બીજાઓની ભૂલોને લીધે તમે ઠોકર ન ખાઓ
‘એકબીજાને ક્ષમા કરો.’—કોલો. ૩:૧૩.
૧, ૨. યહોવાના લોકોના વધારા વિશે બાઇબલમાં શું ભાખવામાં આવ્યું હતું?
યહોવાના વફાદાર સેવકોથી બનેલું એક સંગઠન છે, જે આખી દુનિયામાં ફેલાયેલું છે. એ સેવકો યહોવાના સાક્ષીઓ તરીકે ઓળખાય છે. ખરું કે, તેઓમાં અમુક ખામીઓ છે અને તેઓ પણ ભૂલો કરે છે, તોપણ યહોવા પોતાની પવિત્ર શક્તિ દ્વારા તેઓને દોરે છે. રાજીખુશીથી સેવા કરતા પોતાના ભક્તોને યહોવાએ જે આશીર્વાદ આપ્યા છે, એ વિશે ચાલો જોઈએ.
૨ સાલ ૧૯૧૪માં થોડા જ લોકો યહોવાની ભક્તિ કરતા હતા. પરંતુ, યહોવાએ પ્રચારકામને આશીર્વાદ આપ્યો. પરિણામે, લાખો લોકો બાઇબલનું સત્ય શીખ્યા અને યહોવાના સાક્ષીઓ બન્યા. એ અદ્ભુત વધારા વિશે યહોવાએ ભાખ્યું હતું: “છેક નાનામાંથી હજાર થશે, ને જે નાનકડો છે તે બળવાન પ્રજા થશે; હું યહોવા ઠરાવેલે સમયે તે જલદી કરીશ.” (યશા. ૬૦:૨૨) આજે આપણે સાફ જોઈ શકીએ છીએ કે એ ભવિષ્યવાણી પૂરી થઈ રહી છે. યહોવાના લોકો એક મોટા રાષ્ટ્ર જેવા છે. હકીકતમાં, દુનિયામાં ઘણા એવા દેશો છે, જેઓની કુલ વસ્તી યહોવાના લોકોની કુલ સંખ્યા કરતાં ઓછી છે.
૩. યહોવાના સેવકોએ કઈ રીતે પ્રેમ બતાવ્યો છે?
૩ આ છેલ્લા દિવસોમાં યહોવાએ પોતાના લોકોને એકબીજા પરનો પ્રેમ મજબૂત કરવા મદદ આપી છે. ઈશ્વરનો મુખ્ય ગુણ પ્રેમ છે અને તેમના લોકો એ ગુણને અનુસરે છે. (૧ યોહા. ૪:૮) ઈસુએ પોતાના શિષ્યોને આજ્ઞા આપી હતી કે, તેઓ ‘એકબીજાને પ્રેમ કરે.’ તેમણે એમ પણ કહ્યું હતું: “જો તમે એકબીજા પર પ્રેમ રાખો, તો તેથી સર્વ માણસો જાણશે કે તમે મારા શિષ્યો છો.” (યોહા. ૧૩:૩૪, ૩૫) હાલના સમયમાં યહોવાના સેવકોએ પ્રેમની સાબિતી આપી છે. અનેક દેશો યુદ્ધો લડી રહ્યા હતા ત્યારે પણ, યહોવાના લોકોએ એકબીજા પર પ્રેમ બતાવ્યો. દાખલા તરીકે, બીજા વિશ્વયુદ્ધ દરમિયાન આશરે સાડા પાંચ કરોડ લોકો માર્યા ગયા હતા. પણ, એ યુદ્ધમાં યહોવાના સાક્ષીઓના હાથે કોઈનો ભોગ લેવાયો ન હતો. (મીખાહ ૪:૧, ૩ વાંચો.) આમ, તેઓને ‘સર્વ માણસના લોહી વિશે નિર્દોષ’ રહેવા મદદ મળી હતી.—પ્રે.કૃ. ૨૦:૨૬.
૪. યહોવાના લોકોમાં થતો વધારો શા માટે નોંધપાત્ર છે?
૪ શેતાન ‘આ જગતનો દેવ છે’ અને તે ઘણો શક્તિશાળી છે. (૨ કોરીં. ૪:૪) તે યહોવાના લોકોનો સૌથી મોટો દુશ્મન છે. શેતાનના વિરોધ છતાં, આજે યહોવાના લોકોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. આ દુનિયાની રાજકીય સત્તાઓ અને સમાચાર માધ્યમો પર શેતાનનો કાબૂ છે. તેમ જ, એનો ઉપયોગ તે ખુશખબર ફેલાવવાના કામને રોકવા કરે છે. પણ, તે એ કામને રોકી શકતો નથી. શેતાન જાણે છે કે તેના માટે થોડો જ સમય બાકી રહ્યો છે. તેથી, આપણે યહોવાની ભક્તિ કરવાનું છોડી દઈએ એ માટે તે ધમપછાડા કરી રહ્યો છે.—પ્રકટી. ૧૨:૧૨.
બીજાઓ ભૂલો કરે ત્યારે શું તમે વફાદાર રહેશો?
૫. શા માટે બીજાઓને લીધે આપણી લાગણીઓ દુભાય શકે? (શરૂઆતનું ચિત્ર જુઓ.)
૫ ઈશ્વરભક્તો જાણે છે કે ઈશ્વરને અને બીજાઓને પ્રેમ કરવો ખૂબ મહત્ત્વનું છે. ઈસુએ કહ્યું હતું: ‘યહોવા તારા ઈશ્વર પર તું તારા પૂરા હૃદયથી, ને તારા પૂરા જીવથી, ને તારા પૂરા મનથી પ્રીતિ કર. પહેલી ને મોટી આજ્ઞા એ છે. અને બીજી આજ્ઞા એના જેવી જ છે, એટલે જેવી પોતા પર તેવી પોતાના પડોશી પર તું પ્રીતિ કર.’ (માથ. ૨૨:૩૫-૩૯) જોકે, બાઇબલ એ પણ જણાવે છે કે, આદમના પાપને કારણે બધા મનુષ્યો જન્મથી જ પાપી છે. (રોમનો ૫:૧૨, ૧૯ વાંચો.) તેથી, અમુક સમયે મંડળના કોઈ ભાઈ કે બહેનનાં વાણી-વર્તનને લીધે આપણી લાગણીઓ દુભાઈ જઈ શકે. એવું બને ત્યારે આપણે શું કરીશું? શું યહોવા પ્રત્યેનો આપણો પ્રેમ અડગ રહેશે? શું આપણે યહોવાને અને તેમના લોકોને વફાદાર રહીશું? બાઇબલમાં અમુક ઈશ્વરભક્તોના દાખલા આપ્યા છે, જેઓનાં વાણી-વર્તનને લીધે બીજાઓને દુઃખ પહોંચ્યું હતું. ચાલો જોઈએ કે તેઓના દાખલામાંથી આપણે શું શીખી શકીએ.
૬. શાના પરથી કહી શકાય કે, એલી પોતાના દીકરાઓને શિસ્ત આપવામાં નિષ્ફળ ગયા હતા?
૬ એલીનો વિચાર કરો. તે ઈસ્રાએલના પ્રમુખ યાજક હતા, પણ તેમના બે દીકરાઓ યહોવાના નિયમોની અવગણના કરતા હતા. બાઇબલ જણાવે છે કે, “એલીના પુત્રો દુષ્ટ હતા. તેઓને ઈશ્વર પર પ્રેમ નહોતો.” (૧ શમૂ. ૨:૧૨, IBSI) એલી જાણતા હતા કે તેમના દીકરાઓ ખરાબ કામો કરે છે, છતાં તેમણે તેઓને કડક શિસ્ત ન આપી. સમય જતાં, યહોવાએ એલી અને તેમના બે દીકરાઓને સજા કરી. અને ત્યાર પછી એલીના વંશ પાસેથી પ્રમુખ યાજક તરીકે સેવા આપવાનો લહાવો લઈ લેવામાં આવ્યો. (૧ શમૂ. ૩:૧૦-૧૪) જો તમે એલીના સમયમાં હોત અને જાણતા હોત કે તે પોતાના દીકરાઓનાં ખરાબ કામોને ચલાવી લે છે, તો તમને કેવું લાગ્યું હોત? શું તમે એનાથી ઠોકર ખાધી હોત? શું એવી પરિસ્થિતિને લીધે યહોવા પરની તમારી શ્રદ્ધા ડગી ગઈ હોત? શું તમે યહોવાને ભજવાનું છોડી દીધું હોત?
૭. દાઊદે કયાં ગંભીર પાપ કર્યાં અને યહોવાએ એ વિશે શું કર્યું?
૭ રાજા દાઊદમાં ઘણા સારા ગુણો હતા. એટલે જ, યહોવાને તે ખૂબ પ્રિય હતા. (૧ શમૂ. ૧૩:૧૩, ૧૪; પ્રે.કૃ. ૧૩:૨૨) છતાં, દાઊદે પણ મોટી ભૂલ કરી હતી. ઊરિયા જ્યારે યુદ્ધમાં હતા, ત્યારે દાઊદે ઊરિયાની પત્ની, બાથ-શેબા જોડે જાતીય સંબંધ બાંધ્યો અને તે ગર્ભવતી થઈ. દાઊદ ચાહતા ન હતા કે પોતે જે કર્યું છે એની ખબર બધાને પડે. તેથી, તેમણે ઊરિયાને મળવા બોલાવ્યા અને તે પોતાના ઘરે જાય એ માટે તેમને આગ્રહ કર્યો. દાઊદને લાગતું હતું કે, ઊરિયા પોતાના ઘરે જશે અને પોતાની પત્ની સાથે સંબંધ બાંધશે; તેથી લોકોને લાગશે કે બાથ-શેબાને થનાર બાળકના પિતા ઊરિયા છે. પણ, ઊરિયા પોતાના ઘરે ગયા નહિ. તેથી, દાઊદે ઊરિયાને યુદ્ધમાં મારી નંખાવવાની યોજના ઘડી. દાઊદના આ બે ગંભીર પાપને લીધે તેમણે અને તેમના કુટુંબે ઘણી મુશ્કેલીઓ સહેવી પડી. (૨ શમૂ. ૧૨:૯-૧૨) છતાં, યહોવાએ દાઊદ પર દયા બતાવીને તેમને માફ કર્યા. કારણ કે, દાઊદે આખું જીવન યહોવાની સેવા વફાદારીથી કરી હતી. (૧ રાજા. ૯:૪) જો તમે એ સમયમાં હોત, તો તમને દાઊદના પાપ વિશે કેવું લાગ્યું હોત? શું તમે યહોવાને ભજવાનું છોડી દીધું હોત?
૮. (ક) પ્રેરિત પીતર કઈ રીતે પોતાનું વચન પાળવામાં નિષ્ફળ ગયા હતા? (ખ) પીતરે ભૂલ કરી એ પછી પણ યહોવા શા માટે તેમનો ઉપયોગ કરતા રહ્યા?
૮ ઈસુએ પીતરને પ્રેરિત તરીકે પસંદ કર્યા હતા. તેમ છતાં, પીતર અમુક સમયે એવું કહેતા કે કરતા જે યોગ્ય ન હતું. દાખલા તરીકે, પીતરે કહ્યું હતું કે બીજાઓ ભલે ઈસુનો સાથ છોડી દે, પણ તે ક્યારેય સાથ છોડશે નહિ. (માર્ક ૧૪:૨૭-૩૧, ૫૦) પરંતુ, ઈસુને પકડવામાં આવ્યા ત્યારે, બધા પ્રેરિતોએ ઈસુનો સાથ છોડી દીધો, પીતરે પણ. પછી, ત્રણ વખત તેમણે ઈસુને ઓળખવાનો નકાર કરી દીધો. (માર્ક ૧૪:૫૩, ૫૪, ૬૬-૭૨) જોકે, પોતે જે કર્યું એ માટે પીતરને ખૂબ દુઃખ થયું. તેથી, યહોવાએ તેમને માફ કરી દીધા અને તેમનો ઉપયોગ કરતા રહ્યા. જો તમે એ સમયે ઈસુના શિષ્ય હોત અને પીતરે જે કર્યું એ જાણ્યું હોત, તો તમને કેવું લાગ્યું હોત? શું તમે યહોવામાં શ્રદ્ધા રાખવાનું ચાલુ રાખ્યું હોત?
૯. તમે શા માટે ભરોસો રાખો છો કે, યહોવા હંમેશાં ન્યાયી છે?
૯ આ દાખલાઓ બતાવે છે કે, યહોવાના અમુક ભક્તોનાં વાણી-વર્તનને લીધે બીજાઓને ઘણું દુઃખ પહોંચ્યું હતું. આજે એવું બને તો, તમે શું કરશો? શું તમે સભાઓમાં જવાનું બંધ કરી દેશો? અથવા યહોવા અને તેમના લોકોને પૂરેપૂરા તરછોડી દેશો? કે પછી તમે યાદ રાખશો કે, યહોવા દયાળુ છે અને પેલી વ્યક્તિ પસ્તાવો કરે એ માટે કદાચ તેને સમય આપી રહ્યા છે? પરંતુ, અમુક વાર એવું પણ બને કે ગંભીર પાપ કરનાર વ્યક્તિને પોતાની ભૂલ માટે જરાય અફસોસ ન થાય. એ સમયે શું તમે યહોવા પર ભરોસો રાખશો કે, યહોવા એ બધું જાણે છે અને યોગ્ય સમયે તે પગલાં ભરશે? જરૂર પડ્યે તે પેલી વ્યક્તિને કદાચ મંડળમાંથી દૂર પણ કરે. શું તમને ભરોસો છે કે યહોવા હંમેશાં જે ખરું અને ન્યાયી હોય એ જ કરશે?
વફાદાર રહો
૧૦. યહુદા ઈસકારીઓત અને પીતરે ભૂલ કરી હતી, છતાં ઈસુએ કેવું સારું વલણ બતાવ્યું?
૧૦ બાઇબલમાં આપણે એવા ઘણા ઈશ્વરભક્તો વિશે વાંચીએ છીએ, જેઓ યહોવાને વફાદાર રહ્યા હતા. અરે, તેઓની આસપાસ રહેતા લોકોએ ગંભીર ભૂલો કરી ત્યારે પણ, તેઓએ પોતાની વફાદારી જાળવી રાખી હતી. એનું સૌથી ઉત્તમ ઉદાહરણ ઈસુ ખ્રિસ્ત છે. પોતાના ૧૨ શિષ્યોની પસંદગી કરતા પહેલાં તેમણે આખી રાત પ્રાર્થનામાં વિતાવી અને યહોવાનું માર્ગદર્શન માંગ્યું. તેમ છતાં, એ શિષ્યોમાંના એક, યહુદા ઈસકારીઓતે ઈસુને દગો દીધો. એટલું જ નહિ, પ્રેરિત પીતરે પણ ઈસુને ઓળખવાનો નકાર કર્યો. (લુક ૬:૧૨-૧૬; ૨૨:૨-૬, ૩૧, ૩૨) શિષ્યોએ ઈસુને તરછોડ્યા, છતાં તે શિષ્યો પર કે યહોવા પર ગુસ્સે ન થયા. એને બદલે, ઈસુએ યહોવા સાથેનો પોતાનો સંબંધ જાળવી રાખ્યો અને વફાદારીથી તેમની સેવા કરતા રહ્યા. પરિણામે, યહોવાએ તેમને ફરી જીવતા કર્યા અને પછીથી સ્વર્ગના રાજ્યના રાજા બનાવ્યા. વફાદાર રહેવાનું એ કેવું જોરદાર ઇનામ!—માથ. ૨૮:૭, ૧૮-૨૦.
૧૧. આજના સમયના યહોવાના લોકો વિશે બાઇબલમાં શું ભાખવામાં આવ્યું હતું?
૧૧ ઈસુનું સુંદર ઉદાહરણ આપણને યહોવા અને તેમના લોકોને વફાદાર રહેવાનું શીખવે છે. અને એમ કરવાના આપણી પાસે ઘણાં કારણો છે. આપણે જોઈ શકીએ છીએ કે, આ અંતના સમયે યહોવા પોતાના લોકોને દોરી રહ્યા છે. આખી દુનિયામાં ખુશખબર ફેલાવવા તે પોતાના લોકોને મદદ કરી રહ્યા છે. અને ફક્ત યહોવાના લોકો જ આ કામ કરી રહ્યા છે. યહોવા આજે જે શીખવી રહ્યા છે એના લીધે તેમના ભક્તો એકતામાં છે અને ખૂબ ખુશ છે. યહોવાના ભક્તો મધ્યે જે માહોલ છે, એ વિશે યહોવાએ અગાઉથી જણાવ્યું હતું કે, “જુઓ, મારા સેવકો હૃદયના ઉમળકાથી હર્ષનાદ કરશે.”—યશા. ૬૫:૧૪
૧૨. બીજાઓ ભૂલો કરે ત્યારે શું કરવું અયોગ્ય કહેવાશે?
૧૨ આપણે ખૂબ ખુશ છીએ કે, ઘણી બધી સારી બાબતો કરવા યહોવા આપણને માર્ગદર્શન અને મદદ આપી રહ્યા છે. જ્યારે કે, શેતાનની દુનિયામાં લોકોને ભવિષ્ય માટે કોઈ જ આશા નથી. મંડળના કોઈ ભાઈ કે બહેનનાં વાણી-વર્તનને લીધે યહોવા અને તેમના મંડળને દોષ આપવો કેટલું અયોગ્ય અને મૂર્ખામીભર્યું કહેવાશે! એમ કરવાને બદલે, આપણે યહોવાને વફાદાર રહેવું જોઈએ અને તેમના માર્ગદર્શન પ્રમાણે કરવું જોઈએ. આપણે એ પણ શીખવું જોઈએ કે, બીજાઓ દુઃખ પહોંચાડે ત્યારે આપણે કેવું વલણ બતાવવું જોઈએ.
તમારે કેવું વલણ બતાવવું જોઈએ?
૧૩, ૧૪. (ક) આપણે શા માટે બીજાઓ સાથે ધીરજથી વર્તવું જોઈએ? (ખ) આપણે કયું વચન યાદ રાખવું જોઈએ?
૧૩ કોઈ ભાઈ કે બહેનનાં વાણી-વર્તનથી તમારી લાગણીઓ દુભાય તો, તમારે શું કરવું જોઈએ? બાઇબલ એક સરસ સલાહ આપે છે: “ગુસ્સો કરવામાં ઉતાવળા મિજાજનો ન થા; કેમ કે ગુસ્સો મૂર્ખોના હૃદયમાં રહે છે.” (સભા. ૭:૯) આપણે બધા અપૂર્ણ છીએ અને ભૂલો કરીએ છીએ. તેથી, આપણે એવી અપેક્ષા ન રાખી શકીએ કે, આપણાં ભાઈ-બહેનોથી ક્યારેય ભૂલ નહિ થાય. તેમ જ, આપણા માટે એ સારું પણ નહિ કહેવાય કે એ ભૂલો વિશે વિચારતા જ રહીએ. જો ભૂલો વિશે જ વિચાર્યા કરીશું, તો આપણે ખુશીથી યહોવાની સેવા નહિ કરી શકીએ. એનાથી પણ ખરાબ તો એ કે, યહોવામાં આપણી શ્રદ્ધા નબળી પડી જઈ શકે અને આપણે યહોવાના સંગઠનથી કદાચ દૂર થઈ જઈએ. પછી, આપણે યહોવાની સેવા નહિ કરી શકીએ અથવા નવી દુનિયામાં જીવવાની આશા નહિ રાખી શકીએ.
૧૪ તો પછી, બીજાઓ દુઃખ પહોંચાડે ત્યારે આપણે કઈ રીતે યહોવાની સેવામાં ખુશ રહી શકીએ? દિલાસો મળે એવું આ વચન હંમેશાં યાદ રાખો: “જુઓ, હું નવાં આકાશ તથા નવી પૃથ્વી ઉત્પન્ન કરનાર છું; અને આગલી બીનાઓનું સ્મરણ કરવામાં આવશે નહિ, તેઓ મનમાં આવશે નહિ.” (યશા. ૬૫:૧૭; ૨ પીત. ૩:૧૩) જો તમે યહોવાને વફાદાર રહેશો, તો તે તમને એ બધા આશીર્વાદ આપશે.
૧૫. બીજાઓ ભૂલો કરે ત્યારે આપણે શું કરવું જોઈએ, એ વિશે ઈસુએ શું કહ્યું હતું?
૧૫ ખરું કે, આપણે હજી નવી દુનિયામાં નથી આવી ગયા. તેથી, જો કોઈ આપણી લાગણીઓ દુભાવે, તો યહોવા આપણી પાસે શું ચાહે છે એના પર આપણે મનન કરવું જોઈએ. દાખલા તરીકે, ઈસુએ કહ્યું હતું: ‘જો તમે માણસોને તેઓના અપરાધ માફ કરો, તો તમારા આકાશમાંના પિતા તમને પણ માફ કરશે. પણ જો તમે માણસોને તેઓના અપરાધ માફ નહિ કરો, તો તમારા પિતા તમારા અપરાધ પણ તમને માફ નહિ કરશે.’ એટલું જ નહિ, પીતરે જ્યારે ઈસુને પૂછ્યું કે “શું સાત વાર સુધી” માફ કરવું જોઈએ, ત્યારે ઈસુએ તેમને કહ્યું હતું કે, “સાત વાર સુધીનું હું તને નથી કહેતો, પણ સિત્તેરગણી સાત વાર સુધી.” આમ, ઈસુએ આપણને શીખવ્યું કે, આપણે હંમેશાં બીજાઓને ખુશી-ખુશી માફ કરવા જોઈએ.—માથ. ૬:૧૪, ૧૫; ૧૮:૨૧, ૨૨.
૧૬. યુસફના દાખલામાંથી આપણે શું શીખી શકીએ?
૧૬ યુસફના દાખલામાંથી શીખવા મળે છે કે, બીજાઓ આપણને દુઃખ પહોંચાડે ત્યારે આપણે શું કરવું જોઈએ. યુસફ અને તેનો નાનો ભાઈ બિન્યામીન જ યાકૂબ અને રાહેલનાં સંતાનો હતાં. યાકૂબને બીજા દસ પુત્રો પણ હતા, પરંતુ બધાથી વધારે તે યુસફને પ્રેમ કરતા હતા. તેથી, એ દસ ભાઈઓ યુસફની ઈર્ષા કરતા હતા. તેઓ યુસફને એટલી નફરત કરતા હતા કે તેઓએ તેમને ગુલામ તરીકે વેચી દીધા અને તેમને ઇજિપ્ત લઈ જવામાં આવ્યા. ઘણાં વર્ષો પછી, ઇજિપ્તના રાજાએ યુસફના કામથી ખુશ થઈને તેમને દેશમાં રાજા પછીની પદવી સોંપી. અમુક વર્ષો પછી, દુકાળને લીધે યુસફના ભાઈઓ અનાજ ખરીદવા ઇજિપ્ત આવ્યા. તેઓએ યુસફને જોયા ત્યારે તેઓ તેમને ઓળખી ન શક્યા, પણ યુસફ તો તેઓને ઓળખી ગયા. તેઓ યુસફ સાથે બહુ ખરાબ રીતે વર્ત્યા હતા, તેમ છતાં યુસફે ભૂંડાઈનો બદલો ભૂંડાઈથી ન વાળ્યો. એને બદલે, તેમણે તેઓની કસોટી કરી, જેથી તેઓમાં ખરેખર બદલાણ આવ્યું છે કે નહિ એ પારખી શકે. યુસફને જ્યારે અહેસાસ થયો કે તેઓ ખરેખર સુધરી ગયા છે, ત્યારે તેમણે પોતાની ઓળખ છતી કરી. પછીથી તેઓને દિલાસો આપતા કહ્યું: “બીહો મા; હું તમને તથા તમારાં છોકરાંને પાળીશ.”—ઉત. ૫૦:૨૧.
૧૭. બીજાઓ ભૂલો કરે ત્યારે, આપણે શું કરવું જોઈએ?
૧૭ યાદ રાખો કે, બધાથી ભૂલો થાય છે, તેથી ક્યારેક તમારાથી પણ બીજાઓને ખોટું લાગી શકે. જો તમને ખ્યાલ આવે કે તમારાથી બીજાને ખોટું લાગ્યું છે, તો બાઇબલની સલાહ પાળો. એ વ્યક્તિ પાસે માફી માંગો અને તેની સાથે શાંતિ જાળવવાનો પ્રયત્ન કરો. (માથ્થી ૫:૨૩, ૨૪ વાંચો.) બીજાઓ આપણને માફ કરે છે ત્યારે, આપણને ખુશી થાય છે. તેથી, આપણે પણ બીજાઓ પ્રત્યે એવું જ વલણ બતાવવું જોઈએ. એફેસી ૪:૩૨ જણાવે છે: “તમે એકબીજા પ્રત્યે માયાળુ અને કરુણાળુ થાઓ, અને જેમ ખ્રિસ્તમાં ઈશ્વરે પણ તમને માફી બક્ષી તેમ તમે એકબીજાને ક્ષમા કરો.” જો આપણે ભાઈ-બહેનોને દિલથી પ્રેમ કરતા હોઈશું, તો તેઓએ કરેલી ભૂલોને વારંવાર યાદ કરીને ઉદાસ નહિ થઈએ. (૧ કોરીં. ૧૩:૫) તેમ જ, જો આપણે બીજાઓને માફ કરીશું, તો યહોવા પણ આપણને માફ કરશે. તેથી, બીજાઓ ભૂલો કરે ત્યારે, ચાલો આપણે પિતા યહોવાની જેમ દયાળુ બનીએ.—ગીતશાસ્ત્ર ૧૦૩:૧૨-૧૪ વાંચો.