“નબળાને તે બળ આપે છે”
૨૦૧૮નું આપણું વાર્ષિક વચન: ‘યહોવાની રાહ જોનાર નવું સામર્થ્ય પામશે.’—યશા. ૪૦:૩૧.
૧. આપણે કઈ તકલીફોનો સામનો કરવો પડે છે અને શા માટે યહોવા પોતાના વફાદાર સેવકોથી ખુશ છે? (શરૂઆતનું ચિત્ર જુઓ.)
આ દુનિયામાં જીવન સહેલું નથી. દાખલા તરીકે, આપણામાંથી ઘણાં ભાઈ-બહેનો ગંભીર બીમારી સહી રહ્યાં છે. કેટલાક પોતે મોટી ઉંમરના છે તોપણ, તેઓએ પોતાના વૃદ્ધ સગાંઓની સંભાળ રાખવી પડે છે. બીજા કેટલાકની હાલત એવી હોય છે કે એક સાંધે ત્યાં તેર તૂટે. કુટુંબની જરૂરિયાતો માટે તેઓએ તનતોડ મહેનત કરવી પડે છે. અમે જાણીએ છીએ કે, તમારામાંથી ઘણા આમાંની કેટલીક તકલીફોનો એક સાથે સામનો કરી રહ્યા છે. એ પાછળ સમય-શક્તિ અને પૈસા ખર્ચાય જાય છે. પણ, તમને પૂરી ખાતરી છે કે યહોવા તમને ચોક્કસ મદદ કરશે. તમે જાણો છો કે, સ્થિતિ સુધરશે, કેમ કે યહોવાએ એ વિશે વચન આપ્યું છે. આવી શ્રદ્ધા જોઈને યહોવા ચોક્કસ ખુશ થાય છે!
૨. યશાયા ૪૦:૨૯થી કઈ રીતે આપણને ઉત્તેજન મળે છે? કદાચ આપણે કઈ ગંભીર ભૂલ કરી બેસીએ?
૨ શું તમને ક્યારેય એવું લાગ્યું છે કે તકલીફો સહેવી ઘણી અઘરી છે? જો એમ હોય, તો તમે એકલા નથી. અગાઉના ઈશ્વરભક્તોમાંથી અમુકને પણ લાગતું હતું કે તેઓ તકલીફો સામે ટકી નહિ શકે. (૧ રાજા. ૧૯:૪; અયૂ. ૭:૭) તેઓને ટકી રહેવા શાનાથી મદદ મળી? સામર્થ્ય માટે તેઓએ યહોવા પર આધાર રાખ્યો. બાઇબલ જણાવે છે કે, “નબળાને તે બળ આપે છે.” (યશા. ૪૦:૨૯) અમુક ઈશ્વરભક્તોને લાગે છે કે તકલીફોનો સામનો કરવા થોડા સમય માટે યહોવાની ભક્તિ કરવાનું છોડી દેવું જોઈએ. એ કેટલી ગંભીર ભૂલ કહેવાય! તેઓને લાગે છે કે યહોવાની ભક્તિ કરવી, આશીર્વાદ નહિ પણ બોજ છે. એટલે, તેઓ બાઇબલ વાંચવાનું, સભામાં જવાનું અને પ્રચાર કરવાનું બંધ કરી દે છે. શેતાન તેઓ પાસેથી એ જ તો ચાહે છે.
૩. (ક) શેતાન આપણને નબળા ન પાડી દે માટે શું કરી શકીએ? (ખ) આ લેખમાં આપણે શાની ચર્ચા કરીશું?
૩ શેતાન ચાહે છે કે આપણે નબળા પડી જઈએ. અને તે જાણે છે કે જો આપણે યહોવાની સેવામાં વ્યસ્ત રહીશું, તો જરાય નબળા પડીશું નહિ. એટલે, જ્યારે આપણે થાકી જઈએ કે હિંમત હારી જઈએ, ત્યારે યહોવાથી દૂર જતા ન રહીએ. પણ, તેમની નજીક રહીએ. બાઇબલ કહે છે કે, “તે તમને દૃઢ કરશે, તે તમને બળવાન કરશે.” (૧ પીત. ૫:૧૦; યાકૂ. ૪:૮) યશાયા ૪૦:૨૬-૩૧ જણાવે છે કે યહોવા આપણને સામર્થ્ય આપવાની ક્ષમતા ધરાવે છે. આ લેખમાં એ વિશે ચર્ચા કરીશું. યહોવાની સેવામાં આપણને ઠંડા પાડી નાખે એવા બે સંજોગો વિશે જોઈશું. ઉપરાંત, એ પણ જોઈશું કે કઈ રીતે બાઇબલ સિદ્ધાંતો લાગુ પાડવાથી ટકી રહેવા મદદ મળે છે.
યહોવાની રાહ જોનાર નવું સામર્થ્ય પામશે
૪. યશાયા ૪૦:૨૬માંથી આપણને યહોવા વિશે શું શીખવા મળે છે?
૪ યશાયા ૪૦:૨૬ વાંચો. બ્રહ્માંડમાં એટલા તારા છે કે ગણ્યા ગણાય નહિ. વૈજ્ઞાનિકોનું માનવું છે કે ફક્ત આપણી આકાશગંગામાં જ ચાળીસ હજાર કરોડ જેટલા તારા છે. તોપણ, યહોવાએ દરેક તારાને નામ આપેલું છે. એનાથી આપણને યહોવા વિશે શું શીખવા મળે છે? જો નિર્જીવ તારાઓમાં યહોવા આટલો રસ લેતા હોય, તો જરા વિચારો કે આપણા વિશે તે કેવું અનુભવતા હશે! ફરજ પડ્યાને લીધે નહિ, પણ યહોવાને પ્રેમ કરતા હોવાથી આપણે તેમની ભક્તિ કરીએ છીએ. (ગીત. ૧૯:૧, ૩, ૧૪) પ્રેમાળ પિતા આપણા વિશે બધું જાણે છે. બાઇબલ કહે છે કે, “તમારા માથાના બધા વાળ પણ ગણેલા છે.” (માથ. ૧૦:૩૦) યહોવા આપણને જણાવે છે કે તે ‘નિર્દોષની જિંદગીના સર્વ પ્રસંગો જાણે છે.’ (ગીત. ૩૭:૧૮) એ તો સ્પષ્ટ છે કે, યહોવા આપણી એકેએક મુશ્કેલી જાણે છે. એટલું જ નહિ, એ દરેક મુશ્કેલી સહેવા તે આપણને શક્તિ પણ આપી શકે છે.
૫. આપણે કઈ રીતે ખાતરી રાખી શકીએ કે, યહોવા આપણને સામર્થ્ય આપવાની ક્ષમતા ધરાવે છે?
૫ યશાયા ૪૦:૨૮ વાંચો. યહોવા બધી શક્તિના સ્રોત છે. સૂર્યને તે કેટલી શક્તિ આપે છે! ચાલો, એનો વિચાર કરીએ. ડેવિડ બોડાનેસ નામના એક લેખકે જણાવ્યું કે, દર સેકન્ડે સૂર્યમાંથી પ્રચંડ શક્તિ નીકળે છે. એ તો જાણે કરોડો પરમાણુ બોમ્બના ધડાકાથી ઉત્પન્ન થતી શક્તિ બરાબર છે. બીજા એક સંશોધકની ગણતરી પ્રમાણે સૂર્ય એક સેકન્ડમાં એટલી શક્તિ ઉત્પન્ન કરે છે કે, પૃથ્વી પરના લોકોને ૨ લાખ વર્ષો સુધી ચાલે! સાચે જ, સૂર્યને શક્તિ આપનાર યહોવા આપણને પણ તકલીફો સહેવા સામર્થ્ય આપશે.
૬. કઈ રીતે ઈસુની ઝૂંસરી સહેલી છે અને એ જાણીને તમને કેવું લાગે છે?
૬ યશાયા ૪૦:૨૯ વાંચો. યહોવાની ભક્તિ કરવાથી આપણને ઘણો આનંદ મળે છે. ઈસુએ તેમના શિષ્યોને કહ્યું, “મારી ઝૂંસરી તમારા પર લો.” પછી, તેમણે આગળ જણાવ્યું, “તમને વિસામો મળશે. કેમ કે મારી ઝૂંસરી ઉપાડવામાં સહેલી અને મારો બોજો હલકો છે.” (માથ. ૧૧:૨૮-૩૦) એ કેટલું સાચું છે! અમુક વખતે, સભા કે પ્રચારમાં જવાનું હોય ત્યારે, આપણે ઘણા થાકેલા હોઈએ છીએ. પરંતુ, આપણે સભામાંથી પાછા ફરીએ ત્યારે, તાજગી અનુભવીએ છીએ અને તકલીફોનો સામનો કરવા તૈયાર હોઈએ છીએ. ખરેખર, ઈસુની ઝૂંસરી સહેલી છે.
૭. માથ્થી ૧૧:૨૮-૩૦ના શબ્દો સાચા છે, એની સાબિતી આપતો દાખલો આપો.
૭ ચાલો, આપણી એક બહેનનો દાખલો જોઈએ. તે ક્રોનિક ફટિગ સિન્ડ્રોમ, ડિપ્રેશન અને અતિશય માથાના દુઃખાવાથી પીડાય છે. એના કારણે, અમુક વાર સભાઓમાં જવું તેમનાં માટે ઘણું અઘરું હોય છે. જોકે, એક દિવસે તે હિંમત કરીને સભામાં ગયાં, એ વિશે તે જણાવે છે: “પ્રવચનમાં નિરાશ ન થવા ઉત્તેજન આપવામાં આવ્યું હતું. એમાં, એટલી અસરકારક અને લાગણીમય રીતે માહિતી રજૂ કરવામાં આવી હતી કે હું મારાં આંસુઓ રોકી શકી નહિ. સભાઓ એવી જગ્યા છે, જ્યાં મારે હાજર રહેવું જોઈએ એ યાદ રાખવાં મને મદદ મળી.” સભાઓમાં હાજર રહેવાં તેમણે પ્રયત્ન કર્યો એટલે તે ઘણાં ખુશ હતાં.
૮, ૯. “જ્યારે હું કમજોર હોઉં છું ત્યારે હું બળવાન હોઉં છું.” પ્રેરિત પાઊલ આ શબ્દોથી શું કહેવા માંગતા હતા?
૮ યશાયા ૪૦:૩૦ વાંચો. આપણી પાસે ઘણી આવડતો હશે, પણ આપણે જેટલું કરવા ચાહીએ છીએ, એટલું કરી શકતા નથી. આપણે દરેકે એ બાબત યાદ રાખવી જોઈએ. પ્રેરિત પાઊલ ઘણું કરી શકતા હતા, પણ તે જે કરવા ચાહતા હતા, એ બધું જ કરી શક્યા નહિ. જ્યારે પાઊલે પોતાની લાગણીઓ યહોવા સમક્ષ ઠાલવી, ત્યારે યહોવાએ કહ્યું, “તારી કમજોરીમાં મારી શક્તિ પૂર્ણ રીતે દેખાઈ આવે છે.” પાઊલને યહોવાની વાત સમજાઈ, એટલે જ તે કહી શક્યા, “જ્યારે હું કમજોર હોઉં છું ત્યારે હું બળવાન હોઉં છું.” (૨ કોરીં. ૧૨:૭-૧૦) તેમના કહેવાનો શો અર્થ હતો?
૯ પાઊલને સમજાયું કે પોતાની શક્તિથી તે બધું કરી શકતા નથી. તેમને પોતાનાથી વધારે શક્તિશાળી વ્યક્તિની મદદની જરૂર હતી. જ્યારે તેમને લાગતું કે પોતે કમજોર છે, ત્યારે ઈશ્વરની પવિત્ર શક્તિ તેમને મદદ કરતી. એટલું જ નહિ, પણ ઈશ્વરની પવિત્ર શક્તિની મદદથી પાઊલ એવી બાબતો પાર પાડી શક્યા, જે પોતાની શક્તિથી ક્યારેય કરી શક્યા ન હોત. આપણી સાથે પણ એવું જ બની શકે છે. યહોવા પવિત્ર શક્તિ આપશે, ત્યારે આપણે બળવાન થઈશું!
૧૦. કઈ રીતે યહોવાએ દાઊદને તકલીફો સહેવા મદદ કરી?
૧૦ ગીતકર્તા દાઊદે ઘણી વાર અનુભવ્યું હતું કે, ઈશ્વરની પવિત્ર શક્તિએ તેમને બળવાન કર્યા છે. તેમણે લખ્યું, ‘તમારી સહાયથી હું પલટણ ઉપર ધસી પડું છું અને મારા ઈશ્વરની કૃપાથી હું કોટ કૂદી જાઉં છું.’ (ગીત. ૧૮:૨૯) એક ઊંચા કોટને પાર કરવો આપણા માટે અઘરું છે. એવી જ રીતે, ઘણી વાર આપણી મુશ્કેલીઓ પણ એટલી મોટી હોય છે કે એનો હલ લાવવો, એ આપણા હાથ બહારની વાત હોય છે. એવા સમયે, આપણને યહોવાની મદદની જરૂર હોય છે.
૧૧. તકલીફો સહેવા પવિત્ર શક્તિ આપણને કઈ રીતે મદદ કરે છે?
૧૧ યશાયા ૪૦:૩૧ વાંચો. ચાલો, ગરુડનો વિચાર કરીએ. ગરુડ ફક્ત પોતાની શક્તિથી જ હવામાં સ્થિર રહી શકતું નથી. આકાશમાં ઉપર ચઢતી ગરમ હવાની મદદથી એ ઊંચે જઈ શકે છે. આમ, ગરુડ હવામાં ઘણી લાંબી મજલ કાપી શકે છે અને એની શક્તિ પણ બચે છે. જ્યારે તમારી સામે પહાડ જેવી મુશ્કેલી આવે, ત્યારે ગરુડને યાદ કરજો. યહોવા પાસે મદદ માંગો, જેથી ‘સહાયક એટલે કે પવિત્ર શક્તિથી’ તે તમને સામર્થ્ય આપે. (યોહા. ૧૪:૨૬) આપણે યહોવા પાસે કોઈ પણ સમયે, એટલે કે ચોવીસ કલાકમાં ગમે ત્યારે પવિત્ર શક્તિ માંગી શકીએ છીએ. ખાસ કરીને, જ્યારે મંડળના કોઈ ભાઈ કે બહેન સાથે મતભેદ થયો હોય, ત્યારે યહોવાની મદદની જરૂર પડે છે. પણ આવા મતભેદો કેમ ઊભા થાય છે?
૧૨, ૧૩. (ક) શા માટે ઈશ્વરભક્તો વચ્ચે અમુક વાર મતભેદો ઊભા થાય છે? (ખ) યુસફના જીવનથી આપણે યહોવા વિશે શું શીખી શકીએ?
૧૨ આપણે બધા અપૂર્ણ હોવાથી મતભેદો ઊભા થાય છે. ઘણી વાર, બીજાઓનાં શબ્દો કે કાર્યોને લીધે આપણે કદાચ ચિડાઈ જઈએ. એવા સમયે આપણી ધીરજની કસોટી થાય છે. પણ, ભાઈ-બહેનો સાથે હળીમળીને કામ કરવાનું શીખીએ છીએ ત્યારે, યહોવાને વફાદારી બતાવવાની આપણને તક મળે છે. ભાઈ-બહેનો અપૂર્ણ હોવા છતાં યહોવા તેમને પ્રેમ કરતા હોય તો, આપણે પણ કરવો જોઈએ.
૧૩ પોતાના ભક્તો પર આવતી કસોટીઓ યહોવા રોકતા નથી. યુસફના દાખલામાંથી આપણે એ શીખી શકીએ. યુસફ યુવાન હતા ત્યારે, તેમના સાવકા ભાઈઓ તેમની અદેખાઈ કરતા હતા. તેઓએ યુસફને ગુલામ તરીકે વેચી દીધા અને તેમને ઇજિપ્ત લઈ જવામાં આવ્યા. (ઉત. ૩૭:૨૮) પોતાના મિત્ર અને વફાદાર ભક્ત યુસફ સાથે થઈ રહેલો ખરાબ વ્યવહાર યહોવાએ જોયો હશે. એનાથી તે બહુ દુઃખી થયા હશે. તેમ છતાં, યહોવા એ બધું રોક્યું નહિ. સમય જતાં, પોટીફારની પત્નીએ યુસફ પર બળાત્કારનો જૂઠો આરોપ મૂક્યો અને તેમને જેલમાં નાખવામાં આવ્યા. એ સમયે પણ યહોવાએ તેમને છોડાવ્યા નહિ. પરંતુ, શું એનો અર્થ એમ કે યહોવાએ તેમને ત્યજી દીધા હતા? ના, ક્યારેય નહિ. બાઇબલ જણાવે છે કે ‘યહોવા યુસફની સાથે હતા અને તે જે કંઈ કામ કરતા, એમાં યહોવા તેમને સફળતા અપાવતા.’—ઉત. ૩૯:૨૧-૨૩.
૧૪. આપણે ગુસ્સો નથી કરતા ત્યારે કેવા ફાયદા થાય છે?
૧૪ બીજો દાખલો દાઊદનો છે. દાઊદની સાથે જે ખરાબ વર્તન થયું, એવું ભાગ્યે જ કોઈની સાથે થયું હશે. છતાં, યહોવાના એ મિત્ર ગુસ્સે થયા નહિ. તેમણે લખ્યું, ‘રોષને છોડ ને કોપનો ત્યાગ કર; તું ખીજવાતો નહિ, અને દુષ્ટ કામ કરતો નહિ.’ (ગીત. ૩૭:૮) આપણે ‘રોષ છોડી’ દેવો જોઈએ અથવા ગુસ્સે ન થવું જોઈએ. એમ કરવાનું સૌથી મહત્ત્વનું કારણ છે કે આપણે યહોવાનું અનુકરણ કરવા ચાહીએ છીએ. ‘તે આપણાં પાપ પ્રમાણે આપણી સાથે વર્ત્યા નથી,’ પણ તેમણે આપણને માફ કર્યા છે. (ગીત. ૧૦૩:૧૦) ગુસ્સો કરવાથી ઘણું નુકસાન થાય છે. જેમ કે, હાઈ બ્લડ પ્રેશર અને ફેફસાંને લગતી બીમારી થઈ શકે. ઉપરાંત, એમ કરવાથી યકૃત (લીવર) અને સ્વાદુપિંડને (પેન્ક્રિયાઝને) નુકસાન થાય છે તેમજ, પાચનતંત્રની તકલીફો પણ થાય છે. આપણે ગુસ્સામાં હોઈએ ત્યારે, દરેક વખતે બરાબર વિચારી શકતા નથી. કદાચ આપણે એવું કંઈ કરી કે કહી બેસીએ, જેનાથી બીજાઓને માઠું લાગે. બની શકે, એનાથી આપણે પણ લાંબા સમય સુધી હતાશ થઈ જઈએ. એટલે જ, ગુસ્સે ન થવાના ઘણા ફાયદા છે. બાઇબલ કહે છે, “હૃદયની શાંતિ શરીરનું જીવન છે.” (નીતિ. ૧૪:૩૦) પણ, બીજાઓ એવું કંઈક કરે જેનાથી આપણી લાગણી દુભાય ત્યારે, શું કરી શકીએ? આપણે કઈ રીતે ભાઈ-બહેનો સાથે શાંતિ જાળવી શકીએ? આપણે બાઇબલની ડહાપણભરી સલાહ પ્રમાણે વર્તી શકીએ.
ભાઈ-બહેનોને લીધે નિરાશ થઈ જઈએ ત્યારે
૧૫, ૧૬. આપણને કોઈ માઠું લગાડે ત્યારે શું કરવું જોઈએ?
૧૫ એફેસીઓ ૪:૨૬ વાંચો. યહોવાના ભક્ત નથી એવા લોકો આપણી જોડે ખરાબ વર્તન કરે ત્યારે, આપણને નવાઈ લાગતી નથી. પણ, ઘણી વાર કોઈ ભાઈ કે બહેન કે કુટુંબીજનનાં વાણી-વર્તનથી આપણું દિલ દુભાય છે અને આપણે ભાંગી પડીએ છીએ. આપણે એ ભૂલી જ ન શકતા હોઈએ, ત્યારે શું? શું આપણે વર્ષો સુધી મનમાં ગુસ્સો ભરી રાખીશું? કે પછી આપણે બાઇબલની સલાહ પાળીને બાબત થાળે પાડીશું? સુલેહ-શાંતિ કરવામાં જેટલું મોડું કરીશું, વાત એટલી વણસી જશે.
૧૬ મંડળમાંથી કોઈએ માઠું લગાડ્યું હોય અને એ વાત આપણા મનમાંથી નીકળતી જ ન હોય, ત્યારે શું? શાંતિ જાળવવા તમે શું કરી શકો? પહેલું, આપણે યહોવાને પ્રાર્થના કરી શકીએ. આપણા ભાઈ સાથે સારી રીતે વાત કરી શકીએ એ માટે યહોવા પાસે મદદ માંગીએ. યાદ રાખીએ કે આપણા ભાઈ પણ યહોવાના મિત્ર છે. (ગીત. ૨૫:૧૪) યહોવા તેમને પ્રેમ કરે છે. તે પોતાના મિત્રોને દયા બતાવે છે અને ચાહે છે કે આપણે પણ એમ જ કરીએ. (નીતિ. ૧૫:૨૩; માથ. ૭:૧૨; કોલો. ૪:૬) બીજું, વાત કરતા પહેલાં, શું કહીશું એ વિશે વિચાર કરીએ. તે તમને દુઃખ પહોંચાડવા માંગતા હતા, એવું ધારી ન લો. કદાચ એ એક ભૂલ હોય કે પછી તમને ગેરસમજ થઈ હોય. બની શકે કે તમારાથી ભૂલ થઈ હોય. નમ્રતાથી પોતાની ભૂલ સ્વીકારો. કદાચ તમે વાતચીતની શરૂઆત આ રીતે કરી શકો: “કદાચ હું વધારે પડતો લાગણીશીલ થઈ ગયો હતો, પણ ગઈ કાલે તમે મારી જોડે વાત કરી ત્યારે મને લાગ્યું કે . . .” વાતચીત કર્યા પછી પણ જો સારું પરિણામ ન આવે, તો સુલેહ-શાંતિ જાળવવા પ્રયત્નો કરતા રહો. એ ભાઈ કે બહેન માટે પ્રાર્થના કરો અને તેમના માટે આશીર્વાદ માંગો. તમે યહોવાને વિનંતી કરી શકો કે તમને તમારા ભાઈના સારા ગુણો જોવા મદદ કરે. સુલેહ-શાંતિ જાળવવા તમે દિલથી પ્રયત્નો કરો છો, એ જોઈને યહોવા ચોક્કસ ખુશ થશે.
અગાઉની ભૂલોને લીધે દોષની લાગણી થાય ત્યારે
૧૭. પાપ કરીએ ત્યારે, કઈ રીતે યહોવા આપણને તેમની સાથેનો સંબંધ સુધારવા મદદ કરે છે? આપણે શા માટે એ મદદ સ્વીકારવી જોઈએ?
૧૭ અગાઉના ગંભીર પાપને લીધે અમુક પોતાને યહોવાની ભક્તિ કરવા માટે લાયક ગણતા નથી. દોષની લાગણી આપણાં આનંદ, શાંતિ અને શક્તિ છીનવી લઈ શકે. રાજા દાઊદે દોષની લાગણીનો સામનો કર્યો હતો અને કહ્યું, ‘હું છાનો રહ્યો ત્યારે આખો દિવસ કણસવાથી મારાં હાડકાં જીર્ણ થયાં, કેમ કે રાતદહાડો મારા ઉપર તમારો હાથ ભારે હતો.’ ખુશીની વાત છે કે, યહોવા પોતાના સેવકો પાસે જે ચાહે છે, એ કરવાની દાઊદ પાસે હિંમત હતી. તેમણે લખ્યું, ‘મેં મારાં પાપ તમારી આગળ કબૂલ કર્યાં છે અને તમે મારાં પાપ માફ કર્યાં છે.’ (ગીત. ૩૨:૩-૫) જો તમે ગંભીર પાપ કર્યું હોય, તો યહોવા તમને માફ કરવા તૈયાર છે. તેમની સાથેનો આપણો સંબંધ સુધારવા તે આપણને મદદ કરવા ચાહે છે. એટલા માટે તે આપણને વડીલો દ્વારા જે સલાહ આપે છે, એ આપણે સ્વીકારવી જોઈએ. (નીતિ. ૨૪:૧૬; યાકૂ. ૫:૧૩-૧૫) એવા કિસ્સામાં રાહ ન જોઈએ! તમારું હંમેશાંનું જીવન એના પર નિર્ભર છે. પણ, ધારો કે તમારાં પાપ માફ થઈ ગયાં છે, છતાં તમને દોષની લાગણી થાય છે. એવા સમયે તમારે શું કરવું જોઈએ?
૧૮. જેઓ પોતાને યહોવાની ભક્તિ કરવા માટે લાયક ગણતા નથી, તેઓને પાઊલનું ઉદાહરણ કઈ રીતે મદદ કરી શકે?
૧૮ અગાઉની ભૂલોને લીધે પ્રેરિત પાઊલ પણ અમુક વાર નિરાશ થઈ જતા હતા. તેમણે જણાવ્યું, “હું તો પ્રેરિતોમાં સાવ મામૂલી છું અને પ્રેરિત ગણાવાને પણ લાયક નથી, કારણ કે મેં ઈશ્વરના મંડળની સતાવણી કરી હતી.” છતાં પાઊલ કહી શક્યા, “પરંતુ, હું જે કંઈ છું એ ઈશ્વરની અપાર કૃપાથી છું.” (૧ કોરીં. ૧૫:૯, ૧૦) યહોવા જાણતા હતા કે પાઊલ અપૂર્ણ હતા. પણ, પાઊલે પસ્તાવો કર્યો હતો અને તે વફાદારીથી ભક્તિ કરતા હતા, એટલે યહોવાએ તેમને સ્વીકાર્યા હતા. ઈશ્વર ચાહતા હતા કે, પાઊલ એ વાત સમજે. આપણા વિશે શું? દિલથી પસ્તાવો કરવાથી, યહોવા પાસે માફી માંગવાથી અને ગંભીર પાપના કિસ્સામાં વડીલોની મદદ લેવાથી, યહોવા ચોક્કસ અગાઉનાં પાપ માફ કરે છે. પછી, ખાતરી રાખો કે યહોવાએ તમારાં પાપ માફ કરી દીધાં છે અને તેમની દયા સ્વીકારો! —યશા. ૫૫:૬, ૭.
૧૯. ૨૦૧૮નું આપણું વાર્ષિક વચન શું છે અને શા માટે એ મહત્ત્વનું છે?
૧૯ આપણે આ દુનિયાના અંત તરફ જઈ રહ્યા છીએ તેમ, આપણા પર વધારે તકલીફો આવશે. પણ, આપણે ભૂલવું ન જોઈએ કે યહોવા ‘નબળાને બળ આપે છે; અને કમજોરને તે પુષ્કળ જોર આપે છે.’ એટલે, વફાદારીથી ભક્તિ કરતા રહેવા જરૂરી બધી બાબતો યહોવા તમને આપશે. (યશા. ૪૦:૨૯; ગીત. ૫૫:૨૨; ૬૮:૧૯) ૨૦૧૮માં આપણને આ મહત્ત્વનું સત્ય વારંવાર યાદ આવશે, કેમ કે પ્રાર્થનાઘરમાં આપણને વાર્ષિક વચન વાંચવા મળશે: ‘યહોવાની રાહ જોનાર નવું સામર્થ્ય પામશે.’—યશા. ૪૦:૩૧.