ઈસુની જેમ નમ્ર અને દયાળુ બનીએ
‘ખ્રિસ્તે પણ તમારે માટે સહન કર્યું અને તમે તેમને પગલે ચાલો, માટે તેમણે તમને નમૂનો આપ્યો છે.’—૧ પીત. ૨:૨૧.
૧. ઈસુને અનુસરવાથી શા માટે યહોવા સાથેનો આપણો સંબંધ મજબૂત થાય છે?
મોટા ભાગે આપણે એવા લોકોને અનુસરીએ છીએ જેઓને આપણે આદર્શ માનીએ છીએ. જોકે, માનવ ઇતિહાસમાં અનુસરવા માટે સૌથી ઉત્તમ દાખલો ઈસુનો છે. શા માટે? ઈસુએ કહ્યું હતું, ‘જેણે મને જોયો છે તેણે પિતાને જોયા છે.’ (યોહા. ૧૪:૯) તેમણે એવું કહ્યું કેમ કે તે યહોવાને પૂરેપૂરી રીતે અનુસરતા હતા. તેથી, ઈસુ વિશે શીખીને આપણે યહોવા વિશે પણ શીખીએ છીએ. ઉપરાંત, આપણે ઈસુને અનુસરીએ છીએ ત્યારે યહોવા સાથેનો આપણો સંબંધ મજબૂત થાય છે. આખા વિશ્વની સૌથી મહાન વ્યક્તિ જોડે મિત્રતા કરવી, એ સાચે જ ઘણું મોટું સન્માન છે!
૨, ૩. (ક) શા માટે યહોવાએ ઈસુના જીવનની ઘણી માહિતી પૂરી પાડી છે? યહોવા આપણી પાસેથી શું અપેક્ષા રાખે છે? (ખ) આ અને આવતા લેખમાં આપણે શાની ચર્ચા કરીશું?
૨ બાઇબલ દ્વારા યહોવાએ આપણને ઈસુના જીવનની ઘણી બધી માહિતી પૂરી પાડી છે. શા માટે? ઈશ્વર ચાહે છે કે આપણે તેમના દીકરાને ઓળખીએ, જેથી તેના પગલે ચાલી શકીએ. (૧ પીતર ૨:૨૧ વાંચો.) ઈસુના દાખલાની સરખામણી બાઇબલમાં, ‘પગલાં’ સાથે કરવામાં આવી છે. એનો અર્થ શો થાય? યહોવા ચાહે છે કે આપણે તેમના દીકરાના પગલે ચાલીએ. એમ કરવા જરૂરી છે કે આપણે દરેક રીતે ઈસુને અનુસરીએ. ઈસુ તો સંપૂર્ણ વ્યક્તિ હતા. તેથી, યહોવા એવી અપેક્ષા રાખતા નથી કે આપણે ઈસુને પૂરેપૂરી રીતે અનુસરીએ. જોકે, તે એવું જરૂર ચાહે છે કે આપણે ઈસુને અનુસરવા બનતું બધું કરીએ.
૩ ચાલો, હવે ઈસુના અમુક સુંદર ગુણો વિશે શીખીએ. આ લેખમાં આપણે તેમની નમ્રતા અને દયાના ગુણોની ચર્ચા કરીશું. આવતા લેખમાં આપણે ઈસુની હિંમત અને સમજદારી વિશે શીખીશું. એ દરેક ગુણ વિશે આપણે આ ત્રણ સવાલોના જવાબ મેળવીશું: એ ગુણનો શો અર્થ થાય? ઈસુએ એ ગુણ કઈ રીતે બતાવ્યો? આપણે તેમને અનુસરવા શું કરવું જોઈએ?
ઈસુ નમ્ર છે
૪. નમ્ર હોવાનો શો અર્થ થાય?
૪ નમ્ર હોવું એટલે શું? ઘણા ઘમંડી લોકો માને છે કે નમ્રતા તો એક નબળાઈ છે અથવા હિંમતની ખામીને બતાવે છે. પરંતુ, શું એમ માનવું યોગ્ય છે? ખરું જોતાં, નમ્રતા બતાવવા ઘણી હિંમતની જરૂર પડે છે. “ઘમંડ” અને “અહમ”થી સાવ વિરુદ્ધનો ગુણ નમ્રતા છે. આપણે પોતાને કેવા ગણીએ છીએ એ પરથી આપણી નમ્રતા દેખાઈ આવશે. બાઇબલનો એક શબ્દકોશ જણાવે છે: ‘આપણે નમ્ર ત્યારે કહેવાઈએ જ્યારે પોતાને ઈશ્વરની સામે સાવ નજીવા ગણતા હોઈએ.’ આપણે સાચે જ નમ્ર હોઈશું તો પોતાને બીજાઓ કરતાં ચઢિયાતા ગણીશું નહિ. (રોમ. ૧૨:૩; ફિલિ. ૨:૩) આપણે અપૂર્ણ હોવાને લીધે દરેક વખતે નમ્રતાનો ગુણ બતાવવો સહેલો નથી. પરંતુ, યહોવાની મહાનતા પર મનન કરવાથી તેમજ ઈસુને અનુસરવાથી આપણે નમ્ર બનતા શીખી શકીશું.
૫, ૬. (ક) પ્રમુખ દૂત મીખાએલ કોણ છે? (ખ) મીખાએલે કઈ રીતે નમ્રતા બતાવી?
૫ ઈસુએ કઈ રીતે નમ્રતા બતાવી? ઈશ્વરના દીકરા હોવા છતાં ઈસુ હંમેશાં નમ્ર રહ્યા. તે સ્વર્ગમાં શક્તિશાળી દૂત હતા ત્યારે અને પૃથ્વી પર સંપૂર્ણ મનુષ્ય હતા ત્યારે પણ, તેમણે નમ્રતા બતાવી. ચાલો અમુક દાખલા જોઈએ.
૬ તેમનું વલણ. ઈસુ પૃથ્વી પર આવ્યા એ પહેલાંના તેમના જીવન વિશેનો એક બનાવ યહુદાના પુસ્તકમાં જોવા મળે છે. (યહુદા ૯ વાંચો.) પ્રમુખ દૂત મીખાએલ જ મુખ્ય દૂત ઈસુ છે. “શેતાનની સાથે મુસાના શબ વિશે” ઈસુની “તકરાર” થઈ. યહોવાએ મુસાના શબને એવી જગ્યાએ દાટ્યું, જેથી કોઈ માણસને એ ન મળે. (પુન. ૩૪:૫, ૬) બની શકે કે શેતાન એ શબ દ્વારા ઈસ્રાએલીઓને જૂઠી ભક્તિમાં ફસાવવા માંગતો હતો. ભલે તેના ઇરાદા ગમે તે હતા, પણ મીખાએલ દૂતે બહાદુરીથી તેને એમ કરતા રોક્યો. એક પુસ્તક જણાવે છે કે, “તકરાર” અને “વિવાદ” માટે વપરાયેલા મૂળ ભાષાના શબ્દો “મુકદ્દમા”ને પણ રજૂ કરી શકે. જોકે, પ્રમુખ દૂત મીખાએલે પોતાના અધિકારની હદને કાયમ ધ્યાનમાં રાખી. ઈસુ જાણતા હતા કે શેતાનનો ન્યાય કરવાનો હક્ક ફક્ત યહોવા પાસે છે. તેથી, તેમણે એ મુકદ્દમો સર્વોચ્ચ ન્યાયાધીશ યહોવાના હાથમાં સોંપી દીધો. નમ્રતાનું એ કેવું સરસ ઉદાહરણ!
૭. બોલવામાં ઈસુએ કઈ રીતે નમ્રતા બતાવી? તેમણે પોતાનાં કાર્યોમાં કઈ રીતે નમ્રતા બતાવી?
૭ ઈસુ પૃથ્વી પર હતા ત્યારે તેમણે પોતાની બોલી અને કાર્યોમાં નમ્રતા બતાવી. તેમનું બોલવું. ઈસુએ ક્યારેય બીજાઓનું ધ્યાન પોતાની તરફ ખેંચવા ચાહ્યું નહિ. એના બદલે, તે હંમેશાં બધો મહિમા યહોવાને આપવા માંગતા હતા. (માર્ક ૧૦:૧૭, ૧૮; યોહા. ૭:૧૬) શિષ્યો પોતાને નકામા ગણે અથવા શરમ અનુભવે એવી રીતે ઈસુએ તેઓ સાથે ક્યારેય વાત કરી નહિ. તેમણે શિષ્યોને હંમેશાં માન આપ્યું અને તેઓના સારા ગુણોના વખાણ કરીને તેઓમાં ભરોસો બતાવ્યો. (લુક ૨૨:૩૧, ૩૨; યોહા. ૧:૪૭) તેમનાં કાર્યો. ઈસુએ પોતાનું જીવન સાદું રાખવાનું પસંદ કર્યું. તેમણે જીવન જરૂરિયાતની ઘણી વસ્તુઓ પણ જતી કરી. (માથ. ૮:૨૦) બીજાઓ જેમાં નાનમ અનુભવતાં એવાં કામ કરવામાં પણ તે અચકાયા નહિ. (યોહા. ૧૩:૩-૧૫) તેમણે આધીનતા બતાવીને નમ્રતાનો ઉત્તમ દાખલો બેસાડ્યો. (ફિલિપી ૨:૫-૮ વાંચો.) ઘમંડી લોકોને બીજાઓનું કહેવું માનવું જરાય ગમતું નથી. જ્યારે કે, ઈસુએ દરેક વાતમાં નમ્રભાવે યહોવાનું કહેવું માન્યું. અરે, “વધસ્તંભના મરણ” સુધી તે યહોવાને આધીન રહ્યા. એમાં કોઈ શંકા નથી કે ઈસુ મનથી ખૂબ જ “નમ્ર” હતા!—માથ. ૧૧:૨૯.
ઈસુની જેમ નમ્ર બનીએ
૮, ૯. આપણે નમ્રતા બતાવવા શું કરવું જોઈએ?
૮ ઈસુની જેમ નમ્ર બનવા આપણે શું કરવું જોઈએ? આપણું વલણ. આપણે નમ્ર હોઈશું તો સ્વીકારીશું કે આપણા અધિકારની એક હદ છે. બીજાઓનો ન્યાય કરવાનો હક્ક આપણને નથી એ વાત હંમેશાં યાદ રાખીશું. આપણે બીજાઓમાં ભૂલો શોધીશું નહિ અથવા તેઓનાં કાર્યોને શંકાની નજરે જોઈશું નહિ. (લુક ૬:૩૭; યાકૂ. ૪:૧૨) આપણામાં નમ્રતા હશે તો પોતાને ‘વધુ પડતા નેક’ નહિ સમજીએ. આપણે પોતાને બીજાઓ કરતાં ચઢિયાતા નહિ ગણીએ. ખાસ તો એવા લોકો કરતાં જેઓ પાસે આપણા જેવી આવડત કે લહાવા નથી. (સભા. ૭:૧૬) નમ્ર વડીલો પોતાને ભાઈ-બહેનો કરતાં ચઢિયાતા ગણતા નથી. એના બદલે તેઓ “પોતાના કરતાં બીજાઓને ઉત્તમ” ગણે છે. એટલે કે તેઓ પોતાના કરતાં બીજાઓને વધુ મહત્ત્વ આપે છે.—ફિલિ. ૨:૩; લુક ૯:૪૮.
૯ ભાઈ ડબલ્યુ. જે. થૉર્નનો વિચાર કરીએ. તેમણે ૧૮૯૪માં પ્રવાસી નિરીક્ષક તરીકે સેવા શરૂ કરી. ઘણાં વર્ષો પછી, બેથેલની એક વાડી જે ન્યૂ યૉર્કમાં આવેલી હતી, એમાં તેમને મરઘાં સાચવવાની સોંપણી મળી. તેમણે કહ્યું: ‘અમુક વાર મને થતું કે, “હું તો આનાથી વધુ મહત્ત્વનું કામ કરતો હોવો જોઈએ!” એવો વિચાર આવે ત્યારે હું ખૂણામાં જતો અને પોતાને કહેતો, “અરે ધૂળના નાના રજકણ, ઘમંડ કરવા જેવું તારી પાસે છે શું?”’ (યશાયા ૪૦:૧૨-૧૫ વાંચો.) એ કેટલું નમ્ર વલણ!
૧૦. બોલવામાં આપણે કઈ રીતે નમ્રતા બતાવી શકીએ? આપણાં કાર્યોમાં નમ્રતા બતાવવા શું કરીશું?
૧૦ આપણું બોલવું. આપણે ખરેખર નમ્ર હોઈશું તો આપણી બોલી પરથી એ દેખાઈ આવશે. (લુક ૬:૪૫) આપણે બીજાઓ સાથે વાત કરીએ ત્યારે પોતાનાં લહાવાઓ અને કાર્યોની બડાઈ નહિ હાંકીએ. (નીતિ. ૨૭:૨) એના બદલે, આપણે ભાઈ-બહેનોમાં સારાં ગુણો શોધીશું. આપણે તેઓનાં સારાં ગુણો અને આવડતોના વખાણ કરીશું. (નીતિ. ૧૫:૨૩) આપણાં કાર્યો. નમ્ર ઈશ્વરભક્તો આ જગતમાં મહત્ત્વ કે નામના મેળવવાની કોશિશ કરતા નથી. તેઓ સાદું જીવન જીવવાનું પસંદ કરે છે. તેઓ નાનામાં નાનું કામ કરવા પણ તૈયાર રહે છે, જેથી યહોવાની સેવામાં બનતું બધું કરી શકે. (૧ તીમો. ૬:૬, ૮) નમ્રતા બતાવવાની સૌથી મહત્ત્વની રીત છે કે આપણે આધીનતા બતાવીએ. મંડળના ‘આગેવાનોને આધીન’ રહેવા અને સંગઠનના માર્ગદર્શન પ્રમાણે કરવા નમ્રતા ખૂબ જરૂરી છે.—હિબ્રૂ ૧૩:૧૭.
ઈસુ દયાળુ છે
૧૧. દયાળુ હોવાનો શો અર્થ થાય?
૧૧ દયાળુ હોવું એટલે શું? દયાળુ હોવાના ગુણમાં પ્રેમાળ અને કોમળ રીતે કાળજી લેવાની લાગણીઓ સમાયેલી છે. દયા બતાવીને આપણે પ્રેમ બતાવીએ છીએ. દયાને સહાનુભૂતિ અને કરુણાની લાગણીઓ સાથે સરખાવી શકાય. “કરુણા,” “ઘણી દયા,” ‘મમતા અને કરુણાʼની લાગણીઓનો બાઇબલમાં ઉલ્લેખ થયો છે. (લુક ૧:૭૮; ૨ કોરીં. ૧:૩; ફિલિ. ૧:૮) બાઇબલ પર લખાયેલું એક પુસ્તક સમજાવે છે: ‘દયાળુ બનવામાં, લોકોના ખરાબ સંજોગો પર દુઃખ વ્યક્ત કરવા ઉપરાંત કંઈક વધારે સમાયેલું છે. દયાળુ હોઈશું તો આપણે લોકોના દુઃખમાં સહભાગી થઈશું અને મદદ આપવા તૈયાર રહીશું, જેથી તેઓનું જીવન વધુ સારું બની શકે.’ દયા હશે તો આપણને બીજાઓનું જીવન સારું બનાવવા ઉત્તેજન મળશે.
૧૨. શું બતાવે છે કે લોકો પર ઈસુને દયા આવી? દયાના ગુણને લીધે તેમને શું કરવાનું ઉત્તેજન મળ્યું?
૧૨ ઈસુએ કઈ રીતે દયા બતાવી? તેમની દયાની લાગણી અને દયાળુ કાર્યો. ઈસુએ બીજાઓ પ્રત્યે સહાનુભૂતિ બતાવી. જેમ કે, લાજરસના ગુજરી જવા પર મરિયમ અને બીજા લોકોને રડતાં જોઈને ઈસુની આંખો પણ છલકાઈ ગઈ. (યોહાન ૧૧:૩૨-૩૫ વાંચો.) અગાઉ પણ ઈસુએ દયાને લીધે એક વિધવાના દીકરાને જીવતો કર્યો હતો. એવી જ દયા બતાવીને તેમણે લાજરસને પણ સજીવન કર્યો. (લુક ૭:૧૧-૧૫; યોહા. ૧૧:૩૮-૪૪) ઈસુએ બતાવેલી દયાને લીધે કદાચ લાજરસને સ્વર્ગમાંના જીવનની તક મળી હશે. બીજા એક પ્રસંગે લોકોના ટોળાને જોઈને ઈસુને તેઓ પર કરુણા આવી. તેથી “તે તેઓને ઘણી વાતો વિશે શીખવવા” લાગ્યા. (માર્ક ૬:૩૪) ઈસુએ શીખવ્યા પ્રમાણે જેઓ ચાલ્યા તેઓનું જીવન પૂરેપૂરી રીતે બદલાઈ ગયું. દયા હોવાને લીધે ઈસુએ લોકોના સંજોગો પર ફક્ત દુઃખ વ્યક્ત ન કર્યું, તેઓને સહાનુભૂતિ પણ બતાવી. એ ગુણના લીધે તેમને લોકોને મદદ કરવા ઉત્તેજન મળ્યું.—માથ. ૧૫:૩૨-૩૮; ૨૦:૨૯-૩૪; માર્ક ૧:૪૦-૪૨.
૧૩. ઈસુએ કઈ રીતે પોતાના શબ્દોથી દયા બતાવી? (શરૂઆતનું ચિત્ર જુઓ.)
૧૩ તેમના શબ્દો. ઈસુમાં કરુણા હોવાને લીધે તે લોકો સાથે દયાભાવથી વાત કરતા. ખાસ કરીને તેઓ સાથે જેઓ મનથી કચડાઈ ગએલા હતા. શિષ્ય માથ્થીએ ઈસુ વિશેની યશાયાની કલમનો ઉલ્લેખ કર્યો હતો. યશાયાએ લખ્યું હતું: “છુંદાએલા બરૂને તે ભાંગી નાખશે નહિ અને મંદમંદ સળગતી દિવેટને તે હોલવશે નહિ.” (યશા. ૪૨:૩; માથ. ૧૨:૨૦) એ કલમનો શો અર્થ થાય? ઈસુએ ક્યારેય લોકોને કઠોર અથવા અપમાનજનક શબ્દો કહ્યા નહિ. તેમણે તો લોકોને તાજગી મળે એ રીતે વાત કરી. ‘આશા વિનાના લોકોને’ તેમણે આશાનો સંદેશો જણાવ્યો. (યશા. ૬૧:૧) ઈસુએ લોકોને આવકાર આપતા કહ્યું: “ઓ વૈતરૂં કરનારાઓ તથા ભારથી લદાયેલાઓ, તમે સઘળા મારી પાસે આવો, ને હું તમને વિસામો આપીશ.” (માથ. ૧૧:૨૮-૩૦) ઈસુએ શિષ્યોને ખાતરી આપી કે યહોવાને પોતાના દરેક ભક્તની ચિંતા છે. અરે, તે ‘નાનાઓમાંના એક પણ’ ઈશ્વરભક્તને ત્યજતા નથી, પછી ભલેને દુનિયા તેઓને તુચ્છ ગણતી હોય.—માથ. ૧૮:૧૨-૧૪; લુક ૧૨:૬, ૭.
ઈસુની જેમ દયાળુ બનીએ
૧૪. બીજાઓ માટે દયા બતાવવા આપણે શું કરવું જોઈએ?
૧૪ આપણે ઈસુની જેમ દયાળુ બનવા શું કરવું જોઈએ? આપણી દયાની લાગણીઓ. હંમેશાં દયા બતાવવી સહેલી નથી માટે બાઇબલ ઉત્તેજન આપે છે કે આપણે “દયાળુ હૃદય” કેળવવા સતત પ્રયત્નો કરીએ. યહોવા ઇચ્છે છે કે આપણે એ લાગણી ‘પહેરી લઈએ,’ જે આપણા ‘નવા વ્યક્તિત્વʼનો ભાગ છે. (કોલોસી ૩:૯, ૧૦, ૧૨ વાંચો.) શું કરીને આપણે દયાનો ગુણ બતાવી શકીએ? બાઇબલ સલાહ આપે છે કે સંકુચિત મનના ન થતા આપણે બીજાઓની લાગણીઓ સમજીએ. (૨ કોરીં. ૬:૧૧-૧૩) જ્યારે કોઈ પોતાની લાગણીઓ અને ચિંતાઓ જણાવે ત્યારે તેમનું ધ્યાનથી સાંભળીએ. (યાકૂ. ૧:૧૯) તેઓના સંજોગો સારી રીતે સમજવા આવા સવાલો પર વિચાર કરી શકીએ: “હું તેમના સંજોગોમાં હોત તો મને કેવું લાગત? એવા સંજોગોમાં મને શાની જરૂર પડી હોત?”—૧ પીત. ૩:૮.
૧૫. દુઃખ-તકલીફોનો સામનો કરનાર લોકોને મદદ આપવા શું કરવું જોઈએ?
૧૫ આપણાં કાર્યો. દયાનો ગુણ આપણને બીજાઓની મદદ કરવા ઉત્તેજન આપશે. ખાસ કરીને, એવા લોકોને જેઓ દુઃખ-તકલીફોનો સામનો કરે છે. એવા લોકોને મદદ કરવા શું કરવું જોઈએ? રોમનો ૧૨:૧૫ કહે છે, “રડનારાઓની સાથે રડો.” ઘણી વાર લોકોને મુશ્કેલીઓના ઉકેલ કરતાં દિલાસાની વધુ જરૂર હોય છે. તેઓને એવા એક મિત્રની જરૂર હોય છે, જે તેમનામાં રસ લે અને તેમનું ધ્યાનથી સાંભળે. એક સાક્ષી બહેનની દીકરી ગુજરી ગઈ ત્યારે ભાઈ-બહેનો તરફથી તેમને ઘણો દિલાસો મળ્યો. તેમનાં દુઃખમાં સહભાગી થનાર ભાઈ-બહેનો વિશે તે જણાવે છે, ‘મંડળના મિત્રો મને મળવા આવતા, એની હું ઘણી કદર કરું છું. અરે, મારી જોડે તેઓ પણ રડતાં!’ આપણે પણ બીજાઓ પ્રત્યે દયા બતાવવા વ્યવહારું મદદ આપી શકીએ. જેમ કે, કોઈ વિધવા બહેનના ઘરમાં કોઈ સમારકામની જરૂર હોય તો એમાં મદદ આપીએ. અથવા કોઈ વૃદ્ધ ભાઈ કે બહેનને સભાઓમાં, પ્રચારમાં, કે પછી દવાખાને આવવા-જવામાં મદદ કરી શકીએ. દયા બતાવીને કરેલું એક નાનું કામ પણ બીજાઓના જીવન પર મોટી અસર કરી શકે છે. (૧ યોહા. ૩:૧૭, ૧૮) દયા બતાવવાની સૌથી મહત્ત્વની રીત છે કે આપણે લોકોને ખુશખબર જણાવવા બનતું બધું કરીએ. નમ્ર દિલના લોકોના જીવનમાં બદલાણ લાવવાની એ સૌથી સારી રીત છે.
૧૬. હતાશ લોકોને ઉત્તેજન આપવા આપણે તેઓને શું કહી શકીએ?
૧૬ આપણા શબ્દો. આપણામાં દયાની લાગણી હશે તો હતાશ લોકોને “ઉત્તેજન” આપવા પ્રેરાઈશું. (૧ થેસ્સા. ૫:૧૪) ઉત્તેજન આપવા આપણે તેઓને શું કહી શકીએ? આપણને તેઓની ચિંતા છે એવું જણાવી શકીએ. એવાં ભાઈ-બહેનોને પોતાનાં ગુણો અને આવડતો પારખવા મદદ કરીએ અને દિલથી તેઓની પ્રશંસા કરીએ. તેઓને યહોવાએ સત્ય તરફ ખેંચ્યા છે અને તેમની નજરે તેઓ કીમતી છે, એવું યાદ અપાવીએ. (યોહા. ૬:૪૪) આપણે તેઓને ખાતરી કરાવી શકીએ કે “નિરાશામાં ડૂબેલાં” અથવા “ભાંગી પડેલાં” ભક્તોની યહોવા કાળજી રાખે છે. (ગીત. ૩૪:૧૮, સંપૂર્ણ) જેઓને દિલાસાની જરૂર છે, તેઓને આપણા માયાળુ શબ્દોથી ઘણી તાજગી મળશે.—નીતિ. ૧૬:૨૪.
૧૭, ૧૮. (ક) વડીલો પાસેથી યહોવા કઈ અપેક્ષા રાખે છે? (ખ) આપણે આવતા લેખમાં શું શીખીશું?
૧૭ વડીલો, તમે મંડળનાં ભાઈ-બહેનો પર દયાભાવ રાખો એવી યહોવા તમારી પાસેથી અપેક્ષા રાખે છે. (પ્રે.કૃ. ૨૦:૨૮, ૨૯) હંમેશાં યાદ રાખો કે મંડળને શીખવવાની, ઉત્તેજન અને તાજગી આપવાની જવાબદારી તમારી છે. (યશા. ૩૨:૧, ૨; ૧ પીત. ૫:૨-૪) દયા અને કરુણા રાખનાર વડીલ ક્યારેય ભાઈ-બહેનોને પોતાના કાબૂમાં રાખવાનો પ્રયત્ન નહિ કરે. ભાઈ-બહેનો જે નથી કરી શકતાં એ કરવાનું વડીલ તેઓ પર દબાણ નહિ લાવે. તેઓ પર પોતાના નિયમો થોપી નહિ બેસાડે. એના બદલે, તે ચાહશે કે ભાઈ-બહેનો દિલથી ખુશ રહે. તે ભરોસો રાખશે કે યહોવા માટેનો સાચો પ્રેમ ભાઈ-બહેનોને ભક્તિમાં બનતું બધું કરવા પ્રેરશે.—માથ. ૨૨:૩૭.
૧૮ ઈસુએ બતાવેલા નમ્રતા અને દયાના ગુણો પર મનન કરીશું તો, તેમનાં પગલે ચાલતા રહેવાનું ચોક્કસ મન થશે. આવતા લેખમાં જોઈશું કે આપણે કઈ રીતે ઈસુની જેમ હિંમત અને સમજદારી બતાવી શકીએ.