સુલેમાનની સલાહને ધ્યાન આપો
“ઘણાં પુસ્તકો રચવાનો કંઈ પાર નથી; અને અતિ વિદ્યાભ્યાસથી શરીર થાકી જાય છે.” (સભાશિક્ષક ૧૨:૧૨) કંઈક ત્રણ હજાર વર્ષ પહેલાં ઈસ્રાએલના રાજા સુલેમાને બાઇબલમાં આ સલાહ આપી હતી. જોકે તે એમ કહેતા ન હતા કે લોકોએ વાંચવું નહિ. પણ તે વાંચનની પસંદગી કરવાની સલાહ આપતા હતા. આજે એ સલાહ કેટલી જરૂરી છે, કેમ કે દર વર્ષે, આખા જગતમાં લાખો પુસ્તકો છપાય છે.
સુલેમાન રાજાએ “ઘણાં પુસ્તકો” તરીકે ઉલ્લેખ કર્યો. એ પુસ્તકો કંઈ ઉત્તેજન આપનારાં કે એમાંથી કંઈક શીખી શકાય એવા ન હતાં. તેમણે જણાવ્યું કે આવા પુસ્તકો વાંચવામાં સમય બગડે છે. એનાથી લાભ થવાનું તો બાજુએ રહ્યું, પરંતુ વાચકનું “શરીર થાકી જાય” છે.
તો પછી, શું સુલેમાન રાજા એમ કહેવા માંગતા હતા કે ભરોસાપાત્ર અને લાભ કરે એવાં પુસ્તકો છે જ નહિ? ના, કેમ કે તેમણે એમ પણ લખ્યું કે “બુદ્ધિમાનનાં વચનો આર જેવાં છે અને સભાપતિઓનાં વચનો કે જે એક પાળક તરફથી આપવામાં આવેલાં છે, તેઓ બરાબર જડેલા ખીલા જેવાં છે.” (સભાશિક્ષક ૧૨:૧૧) સુલેમાન અહીંયા “આર” અને “જડેલા ખીલા જેવાં” વચનોની વાત કરે છે. “આર” જેવાં વચનો વ્યક્તિ પર ઊંડી અસર પાડીને ખરા માર્ગે ચાલવા મદદ કરે છે. જ્યારે “જડેલા ખીલા જેવાં” વચનો વ્યક્તિ પર ઊંડી અસર કરીને તેમને દૃઢ કરે છે.
આપણે આવાં વચનો ક્યાંથી મેળવી શકીએ? સુલેમાન એક “પાળક,” યહોવાહનાં વચનો તરફ ધ્યાન દોરે છે. (ગીતશાસ્ત્ર ૨૩:૧) હા, એ બાઇબલ છે જે ખુદ ઈશ્વરની પ્રેરણાથી લખાયું છે. એ બધાને લાભ કરી શકે છે. એ નિયમિત વાંચી, એ પ્રમાણે જીવવાથી આપણને ‘સંપૂર્ણ તથા સર્વ સારાં કામ કરવાને સારૂ તૈયાર થવા’ મદદ મળે છે.—૨ તીમોથી ૩:૧૬, ૧૭.