નિયામક જૂથ કઈ રીતે કાનૂની નિગમથી અલગ થાય છે?
વૉ ચટાવર બાઇબલ ઍન્ડ ટ્રૅક્ટ સોસાયટી ઑફ પેન્સીલ્વેનિયાની વાર્ષિક સભા જાન્યુઆરી ૧૮૮૫થી ભરવામાં આવે છે. ઓગણીસમી સદીના અંતે અભિષિક્ત ખ્રિસ્તીઓને એકઠા કરવાનું કામ કરવામાં આવતું હતું ત્યારે, પેન્સીલ્વેનિયા નિગમના ડાયરેક્ટરો અને ઑફિસરો સ્વર્ગની આશા ધરાવતા હતા. બાબત હંમેશા એમ જ બનતી હતી.
પરંતુ ૧૯૪૦માં એક અલગ કિસ્સો બની ગયો. એ સમયે સંસ્થાના કાનૂની સલાહકાર, ‘બીજાં ઘેટાંના’ અને પૃથ્વી પરની આશા ધરાવતા, ભાઈ હેડન સી. કોવીંગટનને સંસ્થાના ડાયરેક્ટર તરીકે નીમવામાં આવ્યા. (યોહાન ૧૦:૧૬) તેમણે સંસ્થાના ઉપપ્રમુખ તરીકે ૧૯૪૨થી ૧૯૪૫ સુધી સેવા આપી. પછી, ભાઈ કોવીંગટને ઉપપ્રમુખમાંથી રાજીનામું આપ્યું. તેમને લાગ્યું કે પેન્સીલ્વેનિયા નિગમના બધા જ ડાયરેક્ટરો અને ઑફિસરો, અભિષિક્ત ખ્રિસ્તીઓ હોય એવી યહોવાહની ઇચ્છા છે. તેથી ડાયરેક્ટરની જગ્યાએ ભાઈ લેમન એ. સ્વિંગ્લે, તેમ જ ઉપપ્રમુખ તરીકે ફ્રેડરિક ડબલ્યુ. ફ્રાન્ઝની પસંદગી કરવામાં આવી.
વૉચટાવર બાઇબલ ઍન્ડ ટ્રૅક્ટ સોસાયટી ઑફ પેન્સીલ્વેનિયાના બધા જ ડાયરેક્ટરો અને ઑફિસરો અભિષિક્ત ખિસ્તીઓ જ હોવા જોઈએ એવું શા માટે યહોવાહના ભક્તો માનતા હતા? એનું કારણ એ કે પેન્સીલ્વેનિયા નિગમના બધા જ ડાયરેક્ટરો અને ઑફિસરો નિયામક જૂથના સભ્યો જ હતા, જે અભિષિક્ત ભાઈઓ હતા.
એક ઐતિહાસિક વાર્ષિક સભા
પીટ્સબર્ગમાં ઑક્ટોબર ૨, ૧૯૪૪ના દિવસે ભરાયેલી એક વાર્ષિક સભામાં પેન્સીલ્વેનિયા નિગમના સભ્યોએ છ ઠરાવો સ્વીકારીને નિયમોમાં સુધારો કર્યો. જૂના નિયમોમાં એમ હતું કે સંસ્થાને દાન આપનારાઓને જ વોટીંગ શેર આપવામાં આવે. પરંતુ ત્રીજા ઠરાવે એ નિયમ રદ કર્યો. એ વાર્ષિક સભાના અહેવાલે કહ્યું: “હવે સંસ્થામાં ૫૦૦થી વધારે સભ્યો નહિ હોય . . . પસંદ થયેલા દરેક જણ સોસાયટીના પૂરા સમયના સેવક હોવા જોઈએ અથવા યહોવાહના સાક્ષીઓના મંડળમાં પાર્ટ ટાઈમ સેવક હોવા જોઈએ અને પ્રભુનો આત્મા બતાવતા હોવા જોઈએ.”
એ પછીથી સંસ્થાના ડાયરેક્ટરોની પસંદગી એવા ભાઈઓ કરવા લાગ્યા જેઓ યહોવાહને પૂરેપૂરી રીતે સમર્પિત હતા, પછી ભલેને તેઓએ રાજ્યને લગતા કાર્યો માટે ગમે તેટલું દાન આપ્યું હોય. આમ, યશાયાહ ૬૦:૧૭ની ભવિષ્યવાણી પ્રમાણે સંસ્થાના કાર્યમાં સુધારો થયો, જે કહે છે: ‘હું પિત્તળને બદલે સોનું આણીશ, ને લોઢાને બદલે રૂપું, લાકડાને બદલે પિત્તળ, તથા પથ્થરને બદલે લોઢું આણીશ; અને હું તારા અધિકારીઓને શાંતિરૂપ, તથા ન્યાયરૂપ કરીશ.’ અહીં “અધિકારીઓ” વિષે જણાવીને આ ભવિષ્યવાણી યહોવાહના લોકોના સંગઠનમાં થનારા સુધારા-વધારા સૂચવે છે.
સંગઠનને પરમેશ્વરના નિયમની સુમેળમાં લાવવાનું આ મહત્ત્વનું પગલું ‘બે હજાર ત્રણસો સાંજ અને સવારને’ અંતે લેવામાં આવ્યું, જેમ દાનીયેલ ૮:૧૪ બતાવે છે. એ સમયે “પવિત્રસ્થાનનું શુદ્ધિકરણ” થવાનું હતું.
પરંતુ ૧૯૪૪ની એ ઐતિહાસિક વાર્ષિક સભા પછી મહત્ત્વના પ્રશ્નો ઊભા જ હતા. નિયામક જૂથ પેન્સીલ્વેનિયા નિગમના ડાયરેક્ટરોની સમિતિના સાત સભ્યો સાથે બહુ નિકટથી સંકળાયેલું હતું, તો શું એનો અર્થ એમ થાય કે, નિયામક જૂથમાં સાતથી વધારે સભ્યો ન હોય શકે? નિગમના સભ્યો ડાયરેક્ટરોની પસંદગી કરતા હતા, તો શું દર વર્ષે નિયામક જૂથના સભ્યોની પણ વાર્ષિક સભામાં પસંદગી કરવામાં આવતી હતી? પેન્સીલ્વેનિયાની વૉચટાવર બાઇબલ ઍન્ડ ટ્રૅક્ટ સોસાયટીના ડાયરેક્ટરો અને ઑફિસરો તથા નિયામક જૂથના સભ્યો એક જ છે કે જુદા જુદા છે?
બીજી યાદગાર વાર્ષિક સભા
ઑક્ટોબર ૧, ૧૯૭૧માં થયેલી વાર્ષિક સભામાં આ પ્રશ્નોના જવાબ મળ્યા. એ પ્રસંગે એક વક્તાએ જણાવ્યું કે વૉચટાવર બાઇબલ ઍન્ડ ટ્રૅક્ટ સોસાયટી ઑફ પેન્સીલ્વેનિયાથી પણ હજારો વર્ષ પહેલાં “વિશ્વાસુ તથા બુદ્ધિમાન ચાકર” વર્ગનું નિયામક જૂથ બનેલું છે. (માત્થી ૨૪:૪૫-૪૭) પેન્સીલ્વેનિયા નિગમની સ્થાપના થઈ એની ૧૮ સદીઓ અગાઉ પેન્તેકોસ્ત ૩૩ સી.ઈ.માં નિયામક જૂથની રચના કરવામાં આવી હતી. સૌ પ્રથમ નિયામક જૂથ ૭ નહિ પણ ૧૨ પ્રેષિતોનું બનેલું હતું. એ સંખ્યામાં પાછળથી વધારો થયો, કારણ કે બાઇબલ કહે છે કે “યરૂશાલેમમાંના પ્રેરિતો તથા વડીલો” માર્ગદર્શન આપતા હતા.—પ્રેરિતોનાં કૃત્યો ૧૫:૨.
વર્ષ ૧૯૭૧માં એ જ વક્તાએ જણાવ્યું કે વૉચટાવર સોસાયટીના સભ્યો નિયામક જૂથના સભ્યોની પસંદગી કરી શકતા નથી. શા માટે? તેમણે કહ્યું: “કારણ કે નિયામક જૂથને કંઈ માણસોએ પસંદ કર્યા નથી. તેઓની પસંદગી . . . ખ્રિસ્તી મંડળના શિર અને “વિશ્વાસુ તથા બુદ્ધિમાન ચાકર” વર્ગના શિક્ષક, પ્રભુ ઈસુ ખ્રિસ્ત કરે છે.” તેથી, કાનૂની નિગમના સભ્યો નિયામક જૂથના સભ્યોની પસંદગી ન જ કરી શકે.
વધુમાં, વક્તાએ બહુ મહત્ત્વની એક વાત જણાવી: “સંસ્થાના ડાયરેક્ટરોની સમિતિમાં પ્રમુખ, ઉપપ્રમુખ, સેક્રેટરી ખજાનચી અને સહાયક સેક્રેટરી ખજાનચી હોય છે. પરંતુ, નિયામક જૂથમાં કોઈ ઑફિસર હોતું નથી, એમાં તો ફક્ત એક અધ્યક્ષ હોય છે.” ઘણા વર્ષોથી પેન્સીલ્વેનિયા નિગમના પ્રમુખ જ નિયામક જૂથના અધ્યક્ષ હતા. પરંતુ હવેથી બદલાણ થશે. ભલે નિયામક જૂથના સભ્યોને એક સરખો અનુભવ અને ક્ષમતા નથી, તોપણ દરેકને સરખી જ જવાબદારી સોંપવામાં આવશે. વક્તાએ આગળ જણાવ્યું: ‘એ જરૂરી નથી કે સંસ્થાના પ્રમુખ જ નિયામક જૂથના અધ્યક્ષ હોય. હવે નિયામક જૂથના સભ્યો મધ્યેથી જ ભાઈઓ વારાફરતી અધ્યક્ષની જવાબદારી સંભાળશે.’
વર્ષ ૧૯૭૧ની યાદગાર વાર્ષિક સભામાં નિયામક જૂથના સભ્યો અને પેન્સીલ્વેનિયા નિગમની ડાયરેક્ટર સમિતિ વચ્ચે ચોખ્ખો તફાવત બતાવવામાં આવ્યો. જોકે હજુ નિયામક જૂથના સભ્યો સંસ્થામાં ડાયરેક્ટરો અને ઑફિસરો તરીકે સેવા આપતા હતા. તેથી, આજે સવાલ એ ઊભો થાય છે કે “વૉચટાવર બાઇબલ ઍન્ડ ટ્રૅક્ટ સોસાયટી ઑફ પેન્સીલ્વેનિયાના ડાયરેક્ટરો નિયામક જૂથના જ સભ્યો હોવા જોઈએ એનું શું કોઈ શાસ્ત્રીય કારણ છે?
ના, એવું કોઈ શાસ્ત્રીય કારણ નથી. યહોવાહના સાક્ષીઓ કાનૂની સંસ્થા તરીકે ફક્ત પેન્સીલ્વેનિયા નિગમનો જ ઉપયોગ કરતા નથી. એવી તો બીજી ઘણી સંસ્થા છે. એમાંની એક વૉચટાવર બાઇબલ ઍન્ડ ટ્રૅક્ટ સોસાયટી ઑફ ન્યૂયૉર્ક છે. એ યુનાઈટેડ સ્ટેટ્સમાં આપણા કામને આગળ વધારવા મદદ કરે છે. આ સંસ્થાના ડાયરેક્ટરો અને ઑફિસરો ‘બીજાં ઘેટાંના’ હોવા છતાં, સ્પષ્ટ દેખાય છે કે એના પર યહોવાહનો આશીર્વાદ છે. બ્રિટનમાં એ સંસ્થા ઇન્ટરનેશનલ બાઇબલ સ્ટુડન્ડ્સ એસોસિએશન તરીકે ઓળખાય છે. બીજા દેશોમાં રાજ્ય કાર્યને આગળ વધારવા બીજા આવા ઘણા કાનૂની નિગમો છે. આ બધા નિગમો એકતાથી કામ કરીને આખી પૃથ્વી પર રાજ્યનો પ્રચાર કરવાનું મહત્ત્વનું કાર્ય કરી રહ્યાં છે. આ નિગમો દુનિયાના કોઈ પણ ખૂણામાં હોય કે એના ડાયરેક્ટરો તથા ઑફિસરો કોઈ પણ હોય, તેઓ નિયામક જૂથના માર્ગદર્શન હેઠળ કામ કરે છે.આમ, આવા નિગમોને રાજ્ય હિત આગળ વધારવાનું કામ સોંપવામાં આવ્યું છે.
આવા કાનૂની નિગમો આપણા જ લાભમાં છે. એ રીતે આપણે દેશના નિયમોનું પાલન કરીએ છીએ જે પરમેશ્વરના શબ્દ પ્રમાણે જરૂરી છે. (યિર્મેયાહ ૩૨:૧૧; રૂમી ૧૩:૧) કાનૂની નિગમોને કારણે બાઇબલ, બાઇબલ આધારિત પુસ્તકો, સામયિકો, મોટી પુસ્તિકાઓ અને બીજી સામગ્રીનું છાપકામ શક્ય બન્યું છે જેનાથી રાજ્યનો પ્રચાર થાય છે. આ નિગમો કાનૂની બાબતોમાં પણ મદદ કરે છે, જેમ કે સંસ્થાની સંપત્તિને લગતી કાર્યવાહી કરવી, વિપત્તિ આવી હોય ત્યાં રાહત સામગ્રી પહોંચાડવી, મહાસંમેલનની જગ્યાઓ મેળવવી. આવા કાનૂની નિગમો માટે આપણે કેટલા આભારી છીએ!
યહોવાહના નામને મહત્ત્વ આપવું
વર્ષ ૧૯૪૪માં વૉચટાવર બાઇબલ ઍન્ડ ટ્રૅક્ટ સોસાયટી ઑફ પેન્સીલ્વેનિયાના નિયમોના આર્ટીકલ ટુમાં સુધારો કરવામાં આવ્યો, જેથી આ નિગમના હેતુઓ પર ભાર મૂકવામાં આવે. નિયમો પ્રમાણે આ સંસ્થાનો હેતુ છે: “ઈસુ ખ્રિસ્ત પરમેશ્વરના રાજ્યના રાજા છે, અને એ રાજ્ય વિષે બધા જ રાષ્ટ્રોને સાક્ષી આપવી, જેથી સર્વશક્તિમાન યહોવાહ પરમેશ્વરના નામ, વચન અને તેમની મહાનતાને મહિમા મળે.”
વર્ષ ૧૯૨૬થી ‘વિશ્વાસુ ચાકર’ વર્ગે યહોવાહના નામને મહત્ત્વ આપ્યું છે. વર્ષ ૧૯૩૧માં બાઇબલ વિદ્યાર્થીઓએ “યહોવાહના સાક્ષીઓ” નામ અપનાવ્યું એ ખાસ મહત્ત્વનું હતું. (યશાયાહ ૪૩:૧૦-૧૨) સંસ્થાના જે પ્રકાશનોએ યહોવાહ નામ પર ભાર મૂક્યો છે, એમાં આ પુસ્તકો પણ સમાયેલા છે: જેહોવાહ (૧૯૩૪), “લેટ યૉર નેમ બી સેન્ક્ટીફાઈડ” (૧૯૬૧) અને “ધ નેશન્સ શેલ નો ધેટ આઈ એમ જેહોવાહ—હાઉ? (૧૯૭૧).
તેમ જ ન્યૂ વર્લ્ડ ટ્રાંસલેશન ઑફ ધ હોલી સ્ક્રિપ્ચર્સનો પણ ખાસ ઉલ્લેખ કરવો જોઈએ જે ૧૯૬૦માં સંપૂર્ણ પ્રકાશિત થયું. એમાં હેબ્રી શાસ્ત્રવચનોમાં ટેટ્રાગ્રમેશન છે એ બધી જ જગ્યાઓએ યહોવાહનું નામ જોવા મળે છે. આ બાઇબલમાં ગ્રીક શાસ્ત્રવચનોમાં ૨૩૭ જગ્યાએ પરમેશ્વરનું નામ જોવા મળે છે. એ ધ્યાનથી જોતા ખબર પડે છે કે ત્યાં એની ખરેખર જરૂર હતી. આપણે કેટલા આભારી છીએ કે યહોવાહે જુદી જુદી રીતોએ પ્રકાશનના સાધનો અને કાનૂની સંસ્થાઓનો ઉપયોગ કરીને પોતાનું નામ આખી પૃથ્વી પર જાહેર કરવા “દાસ” વર્ગ અને નિયામક જૂથને પરવાનગી આપી છે!
બાઇબલનું વિતરણ કરવા ઉત્તેજન
યહોવાહના સેવકો લાખો બાઇબલ અને બાઇબલ આધારિત પ્રકાશનો છાપીને લોકોમાં એનું વિતરણ કરે છે. આમ તેઓ હંમેશા યહોવાહના નામની સાક્ષી આપે છે અને તેમના રાજ્યનો પ્રચાર કરે છે. ઓગણીસમી સદીની શરૂઆતમાં વૉચ ટાવર સોસાયટીએ ધી એમ્ફેટિક ડાઈગ્લોટ બાઇબલના કૉપીરાઈટ મેળવ્યા. આ બાઇબલ જે ગ્રીક ભાષામાં લખાએલું હતું એનું બેન્જામીન વિલ્સને અંગ્રેજીમાં ભાષાંતર કર્યું હતું. પછી સંસ્થાએ બાઇબલ વિદ્યાર્થીઓ માટે કિંગ જેમ્સ વર્ઝનની આવૃત્તિ પણ બહાર પાડી હતી, જેમાં ૫૦૦ પાનાની સૂચિઓ હતી. વળી, ૧૯૪૨માં સંસ્થાએ બીજી એક કિંગ જેમ્સ વર્ઝનની આવૃત્તિ બહાર પાડી જેના પાનાઓ પર સંદર્ભો આપ્યા હતા. પછી ૧૯૪૪માં સંસ્થાએ અમેરિકન સ્ટાન્ડર્ડ વર્શન બાઇબલ બહાર પાડ્યું જેમાં પરમેશ્વરનું નામ આપવામાં આવ્યું હતું. સ્ટીફન ટી. બીંગ્ટોનના ધ બાઇબલ ઈન લીવીંગ ઇગ્લીંશમાં પણ પરમેશ્વરનું નામ યહોવાહ જોવા મળ્યું, જેને સંસ્થાએ ૧૯૭૨માં બહાર પાડ્યું હતું.
આ બધા જ બાઇબલોનું ભાષાંતર કરવામાં અને છાપવામાં યહોવાહના સાક્ષીઓના કાનૂની નિગમોએ ઘણી મદદ કરી છે. યહોવાહના અમુક અભિષિક્ત સાક્ષીઓની બનેલી ન્યૂ વર્લ્ડ ટ્રાંસલેશન બાઇબલ સમિતિ અને વૉચટાવર સોસાયટીના કાનૂની નિગમોએ સાથે મળીને જે રીતે કામ કર્યું છે એ માટે તેઓ ખૂબ જ મહત્ત્વના છે. ન્યૂ વર્લ્ડ ટ્રાંસલેશન બાઇબલનું આજે અડધું કે આખું ૩૮ ભાષાઓમાં ભાષાંતર થયું છે અને એની ૧૦,૬૪,૦૦,૦૦૦ પ્રતો છાપવામાં આવી છે એનાથી આપણને કેટલો આનંદ થાય છે! સાચે જ વૉચટાવર બાઇબલ ઍન્ડ ટ્રૅક્ટ સોસાયટી ઑફ પેન્સીલ્વેનિયા બાઇબલ આધારિત સંસ્થા છે.
‘વિશ્વાસુ અને શાણા ચાકર વર્ગને પૂરી સંપત્તિનો અધિકાર’ આપવામાં આવ્યો છે. એમાં અમેરિકા, ન્યૂયૉર્ક શહેરનું મુખ્ય મથક તથા દુનિયાભરની બીજી ૧૧૦ શાખાઓનો પણ સમાવેશ થાય છે. દાસ વર્ગના સભ્યો જાણે છે કે તેઓને સોંપેલી જવાબદારીઓને તેઓ જે રીતે નિભાવશે એનો તેઓએ જવાબ આપવો પડશે. (માત્થી ૨૫:૧૪-૩૦) પરંતુ એનો અર્થ એ નથી કે ‘દાસ’ વર્ગ પોતાની જવાબદારી ‘બીજા ઘેટાંના’ યોગ્ય નિરીક્ષકોને સોંપી ન શકે. હકીકતમાં બીજા ઘેટાંના સભ્યોને કાનૂની અને વહીવટી જવાબદારીઓ સોંપીને નિયામક જૂથના સભ્યોને ‘પ્રાર્થનામાં તથા પ્રભુની સેવા’ કરવામાં વધારે સમય મળશે.—પ્રેરિતોનાં કૃત્યો ૬:૪.
સમય પરવાનગી આપશે ત્યાં સુધી, “વિશ્વાસુ તથા બુદ્ધિમાન ચાકર” વર્ગનું નિયામક જૂથ કાનૂની નિગમોનો ઉપયોગ કરતા રહેશે. આ નિગમો આપણને મદદરૂપ છે, પરંતુ એનો એ અર્થ નથી કે એના વગર ચાલી જ ન શકે. કોઈ દેશની સરકાર આપણા કાનૂની નિગમ પર પ્રતિબંધ મૂકી દે કે એને રદ કરી દે તોપણ પ્રચારકાર્ય ચાલુ જ રહેશે. આજે પણ અમુક દેશોમાં આપણું કાનૂની નિગમ નથી અને પ્રચારકાર્ય પર પ્રતિબંધ છે તોપણ, ત્યાં પરમેશ્વરના રાજ્યનો પ્રચાર થાય છે. આમ ઘણા લોકો સત્ય સ્વીકારે છે તેથી, યહોવાહના સંગઠનમાં વધારો થઈ રહ્યો છે. આમ થવાનું કારણ એ છે કે યહોવાહના સાક્ષીઓ રોપે છે તથા પાણી પાય છે પરંતુ પરમેશ્વર એને વૃદ્ધિ આપે છે.—૧ કોરીંથી ૩:૬, ૭.
આપણે વિશ્વાસ રાખી શકીએ કે યહોવાહ ભવિષ્યમાં પણ પોતાના લોકોને પોતાનું જ્ઞાન આપતા રહેશે અને ભૌતિક રીતે પણ કાળજી રાખશે. તે અને તેમના પુત્ર ઈસુ ખ્રિસ્ત, પ્રચારનું કાર્ય પૂરું કરવા સ્વર્ગમાંથી માર્ગદર્શન અને સહાય પૂરી પાડશે. સાચે જ, પરમેશ્વરના સેવક તરીકે આપણને જે કંઈ પણ સફળતા મળે એ ‘બળથી નહિ, પણ યહોવાહના આત્માથી’ મળે છે. (ઝખાર્યાહ ૪:૬) તેથી જ આપણે મદદ માટે પરમેશ્વરને પ્રાર્થના કરીએ છીએ, કેમ કે આપણે જાણીએ છીએ કે આ છેલ્લા દિવસોમાં તેમણે આપણને જે કંઈ કામગીરી સોંપી છે એ તેમની મદદથી જ પૂરી કરી શકીશું.