દુખિયારાઓને દિલાસો આપો
‘સર્વ શોક કરનારાઓને દિલાસો આપવા સારુ યહોવાહે મને અભિષિક્ત કર્યો છે.’ —યશાયાહ ૬૧:૧, ૨.
પરમેશ્વર સર્વને દિલાસો આપે છે. તેમણે આપણને પણ એ માટે તૈયાર કર્યા છે જેથી, આફતમાં આવી પડેલાઓને દિલાસો આપી શકીએ. દુઃખી લોકોને અને “બીકણોને [ઉદાસોને] ઉત્તેજન” આપવાનું યહોવાહે આપણને શીખવ્યું છે. (૧ થેસ્સાલોનીકી ૫:૧૪) જરૂર હોય ત્યારે, આપણે આપણા ભાઈબહેનોને પણ દિલાસો આપીએ છીએ. આપણે બહારના લોકોને પણ પ્રેમ બતાવીએ છીએ. અરે, જેઓએ આપણા પ્રેમની કદર ન કરી હોય એવા લોકોને પણ આપણે ચાહીએ છીએ.—માત્થી ૫:૪૩-૪૮; ગલાતી ૬:૧૦.
૨ ઈસુ ખ્રિસ્તે પોતે આ ભવિષ્યવાણી વાંચીને લાગુ પાડી હતી: ‘પ્રભુ યહોવાહનો આત્મા મારા પર છે; કારણ કે દીનોને વધામણી કહેવા સારુ યહોવાહે મને અભિષિક્ત કર્યો છે; ભગ્ન હૃદયોવાળાને સાજા કરવા સારુ તથા સર્વ શોક કરનારાઓને દિલાસો આપવા સારુ.’ (યશાયાહ ૬૧:૧, ૨; લુક ૪:૧૬-૧૯) આજના સમયના અભિષિક્ત ખ્રિસ્તીઓ પણ દિલથી એ જ કરી રહ્યા છે. તેઓને ખબર છે કે આ કામ તેઓનું છે. “બીજા ઘેટાં” એમાં તેઓને સાથ આપે છે.—યોહાન ૧૦:૧૬.
૩ ઘણા લોકો આફતોમાં આવી પડે છે ત્યારે, નિરાશાની ખાઈમાં ડૂબી જાય છે. આવા સમયે તેઓને થાય છે કે, ‘શા માટે ઈશ્વર મારા પર દુઃખો આવવા દે છે?’ બાઇબલ એનો સારી રીતે જવાબ આપે છે. જોકે, જેઓ બાઇબલ વિષે કંઈ જાણતા નથી તેઓને તરત જ ખબર નહિ પડે. પરંતુ, યહોવાહના સાક્ષીઓનાં પ્રકાશનોમાંથી તેઓને આ વિષય પર સારી એવી મદદ મળી શકે.a અમુક લોકોને યશાયાહ ૬૧:૧, ૨ના શબ્દોમાંથી ઘણો દિલાસો મળ્યો છે. એ બતાવે છે કે મનુષ્યો દુઃખના દહાડામાં દિલાસો મેળવે એવી પરમેશ્વરની ઇચ્છા છે.
૪ આજે નાના મોટા બધાને દિલાસાની જરૂર છે. પોલૅન્ડની એક યુવતીનો વિચાર કરો. તે ખૂબ જ હતાશ થઈ ગઈ હતી. તેથી, તેણે પોતાની એક બહેનપણી પાસે સલાહ માંગી. તે યહોવાહની સાક્ષી હતી. તેણે પ્રેમથી આ યુવતી સાથે વાત કરી. આ બહેનને જાણવા મળ્યું કે તે યુવતીના મનમાં ઘણા પ્રશ્નો હતા, જેના લીધે તે ખૂબ દુઃખી થઈ ગઈ હતી. જેમ કે, “શા માટે આટલી બધી દુષ્ટતા છે? શા માટે લોકોએ દુઃખ સહન કરવું પડે છે? શા માટે મારી સાત વર્ષની બહેન અપંગ છે? શા માટે મને હૃદયની બીમારી છે? પાદરી મને કહે છે કે એ પરમેશ્વરની મરજી છે. જો આમ જ હોય તો, મને પરમેશ્વર પર બિલકુલ ભરોસો નથી.” પછી આપણી બહેને મનમાં યહોવાહને પ્રાર્થના કરી અને આ યુવતીને કહ્યું: “હું રાજીખુશીથી તને મદદ કરીશ.” પછી બહેને તેને જણાવ્યું કે ‘હું નાની હતી ત્યારે, મને પણ આવા ઘણા પ્રશ્નો થતા હતા. એ સમયે યહોવાહના સાક્ષીઓએ મને મદદ કરી હતી.’ પછી બહેને યુવતીને સમજાવતા કહ્યું: “મેં યહોવાહને સારી રીતે ઓળખ્યા છે. તે નથી ઇચ્છતા કે લોકો દુઃખી થાય. તે આપણને ખૂબ જ પ્રેમ કરે છે. યહોવાહ આપણું ભલું જ ઇચ્છે છે. તે બહુ જ જલદી આ પૃથ્વી પર મોટા ફેરફારો લાવવાના છે. તે કોઈ પણ બીમારી, બુઢાપો અને મૃત્યુને કાઢી નાખશે. પછી જેઓ તેમનું કહ્યું માનશે એ લોકો જ આ પૃથ્વી પર હંમેશ માટે જીવશે.” પછી આપણા બહેને આ યુવતીને બાઇબલમાંથી પ્રકટીકરણ ૨૧:૩, ૪; અયૂબ ૩૩:૨૫; યશાયાહ ૩૫:૫-૭ અને ૬૫:૨૧-૨૫ની કલમો બતાવીને દિલાસો આપ્યો. આવી લાંબી વાતચીત બાદ, યુવતીએ કહ્યું: “હવે મને ખબર પડી કે ઈશ્વરે શા માટે મને ઘડી છે. શું તું મને ફરી મળી શકે, જેથી હું વધારે જાણી શકું?” પછી આ યુવતી અઠવાડિયામાં બે વાર બાઇબલનો અભ્યાસ કરવા લાગી.
પરમેશ્વર તરફથી બીજાઓને દિલાસો આપો
૫ આપણે બીજાઓને પ્રેમથી અને માયાળુ બનીને દિલાસો આપવો જોઈએ. દુઃખી વ્યક્તિને ખબર પડવી જોઈએ કે આપણે ખરેખર તેમની ચિંતા કરીએ છીએ. જો આપણું બોલવું અર્થ વગરનું હશે તો, એનાથી તેમને દિલાસો મળશે નહિ. બાઇબલ કહે છે કે “ધીરજથી તથા પવિત્ર શાસ્ત્રમાંના દિલાસાથી આપણે આશા રાખીએ.” (રૂમીઓને પત્ર ૧૫:૪) આ કલમને ધ્યાનમાં રાખીને, આપણે તેઓના સંજોગો જોઈને પરમેશ્વરના રાજ્ય વિષે તેઓને સમજાવી શકીએ. તેમ જ, બાઇબલમાંથી બતાવી શકીએ કે એ રાજ્ય આજકાલની સમસ્યાઓને કઈ રીતે દૂર કરશે. પછી આપણે તેઓને બતાવી શકીએ કે શા માટે આપણે પૂરા ભરોસાથી આવી આશા રાખી શકીએ. આ રીતે આપણે તેઓને દિલાસો આપી શકીએ.
૬ આપણે લોકોને જે દિલાસો આપીએ છીએ એમાંથી તેઓ કઈ રીતે લાભ મેળવી શકે? એ માટે તેઓએ યહોવાહને સારી રીતે ઓળખવાની જરૂર છે. તેઓએ એ જાણવું જ જોઈએ કે પરમેશ્વર કેવા છે અને તેમનાં વચનોમાં શા માટે ભરોસો મૂકવો જોઈએ. યહોવાહને ભજતા નથી એવા લોકોને મદદ કરતી વખતે, આપણે આ બાબતોને સમજાવવાની જરૂર છે. (૧) આપણે બાઇબલમાંથી જે દિલાસો આપીએ છીએ એ ખરેખર સાચા પરમેશ્વર યહોવાહ તરફથી છે. (૨) યહોવાહ સર્વશક્તિમાન છે, આકાશ અને પૃથ્વીના સર્જનહાર છે. તે પ્રેમના સાગર છે, કૃપા અને સત્યથી ભરપૂર છે. (૩) જેઓ બાઇબલમાંથી શીખે છે એનાથી પરમેશ્વરને સારી રીતે ઓળખી શકશે. એનાથી તેઓ ગમે તેવા આકરા સંજોગોને પણ સહન કરી શકશે. (૪) બાઇબલમાં એવા ઘણા અહેવાલો છે, જે બતાવે છે કે અનેક લોકોએ કેવાં કેવાં પરીક્ષણો સહન કર્યા હતાં.
૭ દુઃખમાં ડૂબી ગયેલાઓને ૨ કોરીંથી ૧:૩-૭ વાંચીને દિલાસો મળ્યો છે. જો આપણે એ કોઈને વાંચી સંભળાવતા હોઈએ તો પાંચમી કલમના આ ભાગ પર વધારે ભાર મૂકવો જોઈએ: “ખ્રિસ્તને આશરે અમને દિલાસો પણ પુષ્કળ મળે છે.” આ કલમ વ્યક્તિને એ સમજવામાં મદદ કરી શકે કે ફક્ત બાઇબલમાંથી જ તેને ખરો દિલાસો મળે છે. તેથી, તેણે બાઇબલમાં વધારે ધ્યાન આપવું જોઈએ. આ રીતે બીજી વખત પણ વધારે ચર્ચા થઈ શકે. પરંતુ, જો વ્યક્તિ એમ વિચારતી હોય કે પોતાનાં ખરાબ કામોને લીધે અત્યારે તેના પર આ મુશ્કેલી આવી પડી છે, તો શું? આપણે તેઓનો દોષ કાઢવાને બદલે, ૧ યોહાન ૨:૧, ૨ અને ગીતશાસ્ત્ર ૧૦૩:૧૧-૧૪માંથી દિલાસો આપી શકીએ. આ રીતે આપણે તેઓને પરમેશ્વર તરફથી દિલાસો આપીએ છીએ.
તંગીમાં આવી પડેલા લોકોને દિલાસો આપો
૮ આજે ઘણી જગ્યાએ મારામારી અને લડાઈનું વાતાવરણ છે. એવી તંગીમાં કરોડો લોકો જીવી રહ્યા છે. એનાથી લોકોના જીવન પર ખૂબ જ કડવી અસર પડે છે. આવા લોકોને આપણે કઈ રીતે દિલાસો આપી શકીએ?
૯ આપણે આ જગતનો ભાગ ન બનીએ એ માટે સાવચેત રહેવું જોઈએ. આ જગતની કોઈ પણ રાજકીય બાબતનો આપણે પક્ષ ન લેવો જોઈએ. (યોહાન ૧૭:૧૬) આપણે લોકોને બાઇબલમાંથી દિલાસો આપી શકીએ અને તેઓને બતાવી શકીએ કે આ ખરાબ પરિસ્થિતિ કાયમ ટકવાની નથી. આપણે ગીતશાસ્ત્ર ૧૧:૫ વાંચીને બતાવી શકીએ કે જોરજુલમ અને દુષ્ટતા વિષે યહોવાહને કેવું લાગે છે. અથવા, ગીતશાસ્ત્ર ૩૭:૧-૪ વાંચીને બતાવી શકીએ કે લોકો આપણું ભૂંડું બોલે કે અન્યાય કરે ત્યારે, બદલો ન લેવો જોઈએ અને યહોવાહમાં જ ભરોસો રાખવો જોઈએ, કેમ કે યહોવાહ પરમેશ્વર એવું જ ચાહે છે. ગીતશાસ્ત્ર ૭૨:૧૨-૧૪ બતાવે છે કે નિર્દોષ લોકોને જોરજુલમ સહન કરતા જોઈને, ઈસુ ખ્રિસ્તને કેવું લાગે છે, જે રાજા સુલેમાન કરતાં પણ મહાન છે અને હમણાં સ્વર્ગમાં રાજા તરીકે રાજ કરે છે.
૧૦ અમુક લોકો એવા દેશોમાં જીવતા હોય છે જ્યાં ચારે બાજુ લડાઈઓ જ થતી હોય છે. એક લડાઈ બંધ થાય ત્યાં, બીજી ફાટી નીકળે છે. તેથી, તેઓને લાગે છે કે યુદ્ધ અને લડાઈઓમાંથી તેઓને ક્યારેય છુટકારો નહિ મળે. ઘણાને તો એમ જ લાગે છે કે બીજા દેશમાં નાસી જવું જોઈએ. પરંતુ, મોટાભાગના એમાં ક્યારેય સફળ થતા નથી. અમુકે તો દેશ છોડીને આ રીતે નાસી જતા પોતાનો જીવ પણ ગુમાવ્યો છે. બીજી બાજુ, જે લોકો બીજા દેશમાં ભાગી જાય છે તેઓએ બીજા પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આવા લોકોને આપણે ગીતશાસ્ત્ર ૧૪૬:૩-૬ વાંચીને બતાવી શકીએ કે સલામતી માટે બીજી કોઈ જગ્યાએ ફાંફાં મારવા કરતાં યહોવાહ પર ભરોસો રાખવો કેટલું સારું છે. માત્થી ૨૪:૩, ૭, ૧૪ અને ૨ તીમોથી ૩:૧-૫ની ભવિષ્યવાણી તેઓને એ જોવામાં મદદ કરી શકે કે આપણે આ જગતના અંતના દિવસોમાં જીવી રહ્યા છીએ. એ કારણે આપણે દુઃખ અને પીડા સહેવી પડે છે. ગીતશાસ્ત્ર ૪૬:૧-૩, ૮, ૯ અને યશાયાહ ૨:૨-૪માં આપેલાં વચનોથી તેઓને દિલાસો મળી શકે કે ભવિષ્યમાં સુખ-શાંતિનો કોઈ પાર નહિ હોય.
૧૧ પશ્ચિમ આફ્રિકાના એક દેશમાં લડાઈ ફાટી નીકળી હતી અને ચારે બાજુ ગોળીઓનો વરસાદ થતો હતો. આવી પરિસ્થિતિમાં ત્યાંની એક સ્ત્રી પોતાના કુટુંબ સાથે બીજા દેશમાં નાસી ગઈ. તે ખૂબ જ ડરી ગઈ હતી. તેને માથે જાણે દુઃખનો પહાડ હતો. એવામાં આ નવા દેશમાં તેના પતિએ લગ્નનું સર્ટિફિકેટ બાળી નાખ્યું અને, પોતાની સગર્ભા પત્ની તથા દસ વર્ષના છોકરાને છોડીને પાદરી બની ગયો. તે કેટલી દુઃખી થઈ હશે એનો વિચાર કરો. શું તેનું દુઃખ હળવું થયું? હા. જ્યારે યહોવાહના સાક્ષીઓએ તેને ચોકીબુરજ અને સજાગ બનો!ના અમુક લેખો વાંચવા આપ્યા અને ફિલિપી ૪:૬, ૭ અને ગીતશાસ્ત્ર ૫૫:૨૨નાં વચનો બતાવ્યા ત્યારે, તેને ખરેખર દિલાસો મળ્યો. વધુમાં, તે એ પણ જાણી શકી કે પરમેશ્વરે આપણને શા માટે ઘડ્યા છે.
૧૨ ઘણી વાર લડાઈને લીધે કરોડો લોકોના જીવનમાં પૈસાટકાની તાણ આવી જાય છે. અમુક સમયે સરકારની ખોટી પૉલિસી અને ખુરશી પર બેઠેલા લોભિયા લોકો જનતાના પૈસાને તળિયાઝાટક કરી દે છે. પછી તેઓ લોકોની ધન-દોલત પડાવી લેવા બળજબરી કરે છે. બીજાઓ પાસે તો એટલી ધન-દોલત પણ હોતી નથી. આ સર્વ લોકોને એ જાણીને દિલાસો મળી શકે કે જો તેઓ પરમેશ્વર પર ભરોસો રાખશે તો, તે તેઓને જરૂર નભાવી રાખશે. તેમ જ, પરમેશ્વર નવી દુનિયાની પણ ખાતરી આપે છે, જેમાં બધા લોકોને પોતાના કામનો બદલો મળશે અને તેઓ એમાં પૂરો આનંદ માણશે. (ગીતશાસ્ત્ર ૧૪૬:૬, ૭; યશાયાહ ૬૫:૧૭, ૨૧-૨૩; ૨ પીતર ૩:૧૩) એશિયાના એક દેશમાં યહોવાહની એક સાક્ષી સ્ટોરમાં કામ કરતી હતી. એક વખતે કોઈ ગ્રાહક સ્ત્રીએ ત્યાં કથળી રહેલી ગરીબાઈ વિષે વાત કરી. ત્યારે આ સાક્ષી બહેને સમજાવ્યું કે જે કંઈ થઈ રહ્યું છે એ આ જગતના અંતની નિશાની છે. પછી બહેને તેની સાથે માત્થી ૨૪:૩-૧૪ અને ગીતશાસ્ત્ર ૩૭:૯-૧૧માંથી ચર્ચા કરી. એનાથી તે સ્ત્રી બાઇબલનો નિયમિત અભ્યાસ કરવા લાગી.
૧૩ ઘણા લોકો વર્ષોથી આવી હાલતને સહન કરતા હોય છે. તેઓ જૂઠાં વચનોને લીધે નિરાશ થઈ જઈ શકે. તેથી, તેઓ મિસરના ઈસ્રાએલીઓની જેમ દુઃખી હોવાથી આપણું ન પણ સાંભળે. (નિર્ગમન ૬:૯) આવા કિસ્સામાં તેઓને એ જણાવવું કેટલું સારું થશે કે બાઇબલ તેઓનાં જીવનમાં આશાનું એક કિરણ લાવે છે. આપણે તેઓને જણાવીએ કે બાઇબલ તેઓને દુઃખ-સંકટમાંથી છૂટવા માટે મદદ કરે છે. (૧ તીમોથી ૪:૮) અમુક લોકોને લાગે છે કે પરમેશ્વર છે જ નહિ અથવા તેમને આપણી કંઈ પડી નથી, નહિ તો તે આવી ખરાબ પરિસ્થિતિ ચાલવા જ ન દે. તેઓને આપણે યોગ્ય કલમો બતાવીને એ જોવા મદદ કરી શકીએ કે પરમેશ્વરે આપણા માટે જે જોગવાઈ કરી છે એની ઘણા લોકો કદર નથી કરતા.—યશાયાહ ૪૮:૧૭, ૧૮.
આફતોમાં આવી પડેલા લોકોને દિલાસો
૧૪ વાવાઝોડું, ધરતીકંપ, આગ, કે જ્વાળામુખી જેવી આપત્તિ આપણા પર ગમે ત્યારે ત્રાટકી શકે. એનાથી અસર પામેલા લોકોને દિલાસો આપવા આપણે શું કરવું જોઈએ?
૧૫ તેઓને આપણે જણાવવાની જરૂર છે કે તેઓની કાળજી રાખનાર કોઈક છે. એક દેશમાં ત્રાસવાદી હુમલાને કારણે લોકોને ઘણો શોક લાગ્યો હતો. એમાં ઘણા લોકોએ પોતાના કુટુંબીજનો અને દોસ્તો ગુમાવ્યા હતા. તેઓએ નોકરી પણ ગુમાવી હતી. એ દેશના લોકોને એમ હતું કે તેઓનો કોઈ વાળ પણ વાંકો નહિ કરે. પરંતુ આ ઘટનાને લીધે તેઓને ખૂબ જ આઘાત લાગ્યો હતો. યહોવાહના સાક્ષીઓએ આવા લોકોને મળીને બાઇબલમાંથી દિલાસો આપ્યો. ઘણા લોકોએ સાક્ષીઓએ બતાવેલા પ્રેમની ખૂબ કદર કરી.
૧૬ એલ સાલ્વાડોરમાં ૨૦૦૧માં ધરતીકંપ થયો ત્યારે, એમાં ઘણા લોકોએ પોતાનાં જીવન ગુમાવ્યાં. એમાં યહોવાહની એક સાક્ષીએ પોતાનો ૨૫ વર્ષનો દીકરો પણ ગુમાવ્યો, જેની સગાઈ થઈ ગઈ હતી. વધુમાં, તેના દીકરાની જે બહેન સાથે સગાઈ થઈ હતી તેની બે બહેનો પણ ધરતીકંપમાં મરી ગઈ હતી. તોપણ, આ બહેન અને એ યુવાનની માએ તરત જ પ્રચાર કામ ચાલુ કરી દીધું. ઘણાએ તેઓને કહ્યું કે મરી ગયેલા લોકોને પરમેશ્વરે પોતાની પાસે બોલાવી લીધા છે, કેમ કે પરમેશ્વરની ઇચ્છા એવી હતી. પરંતુ, આ બહેનોએ નીતિવચનો ૧૦:૨૨માંથી બતાવ્યું કે આપણને દુઃખ થાય એવું પરમેશ્વર નથી ઇચ્છતા. તેઓએ રૂમીઓને પત્ર ૫:૧૨ વાંચીને બતાવ્યું કે આદમે પાપ કર્યું હોવાથી આપણામાં મરણનો વારસો આવે છે. પરમેશ્વર નથી ચાહતા કે આપણે મરી જઈએ. તેમ જ, તેઓએ ગીતશાસ્ત્ર ૩૪:૧૮; ૩૭:૨૯; યશાયાહ ૨૫:૮; પ્રકટીકરણ ૨૧:૩, ૪માંથી દિલાસાનો સંદેશો આપ્યો. આ બંને સાક્ષીઓએ પોતાના વહાલા કુટુંબીજનો ગુમાવ્યા હોવા છતાં, બીજાઓને દિલાસો આપ્યો. તેથી, લોકોએ પણ તેઓનું ખુશીથી સાંભળ્યું. એનાથી ઘણા બાઇબલ અભ્યાસ શરૂ થયા.
૧૭ આફત આવે ત્યારે આપણને એવી વ્યક્તિઓ મળી શકે જેઓને તાત્કાલિક મદદની જરૂર હોય. એમાં ડૉક્ટરને બોલાવવા, ઘાયલ વ્યક્તિને હૉસ્પિટલમાં લઈ જવી કે તેઓને રોટી, કપડાં અને મકાન પૂરા પાડવાનો સમાવેશ થાય છે. ઇટાલીમાં ૧૯૯૮માં મોટી આફત આવી હતી ત્યારે, એક પત્રકારને જોવા મળ્યું કે યહોવાહના સાક્ષીઓ “કોઈને પણ મદદ કરવામાં પાછા પડ્યા ન હતા. તેઓએ ઘાયલ થયેલા લોકોને પણ મદદ કરી, પછી ભલે તેઓ કોઈ પણ ધર્મના હોય.” છેલ્લા દિવસો વિષે જે નિશાની ભાખવામાં આવી હતી એ પ્રમાણે, અમુક દેશોમાં મોટી આફતો આવી પડી છે. એવા દેશોમાં યહોવાહના સાક્ષીઓ લોકોને બતાવે છે કે બાઇબલની ભવિષ્યવાણી ખરેખર પૂરી થઈ રહી છે. તેમ જ, તેઓ લોકોને બાઇબલમાંથી દિલાસો આપે છે કે પરમેશ્વરનું રાજ્ય ખરેખર માણસજાત માટે શાંતિ અને સલામતી લાવશે.—નીતિવચનો ૧:૩૩; મીખાહ ૪:૪.
કુટુંબમાં કોઈ મરણ પામે ત્યારે દિલાસો આપવો
૧૮ આજે આપણે જોઈએ તો, દરરોજ ઘણા લોકો મરણ પામતા હોય છે. એ વખતે તેઓનું કુટુંબ દુઃખી દુઃખી થઈ જાય છે. આપણે પ્રચારમાં કે રોજ-બ-રોજના કામમાં આવી વ્યક્તિઓને મળીએ તો, કઈ રીતે દિલાસો આપી શકીએ?
૧૯ શું વ્યક્તિ શોકમાં ડૂબી ગઈ છે? શું તેમનું ઘર દુઃખી સગાસંબંધીઓથી ભરેલું છે? તમે તેઓને ઘણું બધું કહેવા ઇચ્છતા હશો, પણ સમજી વિચારીને વાત કરો એ ખૂબ મહત્ત્વનું છે. (સભાશિક્ષક ૩:૧, ૭) કદાચ આવા સમયે આપણે દયા બતાવીને યોગ્ય બ્રોશર, મૅગેઝિન કે ટ્રેક્ટ આપી શકીએ. થોડા દિવસો પછી આપણે ફરીથી તેઓને મળીને જોઈ શકીએ કે તેઓને બીજી કોઈ મદદની જરૂર છે કે નહિ. યોગ્ય સમય જોઈને આપણે બાઇબલમાંથી દિલાસો આપી શકીએ. એનાથી સારું પરિણામ આવશે. (નીતિવચનો ૧૬:૨૪; ૨૫:૧૧) જોકે, ઈસુની જેમ આપણે મૂએલાઓને સજીવન કરી શકતા નથી. પરંતુ, આપણે બાઇબલમાંથી મૂએલાઓની પરિસ્થિતિ વિષે સમજાવી શકીએ. એ સમયે આપણે ખોટી માન્યતાઓ વિષે દલીલ નહિ કરીએ. (ગીતશાસ્ત્ર ૧૪૬:૪; સભાશિક્ષક ૯:૫, ૧૦; હઝકીએલ ૧૮:૪) આપણે બાઇબલમાંથી વાંચી શકીએ કે મૂએલાઓને સાચે જ સજીવન કરવામાં આવશે. (યોહાન ૫:૨૮, ૨૯; પ્રેરિતોનાં કૃત્યો ૨૪:૧૫) એ વિષે આપણે બાઇબલમાં આપેલા દાખલાઓનો ઉપયોગ કરીને તેઓની સાથે વધારે ચર્ચા કરી શકીએ. (લુક ૮:૪૯-૫૬; યોહાન ૧૧:૩૯-૪૪) આપણે યહોવાહના પ્રેમાળ ગુણો વિષે પણ બતાવી શકીએ. (અયૂબ ૧૪:૧૪, ૧૫; યોહાન ૩:૧૬) આપણે સમજાવી શકીએ કે આ શિક્ષણથી આપણને પોતાને શું લાભ થયો છે અને આપણને શા માટે એના પર પૂરો ભરોસો છે.
૨૦ આવા દુખિયારા લોકોને આપણે રાજ્યગૃહમાં પણ બોલાવવા જોઈએ. ત્યાં આવીને તેઓ જોઈ શકશે કે આપણે ખરેખર એકબીજાની કાળજી રાખીએ છીએ અને આશ્વાસન આપીએ છીએ. સ્વીડનમાં એક સ્ત્રીએ કહ્યું કે તેને બસ આવા જ લોકોની શોધ હતી.—યોહાન ૧૩:૩૫; ૧ થેસ્સાલોનીકી ૫:૧૧.
૨૧ કોઈ ગુજરી ગયું હોય એના લીધે તમારા મંડળમાં કે બહાર લોકો ખૂબ દુઃખી હોય શકે. તેમને કઈ રીતે દિલાસો આપવો એની તમને ખબર ન હોય તો શું? દિલાસા માટેના મૂળ ગ્રીક શબ્દનો અર્થ, “કોઈની પાસે રહેવું” થાય છે. આમ, આપણે તેઓની પાસે રહીને દિલાસો આપી શકીએ.—નીતિવચનો ૧૭:૧૭.
૨૨ જો વ્યક્તિને મરણ વિષે, ખંડણી બલિદાન વિષે અને લોકો પાછા સજીવન થશે એ વિષેના બાઇબલના શિક્ષણની ખબર હોય તો શું? તેઓના ઘરે જવાથી પણ તેઓને દિલાસો મળી શકે. જો વ્યક્તિ કંઈક કહેવા માંગતી હોય તો, તેનું શાંતિથી સાંભળો. એવું ન વિચારો કે આપણે જ તેઓને કંઈક કહેવું જોઈએ. દિલાસા માટે બાઇબલમાંથી કોઈ કલમ વાંચવામાં આવે તો, એ પરમેશ્વર તરફથી છે એ રીતે જુઓ. એ તમને બંનેને દૃઢ કરશે. શા માટે એ વચનમાં તમને ભરોસો છે એની તમે બંને ચર્ચા કરો. આમ, આપણે પરમેશ્વર જેવી દયા બતાવીને અને બાઇબલમાંથી સત્ય વિષે વાત કરીને દુઃખી લોકોને દિલાસો આપી શકીશું. વધુમાં, ‘સર્વ દિલાસાના દેવ’ યહોવાહ પણ તેઓને શક્તિ આપશે.—૨ કોરીંથી ૧:૩.
[ફુટનોટ્સ]
a જ્ઞાન જે અનંતજીવન તરફ દોરી જાય છે પુસ્તકનું આઠમું પ્રકરણ; રીઝનીંગ ફ્રોમ ધ સ્ક્રીપ્ચર્સ પુસ્તકના પાન ૩૯૩-૪૦૦, ૪૨૭-૩૧; ઇઝ ધેર અ ક્રિએટર હુ કેર્સ અબાઉટ યુ? પુસ્તકનું દસમું પ્રકરણ; અને દેવ આપણી પાસે શું માંગે છે? મોટી પુસ્તિકા જુઓ.
તમે શું જવાબ આપશો?
• કુદરતી આફતો માટે લોકો કોને દોષ દે છે? આપણે તેઓને કઈ રીતે મદદ કરી શકીએ?
• દુઃખી લોકોને બાઇબલમાંથી દિલાસો આપવા માટે આપણે કઈ રીતે મદદ કરી શકીએ?
• તમારા વિસ્તારમાં લોકો કઈ બાબતોને લીધે દુઃખી હોય છે અને તમે તેઓને કઈ રીતે દિલાસો આપી શકો?
[અભ્યાસ પ્રશ્નો]
૧, ૨. આપણે કોને દિલાસો આપીએ છીએ અને શા માટે?
૩. ‘શા માટે ઈશ્વર દુઃખો આવવા દે છે,’ એવી ચિંતા કરતા લોકોને આપણે કઈ રીતે મદદ કરી શકીએ?
૪. પોલૅન્ડમાં એક નિરાશ યુવતીને કઈ રીતે સાક્ષી બહેને મદદ કરી અને આ અનુભવથી તમે કઈ રીતે બીજાઓને મદદ કરી શકશો?
૫. આપણે કઈ રીતે દિલાસો આપી શકીએ?
૬. આપણે લોકોને શું સમજવામાં મદદ કરવી જોઈએ જેથી, તેઓ બાઇબલમાંથી પૂરો દિલાસો મેળવી શકે?
૭. (ક) કલમમાં “ખ્રિસ્તને આશરે” પરમેશ્વર પુષ્કળ દિલાસો આપે છે, એના પર ભાર મૂકવાથી શું થઈ શકે? (ખ) પોતાના ખોટાં કામોને લીધે મુશ્કેલી આવી પડી છે એવું માનતી વ્યક્તિને આપણે કઈ રીતે દિલાસો આપી શકીએ?
૮, ૯. જોરજુલમ સહન કરનારાઓને આપણે કઈ રીતે દિલાસો આપી શકીએ?
૧૦. જીવનમાં ઘણી લડાઈઓ જોઈ હોય તેઓને ટાંકવામાં આવેલી કલમોમાંથી કઈ રીતે દિલાસો મળી શકે?
૧૧. પશ્ચિમ આફ્રિકાની એક સ્ત્રીને કઈ કલમોમાંથી દિલાસો મળ્યો અને શા માટે?
૧૨. (ક) જે લોકોના જીવનમાં પૈસાટકાની તંગી હોય તેઓને કઈ કલમો દિલાસો આપી શકે? (ખ) એશિયામાં એક બહેને કઈ રીતે એક સ્ત્રીને મદદ કરી?
૧૩. (ક) જૂઠાં વચનોને લીધે અમુક લોકો નિરાશ થઈ જાય ત્યારે, બાઇબલમાંથી આપણે કઈ રીતે મદદ કરી શકીએ? (ખ) જો લોકો ખરાબ પરિસ્થિતિ જોઈને એમ કહે કે પરમેશ્વર છે જ નહિ તો, આપણે તેઓને કઈ રીતે મદદ કરી શકીએ?
૧૪, ૧૫. આફતને લીધે ઘણા લોકોને શોક લાગ્યો હતો ત્યારે, યહોવાહના સાક્ષીઓએ શું કર્યું?
૧૬. એલ સાલ્વાડોરમાં ધરતીકંપ થયો ત્યારે, ત્યાંના સાક્ષીઓએ કરેલા પ્રચારનું શું પરિણામ આવ્યું?
૧૭. આફત આવે ત્યારે, આપણે કેવી મદદ કરી શકીએ?
૧૮-૨૦. જેના ઘરમાં કોઈ ગુજરી ગયું હોય તેઓને આપણે કઈ રીતે દિલાસો આપી શકીએ?
૨૧, ૨૨. (ક) બીજાઓને આપણે દિલાસો આપીએ એ માટે શું જરૂરી છે? (ખ) બાઇબલ શિક્ષણને સારી રીતે જાણતા હોય એવા લોકોને આપણે કઈ રીતે દિલાસો આપી શકીએ?
[પાન ૨૩ પર ચિત્ર]
આફત આવી પડે ત્યારે, સુસમાચાર જણાવીને દિલાસો આપીએ
[ક્રેડીટ લાઈન]
રેફ્યુજી કેમ્પ: UN PHOTO 186811/J. Isaac
[પાન ૨૪ પર ચિત્ર]
આપણી હાજરીથી પણ બીજાઓને દિલાસો મળી શકે