દરેક બાબતને યોગ્ય સમય હોય છે
સદીઓ પહેલાં ઈસ્રાએલમાં સુલેમાન નામે રાજા થઈ ગયા. તે ઘણા બુદ્ધિમાન હતા. ઈશ્વરના માર્ગદર્શનથી તેમણે લખ્યું: ‘પૃથ્વી ઉપર દરેક બાબતને માટે ઋતુ, અને દરેક યોજનાને માટે વખત હોય છે.’ તેમણે એમ પણ લખ્યું કે જનમવાનો અને મરવાનો, બાંધવાનો અને તોડી પાડવાનો, પ્રેમ કરવાનો અને નફરત કરવાનો સમય હોય છે. છેવટે તેમણે કહ્યું કે “જે વિષે તે શ્રમ કરે છે તેથી મહેનત કરનારને શો લાભ છે?”—સભાશિક્ષક ૩:૧-૯.
એ વાંચીને કોઈને થાય કે બાઇબલ પણ નસીબ વિષે શીખવે છે. શું એ ખરું છે? ના. બાઇબલ “ઈશ્વરપ્રેરિત” છે, એના વિચારો ઈશ્વર પાસેથી આવે છે. એટલે એ એક વખત આમ કહે અને બીજી વખત તેમ, એવું તો ન જ બને. ચાલો જોઈએ કે નસીબ કે કિસ્મત વિષે એ શું શીખવે છે.—૨ તીમોથી ૩:૧૬.
અણધાર્યા સમય અને સંજોગ
સુલેમાને લખ્યું: ‘આ દુનિયામાં મેં એવું પણ જોયું કે ઝડપી દોડનાર જ હંમેશાં શરતમાં વિજયી બને અથવા બળવાન યોદ્ધા જ લડાઈમાં જીતે એવું નથી. બુદ્ધિમાનને જ હંમેશાં ભોજન મળે, બુદ્ધિશાળીને જ ધનસંપત્તિ મળે અથવા કુશળ માણસો જ ઊંચી પદવી પ્રાપ્ત કરે એવું પણ નથી.’ શા માટે? તેમણે સમજાવ્યું: “એ બધું સમય અને સંજોગોને આધીન હોય છે.”—સભાશિક્ષક ૯:૧૧, કોમન લેંગ્વેજ.
અહીં સુલેમાન એવું કહેતા નથી કે જીવનનો આધાર નસીબ પર છે. પણ તે એવું કહે છે કે ઇન્સાન કોઈ કામનું પરિણામ પહેલેથી જણાવી શકતો નથી. કેમ નહિ? એનું કારણ એ જ કે “બધું સમય અને સંજોગોને આધીન હોય છે.” મોટે ભાગે જે કંઈ બને છે, એ આપણે કયા સમયે ક્યાં છીએ, એના પર આધાર રાખે છે.
બાઇબલ કહે છે કે ‘શરતમાં વેગવાનની જીત થતી નથી.’ દાખલા તરીકે, ૧૯૮૪માં અમેરિકાના લૉસ ઍંજિલીઝમાં સ્ત્રીઓની ૩,૦૦૦ મીટરની દોડ રેસ હતી. એમાં એક અમેરિકાની અને એક બ્રિટનની સ્ત્રી પણ હતી. એવું લાગતું હતું કે એ બેમાંથી એકને તો ગોલ્ડ મૅડલ મળશે જ. રેસમાં દોડતા દોડતા તેઓ એકબીજા સાથે અથડાઈ. એમાંની એક પડી ગઈ, એટલે તે રેસમાંથી નીકળી ગઈ. બીજી એટલી નિરાશ થઈ ગઈ કે પહેલી આવવાને બદલે સાતમી આવી.
શું તેઓ નસીબને લીધે હારી ગઈ? અમુક કહેશે, “હા.” પણ હકીકતમાં તેઓ અણધારી રીતે અથડાઈ, એના કારણે રેસ હારી ગઈ. કોઈને ખ્યાલ ન હતો કે એવું થશે. તો પછી શું તેઓનું અથડાવાનું નસીબમાં લખાયું હતું? અમુક કહેશે કે “હા.” પણ એ રેસમાં કોમેન્ટરી આપનારાના જણાવ્યા પ્રમાણે, જીત મેળવવા ખેલાડીઓ સખત પ્રયત્ન કરે છે. એવે વખતે ક્યારેક આગળ પડતા ખેલાડીઓ એકબીજા સાથે અથડાઈ પડે છે. બાઇબલ જણાવે છે તેમ “બધું સમય અને સંજોગોને આધીન હોય છે.” ભલે ગમે એટલી તૈયારી કરી હોય, પણ અણધાર્યું કંઈક બને તો પરિણામ ધાર્યા કરતાં જુદું આવે છે. એમાં નસીબ કે કિસ્મતની વાત આવતી જ નથી.
બાઇબલ એમ પણ કહે છે, ‘પૃથ્વી ઉપર દરેક બાબતને માટે ઋતુ’ હોય છે. એનો શું અર્થ થાય? આપણું ભલું થાય એ માટે શું કરી શકીએ?
દરેક બાબતને માટે યોગ્ય સમય
સુલેમાન અહીં કોઈના નસીબ કે જીવનના અંજામ વિષે નહિ, પણ યહોવાહના મકસદ વિષે વાત કરે છે. આપણે એ કઈ રીતે કહી શકીએ? એની આજુબાજુની કલમો એ સમજાવે છે. ‘દરેક બાબતને માટે સમય’ હોય છે, એમ લખ્યા પછી સુલેમાને કહ્યું: “ઈશ્વરે મનુષ્ય જાતને વિવિધ પ્રકારના જે કામ સોંપ્યાં છે તે વિષે મેં વિચાર્યું છે. ઈશ્વરે દરેક બાબતને તેના યોગ્ય સમયમાં સુંદર બનાવી છે.”—ઉપદેશક [સભાશિક્ષક] ૩:૧૦, ૧૧, IBSI.ઈશ્વરે ઇન્સાનને અનેક કામો સોંપ્યાં અને પસંદગી પણ આપી છે. ખરું કે દરેક કામ યોગ્ય સમયે કરવામાં આવે તો, એના સારા પરિણામ આવે છે. સુલેમાને અમુક કામોનું લિસ્ટ આપતા કહ્યું કે “રોપવાનો વખત અને રોપેલાને ઊખેડી નાખવાનો વખત” હોય છે. (સભાશિક્ષક ૩:૨) ખેડૂતને ખબર હોય છે કે વાવવાનો યોગ્ય સમય કયો છે. પણ જો ખેડૂત મોસમ પ્રમાણે ન વાવે અને સારો પાક ન મળે, તો કોનો દોષ? નસીબનો? ના, ખેડૂતનો! ઈશ્વરે તો વાવવાનો સમય ગોઠવ્યો છે. પણ જો ખેડૂત એ પ્રમાણે વાવે, તો તેને મહેનતનાં સારાં ફળ જરૂર મળે.
આમ, ઈશ્વરે કોઈનું નસીબ લખ્યું નથી, કશાનો પણ અંજામ પહેલેથી નક્કી કરી દીધો નથી. તેમણે પોતાના મકસદ પ્રમાણે, નિયમો અને સિદ્ધાંતો ઘડ્યા છે. દરેક બાબતને માટે યોગ્ય સમય ગોઠવ્યો છે. ઇન્સાને પોતાની મહેનતનાં ફળ મેળવવા માટે એ પ્રમાણે જીવવું જોઈએ. એવું નથી કે ઈશ્વર વ્યક્તિનું નસીબ નક્કી કરે છે. ઈશ્વર તો ફક્ત મકસદ ઘડે છે, પછી એને ચોક્કસ પૂરો કરે છે. એ વિષે ઈશ્વર કહે છે: ‘મારૂં વચન જે મારા મુખમાંથી નીકળ્યું છે, તે જે હેતુથી મેં તેને મોકલ્યું હતું તેમાં સફળ થયા વિના, ફોકટ મારી પાસે પાછું વળશે નહિ.’—યશાયાહ ૫૫:૧૧.
યહોવાહનું એ વચન શું છે? ઇન્સાન અને પૃથ્વી માટે તેમનો મકસદ કયો છે, જે “સફળ થશે” જ?
ઈશ્વરનો મકસદ પારખીએ
ઈશ્વરના મકસદ વિષે સુલેમાને કહ્યું: “ઈશ્વરે દરેક બાબતને તેના યોગ્ય સમયમાં સુંદર બનાવી છે. જો કે ઈશ્વરે મનુષ્યના હૃદયમાં સનાતનપણું મૂક્યું છે. છતાં શરૂઆતથી અંત સુધીનાં ઈશ્વરનાં કાર્યો મનુષ્ય સમજી શકતો નથી.”—ઉપદેશક ૩:૧૧, IBSI.
આ કલમ વિષે લોકોએ ઘણું લખ્યું છે. જરા આપણો જ વિચાર કરો. ઈશ્વરે આપણને પ્રાણીઓ જેવા બનાવ્યા નથી. આપણે તો વિચારી શકીએ છીએ. જેમ કે, ‘ઈશ્વરે મને કેમ બનાવ્યો? મારી મંજિલ ક્યાં છે? શું જિંદગી ફક્ત મહેનત કરીને છેવટે મોત પામવું એ જ છે?’ અરે, કોઈ પણ મનુષ્ય મરવા ચાહતો નથી, અમર જીવવા ઘણાય અખતરા કરે છે. શા માટે? બાઇબલ જણાવે છે કે ઈશ્વરે “મનુષ્યના હૃદયમાં સનાતનપણું મૂક્યું છે.”
અમર જીવનની ઝંખનાને લીધે જ, ઘણા લોકો વિચારે છે કે મરણ પછી શું? અમુક કહેશે કે આપણામાં આત્મા છે જે અમર છે. બીજાઓ કહેશે કે જન્મ-મરણનું ચક્ર ચાલ્યા જ કરશે. વળી બીજાઓ કહેશે કે ઈશ્વરે નસીબમાં લખ્યું હોય એ જ થાય, એમાં આપણે કંઈ કરી ન શકીએ. એ કોઈ પણ માન્યતાઓ અમર જીવનની આપણી ઇચ્છા સંતોષતી નથી. એનું કારણ એ કે ઇન્સાન પોતાની મેળે ‘શરૂઆતથી અંત સુધીનાં ઈશ્વરનાં કાર્યો સમજી શકતો નથી.’
સદીઓથી લોકોએ અનેક રીતે પ્રયત્નો કર્યા છે, પણ જાણી નથી શક્યા. હવે જો ઈશ્વરે અમર જીવવાની ઝંખના આપણામાં મૂકી હોય, તો તેમની જ પાસે એનો જવાબ પણ હોવો જોઈએ. ઈશ્વર યહોવાહ વિષે શાસ્ત્ર કહે છે: “તું તારો હાથ ખોલીને સર્વ સજીવોની ઇચ્છાને તૃપ્ત કરે છે.” (ગીતશાસ્ત્ર ૧૪૫:૧૬) હા, જો આપણે બાઇબલમાંથી શીખતા રહીશું, તો આપણે આ સવાલોના જવાબ જાણી શકીશું: ઈશ્વરે આપણને કેમ બનાવ્યા? આપણે કેમ મરણ પામીએ છીએ? પૃથ્વી અને ઇન્સાન માટે ઈશ્વરનો મકસદ શું છે? એના જવાબ જાણવાથી આપણને જીવનની મંજિલ મળશે.—એફેસી ૩:૧૧. (w09 3/1)
[પાન ૫ પર ચિત્રનું મથાળું]
‘વેગવાનની જીત થતી નથી.’—સભાશિક્ષક ૯:૧૧
[પાન ૫ પર ચિત્રનું મથાળું]
જો ખેડૂત મોસમ પ્રમાણે ન વાવે અને સારો પાક ન મળે, તો કોનો દોષ? નસીબનો?
[પાન ૬ પર ચિત્રનું મથાળું]
ઈશ્વરે આપણામાં ‘સનાતનપણું’ મૂક્યું હોવાથી, જીવન-મરણ વિષે વિચારીએ છીએ