યુવાનો, તમે સારી પસંદગી કરો
‘જુવાનો અને કન્યાઓ, યહોવાના નામની સ્તુતિ કરો.’—ગીત. ૧૪૮:૧૨, ૧૩.
૧. ઘણા યુવાનો કેવી રોમાંચક તકોનો આનંદ માણી રહ્યા છે?
આપણે બહુ મહત્ત્વના સમયમાં જીવી રહ્યા છીએ. આજે, બધાં રાષ્ટ્રોમાંથી લાખો લોકો શુદ્ધ ઉપાસના તરફ જે રીતે વળી રહ્યા છે એવું ઇતિહાસમાં પહેલાં ક્યારેય બન્યું નથી. (પ્રકટી. ૭:૯, ૧૦) લોકોને જીવન બચાવનાર બાઇબલ સત્ય જણાવવામાં ઘણા યુવાનોને રોમાંચક અનુભવો થઈ રહ્યા છે. (પ્રકટી. ૨૨:૧૭) અમુક યુવાનો બાઇબલ અભ્યાસ ચલાવીને લોકોને સારું જીવન જીવવા મદદ કરે છે. તો બીજા અમુક બીજી ભાષા બોલતા વિસ્તારોમાં જઈ ખુશખબર ઉત્સાહથી ફેલાવે છે. (ગીત. ૧૧૦:૩; યશા. ૫૨:૭) યહોવાના લોકો આનંદ આપનારું જે કામ કરી રહ્યા છે, એમાં તમે કઈ રીતે વધુ યોગદાન આપી શકો?
૨. તીમોથીનો દાખલો કઈ રીતે બતાવે છે કે યહોવા યુવાનોને જવાબદારીઓ સોંપવા તૈયાર છે? (શરૂઆતનું ચિત્ર જુઓ.)
૨ એક યુવાન તરીકે, આજે તમે એવી પસંદગી કરી શકો છો જે આગળ જતાં તમને ઈશ્વરની સેવા કરવાની વધુ તકો આપી શકે છે. ચાલો, લુસ્ત્રાના તીમોથીનો દાખલો લઈએ, જેમણે સારી પસંદગી કરી હતી. તેથી, વીસેક વર્ષની ઉંમરે તેમને મિશનરી સેવાની સોંપણી મળી. (પ્રે.કૃ. ૧૬:૧-૩) એના થોડાક મહિનાઓ પછી, પ્રેરિત પાઊલને હિંસક સતાવણીના લીધે થેસ્સાલોનીકામાં સ્થપાયેલા નવા મંડળને છોડીને જવું પડ્યું. એટલે પાઊલે થેસ્સાલોનીકાનાં ભાઈ-બહેનોને દ્રઢ કરવાની જવાબદારી તીમોથીને સોંપી. (પ્રે.કૃ. ૧૭:૫-૧૫; ૧ થેસ્સા. ૩:૧, ૨, ૬) કલ્પના કરો કે એ સોંપણી મેળવીને તીમોથી કેટલા ઉત્સુક થયા હશે!
તમારી સૌથી મહત્ત્વની પસંદગી
૩. જીવનમાં એક સૌથી મહત્ત્વની પસંદગી કઈ છે અને એ ક્યારે કરવી જોઈએ?
૩ યુવાનીમાં કેટલીક મહત્ત્વની પસંદગીઓ કરવી પડે છે. એમાંની એક સૌથી મહત્ત્વની પસંદગી કઈ છે? યહોવાની સેવા કરવાની પસંદગી. એ પસંદગી કરવાનો સૌથી સારો સમય કયો છે? ઈશ્વર પ્રેરણાથી લખવામાં આવ્યું: “વળી તારી યુવાવસ્થાના દિવસોમાં તારા સરજનહારનું સ્મરણ કર.” (સભા. ૧૨:૧) યહોવાને “સ્મરણ” કરવાની સૌથી સારી રીત છે કે તેમની ભક્તિ પૂરા દિલથી કરીએ. (પુન. ૧૦:૧૨) એ તમારી બધી પસંદગીઓમાં સૌથી મહત્ત્વની હશે કેમ કે, એની અસર તમારા ભાવિ પર પડશે.—ગીત. ૭૧:૫.
૪. બીજી કઈ મહત્ત્વની પસંદગીઓ છે જેની અસર ઈશ્વરની તમારી સેવા પર પડી શકે છે?
૪ જોકે, યહોવાની સેવા કરવા ઉપરાંત બીજી અમુક મહત્ત્વની પસંદગીઓ પણ છે, જે તમારા ભાવિને અસર કરે છે. દાખલા તરીકે, તમને કદાચ જીવનમાં આવી પસંદગીઓ કરવી પડે: લગ્ન કરશો કે નહિ, કેવી વ્યક્તિ સાથે લગ્ન કરશો અને કેવી રીતે ગુજરાન ચલાવશો. ખરું કે એ બધા મહત્ત્વના નિર્ણયો છે. પરંતુ, સારું રહેશે કે તમે યહોવાની ભક્તિ પૂરા દિલથી કરવાનો પહેલાં મક્કમ નિર્ણય લો. (પુન. ૩૦:૧૯, ૨૦) શા માટે? કારણ કે જીવનની એ બધી પસંદગીઓ એકબીજા સાથે સંકળાયેલી છે. લગ્ન અને નોકરી વિશે તમારી પસંદગીની અસર ઈશ્વરની તમારી સેવા પર પડશે. (વધુ માહિતી: લુક ૧૪:૧૬-૨૦) એ જ રીતે, ઈશ્વરની સેવા કરવા વિશે તમારી ઇચ્છા તમારા લગ્ન અને નોકરીની પસંદગીને અસર કરે છે. તેથી, નક્કી કરો કે તમે જીવનમાં શાને વધારે મહત્ત્વ આપશો.—ફિલિ. ૧:૧૦.
યુવાન તરીકે તમે શું કરી શકો?
૫, ૬. સમજાવો કે કઈ રીતે સારી પસંદગીથી યહોવાની સેવા કરવાની વધુ તકો મળે છે. (આ અંકનો “બાળપણમાં મેં કરેલી પસંદગી” લેખ પણ જુઓ.)
૫ હવે તમે યહોવાની સેવા કરવાનું નક્કી કર્યું છે તો, પહેલાં સમજવાની કોશિશ કરો કે તે તમારી પાસેથી શું ઇચ્છે છે. અને પછી, તમે નક્કી કરી શકો કે કઈ રીતે સેવા આપશો. જાપાનના એક ભાઈ લખે છે: ‘એકવાર હું મંડળના એક વડીલ સાથે પ્રચાર કરી રહ્યો હતો. એ સમયે મારી ઉંમર ૧૪ વર્ષની હતી. વડીલે જોયું કે મારું મન પ્રચારમાં લાગી રહ્યું નથી. તેમણે પ્રેમથી મને કહ્યું, “યુચીરો, તું ઘરે જા અને બેસીને શાંત મને વિચાર કરજે કે યહોવાએ તારા માટે શું કર્યું છે.” મેં તેમના કહ્યા પ્રમાણે કર્યું. મેં અમુક દિવસો સુધી એના પર વિચાર કર્યો અને પ્રાર્થના કરી. ધીરે-ધીરે મારું વલણ બદલાવા લાગ્યું. એ પછી મને યહોવાની સેવા કરવામાં આનંદ મળવા લાગ્યો. મિશનરીઓ વિશેના અહેવાલો વાંચવાનું મને ગમતું. તેથી, હું પણ યહોવાની સેવામાં વધુ કરવાનું વિચારવા લાગ્યો.’
૬ એ પછી યુચીરો સારા નિર્ણય લેવા લાગ્યા. એના લીધે બીજા દેશમાં જઈને સેવા કરવાનું તેમના માટે શક્ય બન્યું. તે જણાવે છે, ‘મેં અંગ્રેજી ભાષા શીખવાનું શરૂ કર્યું. હાઇસ્કૂલ છોડ્યા પછી, પાયોનિયરીંગ કરી શકાય માટે અંગ્રેજી શીખવવાની પાર્ટ-ટાઇમ નોકરી શરૂ કરી. વીસ વર્ષનો થયો ત્યારે મોંગોલિયન ભાષા શીખવાનું શરૂ કર્યું. અને એ ભાષા બોલતા ગ્રૂપને મળવાનો મને મોકો મળ્યો. બે વર્ષ પછી ૨૦૦૭માં, હું થોડા સમય માટે મોંગોલિયા ગયો. અમુક પાયોનિયરો સાથે હું પ્રચાર કરતો હતો ત્યારે જોઈ શક્યો કે ઘણા લોકો સત્ય શીખવા માંગતા હતા. તેથી, ત્યાં રહીને સેવા આપવાનું મેં નક્કી કર્યું. એ માટે હું પાછો જાપાન ગયો અને તૈયારી કરવા લાગ્યો. હવે, હું મોંગોલિયામાં એપ્રિલ ૨૦૦૮થી પાયોનિયરીંગ કરી રહ્યો છું. અહીં જીવન જીવવું ઘણું અઘરું છે. જોકે, લોકો ખુશખબર સારી રીતે સાંભળે છે. તેઓને યહોવાની નજીક જવા હું મદદ કરી શકું છું, તેથી મને થાય છે કે જીવનમાં જે માર્ગ મેં પસંદ કર્યો એ સૌથી સારો છે.’
૭. આપણે કેવી પસંદગી કરવી જોઈએ અને મુસાએ આપણા માટે કેવો દાખલો બેસાડ્યો?
૭ દરેક વ્યક્તિએ પોતે પસંદગી કરવાની છે કે તે યહોવાના સાક્ષી તરીકે કેવું જીવન વિતાવશે. (યહો. ૨૪:૧૫) અમે તમને ન કહી શકીએ કે તમારે લગ્ન કરવું જોઈએ કે નહિ, કોની જોડે કરવું જોઈએ અથવા કેવી નોકરી પસંદ કરવી. શું તમે એવી નોકરી નહિ સ્વીકારો જેમાં બહુ ઓછી તાલીમની જરૂર પડે? અમુક યુવાન ભાઈ-બહેનો ગરીબ ગામડાઓમાં રહે છે. જ્યારે કે, બીજાઓ સમૃદ્ધ શહેરમાં રહે છે. દુનિયાભરનાં ભાઈ-બહેનોનો સ્વભાવ, આવડત, અનુભવ, પસંદગી અને શ્રદ્ધા સમાન ન હોય શકે. યુવાન મુસા કરતાં પ્રાચીન ઇજિપ્તમાંના (મિસરમાંના) બીજા હિબ્રૂ યુવાનોનું જીવન જેમ જુદું હતું, તેમ તમારું જીવન પણ અલગ હોય શકે. યુવાન મુસાને રાજદરબારમાં ઘણી તકો હતી જ્યારે કે, બીજા હિબ્રૂ યુવાનો ગુલામ હતા. (નિર્ગ. ૧:૧૩, ૧૪; પ્રે.કૃ. ૭:૨૧, ૨૨) તેઓ પણ તમારી જેમ ઘણા મહત્ત્વના સમયમાં જીવી રહ્યા હતા. (નિર્ગ. ૧૯:૪-૬) દરેક હિબ્રૂ યુવાને નક્કી કરવાનું હતું કે તે જીવનમાં શું કરશે. એવા સમયમાં મુસાએ સારી પસંદગી કરી.—હિબ્રૂ ૧૧:૨૪-૨૭ વાંચો.
૮. સારી પસંદગી કરવામાં તમને ક્યાંથી મદદ મળશે?
૮ યુવાનીમાં સારી પસંદગી કરવા યહોવા તમને મદદ કરશે. તે સિદ્ધાંતોના રૂપમાં સલાહ આપે છે, જેથી તમારા સંજોગો પ્રમાણે એને લાગુ પાડી શકો. (ગીત. ૩૨:૮) ઉપરાંત, એ સિદ્ધાંતોને કઈ રીતે લાગુ પાડવા, એ સમજવા સત્યમાં અનુભવી તમારાં મમ્મી-પપ્પા અને મંડળના વડીલો તમને મદદ કરશે. (નીતિ. ૧:૮, ૯) ચાલો, બાઇબલના ત્રણ સિદ્ધાંતો પર વિચાર કરીએ, જે તમને સારા નિર્ણય લેવા મદદરૂપ થશે.
તમને માર્ગદર્શન આપતા ત્રણ સિદ્ધાંતો
૯. (ક) પસંદગી કરવાની છૂટ આપીને યહોવા આપણને કઈ રીતે માન આપે છે? (ખ) રાજ્યને પ્રથમ રાખવાથી તમને કેવી તકો મળશે?
૯ પહેલાં તેમના રાજ્યને તથા તેમના ન્યાયીપણાને શોધો. (માથ્થી ૬:૧૯-૨૧, ૨૪-૨૬, ૩૧-૩૪ વાંચો.) પસંદગી કરવાની છૂટ આપીને યહોવા આપણને માન આપે છે. યુવાનીમાં કેટલો સમય પ્રચારમાં આપવો, એ વિશે તે ફરજ પાડતા નથી. જોકે, રાજ્યને જીવનમાં પ્રથમ રાખવા ઈસુએ જરૂરી સિદ્ધાંતો આપ્યા છે. તમે રાજ્યને જીવનમાં પ્રથમ રાખો છો ત્યારે તમારા માટે ઘણી તકોનાં બારણાં ખૂલે છે. દાખલા તરીકે, તમને યહોવા અને પડોશી પ્રત્યે પ્રેમ બતાવવાની ઘણી તકો મળે છે. ઉપરાંત, હંમેશના જીવનની આશા માટે કદર બતાવવાનો પણ મોકો મળે છે. લગ્ન અને નોકરીની પસંદગી કરો ત્યારે વિચાર કરજો કે તમારા નિર્ણય પરથી શું દેખાઈ આવે છે? પૈસા-ટકા વિશે તમારી ચિંતા કે પછી ‘રાજ્યને અને તેમના ન્યાયીપણાને’ પ્રથમ રાખવાનો ઉત્સાહ.
૧૦. ઈસુને શાનાથી આનંદ મળતો અને ખુશ રહેવા તમે કયા નિર્ણયો લેશો?
૧૦ બીજાઓની સેવા કરવામાં ખુશી મેળવો. (પ્રેરિતોનાં કૃત્યો ૨૦:૨૦, ૨૧, ૨૪, ૩૫ વાંચો.) ઈસુએ ખૂબ જ નમ્ર ભાવે આપણને જીવનનો એ મૂળ સિદ્ધાંત શીખવ્યો છે. ઈસુએ હંમેશાં પિતાની ઇચ્છા પ્રમાણે જ કર્યું અને લોકોને ખુશખબર જણાવી. એમાં તેમને ઘણો આનંદ મળતો. (લુક ૧૦:૨૧; યોહા. ૪:૩૪) બીજાઓને મદદ કરવાથી મળતી ખુશીનો તમે પણ અનુભવ કર્યો હશે. ઈસુએ શીખવેલા સિદ્ધાંતોને આધારે જો તમે મહત્ત્વના નિર્ણય લેશો, તો તમને ચોક્કસ આનંદ મળશે અને યહોવા પણ ખુશ થશે.—નીતિ. ૨૭:૧૧.
૧૧. બારૂખે કેમ ખુશી ગુમાવી દીધી અને યહોવાએ તેમને શી સલાહ આપી?
૧૧ આપણને યહોવાની સેવા કરવામાં અઢળક ખુશી મળે છે. (નીતિ. ૧૬:૨૦) યિર્મેયાના સહાયક બારૂખ એ બાબત ભૂલી ગયા હતા. એક સમય એવો આવ્યો જ્યારે તેમને યહોવાની ભક્તિ કરવામાં જરાય આનંદ આવતો ન હતો. યહોવાએ તેમને કહ્યું: ‘શું તું પોતાને માટે મહત્તા શોધે છે? શોધીશ નહિ કેમ કે, હું માણસો પર વિપત્તિ લાવીશ. અને તું જ્યાં જ્યાં જશે, ત્યાં ત્યાં હું તારો જીવ લૂંટ તરીકે તને આપીશ.’ (યિર્મે. ૪૫:૩, ૫) તમને શું લાગે છે, બારૂખને શામાંથી ખુશી મળી હોત? મોટી મોટી બાબતો મેળવવાથી કે પછી યહોવાના વફાદાર સેવક તરીકે યરૂશાલેમના વિનાશમાંથી બચી જવાથી?—યાકૂ. ૧:૧૨.
૧૨. કઈ પસંદગીથી રોમિરો જીવનમાં ખુશી મેળવી શક્યા?
૧૨ રામિરો નામના ભાઈને પણ બીજાઓને મદદ કરવાથી ઘણી ખુશી મળે છે. તે જણાવે છે: ‘ઍન્ડીઝ પહાડી વિસ્તારોમાં રહેતા એક ગરીબ કુટુંબમાં મારો ઉછેર થયો હતો. તેથી, મોટા ભાઈએ યુનિવર્સિટીના મારા ભણતર માટે પૈસા ચૂકવવાનું કહ્યું ત્યારે, એ મારી માટે ઘણી મોટી તક હતી. પરંતુ, મેં એ સમયગાળામાં યહોવાના સાક્ષી તરીકે બાપ્તિસ્મા લીધું હતું અને મારી સામે એક બીજી તક ઊભી હતી. એક પાયોનિયર ભાઈએ મને તેમની સાથે સેવા આપવા એક નાના ગામમાં જવાનું આમંત્રણ આપ્યું હતું, જે મેં સ્વીકાર્યું. ત્યાં ગુજરાન ચલાવી શકું માટે હું વાળ કાપતા શીખ્યો અને એ ધંધો શરૂ કર્યો. ત્યાં ઘણા લોકો બાઇબલ અભ્યાસ સ્વીકારતા. પછી હું એક નવા મંડળમાં જોડાયો જે પ્રાદેશિક ભાષામાં હતું. હું દસ વર્ષથી પૂરા સમયની સેવામાં છું. લોકોને તેઓની ભાષામાં ખુશખબર શીખવવાથી જેટલો આનંદ મળે છે એટલો આનંદ મને બીજા કોઈ કામથી મળ્યો ન હોત.’
૧૩. યહોવાની સેવા વધુ કરવા માટે યુવાનીનો સમય કેમ સૌથી સારો છે?
૧૩ યુવાનીમાં યહોવાની સેવા કરવાનો આનંદ માણો. (સભાશિક્ષક ૧૨:૧ વાંચો.) એમ ન વિચારશો કે “પહેલાં સારી નોકરી મળશે તો જ યહોવાની સારી રીતે સેવા કરી શકીશ.” યહોવાની સેવામાં વધુ કરવા માટે યુવાનીનો સમય સૌથી સારો છે. મોટા ભાગના યુવાનોને કુટુંબની જવાબદારી હોતી નથી. ઉપરાંત, મુશ્કેલ સોંપણીને હાથ ધરવા તેઓ પાસે સારી તંદુરસ્તી અને ઉત્સાહ હોય છે. યુવાનીમાં તમને યહોવા માટે શું કરવું ગમશે? કદાચ તમારો આવો કોઈ ધ્યેય હોય શકે: પાયોનિયર બનવાનો, જુદી ભાષા બોલતા વિસ્તારમાં સેવા આપવાનો અથવા પોતાના મંડળમાં અલગ અલગ રીતે વધારે સેવા કરવાનો. યહોવાની સેવા કરવાનો તમારો ધ્યેય ભલે ગમે તે હોય, પણ એક વાત ચોક્કસ કે તમારે પોતાનું ગુજરાન ચલાવવા કંઈક તો કરવું પડશે. એ માટે તમે શું પસંદ કરશો અને કેટલી તાલીમ લેશો?
બાઇબલ સિદ્ધાંતોની મદદથી સારી પસંદગી
૧૪. નોકરી શોધતી વખતે કઈ બાબતો વિશે સાવચેત રહેવું જોઈએ?
૧૪ નોકરીની પસંદગી કરવામાં તમને બાઇબલના એ ત્રણ સિદ્ધાંતો મદદ કરશે. નોકરી મેળવવા વિશે શાળાના સલાહકારો તમને મદદ આપી શકે. એ જ રીતે, કઈ નોકરી સહેલાઈથી મળી શકે છે, એ વિશે કોઈ સરકારી સંસ્થા જરૂરી માહિતી આપી શકે છે. સ્થાનિક લોકો પાસેથી પણ માહિતી મેળવવા મદદ મળે છે. જોકે, સાવચેત રહેવાની જરૂર છે. કારણ કે, યહોવા માટે જે લોકોને પ્રેમ નથી, તેઓ આપણને દુન્યવી બાબતો પર પ્રેમ રાખવા લલચાવી શકે છે. (૧ યોહા. ૨:૧૫-૧૭) યાદ રાખીએ કે જગત જે લાલચો આપે છે, એ લેવા આપણું હૃદય સહેલાઈથી આપણને છેતરી શકે છે.—નીતિવચનો ૧૪:૧૫ વાંચો; યિર્મે. ૧૭:૯.
૧૫, ૧૬. નોકરીની પસંદગીમાં તમને સૌથી સારી સલાહ કોણ આપી શકે છે?
૧૫ તમને કઈ નોકરીઓ મળી શકે, એ વિશે જાણ્યા પછી એની પસંદગી માટે પણ તમને સારી સલાહની જરૂર છે. (નીતિ. ૧:૫) બાઇબલ સિદ્ધાંતોને આધારે નોકરી પસંદ કરવા તમને કોણ મદદ કરી શકે? જેઓ યહોવાને અને તમને પ્રેમ કરતા હોય, તમને અને તમારા સંજોગોને સારી રીતે જાણતા હોય તેઓનું સાંભળવું જોઈએ. એ લોકો તમારી ક્ષમતાઓ અને હેતુઓ વિશે વિચારવા તમને મદદ કરશે. તેઓએ આપેલી સલાહથી તમે તમારા ધ્યેયો પર વધુ વિચાર કરી શકશો. જો તમારાં મમ્મી-પપ્પા યહોવાને પ્રેમ કરનારાં હોય, તો એ તમારા માટે કેટલો મોટો આશીર્વાદ કહેવાય! મંડળના વડીલો પણ તમને સારું માર્ગદર્શન આપી શકે છે. ઉપરાંત, પાયોનિયરો અને પ્રવાસી નિરીક્ષકોને તમે પૂછી શકો કે તેઓએ પૂરા સમયની સેવા શા માટે પસંદ કરી? તેઓએ પાયોનિયરીંગ કરવાની શરૂઆત કઈ રીતે કરી? પોતાનું ગુજરાન ચલાવવા તેઓએ શું કર્યું? અને તેઓને કયા આશીર્વાદો મળ્યા છે?—નીતિ. ૧૫:૨૨.
૧૬ તમને સારી રીતે ઓળખનારા સારી સલાહ આપી શકે છે. દાખલા તરીકે, ભણવાનું અઘરું લાગવાને લીધે કદાચ તમે હાઇસ્કૂલનું શિક્ષણ છોડીને પાયોનિયરીંગ કરવા માંગો છો. તમને પ્રેમ કરનાર વ્યક્તિ તમારો હેતુ જાણે છે. તેથી, તે તમને સમજવામાં મદદ કરશે કે શાળાનું ભણતર જલદી હાર ન માનવાનું શીખવે છે. જલદી હાર ન માનવાનો એ ગુણ યહોવાની સેવામાં વધુ કરતા રહેવા માટે મહત્ત્વનો છે.—ગીત. ૧૪૧:૫; નીતિ. ૬:૬-૧૦.
૧૭. આપણે કેવો નિર્ણય ટાળવો જોઈએ?
૧૭ યહોવાની સેવા કરનાર દરેક વ્યક્તિ એવા સંજોગોમાં આવી શકે છે, જેના લીધે તેની શ્રદ્ધા નબળી પડી શકે અને તે યહોવાથી દૂર જઈ શકે. (૧ કોરીં. ૧૫:૩૩; કોલો. ૨:૮) અમુક નોકરી તમારી શ્રદ્ધા માટે ખતરારૂપ બની શકે છે. તમે જોયું હશે કે એવી નોકરી સ્વીકારીને અમુકે પોતાનું “વિશ્વાસરૂપી વહાણ ભાંગ્યું” છે. (૧ તીમો. ૧:૧૯) યહોવા સાથેનો તમારો સંબંધ ખતરામાં મૂકતો કોઈ પણ નિર્ણય ટાળવામાં જ સમજદારી છે.—નીતિ. ૨૨:૩.
યુવાનીમાં ભક્તિ કરવાનો આનંદ માણો
૧૮, ૧૯. યહોવાની સેવા વધુ કરવામાં તમને રસ ન હોય તો શું કરી શકો?
૧૮ તમને યહોવાની સેવા કરવાની ખરા દિલથી ઇચ્છા હોય તો, યુવાનીમાં તેમના તરફથી મળતી તકને ઝડપી લો. આ મહત્ત્વના સમયમાં એવી પસંદગી કરો કે યહોવાની સેવા કરવાનો આનંદ માણી શકો.—ગીત. ૧૪૮:૧૨, ૧૩.
૧૯ યહોવાની સેવા વધુ કરવામાં તમને રસ ન હોય તો શું કરી શકો? તમારી શ્રદ્ધાને મજબૂત કરતા રહેવાનું છોડશો નહિ. યહોવાનો આશીર્વાદ મેળવવા વિશે સમજાવતા પાઊલ કહે છે: ‘આપણામાંના જેટલા પરિપક્વ છે, તેટલાએ એવું જ વલણ રાખવું અને જો કોઈ બાબત વિશે તમારું વલણ જુદું હોય, તો ઈશ્વર એ પણ તમને પ્રગટ કરશે. તોપણ જે ધોરણ સુધી આપણે પહોંચ્યા છીએ તે જ પ્રમાણે આપણે ચાલીએ.’ (ફિલિ. ૩:૧૫, ૧૬) ઈશ્વરના પ્રેમ અને તેમની સલાહને યાદ રાખીએ. યુવાનીમાં તમને ઉત્તમ પસંદગી કરવામાં યહોવા સિવાય બીજું કોણ સારી મદદ આપી શકે!