શું આપણે ઈશ્વરને ઓળખી શકીએ?
‘ઈશ્વરને સમજવા અશક્ય છે.’—એલેક્ઝાંડ્રિયાનો ફિલો, પહેલી સદીનો ફિલસૂફ.
‘ઈશ્વર આપણામાંના કોઈથી દૂર નથી.’—તાર્સસના શાઊલ, એથેન્સના પહેલી સદીના ફિલસૂફોને જણાવતા.
એ બે વિચારમાંથી તમે કયા વિચાર સાથે સહમત થશો? તાર્સસના શાઊલ, જે પ્રેરિત પાઊલ તરીકે ઓળખાતા હતા, તેમના શબ્દો ઘણા લોકોને ઉત્તેજન અને દિલાસો આપનારા લાગે છે. (પ્રેરિતોનાં કૃત્યો ૧૭:૨૬, ૨૭) ખાતરી આપતા એવા શબ્દો પવિત્ર શાસ્ત્રમાં ઘણી જગ્યાએ જોવા મળે છે. દાખલા તરીકે, ઈસુએ જે પ્રાર્થના કરી એમાંથી તેમના શિષ્યોને ખાતરી મળી કે, તેઓ ઈશ્વરને ઓળખી શકે છે અને તેમના આશીર્વાદો મેળવી શકે છે.—યોહાન ૧૭:૩.
જોકે, ફિલો જેવા ફિલસૂફો કંઈક જુદું જ વિચારતા હતા. તેઓનો કહેવાનો અર્થ હતો કે આપણે ઈશ્વરને ક્યારેય જાણી શકતા નથી. કેમ કે, તેમને સમજવા અશક્ય છે. તેથી, સવાલ થાય કે હકીકત શું છે?
પવિત્ર શાસ્ત્ર સાફ જણાવે છે કે, ઈશ્વર વિશેની અમુક બાબતો માણસો માટે સમજવી અઘરી છે. દાખલા તરીકે, ઈશ્વર ક્યારથી અસ્તિત્વ ધરાવે છે એ કોઈ જાણી શકતું નથી. તેમની અપાર બુદ્ધિ કોઈ માપી શકતું નથી. તેમના અદ્ભુત ડહાપણની કોઈ સીમા નથી. એ બધું માણસોની સમજશક્તિની બહાર છે. જોકે, એ બધી બાબતો ઈશ્વરને ઓળખવા માટે અડચણરૂપ નથી. હકીકતમાં, એ બાબતો પર મનન કરવાથી ‘ઈશ્વરની પાસે જવા’ મદદ મળી શકે છે. (યાકૂબ ૪:૮) ચાલો, ઈશ્વર વિશે અમુક બાબતો જોઈએ જે સમજવી અશક્ય છે. એ પછી, એવી બાબતો જોઈશું જે આપણે સમજી શકીએ છીએ.
ઈશ્વર વિશે આપણે શું સમજી શકતા નથી?
ઈશ્વરનું સનાતન અસ્તિત્વ: પવિત્ર શાસ્ત્ર શીખવે છે કે, ઈશ્વરનું અસ્તિત્વ “અનાદિકાળથી તે અનંતકાળ સુધી” છે. (ગીતશાસ્ત્ર ૯૦:૨) સાદા શબ્દોમાં કહીએ તો, ઈશ્વરની કોઈ શરૂઆત નથી કે અંત નથી. માણસોની નજરે જોઈએ તો, ‘તેમનાં વર્ષોની સંખ્યા કોઈ સમજી શકે એમ નથી.’—અયૂબ ૩૬:૨૬.
એ જાણવાથી તમને શું ફાયદો થશે? શાસ્ત્ર વચન આપે છે કે જો આપણે ઈશ્વરને ઓળખીશું, તો તે આપણને હંમેશ માટેનું જીવન આપશે. (યોહાન ૧૭:૩) જરા વિચારો, ઈશ્વર જ હંમેશાં માટે જીવી ન શકે, તો તે તમને કઈ રીતે હંમેશ માટેના જીવનનું વચન આપી શકે? એવું વચન ફક્ત ‘સનાતન યુગોના રાજા’ જ પૂરું કરી શકે.—૧ તીમોથી ૧:૧૭.
ઈશ્વરનું મન: બાઇબલ શીખવે છે કે, ઈશ્વરની ‘સમજણ આપણી સમજશક્તિની બહાર છે.’ કેમ કે, તેમના વિચારો આપણા વિચારો કરતાં ઘણા ઊંચા છે. (યશાયા ૪૦:૨૮; ૫૫:૯) બાઇબલ આપણને આ સવાલ પર વિચાર કરવા પ્રેરે છે: “પ્રભુનું મન કોણે જાણ્યું છે કે, તે તેને બોધ કરે?”—૧ કોરીંથી ૨:૧૬.
એ જાણવાથી તમને શું ફાયદો થશે? ઈશ્વર એક જ સમયે લાખો લોકોની પ્રાર્થના સાંભળી શકે છે. (ગીતશાસ્ત્ર ૬૫:૨) એક નાની ચકલી પણ મરી જાય તો, તેમના ધ્યાન બહાર જતી નથી. શું એવું બની શકે કે, ઈશ્વરના મનમાં એટલું બધું ચાલતું હોય કે, તે આપણને ધ્યાન ન આપે અને આપણી પ્રાર્થનાઓ ન સાંભળે? ના, એવું નથી. કેમ કે, તેમનું મન સીમિત નથી. વધુમાં, ઈશ્વરની નજરમાં તમે ‘ઘણી ચકલીઓ કરતાં મૂલ્યવાન છો.’—માથ્થી ૧૦:૨૯, ૩૧.
ઈશ્વરના માર્ગો: બાઇબલ શીખવે છે કે, ‘શરૂઆતથી તે અંત સુધી ઈશ્વરે જે કંઈ કર્યું છે એનો માણસ પાર પામી શકે નહિ.’ (સભાશિક્ષક ૩:૧૧) તેથી, આપણે ઈશ્વર વિશે ક્યારેય બધું જાણી શકીશું નહિ. ઈશ્વરના માર્ગો ડહાપણ ભરેલા છે. એ “કેવા અગમ્ય છે!” (રોમનો ૧૧:૩૩) જોકે, જેઓ ઈશ્વરને ખુશ કરવા ચાહે છે, તેઓને તે પોતાના માર્ગો રાજી-ખુશીથી જણાવે છે.—આમોસ ૩:૭.
ઈશ્વર ક્યારથી અસ્તિત્વ ધરાવે છે એ કોઈ જાણી શકતું નથી. તેમની અપાર બુદ્ધિ કોઈ માપી શકતું નથી. તેમના અદ્ભુત ડહાપણની કોઈ સીમા નથી
એ જાણવાથી તમને શું ફાયદો થશે? બાઇબલ વાંચશો અને એનો અભ્યાસ કરશો તેમ, તમે ઈશ્વર વિશે અને તેમના માર્ગો વિશે નવી નવી બાબતો શીખતા જ જશો. એનો અર્થ થાય કે, આપણે સદા માટે ઈશ્વર પિતાની વધુને વધુ નજીક જઈ શકીશું.
ઈશ્વર વિશે આપણે શું સમજી શકીએ છીએ?
ખરું કે, ઈશ્વર વિશે અમુક બાબતો આપણે પૂરેપૂરી રીતે સમજી શકતા નથી. પરંતુ, એનો એવો અર્થ નથી કે આપણે તેમના વિશે કંઈ પણ જાણી શકતા નથી. બાઇબલમાં એવી અઢળક માહિતી છે જે ઈશ્વરને વધુ સારી રીતે ઓળખવા આપણને મદદ કરે છે. ચાલો, એમાંની અમુક જોઈએ.
ઈશ્વરનું નામ: બાઇબલ શીખવે છે કે ઈશ્વરે પોતાને એક નામ આપ્યું છે. તે કહે છે: “હું યહોવા છું; એ જ મારું નામ છે.” બાઇબલમાં ઈશ્વરનું નામ લગભગ ૭,૦૦૦ વાર જોવા મળે છે. બાઇબલમાં બીજું કોઈ નામ આટલી વાર જોવા મળતું નથી.—યશાયા ૪૨:૮.
એ જાણવાથી તમને શું ફાયદો થશે? ઈસુએ શીખવેલી પ્રાર્થનામાં તેમણે કહ્યું: ‘ઓ આકાશમાંના અમારા પિતા, તમારું નામ પવિત્ર મનાઓ.’ (માથ્થી ૬:૯) શું તમે પણ પ્રાર્થનામાં ઈશ્વરને નામથી પોકારી શકો? યહોવા એવી દરેક વ્યક્તિને બચાવવા ચાહે છે જે તેમના નામને માન આપે છે.—રોમનો ૧૦:૧૩.
ઈશ્વરનું રહેઠાણ: બાઇબલ બે પ્રકારના રહેઠાણ વિશે જણાવે છે: એક છે સ્વર્ગ, જ્યાં ઈશ્વર અને તેમના દૂતો રહે છે. બીજું છે પૃથ્વી, જ્યાં આપણે રહીએ છીએ. (યોહાન ૮:૨૩; ૧ કોરીંથી ૧૫:૪૪) બાઇબલમાં ઘણી વાર સ્વર્ગને ‘આકાશ’ કહેવામાં આવ્યું છે, જે ઈશ્વર અને તેમના દૂતોના નિવાસસ્થાનને રજૂ કરે છે. આમ, સર્જનહારનું “રહેઠાણ આકાશમાં” છે.—૧ રાજાઓ ૮:૪૩.
એ જાણવાથી તમને શું ફાયદો થશે? તમે ઈશ્વરને સારી રીતે ઓળખી શકો છો. ઈશ્વર કંઈ એવી શક્તિ નથી જે દરેક જગ્યાએ અને દરેક વસ્તુઓમાં હોય. ઈશ્વરમાં આપણી જેમ લાગણીઓ અને ગુણો છે. આપણે તેમને ઓળખી શકીએ છીએ. ખરું કે, ઈશ્વરના રહેવાની એક જગ્યા છે. તેમ છતાં, ‘તેમની આગળ કોઈ પણ વસ્તુ ગુપ્ત નથી.’—હિબ્રૂ ૪:૧૩.
ઈશ્વરના ગુણો: બાઇબલ જણાવે છે કે, ઈશ્વરમાં સુંદર ગુણો છે. જેમ કે, “ઈશ્વર પ્રેમ છે.” (૧ યોહાન ૪:૮) તે કદી જૂઠું બોલતા નથી. (તીતસ ૧:૨) તે દયાળુ અને કૃપાળુ છે. તે પક્ષપાત કરતા નથી, તેમના માટે બધા લોકો સમાન છે. તે ગુસ્સો કરવામાં ધીમા છે. (નિર્ગમન ૩૪:૬; પ્રેરિતોનાં કૃત્યો ૧૦:૩૪) એટલું જ નહિ, જેઓ ઈશ્વરને માન આપે છે તેઓને તે પોતાના મિત્ર બનાવવા ચાહે છે!—ગીતશાસ્ત્ર ૨૫:૧૪.
એ જાણવાથી તમને શું ફાયદો થશે? તમે યહોવા ઈશ્વરના મિત્ર બની શકો છો. (યાકૂબ ૨:૨૩) યહોવાના ગુણોને જાણશો તેમ, બાઇબલના અહેવાલોને સારી રીતે સમજી શકશો.
‘ઈશ્વરને શોધો’
શાસ્ત્રમાં યહોવા ઈશ્વર વિશે પૂરતી માહિતી આપવામાં આવી છે. એવું નથી કે, આપણે તેમને ઓળખી નથી શકતા. ઈશ્વર પોતે ચાહે છે કે આપણે તેમને ઓળખીએ. બાઇબલ ખાતરી આપે છે કે, ‘જો તમે ઈશ્વરને શોધશો, તો તે તમને મળશે.’ (૧ કાળવૃત્તાંત ૨૮:૯) કેમ નહિ કે, બાઇબલના અહેવાલો વાંચીને અને એના પર મનન કરીને ઈશ્વરને ઓળખીએ. બાઇબલ વચન આપે છે કે, જો તમે એમ કરશો તો ‘ઈશ્વર તમારી પાસે આવશે.’—યાકૂબ ૪:૮.
તમને થશે કે, ‘હું ઈશ્વર વિશે બધું નથી જાણતો. તો પછી, હું કંઈ રીતે તેમનો દોસ્ત બની શકું?’ જરા વિચારો. શું એ જરૂરી છે કે, ડૉક્ટરના દોસ્તે ડૉક્ટર જ હોવું જોઈએ? ના, એવું નથી. કદાચ તે ડૉક્ટર ન પણ હોય. છતાં, તેઓ સારા દોસ્ત બની શકે છે. એ માટે જરૂરી છે કે, ડૉક્ટરનો દોસ્ત તેને સારી રીતે ઓળખે. તેની પસંદ અને નાપસંદનું ધ્યાન રાખે. એવી જ રીતે, તમે બાઇબલમાંથી યહોવાના ગુણો વિશે વધારે શીખીને તેમના સારા દોસ્ત બની શકો છો.
સર્જનહાર વિશે ફક્ત એક ઝલક આપવાને બદલે બાઇબલ તેમને ઓળખવા માટે આપણને પૂરતી માહિતી આપે છે. શું તમે યહોવા ઈશ્વર વિશે વધારે શીખવા ચાહો છો? યહોવાના સાક્ષીઓ ફ્રીમાં તમને ઈશ્વર વિશે શીખવા મદદ કરશે. એ માટે, તમારા વિસ્તારમાં રહેતા યહોવાના સાક્ષીઓનો સંપર્ક કરો અથવા અમારી વેબસાઇટ www.jw.org/gu પર જાઓ. (w15-E 10/01)