અભ્યાસ લેખ ૧
‘જરાય ચિંતા ન કર, કેમ કે હું તારો ઈશ્વર છું’
‘ડર ન રાખ, કેમ કે હું તારી સાથે છું; જરાય ચિંતા ન કર, કેમ કે હું તારો ઈશ્વર છું; હું તને બળવાન કરીશ, હું તને સહાય કરીશ.’—યશા. ૪૧:૧૦, NW.
ગીત ૨૩ યહોવા મારો કિલ્લો
ઝલકa
૧-૨. (ક) યશાયા ૪૧:૧૦ના શબ્દોની યોશીકોબહેન પર કેવી અસર પડી? (ખ) યહોવાએ કોના માટે એ શબ્દો લખાવ્યા છે?
યોશીકોબહેનને એક ખરાબ સમાચાર મળ્યા. ડોક્ટરે જણાવ્યું કે તેમની પાસે થોડા જ મહિના બચ્યા છે. એ સાંભળીને બહેને શું કર્યું? યોશીકો બહેને પોતાની મનપસંદ બાઇબલ કલમ યાદ કરી, યશાયા ૪૧:૧૦. (વાંચો.b) પછી, તેમણે ડોક્ટરને જણાવ્યું કે, તેમને ડર લાગતો નથી, કેમ કે યહોવા ઈશ્વરે તેમનો હાથ પકડ્યો છે.c કલમના એ શબ્દોથી યોશીકોબહેન યહોવામાં પાકો ભરોસો રાખી શક્યા. સતાવણી કે તકલીફોમાં આપણને પણ એ કલમથી મદદ મળી શકે છે. એ પહેલાં ચાલો સમજીએ કે યહોવાએ શા માટે યશાયાને એ શબ્દો કહ્યા હતા.
૨ યહોવા ચાહતા હતા કે યશાયા એ શબ્દો લખે. એ શબ્દોથી ભાવિમાં યહુદીઓને દિલાસો મળવાનો હતો. એ યહુદીઓને પછીથી બાબેલોનમાં ગુલામ તરીકે લઈ જવામાં આવ્યા. પણ યહોવાએ એ શબ્દોનો નાશ થવા દીધો નહિ, બચાવી રાખ્યા. જેથી યહુદીઓથી લઈને અત્યાર સુધી થઈ ગયેલા બધા લોકોને એનાથી દિલાસો મળે. (યશા. ૪૦:૮; રોમ. ૧૫:૪) આજે આપણે ‘સંકટના સમયોમાં’ જીવી રહ્યા છીએ, જે ‘સહન કરવા અઘરા છે.’ એટલે, યશાયાએ લખેલા ઉત્તેજનના શબ્દોની આજે આપણને સૌથી વધારે જરૂર છે.—૨ તિમો. ૩:૧.
૩. (ક) યશાયા ૪૧:૧૦માં યહોવાએ કયા વચનો આપ્યાં છે? (ખ) એ વચનોની આપણને કેમ જરૂર પડે છે?
૩ યશાયા ૪૧:૧૦માં યહોવાએ કહેલા શબ્દોથી આપણી શ્રદ્ધા મજબૂત થાય છે. આ લેખમાં આપણે એ કલમમાં આપેલાં ત્રણ વચનનોd વિચાર કરીશું: (૧) યહોવા આપણી સાથે હશે, (૨) તે આપણા ઈશ્વર છે, (૩) તે આપણને મદદ કરશે. યોશીકોબહેનની જેમ આપણા જીવનમાં પણ તકલીફો આવે છે. દુનિયામાં થઈ રહેલા ખરાબ બનાવોની આપણા પર અસર પડે છે. અમુકે દુનિયાની સરકાર તરફથી ભારે સતાવણી સહન કરવી પડે છે. તેથી, આપણને યહોવાનાં વચનોની જરૂર પડે છે. ચાલો, એ ત્રણ વચન પર ધ્યાન આપીએ.
‘હું તારી સાથે છું’
૪. (ક) યહોવાએ આપેલું પહેલું વચન કયું છે? (ફૂટનોટ પણ જુઓ.) (ખ) યહોવાની લાગણી કઈ રીતે તેમના શબ્દોમાં દેખાય આવે છે? (ગ) એ શબ્દોથી તમને કેવું લાગે છે?
૪ યહોવાએ આ શબ્દોથી પહેલું વચન આપ્યું: ‘ડર ન રાખ, કેમ કે હું તારી સાથે છું.’e યહોવા આપણું સાંભળે છે, તે આપણા પર ધ્યાન આપે છે. તે આપણને પ્રેમ કરે છે. એનાથી ખબર પડે છે કે તે આપણી સાથે છે. ધ્યાન આપો કે તેમને આપણા માટે ઊંડી લાગણી છે. તે કહે છે: ‘તું મારી દૃષ્ટિમાં મૂલ્યવાન થયો છે, તું સન્માન પામેલો છે, ને મેં તારા પર પ્રેમ કર્યો છે.’ (યશા. ૪૩:૪) દુનિયામાં એવી કોઈ બાબત નથી, જે યહોવાને પોતાના ભક્તો માટે પ્રેમ બતાવતા રોકી શકે. મા કદાચ પોતાના બાળકને છોડી દે, પણ યહોવા ક્યારેય પોતાના ભક્તોને છોડશે નહિ. (યશા. ૫૪:૧૦) તેમની સાથેના સંબંધ અને તેમના પ્રેમને લીધે આપણને હિંમત મળે છે. તેમણે પોતાના મિત્ર ઈબ્રામનું (ઈબ્રાહીમનું) રક્ષણ કર્યું હતું. આપણે ખાતરી રાખી શકીએ કે તે આપણું પણ રક્ષણ કરશે. યહોવાએ તેમને કહ્યું હતું: ‘ઈબ્રામ, તું બીશ નહિ; હું તારી ઢાલ છું.’—ઉત. ૧૫:૧.
૫-૬. (ક) શા પરથી કહી શકાય કે યહોવા આપણને કસોટીમાં મદદ કરવા ચાહે છે? (ખ) યોશીકોના દાખલામાંથી આપણને શું શીખવા મળે છે?
૫ યહોવા આપણને કસોટીમાં મદદ કરવા ચાહે છે. એટલે જ તેમણે પોતાના લોકોને વચન આપ્યું હતું: ‘તું પાણીમાં થઈને જઈશ, ત્યારે હું તારી સાથે હોઈશ; તું નદીઓમાં થઈને જઈશ, ત્યારે તેઓ તને ડૂબાડશે નહિ; તું અગ્નિમાં ચાલીશ, ત્યારે તને આંચ લાગશે નહિ; અને જ્વાળા તને બાળશે નહિ.’ (યશા. ૪૩:૨) આ શબ્દોનો શો અર્થ થાય?
૬ યહોવાએ એવું વચન આપ્યું નથી કે આપણા જીવનની બધી તકલીફો દૂર કરી દેશે. પરંતુ, તે ‘નદી’ જેવી મુશ્કેલીમાં ડૂબવા નહિ દે અને ‘જ્વાળા’ જેવી કસોટીમાં વાળ પણ વાંકો નહિ થવા દે. તે ખાતરી આપે છે કે તે હંમેશાં આપણી પડખે રહેશે અને એ બધી તકલીફોમાંથી બહાર આવવા મદદ કરશે. યહોવા કઈ રીતે મદદ કરશે? તે આપણો ડર દૂર કરશે. ભલે આપણી સામે મોત ઊભું હોય, તોપણ આપણે યહોવાને વફાદાર રહી શકીશું. (યશા. ૪૧:૧૩) અગાઉ આપણે યોશીકોબહેન વિશે જોઈ ગયા. તેમનાં કિસ્સામાં પણ આ સાચું પડ્યું હતું. તેમની દીકરી કહે છે: ‘અમારા માનવામાં નહોતું આવતું કે તકલીફો હોવા છતાં મમ્મી આટલાં શાંત રહી શક્યાં! અમે જોઈ શક્યા કે એ તો યહોવાની મદદથી શક્ય બન્યું હતું. જીવનની છેલ્લી ઘડી સુધી તે બધી નર્સને તથા બીજા દર્દીઓને યહોવા અને તેમનાં વચનો વિશે જણાવતાં રહ્યાં.’ યોશીકોના દાખલામાંથી આપણને શું શીખવા મળે છે? ઈશ્વરે વચન આપ્યું છે કે “હું તારી સાથે હોઈશ.” એ વચન પર ભરોસો રાખવાથી આપણે હિંમત રાખી શકીશું અને સતાવણીઓમાં પણ ટકી રહીશું.
‘હું તારો ઈશ્વર છું’
૭-૮. (ક) યહોવાનું બીજું વચન કયું છે અને એનો શો અર્થ થતો હતો? (ખ) યહોવાએ શા માટે યહુદીઓને ‘જરાય ચિંતા’ ન કરવા જણાવ્યું? (ગ) કયા શબ્દોથી યહુદીઓની હિંમત બંધાઈ હશે?
૭ યહોવાનું બીજું વચન છે: ‘જરાય ચિંતા ન કર, કેમ કે હું તારો ઈશ્વર છું.’ મૂળ ભાષામાં “ચિંતા” માટે વપરાયેલા શબ્દનો શું અર્થ થાય? એનો અર્થ થાય, ‘ડરને લીધે વારંવાર પાછળ ફરીને જોવું’ કે ‘ડરને લીધે હાંફળાફાંફળા થઈ જવું.’
૮ બાબેલોનના લોકો યહુદીઓને ગુલામ બનાવવાના હતા. યહુદીઓને શા માટે યહોવાએ ‘જરાય ચિંતા’ ન કરવા જણાવ્યું? યહોવા જાણતા હતા કે ભાવિમાં ડરવાનો વારો બાબેલોનના લોકોનો આવશે. એ ડરનું કારણ શું હશે? યહુદીઓ ગુલામ બન્યા એના ૭૦ વર્ષ પછી, બાબેલોન પર હુમલો કરવામાં આવશે. યહોવા માદાય-ઈરાનના લશ્કરનો ઉપયોગ કરીને પોતાના લોકોને બાબેલોનની ગુલામીમાંથી છોડાવશે. (યશા. ૪૧:૨-૪) બાબેલોનના લોકો અને આસપાસના રહેવાસીઓને જ્યારે ખબર પડી કે દુશ્મનો આવી રહ્યા છે, ત્યારે તેઓએ શું કર્યું? તેઓ એકબીજાને કહેવા લાગ્યા, ‘હિંમત રાખો.’ તેઓ રક્ષણ મેળવવા પોતાના દેવોની વધારે મૂર્તિઓ બનાવવા લાગ્યા. (યશા. ૪૧:૫-૭) એ સમયે યહોવાએ યહુદીઓને હિંમત આપતા કહ્યું: ‘હે મારા સેવક, ઇઝરાયેલ આમતેમ જોઈશ નહિ, કેમ કે હું તારો ઈશ્વર છું.’ (યશા. ૪૧:૮-૧૦) ધ્યાન આપો કે, યહોવાએ બીજા રહેવાસીઓને નહિ પણ યહુદીઓને કહ્યું: “હું તારો ઈશ્વર છું.” એ શબ્દોથી યહોવા પોતાના વફાદાર ભક્તોને ચિંતા ન કરવાનું જણાવી રહ્યા હતા. તે જાણે કહી રહ્યા હતા કે તે હજુ તેઓના ઈશ્વર છે અને તેઓ હજુ તેમના લોકો છે. તેમણે કહ્યું: ‘હું તમને ઊંચકી રાખીશ અને હું તમને બચાવીશ.’ ચોક્કસ, એ શબ્દોથી યહુદીઓની હિંમત બંધાઈ હશે.—યશાયા ૪૬:૩, ૪ વાંચો.f
૯-૧૦. આપણે શા માટે ડરવાની જરૂર નથી? દાખલો આપો.
૯ દિવસે ને દિવસે દુનિયાની હાલત બગડતી જાય છે. એટલે લોકો ઘણી ચિંતા કરે છે. એની અસર આપણને પણ થાય છે. પણ આપણે ડરવું ન જોઈએ, કેમ કે યહોવા કહે છે: “હું તારો ઈશ્વર છું.” એ શબ્દોથી આપણને કઈ રીતે મનની શાંતિ મળી શકે?
૧૦ ચાલો એક દાખલો જોઈએ: અમિત અને સુમિત વિમાનમાં મુસાફરી કરી રહ્યા છે. વિમાન વાવાઝોડામાં સપડાયું હોવાથી આમતેમ ડોલી રહ્યું છે. એ સમયે વિમાનમાં જાહેરાત કરવામાં આવે છે: ‘હવામાન ખરાબ હોવાથી સીટ બેલ્ટ બાંધેલો રાખો.’ અમિતને ચિંતા થવા લાગી. એટલામાં જ પાયલોટે જાહેરાત કરી: ‘ચિંતા કરશો નહિ. હું તમને સહીસલામત લઈ જઈશ.’ એ વાત અમિતના ગળે ન ઊતરી. તેને થયું, ‘તે પૂરી ખાતરીથી કઈ રીતે કહી શકે?’ પછી તેણે જોયું કે સુમિતના ચહેરા પર તો જરાય ચિંતા દેખાતી નથી. અમિતે તેને પૂછ્યું, ‘કેમ શાંત બેઠો છે? તને જરાય ચિંતા થતી નથી?’ સુમિતે હસીને કહ્યું, ‘કેમ કે એ પાયલોટને હું બહુ સારી રીતે જાણું છું, એ મારા પપ્પા છે.’ તેણે આગળ કહ્યું, ‘ચાલ તને મારા પપ્પા વિશે જણાવું. મને ખાતરી છે કે તેમના વિશે અને વિમાન ઉડાવવાની તેમની આવડત વિશે જાણીશ તો, તારી પણ ચિંતા દૂર થઈ જશે.’
૧૧. પાયલોટના ઉદાહરણમાંથી આપણને કયો બોધપાઠ શીખવા મળે છે?
૧૧ એ દાખલા પરથી આપણને શું શીખવા મળે છે? સુમિતની જેમ આપણે પણ શાંત રહી શકીએ છીએ. કેમ કે પિતા યહોવાને આપણે સારી રીતે ઓળખીએ છીએ. આપણે જાણીએ છીએ કે છેલ્લા દિવસોમાં વાવાઝોડાં જેવી મુશ્કેલીઓ આવશે. પણ યહોવા આપણને એ મુશ્કેલીઓમાંથી સહીસલામત બહાર નીકળવા મદદ કરશે. (યશા. ૩૫:૪) આજે દુનિયાના લોકો ચિંતાનાં વાદળોથી ઘેરાયેલા છે. જ્યારે કે આપણને યહોવા પર ભરોસો હોવાથી મન શાંત રાખી શકીએ છીએ. (યશા. ૩૦:૧૫) આપણે પણ સુમિત જેવું કરીએ છીએ. ઈશ્વરમાં આપણને ભરોસો છે, એનાં કારણો આપણે બીજાઓને જણાવીએ છીએ. આમ, તેઓને પણ ભરોસો થાય છે કે, ગમે એવી મુશ્કેલીઓ આવે યહોવા તેઓને બચાવશે.
‘હું તને બળવાન કરીશ, હું તને સહાય કરીશ’
૧૨. (ક) યહોવાનું ત્રીજું વચન કયું છે? (ખ) યહોવાનો ‘હાથ’ શાને રજૂ કરે છે?
૧૨ યહોવાનું ત્રીજું વચન છે: ‘હું તને બળવાન કરીશ, હું તને સહાય કરીશ.’ યશાયાએ અગાઉ જણાવ્યું હતું કે યહોવા કઈ રીતે પોતાના લોકોને મજબૂત કરશે. તેમણે લખ્યું હતું: ‘યહોવા પોતાના મજબૂત હાથથી અધિકાર ચલાવશે.’ (યશા. ૪૦:૧૦) બાઇબલમાં ‘હાથ’ શબ્દ અનેક વાર વપરાયો છે. ઘણી વાર એ સત્તાને રજૂ કરે છે. યહોવાનો ‘હાથ અધિકાર ચલાવશે’ એ શબ્દો યાદ દેવડાવે છે કે, યહોવા શક્તિશાળી રાજા છે. તેમની પાસે અપાર શક્તિ છે, એનાથી તેમણે પોતાના ભક્તોને મદદ કરી હતી, તેઓનું રક્ષણ કર્યું હતું. જેઓ આજે યહોવામાં ભરોસો મૂકે છે, તેઓનું પણ યહોવા રક્ષણ કરશે.—પુન. ૧:૩૦, ૩૧; યશા. ૪૩:૧૦.
૧૩. (ક) યહોવા પોતાનું વચન ક્યારે નિભાવે છે? (ખ) શાનાથી આપણને હિંમત અને ભરોસો મળે છે?
૧૩ દુશ્મનો આપણી સતાવણી કરે ત્યારે, યહોવા પોતાનું આ વચન નિભાવે છે: “હું તને બળવાન કરીશ.” કેટલાક દેશમાં દુશ્મનો સંગઠન પર પ્રતિબંધ મૂકવાનો કે ખુશખબરનું કામ બંધ કરાવવાનો પ્રયત્ન કરે છે. એના લીધે આપણે ચિંતામાં ડૂબી જતા નથી. આપણને હિંમત અને ભરોસો મળે માટે યહોવાએ ખાતરી આપી છે: ‘તારી વિરુદ્ધ વાપરવા માટે ઘડેલું કોઈ પણ હથિયાર સફળ થશે નહિ.’ (યશા. ૫૪:૧૭) એ વચનમાં ત્રણ મહત્ત્વના મુદ્દા જોવા મળે છે. ચાલો એની ચર્ચા કરીએ.
૧૪. દુશ્મનો આપણા પર શા માટે હુમલો કરે છે?
૧૪ પહેલો મુદ્દો, આપણે ખ્રિસ્તને પગલે ચાલતા હોવાથી મુશ્કેલીઓ તો આવવાની જ છે. (માથ. ૧૦:૨૨) ઈસુએ જણાવ્યું હતું કે છેલ્લા દિવસોમાં તેમના શિષ્યો પર ભારે સતાવણી આવશે. (માથ. ૨૪:૯; યોહા. ૧૫:૨૦) બીજો મુદ્દો, યશાયાની ભવિષ્યવાણીથી ચેતવણી મળે છે કે દુશ્મનો આપણને ફક્ત ધિક્કારશે જ નહિ, પણ તેઓ આપણી સામે બીજાં હથિયારો વાપરશે, હુમલો કરશે. જેમ કે, તેઓ ચાલાકીથી જૂઠાણાંની જાળ બિછાવશે, આપણા વિશે ખોટી વાતો ફેલાવશે અને ક્રૂર રીતે સતાવણી કરશે. (માથ. ૫:૧૧) દુશ્મનો આપણી વિરુદ્ધ એ હથિયારો વાપરે ત્યારે, યહોવા તેઓને અટકાવતા નથી. (એફે. ૬:૧૨; પ્રકટી. ૧૨:૧૭) પણ, આપણે જરાય ડરવાની જરૂર નથી. શા માટે?
૧૫-૧૬. (ક) કયો ત્રીજો મુદ્દો યાદ રાખવો જોઈએ? એ વિશે યશાયા ૨૫:૪, ૫ શું કહે છે? (ખ) આપણા દુશ્મનો વિશે યશાયા ૪૧:૧૧, ૧૨માં શું જણાવ્યું છે?
૧૫ ત્રીજો મુદ્દો, યહોવાએ કહ્યું હતું કે ‘કોઈ પણ હથિયાર’ આપણી સામે વાપરવામાં આવે, એ જરાય ‘સફળ થશે નહિ.’ ભારે તોફાન અને વાવાઝોડામાં દીવાલ આપણને રક્ષણ આપે છે, એ રીતે ‘ભયંકર લોકોના’ હુમલાથી યહોવા આપણું રક્ષણ કરે છે. (યશાયા ૨૫:૪, ૫ વાંચો.) દુશ્મનો ક્યારેય આપણને હંમેશાંનું જીવન મેળવતા અટકાવી શકશે નહિ.—યશા. ૬૫:૧૭.
૧૬ આપણા પર ‘ગુસ્સે થનાર’ લોકોના ભાવિ વિશે યહોવાએ વિગતવાર જણાવ્યું છે. એનાથી યહોવામાં આપણો ભરોસો મજબૂત થાય છે. (યશાયા ૪૧:૧૧, ૧૨ વાંચો.) દુશ્મનો લાખ પ્રયત્નો કરી લે, બધી તાકાત લગાવી દે, પણ પરિણામ બદલાશે નહિ. પરિણામ તો એ હશે કે ઈશ્વરભક્તોના બધા દુશ્મનો “વિનાશ પામશે.”
યહોવામાં ભરોસો મજબૂત કરો
૧૭-૧૮. (ક) બાઇબલ વાંચવાથી કઈ રીતે ઈશ્વરમાં ભરોસો મજબૂત થાય છે? દાખલો આપો. (ખ) ૨૦૧૯ના વાર્ષિક વચન પર મનન કરવાથી કેવી મદદ મળે છે?
૧૭ આપણે યહોવા વિશે વધારે ને વધારે શીખવું જોઈએ. એમ કરીશું તો તેમના પરનો ભરોસો મજબૂત થશે. ઈશ્વર વિશે શીખવાની રીત છે, બાઇબલ ધ્યાનથી વાંચીએ અને એના પર મનન કરીએ. બાઇબલમાં એવા ઘણા કિસ્સા નોંધેલા છે, જે બતાવે છે કે યહોવાએ પોતાના લોકોને બચાવ્યા હતા. એનાથી આપણને ખાતરી મળે છે કે યહોવા આપણું પણ રક્ષણ કરશે.
૧૮ યહોવા કઈ રીતે આપણું રક્ષણ કરે છે, એનો એક દાખલો જોઈએ. યશાયાએ એ વિશે સુંદર વર્ણન કર્યું છે. તેમણે લખ્યું, યહોવા ઘેટાંપાળક છે અને તેમના ભક્તો ઘેટાં છે. તેમણે જણાવ્યું કે ઘેટાંને તે “પોતાના હાથથી એકઠાં કરીને તેમને પોતાની ગોદમાં ઊંચકી લેશે.” (યશા. ૪૦:૧૧) યહોવાની ગોદમાં હોઈએ ત્યારે આપણને રક્ષણ અને હૂંફ મળે છે. તકલીફોમાં પણ મન શાંત રાખી શકીએ, એ માટે વિશ્વાસુ અને સમજુ ચાકર આપણને ઉત્તેજન આપે છે. તેથી, યશાયા ૪૧:૧૦ને ૨૦૧૯ના વાર્ષિક વચન તરીકે પસંદ કરવામાં આવ્યું છે: ‘જરાય ચિંતા ન કર, કેમ કે હું તારો ઈશ્વર છું.’ એ શબ્દો પર મનન કરો. આવનાર મુશ્કેલીઓમાં એ શબ્દો તમને હિંમત આપશે.
ગીત ૨૨ “યહોવા મારો પાળક”
a ૨૦૧૯ના વાર્ષિક વચનથી આપણને મન શાંત રાખવા ત્રણ કારણો મળે છે. ભલે આપણા જીવનમાં કે પછી દુનિયામાં ખરાબ બાબતો બને તોપણ આપણે મન શાંત રાખી શકીએ છીએ. આ લેખમાં આપણે એ કારણો વિશે વધારે શીખીશું. એનાથી આપણી ચિંતા ઓછી થશે અને યહોવામાં ભરોસો પાકો થશે. વાર્ષિક વચન પર મનન કરજો. શક્ય હોય તો મોઢે કરી લેજો. આવનાર દરેક મુશ્કેલીમાં હિંમત રાખવા આ વચન તમને મદદ કરશે.
b યશાયા ૪૧:૧૦ (NW): ‘ડર ન રાખ, કેમ કે હું તારી સાથે છું; જરાય ચિંતા ન કર, કેમ કે હું તારો ઈશ્વર છું; હું તને બળવાન કરીશ, હું તને સહાય કરીશ. હું તને મારા ન્યાયના જમણા હાથથી પકડી રાખીશ.’
d શબ્દોની સમજ: ભાવિમાં ચોક્કસ એ પ્રમાણે થશે, એવી ખાતરી આપતાં વાક્ય કે શબ્દોને વચન કહેવાય. યહોવા તરફથી મળતા વચનથી આપણી ચિંતાઓ ઓછી થઈ જાય છે.
e યશાયા ૪૧:૧૦, ૧૩ અને ૧૪માં “બીશ મા” અથવા ‘ડર ન રાખ’ જેવા શબ્દો વારંવાર વપરાયા છે. એ કલમોમાં વારંવાર “હું” શબ્દ (એટલે કે યહોવા) પણ જોવા મળે છે. એ કલમોમાં શા માટે યહોવાએ વારંવાર “હું” શબ્દનો ઉપયોગ કર્યો છે? યહોવા આ મહત્ત્વની વાત પર ભાર મૂકવા માંગતા હતા: યહોવામાં ભરોસો રાખીશું તો જ આપણો ડર દૂર થશે.
f યશાયા ૪૬:૩, ૪ (IBSI): ‘ઇઝરાયેલના બાકી રહેલા તમે સર્વ મારું સાંભળો; મેં તમારું સર્જન કર્યું છે અને તમારો જન્મ થયો ત્યારથી મેં તમારી સંભાળ રાખી છે. તમારી આખી જિંદગી; હા, ઉંમરને કારણે તમારા માથાના વાળ સફેદ થાય ત્યાં સુધી હું તમારો ઈશ્વર થઈશ. મેં તમને ઉત્પન્ન કર્યા છે અને હું તમારી સંભાળ રાખીશ. હું તમને ઊંચકી રાખીશ અને હું તમને બચાવીશ.’
[ફુટનોટ્સ]
g ચિત્રની સમજ: નોકરીએ, તબિયત વિશે, સેવાકાર્યમાં અને સ્કૂલે કુટુંબના સભ્યો મુશ્કેલીઓ સહન કરે છે.
h ચિત્રની સમજ: ઘરમાં થઈ રહેલી સભા દરમિયાન પોલીસ ધસી આવે છે, પણ ભાઈ-બહેનો ગભરાતાં નથી.
i ચિત્રની સમજ: નિયમિત રીતે કુટુંબ તરીકેની ભક્તિ કરવાથી શ્રદ્ધામાં ટકી રહેવા મદદ મળે છે.