‘શેતાનની સામે થવા’ ઈસુને પગલે ચાલો
“શેતાનની સામા થાઓ, એટલે તે તમારી પાસેથી નાસી જશે.”—યાકૂ. ૪:૭.
૧. ઈસુ પૃથ્વી પર આવ્યા પહેલાં શું જાણતા હતા?
યહોવાહે ઇન્સાનને ઉત્પન્ન કર્યા પછી, શેતાન તેમની સામે થયો. યહોવાહે શેતાનને કહ્યું: “તારી ને સ્ત્રીની [યહોવાહનું સ્વર્ગનું સંગઠન] વચ્ચે, તથા તારાં સંતાનની ને તેનાં સંતાનની વચ્ચે હું વેર કરાવીશ; તે [ઈસુ ખ્રિસ્ત] તારૂં માથું છૂંદશે, ને તું તેની એડી છૂંદશે.” (ઉત. ૩:૧૪, ૧૫; પ્રકટી. ૧૨:૯) ઈસુ જાણતા હતા કે પોતે પૃથ્વી પર આવશે ત્યારે, શેતાન તેમની એડી છૂંદવા સખત સતાવણી કરશે. તેમને મારી નાખશે. પણ થોડા સમયમાં જ યહોવાહ ઈસુને સજીવન કરશે. પછી ઈસુ જલદી જ સાપ એટલે શેતાનનું માથું છૂંદશે. શેતાનનો નાશ કરશે.—પ્રેરિતોનાં કૃત્યો ૨:૩૧, ૩૨; હેબ્રી ૨:૧૪ વાંચો.
૨. યહોવાહને કેમ ખાતરી હતી કે શેતાન સામે ઈસુની જીત થશે?
૨ યહોવાહે પોતે ઈસુને ‘પ્રથમ’ ઉત્પન્ન કર્યા હતા. પછી યહોવાહ સાથે ઈસુએ “કુશળ કારીગર” તરીકે ‘સર્વ સૃષ્ટિ’ રચી. (નીતિ. ૮:૨૨-૩૧; કોલો. ૧:૧૫) ઈસુએ યહોવાહના કહેવા પ્રમાણે બધુંય રાજી-ખુશીથી કર્યું. એના પરથી તેમને પૂરો ભરોસો હતો કે ઈસુ સોંપેલું કામ પૂરું કરશે જ. શેતાન ભલેને ગમે એટલી કસોટી કરે, તોયે ઈસુ છેલ્લા શ્વાસ સુધી યહોવાહને વળગી રહેશે.—યોહા. ૩:૧૬.
યહોવાહ આપણું રક્ષણ કરશે
૩. યહોવાહના ભક્તો વિષે શેતાનને કેવું લાગે છે?
૩ ઈસુએ શિષ્યોને ચેતવણી આપી કે શેતાન ‘જગતનો અધિકારી’ છે. ઈસુની સતાવણી થઈ તો, શિષ્યોની પણ જરૂર થશે. (યોહા. ૧૨:૩૧; ૧૫:૨૦) આજે શેતાન આપણો પણ વિરોધ કરશે, કેમ કે આપણે યહોવાહને ભજીએ છીએ. તેમના રાજ્યનો પ્રચાર કરીએ છીએ. (માથ. ૨૪:૯; ૧ યોહા. ૫:૧૯) શેતાન ખાસ તો ઈસુ સાથે જેઓ રાજ કરવાના છે, તેઓને સખત નફરત કરે છે. ભલે આપણી આશા સ્વર્ગની હોય કે પૃથ્વીની, યહોવાહ ચેતવણી આપે છે: “તમારો વૈરી શેતાન ગાજનાર સિંહની પેઠે કોઈ મળે તેને ગળી જવાને શોધતો ફરે છે.”—૧ પીત. ૫:૮.
૪. શેતાન સામે યહોવાહના ભક્તોની કઈ રીતે જીત થાય છે?
૪ યહોવાહની અપાર કૃપા તેમના સંગઠન પર હોવાથી, આપણે શેતાન સામે ટકી શકીએ છીએ. દાખલા તરીકે, છેલ્લાં સોએક વર્ષમાં જુલમી સરકારોએ યહોવાહના ભક્તોનું નામ ભૂંસી નાખવાના પ્રયત્નો કર્યા, પણ પોતે જ ભૂંસાઈ ગયા. આજે દુનિયામાં ૭૦ લાખ જેટલા ભક્તો, એક લાખ જેટલાં મંડળોમાં યહોવાહને ભજે છે.
૫. યશાયાહ ૫૪:૧૭ના શબ્દો આજે પણ કઈ રીતે સાચા પડે છે?
૫ બાઇબલ પહેલાંના ઈસ્રાએલને એક સ્ત્રી સાથે સરખાવે છે. ઈસ્રાએલને યહોવાહે આ વચન આપ્યું: “તારી વિરૂદ્ધ વાપરવા સારૂ ઘડેલું કોઈ પણ હથિયાર સાર્થક [સફળ] થશે નહિ; ન્યાયસભામાં જે કોઈ જીભ તારી વિરૂદ્ધ બોલશે, તેને તું દોષિત ઠરાવીશ. એ યહોવાહના સેવકોનો વારસો છે, તેમનું ન્યાયીપણું મારાથી છે, એમ યહોવાહ કહે છે.” (યશા. ૫૪:૧૧, ૧૭) યહોવાહનાં એ વચનો આ “છેલ્લા સમયમાં” પણ સાચાં પડ્યાં છે. (૨ તીમો. ૩:૧-૫, ૧૩) આજે શેતાન આપણી શ્રદ્ધા તોડવા માટે અનેક કાવતરાં રચે છે. જો આપણે યહોવાહને વળગી રહીએ અને શેતાનની સામા થઈએ, તો તે જીતશે નહિ.—ગીત. ૧૧૮:૬, ૭.
૬. દાનીયેલે આવનાર દિવસો વિષે શું લખ્યું?
૬ બહુ જ ઝડપથી શેતાનના દુષ્ટ જગતનો અંત આવશે. એના વિષે દાનીયેલે કહ્યું: “[આજના] રાજાઓની કારકિર્દીમાં આકાશનો દેવ [સ્વર્ગમાં] એક રાજ્ય સ્થાપન કરશે કે જેનો નાશ કદી થશે નહિ, ને તેની હકુમત અન્ય પ્રજાના કબજામાં સોંપાશે નહિ; પણ તે આ સઘળાં રાજ્યોને ભાંગીને ચૂરા કરીને તેમનો ક્ષય [નાશ] કરશે, ને તે સર્વકાળ ટકશે.” (દાન. ૨:૪૪) શેતાનની બધી જ સરકાર ને સંસ્થાઓનો અંત આવ્યા પછી, યહોવાહનું જ રાજ હશે.—૨ પીતર ૩:૭, ૧૩ વાંચો.
૭. આપણને કેમ ખાતરી છે કે શેતાન પર જીત મેળવીશું?
૭ યહોવાહ પોતાના સંગઠનને ઊની આંચ પણ આવવા નહિ દે. (ગીતશાસ્ત્ર ૧૨૫:૧, ૨ વાંચો.) ઈસુએ કહ્યું કે યહોવાહના ભક્તોની “મોટી સભા” દુષ્ટ જગતના અંતમાંથી બચશે. તેઓ આનંદથી પોકારશે: “અમારો દેવ, જે રાજ્યાસન પર બેઠેલો છે, તેને તથા હલવાનને [ઈસુ ખ્રિસ્તને] તારણને માટે ધન્યવાદ હોજો.” (પ્રકટી. ૭:૯-૧૪) સ્વર્ગમાં જનારાની જેમ જ, “બીજાં ઘેટાં” પણ શેતાન પર જીત મેળવશે. (યોહા. ૧૦:૧૬; પ્રકટી. ૧૨:૧૦, ૧૧) આપણે પણ ઈસુના પગલે ચાલીશું તો, શેતાન સામે જીતી શકીશું. શેતાન સામે જીતવા, યહોવાહને પ્રાર્થના કરીએ કે “ભૂંડાથી અમારો છૂટકો કર.”—માથ. ૬:૧૩.
શેતાનની લાલચોનો ઈસુએ ઇન્કાર કર્યો
૮. ઈસુની પહેલી કસોટી કઈ રીતે થઈ અને તેમણે કેવો જવાબ આપ્યો?
૮ ઈસુ બાપ્તિસ્મા પામ્યા પછી, શેતાને અનેક વાર તેમની કસોટી કરી. ઈસુએ ૪૦ દિવસ ને ૪૦ રાત ઉપવાસ કર્યા હોવાથી, તેમને સખત ભૂખ લાગી હતી. શેતાને તેમની પહેલી કસોટી કરતા કહ્યું: ‘જો તું ઈશ્વરનો દીકરો હોય, તો આ પથ્થરોને કહે કે રોટલી થઈ જાય.’ ઈસુ પોતાના માટે યહોવાહની શક્તિનો ખોટો ફાયદો ઉઠાવવા તૈયાર ન હતા. તેમણે શેતાનને કહ્યું: “એમ લખેલું છે કે માણસ એકલી રોટલીથી નહિ, પણ હરેક શબ્દ જે દેવના મોંમાંથી નીકળે છે તેથી જીવશે.”—માથ. ૪:૧-૪; પુન. ૮:૩.
૯. શેતાનને કેમ આપણી કુદરતી લાગણીનો ફાયદો ઉઠાવવા ન દઈએ?
૯ આજે પણ શેતાન આપણી કુદરતી લાગણીનો ફાયદો ઉઠાવવા માંગે છે. ઘણા સહેલાઈથી એની ચાલમાં ફસાઈ જાય છે. સેક્સની લાગણી સંતોષવા કંઈ પણ કરવા તૈયાર થઈ જાય છે. પણ બાઇબલ કહે છે: ‘શું તમે જાણતા નથી કે અધર્મીઓને ઈશ્વરના રાજ્યનો વારસો મળશે નહિ? ભૂલ ન ખાઓ; વ્યભિચારીઓ, મૂર્તિપૂજકો, વેશ્યાગીરી કરનારા, સજાતીય સંબંધ બાંધનારાઓને ઈશ્વરના રાજ્યનો વારસો મળશે નહિ.’ (૧ કોરીં. ૬:૯, ૧૦) જે કોઈ એવાં કામો છોડવા તૈયાર નથી, તેઓનો નાશ થશે.
૧૦. માત્થી ૪:૫, ૬ પ્રમાણે શેતાને કઈ રીતે ઈસુની બીજી વાર કસોટી કરી?
૧૦ ઈસુની બીજી વાર કસોટી કરવા ‘શેતાન તેને પવિત્ર નગરમાં લઈ જાય છે, ને મંદિરના બુરજ પર તેને બેસાડે છે; અને તેને કહે છે, કે જો તું ઈશ્વરનો દીકરો હોય, તો પોતાને નીચે પાડી નાખ; કેમકે એમ લખેલું છે, કે તે પોતાના દૂતોને તારા સંબંધી આજ્ઞા કરશે; અને તેઓ તને પોતાના હાથો પર ધરી લેશે, રખેને તારો પગ પથ્થર સાથે અફળાય.’ (માથ. ૪:૫, ૬) શેતાનને મોટો ચમત્કાર જોવો હતો. પણ ઈસુને એવો દેખાડો કરીને ઘમંડી બનવું ન હતું, કેમ કે યહોવાહને એનાથી નફરત છે. ઈસુ તો યહોવાહને વળગી રહ્યા અને કહ્યું, “એમ પણ લખેલું છે, કે પ્રભુ તારા દેવનું પરીક્ષણ તું ન કર.”—માથ. ૪:૭; પુન. ૬:૧૬.
૧૧. શેતાન આપણને કઈ રીતે લલચાવે છે? એના શું પરિણામ આવી શકે?
૧૧ આજના ફેશન અને મોજશોખથી શેતાન આપણને મન ફાવે એમ જીવવા લલચાવે છે. આપણે જો યહોવાહનું કહેવું નહિ માનીએ, તો સ્વર્ગદૂતો કઈ રીતે રક્ષણ આપી શકે? દાખલા તરીકે, દાઊદે બાથશેબા સાથે વ્યભિચાર કર્યા પછી, પસ્તાવો કર્યો. પણ એનાં પરિણામ દાઊદે ભોગવવા પડ્યાં. (૨ શમૂ. ૧૨:૯-૧૨) એટલે કોઈ પણ રીતે દુનિયાની ચાલે ચાલીને, યહોવાહની કસોટી ન કરીએ.—યાકૂબ ૪:૪; ૧ યોહાન ૨:૧૫-૧૭ વાંચો.
૧૨. માત્થી ૪:૮, ૯ પ્રમાણે શેતાને કઈ રીતે ઈસુની ત્રીજી કસોટી કરી? ઈસુએ શું કર્યું?
૧૨ ભગવાન બનવાના સપનામાં એક સારા દૂતે મહાપાપ કર્યું અને શેતાન બન્યો. (યાકૂ. ૧:૧૪, ૧૫) તે ચાહતો હતો કે ઈસુ પણ યહોવાહને ભૂલી જાય. એટલે તેણે ઈસુની ત્રીજી કસોટી કરવા, દુનિયાનાં બધાં રાજ્યો બતાવીને કહ્યું: “જો તું પગે પડીને મારૂં ભજન કરે, તો આ સઘળાં હું તને આપીશ.” (માથ. ૪:૮, ૯) પણ શેતાન અને તેની દુનિયા સાથે ઈસુને કોઈ જ લેવાદેવા ન હતી. ઈસુ તો યહોવાહને જ વળગી રહ્યા. તેમણે શેતાનની લાલચનો ઇન્કાર કરતા કહ્યું, “અરે શેતાન, આઘો જા; કેમકે લખેલું છે, કે પ્રભુ તારા દેવનું ભજન કર ને તેની એકલાની જ સેવા કર.”—માથ. ૪:૧૦; પુન. ૬:૧૩; ૧૦:૨૦.
‘શેતાનની સામા થાઓ, એટલે તે નાસી જશે’
૧૩, ૧૪. (ક) ઈસુને દુનિયાનાં રાજ્યો બતાવીને શેતાન શું આપવા તૈયાર હતો? (ખ) શેતાન આપણને પણ લાલચમાં ફસાવવા શું કરે છે?
૧૩ શેતાને દુનિયાનાં બધાં રાજ્યો બતાવીને, ઈસુને શક્તિશાળી રાજા બનવાની લાલચ આપી. ભલે આજે શેતાન એવું કંઈ ઑફર કરતો નથી, પણ તે હજુયે આપણને તેની ચાલમાં ફસાવવા માગે છે.
૧૪ દુનિયામાં મ્યુઝિક, ટીવી, ફિલ્મો, રેડિયો, પુસ્તકો વગેરે શેતાનના હાથમાં છે. એ કારણે જ એ બધા ખૂન-ખરાબી, વ્યભિચારથી ખદબદે છે. એમાંની ઍડ્વર્ટાઇઝથી તે એવી વસ્તુઓ લેવા લલચાવે છે, જેની આપણને જરૂર ન હોય. એવી કોઈ પણ લાલચનો સાફ ઇન્કાર કરવાથી, આપણે ઈસુની જેમ કહીશું: “અરે શેતાન, આઘો જા.” દુનિયા સાથે આપણને કંઈ લેવાદેવા નથી. એટલે હિંમતથી પ્રચાર કરીને જણાવીએ કે આપણે યહોવાહને ભજીએ છીએ. નોકરી-ધંધા પર, સ્કૂલે, સગાં-વહાલાં કે સમાજના લોકો પણ આપણા જીવનથી જાણશે કે આપણે ઈસુના પગલે ચાલીએ છીએ.—માર્ક ૮:૩૮ વાંચો.
૧૫. કેમ શેતાનથી હંમેશાં ચેતીને ચાલવું જોઈએ?
૧૫ આખરે, ‘ઈસુને મૂકીને શેતાન ચાલ્યો ગયો.’ (માથ. ૪:૧૧) એનો અર્થ ન હતો કે શેતાન પાછો તેમના પર કસોટી નહિ લાવે. બાઇબલ કહે છે: “શેતાન સર્વ પરીક્ષણ પૂરૂં કરીને કંઈક મુદ્દત સુધી તેની પાસેથી ગયો.” (લુક ૪:૧૩) આપણે જાણતા નથી કે શેતાન ક્યારે આપણી કસોટી કરશે. એટલે હંમેશાં સાવચેત રહીએ. યહોવાહને વળગી રહીએ અને તેમની મદદ માગતા રહીએ. કોઈ પણ કસોટીમાં સફળ થઈએ ત્યારે, યહોવાહનો ઉપકાર માનીએ.
૧૬. આપણે શાને માટે પ્રાર્થના કરવી જોઈએ? એ કેમ જરૂરી છે?
૧૬ આપણે પોતાની શક્તિથી તો નહિ, પણ યહોવાહની શક્તિથી શેતાન સામે જીત મેળવી શકીશું. જો એના માટે પ્રાર્થના કરીએ, તો યહોવાહ છૂટથી મદદ કરશે. ઈસુએ કહ્યું: “જો તમે ભૂંડા છતાં તમારાં છોકરાંને સારાં દાન આપી જાણો છો, તો આકાશમાંના બાપની પાસેથી જેઓ માગે, તેમને તે પવિત્ર આત્મા [શક્તિ] આપશે, તે કેટલું વિશેષ ખાતરીપૂર્વક છે?” (લુક ૧૧:૧૩) ફક્ત યહોવાહને પ્રાર્થના કરવી જ પૂરતી નથી. તેમની પાસેથી આવતાં સર્વ હથિયારો સજી લઈએ. પછી આપણે ‘શેતાનની ચાલાકીઓ સામે દ્રઢ રહી શકીશું.’—એફે. ૬:૧૧-૧૮.
૧૭. ઈસુ કયા આનંદને લીધે શેતાનની સામા થયા?
૧૭ બાઇબલ કહે છે: ઈસુએ ‘પોતાની આગળ મૂકેલા આનંદને લીધે શરમને તુચ્છ ગણીને, મરણસ્તંભનું દુઃખ સહન કર્યું. તે ઈશ્વરના રાજ્યાસનની જમણી તરફ બેઠેલા છે.’ (હેબ્રી ૧૨:૨) ઈસુ પોતાની આગળ મૂકેલા આનંદને લીધે શેતાન સામે લડી શક્યા. આપણી આગળ કયો આનંદ મૂકવામાં આવ્યો છે? યહોવાહનું નામ મોટું મનાવવું, એકલા તેમને જ ઈશ્વર માનવું અને અમર જીવનની આશાનો આનંદ! અરે, જલદી જ શેતાનનું નામનિશાન મિટાવી દેવાશે. પછી ‘નમ્ર લોકો પૃથ્વીનું વતન પામશે; અને પુષ્કળ શાંતિમાં તેઓ આનંદ કરશે.’ (ગીત. ૩૭:૧૧) ઈસુ શેતાનની સામા થયા. શેતાનની બધી જ લાલચોનો સાફ ઇન્કાર કર્યો. ચાલો આપણે પણ એમ જ કરીએ.—યાકૂબ ૪:૭, ૮ વાંચો. (w08 11/15)
કઈ રીતે સમજાવશો?
• યહોવાહ પોતાના ભક્તોનું રક્ષણ કરે છે એના કયા પુરાવા છે?
• શેતાનની સામા થવામાં ઈસુએ કેવો દાખલો બેસાડ્યો?
• શેતાનની લાલચોનો ઇન્કાર કરવા આપણે શું કરવું જોઈએ?
[Picture on page 29]
શેતાનનાં રાજ્યોની ઑફરનો ઈસુએ ઇન્કાર કર્યો