યુવાનો પૂછે છે . . .
બદલો લેવામાં શું ખોટું છે?
“તેણે મારું અપમાન કર્યું.”—૧૫ વર્ષનો કેનેલ, ખૂન કરવાને કારણે જેલમાં છે.
એન્ડ્રુ ૧૪ વર્ષનો છે અને ડાન્સના ક્લાસમાં તેણે શિક્ષિકાનું ખૂન કર્યું. તેના કહેવા પ્રમાણે તે શિક્ષકો અને પોતાના માબાપને ધિક્કારે છે. તેમ જ જે છોકરીઓ તેને પસંદ કરતી નથી, તેઓ પર તે ખૂબ જ ક્રોધિત છે.
ટાઈમ મૅગેઝિન કહે છે કે “એ તો રોજનું છે.” ગુસ્સે થયેલો એક યુવાન પોતાની સ્કૂલમાં રાઇફલ સંતાડીને લઈ ગયો અને પછી વિદ્યાર્થીઓ તથા શિક્ષકો પર ગોળીબાર કર્યો. અમેરિકામાં આવા બનાવો તો રોજના થવા માંડ્યા છે, જેનું એક ટીવી સમાચાર ચેનલે “ભડકી ઊઠેલી હિંસા” તરીકે વર્ણન કર્યું.
એ સારું છે કે શાળાઓમાં આવી હિંસા રોજ થતી નથી. તોપણ, હાલમાં ગુસ્સાને કારણે જે હિંસા થઈ રહી છે એ બતાવે છે કે અમુક યુવાનો ખરેખર કેટલા ક્રોધી છે. પરંતુ, આ રીતે ગુસ્સે થવાનું શું કારણ છે? અમુક યુવાનો, સત્તાધારીઓનો જુલમ અને અન્યાય સહન કર્યો હોવાથી ગુસ્સે થતા હોય છે. બીજાઓના કિસ્સામાં, મિત્રો પોતાની મશ્કરી કરતા હોવાથી તેઓ ગુસ્સે થતા હોય છે. એક ૧૨ વર્ષના છોકરાએ પોતાની સાથે ભણતા બીજા છોકરાને બંદૂકથી મારીને આપઘાત કરી લીધો, કારણ કે તે જાડો હતો અને પેલો છોકરો તેને ચીડવતો હતો.
એ સાચું છે કે મોટા ભાગના યુવાનો આવા ગુના કરવાનું સપનામાં પણ વિચારશે નહિ. તેમ છતાં, જ્યારે રંગભેદ, દાદાગીરી અથવા નિર્દયપણે તમારી મશ્કરી કરવામાં આવી હોય, ત્યારે શાંત રહીને એને સહી લેવું કંઈ સહેલું નથી. બૅન પોતાના સ્કૂલના દિવસો યાદ કરતા કહે છે: “હું મારી ઉંમરનાં બાળકોમાં સૌથી ઠીંગણો હતો. તેમ જ મેં મારું માથું મૂંડાવ્યું હોવાથી, છોકરાઓ મને કાયમ ચીડવતા અને માથામાં ટપલીઓ મારતા. એનાથી મને ખૂબ ગુસ્સો આવતો. સૌથી વધારે દુઃખ મને એ વાતનું થયું કે હું મારા સાહેબોની મદદ લેવા ગયો ત્યારે તેઓએ પણ મારું સાંભળ્યું નહિ. તેથી હું વધારે તપી ગયો હતો!” બૅન કહેવાનું ચાલુ રાખે છે: “પછી તો તેઓને ગોળીઓથી ઉડાવી દેવાનું મને મન થતું હતું, પરંતુ મારી પાસે બંદૂક ન હતી.”
જે યુવાનો વેર વાળવા માગે છે તેઓને, તમે કઈ રીતે જોશો? તેમ જ તમારી સાથે ખરાબ વ્યવહાર કરવામાં આવે તો તમે શું કરશો? એ પ્રશ્નોનો જવાબ આપતા પહેલાં, બાઇબલ શું કહે છે એનો વિચાર કરો.
સંયમનું બીજું નામ હિંમત છે!
જુલમ અને અન્યાય આજે કંઈ નવો નથી. બાઇબલના એક લેખકે સલાહ આપી: “રોષને છોડ ને કોપનો ત્યાગ કર; તું ખીજવાઈશ મા, તેથી દુષ્કર્મ જ નીપજે છે.” (ગીતશાસ્ત્ર ૩૭:૮) કોપને કારણે સંયમ ગુમાવીને, આપણે ન બોલવાનું બોલી જઈએ છીએ અને એનાં ખરાબ પરિણામો પોતે જ ભોગવીએ છીએ. વ્યક્તિ એકદમ ‘ખીજવાઈ’ ગઈ હોય તો, તેનો ક્રોધ ભભૂકી ઊઠી શકે! એના કેવાં પરિણામો આવી શકે?
બાઇબલમાં આપેલા કાઈન અને હાબેલના ઉદાહરણનો વિચાર કરો. કાઈનને પોતાના ભાઈ હાબેલ પર “બહુ રોષ ચઢ્યો.” તેથી, “તેઓ ખેતરમાં હતા ત્યારે એમ થયું કે કાઈને પોતાના ભાઈ હાબેલ સામે ઊઠીને તેને મારી નાખ્યો.” (ઉત્પત્તિ ૪:૫, ૮) ગુસ્સાથી બેકાબૂ થવાનું બીજું ઉદાહરણ રાજા શાઊલનું છે. દાઊદ યુદ્ધમાં સફળ થતો હોવાથી, શાઊલને તેના પર અદેખાઈ આવી. તેથી તેણે ફક્ત દાઊદને જ નહિ, પરંતુ પોતાના પુત્ર યોનાથાનને પણ મારી નાખવા તેના પર ભાલો ફેંક્યો!—૧ શમૂએલ ૧૮:૧૧; ૧૯:૧૦; ૨૦:૩૦-૩૪.
હા, એ સાચું છે કે ગુસ્સે થવાનો પણ સમય હોય છે. જોકે ગુસ્સો કરવા માટે યોગ્ય કારણ હોય શકે, છતાં આપણે જો એ કાબૂમાં ન રાખીએ તો એનાં ખરાબ પરિણામો આવી શકે. ઉદાહરણ તરીકે, શિમઓન તથા લેવીને ખબર પડી કે શખેમે તેઓની બહેન દીનાહ પર બળાત્કાર કર્યો છે ત્યારે, તેના પર ક્રોધે થવા તેઓ પાસે યોગ્ય કારણ હતું. પરંતુ, ઠંડા પડવાને બદલે તેઓનો ક્રોધ ભડકી ઊઠ્યો જે તેઓના આ શબ્દો પરથી જોવા મળે છે: “તેઓ કસબણની સાથે વર્તે તેમ અમારી બહેનની સાથે વર્તે શું?” (ઉત્પત્તિ ૩૪:૩૧) તેઓનો રોષ એટલો ભડકી ઊઠ્યો કે શેખેમના નગરમાં રહેતા લોકો પર ‘તેઓએ પોતાની અકેક તરવાર લઈને ઓચિંતા આવીને સર્વ પુરુષોને મારી નાખ્યા.’ તેઓનો ક્રોધ ભડકી ઊઠ્યો હોવાથી “યાકૂબના દીકરાઓ” પણ ખૂનખરાબીમાં જોડાયા હતા. (ઉત્પત્તિ ૩૪:૨૫-૨૭) વર્ષો પછી શિમઓન અને લેવીના પિતા યાકૂબે તેઓના બેકાબૂ ક્રોધને કારણે તેઓને ઠપકો આપ્યો હતો.—ઉત્પત્તિ ૪૯:૫-૭.
આ અહેવાલમાંથી આપણે મહત્ત્વનો મુદ્દો શીખીએ છીએ: અતિશય ક્રોધે થવું એ બહાદુરીની નહિ પણ નબળાઈની નિશાની છે. નીતિવચનો ૧૬:૩૨ જણાવે છે: “જે ક્રોધ કરવે ધીમો તે પરાક્રમી કરતાં સારો છે; અને જે પોતાના મિજાજને કાબૂમાં રાખે છે તે શહેર જીતનારના કરતાં ઉત્તમ છે.” (અક્ષરો અમે ત્રાંસા કર્યા છે.)
બદલાની ભાવના મૂર્ખતા છે
બાઇબલ સલાહ આપે છે: “ભૂંડાઈને બદલે ભૂંડું ન કરો. . . . તમે સામું વૈર ન વાળો.” (રૂમી ૧૨:૧૭, ૧૯) બદલો લેવામાં મારપીટ કે કડવા શબ્દો કહેવા, એ પણ પરમેશ્વરની નજરમાં ભૂંડું છે. એ જ રીતે બદલો લેવો પણ મૂર્ખતા જ છે. હકીકત એ છે કે હિંસાનું પરિણામ હિંસા જ આવે છે. (માત્થી ૨૬:૫૨) આપણે કોઈને ક્રૂર શબ્દો કહીશું તો આપણે એવા જ શબ્દો મેળવીશું. એ પણ યાદ રાખો કે ક્રોધે થવું, હંમેશા યોગ્ય હોતું નથી. દાખલા તરીકે, શું તમે ખરેખર કહી શકો કે જેણે તમારી લાગણીઓ દુભાવી છે, એ ખરેખર તમને ધિક્કારે છે? શક્ય છે કે વ્યક્તિ આમ જ અવિચારી કે ક્રૂર રીતે બોલી ગઈ હોય. અને જો તમારા પર ધિક્કાર હોવાથી તે ખરાબ રીતે બોલી ગઈ હોય તો, શું બદલો લેવો યોગ્ય છે?
સભાશિક્ષક ૭:૨૧, ૨૨માં જણાવવામાં આવેલી બાઇબલ સલાહનો વિચાર કરો: “જે જે શબ્દો બોલવામાં આવે છે તે સર્વને લક્ષમાં ન લે; રખેને તું તારા ચાકરને તને શાપ દેતાં સાંભળે; કેમકે તારૂં પોતાનું અંતઃકરણ જાણે છે કે તેં પણ વારંવાર બીજાઓને શાપ દીધા છે.” હા, એ સાચું છે કે તમારા વિષે કોઈ ખરાબ બોલે તો એ સારું ન કહેવાય. પરંતુ, બાઇબલ કહે છે કે એવું તો થશે જ. શું એ ખરું નથી કે તમે પણ બીજા લોકો વિષે કંઈક કહ્યું હશે જે ખરેખર કહેવું જોઈતું ન હતું? તો પછી, તમારા વિષે કોઈક ખરાબ કહે ત્યારે તમે શા માટે ગુસ્સે થાઓ છો? તમને કોઈ ચીડવે ત્યારે, સૌથી સારો ઇલાજ એ છે કે તેઓને તમે જરાય ધ્યાન ન આપો.
એવી જ રીતે, તમને એવું લાગે કે તમારી સાથે અન્યાય થયો છે, ત્યારે પણ ગુસ્સો કરવો એ સારું નથી. તરુણ વયનો ડેવિડ અમુક ખ્રિસ્તી ભાઈઓ સાથે બાસ્કૅટબોલ રમતા શું થયું એ યાદ કરે છે. ડેવિડ કહે છે, “બીજી ટીમના કોઈએ મને બોલ માર્યો.” એટલે તરત જ ડેવિડે એવું માની લીધું કે તેણે જાણીજોઈને મને બોલ માર્યો છે. તેથી, તેણે પણ બદલો લેવા બીજા ખેલાડી સામે બોલ ફેંક્યો. ડેવિડ કબૂલ કરે છે: “હું ખરેખર ગુસ્સાથી તપી ગયો હતો.” પરંતુ, બાબતો વધારે ખરાબ થાય એ પહેલાં ડેવિડે યહોવાહ પરમેશ્વરને પ્રાર્થના કરી. તેણે પોતાને કહ્યું, ‘હું શું કરું છું, શું હું મારા ખ્રિસ્તી ભાઈઓ સાથે લડવા ઇચ્છું છું?’ પછીથી, બંનેએ એકબીજાની માફી માંગી.
આવી પરિસ્થિતિમાં ઈસુના ઉદાહરણને યાદ રાખવાથી મદદ મળશે. “તેણે નિંદા સહન કરીને સામી નિંદા કરી નહિ; દુઃખો સહન કરીને ધમકી આપી નહિ.” (૧ પીતર ૨:૨૩) હા, તમારા પર દબાણ હોય ત્યારે ઝઘડવાને બદલે સંયમ જાળવી રાખવા મદદ માટે પરમેશ્વરને પ્રાર્થના કરો. તે ઉદારતાથી તમને “પવિત્ર આત્મા આપશે.” (લુક ૧૧:૧૩) તમને કોઈક દુઃખ પહોંચાડે ત્યારે એનો બદલો લેવાને બદલે, તમે એ વ્યક્તિ સાથે વાત કરીને બાબત થાળે પાડો. (માત્થી ૫:૨૩, ૨૪) અથવા કદાચ શાળામાં છોકરાઓ તમને કાયમ મારતા અને હેરાનગતિ કરતા હોય તો તેઓ સાથે લડશો નહિ. એને બદલે, પોતાનું રક્ષણ કરવા તમે વ્યવહારુ પગલાં લઈ શકો છો.a
ગુસ્સાને વશ કરતી એક છોકરી
ઘણા યુવાનોએ બાઇબલના આ સિદ્ધાંતો લાગુ પાડ્યા છે, એનાથી સારાં પરિણામો આવ્યાં છે. દાખલા તરીકે, કટ્રિનાને બાળપણમાં જ તેની માએ અનાથાશ્રમમાં મૂકી દીધી હતી. તે કહે છે: “મને બહુ ગુસ્સો આવતો હતો કે મારી માએ મને કેમ આ રીતે છોડી દીધી. તેથી, મને દત્તક લેનાર મમ્મી પર હું મારો બધો જ ગુસ્સો ઠાલવતી હતી. ખબર નહિ કેમ, પણ હું એવું વિચારતી કે જો હું તેને દુઃખી કરીશ તો મને જન્મ આપનાર માનો બદલો લઈ શકીશ. તેથી, હું તેને દુઃખી કરવા બધું જ કરતી. તેને ગાળો આપતી, પગ પછાડતી અને ધમાધમી કરતી. એમાં મારું ખાસ સાધન જોરથી બારણા પછાડવાનું હતું. હું હંમેશા તેને કહેતી કે ‘હું તને ધિક્કારું છું!’ આ બધું જ હું ગુસ્સે હોવાથી કરતી હતી. એ દિવસો હું યાદ કરું છું ત્યારે, હજુ પણ માની શકતી નથી કે હું એવું કરતી હતી.”
કટ્રિનાને ગુસ્સા પર કાબૂ મેળવવા શામાંથી મદદ મળી? તે કહે છે: “બાઇબલ વાંચવાથી! એમ કરવું બહુ મહત્ત્વનું છે કારણ કે આપણે કેવું અનુભવીએ છીએ એ યહોવાહ જાણે છે.” કટ્રિના અને તેનું કુટુંબ સજાગ બનો!માંથી પોતાને લગતા લેખો વાંચે છે. એથી તેને દિલાસો મળે છે.b તે યાદ કરે છે, “અમે સર્વ સાથે બેસીને એકબીજાની લાગણીઓ સમજવાનો પ્રયત્ન કરતા.”
તમે પણ ગુસ્સાને કાબૂમાં રાખતા શીખી શકો છો. તમને ચીડવવામાં આવે, છોકરાઓ તમને મારે અને હેરાનગતિ કરે અથવા તમારા પર જુલમ કરે ત્યારે ગીતશાસ્ત્ર ૪:૪મી કલમને યાદ કરો, જે કહે છે: “તેનાથી ભયભીત થાઓ, અને પાપ ન કરો.” આ સલાહ તમારા ગુસ્સાને કાબૂમાં રાખવા મદદ કરશે. (g01 10/22)
[ફુટનોટ્સ]
a શિક્ષકોનો અન્યાય, શાળામાં તમારી મજાક ઉડાવવામાં આવે અને તમને પજવવામાં આવે ત્યારે, સમજદારીથી પગલાં ભરવા યુવાન લોકો પૂછે છે પુસ્તકના પ્રકરણ ૧૯ અને ૨૦ તથા સજાગ બનો! (અંગ્રેજી) ઑગસ્ટ ૮, ૧૯૮૯માં “યુવાનો પૂછે છે . . . ” લેખોમાં મળે છે.
b સજાગ બનો! (અંગ્રેજી) મે ૮, ૧૯૯૬માં “દત્તક લેવું—ફાયદા અને ગેરફાયદા” લેખો જુઓ.
[પાન ૧૫ પર ચિત્ર]
કોઈ ચીડવે ત્યારે તેને જરાય ધ્યાન ન આપવું એ જ સૌથી સારું છે