તમે શુદ્ધ રહી શકો છો!
“આપણે દેવની આજ્ઞાઓ પાળીએ, એજ દેવ પરનો પ્રેમ છે.”—૧ યોહાન ૫:૩.
ઈશ્વરભક્ત માલાખીને ભવિષ્ય ભાખવાની પ્રેરણા મળી. તેમણે એવા સમય વિષે ભાખવાનું હતું, જ્યારે પરમેશ્વર યહોવાહના ભક્તો અને બીજા લોકો વચ્ચે આભ જમીનનો ફરક હશે. માલાખીએ ભાખ્યું: “તમે ફરશો અને સદાચારીની તથા દુરાચારીની વચ્ચેનો, ઈશ્વરની સેવા કરનારની તથા તેની સેવા નહિ કરનારની વચ્ચેનો, ભેદ સમજશો.” (માલાખી ૩:૧૮) આ ભવિષ્યવાણી હમણાં પૂરી થઈ રહી છે. પરમેશ્વરની આજ્ઞા પાળવામાં નૈતિક રીતે શુદ્ધ રહેવાનો પણ સમાવેશ થાય છે. એ જીવનનો શાણો અને યોગ્ય માર્ગ છે, છતાં, હંમેશા સહેલો નથી. ઈસુએ કહ્યું કે, જીવન મેળવવા આપણે સખત મહેનત કરવી પડશે.—લુક ૧૩:૨૩, ૨૪.
૨ આજે, નૈતિક રીતે શુદ્ધ રહેવું કેમ મુશ્કેલ છે? એક કારણ એ છે કે, આજનો જમાનો સારો નથી. મનોરંજનની દુનિયામાં ગેરકાયદેના જાતીય સંબંધને ઉત્તેજક, આનંદી, અને ઉંમરલાયક હોવાની લાગણી અપાવતા બતાવે છે. પરંતુ, તેઓ મોટે ભાગે એની બીજી બાજુ, એના ખરાબ પરિણામો પર ભાર મૂકતા નથી. (એફેસી ૪:૧૭-૧૯) મોટા ભાગે, લગ્ન કર્યા વિના યુગલોને જાતીય સંબંધ બાંધતા બતાવાય છે. ફિલ્મો અને ટીવીમાં જાતીય સંબંધો બાંધવા જાણે રમત વાત હોય એમ બતાવે છે. ખરેખર, એમાં એકબીજા પ્રત્યે ખરો પ્રેમ કે આદર હોતા નથી. ફાવે તો એમ નહિ તો, આજે અહીં અને કાલે બીજે ક્યાંક સંબંધ બાંધવો. ઘણાએ બાળપણથી જ આ બધું જોયું હોય છે. વળી, આજે વધારે છૂટછાટ હોવાથી, આસપાસના લોકોનું પણ દબાણ હોય છે, કેમ કે જમાનાની ચાલે ન ચાલનારની મશ્કરી કે નિંદા પણ થાય છે.—૧ પીતર ૪:૪.
૩ યહોવાહ પરમેશ્વરે મનુષ્યોને જાતીય ઇચ્છા સાથે ઉત્પન્ન કર્યા છે, જે બહુ જ તીવ્ર હોય શકે. ઘણી વખત એ કારણે પણ નૈતિક રીતે શુદ્ધ રહેવું મુશ્કેલ બની શકે. આપણા વિચારોની અસર ઇચ્છા પર થાય છે, અને અનૈતિક કામો એવા વિચારો સાથે જોડાયેલા છે, જે યહોવાહના વિચારોની સુમેળમાં નથી. (યાકૂબ ૧:૧૪, ૧૫) દાખલા તરીકે, એક બ્રિટિશ મેડિકલ જરનલે તપાસ કરતા માલૂમ પડ્યું છે કે, પહેલી વાર જાતીય સંબંધ બાંધનારાએ ફક્ત જાણવા ખાતર જ સંબંધ બાંધ્યો હતો. બીજાઓ માને છે કે તેઓની ઉંમરના લોકો જાતીય સંબંધો બાંધે છે તો, પોતે અશુદ્ધ થવામાં પાછળ કેમ રહી જાય? તેમ જ, એમ કહેનારા પણ છે કે તેઓ પોતાને કાબૂમાં રાખી ન શક્યા, અને જાણે “નશો ચડી ગયો હોય” એમ જાતીય સંબંધ બાંધવા ખેંચાઈ ગયા. પરંતુ, પરમેશ્વરને ખુશ કરવા માગતા હોઈએ તો, આપણા વિચારો જુદા જ હોવા જોઈએ. કેવા વિચારો આપણને નૈતિક રીતે શુદ્ધ રહેવા મદદ કરશે?
અડગ નિર્ણય કરો!
૪ નૈતિક રીતે શુદ્ધ જીવન જીવવાથી આપણને જ લાભ છે, એમ પારખવું જોઈએ. પ્રેષિત પાઊલે રોમના ભાઈઓને જે લખ્યું, આ એની સુમેળમાં છે: “જેથી દેવની સારી તથા માન્ય તથા સંપૂર્ણ ઇચ્છા શી છે, તે તમે પારખી શકો.” (રૂમી ૧૨:૨) નૈતિક રીતે શુદ્ધ રહેવામાં લાભ છે, એમ પારખવું એટલે શું? શું એનો અર્થ ફક્ત એ જાણવું થાય કે, બાઇબલ અનૈતિક કામોને દોષિત ઠરાવે છે? ના. પરંતુ એ પણ જાણવું જરૂરી છે કે શા માટે અનૈતિક કામો ખરાબ છે, અને એનાથી દૂર રહેવાના કયા લાભો છે. અગાઉના લેખમાં આપણે અમુક કારણોની ચર્ચા કરી હતી.
૫ જો કે આપણી માટે જાતીય રીતે શુદ્ધ રહેવાનું સૌથી મહત્ત્વનું કારણ પરમેશ્વર યહોવાહ માટેનો પ્રેમ છે. આપણે શીખ્યા કે આપણા માટે શું સારું છે તે પરમેશ્વર જાણે છે. તેમના માટેનો પ્રેમ આપણને જે ખરાબ છે, એને ધિક્કારવા મદદ કરશે. (ગીતશાસ્ત્ર ૯૭:૧૦) પરમેશ્વર યહોવાહ “દરેક ઉત્તમ દાન તથા દરેક સંપૂર્ણ દાન” આપનાર છે. (યાકૂબ ૧:૧૭) તે આપણને ચાહે છે. આપણે તેમનું કહેવું માનીને તેમના પ્રત્યેનો આપણો પ્રેમ અને તેમણે જે કંઈ કર્યું છે, એની કદર બતાવીએ છીએ. (૧ યોહાન ૫:૩) યહોવાહની લાભદાયી આજ્ઞાઓ તોડીને આપણે ક્યારેય તેમને નિરાશ કે દુઃખી કરવા માંગતા નથી. (ગીતશાસ્ત્ર ૭૮:૪૧) તેમના પવિત્ર અને ન્યાયી માર્ગની નિંદા થાય, એવું વર્તન આપણે કદી પણ કરવા ચાહતા નથી. (તીતસ ૨:૫; ૨ પીતર ૨:૨) આમ, નૈતિક રીતે શુદ્ધ રહીને આપણે સર્વોપરી પરમેશ્વરના દિલને આનંદ આપીએ છીએ.—નીતિવચન ૨૭:૧૧.
૬ નૈતિક રીતે શુદ્ધ રહેવાનો મક્કમ નિર્ણય કર્યા પછી, બીજાને એ વિષે જાણવા દેવાથી વધારે રક્ષણ મળે છે. લોકોને જાણવા દો કે, તમે યહોવાહ પરમેશ્વરને ભજો છો, અને તેમના નીતિ-નિયમો પ્રમાણે જ જીવવાનો નિર્ણય કર્યો છે. હા, જીવન તમારું છે, શરીર તમારું છે અને પસંદગી પણ તમારી છે. પરંતુ, એનાથી શાના પર અસર પડશે? ઉત્પન્ન કરનાર યહોવાહ પરમેશ્વર સાથેના તમારા મૂલ્યવાન સંબંધ પર એની અસર પડશે. તેથી, સાફ સાફ જણાવો કે તમે નૈતિક વફાદારીમાં કોઈ બાંધછોડ નહિ કરો. પરમેશ્વરના લાભદાયી નીતિ-નિયમો પાળીને તેમના લોકો હોવાનો ગર્વ અનુભવો. (ગીતશાસ્ત્ર ૬૪:૧૦) બીજા સાથે નૈતિક શુદ્ધતા વિષે તમારા નિર્ણયની ચર્ચા કરવામાં ક્યારેય શરમાશો નહિ. હિંમતથી બોલીને તમારો નિર્ણય વધારે મક્કમ બનશે, તમારું રક્ષણ થશે, અને બીજાને તમારું અનુકરણ કરવાનું ઉત્તેજન મળશે.—૧ તીમોથી ૪:૧૨.
૭ ઉચ્ચ નૈતિક ધોરણો જાળવી રાખવાનો નિર્ણય કરીને લોકોને એ વિષે જણાવ્યા પછી, આપણે એ નિર્ણયને વળગી રહેવા સખત મહેનત કરીએ. એ માટે, મિત્રોની પસંદગી કરતી વખતે ખાસ કાળજી રાખવી. બાઇબલ કહે છે કે, “જો તું જ્ઞાની પુરુષોની સંગત કરશે, તો તું જ્ઞાની થશે.” નૈતિક શુદ્ધતા વિષે તમારા જેવા જ વિચારના લોકોની સંગત કરો; તેઓ તમને એને વળગી રહેવા ઉત્તેજન આપશે. બાઇબલ આગળ કહે છે: “પણ જે મૂર્ખનો સાથી છે તેને નુકસાન થશે.” (નીતિવચન ૧૩:૨૦) તમારા નિર્ણયને નબળો પાડનારા લોકોથી દૂર રહો.—૧ કોરીંથી ૧૫:૩૩.
૮ વળી, આપણે સત્ય, સન્માનપાત્ર, ન્યાયી, શુદ્ધ, પ્રેમપાત્ર, સુકીર્તિમાન, સદ્ગુણ અને પ્રશંસાની વાતોનો વિચાર કરીએ. (ફિલિપી ૪:૮) તેથી, આપણે જે જોઈએ, વાંચીએ, અને જે સંગીત સાંભળીએ, એની કાળજીથી પસંદગી કરીએ. ગંદા પુસ્તકો કે મેગેઝીનો વાંચવાની કંઈ ખરાબ અસર થતી નથી, એમ કહેવાનો અર્થ એ થયો કે સારા પુસ્તકો વાંચવાથી પણ કોઈ સારી અસર થતી નથી. યાદ રાખો, આપણે અપૂર્ણ છીએ અને સહેલાઈથી અનૈતિક વર્તન કરી શકીએ છીએ. તેથી, જાતીય લાગણીને ઉશ્કેરતા પુસ્તકો, મેગેઝીનો, ફિલ્મો, અને સંગીત ખોટી ઇચ્છાઓ છેવટે પાપમાં દોરી જાય છે. નૈતિક રીતે શુદ્ધ રહેવા આપણે પરમેશ્વર યહોવાહના વિચારોથી આપણું મન ભરીએ.—યાકૂબ ૩:૧૭.
અનૈતિક કામોની જાળ
૯ મોટે ભાગે, અનૈતિકતા તરફ દોરી જતી નિશાનીઓ દેખાય આવે છે. એ એક જાળ જેવી છે, જેમાં લીધેલું દરેક પગલું પાછા ફરવું વધુને વધુ મુશ્કેલ બનાવે છે. નીતિવચન ૭:૬-૨૩ એનું વર્ણન આ રીતે કરે છે. રાજા સુલેમાન એક ‘ભોળા‘ કે ‘અક્કલહીન’ યુવાનને જુએ છે. આ યુવાન “તેના [વેશ્યાના] ઘર તરફ રસ્તામાં ચાલતો હતો, અને ચાલ્યો ચાલ્યો તેને ઘેર ગયો; તે વખતે સાંજ પડી ગઈ હતી, રાતનું અંધારૂં ફેલાતું હતું.” આ તેની પહેલી ભૂલ હતી. સાંજના સમયે તે બીજી કોઈ ગલીમાં નહિ, પણ વેશ્યાઓ રહેતી હતી ત્યાં ગયો.
૧૦ આગળ આપણે વાંચીએ છીએ: “ત્યારે, વેશ્યાનાં વસ્ત્રોમાં સજ્જ થએલી, તથા કપટી મનની એક સ્ત્રી તેને મળી.” હવે પેલો યુવાન તેને જુએ છે! તે તરત જ પાછો વળી જઈ શક્યો હોત, પણ હવે એમ કરવું તેને માટે વધારે મુશ્કેલ હતું, કેમ કે તે નૈતિક રીતે નબળો હતો. વેશ્યા તેને પકડીને ચુંબન કરે છે. ચુંબન કર્યા પછી યુવાન તેની મીઠી મીઠી લોભામણી વાતો સાંભળે છે. વેશ્યા કહે છે કે, “શાંત્યર્પણો મારી પાસે તૈયાર કરેલાં છે; આજ મેં મારી માનતાઓ પૂરી કરી છે.” શાંતિના અર્પણોમાં માંસ, લોટ, તેલ અને દ્રાક્ષાદારુ ચડાવાતા હતા. (લેવીય ૧૯:૫, ૬; ૨૨:૨૧; ગણના ૧૫:૮-૧૦) જાણે આ બધું જણાવીને તે કહેવા માગતી હતી કે પોતે બહુ ધાર્મિક છે. તેમ જ, એ પણ જણાવવા માગતી હોય કે તેના ઘરે પુષ્કળ ખાવા-પીવાનું હશે, અને તેઓ ઘણો જ આનંદ માણશે. તે તેને વિનવે છે: “ચાલ, આપણે સવાર સુધી પેટપૂર પ્રીતિનો અનુભવ કરીએ; અને પ્રેમની મઝા ઉડાવીએ.”
૧૧ પરિણામ દેખીતુ જ છે. “પોતાના હોઠોની ખુશામતથી તે તેને તાણી જાય છે.” સુલેમાન છેલ્લે આ ચેતવણી આપતા શબ્દો કહે છે: “જેમ બળદ કસાઈવાડે જાય” અને “કોઈ પક્ષી . . . જાળમાં ધસી જાય” તેમ, “પોતાનો જીવ જશે એમ જાણ્યા વગર” તે યુવાન પેલી વેશ્યાના ઘરે જાય છે. હા, અહીં તેના જીવન-મરણનો સવાલ હતો, કારણ કે “દેવ લંપટોનો તથા વ્યભિચારીઓનો ન્યાય કરશે.” (હેબ્રી ૧૩:૪) આપણા સર્વ માટે કેવો બોધપાઠ! ચાલો આપણે સાવધ રહીએ કે, પરમેશ્વરની કૃપા ગુમાવી બેસીએ એવું પહેલું પગલું પણ ન ભરીએ.
૧૨ નોંધ લો કે તે યુવાન “અક્કલહીન” હતો. એ જણાવે છે કે તેના વિચારો, ઇચ્છા, લાગણી, અને હેતુ પરમેશ્વરની ઇચ્છાની સુમેળમાં ન હતા. તેની નૈતિક નબળાઈ તેના પર આફત લઈ આવી. આ મુશ્કેલ સમયમાં નૈતિક રીતે શુદ્ધ રહેવું ખૂબ જ અઘરું છે. (૨ તીમોથી ૩:૧) પરંતુ, યહોવાહ પરમેશ્વરે આપણને મદદ પૂરી પાડી છે. તેમણે મંડળોમાં સભાની ગોઠવણો કરી છે, જેમાં આપણને સત્યના માર્ગમાં ચાલવાનું ઉત્તેજન મળે છે. વળી, સભામાં આપણને એવા લોકોની સંગત મળે છે, જેઓના ધ્યેય આપણા જેવા જ છે. (હેબ્રી ૧૦:૨૪, ૨૫) મંડળમાં વડીલો પણ છે જેઓ આપણી કાળજી રાખે છે, અને આપણને ખરું શિક્ષણ આપે છે. (એફેસી ૪:૧૧, ૧૨) તેમ જ, આપણી પાસે પરમેશ્વરનું પવિત્ર શાસ્ત્ર, બાઇબલ પણ છે જે માર્ગદર્શન આપે છે. (૨ તીમોથી ૩:૧૬) વળી, આપણે ગમે ત્યારે પરમેશ્વર યહોવાહના પવિત્ર આત્માની મદદ માટે પ્રાર્થના કરી શકીએ છીએ.—માત્થી ૨૬:૪૧.
દાઊદનાં પાપમાંથી શીખવું
૧૩ દુઃખની વાત છે કે યહોવાહના વફાદાર સેવકો પણ જાતીય અનૈતિક કામોમાં ફસાય છે. એમાંના એક રાજા દાઊદ હતા, જે લાંબા સમયથી યહોવાહને વફાદાર હતા. તેથી, કોઈ શક નથી કે તે પરમેશ્વરને ખૂબ જ ચાહતા હતા, છતાં પણ, તે પાપ કરી બેઠા. સુલેમાને પેલા યુવાન વિષે જણાવ્યું તેમ, દાઊદે પાપ તરફ એક પછી બીજું પગલું ભર્યું, અને પછી સંતાડવાનો પ્રયત્ન કર્યો.
૧૪ એ સમયે દાઊદની ઉંમર લગભગ પચાસથી વધારે હતી. એક દિવસ મહેલની છત પરથી તેમણે સુંદર બાથ-શેબાને નહાતા જોઈ. તેમણે તેના વિષે તપાસ કરાવી. એમ જાણવા મળ્યું કે તેનો પતિ ઉરીયાહ યુદ્ધમાં હતો, અને આમ્મોન શહેરના રાબ્બાહને તેઓએ ઘેરો ઘાલ્યો હતો. દાઊદે બાથ-શેબાને મહેલમાં બોલાવી અને તેની સાથે જાતીય સંબંધ બાંધ્યો. સમય જતાં, ખબર પડી કે બાથ-શેબા દાઊદના બાળકની મા બનવાની હતી ત્યારે, બાબત ગંભીર બની. રાજા દાઊદે ઉરીયાહને યુદ્ધમાંથી પાછો બોલાવ્યો, જેથી ઉરીયાહ તેની પત્ની સાથે રાત વિતાવે. આમ, એવું દેખાય કે તે બાથ-શેબાના બાળકનો પિતા છે. પરંતુ, ઉરીયાહ પોતાના ઘરે ગયો નહિ. દાઊદ પોતાનું પાપ ઢાંકવા ઉતાવળા થયા હતા. તેમણે ઉરીયાહને એક પત્ર સાથે પાછો રાબ્બાહ મોકલ્યો. એ પત્રમાં સેનાપતિને જણાવાયું કે યુદ્ધમાં ઉરીયાહને એવી જગ્યાએ રાખવો, જ્યાં તે માર્યો જાય. આમ, ઉરીયાહ માર્યો ગયો. પછી, બાથ-શેબા ગર્ભવતી છે એની લોકોને જાણ થાય એ પહેલાં, દાઊદે એ વિધવા સાથે લગ્ન કરી લીધા.—૨ શમૂએલ ૧૧:૧-૨૭.
૧૫ એ પરથી એવું દેખાય કે દાઊદનું કાવતરું સફળ થયું અને તેમનું પાપ ઢંકાઈ ગયું. મહિના પસાર થયા અને બાથ-શેબાએ પુત્રને જન્મ આપ્યો. દાઊદે બત્રીસમું ગીત રચ્યું ત્યારે, આ બનાવ તેમના મનમાં હોય તો, એ બતાવે છે કે તેમનું અંતઃકરણ સતત ડંખતું હતું. (ગીતશાસ્ત્ર ૩૨:૩-૫) તેમના પાપ પરમેશ્વરથી છૂપા ન હતાં. બાઇબલ કહે છે કે, ‘દાઊદે જે કૃત્ય કર્યું હતું તે યહોવાહની નજરમાં ખોટું હતું.’ (૨ શમૂએલ ૧૧:૨૭) યહોવાહે નાથાન પ્રબોધકને મોકલ્યા, જેમણે ચતુરાઈથી દાઊદ પાસે તેમના પાપ કબૂલ કરાવ્યાં. દાઊદે તરત જ કબૂલ કર્યું કે પોતે ઘણું જ ખોટું કર્યું છે, અને યહોવાહની માફીની ભીખ માગી. તેમણે ખરો પસ્તાવો કર્યો, એટલે યહોવાહ પરમેશ્વર સાથે ફરીથી તેમનો સંબંધ બંધાયો. (૨ શમૂએલ ૧૨:૧-૧૩) દાઊદને ઠપકો મળવાથી, તે ગુસ્સે થયા નહિ. એને બદલે, તેમનું વલણ ગીતશાસ્ત્ર ૧૪૧:૫ પ્રમાણે હતું: “ન્યાયી માણસ મને ફટકા મારે તો તે હું કૃપા સમજીશ; તે મને ઠપકો દે, તો તે મારા માથા પર ચોળેલા તેલ જેવો થશે; મારૂં માથું તેનો નકાર નહિ કરે.”
૧૬ દાઊદ અને બાથ-શેબાના બીજા પુત્ર સુલેમાને તેના પિતાના જીવનનો આ બનાવ જરૂર વિચાર્યો હશે. સુલેમાને પછીથી લખ્યું: “જે માણસ પોતાનાં ઉલ્લંઘનો છૂપાવે છે તેની આબાદી થશે નહિ; પણ જે કોઇ તેમને કબૂલ કરીને તેનો ત્યાગ કરે છે, તેઓ પર દયા કરવામાં આવશે.” (નીતિવચન ૨૮:૧૩) આપણે કોઈ ગંભીર પાપ કર્યું હોય તો, આ પ્રેરિત સલાહ અને ચેતવણી માનવી જ જોઈએ. આપણે યહોવાહ આગળ એ કબૂલ કરીને, મંડળના વડીલોની મદદ લઈએ. એ વડીલોની મહત્ત્વની જવાબદારી છે કે, પાપમાં ફસાયેલાને મદદ કરે.—યાકૂબ ૫:૧૪, ૧૫.
પાપનાં ફળ ભોગવવા
૧૭ યહોવાહ પરમેશ્વરે રાજા દાઊદને શા માટે માફ કર્યા? એનું કારણ એ કે દાઊદ વફાદાર હતા, તેમણે બીજાને દયા બતાવી હતી, અને તેમણે ખરો પસ્તાવો કર્યો હતો. છતાં, દાઊદને પોતાના પાપનાં ફળ ભોગવવા પડ્યાં. (૨ શમૂએલ ૧૨:૯-૧૪) આજે પણ એમ જ બને છે. ભલે યહોવાહ પસ્તાવો કરનારને સજા નહિ કરે, પણ તેઓનાં પાપનાં પરિણામથી તે બચાવતા નથી. (ગલાતી ૬:૭) જાતીય રીતે અશુદ્ધ થવાથી છૂટાછેડા, ગેરકાયદે ગર્ભ રહેવો, જાતીય સંબંધથી રોગનો ચેપ લાગવો, અને બીજાનો વિશ્વાસ તથા માન ગુમાવવા જેવા પરિણામો આવી શકે છે.
૧૮ આપણે ગંભીર ભૂલ કરી હોય તો, એના પરિણામ ભોગવવા સહેલા નથી. પરંતુ, આપણે ખરો પસ્તાવો કરીને પરમેશ્વર સાથે ફરીથી સંબંધ બાંધવામાં કશું જ આડું આવવા ન દઈએ. પ્રથમ સદીમાં, પાઊલે કોરીંથના ભાઈઓને લખ્યું કે નજીકના સગા સાથે વ્યભિચાર કરનાર વ્યક્તિને મંડળમાંથી દૂર કરો. (૧ કોરીંથી ૫:૧, ૧૩) જો કે તેણે ખરો પસ્તાવો કર્યો, એટલે પાઊલે મંડળને જણાવ્યું કે, ‘તેને માફી આપીને દિલાસો આપો અને તેના પર પૂર્ણ પ્રેમ રાખો.’ (૨ કોરીંથી ૨:૫-૮) આ પ્રેરિત સલાહમાં આપણે યહોવાહનો પ્રેમ અને દયા જોઈએ છીએ. વળી, કોઈ પાપી પસ્તાવો કરે ત્યારે, સ્વર્ગમાં દૂતો પણ આનંદ કરે છે.—લુક ૧૫:૧૦.
૧૯ આપણે કરેલા પાપને કારણે દિલ દુઃખી થઈને જે પસ્તાવો થાય છે, એ આપણને ફરીથી પાપમાં ન પડવા ચેતવણી પૂરી પાડે છે. (અયૂબ ૩૬:૨૧) ખરું જોતાં, એ પાપના કડવા ફળોથી જ આપણને ભાન થયું હોવું જોઈએ કે, એમાં ફરી કદી ન પડવું. વળી, દાઊદે પોતાના પાપના દુઃખદ અનુભવથી બીજા લોકોને મદદ કરી. તેમણે કહ્યું: “હું ઉલ્લંઘન કરનારાઓને તારા માર્ગ શીખવીશ; અને પાપીઓ તારી તરફ ફરશે.”—ગીતશાસ્ત્ર ૫૧:૧૩.
યહોવાહની સેવામાં આનંદ
૨૦ ઈસુએ કહ્યું: “જેઓ દેવની વાત સાંભળે છે અને પાળે તેઓને ધન્ય છે!” (લુક ૧૧:૨૮) યહોવાહના ન્યાયી નિયમો પાળવાથી આપણને હમણાં અને ભાવિમાં હંમેશ માટે આનંદ મળશે. આપણે નૈતિક રીતે શુદ્ધ રહ્યા હોઈએ તો, યહોવાહે આપણને મદદ કરવા માટે કરેલી ગોઠવણોનો લાભ લઈને, શુદ્ધ રહેવાનું ચાલુ રાખીએ. પરંતુ, આપણે અનૈતિક કામો કર્યાં હોય તો, યાદ રાખીએ કે સાચો પસ્તાવો કરનારને માફ કરવા યહોવાહ તૈયાર છે. વળી, ચાલો આપણે નિર્ણય કરીએ કે એ પાપમાં ફરી કદી ફસાઈએ નહિ.—યશાયાહ ૫૫:૭.
૨૧ જલદી જ, આ અન્યાયી જગત અને એનું અનૈતિક વલણ તથા કામો નાશ પામશે. આપણે નૈતિક રીતે શુદ્ધ રહીશું તો, હમણાં અને હંમેશા લાભ પામીશું. પ્રેષિત પીતરે લખ્યું: “એ માટે, વહાલાઓ, એઓની વાટ જોઈને, તમે તેની નજરે નિષ્કલંક તથા નિર્દોષ થઈને શાંતિમાં રહેવાને યત્ન કરો. . . . તમે અગાઉથી ચેતીને સાવધ થાઓ, કે અધર્મીઓની ભૂલથી ખેંચાઈ જઈને તમે તમારી સ્થિરતાથી ન ડગો.”—૨ પીતર ૩:૧૪, ૧૭.
શું તમે સમજાવી શકો?
• નૈતિક રીતે શુદ્ધ રહેવું કેમ મુશ્કેલ છે?
• ઉચ્ચ નૈતિક ધોરણો જાળવી રાખવાના આપણા નિર્ણયને કઈ રીતે ઉત્તેજન મળે છે?
• સુલેમાને જે યુવાનની વાત કરી, એમાંથી આપણે શું શીખીએ છીએ?
• દાઊદનો દાખલો આપણને પસ્તાવા વિષે શું શીખવે છે?
[અભ્યાસ પ્રશ્નો]
૧. નૈતિક રીતે આજે લોકોમાં કયો ફરક છે?
૨. કયા દબાણો નૈતિક રીતે શુદ્ધ રહેવાનું મુશ્કેલ બનાવે છે?
૩. આજે શા માટે ઘણા અનૈતિક બની અશુદ્ધ થાય છે?
૪. નૈતિક રીતે શુદ્ધ રહેવા આપણે શું કરવું જ જોઈએ?
૫. આપણે નૈતિક રીતે શુદ્ધ રહેવા માગીએ છીએ, એનું મુખ્ય કારણ કયું છે?
૬. આપણી નૈતિક શુદ્ધતા વિષે બીજાને જાણવા દેવાથી કઈ મદદ મળે છે?
૭. નૈતિક રીતે શુદ્ધ રહેવાના નિર્ણયને આપણે કઈ રીતે વળગી રહી શકીએ?
૮. (ક) આપણે કેમ સારી વાતોનો વિચાર કરવો જોઈએ? (ખ) આપણે શાનાથી દૂર રહીએ?
૯-૧૧. સુલેમાને જણાવ્યું તેમ, એક યુવાન કઈ રીતે અનૈતિક કામોની જાળમાં ફસાયો?
૧૨. (ક) “અક્કલહીન” શબ્દ શું સૂચવે છે? (ખ) કઈ રીતે આપણે નૈતિક હિંમત મેળવી શકીએ?
૧૩, ૧૪. કઈ રીતે દાઊદ રાજાએ ગંભીર પાપ કર્યાં?
૧૫. (ક) કઈ રીતે દાઊદના પાપ ખુલ્લાં પડ્યાં? (ખ) નાથાને ચતુરાઈથી ઠપકો આપ્યો ત્યારે દાઊદે શું કર્યું?
૧૬. સુલેમાને પાપ સંબંધી કઈ ચેતવણી અને સલાહ આપી?
૧૭. યહોવાહ પાપ માફ કરે છે, પણ શાનાથી બચાવતા નથી?
૧૮. (ક) એક વ્યભિચારી વિષે, પાઊલે કોરીંથના ભાઈઓને શું કહ્યું? (ખ) કઈ રીતે યહોવાહ પાપીઓને પ્રેમ અને દયા બતાવે છે?
૧૯. પાપને કારણે થતા ખરા દુઃખથી કયા લાભ થઈ શકે?
૨૦. દેવના ન્યાયી નિયમો પાળવાથી કયા લાભ થાય છે?
૨૧. નૈતિક રીતે શુદ્ધ રહેવા પીતરની કઈ સલાહ મદદ કરી શકે?
[પાન ૧૩ પર ચિત્ર]
નૈતિક રીતે શુદ્ધ રહેવાનો તમારો નિર્ણય બીજાને જાણવા દેવાથી રક્ષણ મળશે
[પાન ૧૬, ૧૭ પર ચિત્રો]
દાઊદે કરેલા ખરા પસ્તાવાને કારણે, યહોવાહે માફી આપી