ઈશ્વર સાથે પાકો નાતો બાંધીએ
‘હું તને ભૂલીશ નહિ’
શું યહોવાહ ખરેખર પોતાના લોકોની સંભાળ રાખે છે? જો હા, તો તેમને પોતાના લોકો માટે કેટલી લાગણી છે? આ સવાલોના જવાબ આપણને તેમના શબ્દ બાઇબલમાંથી મળે છે. બાઇબલમાં સ્પષ્ટ જોવા મળે છે કે યહોવાને આપણા માટે કેવી લાગણી છે. યશાયા ૪૯:૧૫માં તેમણે શું કહ્યું એનો વિચાર કરો.
યહોવા પોતાના ભક્ત યશાયા દ્વારા એક ઉદાહરણથી આપણને સમજાવે છે કે તેમને પોતાના લોકો માટે કેટલી ઊંડી લાગણી છે. ઉદાહરણની શરૂઆતમાં તે સવાલ કરે છે: ‘શું માતા પોતાના પેટના દીકરા પર દયા ન કરે અને પોતાના ધાવણા બાળકને ભૂલી જાય?’ પહેલી નજરે આપણને એનો જવાબ એકદમ સહેલો લાગશે. આપણને થશે કે માતા પોતાના દૂધ પીતા બાળકને કેવી રીતે ભૂલી શકે? એક નાના બાળકનું જીવન હરવખત પોતાની માતા પર આધારિત હોય છે. તેને જરૂર હોય છે ત્યારે તે પોતાની માતાનું ધ્યાન ખેંચે છે. પરંતુ યહોવાએ પૂછેલા સવાલમાં ફક્ત એટલું જ નથી.
માતા શા માટે બાળકની સંભાળ રાખે છે અને તેની જરૂરિયાતો પૂરી કરે છે? શું તે રડતા બાળકને ફક્ત શાંત પાડવા એમ કરે છે? ના. માતાને સ્વાભાવિક રીતે જ ‘પોતાના બાળક’ માટે “દયા” હોય છે. આ કિસ્સામાં “દયા” માટે વપરાયેલા મૂળ હિબ્રૂ શબ્દનો અર્થ “કૃપા” પણ થાય છે. (નિર્ગમન ૩૩:૧૯; યશાયા ૫૪:૧૦) એ હિબ્રૂ શબ્દનો આવો પણ અર્થ નીકળી શકે: લાચાર અથવા કમજોરને દયા બતાવવી. પોતાના બાળક માટે એક મા જે દયા કે મમતા બતાવે છે, એ અજોડ હોય છે. એના કરતાં ઊંડા પ્રેમની આપણે કલ્પના કરી શકતા નથી!
જોકે, દુઃખની વાત છે કે બધી માતાઓ પોતાના ધાવણા બાળકને દયા બતાવતી નથી. યહોવા જણાવે છે કે માતા પણ ‘પોતાના બાળકને ભૂલી’ જઈ શકે. આપણે એવી દુનિયામાં રહીએ છીએ, જેમાં લોકો ‘પ્રેમરહિત અને ક્રૂર’ છે. (૨ તીમોથી ૩:૧-૫) આપણને અમુક વખતે સાંભળવા મળે છે કે માતા પોતાના નવા જન્મેલા બાળકની સંભાળ રાખતી નથી, અત્યાચાર કરે છે. અરે કોઈ વાર તજી પણ દે છે! યશાયા ૪૯:૧૫ વિષે વધારે માહિતી આપતું એક પુસ્તક કહે છે: ‘ઘણી માતાઓ પાપી કામો કરતી હોય છે. તેઓના ખરાબ કામોના બોજા નીચે તેઓનો પ્રેમ દબાઈ જાય છે. અરે મનુષ્યોમાં સૌથી મોટો ગણતો પ્રેમ પણ કદાચ નિષ્ફળ જાય છે.’
પરંતુ, યહોવા આપણને ખાતરી આપે છે કે ‘હું તને ભૂલીશ નહિ.’ હવે આપણે સમજી શકીએ છીએ કે શા માટે યશાયા ૪૯:૧૫માં યહોવાએ સવાલ કર્યો હતો. આ ઉદાહરણમાં યહોવા સરખામણી કરતા નથી, પણ તફાવત બતાવે છે. કદાચ માતાઓ પોતાના નાના બાળકને પ્રેમ બતાવવાનું ચૂકી જઈ શકે. પરંતુ, યહોવા કદી પણ પોતાના ભક્તને મદદ કરવાનું ચૂકતા નથી. યશાયા ૪૯:૧૫ વિષે ઉપર જણાવેલું પુસ્તક જણાવે છે: “જૂના કરારમાં ઈશ્વરે પ્રેમની સૌથી ઊંડી લાગણી બતાવી હોય, એનું એક ઉદાહરણ અહીં જોવા મળે છે.”
એ સાંભળીને આપણને કેટલો દિલાસો મળે છે કે આપણા પર “ઈશ્વરની ઘણી દયા” છે. (લુક ૧:૭૮) આ જાણીને શું તમને યહોવા વિષે વધારે શીખવાનું મન થતું નથી? આ પ્રેમાળ ઈશ્વર પોતાના ભક્તોને ખાતરી આપે છે કે: “હું તને કદી મૂકી દઈશ નહિ, અને તને તજીશ પણ નહિ.”—હિબ્રૂ ૧૩:૫. (w12-E 02/01)