પાઠ ૪૪
શું ઈશ્વરને બધાં જ તહેવારો અને ઉજવણીઓ પસંદ છે?
યહોવા ચાહે છે કે આપણે જીવનની મજા માણીએ, કુટુંબીજનો અને મિત્રો સાથે આનંદ-ઉલ્લાસ કરીએ. પણ શું યહોવાને બધી જ ઉજવણીઓ પસંદ છે? ઉજવણીઓ વિશે નિર્ણય લેતી વખતે કઈ રીતે બતાવી શકીએ કે આપણે યહોવાને પ્રેમ કરીએ છીએ?
૧. શા માટે યહોવા મોટા ભાગનાં તહેવારો અને ઉજવણીઓથી નારાજ થાય છે?
તમને જાણીને નવાઈ લાગશે કે મોટા ભાગના તહેવારો બાઇબલ શિક્ષણને આધારે નથી. બની શકે કે અમુક તહેવારો જૂઠી ધાર્મિક માન્યતાઓને આધારે હોય. કદાચ તેઓ મેલીવિદ્યા કે દુષ્ટ દૂતો સાથે અથવા અમર આત્માની માન્યતા સાથે જોડાયેલા હોય. અમુક લોકો અંધશ્રદ્ધાને લીધે અથવા નસીબમાં માનવાને લીધે તહેવારો ઊજવે છે. (યશાયા ૬૫:૧૧) પણ યહોવા પોતાના લોકોને ચેતવણી આપે છે કે, તેઓ ‘પોતાને અલગ કરે અને અશુદ્ધ વસ્તુને અડકે નહિ.’—૨ કોરીંથીઓ ૬:૧૭.a
૨. બધો માન-મહિમા માણસોને અપાતો હોય એવી ઉજવણીઓ વિશે યહોવાને કેવું લાગે છે?
અમુક દિવસો રાજાઓ, નેતાઓ કે શહીદોની યાદમાં ઊજવવામાં આવે છે અને તેઓનું માન-સન્માન કરવામાં આવે છે. બીજા અમુક દિવસોએ રાષ્ટ્રીય પ્રતીકોને માન આપવામાં આવે છે અથવા દેશની આઝાદીની ઉજવણી કરવામાં આવે છે. (૧ યોહાન ૫:૨૧) બીજા અમુક દિવસોએ રાજકીય પક્ષો કે સામાજિક સંગઠનોનાં કામોના ગુણગાન ગાવામાં આવે છે. પણ યહોવા ચેતવણી આપે છે કે આપણે ‘માણસો પર ભરોસો ન રાખીએ.’ (યર્મિયા ૧૭:૫ વાંચો.) જરા વિચારો, જો આપણે કોઈ વ્યક્તિ કે સંગઠનને વધુ પડતું માન આપીશું, તો યહોવાને કેટલું દુઃખ થશે! હવે જો એ વ્યક્તિ કે સંગઠનના વિચારો યહોવાની ઇચ્છાની એકદમ વિરુદ્ધ હોય, તો યહોવાને કેવું લાગતું હશે?
૩. તહેવારો અને ઉત્સવોમાં લોકો એવું શું કરે છે, જે યહોવાને જરાય પસંદ નથી?
બાઇબલમાં લખ્યું છે, ‘વધુ પડતો દારૂ પીવો, બેફામ મિજબાનીઓ અને દારૂની મહેફિલો કરવી’ ખોટું છે. (૧ પિતર ૪:૩) અમુક તહેવારો અને ઉત્સવોમાં લોકો બેકાબૂ થઈ જાય છે અને વ્યભિચાર જેવાં ગંદાં કામો કરે છે. જો આપણે ચાહતા હોઈએ કે યહોવા સાથેના આપણા સંબંધ પર જરાય આંચ ન આવે, તો આપણે એવાં ખરાબ કામોથી દૂર રહેવું જોઈએ.
વધારે જાણો
તહેવારો અને ઉજવણીઓ વિશે સારો નિર્ણય લેવા આપણે શું કરી શકીએ? આપણે કઈ રીતે યહોવાનું દિલ ખુશ કરી શકીએ? ચાલો જોઈએ.
૪. યહોવાને પસંદ નથી એવાં તહેવારો અને ઉજવણીઓથી દૂર રહો
એફેસીઓ ૫:૧૦ વાંચો. પછી આ સવાલોની ચર્ચા કરો:
કોઈ પણ તહેવાર ઊજવવો કે નહિ એનો નિર્ણય લેતા પહેલાં શું પારખવું જોઈએ?
તમારા વિસ્તારમાં લોકો કયા તહેવારો ઊજવે છે?
શું તમને લાગે છે કે યહોવા એવા તહેવારોથી ખુશ થાય છે?
દાખલા તરીકે, શું તમે કદી વિચાર્યું છે કે જન્મદિવસ ઊજવવા વિશે યહોવાને કેવું લાગે છે? બાઇબલમાં ક્યાંય એવું નથી લખ્યું કે યહોવાના કોઈ ભક્તે જન્મદિવસ ઊજવ્યો હોય. પણ બાઇબલમાં બે લોકોના જન્મદિવસ વિશે જણાવ્યું છે, જેઓ યહોવાના ભક્ત ન હતા. ઉત્પત્તિ ૪૦:૨૦-૨૨ અને માથ્થી ૧૪:૬-૧૦ વાંચો. પછી આ સવાલોની ચર્ચા કરો:
આ બંને જન્મદિવસના અહેવાલમાં કઈ વાતો એકસરખી છે?
આ બંને અહેવાલો પ્રમાણે જન્મદિવસ ઊજવવા વિશે યહોવાને કેવું લાગે છે?
તોપણ તમને થાય, ‘હું જન્મદિવસ કે બીજો કોઈ તહેવાર ઊજવું કે ના ઊજવું, શું એનાથી યહોવાને સાચે જ કોઈ ફરક પડે છે?’ નિર્ગમન ૩૨:૧-૮ વાંચો. પછી વીડિયો જુઓ અને નીચે આપેલા સવાલોની ચર્ચા કરો.
યહોવાને શું પસંદ છે એ પારખતા રહેવું કેમ જરૂરી છે?
આપણે એ કઈ રીતે કરી શકીએ?
કઈ રીતે જાણી શકીએ કે યહોવાને કોઈ તહેવાર પસંદ છે કે નહિ?
શું એ તહેવાર બાઇબલ આધારિત છે? એ જાણવા જુઓ કે એ તહેવારની શરૂઆત કઈ રીતે થઈ હતી.
એ દિવસે શું કોઈ વ્યક્તિ, સંગઠન કે રાષ્ટ્રીય પ્રતીકોને વધુ પડતું માન આપવામાં આવે છે? આપણે સૌથી વધારે માન-સન્માન યહોવાને આપીએ છીએ અને આપણને પૂરો ભરોસો છે કે તે જ આપણી બધી મુશ્કેલીઓનો અંત લાવશે.
એ તહેવારમાં લોકો જે રીતરિવાજ પાળે છે અને જે રીતે વર્તે છે, શું એ બાઇબલ ધોરણો પ્રમાણે છે? આપણે પોતાનું ચારિત્ર શુદ્ધ રાખવું જોઈએ.
૫. એવું વર્તન રાખો જેથી બીજાઓ તમારી માન્યતાઓને માન આપે
જ્યારે બીજાઓ તમને એવા તહેવાર ઊજવવા દબાણ કરે જે યહોવાને પસંદ નથી, ત્યારે તેઓને ના પાડવી અઘરું બની શકે. પણ તેઓને પ્રેમથી સમજાવો અને ધીરજ રાખો. એવું તમે કઈ રીતે કરી શકો? એ જાણવા આ વીડિયો જુઓ.
માથ્થી ૭:૧૨ વાંચો. પછી આ સવાલોની ચર્ચા કરો:
યહોવાને ભજતા ન હોય એવા કુટુંબીજનો કોઈ તહેવાર ઊજવશે કે નહિ એ કોણે નક્કી કરવું જોઈએ?
કુટુંબને ખાતરી કરાવો કે ભલે તમે તેઓ સાથે કોઈ તહેવાર ઊજવતા નથી, પણ હજીયે તેઓને પ્રેમ કરો છો અને તેઓની કાળજી રાખો છો. એવી ખાતરી કરાવવા તમે શું કરી શકો?
૬. યહોવા ચાહે છે કે આપણે ખુશ રહીએ
યહોવા ચાહે છે કે આપણે કુટુંબ અને દોસ્તો સાથે ખાઈએ-પીએ અને મોજમજા કરીએ. સભાશિક્ષક ૮:૧૫ વાંચો. પછી આ સવાલની ચર્ચા કરો:
આ કલમથી કઈ રીતે ખબર પડે છે કે યહોવા આપણને ખુશ જોવા માંગે છે?
યહોવા ચાહે છે કે આપણે તેમના ભક્તો સાથે સમય પસાર કરીએ અને આનંદ મનાવીએ. એ વાત આંતરરાષ્ટ્રીય સંમેલનોમાં સાફ જોવા મળે છે. વીડિયો જુઓ.
ગલાતીઓ ૬:૧૦ વાંચો. પછી આ સવાલોની ચર્ચા કરો:
શું તહેવારો ઊજવીને જ બીજાઓનું ‘ભલું કરી’ શકીએ?
તમને ક્યારે વધારે ખુશી મળે છે, તહેવારોમાં ફરજિયાત કંઈક આપવું પડે ત્યારે, કે પછી તમારું મન હોય એ સમયે આપો ત્યારે?
યહોવાના સાક્ષીઓ પોતાનાં બાળકોને કંઈક આપવા માટે કોઈ ખાસ પ્રસંગની રાહ જોતા નથી. જ્યારે પણ તેઓને મન થાય, ત્યારે બાળકો માટે કંઈક ખાસ કરે છે. અમુક વાર તો, વગર કહ્યે તેઓને ભેટ આપે છે અને બાળકો ખુશ થઈ જાય છે. જો તમને બાળકો હોય, તો તમે તેઓ માટે શું ખાસ કરી શકો?
અમુક લોકો કહે છે: “તહેવારો તો કુટુંબ અને મિત્રો સાથે મજા કરવા માટે છે. એની શરૂઆત ગમે ત્યાંથી થઈ હોય, આપણે શું?”
તમે કેવો જવાબ આપશો?
આપણે શીખી ગયા
યહોવા ચાહે છે કે આપણે કુટુંબ અને મિત્રો સાથે મળીને ખુશીઓ મનાવીએ. પણ તે ચાહે છે કે આપણે એવા તહેવારો કે ઉજવણીઓમાં ભાગ ન લઈએ, જે તેમને પસંદ નથી.
તમે શું કહેશો?
કોઈ તહેવાર અથવા ઉજવણી યહોવાને પસંદ છે કે નહિ, એ આપણે કઈ રીતે નક્કી કરી શકીએ?
આપણે તહેવારો કેમ ઊજવતા નથી, એ વિશે કુટુંબ અને મિત્રોને કઈ રીતે સમજાવી શકીએ?
યહોવા ચાહે છે કે આપણે ખુશ રહીએ અને મોજમજા કરીએ. એવું શાના આધારે કહી શકીએ?
વધારે માહિતી
યહોવાના ભક્તો કયા તહેવારો ઊજવતા નથી? એ વિશે આ લેખમાં વાંચો.
“યહોવાના સાક્ષીઓ કેમ અમુક તહેવારો ઊજવતા નથી?” (jw.org/gu પર આપેલો લેખ)
અમે કેમ માનીએ છીએ કે જન્મદિવસની ઉજવણી ઈશ્વરને પસંદ નથી? એનાં ચાર કારણો જોવા આ લેખ વાંચો.
“યહોવાના સાક્ષીઓ કેમ જન્મદિવસ ઊજવતા નથી?” (jw.org/gu પર આપેલો લેખ)
જુઓ કે યહોવાને પ્રેમ કરતા બાળકો તહેવારો દરમિયાન કઈ રીતે તેમને ખુશ કરી શકે.
લાખો ખ્રિસ્તીઓએ નાતાલ ન ઊજવવાનો નિર્ણય લીધો છે. જુઓ કે પોતાના એ નિર્ણય વિશે તેઓ શું કહે છે.