યુવાનો, યહોવાહની સ્તુતિ કરો!
‘પૃથ્વી પરથી તમે યહોવાહની સ્તુતિ કરો; જુવાનો તથા કન્યાઓ; વૃદ્ધો તથા બાળકો.’ —ગીતશાસ્ત્ર ૧૪૮:૭, ૧૨.
૧, ૨. (ક) બાળકો માબાપને શું પૂછતા હોય છે? અને માબાપ તેઓને કેવો જવાબ આપે છે? (ખ) તેઓને માબાપનું માનવું શા માટે અઘરું ન લાગવું જોઈએ?
યુવાનો સારી રીતે જાણે છે કે તેઓ શું કરી શકે અને શું ન કરી શકે. તોપણ તેઓ ઘણી વાર માબાપને કહે છે: ‘હું જાતે રસ્તો ક્રૉસ કરીશ.’ ‘મારું મન થશે ત્યારે હું સૂઈ જઈશ’, કે પછી, ‘હું ક્યારે ગાડી કે સ્કૂટર ચલાવી શકીશ?’ યુવાનો આવું પૂછે ત્યારે, માબાપ ઘણી વાર જવાબ આપે છે: ‘પહેલાં તું મોટો તો થા!’
૨ બાળકો, તમને તો ખબર છે કે તમારાં મમ્મી-પપ્પા કેમ આવો જવાબ આપે છે. તેઓ તમને અણધારી આફતોમાંથી બચાવવા ઇચ્છે છે. તેઓ જાણે છે કે તમે એ ક્યારે કરી શકશો. તેથી, તેઓનું સાંભળો. માબાપનું કહેવું માનવાથી યહોવાહ પરમેશ્વરને ખૂબ જ આનંદ થાય છે. (કોલોસી ૩:૨૦) થોડો સમય કદાચ તમારે રાહ જોવી પડે, એ જાણીને શું તમને દુઃખ થાય છે? તમને એવું થઈ શકે કે, ‘હમણાં જીવનનો આનંદ નહિ માણીએ તો ક્યારે માણવાનો?’ શું એનો એવો અર્થ થાય કે તમે મોટા થાવ ત્યાં સુધી તમે કંઈ ન કરી શકો? ના, જરાય નહિ. યહોવાહ ઇચ્છે છે કે તમે નાના છો તોપણ એક સૌથી મહત્ત્વના કામમાં ભાગ લઈ શકો. એના જેવું દુનિયામાં બીજું કોઈ જ કામ નથી. કેમ કે, યહોવાહ પોતે તમને એ કામ આપે છે!
૩. યુવાનોને યહોવાહે કયો લહાવો આપ્યો છે? આ લેખમાં આપણે કયા પ્રશ્નો પર ચર્ચા કરીશું?
૩ એ કયું કામ છે? બાઇબલ એનો જવાબ આપે છે: ‘પૃથ્વી પરથી તમે યહોવાહની સ્તુતિ કરો; જુવાનો તથા કન્યાઓ; વૃદ્ધો તથા બાળકો.’ (ગીતશાસ્ત્ર ૧૪૮:૭, ૧૨) આ કલમ બતાવે છે કે તમે યહોવાહ પરમેશ્વરની સ્તુતિ કરી શકો, તેમને મહિમા આપી શકો છો. આજે ઘણા ભાઈ-બહેનો એ લહાવાની કદર કરીને યહોવાહને મહિમા આપી રહ્યાં છે. તમે પણ એનો અનુભવ કરી શકો! એ માટે ચાલો આપણે ત્રણ પ્રશ્નો પર વિચાર કરીએ. શા માટે યહોવાહની સ્તુતિ કરવી જોઈએ? કેવી રીતે કરવી જોઈએ? અને ક્યારે શરૂ કરવી જોઈએ?
શા માટે યહોવાહની સ્તુતિ કરવી જોઈએ?
૪, ૫. (ક) ગીતશાસ્ત્ર ૧૪૮ના શબ્દો પરથી આપણને શું કરવાનું ઉત્તેજન મળે છે? (ખ) સૃષ્ટિ કઈ રીતે યહોવાહની સ્તુતિ કરે છે?
૪ કલ્પના કરો કે, તમે એક મધુર ગીત સાંભળી રહ્યાં છો. આ ગીત કોઈ એકાદ વ્યક્તિ નથી ગાતી. પરંતુ, એક ટોળું એકરાગે ગાઈ રહ્યું છે. એના દરેક શબ્દો સાચા અને હૃદયને સ્પર્શી જાય છે. એ ગીત સાંભળતાની સાથે જ તમારું દિલ ઝૂમી ઊઠે છે. ગીતશાસ્ત્ર ૧૪૮નું ગીત પણ એવું જ છે. આ યહોવાહની સ્તુતિનું ગીત છે. ટોળું મધુર કંઠથી અને પૂરા જોશથી એ ગીત ગાય છે. આપણે પણ એ જ રીતે યહોવાહનું ગીત ગાવું જોઈએ. કેમ કે તે સૃષ્ટિના રચનાર છે. પરંતુ, એ ટોળામાં કોણ કોણ છે?
૫ એમાં આખી સૃષ્ટિ છે. (ગીતશાસ્ત્ર ૧૪૮:૩, ૭-૧૦) ભલે સૃષ્ટિ બોલી શકતી નથી તોપણ, એ યહોવાહની સ્તુતિ કરે છે. શું તમે સૂર્યને આથમતો જોયો છે? પૂનમના ચાંદને જોયો છે? જાનવરોને એકબીજા સાથે ગેલ કરતા જોયાં છે? ઊંચા ઊંચા પહાડો, ખળ-ખળ વહેતી નદી કે પાણીના ધોધને કદી જોયા છે? આપણે આ બધું જોયું હશે. યહોવાહ સિવાય બીજું કોણ એ બનાવી શકે! તેમના જેવા બુદ્ધિમાન, પ્રેમાળ અને શક્તિશાળી બીજું કોઈ નથી.—રૂમી ૧:૨૦; પ્રકટીકરણ ૪:૧૧.
૬, ૭. (ક) ગીતશાસ્ત્ર ૧૪૮માં બીજા કોણ યહોવાહની સ્તુતિ ગાય છે? (ખ) શા માટે આપણે યહોવાહની સ્તુતિ કરવી જોઈએ? સમજાવો.
૬ ગીતશાસ્ત્ર ૧૪૮માં બીજું કોણ યહોવાહની સ્તુતિ કરે છે? બીજી કલમ પ્રમાણે દૂતો એક “સૈન્ય” તરીકે ગીતો ગાય છે. અગિયારમી કલમમાં રાજાઓ, હાકેમો અને ન્યાયાધીશોને યહોવાહની સ્તુતિ કરવા ઉત્તેજન આપ્યું છે. જો શક્તિશાળી દૂતો આનંદથી યહોવાહની સ્તુતિ કરતા હોય તો, આ રાજાઓ કે ન્યાયાધીશોની શું વિસાત? બારમી અને તેરમી કલમમાં યહોવાહ યુવાનો, વૃદ્ધો અને બાળકોને તેમની સ્તુતિ કરવા ઉત્તેજન આપે છે. તેથી, યુવાનો ચાલો આપણે પૂરા ઉમંગથી યહોવાહના ગીતો ગાઈએ.
૭ શા માટે આપણે પૂરા ઉમંગથી ગાવું જોઈએ? આપણે એક ઉદાહરણ જોઈએ. તમારા જિગરી દોસ્ત પાસે ચિત્ર દોરવાની, ગાવાની કે બીજી કોઈ ખાસ પ્રકારની આવડત છે. શું તમે કુટુંબમાં કે બીજા દોસ્તો સામે તેના વખાણ નહિ કરો? યહોવાહને તો બધું જ આવડે છે. તેમણે આપણા માટે બધું જ કર્યું છે. તો શું આપણે પણ તેમના વિષે બીજાઓને જણાવવું ન જોઈએ? હા, ચોક્કસ જણાવવું જોઈએ. દાખલા તરીકે, શું આકાશના તારાઓ તેમના વિષે નથી કહેતા? તો પછી, આપણે કેવી રીતે પાછા પડી શકીએ?—ગીતશાસ્ત્ર ૧૯:૧, ૨.
૮, ૯. યહોવાહ શા માટે ઇચ્છે છે કે આપણે તેમના ગુણ ગાઈએ?
૮ આપણે યહોવાહના ગુણ ગાઈએ એનું શું કારણ છે? તે ઇચ્છે છે કે આપણે એમ કરીએ. શું એનો અર્થ એમ થાય કે તેમને આપણી પાસેથી વાહ વાહ સાંભળવી છે? ના. આપણને વખાણની ભૂખ હોય શકે. પરંતુ, તે તો મહાન છે. તેમને કોઈ વખાણની જરૂર નથી. (યશાયાહ ૫૫:૮; ૪૫:૫) તો પછી કેમ યહોવાહના ગુણ ગાવા જોઈએ? એક તો, યહોવાહ જાણે છે કે આપણને તેમના જ્ઞાનની ભૂખ છે. તેમની ભક્તિની ભૂખ છે. આપણું એ રીતે જ તેમણે સરજન કર્યું છે. (માત્થી ૫:૩) નાનું બાળક પેટ ભરીને ખાય છે એ જોઈને માબાપ કેવા હરખાય છે. એવી જ રીતે આપણે યહોવાહનું જ્ઞાન લઈને ભક્તિની ભૂખ મટાડીએ છીએ ત્યારે, એ જોઈને તે હરખાય છે.—યોહાન ૪:૩૪.
૯ બીજું, તે જાણે છે કે બીજા લોકોએ તેમના વિષે જાણવાની જરૂર છે. એના વિષે પાઊલે યુવાન તીમોથીને કહ્યું: “તારે પોતાને વિષે તથા તારા ઉપદેશ વિષે સાવધ રહેજે. આ બાબતોમાં ચુસ્ત રહેજે, કેમ કે આ પ્રમાણે કરવાથી તું પોતાને તેમ જ તારાં સાંભળનારાંઓને પણ તારીશ.” (૧ તીમોથી ૪:૧૬) આપણે બીજાઓને યહોવાહ વિષે શીખવીએ છીએ ત્યારે, તેઓ પણ પરમેશ્વર વિષેનું જ્ઞાન મેળવે છે. એ જ્ઞાન તેઓને હંમેશ માટે જીવવા લાયક બનાવે છે.—યોહાન ૧૭:૩.
૧૦. આપણે શા માટે યહોવાહનું નામ નિર્દોષ કરવું જ જોઈએ?
૧૦ આગળ આપણે આપણા એક જિગરી દોસ્ત વિષે વાત કરી. જો કોઈ તે દોસ્ત વિષે ખરાબ બોલે તો શું તમે સાંભળી લેશો? શું તમે તેના નામ પર લાગેલા દોષને દૂર નહિ કરો? આજે શેતાન યહોવાહના નામને બદનામ કરી રહ્યો છે. (યોહાન ૮:૪૪; પ્રકટીકરણ ૧૨:૯) જો આપણને યહોવાહમાં શ્રદ્ધા હશે તો આપણે જરાય મોં બંધ રાખીશું નહિ. તો યુવાનો શું તમે યહોવાહનું નામ નિર્દોષ કરવામાં ભાગ લેશો? કઈ રીતે તમે યહોવાહનું નામ નિર્દોષ કરી શકો?
યહોવાહના ગુણ ગાતા યુવાનો
૧૧. કયા દાખલાઓ બતાવે છે કે યુવાનો પણ હિંમતથી યહોવાહનો પ્રચાર કરી શકે છે?
૧૧ બાઇબલ બતાવે છે કે બાળકો યહોવાહને મહિમા આપી શકે છે. સીરિયાના લોકો નાનકડી ઈસ્રાએલી છોકરીને ગુલામ તરીકે લઈ ગયા હતા. શું તમને એ છોકરી યાદ છે? એ વખતે સીરિયાના સેનાપતિ નામાનને કોઢ હતો. તે છોકરીએ હિંમતથી નામાનની પત્નીને કહ્યું: ‘નામાન એલિશા પ્રબોધક પાસે જાય તો તે તેમને સાજા કરી શકશે!’ તે છોકરીનું સાંભળવાથી નામાન સાજો થયો. એ છોકરીએ જો હિંમતથી જણાવ્યું ન હોત તો, શું આ ચમત્કાર થયો હોત? (૨ રાજાઓ ૫:૧-૧૭) ઈસુએ પણ એવી જ હિંમતથી પ્રચાર કર્યો હતો. તે બાર વર્ષના હતા ત્યારે તેમણે મંદિરના ધર્મગુરુઓ સાથે ચર્ચા કરી હતી. તેઓ ઈસુની વાત સાંભળીને વિચારમાં પડી ગયા કે આ છોકરામાં આટલું જ્ઞાન ક્યાંથી આવ્યું?—લુક ૨:૪૬-૪૯.
૧૨, ૧૩. (ક) ઈસુ મંદિરમાં હતા ત્યારે તેમણે શું કર્યું? એ જોઈને લોકોએ શું કર્યું? (ખ) બાળકોના પોકારો સાંભળીને ધર્મગુરુઓને કેવું લાગ્યું?
૧૨ ઈસુ મોટા થયા ત્યારે તેમણે બાળકોને યહોવાહની સેવા કરવા માટે ઉત્તેજન આપ્યું. દાખલા તરીકે, તેમને મારી નાખવામાં આવ્યા એના અમુક દિવસો પહેલાં તે મંદિરમાં હતા. ત્યાં તેમણે મોટાં કામો કર્યા. મંદિરમાં વેપાર ધંધો કરનારાઓને તેમણે બહાર કાઢી મૂક્યા. આંધળા અને લંગડાઓને સાજા કર્યા. એ જોઈને મંદિરમાં હતા તેઓ અને ધર્મગુરુઓએ યહોવાહના ગુણ ગાવા જોઈતા હતા. કેમ કે યહોવાહે ઈસુને તેઓ માટે મોકલ્યા હતા. પણ મોટા ભાગના લોકોએ એમ ન કર્યું. તેઓ ધર્મગુરુઓથી ડરતા હતા. જોકે, બાળકોને તો એવો કોઈ ડર ન હતો. બાઇબલ કહે છે, “મુખ્ય યાજકોએ અને શાસ્ત્રીઓએ આ અદ્ભત ચમત્કારો જોયા અને ‘દાવિદપુત્રને જય હો!’ એવાં બાળકોના પોકારો સાંભળ્યા ત્યારે તેઓ રોષે ભરાયા. તેઓએ ઈસુને પૂછ્યું, ‘આ બાળકો જે કહે છે તે શું તમે સાંભળો છો?’”—માથ્થી ૨૧:૧૫, ૧૬, IBSI; યોહાન ૧૨:૪૨.
૧૩ એ ધર્મગુરુઓએ કેમ ઈસુને એમ પૂછ્યું? તેઓનું માનવું હતું કે ઈસુ તેઓને ચૂપ કરી દેશે. પણ શું ઈસુએ એમ કર્યું? જરાય નહિ! ઈસુએ તેઓને કહ્યું: “શું તમે શાસ્ત્રોમાં વાંચ્યું નથી કે તેં બાળકો અને ધાવણાંઓને મુખે તારી સ્તુતિ પ્રગટ કરાવી છે?” એ બતાવે છે કે બાળકોએ જે કહ્યું એ એકદમ સાચું હતું. કેમ કે ઈસુ તો દાઊદના કુટુંબમાંથી આવનાર મસીહ હતા. બાળકોએ પોકાર કરીને એ ભવિષ્યવાણી પૂરી કરી. (ગીતશાસ્ત્ર ૮:૨) તેઓના પોકારથી ઈસુ અને યહોવાહ બહુ જ રાજી હતા. કેમ કે તેઓ મોટા મોટા માણસને ન અનુસર્યા. એને બદલે, ઈસુના ચમત્કાર જોઈને, તેમનો પ્રચાર સાંભળીને અને યહોવાહમાં તેમની શ્રદ્ધા જોઈને તેઓ તરત જ યહોવાહનો ઉપકાર માનવા લાગ્યા.
૧૪. યહોવાહના ગુણગાન ગાવા યુવાનો પાસે શું છે?
૧૪ આ દાખલામાંથી આપણે શું શીખી શકીએ? નાનાં બાળકો પણ યહોવાહના ગુણો ગાઈ શકે છે. તેમને પ્રસન્ન કરી શકે છે. તેઓ સહેલાઈથી જોઈ શકે છે કે કોને ભજવું જોઈએ. પછી પૂરા જોશથી યહોવાહને ભજીને બીજાઓ આગળ તેમના ગુણગાન ગાઈ શકે છે. બાઇબલ જણાવે છે કે તેઓ ફક્ત ઉત્ત્સાહથી જ નહિ પણ પૂરી તાકાતથી એમ કરી શકે છે. નીતિવચનો ૨૦:૨૯ જણાવે છે, “જુવાનોનો મહિમા તેઓનું બળ છે.” આમ યહોવાહે યુવાનોને ખાસ બળ આપ્યું છે. તેઓ કઈ રીતે પૂરા ઉત્સાહથી એ બળ યહોવાહની સેવામાં વાપરી શકે?
યુવાનો—તમે કેવી રીતે યહોવાહની સેવા કરી શકો?
૧૫. પૂરા જોશથી યહોવાહની સેવા કરવા શાની જરૂર છે?
૧૫ યુવાનો, પૂરા જોશથી યહોવાહની સેવા કરવા માટે શાની જરૂર છે? તેમના માટે પ્રેમ હોવો જરૂરી છે. બીજાઓ કહે એટલે આપણે કરીએ એવું ન હોવું જોઈએ. કેમ કે, એના વિષે ઈસુએ કહ્યું: “પ્રભુ તારા દેવ પર તું તારા પૂરા હૃદયથી, ને તારા પૂરા જીવથી, ને તારા પૂરા મનથી પ્રીતિ કર.” (માત્થી ૨૨:૩૭) તો પછી, યહોવાહની સેવા માટે આપણે કેવી રીતે પ્રેમ કેળવી શકીએ? એ માટે આપણે પોતે બાઇબલનો અભ્યાસ કરીને તેમના વિષે જાણવું જોઈએ.
૧૬, ૧૭. આપણું વર્તન કેમ સારું હોવું જોઈએ? દાખલો આપો.
૧૬ આપણે જે કહીએ એના કરતાં જે રીતે વર્તીએ એ ઘણું મહત્ત્વનું છે. આપણે આગળ ઈસ્રાએલી છોકરીની વાત કરી હતી. તેનું વર્તન કેવું હતું? જો તેનું વર્તન ઉદ્ધત, કઠોર કે ખરાબ હોત તો શું સીરિયાના લોકોએ તેનું સાંભળ્યું હોત? એવી જ રીતે, જો આપણા વાણી-વર્તન સારાં નહિ હોય તો લોકો આપણું સાંભળશે નહિ. (રૂમી ૨:૨૧) ચાલો આપણે એક દાખલો લઈએ.
૧૭ પોર્ટુગલમાં અગિયાર વર્ષની એક બહેન રહેતી હતી. તેને સ્કૂલમાં અમુક તહેવારો ઊજવવાનું દબાણ કરવામાં આવ્યું. પરંતુ, તેણે ટીચરને જણાવ્યું કે પોતે શા માટે તહેવારોમાં ભાગ લેતી નથી. એ જાણ્યા પછી, ટીચરે તેના પર વધારે દબાણ કરવા માંડ્યું. ધર્મને નામે તેની મજાક પણ ઉડાવવા લાગ્યા. તેમ છતાં, આ બહેને મગજ ઠંડું રાખ્યું અને ટીચરને માન આપ્યું. અમુક વર્ષો પછી તે બહેન પાયોનિયરીંગ કરવા લાગી. એક વાર તે ડિસ્ટ્રીક્ટ સંમેલનમાં બાપ્તિસ્મા લેનારાઓને જોતી હતી. એમાં તેને એક જાણીતો ચહેરો લાગ્યો. એ બીજું કોઈ નહિ પણ તેની મજાક ઉડાવતા ટીચર હતા. બાપ્તિસ્મા પછી તેઓ બંને એકબીજાને મળ્યા. તેઓની આંખોમાંથી હરખના આંસુ સરી પડ્યા. તેઓ એકબીજાને ભેટી પડ્યા. પછી ટીચરે તેને કહ્યું, ‘હું તને કદી ભૂલી ન હતી. તારા વર્તનની મારા પર બહુ ઊંડી અસર થઈ હતી. એક બહેન પ્રચાર કરતી મારા ઘરે આવી ત્યારે અચાનક તું મને યાદ આવી ગઈ. હું તેની સાથે સ્ટડી કરવા લાગી.’ આખરે, તે પોતે યહોવાહના એક સાક્ષી બન્યા. યુવાનો આ અનુભવ બતાવે છે કે તમે તમારા વાણી-વર્તનથી યહોવાહનું નામ રોશન કરી શકો છો.
૧૮. યહોવાહ વિષે બીજાઓને જણાવવા તમે સ્કૂલમાં શું કરી શકો?
૧૮ યુવાનો, શું તમે સ્કૂલે બીજાઓ સાથે યહોવાહ વિષે વાત કરો છો? શરૂઆત કરવાની તમને બીક લાગતી હોય શકે. ખરું કે એમ કરવું સહેલું નથી. તોપણ તમે ગભરાશો નહિ. તમે એ બીક દૂર કરી શકશો. ઘણાં બાળકો અને યુવાનો સ્કૂલમાં આપણી સંસ્થાના પુસ્તકો લઈ જાય છે. તેઓ એને ફ્રી પિરીયડમાં વાંચે છે. એમ કરીને, તેઓ જિજ્ઞાસુ છોકરા-છોકરીઓ સાથે એની ચર્ચા કરે છે. આ રીતે તેઓ સહેલાઈથી યહોવાહ વિષે જણાવી શકે છે. જો તમારા દેશમાં તમે ફ્રી પિરીયડમાં આપણાં પુસ્તકો વાંચી શકતા હોવ તો, એને લઈ જઈ શકો. આ સમયે તમારે કઈ બાબત ધ્યાનમાં રાખવી જોઈએ? તેઓ શું માને છે એ જાણવાનો પ્રયત્ન કરો. તેઓનું ધ્યાનથી સાંભળો. પછી તમે પોતે બાઇબલમાંથી શું શીખ્યા છો એ જણાવો. એમ કરીને ઘણાએ સ્કૂલમાં પ્રચાર કરવાનો આનંદ માણ્યો છે. તેઓએ ઘણાને યહોવાહના સેવકો બનવા મદદ કરી છે. એના વિષે આ મૅગેઝિનના પાન ૨૯ પર જોવા મળે છે.
૧૯. યુવાનો, તમે કેવી રીતે ઘરઘરનું પ્રચાર સારી રીતે કરી શકો?
૧૯ બીજી કઈ રીતે તમે યહોવાહના ગીત ગાઈ શકો? ઘરઘરનું પ્રચાર કરીને. જો તમે હજુ સુધી શરૂ ન કર્યું હોય તો, એને તમારો ધ્યેય બનાવી શકો. જો તમે શરૂ કરી દીધું હોય તો, બીજા ધ્યેયો બાંધી શકો. દાખલા તરીકે, શું તમે સારી રીતે રજૂઆત કરી શકો છો? એ માટે તમે તમારાં માબાપ કે અનુભવી ભાઈબહેનો પાસેથી મદદ લઈ શકો. અથવા શું તમે પ્રચારમાં બાઇબલનો વધારે ઉપયોગ કરો છો? એનાથી, તમે ફરી મુલાકાત કે સ્ટડીમાં લોકોના દિલ સુધી સત્ય ઉતારી શકશો. (૧ તીમોથી ૪:૧૫) તેઓને યહોવાહના સેવક બનવા મદદ કરી શકશો. પ્રચારમાં તમે વધારે આનંદ મેળવી શકશો.
ક્યારે યહોવાહની સેવા શરૂ કરવી જોઈએ?
૨૦. યહોવાહની સેવા કરવામાં યુવાનોએ શા માટે ગભરાવું ન જોઈએ?
૨૦ આપણે શરૂઆતમાં ત્રણ પ્રશ્ન પૂછ્યા હતા. એમાંથી ત્રીજો છે કે આપણે યહોવાહની સેવા ક્યારે શરૂ કરવી જોઈએ? બાઇબલ એનો સીધેસીધો જવાબ આપે છે: “યુવાનીના ઉત્સાહમાં તું તારા સર્જનહારને ભૂલી ન જા.” (ઉપદેશક [સભાશિક્ષક] ૧૨:૧, IBSI) આ બતાવે છે કે આપણે યુવાનીથી જ યહોવાહની સેવા કરવી જોઈએ. પણ શું તમે કદી આવું વિચાર્યું છે કે, ‘હું તો હજુ બહુ નાનો છું. મારી પાસે તો પૂરતો અનુભવ પણ નથી. હું મોટો થઈશ ત્યારે યહોવાહની સેવા કરીશ?’ આવું વિચારનાર તમે કંઈ પહેલા જ નથી. યિર્મેયાહે પણ તમારી જેમ જ ઈશ્વરને કહ્યું હતું: “ઓ પ્રભુ યહોવાહ! મને તો બોલતાં આવડતું નથી; કારણ કે હું હજી બાળક છું.” ત્યારે યહોવાહે તેમને હિંમત આપતા કહ્યું, ‘મારા દીકરા, ગભરાઈશ નહિ, હું તને મદદ કરીશ.’ (યિર્મેયાહ ૧:૬, ૭) આજે તમારે પણ ગભરાવાની કોઈ જરૂર નથી. યહોવાહ તમને મદદ કરશે. જેથી, તમે તન-મનથી યહોવાહની ભક્તિ કરતા રહો.—ગીતશાસ્ત્ર ૧૧૮:૬.
૨૧, ૨૨. યુવાનો કેવી રીતે ઝાકળના ટીપાં કરતાં સુંદર છે?
૨૧ પ્યારા યુવાનો, યહોવાહની સેવા કરવા જેવું આ દુનિયામાં બીજું કોઈ કામ નથી. એમ કરશો તો બીજા ભાઈ-બહેનો સાથે તમે એક રાગથી યહોવાહના ગુણ ગાઈ શકશો. એનાથી યહોવાહ પણ ખુશ થાય છે. એ વિષે એક ઈશ્વરભક્તે પ્રાર્થનામાં કહ્યું: “યુદ્ધને દિવસે તારી પ્રજા સ્વેચ્છાએ આવી જશે. પ્રાત:કાળના ઝાકળ જેવા તારા એ યુવાનો તારી પાસે પવિત્ર પર્વત ઉપર આવી જશે.”—સ્તોત્રસંહિતા [ગીતશાસ્ત્ર] ૧૧૦:૩, સંપૂર્ણ.
૨૨ આ કલમ બતાવે છે કે યુવાનો ઝાકળ જેવા છે. સવારે ઝાકળનાં ટીપાં કેટલાં રમણીય દેખાતા હોય છે! તમે યહોવાહની સેવા કરો છો ત્યારે તેમની નજરમાં ઝાકળનાં ટીપાં કરતાં પણ વધારે સુંદર બનો છો. તેથી યહોવાહ કહે છે, ‘મારા દીકરા, ડાહ્યો થા અને મારા હૃદયને આનંદથી ભરી દે.’ (નીતિવચનો ૨૭:૧૧) તો યુવાનો, પૂરા જોશથી યહોવાહની સેવા કરતા રહો!
તમે શું શીખ્યા?
• શા માટે આપણે યહોવાહની સ્તુતિ કરવી જોઈએ?
• યુવાનો પણ યહોવાહને મહિમા આપી શકે એવા બાઇબલમાં કયા દાખલાઓ છે?
• આજે યુવાનો યહોવાહની સેવા કઈ રીતે કરી શકે?
• યુવાનોએ ક્યારે યહોવાહની સેવા શરૂ કરવી જોઈએ અને શા માટે?
[પાન ૨૫ પર ચિત્રો]
તમારા જિગરી દોસ્ત પાસે કોઈ આવડત હોય તો શું તમે બીજાઓની આગળ તેમના વખાણ નહિ કરો?
[પાન ૨૭ પર ચિત્ર]
તમારી સાથે ભણતા યુવાનોને જાણવું ગમશે કે તમે શું માનો છો
[પાન ૨૮ પર ચિત્ર]
તમને સારી રીતે પ્રચાર કરતા શીખવું હોય તો અનુભવી ભાઈ-બહેનોની મદદ લો