બૂરાઈ ઈશ્વરે હજી કેમ દૂર કરી નથી?
‘યહોવાહ ઈશ્વર પોતાના સર્વ માર્ગોમાં ન્યાયી છે,’ બાઇબલ જણાવે છે. (ગીતશાસ્ત્ર ૧૪૫:૧૭; પ્રકટીકરણ ૧૫:૩) યહોવાહ વિષે તેમના ભક્ત મુસાએ કહ્યું, ‘તે તો ખડક છે. તેનું કામ સંપૂર્ણ છે, કેમ કે તેના સર્વ માર્ગો ન્યાયરૂપ છે; વિશ્વાસુ તથા સત્ય ઈશ્વર, તે ન્યાયી તથા ખરો છે.’ (પુનર્નિયમ ૩૨:૪) યહોવાહ “ઘણો દયાળુ તથા કૃપાળુ છે.” (યાકૂબ ૫:૧૧) ઈશ્વર કદીયે કોઈની પાસે દુષ્ટતા કરાવતા નથી.
ઈશ્વરભક્ત યાકૂબે લખ્યું કે ‘કોઈનું પરીક્ષણ થયું હોય તો ઈશ્વરે મારૂં પરીક્ષણ કર્યું છે, એમ તેણે ન કહેવું; કેમકે દુષ્ટતાથી ઈશ્વરનું પરીક્ષણ થતું નથી, અને તે કોઈને પરીક્ષણમાં નાખતો પણ નથી.’ (યાકૂબ ૧:૧૩) યહોવાહ કદીયે કોઈને દુઃખ-તકલીફોમાં નાખતા નથી. તે કોઈને દુષ્ટ કામો કરવા પણ ફસાવતા નથી. તો પછી આજની દુષ્ટતા અને દુઃખ-તકલીફો માટે કોણ જવાબદાર?
દુષ્ટતા પાછળ કોનો હાથ છે?
ઈશ્વરભક્ત યાકૂબ અમુક હદે ખુદ માણસને દુષ્ટતા માટે જવાબદાર ગણે છે. તે કહે છે: “દુષ્ટ વાસનાઓ માણસને લલચાવે છે અને તેની પોતાની દુષ્ટ ઇચ્છાઓ તેને પરીક્ષણ તરફ ખેંચી જાય છે. દુષ્ટ ઇચ્છાઓ પાપ કરાવે છે. અને પાપ વધી જાય છે અને તે મોત નિપજાવે છે.” (યાકૂબ ૧:૧૪, ૧૫, ઈઝી ટુ રીડ વર્શન) ઘણી વાર વ્યક્તિ પોતાની ખોટી ઇચ્છા પ્રમાણે વર્તે છે. તેમ જ વારસામાં મળેલા પાપને લીધે પણ વ્યક્તિ ખોટી ઇચ્છાઓ પૂરી કરવા લલચાય છે. એનાથી તે ઘોર પાપના ખાડામાં પડી શકે છે. (રૂમી ૭:૨૧-૨૩) ખરું કહો તો વારસામાં મળેલા એ પાપે માણસ પર “રાજ કર્યું” છે, તેને દુષ્ટ કામોનો ગુલામ બનાવ્યો છે. એટલે ધરતી પર બેહદ દુઃખ જોવા મળે છે. (રૂમી ૫:૨૧) એ સિવાય દુષ્ટ માણસો બીજાઓને પણ ખોટે રસ્તે ચડાવી દઈ શકે છે.—નીતિવચનો ૧:૧૦-૧૬.
પણ દુષ્ટતાની શરૂઆત કરનાર તો શેતાન છે. એટલે ઈસુએ કહ્યું કે શેતાન ‘ભૂંડો’ છે, દુષ્ટ “જગતનો અધિકારી” છે. મોટા ભાગના લોકો શેતાનને ઇશારે નાચે છે. તેની લાલચમાં ફસાઈને યહોવાહના નીતિ-નિયમો તોડે છે. (માત્થી ૬:૧૩; યોહાન ૧૪:૩૦; ૧ યોહાન ૨:૧૫-૧૭) બાઇબલ કહે છે કે “આખું જગત તે દુષ્ટની સત્તામાં રહે છે.” (૧ યોહાન ૫:૧૯) શેતાન અને તેના ખરાબ દૂતો “આખા જગતને ભમાવે છે.” તેઓ દુનિયા પર એક પછી બીજી આફતો લાવે છે. (પ્રકટીકરણ ૧૨:૯, ૧૨) એટલે દુષ્ટતાને માટે મોટા ભાગે શેતાન જવાબદાર છે.
દુઃખ-તકલીફોનું બીજું કારણ જણાવતા બાઇબલ કહે છે: “એ બધું સમય અને સંજોગોને આધીન હોય છે.” (સભાશિક્ષક ૯:૧૧, કોમન લેંગ્વેજ) ઈસુએ એક બનાવ વિષે જણાવ્યું, જેમાં ૧૮ લોકો પર બુરજ તૂટી પડ્યો હતો. એમાંથી કોઈ બચ્યું નહિ. (લુક ૧૩:૪) તેઓ પર આફત આવી પડી, કેમ કે તેઓ એવા સમયે અને એવી જગ્યાએ હતા જ્યાં અણધાર્યો બનાવ બન્યો. આજે પણ એવું જ બની શકે છે. માનો કે કોઈ કડિયો ઘર બાંધે છે. તેના હાથમાંથી ઈંટ સરકીને નીચે રસ્તે ચાલનાર પર પડે છે. શું એમાં ઈશ્વરનો વાંક છે? ના, અણધાર્યો બનાવ અચાનક બની જાય છે. એવું જ ઘણી વાર કુટુંબમાં બને છે. કોઈ અણધાર્યું બીમાર પડી જાય કે કોઈ અચાનક ગુજરી જાય અને કુટુંબને રડતું-કકળતું મૂકી જાય છે.
આપણે જોયું તેમ ઈશ્વર દુષ્ટતા કે દુઃખ-તકલીફો માટે જવાબદાર નથી. તે બહુ જ જલદી દુષ્ટ કામો અને એ માટે જવાબદાર લોકોનું નામનિશાન મિટાવી દેશે. (નીતિવચનો ૨:૨૨) એટલું જ નહિ, તે ઈસુ દ્વારા “શેતાનનાં કામનો નાશ” કરશે. (૧ યોહાન ૩:૮) પછી દુનિયામાં લોભ, નફરત અને દુષ્ટતા હશે જ નહિ. યહોવાહ સર્વની “આંખોમાંનું દરેક આંસુ લૂછી નાખશે.” બધીયે તકલીફોનો અંત લાવશે. (પ્રકટીકરણ ૨૧:૪) પણ તમને કદાચ સવાલ થાય કે ‘યહોવાહે એ હજુ સુધી કેમ નથી કર્યું? આજ સુધી દુષ્ટતા અને દુઃખો ચાલવા દઈને, તે શાની રાહ જુએ છે?’ એનો જવાબ બાઇબલમાં આદમ અને હવાના અહેવાલમાંથી મળે છે.
એક મહત્ત્વનો સવાલ ઊભો થયો
યહોવાહે હજુ કેમ દુષ્ટતા મિટાવી દીધી નથી, એ આપણને મનુષ્યની શરૂઆતના એક બનાવમાંથી જાણવા મળે છે. એ બનાવમાં ખુદ ઈશ્વર વિષે એક મહત્ત્વનો સવાલ ઊભો થયો. એનો જવાબ ચપટી વગાડતા મળી જાય એમ ન હતું. એવું તો શું બન્યું હતું?
યહોવાહ ઈશ્વરે સૌથી પહેલો પુરુષ આદમ અને તેની પત્ની હવાનું સર્જન કર્યું. તેઓ ઈશ્વર જેવા પવિત્ર હતા, તેઓમાં કોઈ જ ખોટ ન હતી. ઈશ્વરે તેઓને સુંદર મજાની ધરતી રહેવા આપી. તેઓને પોતાની મરજીના માલિક બનાવ્યા. તેઓ ખરું-ખોટું પારખી શકતા. શું કરવું, શું ન કરવું એ નક્કી કરી શકતા હતા. ઈશ્વરે પશુ-પંખીઓને એવી ક્ષમતા આપી ન હતી. (ઉત્પત્તિ ૧:૨૮; ૨:૧૫, ૧૯) એટલે આદમ અને હવા ચાહે તો પોતાના સર્જનહારને દિલથી ભજી શકતાʼતા. તેમની બધીય આજ્ઞાઓ પાળી શકતાʼતા. અથવા તો તેઓ યહોવાહનો સાથ છોડીને, મન ફાવે એમ જીવવાનું પસંદ કરી શકતાʼતા.
યહોવાહે આદમને એક આજ્ઞા આપી: “વાડીના હરેક વૃક્ષ પરનું ફળ તું ખાયા કર; પણ ભલુંભૂંડું જાણવાના વૃક્ષનું તારે ખાવું નહિ; કેમકે જે દિવસે તું ખાશે તે જ દિવસે તું મરશે જ મરશે.” (ઉત્પત્તિ ૨:૧૬, ૧૭) તેઓને ફક્ત એક જ ઝાડનાં ફળ ખાવાની મના હતી. એ આજ્ઞા આપીને યહોવાહ તેઓનો પ્રેમ જોવા માગતા હતા. એ આજ્ઞા પાળીને આદમ અને હવા કાયમ ઈશ્વરની કૃપા પામી શક્યા હોત. એમાં તેઓને થનાર બાળકોનું પણ ભલું હતું. શું આદમ અને હવાએ એ આજ્ઞા પાળી?
બાઇબલ જણાવે છે કે શું બન્યું. શેતાને એક સાપ દ્વારા હવાને પૂછ્યું: ‘શું યહોવાહે તમને ખરેખર એવું કહ્યું છે કે વાડીના હરેક વૃક્ષનું ફળ તમારે ન ખાવું?’ હવાએ જણાવ્યું કે યહોવાહે કઈ આજ્ઞા આપી છે. પણ શેતાને હવાને કહ્યું, ‘તમે નહિ જ મરશો; કેમ કે યહોવાહ જાણે છે કે તમે ખાશો તે જ દિવસે તમારી આંખો ઊઘડી જશે, ને તમે તેમના જેવા ભલુંભૂંડું જાણનારા થશો.’ પછી હવાને એ ઝાડ અને એનાં ફળ એટલાં સુંદર લાગ્યાં કે તેણે “ફળ તોડીને ખાધું; અને તેની સાથે પોતાનો વર હતો તેને પણ આપ્યું, ને તેણે ખાધું.” (ઉત્પત્તિ ૩:૧-૬) આ રીતે આદમ અને હવાએ જાણીજોઈને યહોવાહની આજ્ઞા તોડી અને પાપ કર્યું. તેમની સાથેનો નાતો તોડ્યો.
આ બનાવને લીધે એક મહત્ત્વનો સવાલ ઊભો થયો. યહોવાહે આદમને જે કહ્યું હતું, એની વિરોધમાં શેતાન બોલ્યો. શેતાનનું કહેવું હતું કે આદમ-હવાને યહોવાહની કોઈ જરૂર નથી. તેઓ પોતે જીવનમાં નક્કી કરી શકે કે શું સારું ને શું ખરાબ. આમ, શેતાને મોટો સવાલ ઉઠાવ્યો કે શું યહોવાહે આપણા પર રાજ કરવું જોઈએ? શું તેમનું રાજ બધાનું ભલું કરી શકે છે? બીજા શબ્દોમાં શેતાન એમ કહેવા માગતો હતો કે આપણને સર્જનહારની કોઈ જરૂર નથી. ઈશ્વર વગર આપણે સુખેથી રહી શકીએ છીએ . યહોવાહે એનો કેવો જવાબ આપ્યો?
પૂરતો સમય જરૂરી
યહોવાહ ઈશ્વરે ધાર્યું હોત તો શેતાન, આદમ અને હવાને ત્યાં ને ત્યાં જ મોતની સજા કરી હોત. બેશક, ઈશ્વરની શક્તિનો કોઈ પાર નથી. પણ શેતાને ઈશ્વરની શક્તિ વિષે સવાલ ઉઠાવ્યો ન હતો. તેણે તો એ શંકા ઉઠાવી કે યહોવાહે આપણા પર રાજ કરવું જોઈએ કે કેમ. એ સવાલ દરેક મનુષ્ય સામે, અરે દરેક સ્વર્ગદૂત સામે ઊભો હતો, જેઓ પોતાની મરજીના માલિક હતા. ઈશ્વરે તેઓને રોજબરોજના જીવન વિષે, સારા સંસ્કાર વિષે, ભક્તિ વિષે માર્ગદર્શન આપ્યું હતું. એ પ્રમાણે ન ચાલે તો તેઓને જ નુકસાન હતું. એક દાખલો લઈએ. ગુરુત્વાકર્ષણના (ગ્રૅવિટી) નિયમની ચિંતા કર્યા વિના કોઈ બિલ્ડિંગ પરથી કૂદકો મારે, તો ચોક્કસ એનાં હાડકાં ભાંગશે. એવી જ રીતે ઈશ્વરનું ન સાંભળવાથી માણસને જરૂર નુકસાન થશે. (ગલાતી ૬:૭, ૮) પણ માણસો અને દૂતો એની સાબિતી જોઈ શકે, એ માટે સમયની જરૂર હતી.
ચાલો એ સમજવા એક દાખલો લઈએ. એક કુટુંબના પિતા, બીજા કુટુંબના પિતા સાથે શરત મારે છે કે કોણ વધારે શક્તિશાળી છે. તેઓ પોતાની તાકાત માપવા કદાચ મોટો પથ્થર ઉપાડે. જે કોઈ વધારે ભારે પથ્થર ઉપાડે, એ વધારે શક્તિશાળી. એનો ફેંસલો કરવામાં બહુ ટાઇમ ન જોઈએ. પણ કોઈ આવો સવાલ ઉઠાવે તો શું કે કોણ પોતાનાં બાળકોને દિલથી ચાહે છે અને બાળકો પણ પિતાને ખૂબ ચાહે છે? કોણ પોતાના કુટુંબની સારી સંભાળ રાખે છે? એ કિસ્સામાં તાકાત બતાવવાથી કે મીઠું-મીઠું બોલવાથી સાબિતી નહિ આપી શકાય. એ માટે તો ટાઇમ જોઈએ. સમય પસાર થાય એમ લોકો જુએ, જાણે, પછી જ ફેંસલો થાય.
વીતેલા સમયે શું સાબિત કર્યું છે?
યહોવાહ સામે શેતાને ઊભા કરેલા સવાલને લગભગ ૬,૦૦૦ વર્ષ થઈ ગયાં છે. એ સમયમાં શું જોવા મળ્યું છે? આપણે શેતાનના ફક્ત બે દાવાઓ લઈએ. શેતાને હવાને કહ્યું હતું કે “તમે નહિ જ મરશો.” (ઉત્પત્તિ ૩:૪) તે જાણે કે આદમ અને હવાને કહેતો હતો કે ‘તમે મના કરેલું ફળ ખાશો તો કંઈ જ નહિ થાય. યહોવાહ તો જૂઠું બોલે છે!’ યહોવાહ પર શેતાને કેવો મોટો આરોપ મૂક્યો! જો યહોવાહ આ બાબતમાં સાચા ન હોય, તો પછી બીજી બાબતો વિષે શું? શું એમાં તે સાચું બોલે છે? ચાલો જોઈએ કે સમય પસાર થયો તેમ શું બન્યું.
આદમ અને હવા બીમાર પડ્યા. દુઃખ સહન કરવું પડ્યું. ઘરડા થયા અને આખરે મરણ પામ્યા. બાઇબલ કહે છે કે “આદમના સર્વ દહાડા નવસો ત્રીસ વર્ષ હતાં; અને તે મરી ગયો.” (ઉત્પત્તિ ૩:૧૯; ૫:૫) અફસોસ કે સર્વ મનુષ્ય આદમના વંશજ હોવાથી, તેઓને પણ મરણનો વારસો મળ્યો. (રૂમી ૫:૧૨) આમ, સમયે સાબિત કર્યું કે શેતાન “જૂઠો, અને જૂઠાનો બાપ છે.” પણ યહોવાહ ઈશ્વર સાચું જ બોલે છે.—યોહાન ૮:૪૪; ગીતશાસ્ત્ર ૩૧:૫.
શેતાને હવાને એમ પણ કહ્યું હતું કે યહોવાહ “જાણે છે કે તમે [મનાઈ કરેલું ફળ] ખાશો તે જ દિવસે તમારી આંખો ઊઘડી જશે, ને તમે [આદમ અને હવા] દેવના જેવાં ભલુંભૂંડું જાણનારાં થશો.” (ઉત્પત્તિ ૩:૫) એ મીઠા મીઠા શબ્દોની જાળ બિછાવીને શેતાને મનુષ્યને ખોટી લાલચ બતાવી કે તેઓ ઈશ્વરથી આઝાદ, મન ફાવે તેમ જીવી શકે છે. ઈશ્વરની તેઓને કંઈ જરૂર નથી, તેમના માર્ગદર્શનની પણ કોઈ જરૂર નથી. શું એ સાચું સાબિત થયું છે?
માનવ ઇતિહાસમાં મોટી મોટી સત્તાઓ આવી અને ગઈ. શક્ય એવી બધી જાતની સરકારો માણસે અજમાવી જોઈ છે. પણ શું જોવા મળ્યું છે? મનુષ્યની હાલત દિવસે દિવસે ખરાબ થતી ગઈ છે. લગભગ ૩,૦૦૦ વર્ષ પહેલાં, બાઇબલમાં જે લખાયું હતું એ આજે બધે જોવા મળે છે: “માણસ બીજા માણસ ઉપર નુકસાનકારક સત્તા ચલાવે છે.” (સભાશિક્ષક ૮:૯) ઈશ્વરભક્ત યિર્મેયાહે લખ્યું કે “પોતાનાં પગલાં ગોઠવવાં એ ચાલનાર મનુષ્યનું કામ નથી.” (યિર્મેયાહ ૧૦:૨૩) અરે, આજે સાયન્સ અને ટૅક્નૉલોજીમાં થયેલી આટલી બધી પ્રગતિ છતાં પણ, માણસની હાલત એવી ને એવી જ છે. સમયે એ જ સાબિત કરી આપ્યું છે કે શેતાન સાવ જૂઠો છે.
તમારા વિષે શું?
યહોવાહ સામે શેતાને જે સવાલ ઉઠાવ્યો હતો, એમાં તે હંમેશાં ખોટો સાબિત થયો છે. યહોવાહ જ વિશ્વના માલિક છે, તેમના રાજમાં જ આપણું ભલું છે. જો તેમને છોડી દઈશું, તો આપણું જીવન દુઃખી દુઃખી થઈ જશે. યહોવાહના હાથ નીચે હજારો વર્ષોથી રહેતા સ્વર્ગદૂતો જયજયકાર કરતા કહે છે: ‘ઓ અમારા પ્રભુ તથા ઈશ્વર યહોવાહ, મહિમા, માન અને સામર્થ્ય પામવાને તું જ યોગ્ય છે; કેમકે તેં સર્વેને ઉત્પન્ન કર્યાં, અને તારી ઇચ્છાથી તેઓ હતાં, ને ઉત્પન્ન થયાં.’—પ્રકટીકરણ ૪:૧૧.
શેતાને ઉઠાવેલા સવાલ વિષે હવે તમને શું લાગે છે? શું તમે માનો છો કે યહોવાહના રાજમાં જ આપણું ભલું છે? તેમના વગર આપણે સુખી થઈ જ ન શકીએ? જો એમ હોય, તો યહોવાહને તમારા માલિક માનો. એમ કરવા બાઇબલમાંથી અનમોલ સત્ય શીખો. જીવનનાં દરેક પાસામાં યહોવાહનું માર્ગદર્શન સ્વીકારો. તેમની સલાહ અને આજ્ઞાઓમાં તેમનો પ્રેમ જોવા મળે છે, કેમ કે યહોવાહ પ્રેમના સાગર છે. (૧ યોહાન ૪:૮) આપણા ભલા માટે હોય એવું કશુંય તે પાછું નથી રાખતા. એટલે બાઇબલની આ સલાહ પાળવાથી આપણું જ ભલું થશે: ‘તારા ખરા હૃદયથી યહોવાહ પર ભરોસો રાખ, અને તારી પોતાની જ અક્કલ પર આધાર ન રાખ. તારા સર્વ માર્ગોમાં તેનો અધિકાર સ્વીકાર, એટલે તે તારા રસ્તાઓ સીધા કરશે.’—નીતિવચનો ૩:૫, ૬. (w07 9/15)
[પાન ૪ પર ક્રેડીટ લાઈન]
© Jeroen Oerlemans/Panos Pictures
[પાન ૭ પર ચિત્ર]
બાઇબલનું શિક્ષણ લઈને એ પ્રમાણે જીવવાથી બતાવી શકો કે યહોવાહ તમારા માલિક છે