‘સમજુ માણસ પોતાના ક્રોધને શાંત કરે છે’
બેકાબૂ ગુસ્સાને લીધે બાસ્કેટ-બૉલના કોચને કૉલેજમાંથી કાઢી મૂકવામાં આવ્યા.
પોતાની જીદ પૂરી ન થવાથી બાળકે ધમપછાડા કર્યા.
રૂમ અસ્તવ્યસ્ત હોવાથી માતા પોતાના દીકરા પર ગુસ્સે થયાં.
આપણે બધાએ લોકોને ગુસ્સે થતા જોયા છે. એમાં કોઈ નવાઈ નથી કે આપણે પણ કોઈ વાર ગુસ્સે થયા હોઈશું. કદાચ એવું લાગે કે ગુસ્સો કરવો યોગ્ય ન કહેવાય, એને તો કાબૂમાં રાખવો જોઈએ. તોપણ, ઘણી વાર આપણી પાસે ગુસ્સે થવાનું વાજબી કારણ હોય શકે. ખાસ કરીને, કોઈ આપણા કહેવા પ્રમાણે ન કરે એવા સમયે. અમેરિકામાં આવેલી મનોવિજ્ઞાનની એક સંસ્થા પોતાના એક લેખમાં જણાવે છે કે, “ગુસ્સો આવવો એકદમ સ્વાભાવિક છે, એ તો માણસની એક સારી લાગણી છે.”
આવા વિચાર સાથે કદાચ આપણે પાઊલના શબ્દો વાંચીને સહમત થઈશું. તેમણે એ શબ્દો ઈશ્વરની પ્રેરણાથી લખ્યા હતા. લોકો અમુક સમયે ગુસ્સે થાય છે, એ સ્વીકારતા તેમણે આમ લખ્યું: “ગુસ્સે થાઓ, પણ પાપ ન કરો; તમારા ક્રોધ પર સૂર્યને આથમવા ન દો.” (એફેસી ૪:૨૬) તો શું એનો એવો અર્થ થાય કે આપણે ગુસ્સો ઠાલવવો જોઈએ? કે પછી એને કાબૂમાં રાખવા આપણાથી બનતું બધું કરવું જોઈએ?
શું ગુસ્સે થવું જોઈએ?
ગુસ્સા વિશે પાઊલે એ સલાહ આપી ત્યારે તેમના મનમાં ગીતશાસ્ત્રના એક લેખકના આ શબ્દો હતા: “ભયભીત” અથવા ગુસ્સે થાઓ, પણ “પાપ ન કરો.” (ગીતશાસ્ત્ર ૪:૪) તો પછી, ઈશ્વરની પ્રેરણાથી પાઊલે આપેલી ચેતવણીનો શું હેતુ હતો? તેમણે આગળ સમજાવતા કહ્યું: “સર્વ પ્રકારની કડવાશ, ક્રોધ, કોપ, ઘોંઘાટ તથા નિંદા, તેમ જ સર્વ પ્રકારની ખુન્નસ તમારામાંથી દૂર કરો.” (એફેસી ૪:૩૧) હકીકતમાં પાઊલ તો ખ્રિસ્તીઓને ગુસ્સે ન થવા ઉત્તેજન આપતા હતા. અમેરિકામાં આવેલી મનોવિજ્ઞાનની સંસ્થાનો એક લેખ આમ જણાવે છે: ‘સંશોધન પરથી જોવા મળ્યું છે કે ગુસ્સો ઠાલવવાથી હકીકતમાં તો “ક્રોધ ભડકી ઊઠે છે” અને અકળામણ વધે છે અને મુશ્કેલી થાળે પાડવા તમને કંઈ મદદ કરતું નથી.’
તો પછી, આપણે કઈ રીતે ગુસ્સો અને એની ખરાબ અસરો ‘દૂર કરી’ શકીએ? પ્રાચીન ઈસ્રાએલના રાજા સુલેમાને લખ્યું: ‘સમજુ માણસ પોતાના ક્રોધને શાંત કરે છે; અને અપરાધની દરગુજર કરવી એ તેનો મહિમા છે.’ (નીતિવચનો ૧૯:૧૧) ગુસ્સો આવે ત્યારે “સમજશક્તિ” કઈ રીતે મદદ કરી શકે?
સમજશક્તિ કઈ રીતે ગુસ્સાને ઠંડો પાડી શકે?
સમજશક્તિ એટલે ઉપર ઉપરથી જે દેખાય છે એ જ નહિ, પરંતુ હકીકત પારખવાની ક્ષમતા. એ આપણને પરિસ્થિતિ સમજવા મદદ કરે છે. આપણને માઠું લાગ્યું હોય કે કોઈએ ગુસ્સે કર્યા હોય ત્યારે સમજશક્તિ કઈ રીતે મદદ કરી શકે?
અન્યાય જોઈને આપણને ગુસ્સો આવી શકે. જો આપણે લાગણીઓમાં તણાઈને ખિજાઈ જઈશું, તો કદાચ પોતાની કે બીજાની લાગણીઓને દુઃખ પહોંચાડીશું. જેમ બેકાબૂ આગ ઘરને બાળી મૂકે છે, એમ બેકાબૂ ગુસ્સો આપણું નામ બદનામ કરી શકે, બીજાઓ સાથેના આપણા સંબંધો બગાડી શકે. અરે, ઈશ્વર સાથેનો સંબંધ પણ તોડી શકે. એટલે જ્યારે પણ મનમાં ગુસ્સો ભરાવા લાગે, ત્યારે પરિસ્થિતિને પૂરી રીતે સમજવાનો પ્રયત્ન કરો. એમ કરવાથી લાગણીને કાબૂમાં રાખવા ચોક્કસ મળશે.
સુલેમાનના પિતા રાજા દાઊદનો વિચાર કરો. એક સમયે નાબાલ નામની વ્યક્તિને લીધે દાઊદ ખૂન કરવાની અણીએ આવી ગયા હતા. એ તો સારું થયું કે કોઈએ તેમને આખી પરિસ્થિતિ સમજવા મદદ કરી. ચાલો એ બનાવ વિશે જોઈએ. યહુદાના અરણ્યમાં દાઊદ અને તેમના સાથીદારોએ નાબાલના ઘેટાંનું રક્ષણ કર્યું હતું. હવે જ્યારે ઘેટાંનું ઊન કાતરવાનો વારો આવ્યો, ત્યારે દાઊદે ખોરાક આપવા નાબાલને કહ્યું. ત્યારે નાબાલે આવો જવાબ આપ્યો: “શું હું મારી રોટલી, મારું પાણી, તથા મારું માંસ જે મેં મારા કાતરનારાઓને માટે કાપ્યું છે તે લઈને, જે માણસો ક્યાંથી આવેલા છે એ હું જાણતો નથી તેઓને આપું?” દાઊદનું કેટલું ઘોર અપમાન થયું! જ્યારે દાઊદે એ શબ્દો સાંભળ્યા ત્યારે પોતાના ૪૦૦ માણસોને લઈને તે નાબાલ અને તેના ઘરનાઓનો નાશ કરવા નીકળી પડ્યા.—૧ શમૂએલ ૨૫:૪-૧૩
આ વાતની જાણ નાબાલની પત્ની અબીગાઈલને થતા, તે દાઊદને મળવા ગઈ. દાઊદ અને તેના માણસોને મળી ત્યારે દાઊદના પગે પડીને તેણે કહ્યું: ‘કૃપા કરીને તારી દાસીને કહેવા દે, ને તારી દાસીનું કહેવું સાંભળ.’ પછી, તેણે દાઊદને સમજાવ્યું કે નાબાલ કેટલો અણસમજુ છે. તેણે દાઊદને એ સમજવા મદદ કરી કે બદલો લેશે અને ખૂનખરાબી કરશે તો પાછળથી પસ્તાશે.—૧ શમૂએલ ૨૫:૨૪-૩૧.
અબીગાઈલની વાતમાંથી દાઊદને શું સમજવા મદદ મળી, જેનાથી તે પરિસ્થિતિને થાળે પાડી શક્યા? પહેલું તો, તે સમજ્યા કે નાબાલને ભાન નથી. બીજું, તે પારખી શક્યા કે જો તે બદલો લેવાનો પ્રયત્ન કરશે, તો ખૂનનો દોષ તેમના માથે આવશે. દાઊદની જેમ કદાચ તમને પણ કોઈ વાતનો ભારે ગુસ્સો હોય તો, તમે શું કરશો? મેયો ક્લિનિકે પોતાના એક લેખમાં આવું સૂચન આપ્યું: “થોડી વાર માટે ઊંડા શ્વાસ લો અને એકથી દસ ગણો.” જ્યારે પણ ગુસ્સો આવે, ત્યારે થોડી વાર માટે થોભી જાવ અને વિચારો કે મુશ્કેલી ઊભી થવાનું કારણ શું છે. એ પણ વિચારો કે હવે તમે જે પગલાં ભરશો એનું શું પરિણામ આવશે. તમારી સમજશક્તિનો ઉપયોગ કરો અને પોતાના ગુસ્સાને એટલે સુધી શાંત કરો કે, એ સાવ પીગળી જાય.—૧ શમૂએલ ૨૫:૩૨-૩૫.
એવી જ રીતે, આજે ઘણા લોકોને ગુસ્સા પર કાબૂ રાખવામાં મદદ મળી છે. ૨૩ વર્ષના સેબેસ્ટિયનનો વિચાર કરો. તે પોલૅન્ડની જેલમાં બીજા એક કેદી સાથે હતા. તેમને પોતાની લાગણી અને ગુસ્સો કાબૂમાં રાખવા બાઇબલમાંથી કઈ રીતે મદદ મળી એ વિશે તે જણાવે છે: “હવે, હું વિચારું છું કે મુશ્કેલી શું છે. પછી, હું બાઇબલની સલાહ પાળવા પ્રયત્ન કરું છું. હું જોઈ શક્યો છું કે બાઇબલ સૌથી સારું માર્ગદર્શન આપે છે.”
સેટસુઓ નામના ભાઈએ પણ એવું જ કર્યું. તે જણાવે છે, “કામના સ્થળે લોકો જ્યારે મને ચીડવતા ત્યારે, હું તેઓ પર ગુસ્સે થઈને બૂમો પાડતો. બાઇબલમાંથી શીખ્યા પછી, ગુસ્સે થવાને બદલે હું આ સવાલો પર વિચાર કરતો: ‘એમાં કોનો વાંક છે? શું મારો વાંક છે?’” આવા પ્રશ્નો પર વિચાર કરીને, તે મનમાં ગુસ્સો ભરી રાખવાને બદલે એને શાંત પાડતા શીખ્યા.
કદાચ મનમાં ગુસ્સાની લાગણી ભડકતી હોય, તોપણ બાઇબલમાંથી મળતી ડહાપણભરી સલાહ એના કરતાંય વધારે શક્તિશાળી છે. એ સલાહ લાગુ પાડવાથી અને પ્રાર્થનામાં ઈશ્વરની મદદ માંગવાથી, તમે પણ સમજુ માણસની જેમ પોતાનો ગુસ્સો કાબૂમાં રાખી શકશો. (w૧૪-E ૧૨/૦૧)