‘જીવનનો ખરો આનંદ ક્યાંથી મળી શકે?’
“દેવનું ભય રાખ અને તેની આજ્ઞાઓ પાળ.”—સભાશિક્ષક ૧૨:૧૩
૧, ૨. સભાશિક્ષકના પુસ્તકમાંથી આપણને શું લાભ થઈ શકે?
આજથી લગભગ ૩,૦૦૦ વર્ષ પહેલાં સુલેમાન રાજા થઈ ગયા. એ જમાનાના સૌથી અમીર લોકોમાં તેમની ગણના થતી હતી. તેમના જેવું બીજું કોઈ બુદ્ધિશાળી ન હતું. તેમણે જીવનમાં ઘણા જ કામો કર્યા, છતાં પોતાને પૂછ્યું ‘જીવનનો ખરો આનંદ ક્યાંથી મળી શકે?’
૨ સુલેમાને જે ખરા સુખની શોધ કરી એના વિશે સભાશિક્ષકના પુસ્તકમાં લખ્યું. (સભાશિક્ષક ૧:૧૩) સુલેમાનના અનુભવમાંથી આપણે ઘણું શીખી શકીએ. સભાશિક્ષકનું પુસ્તક આપણને જીવનનો ખરો અર્થ શોધવા ને આનંદ મેળવવા મદદ કરી શકે.
“પવનમાં બાચકા ભરવા જેવું”
૩. આપણું જીવન શાના જેવું છે?
૩ સુલેમાને લખ્યું કે ઈશ્વરે રંગ-બેરંગી અગણિત વસ્તુઓ રચી છે. એના વિષે આપણે શીખવા માંડીએ તો આખું જીવન પણ ઓછું પડે. (સભાશિક્ષક ૩:૧૧; ૮:૧૭) બાઇબલ કહે છે કે આપણું જીવન ફૂલની જેમ ઝડપથી કરમાઈ જાય છે. (અયૂબ ૧૪:૧, ૨; સભાશિક્ષક ૬:૧૨) એ કારણથી જીવન જેમ તેમ વેડફી ન નાખવું જોઈએ. એમ કરવું સહેલું નથી, કેમ કે શેતાન આપણને ખોટા રસ્તે લઈ જવા બનતા બધાં જ પ્રયત્નો કરે છે.
૪. (ક) “વ્યર્થતા” શબ્દનો શું અર્થ થાય? (ખ) આ લેખમાં આપણે શાના વિષે ચર્ચા કરીશું?
૪ સુલેમાને જણાવ્યું કે સમય બગાડવાથી જીવન બરબાદ થશે. તેમણે સભાશિક્ષકના પુસ્તકમાં ૩૦થી વધારે વખત “વ્યર્થ” કે “વ્યર્થતા” જેવા શબ્દો વાપર્યા છે. “વ્યર્થતા” માટે વપરાતા હેબ્રી શબ્દનો અર્થ થાય નકામું કે અર્થ વગરનું. (સભાશિક્ષક ૧:૨, ૩) એ જ રીતે અમુક જગ્યાએ વ્યર્થતાનો વિચાર રજૂ કરવા સુલેમાને અમુક કામોને “પવનમાં બાચકા ભરવા” સાથે સરખાવ્યાં. (સભાશિક્ષક ૧:૧૪; ૨:૧૧) તમે જો હવામાં બાચકા ભરશો તો હાથમાં શું આવશે, કંઈ જ નહિ. એવી જ રીતે નકામા ધ્યેયો પાછળ દોડતા રહીશું તો આપણું જીવન વેડફાઈ જશે. એવું ન કરી બેસીએ માટે સુલેમાન આપણને ચેતવે છે. આપણે આ લેખમાં આ બાબતો વિષે ચર્ચા કરીશું. જેમ કે મોજશોખ અને માલ-મિલકત પાછળ પડવું જોઈએ કે નહિ. તેમ જ ઈશ્વરની નજરમાં કેવું કામ કરવાથી સંતોષ મળી શકે.
શું મોજશોખ આપણને ખરું સુખ આપી શકે?
૫. આનંદ મેળવવા સુલેમાને શું કર્યું?
૫ આજે લોકો આનંદ મેળવવા મોજશોખ પાછળ પડે છે. સુલેમાને પણ એવું જ કર્યું હતું. તેમણે કહ્યું: “મેં મારા મનને કોઈ પણ આનંદથી રોક્યું નહિ.” (સભાશિક્ષક ૨:૧૦) સુખ મેળવવા સુલેમાને શું કર્યું હતું? સભાશિક્ષકના બીજા અધ્યાય પ્રમાણે તેમણે કહ્યું ‘હું દ્રાક્ષારસથી મગ્ન થયો.’ આ તેમણે મર્યાદામાં રહીને કર્યું. વળી તેમણે બગીચા બનાવ્યા, મહેલો બંધાવ્યા અને સંગીતની મહેફિલનો આનંદ માણ્યો. ભાત-ભાતના ભોજન ખાઈ-પીને આનંદ માણ્યો.
૬. (ક) શું મોજશોખ કરવો ખોટો છે? (ખ) મોજમજા કરતી વખતે શું યાદ રાખવું જોઈએ?
૬ શું આપણે આવા આનંદી કાર્યો કરી શકીએ? હા. સુલેમાને પણ બાઇબલમાં કહ્યું હતું કે ભાત-ભાતનું ખાઈએ અને મિત્રો સાથે મોજશોખ કરીએ એમાં કંઈ ખોટું નથી. એ તો ઈશ્વરનો આશીર્વાદ છે. (સભાશિક્ષક ૨:૨૪; ૩:૧૨, ૧૩ વાંચો.) હકીકતમાં યહોવાહ યુવાનોને કહે છે: ‘તું આનંદ કર; અને તારું હૃદય તને ખુશ રાખે.’ પણ બધું મર્યાદામાં કર. (સભાશિક્ષક ૧૧:૯) એ બતાવે છે કે આનંદ કરવામાં અને મોજશોખ કરવામાં કંઈ ખોટું નથી. (વધુ માહિતી: માર્ક ૬:૩૧) પણ મોજશોખ જ આપણું જીવન હોવું ન જોઈએ. એક દાખલો લઈએ. જમવામાં ફક્ત મીઠાઈ જ પીરસવામાં આવે તો શું થશે? એ આપણને ભાવતી હશે છતાં ખાઈ-ખાઈને કંટાળી જઈશું. વધારે ખાઈશું તો આપણી તંદુરસ્તી બગડી શકે. એ જ રીતે સુલેમાને કહ્યું કે આપણા જીવનમાં મોજશોખ નંબર વન હશે તો એ “પવનમાં બાચકા ભરવા જેવું” થશે.—સભાશિક્ષક ૨:૧૦, ૧૧.
૭. આપણે શા માટે સમજી-વિચારીને મનોરંજનની પસંદગી કરવી જોઈએ?
૭ દરેક જાતનું મનોરંજન સારું છે એવું નથી. અમુક મોજમજામાં ભાગ લેવાથી વ્યક્તિ ખોટાં કામોમાં ફસાઈ જશે. એનાથી યહોવાહ સાથેનો નાતો તૂટી જશે. આજે લાખો લોકોએ મોજમજાને જીવનમાં પહેલું રાખવાથી જીવન બરબાદ કરી દીધું છે. તેઓમાંના ઘણા દારૂ, ડ્રગ્સ અને જુગારના વ્યસની થયા છે. યહોવાહ ચેતવે છે કે દિલની ખોટી ભાવના પ્રમાણે કરીશું તો એના ફળ આપણે જ ભોગવવા પડશે.—ગલાતી ૬:૭.
૮. આપણે જીવન વિષે શું વિચારવું જોઈએ?
૮ હવે જો મોજમજા પાછળ જ પડ્યા રહીશું તો મહત્ત્વની બાબતો પર ધ્યાન નહિ આપી શકીએ. આપણે ભૂલવું ન જોઈએ કે જીવન પલ દો પલનું જ છે. તંદુરસ્તીનો પણ ભરોસો નથી. મુશ્કેલીઓ નહિ આવે એવું પણ નથી. એટલે જ સુલેમાને કહ્યું કે હર્ષના ઘરમાં જવાને બદલે શોકના ઘરમાં જઈએ એ વધારે સારું છે. (સભાશિક્ષક ૭:૨, ૪ વાંચો.) એનો શું અર્થ થાય? એ જ કે કોઈ ભાઈ કે બહેનની મરણવિધિ કે ફ્યુનરલમાં જવાથી શીખી શકીશું કે તેમણે કઈ રીતે યહોવાહની ભક્તિ કરી. એનાથી આપણે પણ પોતાના જીવનમાં ફેરફાર કરી શકીશું. એ કરવાથી આપણે બાકીના જીવનનો સારો ઉપયોગ કરી શકીશું.—સભાશિક્ષક ૧૨:૧.
શું માલમિલકતથી આપણને સંતોષ મળશે?
૯. માલ-મિલકત ભેગી કરવા વિષે સુલેમાને શું અનુભવ્યું?
૯ સુલેમાને સભાશિક્ષકનું પુસ્તક લખ્યું ત્યારે અમીર લોકોમાં તેમની ગણના થતી હતી. (૨ કાળવૃત્તાંત ૯:૨૨) સુલેમાન જે ચાહતા એ મેળવી શકતા હતા. તેમણે લખ્યું: “જે કંઈ મારી નજરમાં પ્રાપ્ત કરવા જેવું લાગ્યું તેથી હું પાછો હઠ્યો નહિ.” (સભાશિક્ષક ૨:૧૦) તેમ છતાં તેમણે માલ-મિલકત ભેગી કરવાથી અનુભવ્યું કે એનાથી ખરું સુખ કે સંતોષ મળતા નથી. એટલે તેમણે કહ્યું: “રૂપાનો લોભી રૂપાથી તૃપ્ત થશે નહિ; અને સમૃદ્ધિનો ભાવિક સમૃદ્ધિથી સંતોષ પામશે નહિ.”—સભાશિક્ષક ૫:૧૦.
૧૦. ખરું સુખ ક્યાંથી મળી શકે?
૧૦ માલ-મિલકતની કિંમત રાતો-રાત ઘટી શકે. તોપણ એ મેળવવા માટે લોકોને ઘણું જ મન થતું હોય છે. દાખલા તરીકે અમેરિકાની યુનિવર્સિટીમાં નવા વિદ્યાર્થીઓનો એક સર્વે કરવામાં આવ્યો હતો. એમાં ૭૫ ટકાએ કહ્યું કે ‘અમીર બનવું એ જ જીવન છે.’ પણ એનાથી તેઓને ખરું સુખ મળશે? કદાચ. પણ ઍક્સ્પર્ટને જાણવા મળ્યું છે કે લોકો જેમ અમીર બનવાનો પ્રયત્ન કરે એમ ખરા સુખથી દૂર રહે છે. સુલેમાને પણ એવું જ કહ્યું: ‘મેં પોતાને વાસ્તે સોનુંરૂપું અને રાજાઓનું દ્રવ્ય પણ ભેગું કર્યું, એ સઘળું વ્યર્થ તથા પવનમાં બાચકા ભરવા જેવું દેખાયું.’a (સભાશિક્ષક ૨:૮, ૧૧) એને બદલે તન-મનથી યહોવાહની ભક્તિ કરીશું તો આશીર્વાદો મળશે, ખરું સુખ અનુભવીશું.—નીતિવચનો ૧૦:૨૨ વાંચો.
ખરો આનંદ આપતું કામ
૧૧. કામ કરવા વિષે બાઇબલ શું કહે છે?
૧૧ ઈસુએ કહ્યું: ‘મારા પિતા અત્યાર સુધી કામ કરે છે, અને હું પણ કરું છું.’ (યોહાન ૫:૧૭) યહોવાહ અને ઈસુને કામ કરવાથી ખૂબ જ આનંદ આવે છે. યહોવાહના હાથોના કામ વિષે બાઇબલ કહે છે કે “દેવે જે સર્વ ઉત્પન્ન કર્યું તે તેણે જોયું; અને જુઓ, તે ઉત્તમોત્તમ” હતું. (ઉત્પત્તિ ૧:૩૧) ઈશ્વરની કરામત જોઈને ‘સર્વ દેવદૂતો હર્ષનાદ કરવા લાગ્યા.’ (અયૂબ ૩૮:૪-૭) સુલેમાને પણ તેમના કામનો ખરો આનંદ માણ્યો.—સભાશિક્ષક ૩:૧૩.
૧૨, ૧૩. (ક) બે વ્યક્તિઓએ કામ કરવાથી મળતા સંતોષ વિષે શું કહ્યું? (ખ) અમુક વખતે નોકરી-ધંધો કેમ કંટાળારૂપ બને છે?
૧૨ આજે પણ ઘણા લોકો જીવન જરૂરી કામોમાં મન લગાડે છે. એક પ્રખ્યાત આર્ટિસ્ટ હોઝેનો દાખલો લઈએ. તેમણે કહ્યું કે ‘તમે તમારી કલ્પના પ્રમાણે પેઇન્ટીંગ કરો છો ત્યારે તમને ઘણો આનંદ મળે છે. એ જાણે ગઢ જીતવા જેવું લાગે છે.’ એક બિઝનેસમેન મિગેલેb કહ્યું: ‘કામ કરવાથી તમે કુટુંબનું પાલન-પોષણ કરી શકો છો. અને એનાથી સંતોષ મળે છે.’
૧૩ પરંતુ ફક્ત અમુક કામોમાં કળા વિકસાવી શકાય. મોટા ભાગના કામોમાં કંટાળો આવી શકે. ક્યારેક કામ પરનું વાતાવરણ સારું ન હોવાથી નિરાશા આવી શકે. અન્યાય પણ સહેવો પડે. સુલેમાને કહ્યું કે થોડાંક આળસુ લોકો પોતાની સત્તા વાપરીને બીજાનો ફાયદો ઉઠાવતા હોય છે. (સભાશિક્ષક ૨:૨૧) બીજા કોઈ કારણથી પણ આપણે કામથી નિરાશ થઈ શકીએ. જ્યારે વ્યક્તિ નવો ધંધો શરૂ કરે ત્યારે તેને આશા હોય છે કે એ સફળ થશે. પણ આર્થિક મંદી આવવાથી કે અણધાર્યા કારણથી એ નિષ્ફળ જાય છે. (સભાશિક્ષક ૯:૧૧ વાંચો.) ઘણી વખત એવું બને છે કે વ્યક્તિ વર્ષોથી નોકરી-ધંધો કરતી હોય છે પણ છેવટે તેમની મહેનત પર પાણી ફરી વળે છે. એ જાણે ‘પવનમાં’ ઊડી જાય છે.—સભાશિક્ષક ૫:૧૬.
૧૪. કેવું કામ ખરો આનંદ આપે છે?
૧૪ તો એવું કયું કામ છે જેનાથી આપણે નિરાશ જ નહિ થઈએ? આપણે આગળ હોઝેની વાત કરી. તેમણે કહ્યું: ‘ઘણી વખત એવું બને છે કે સમય જતા પેઇન્ટીંગ ખોવાઈ જઈ શકે અથવા બગડી પણ શકે. પણ યહોવાહની ભક્તિમાં આપણી મહેનત કદી નકામી નહિ જાય. હું વર્ષોથી લોકોને યહોવાહ વિષે શીખવું છું. એમાંના અમુક યહોવાહના ભક્ત બન્યા છે. તેઓને મદદ કરવાથી જે આનંદ મળે છે એ બીજે ક્યાંયથી ન મળી શકે.’ (૧ કોરીંથી ૩:૯-૧૧) એ જ રીતે મિગેલે પણ કહ્યું ‘તમે કોઈને બાઇબલમાંથી શીખવો છો ત્યારે તેઓ પર ઊંડી અસર પડે છે. એ જોઈને મને બહુ જ આનંદ મળે છે.’ મિગેલનું કહેવું છે કે યહોવાહના રાજ્યનો પ્રચાર કરવાથી જે આનંદ મળે છે, એવો કોઈ નોકરી-ધંધામાંથી મળતો નથી.
“તારું અન્ન પાણી પર નાખ”
૧૫. કેવું કામ કરવાથી ખરો સંતોષ ક્યાંથી મળી શકે?
૧૫ કેવું કામ કરવાથી ખરો સંતોષ મળી શકે? જો આપણે યહોવાહની ભક્તિમાં જીવન વાપરીએ અને તેમની રીતે જીવીએ તો સંતોષ મળશે. એમ કરવાથી યહોવાહ સાથે નાતો બંધાશે. તેમ જ બાળકો અને બીજાઓને એમ કરવા શીખવીશું. વળી, મંડળમાં પાક્કા મિત્રો બનાવી શકીશું. (ગલાતી ૬:૧૦) એનાથી પોતાનું અને બીજાનું ભલું થશે. એ સમજાવવા સુલેમાને કહ્યું: “તારું અન્ન પાણી પર નાખ, કેમ કે ઘણા દિવસો પછી તે તને પાછું મળશે.” (સભાશિક્ષક ૧૧:૧) એવું જ ઈસુએ પણ પોતાના શિષ્યોને ઉત્તેજન આપ્યું: ‘આપતા રહો ને તમને અપાશે.’ (લુક ૬:૩૮) યહોવાહ કહે છે કે જેઓ તન-મનથી બીજાને મદદ કરશે, તેઓને તે આશીર્વાદ આપશે.—નીતિવચનો ૧૯:૧૭; હેબ્રી ૬:૧૦ વાંચો.
૧૬. ક્યારે નક્કી કરવું જોઈએ કે આપણે જીવનમાં શું કરવું છે?
૧૬ બાઇબલ આપણને ઉત્તેજન આપે છે કે યુવાનીમાં યહોવાહને પસંદ પડે એવા નિર્ણયો લેવા જોઈએ. એમ કરીશું તો આપણું જીવન વેડફાઈ નહિ જાય. (સભાશિક્ષક ૧૨:૧) આપણે જો જગતની મોહ-માયા પાછળ જીવન વાપરી નાખીશું તો એ પવનમાં બાચકા ભરવા જેવું થશે. એ કેટલી અફસોસની વાત કહેવાય!
૧૭. જીવનમાં સુખી થવા શું કરવું જોઈએ?
૧૭ યહોવાહ આપણા પ્રેમાળ પિતા છે. તે ચાહે છે કે આપણે હંમેશાં સુખી રહીએ ને બીજાનું ભલું કરીએ. (સભાશિક્ષક ૧૧:૯, ૧૦) સુખી થવા આપણે શું કરવું જોઈએ? યહોવાહની ભક્તિમાં વધારે કરવા ધ્યેયો બાંધવા જોઈએ ને એ પૂરા કરવા મહેનત કરવી જોઈએ. આપણે કાવીએરભાઈનો દાખલો લઈએ. ૨૦ વર્ષ પહેલાં તેમને બેમાંથી એક પસંદ કરવાનું હતું, કાં તો ડૉક્ટર બનવું કે પછી ફૂલ-ટાઇમ યહોવાહની સેવા કરવી. તેમણે કહ્યું: ‘ખરું કે ડૉક્ટર તરીકે સેવા આપવાથી લોકોનું ભલું થઈ શકે. પણ યહોવાહ વિષે લોકોને શીખવવાની મજા કંઈ ઓર જ છે. ફૂલ-ટાઇમ સેવા કરવાથી મને સંતોષ થાય છે. પણ મેં એ પહેલા જ શરૂ કરી હોત તો કેવું સારું!’
૧૮. ઈસુનાં જીવનમાંથી આપણે શું શીખી શકીએ?
૧૮ આપણા માટે સૌથી કીમતી શું છે? એ મેળવવા શું કરવું જોઈએ? સભાશિક્ષક કહે છે: “મૂલ્યવાન અત્તર કરતાં રૂડી સાખ સારી છે; અને જન્મના દિવસ કરતાં મરણનો દિવસ સારો છે.” (સભાશિક્ષક ૭:૧) આના વિષે ઈસુએ સૌથી સારો દાખલો બેસાડ્યો. તેમણે યહોવાહ સાથે સારું નામ બનાવ્યું. પોતાના જીવનથી પુરવાર કર્યું કે યહોવાહ વિશ્વના રાજા છે. ઈસુ છેલ્લા શ્વાસ સુધી યહોવાહને વફાદાર રહ્યા. પાપ અને મરણમાંથી છોડાવવા તેમણે આપણા માટે કુરબાની પણ આપી. (માત્થી ૨૦:૨૮) ખરું કે ઈસુ પૃથ્વી પર થોડા જ વર્ષો જીવ્યા, તોપણ તેમણે આપણા માટે સૌથી સારો દાખલો બેસાડ્યો. તેમના પગલે ચાલવાથી આપણે યહોવાહની કૃપા પામીશું.—૧ કોરીંથી ૧૧:૧; ૧ પીતર ૨:૨૧.
૧૯. સુલેમાનની કઈ સલાહ દિલમાં ઉતારવી જોઈએ?
૧૯ આપણે પણ ઈસુની જેમ યહોવાહ સાથે સારું નામ બનાવવું જોઈએ. જોકે એની સરખામણીમાં માલમિલકત કંઈ જ નથી. (માત્થી ૬:૧૯-૨૧, વાંચો.) આપણે દરરોજ એવી રીતે જીવવું જોઈએ કે યહોવાહને આનંદ થાય. એમ કરવા શું કરવું જોઈએ? પ્રચાર કરવો જોઈએ. લગ્નજીવનમાં અને કુટુંબમાં સારો સંબંધ કેળવવો જોઈએ. બાઇબલ વાંચવું જોઈએ અને એના પર મનન કરવું જોઈએ. સભામાં જવું જોઈએ. આમ યહોવાહ સાથે પાકો નાતો બંધાશે. (સભાશિક્ષક ૧૧:૬; હેબ્રી ૧૩:૧૬) શું તમે જીવનનો ખરો આનંદ મેળવવા ચાહો છો? ચાહતા હો, તો સુલેમાનની આ સલાહ દિલમાં ઉતારો: “દેવનું ભય રાખ અને તેની આજ્ઞાઓ પાળ; દરેક મનુષ્યની સંપૂર્ણ ફરજ એ છે.”—સભાશિક્ષક ૧૨:૧૩. ( w08 4/15)
[ફુટનોટ્સ]
a સુલેમાનની વરસની મહેસૂલી આવક લગભગ ૬૬૬ તાલંત (૨૨,૦૦૦ કિલો) સોનું હતી.—૨ કાળવૃત્તાંત ૯:૧૩.
b નામ બદલવામાં આવ્યું છે.
કેવો જવાબ આપશો?
• પોતાના જીવન માર્ગ વિષે કેમ વિચારવું જોઈએ?
• મોજશોખ અને માલમિલકત વિષે શું ધ્યાનમાં રાખવું જોઈએ?
• કેવું કામ આપણને કાયમી સંતોષ આપશે?
• આપણા જીવનમાં સૌથી કીમતી શું હોવું જોઈએ?
[પાન ૨૭ પર ચિત્ર]
મોજશોખ વિષે શું ધ્યાનમાં રાખવું જોઈએ?
[પાન ૨૮ પર ચિત્ર]
પ્રચાર કરવાથી આપણને કેમ આનંદ થાય છે?