પ્રેમાળ વડીલોને આધીન રહીએ
“તમે તમારા આગેવાનોની આજ્ઞાઓ પાળીને તેઓને આધીન રહો.”—હેબ્રી ૧૩:૧૭.
૧, ૨. કયાં શાસ્ત્રવચનો બતાવે છે કે યહોવાહ અને ઈસુ પ્રેમાળ પાળક છે?
યહોવાહ ને તેમના પુત્ર ઈસુ ખૂબ પ્રેમાળ છે. યશાયાહે તેઓ વિષે આ ભવિષ્યવાણી કરી હતી: ‘જુઓ, પ્રભુ યહોવાહ વીરની પેઠે આવશે, ને તેનો ભુજ તેને સારુ અધિકાર ચલાવશે; ભરવાડની પેઠે તે પોતાના ટોળાનું પાલન કરશે, ને તે બચ્ચાંને પોતાના હાથથી એકઠાં કરીને તેમને પોતાની ગોદમાં ઊંચકી લેશે, તે ધવડાવનારીઓને સંભાળીને ચલાવશે.’—યશાયાહ ૪૦:૧૦, ૧૧.
૨ આ ભવિષ્યવાણી ક્યારે સાચી પડી? ઈસવીસન પૂર્વે ૫૩૭માં જ્યારે રાજા કોરેશે યહુદીઓને ગુલામીમાંથી આઝાદ કર્યા ને તેઓ પાછા વતન જઈ શક્યા ત્યારે. (૨ કાળવૃત્તાંત ૩૬:૨૨, ૨૩) એ ૧૯૧૯માં ફરી સાચી પડી જ્યારે અભિષિક્ત ખ્રિસ્તીઓ ‘મોટા બાબેલોનમાંથી’ નીકળી આવ્યા. આ વખતે કોરેશે નહિ, પણ રાજા ઈસુએ તેઓને આઝાદ કર્યા હતા. (પ્રકટીકરણ ૧૮:૨; યશાયાહ ૪૪:૨૮) ઈસુ જાણે યહોવાહનો “ભુજ” કે હાથ છે. ઈસુ દ્વારા યહોવાહ પોતાના ભક્તોને ભેગા કરે છે. તેઓ પર રાજ કરે છે. પ્રેમથી તેઓનું ધ્યાન રાખે છે. ઈસુએ પોતે કહ્યું: “હું ઉત્તમ ઘેટાંપાળક છું; અને પોતાનાંને ઓળખું છું.”—યોહાન ૧૦:૧૪.
૩. યહોવાહ કેવી રીતે પ્રેમથી તેમના ભક્તોની સંભાળ રાખે છે?
૩ યશાયાહ ૪૦:૧૦, ૧૧ની ભવિષ્યવાણી બતાવે છે કે યહોવાહ કેટલા પ્રેમથી તેમના ભક્તોની સંભાળ રાખે છે. (ગીતશાસ્ત્ર ૨૩:૧-૬) ઈસુ પણ પૃથ્વી પર હતા ત્યારે યહોવાહની જેમ વર્ત્યા હતા. ફક્ત તેમના શિષ્યો સાથે જ નહિ, પણ સર્વ લોકો સાથે. (માત્થી ૧૧:૨૮-૩૦; માર્ક ૬:૩૪) ઈસ્રાએલના આગેવાનો ક્રૂર ને જુલમી હતા. પથ્થરદિલ હતા. તેઓ યહોવાહના ભક્તોને હેરાન કરતા. એ જોઈને યહોવાહ અને ઈસુ ખૂબ દુઃખી હતા. (હઝકીએલ ૩૪:૨-૧૦; માત્થી ૨૩:૩, ૪, ૧૫) એટલે યહોવાહે આ વચન આપ્યું: “હું મારાં ઘેટાંનો બચાવ કરીશ, ને તેઓ હવે પછી શિકારરૂપ થશે નહિ; અને હું મેંઢાં તથા મેંઢાંની વચ્ચે ન્યાય કરીશ. વળી હું તેમના પર એક પાળક સ્થાપીશ, ને તે, એટલે મારો સેવક દાઊદ, તેમનું પોષણ કરશે; તે તેમનું પોષણ કરશે, ને તે તેઓનો પાળક થશે.” (હઝકીએલ ૩૪:૨૨, ૨૩) ખરું કે દાઊદ આપણી સાથે નથી. પણ તેમનાથી મહાન ને મોટા બીજા એક “પાળક” છે. તે ઈસુ છે. યહોવાહે તેમને પોતાના સર્વ ભક્તોની સંભાળ રાખવાની જવાબદારી આપી છે. એ ભક્તોમાં અભિષિક્ત લોકો અને ‘બીજાં ઘેટાંના’ ભાઈ-બહેનો આવી જાય છે.—યોહાન ૧૦:૧૬.
યહોવાહે મંડળોને આપેલી ભેટ
૪, ૫. (ક) યહોવાહે સર્વ મંડળને કઈ ખૂબ કીમતી ભેટ આપી છે? (ખ) ઈસુએ સર્વ મંડળને કઈ કીમતી ભેટ આપી છે?
૪ યહોવાહે સર્વ મંડળોને એક ખૂબ કીમતી ભેટ આપી છે. એ ભેટ એક “પાળક” છે, એટલે ઈસુ છે. આ પાળક, અથવા રાજા વિષે યશાયાહ ૫૫:૪માં ઈશ્વરે આ વચન આપ્યું હતું: “મેં તેને લોકોને સારૂ સાક્ષી, તેઓને સારૂ સરદાર તથા અધિકારી ઠરાવી આપ્યો છે.” આજે અભિષિક્ત ભક્તો અને ‘બીજાં ઘેટાંના’ ભાઈ-બહેનો સર્વ નાત-જાત ને દેશોમાંથી ભેગા થયા છે. (પ્રકટીકરણ ૫:૯, ૧૦; ૭:૯) તેઓ “એક ટોળું” છે ને તેઓના “એક પાળક” છે, ઈસુ ખ્રિસ્ત.
૫ ઈસુએ પણ સર્વ મંડળને કીમતી ભેટ આપી છે. એ છે વડીલો. ઈસુ અને યહોવાહનો દાખલો અનુસરીને તેઓ પણ પ્રેમથી ભાઈ-બહેનોની સંભાળ રાખે છે. એફેસી મંડળને લખતા પાઊલે આ ભેટ વિષે કહ્યું: “ઊંચાણમાં ચઢીને તે બંદીવાનોને લઈ ગયો, અને તેણે માણસોને દાન આપ્યાં. વળી સંતોની સંપૂર્ણતા કરવાને અર્થે, સેવાના કામને સારૂ, ખ્રિસ્તના શરીરની ઉન્નતિ કરવાને સારૂ, તેણે કેટલાએક પ્રેરિતો, કેટલાએક પ્રબોધકો, કેટલાએક સુવાર્તિકો, અને કેટલાક પાળકો તથા ઉપદેશકો આપ્યા.”—એફેસી ૪:૮, ૧૧, ૧૨.
૬. પ્રકટીકરણ ૧:૧૬, ૨૦ અભિષિક્ત વડીલો વિષે શું કહે છે? બીજા ઘેટાંમાંથી થયેલા વડીલો વિષે શું કહી શકાય?
૬ “માણસોને દાન આપ્યાં” તે કોણ છે? તેઓ મંડળના ઓવરસિયર કે વડીલો છે. યહોવાહ અને ઈસુએ તેઓને મંડળની સંભાળ રાખવા પસંદ કર્યા છે. યહોવાહની શક્તિ ને માર્ગદર્શનથી તેઓને એ જવાબદારી મળી છે. (પ્રેરિતોનાં કૃત્યો ૨૦:૨૮, ૨૯) ખ્રિસ્તી મંડળ શરૂ થયું ત્યારે મંડળના બધા ભાઈઓ અભિષિક્ત હતા. પ્રકટીકરણ ૧:૧૬, ૨૦ મુજબ આ વડીલો જાણે ઈસુના જમણા હાથમાં “તારા” કે “દૂત” હતા. ઈસુ તેઓ દ્વારા મંડળોને દોરતા. પણ આપણા જમાનામાં અભિષિક્ત ભાઈઓની સંખ્યા ખૂબ ઘટી ગઈ છે. તેથી મંડળોમાં મોટા ભાગના વડીલો હવે બીજા ઘેટાંમાંથી છે. યહોવાહની શક્તિ ને માર્ગદર્શનથી ગવર્નિંગ બૉડી આ ભાઈઓને મંડળોની દેખરેખ રાખવાની જવાબદારી સોંપે છે. એટલે તેઓ પણ જાણે ઈસુના જમણા હાથમાં છે. તેઓ દ્વારા, મહાન પાળક ઈસુ મંડળોને દોરી રહ્યા છે. (યશાયાહ ૬૧:૫, ૬) આ વડીલો મંડળના શિર, એટલે ઈસુને પૂરી રીતે આધીન રહે છે. આનો અર્થ એ થાય કે આપણે પણ તેઓનું માર્ગદર્શન રાજી-ખુશીથી સ્વીકારવું જોઈએ.—કોલોસી ૧:૧૮.
વડીલોની આજ્ઞાઓ પાળો ને તેઓને આધીન રહો
૭. પાઊલે આપણને કેવી સલાહ આપી?
૭ યહોવાહ અને ઈસુએ મંડળોની દેખરેખ રાખવા માટે વડીલોને પસંદ કર્યા છે. તેઓ ચાહે છે કે આપણે આ વડીલોનું માર્ગદર્શન સ્વીકારીએ ને તેઓને આધીન રહીએ. (૧ પીતર ૫:૫) પાઊલે યહોવાહ તરફથી આ સંદેશો લખ્યો: “જેઓ તમારા આગેવાન હતા, જેઓએ તમને દેવની વાત કહી છે, તેઓનું સ્મરણ કરો; અને તેઓના ચારિત્રનું પરિણામ જોઈને તેઓના વિશ્વાસનું અનુકરણ કરો. તમે તમારા આગેવાનોની આજ્ઞાઓ પાળીને તેઓને આધીન રહો; કેમ કે હિસાબ આપનારાઓની પેઠે તેઓ તમારા આત્માઓની ચોકી કરે છે; એ માટે કે તેઓ આનંદથી તે કામ કરે, પણ શોકથી નહિ; કેમ કે એથી તમને ગેરલાભ થાય.”—હેબ્રી ૧૩:૭, ૧૭.
૮. પાઊલ આપણને કોનું ‘સ્મરણ કરવા’ કહે છે અને આપણે કઈ રીતે તેઓની ‘આજ્ઞાઓ પાળી’ શકીએ?
૮ પાઊલનો એ સંદેશો ઉત્તેજન આપે છે કે આપણે વડીલોનું ‘સ્મરણ કરીએ.’ એટલે વડીલોનો સારો દાખલો યાદ કરીએ, એને અનુસરીએ. વધુમાં પાઊલ કહે છે કે આપણે તેઓનું સાંભળવું જોઈએ ને આધીન રહેવું જોઈએ. બાઇબલ વિદ્વાન આર. ટી. ફ્રાંસ કહે છે કે મૂળ ગ્રીક ભાષામાં આ કલમમાં ‘આજ્ઞાઓ પાળવાનો’ અર્થ એ જ નથી કે વડીલ કહે, એટલે તેઓનું માની લેવાનું. પણ ‘સમજો’ કે તે શા માટે તમને એ માર્ગદર્શન આપે છે. પછી રાજી-ખુશીથી એ મુજબ ચાલો. યહોવાહ બાઇબલ દ્વારા આપણને એમ કરવા કહે છે. આપણે સમજવું જોઈએ કે વડીલો યહોવાહના કહ્યા મુજબ માર્ગદર્શન આપે છે. તેઓ બીજી બધી રીતે પણ આપણી સંભાળ રાખે છે. જો રાજી-ખુશીથી તેઓની સલાહ સ્વીકારીશું, તો આપણે સુખી થઈશું.
૯. વડીલોની સલાહ સાંભળવા સાથે કેમ તેઓને “આધીન” પણ રહેવું જોઈએ?
૯ જ્યારે બધું બરાબર હોય ત્યારે વડીલોની સલાહ સાંભળવી સહેલી છે. પણ જો કોઈ સંજોગમાં તમને લાગે કે વડીલોની સલાહ ઠીક નથી તો શું? ત્યારે તેઓને આધીન રહેવું ખૂબ જરૂરી છે. ભલે આપણે સમજી ન શકતા હોય, તોપણ તેઓને આધીન રહેવું જોઈએ. આમ આપણે ખરી આધીનતા બતાવીએ છીએ. પીતરે આમાં સારો દાખલો બેસાડ્યો. પ્રેરિત બન્યા પહેલાં પણ તેમણે આધીનતા બતાવી.—લુક ૫:૪, ૫.
વડીલોની સલાહ રાજી-ખુશીથી સ્વીકારવાના ચાર કારણો
૧૦, ૧૧. પ્રથમ સદીમાં અને આજે પણ વડીલો કઈ રીતે મંડળોને ‘દેવની વાત કહે છે’?
૧૦ અમુક ફકરા પહેલાં આપણે હેબ્રી ૧૩:૭ અને ૧૭ કલમો વાંચી હતી. એ કલમો વડીલોનું સાંભળવા અને તેઓને આધીન રહેવાના ચાર કારણ બતાવે છે. પહેલું કારણ એ છે કે તેઓએ આપણને “દેવની વાત કહી છે.” પ્રથમ સદીમાં ઈસુએ મંડળમાં “માણસોને દાન આપ્યાં,” જેથી તેઓ અભિષિક્ત ભક્તોને ભલામણ આપી શકે. (એફેસી ૪:૧૧, ૧૨) તેઓ દ્વારા ઈસુ સર્વ ભક્તોના વિચારો ને વર્તન સુધારી શક્યા. તેઓમાંથી અમુકે તો ઈશ્વરની પ્રેરણાથી મંડળોને પત્રો પણ લખ્યા. ઈસુએ આ અભિષિક્ત વડીલો દ્વારા પહેલી સદીના ખ્રિસ્તીઓને સત્યના માર્ગ પર ચાલવા ઉત્તેજન અને માર્ગદર્શન આપ્યું.—૧ કોરીંથી ૧૬:૧૫-૧૮; ૨ તીમોથી ૨:૨; તીતસ ૧:૫.
૧૧ ઈસુ “મુખ્ય ઘેટાંપાળક” છે. તે આજે “વિશ્વાસુ તથા બુદ્ધિમાન ચાકર” અને એ ગ્રૂપમાંથી આવેલા ગવર્નિંગ બૉડી દ્વારા આપણને માર્ગદર્શન આપે છે. (માત્થી ૨૪:૪૫) ઈસુને માન બતાવવા આપણે પાઊલની આ સલાહ દિલમાં ઉતારવી જોઈએ: “જેઓ તમારામાં મહેનત કરે છે અને પ્રભુમાં તમારા આગેવાન છે અને તમને બોધ કરે છે તેઓની કદર કરો.”—૧ પીતર ૫:૪; ૧ થેસ્સાલોનીકી ૫:૧૨; ૧ તીમોથી ૫:૧૭.
૧૨. વડીલો કઈ રીતે ‘આપણી ચોકી કરે છે’?
૧૨ વડીલોનું માનવાનું બીજું કારણ એ છે કે તેઓ ‘આપણી ચોકી કરે છે.’ જો તેઓને ખબર પડે કે આપણી વાણી કે વર્તનમાં એવું કંઈક છે જે યહોવાહ સાથે આપણો નાતો નબળો કરી શકે, તો તેઓ આપણને સુધારવા જરૂરી સલાહ આપે છે. (ગલાતી ૬:૧) આ કલમમાં ‘ચોકી કરે છે’ માટેના મૂળ ગ્રીક શબ્દનો અર્થ ‘સતત જાગતા રહેવું’ થાય છે. એક બાઇબલ વિદ્વાન એ શબ્દનો અર્થ આ પ્રમાણે સમજાવે છે, ‘જેમ ઘેટાંપાળક ઘેટાંનું રક્ષણ કરવા માટે કાયમ સાવધ રહે છે.’ ભક્તિ અને મંડળને લગતી બાબતોમાં વડીલો જરૂર સાવધ રહે છે. અરે, અમુક વાર ભાઈ-બહેનોની ચિંતા કરવાથી તેઓની ઊંઘ પણ ઊડી જાય છે. આ પ્રેમાળ વડીલો “ઘેટાંના મોટા રખેવાળ” ઈસુને અનુસરે છે. તો શું આપણે તેઓનું સાંભળવું ન જોઈએ?—હેબ્રી ૧૩:૨૦.
૧૩. મંડળના વડીલો જ નહિ, પણ સર્વ ભાઈ-બહેનોએ કોને હિસાબ આપવો પડશે અને સર્વએ શું કરવું જોઈએ?
૧૩ વડીલોનું રાજી-ખુશીથી સાંભળવાનું ત્રીજું કારણ શું છે? એ જ કે મંડળના માલિક યહોવાહને ‘હિસાબ આપવાનો હોય’ એ રીતે તેઓ આપણી ચોકી કરે છે. વડીલો કદી ભૂલતા નથી કે તેઓએ યહોવાહના ભક્તોની સંભાળ રાખવાની છે. તેઓ મહાન પાળક યહોવાહ અને ઈસુના હાથ નીચે કામ કરે છે. (હઝકીએલ ૩૪:૨૨-૨૪) યહોવાહે ઈસુના ‘લોહીથી મંડળીને ખરીદી’ હતી. એટલે તે ચાહે છે કે ભાઈ-બહેનો સાથે વડીલો દયાથી વર્તે. કેમ કે તેઓએ યહોવાહને હિસાબ આપવો પડશે. (પ્રેરિતોનાં કૃત્યો ૨૦:૨૮, ૨૯) યહોવાહ ફક્ત વડીલો પાસેથી જ નહિ, પણ આપણા સર્વ પાસેથી હિસાબ લેશે. (રૂમી ૧૪:૧૦-૧૨) યહોવાહે પસંદ કરેલા વડીલોની સલાહ સાંભળવાથી આપણે મંડળના શિર ઈસુને પણ આધીન રહીએ છીએ.—કોલોસી ૨:૧૯.
૧૪. કયા કારણથી વડીલો “શોકથી” જવાબદારી નિભાવવા લાગી શકે? એનું શું પરિણામ આવી શકે?
૧૪ નમ્ર રહીને વડીલોનું સાંભળવાનું ચોથું કારણ પાઊલે આપ્યું હતું. તેમણે લખ્યું: ‘હિસાબ આપનારાઓની પેઠે તેઓ તમારી ચોકી કરે છે; એ માટે કે તેઓ આનંદથી તે કામ કરે, પણ શોકથી નહિ; કેમ કે એથી તમને ગેરલાભ થાય.’ (હેબ્રી ૧૩:૧૭) વડીલો પાસે ખૂબ મોટી જવાબદારી છે. તેઓ મંડળને શિક્ષણ આપે છે. ભાઈ-બહેનોની મુલાકાત (શેપર્ડિંગ) લઈને તેઓને ઉત્તેજન આપે છે. પ્રચાર કામમાં આગેવાની લે છે. પોતાના પરિવારની સંભાળ રાખે છે. એ ઉપરાંત, મંડળમાં કોઈ તકલીફ ઊભી થાય તો એને હાથ ધરે છે. (૨ કોરીંથી ૧૧:૨૮, ૨૯) તેઓની સલાહ નહિ સાંભળીએ તો આપણે બસ તેઓનો બોજો વધુ ભારે બનાવીએ છીએ. પછી તેઓ પોતાનો આનંદ ગુમાવીને “શોકથી” કામ કરશે. જો વડીલોનું જાણીજોઈને ન માનીએ તો યહોવાહને એ જરાય નહિ ગમે. આપણને પણ નુકસાન થઈ શકે. વડીલોને માન આપીશું, તેઓની સલાહ સાંભળીશું, તો તેઓ રાજી-ખુશીથી જવાબદારી નિભાવી શકશે. પરિણામે, મંડળમાં સંપ વધશે અને બધાય યહોવાહના રાજ્ય વિષે ખુશખબરી આનંદથી ફેલાવી શકશે.—રૂમી ૧૫:૫, ૬.
વર્તનથી બતાવો કે તમે વડીલોને આધીન છો
૧૫. આપણે વડીલોનું સાંભળીને આધીન રહીએ છીએ એમ કઈ રીતે સાબિત કરી શકીએ?
૧૫ આપણે ઘણી રીતોએ વડીલોને આધીનતા બતાવી શકીએ છીએ. ચાલો અમુક દાખલા વિચારીએ. કદાચ કોઈ સંજોગને લીધે વડીલો પ્રચાર કરવાની ગોઠવણમાં અમુક ફેરફારો કરે. જેમ કે બીજા કોઈ દિવસે કે સમયે પ્રચાર ગોઠવે. એનાથી તમને પણ અમુક ફેરફાર કરવા પડે. શું તમે રાજી-ખુશીથી એ નવી ગોઠવણમાં સાથ આપશો? જો આપશો, તો પ્રચાર કામમાં ઘણા આશીર્વાદો તમને મળી શકે. ચાલો બીજો દાખલો લઈએ. સર્વિસ ઓવરસિયર તમારી બુક સ્ટડીની મુલાકાત કરે છે. શું તમે ફેરફાર કરી શકો જેથી એ અઠવાડિયે પ્રચાર કામમાં વધુ કરી શકો? અથવા તમને દેવશાહી સેવા શાળામાં કોઈ સોંપણી મળે. શું તમે એની સારી તૈયારી કરશો? મિટિંગમાં ચોક્કસ જઈને એને રજૂ કરશો? કે પછી તમારા બુકસ્ટડી ઓવરસિયર જણાવે કે આજે કિંગ્ડમ હૉલની સાફ-સફાઈ કરવાનો આપણો વારો છે. શું તમારાથી થાય એટલી મદદ કરશો? આ ફક્ત અમુક જ દાખલા છે. આના જેવા બીજા ઘણા દાખલા છે જેમાં બતાવી શકાય કે આપણે યહોવાહ અને ઈસુએ પસંદ કરેલા વડીલોને આધીન રહીએ છીએ.
૧૬. ભલે વડીલ માર્ગદર્શન મુજબ ન ચાલે, આપણે શું કરવું જોઈએ?
૧૬ અમુક વાર બની શકે કે વિશ્વાસુ ચાકરવર્ગ અને એની ગવર્નિંગ બૉડીના માર્ગદર્શન પ્રમાણે કોઈ વડીલ પૂરી રીતે ચાલતા ન હોય. જો તે જાણીજોઈને એમ કરતા રહે, તો તેમને જરૂર ‘આપણા જીવોના પાળક તથા અધ્યક્ષ’ યહોવાહને હિસાબ આપવો પડશે. (૧ પીતર ૨:૨૫) ભલે કોઈ વડીલ ભૂલ કરે કે જાણીજોઈને ખોટાં પગલાં લે, એનો અર્થ એ નથી કે આપણે વડીલોનું સાંભળવું જ ન જોઈએ. જે કોઈ વડીલોનું ન સાંભળે, આધીન ન રહે અને બળવો કરે એવી વ્યક્તિ યહોવાહને જરાય ગમતી નથી.—ગણના ૧૨:૧, ૨, ૯-૧૧.
વડીલોનું સાંભળવાથી યહોવાહનો આશીર્વાદ મળે છે
૧૭. વડીલો માટે આપણું કેવું વલણ હોવું જોઈએ?
૧૭ યહોવાહ જાણે છે કે વડીલો ભૂલ તો કરે છે. તોપણ સર્વ ભક્તોની દેખભાળ રાખવા તે તેઓનો ઉપયોગ કરે છે. તેમની શક્તિ ને માર્ગદર્શન દ્વારા વડીલો આ બધું કરી શકે છે. ફક્ત વડીલો જ નહિ, પણ આપણે સર્વ પોતાની શક્તિથી કંઈ કરી શકતા નથી. પણ જે ‘શક્તિ દેવથી’ આવે છે એના દ્વારા બધું કરી શકીએ. (૨ કોરીંથી ૪:૭) વડીલો દ્વારા યહોવાહ આપણા માટે કેટલું બધું કરે છે. આપણે તેમનો ખૂબ આભાર માનવો જોઈએ. વડીલોને પણ રાજીખુશીથી પૂરો સાથ આપવો જોઈએ.
૧૮. વડીલોને આધીન રહેવાથી આપણે ખરેખર શું કરીએ છીએ?
૧૮ વડીલોને ખબર છે કે આ છેલ્લા દિવસોમાં યહોવાહ તેઓ પાસેથી કેવી અપેક્ષા રાખે છે. એના વિષે યિર્મેયાહ ૩:૧૫ કહે છે: “મારા મનગમતા પાળકો હું તમને આપીશ, ને તેઓ જ્ઞાન તથા બુદ્ધિથી તમારૂં પાલન કરશે.” મંડળોમાં વડીલો આપણને શિક્ષણ આપે છે. રક્ષણ આપે છે. તેઓ આપણા માટે કેટલું સારું કામ કરે છે! ચાલો આપણે તેઓની મહેનત કદી ભૂલીએ નહિ. ચાલો રાજી-ખુશીથી તેઓની સલાહ સાંભળીએ ને તેઓને આધીન રહીએ. જો એમ કરીશું, તો આપણે ખરેખર યહોવાહ અને ઈસુ ખ્રિસ્તને માન આપીએ છીએ. (w 07 4/1)
યાદ કરો
• યહોવાહ અને ઈસુ કઈ રીતે આપણા પ્રેમાળ પાળક છે?
• વડીલોનું કહ્યું માનવું અને સાથે તેઓને આધીન રહેવું કેમ જરૂરી છે?
• કઈ રીતે બતાવી શકીએ કે આપણે વડીલોને આધીન રહીએ છીએ?
[Picture on page 28]
મંડળના વડીલો રાજી-ખુશીથી ખ્રિસ્તના માર્ગદર્શન પ્રમાણે ચાલે છે
[Pictures on page 30]
યહોવાહથી પસંદ થયેલા વડીલોને આધીન રહેવાની ઘણી રીતો છે