગાં તથા ઉઘાડાં છે.” (હેબ્રી ૪:૧૩) ખરું કે આપણે યહોવાહને હિસાબ આપવો જ પડશે. પરંતુ ખરેખર તો યહોવાહ માટેના ગાઢ પ્રેમને કારણે આપણે તેમના ઉચ્ચ ન્યાયી ધોરણોને સ્વીકારીને એ પ્રમાણે જીવીએ છીએ. તેથી ચાલો, આપણે મનોરંજનની પસંદગી કરવામાં અને વિરુદ્ધ જાતિની વ્યક્તિ સાથે કઈ રીતે વર્તીએ છીએ, એ વિષે સાવધ રહીએ.
૧૭ યહોવાહ ખરેખર આપણી ચિંતા કરે છે. પરંતુ એનો એવો અર્થ નથી કે તે આપણે ભૂલ કરીએ એની રાહ જુએ છે જેથી આપણને શિક્ષા કરી શકે. એના બદલે, તે પોતાના આજ્ઞાધીન બાળકને ઇનામ આપવા આતુર પિતાની જેમ પ્રેમથી આપણને જુએ છે. એ જાણીને કેટલું ઉત્તેજન મળે છે કે આપણા વિશ્વાસના લીધે પરમેશ્વર યહોવાહને આનંદ થાય છે અને “જેઓ ખંતથી તેને શોધે છે તેઓને તે ફળ આપે છે”! (હેબ્રી ૧૧:૬) ચાલો આપણે યહોવાહમાં પૂરેપૂરો ભરોસો રાખીને ‘સંપૂર્ણ અંતઃકરણથી તેમની સેવા કરીએ.’—૧ કાળવૃત્તાંત ૨૮:૯.
૧૮ નીતિવચન ૧૫:૩ કહે છે: “યહોવાહની દૃષ્ટિ સર્વ સ્થળે છે, તે ભલા અને ભૂંડા પર લક્ષ રાખે છે.” હા, તે ભૂંડા લોકોને પણ જુએ છે અને તેઓનાં કાર્યો પ્રમાણે તેઓને બદલો આપે છે. તેમ છતાં, આપણે “ભલા” લોકોમાં હોઈશું તો, ખાતરી રાખી શકીએ કે તે વિશ્વાસુપણે કરેલાં કાર્યોને નજર અંદાજ કરતા નથી. ‘પ્રભુના કામમાં આપણું કાર્ય નિરર્થક નથી’ અને એ પ્રભુ યહોવાહ, ‘આપણે તેમના નામ પ્રત્યે જે પ્રીતિ દેખાડીએ છીએ એને વિસરે એવા નથી,’ એ જાણીને આપણો વિશ્વાસ કેટલો દૃઢ થાય છે!—૧ કોરીંથી ૧૫:૫૮; હેબ્રી ૬:૧૦.
યહોવાહને આપણી તપાસ કરવા દો
૧૯ યહોવાહના સેવકો તરીકે, આપણે તેમના માટે મૂલ્યવાન છીએ. (માત્થી ૧૦:૨૯-૩૧) તે અદૃશ્ય હોવા છતાં, આપણે તેમને જોઈ શકીએ છીએ અને તેમની કૃપાનો આનંદ માણી શકીએ છીએ. આવું વલણ આપણા સ્વર્ગીય પિતા પ્રત્યે રાખવાથી આપણને ઘણા આશીર્વાદો મળે છે. દૃઢ વિશ્વાસ આપણને યહોવાહ સમક્ષ શુદ્ધ હૃદય અને સારું અંતઃકરણ જાળવવા મદદ કરે છે. ઢોંગ વગરનો વિશ્વાસ આપણને સાચી રીતે જીવતા શીખવે છે. (૧ તીમોથી ૧:૫, ૧૮, ૧૯) યહોવાહમાં આપણો અડગ વિશ્વાસ સારું ઉદાહરણ બેસાડે છે તેમ જ, આપણા સંગાથીઓને પણ એ ઉત્તેજન આપનાર બની શકે છે. (૧ તીમોથી ૪:૧૨) આ ઉપરાંત, આવો વિશ્વાસ યહોવાહના દિલને આનંદ આપે એવું જીવન જીવવામાં મદદ કરે છે.—નીતિવચન ૨૭:૧૧.
૨૦ આપણે ખરેખર આપણું ભલું ચાહતા હોઈશું તો, યહોવાહ આપણા પર નજર રાખે, એમાં જ આનંદ માણીશું. આપણે ફક્ત એટલું જ ઇચ્છતા નથી કે તે આપણા પર નજર રાખે, પરંતુ આપણે એ પણ ચાહીએ છીએ કે તે આપણા વિચારો અને કાર્યો તપાસે. પ્રાર્થનામાં આપણે તેમને આજીજી કરી શકીએ કે તે આપણી પરીક્ષા કરે અને આપણામાં જે કોઈ અયોગ્ય વલણ હોય, એ જાણવા મદદ કરે. તે સાચે જ આપણી મુશ્કેલીઓ સહન કરવા અને જરૂરી ફેરફારો કરવા મદદ કરશે. તેથી જ, ગીતશાસ્ત્રના લેખક દાઊદે લખ્યું: “હે ઈશ્વર, મારી પરીક્ષા કર, અને મારૂં અંતઃકરણ ઓળખ; મને પારખ, અને મારા વિચારો જાણી લે; મારામાં કંઈ દુરાચાર હોય તો તે તું જોજે, અને મને સનાતન માર્ગમાં ચલાવજે.”—ગીતશાસ્ત્ર ૧૩૯:૨૩, ૨૪.
૨૧ દાઊદે આજીજી કરી કે યહોવાહ તેમની પરીક્ષા કરે અને જુએ કે તેમનામાં કંઈ “દુરાચાર” છે કે નહિ. દાઊદની જેમ, શું આપણે પણ એમ જ ચાહતા નથી કે યહોવાહ આપણા હૃદયની પરીક્ષા કરે અને આપણામાં જે કંઈ દુરાચાર હોય એ દેખાડે? તેથી, ચાલો વિશ્વાસથી યહોવાહને આપણી પરીક્ષા કરવાનું જણાવીએ. પરંતુ આપણે કંઈ ખોટું કર્યું હોય એ ડંખતું હોય કે આપણામાં કંઈ ખરાબ બાબત હોય તો શું? એમ હોય તો, આપણા પ્રેમાળ પરમેશ્વર યહોવાહને સતત આગ્રહથી પ્રાર્થના કરીએ. તેમના પવિત્ર આત્મા અને તેમના શબ્દમાંથી મળતા માર્ગદર્શનને નમ્રપણે સ્વીકારીએ. પછી આપણે ખાતરી રાખી શકીએ કે તે આપણને જરૂર મદદ કરશે. તે આપણને અનંતજીવનના માર્ગ પર ચાલવા પણ મદદ કરશે.—ગીતશાસ્ત્ર ૪૦:૧૧-૧૩.
૨૨ આપણે યહોવાહની ઇચ્છા પ્રમાણે જીવીશું તો તે જરૂર આપણને અનંતજીવનનો આશીર્વાદ આપશે. જોકે, આપણે તેમની શક્તિ અને સત્તાને સ્વીકારવા જ જોઈએ, જેમ પ્રેષિત પાઊલે પણ લખ્યું: “જે સનાતન યુગોનો રાજા, અવિનાશી, અદ્રશ્ય તથા એકાકી દેવ છે, તેને સદાસર્વકાળ માન તથા મહિમા હો, આમેન.” (૧ તીમોથી ૧:૧૭) આપણે પણ હંમેશા યહોવાહ પ્રત્યે આવું હૃદયપૂર્વક માન બતાવીએ. ગમે તે થાય, પરંતુ આપણે આપણા વિશ્વાસમાંથી ક્યારેય ડગીએ નહિ અને જાણે અદૃશ્યને જોતા હોઈએ એમ અડગ રહીએ.
તમે કેવો જવાબ આપશો?
• મનુષ્યો કઈ રીતે યહોવાહને જોઈ શકે છે?
• યહોવાહને આપણે જોઈ શકતા હોય તો, સતાવણીના સમયે આપણે કેવું વલણ રાખીશું?
• યહોવાહને આપણા મહાન શિક્ષક તરીકે જોવાનો શું અર્થ થાય છે?
• યહોવાહ આપણી પરીક્ષા કરે એમ આપણે શા માટે ઇચ્છવું જોઈએ?
[અભ્યાસ પ્રશ્નો]
૧. ઈસુએ પહાડ પરના ઉપદેશમાં યહોવાહ વિષે શું કહ્યું?
૨. શા માટે આપણે પોતાની આંખોથી પરમેશ્વરને જોઈ શકતા નથી?
૩. આપણે કઈ રીતે પરમેશ્વરના ગુણો સમજી શકીએ?
૪. આજે ઘણા લોકોમાં કઈ રીતે આત્મિકતાની ખામી જોવા મળે છે?
૫. આત્મિક મનવાળા લોકો કઈ હકીકતનું ધ્યાન રાખે છે?
૬. અડગ રહેવાનો શું અર્થ થાય છે?
૭, ૮. મુસાને ફારૂન સામે જવા કઈ રીતે હિંમત મળી?
૯. આપણે કઈ એક રીતે અડગ રહી શકીએ?
૧૦. યહોવાહ આપણું રક્ષણ કરે છે એવી ખાતરીથી સેવાકાર્યમાં કઈ રીતે મદદ મળે છે?
૧૧. પીતર અને યહુદા અનુસાર, મંડળમાં અમુક જણે કઈ રીતે આત્મિકતાની ખામી બતાવી?
૧૨. મંડળમાં આગેવાની લેતા વડીલો પ્રત્યે આપણે કેવું વલણ બતાવવું જોઈએ?
૧૩, ૧૪. યહોવાહને મહાન શિક્ષક તરીકે જોવાનો શું અર્થ થાય છે?
૧૫. યહોવાહ પોતાને જોતા નથી એમ વિચારીને કેટલાક શું કરે છે?
૧૬. યહોવાહનાં ઉચ્ચ ધોરણોને વળગી રહેવા આપણને શાનાથી મદદ મળશે?
૧૭. યહોવાહ કઈ રીતે આપણી ચિંતા કરે છે?
૧૮. યહોવાહ આપણને જુએ છે અને આપણાં વિશ્વાસુ કાર્યોને ધ્યાનમાં રાખે છે એનાથી, આપણને કયું ઉત્તેજન મળે છે?
૧૯. યહોવાહમાં દૃઢ વિશ્વાસ રાખવાના કયા લાભો છે?
૨૦, ૨૧. (ક) યહોવાહ આપણા પર નજર રાખે એ શા માટે યોગ્ય છે? (ખ) આપણે કઈ રીતે ગીતશાસ્ત્ર ૧૩૯:૨૩, ૨૪ પોતાને લાગુ પાડી શકીએ?
૨૨. અદૃશ્ય યહોવાહ પરમેશ્વર માટે આપણો કયો નિર્ણય હોવો જોઈએ?
[પાન ૧૮ પર ચિત્ર]
મુસા ફારૂનના ગુસ્સાથી ડરી ગયા નહિ, તે અદૃશ્ય પરમેશ્વર યહોવાહને જોઈ શકતા હોય એ રીતે વર્ત્યા
[પાન ૨૧ પર ચિત્ર]
યહોવાહ આપણને જોતા નથી એમ ધારીને મન ફાવે એમ કદી ન વર્તીએ
[પાન ૨૩ પર ચિત્ર]
આપણે ખંતથી યહોવાહના જ્ઞાનની શોધ કરીએ, કેમ કે તે આપણા મહાન શિક્ષક છે