“જુઓ, હું સઘળું નવું બનાવું છું”
“રાજ્યાસન પર જે બેઠેલો છે તેણે કહ્યું, કે જુઓ, હું સઘળું નવું બનાવું છું. વળી તે કહે છે, કે . . . આ વાતો વિશ્વાસયોગ્ય તથા સત્ય છે.”—પ્રકટીકરણ ૨૧:૫.
‘આવતી કાલ કોણે જોઈ છે? કોને ખબર છે કે કાલે શું થશે?’ આપણે ઘણી વાર એવું કહીએ કે વિચારીએ છીએ. ભાવિ વિષે કંઈ પણ કહેવું, એ આપણા હાથની વાત નથી. એટલા માટે જ લોકો ભવિષ્ય વિષે અનુમાન કરતા, અને એ વિષે મોટી મોટી વાતો કરનારા પર ભરોસો મૂકતા પહેલાં બે વાર વિચાર કરે છે. ખરેખર, આવનાર મહિનાઓ કે વર્ષોમાં શું થશે એના વિષે ચોક્કસ વિગતો માનવ ભાખી શકતો નથી.
૨ એક પ્રખ્યાત સામયિક ફોર્બ્સએ “સમય” વિષય પર એક ખાસ અંક બહાર પાડ્યો. એમાં પ્રખ્યાત સમાચાર તંત્રી, રૉબર્ટ ક્રિંગલીએ લખ્યું: “‘સમય’ આગળ દરેકે નમવું પડે છે. પરંતુ ભવિષ્ય ભાખનારાઓએ વધારે પડતું નમવું પડે છે. ભવિષ્ય ભાખવું એ એવી રમત છે જેમાં મનુષ્યો મોટા ભાગે હારે છે. . . . છતાં, કહેવાતા નિષ્ણાતો ભાવિ ભાખવાનું કદી પડતું મૂકતા નથી.”
૩ તમે નોંધ લીધી હશે કે લોકો મિલેનિયમની સાલના કારણે ભવિષ્યમાં વધારે પડતો રસ ધરાવે છે. ગયા વર્ષની શરૂઆતમાં મેક્લીન્સના સામયિકે કહ્યું હતું: “કૅનેડાના મોટા ભાગના લોકો માટે ૨૦૦૦નું વર્ષ ફક્ત સામાન્ય વર્ષ હશે, પરંતુ શક્ય છે કે, ખરેખર નવી શરૂઆત સાથે એનો ભેટો થઈ જાય.” યૉર્ક યુનિવર્સિટીના પ્રોફેસર ક્રિસ ડ્યુડનીની જેમ ઘણા આશા રાખે છે: ‘મિલેનિયમમાં પ્રવેશ કરીને, આપણે એક બહુ જ ભયંકર અને ક્રૂર સદીથી પીછો છોડાવી લઈશું.’
૪ પરંતુ, કૅનેડાના લોકોને કરવામાં આવેલી પૂછપરછથી જાણવા મળે છે કે, મોટા ભાગના લોકોને એમાં જરાય આશા નથી. ફક્ત ૨૨ ટકા લોકો જ “માને છે કે ૨૦૦૦ના વર્ષમાં દુનિયામાં કંઈક સુધારો થશે.” ખરું જોતા, અડધાથી વધારે લોકોએ કહ્યું કે, આવનાર પચાસ વર્ષમાં “બીજું એક વિશ્વયુદ્ધ” પણ થાય તો નવાઈ નહિ. એનાથી દેખીતું છે કે, મોટા ભાગના લોકો જાણે છે કે, નવું મિલેનિયમ કંઈ આપણી સમસ્યાઓ હલ ન કરી શકે, અથવા બધું નવું પણ બનાવી ન શકે. બ્રિટનની રૉયલ સોસાયટીના અગાઉના પ્રમુખ, વૈજ્ઞાનિક માઈકલ એટીયાહે લખ્યું: “ઝડપથી થતા ફેરફારોને જોતા . . . એકવીસમી સદી આપણી સંસ્કૃતિ માટે મોટા મોટા પડકાર ઊભા કરશે. વસ્તીવધારો, મર્યાદિત સાધનો, પ્રદૂષિત વાતાવરણ, અને વધતી જતી ગરીબીની સમસ્યાઓ તો છે જ, અને બને એટલી ઝડપે સુધારવાની જરૂર છે.”
૫ જોકે, તમને થશે, ‘જો મનુષ્ય ભાવિ વિષે જણાવી શકતો જ નથી તો, એ વાત જ જવા દો ને!’ પરંતુ, વિચાર કરો: આપણે માનીએ કે મનુષ્ય ખરું ભાવિ ભાખી શકતો નથી, પણ એનો અર્થ એમ નથી કે એ વિષે કોઈ પણ જણાવી ન શકે. જોકે, કોણ સાચું ભાવિ જણાવી શકે, અને આપણે શા માટે એમાં આશા મૂકવી જોઈએ? આ પ્રશ્નોના જવાબ તમને ખાસ ચાર ભવિષ્યવાણીમાં મળી શકે. એ એક એવા પુસ્તકમાં લખવામાં આવી છે, જે જગત ફરતે મળી આવે છે, અને ઘણા લોકો એ વાંચે છે. પરંતુ, એના વિષે ઘણા લોકોને ગેરસમજણ પણ છે. એ પુસ્તક છે બાઇબલ. બાઇબલ વિષે તમને ગમે તે લાગતું હોય અથવા તમે એનાથી સારી રીતે પરિચિત હો, છતાં એ ચાર મૂળ વચનોને ધ્યાન આપવું તમારા માટે ખૂબ જ જરૂરી છે. ખરું જોતા, એમાં સુંદર, સુખી ભાવિનું વચન આપવામાં આવ્યું છે. વળી, આ મહત્ત્વની ભવિષ્યવાણીઓ જણાવે છે કે, તમારું અને તમારા પ્રિયજનોનું ભવિષ્ય શું હશે.
૬ પહેલી ભવિષ્યવાણી યશાયાહના ૬૫માં અધ્યાયમાં મળી આવે છે. એ વાંચતા પહેલાં તમારા મનમાં દૃશ્ય ઊભું કરો કે, એ ક્યારે લખવામાં આવી, અને કયા સમય વિષે જણાવતી હતી. એ શબ્દો પ્રબોધક યશાયાહે લખ્યા હતા. તે પ્રબોધક યહુદાહનો વિનાશ થયો, એના સો વર્ષ પહેલાં થઈ ગયા. અવિશ્વાસુ યહુદીઓને કારણે યહોવાહે પોતાનું રક્ષણ લઈ લીધું. તેમ જ, બાબેલોનીઓને યરૂશાલેમનો નાશ કરવા દઈને લોકોને બંદીવાસમાં લઈ જવા દીધા. જોકે, ભૂલતા નહિ કે, યશાયાહે ભવિષ્યવાણી કર્યા પછી, લગભગ સોથી વધુ વર્ષો પછી આ બધું બન્યું.—૨ કાળવૃત્તાંત ૩૬:૧૫-૨૧.
૭ ચાલો હવે આપણે એ ભવિષ્યવાણી પૂરી થતા જોઈએ. યહોવાહ દેવની દોરવણીથી યશાયાહે અગાઉથી બતાવ્યું કે, હજુ જેનો જન્મ પણ થયો ન હતો, એ ઈરાની રાજા કોરેશ, બાબેલોન પર વિજય મેળવશે. (યશાયાહ ૪૫:૧) એ જ કોરેશે ૫૩૭ બી.સી.ઈ.માં યહુદીઓ તેઓના વતન પાછા જાય એની ગોઠવણ કરી. આપણે યશાયાહ ૬૫માં અધ્યાયમાં વાંચીએ તેમ, એ નવાઈ પમાડે છે કે યશાયાહે એ પણ ભાખ્યું હતું. તેમણે એ ભવિષ્યવાણીમાં વતનમાં પાછા ફર્યા બાદ ઈસ્રાએલીઓ કેવી હાલતનો આનંદ માણશે એ વિષે લખ્યું.
૮ આપણે યશાયાહ ૬૫:૧૭-૧૯માં વાંચીએ છીએ: “જુઓ, હું નવાં આકાશ તથા નવી પૃથ્વી ઉત્પન્ન કરનાર છું; અને આગલી બીનાઓનું મરણ કરવામાં આવશે નહિ, તેઓ મનમાં આવશે નહિ. પણ હું જે ઉત્પન્ન કરૂં છું, તેને લીધે તમે સર્વકાળ આનંદ કરો ને હરખાઓ; કેમકે હું યરૂશાલેમને આનંદમય તથા તેના લોકને હર્ષમય ઉત્પન્ન કરૂં છું. વળી હું યરૂશાલેમથી આનંદ પામીશ, ને મારા લોકથી હરખાઈશ; તેમાં ફરીથી રૂદન કે વિલાપનો સાદ સાંભળવામાં આવશે નહિ.” ખરેખર, યશાયાહ એવા આનંદ અને ખુશીની વાત કરે છે, જે યહુદીઓએ બાબેલોનમાં માણ્યા નહિ હોય. હવે, “નવાં આકાશ તથા નવી પૃથ્વી” વિષે વિચારો. આ શબ્દો બાઇબલમાં ફક્ત ચાર વખત જોવા મળે છે, જેમાંથી આ પહેલો ઉલ્લેખ છે. એ શબ્દો આપણા ભાવિ સાથે સીધેસીધા જોડાયેલા છે, કેમ કે એ ભાવિ વિષે જણાવે છે.
૯ યશાયાહ ૬૫:૧૭-૧૯ની પહેલી પરિપૂર્ણતા યહુદીઓમાં થઈ. યશાયાહે ભાખ્યા પ્રમાણે, તેઓ બાબેલોનના બંદીવાસમાંથી પોતાના વતન આવ્યા, અને શુદ્ધ ભક્તિ ફરીથી શરૂ કરી. (એઝરા ૧:૧-૪; ૩:૧-૪) જોકે, તેઓ વતનમાં પાછા ફર્યા, એ આ જ પૃથ્વી પર હતું, બીજા કોઈ ગ્રહ પર નહિ. એ સમજવાથી આપણે જાણી શકીશું કે, નવા આકાશ અને નવી પૃથ્વી કહેવાનો યશાયાહનો મતલબ શું હતો. એ સમજવા આપણે નોસ્ટ્રોડામસ અથવા કોઈ ભવિષ્ય ભાખનારની જેમ મન ફાવે એમ અનુમાનો કરવા પડતાં નથી. યશાયાહ જે કહેવા માગતા હતા, એ ખુદ બાઇબલ જણાવે છે.
૧૦ બાઇબલમાં, “પૃથ્વી” હંમેશા આપણો ગ્રહ દર્શાવતી નથી. દાખલા તરીકે, ગીતશાસ્ત્ર ૯૬:૧ કહે છે: “આખી પૃથ્વી, યહોવાહની આગળ ગાઓ.” આપણે જાણીએ છીએ કે આપણો ગ્રહ એટલે કે, જમીન અને સમુદ્ર તો ગાઈ શકતા નથી. પરંતુ, એમાં રહેતા લોકો જરૂર ગાઈ શકે છે. હા, ગીતશાસ્ત્ર ૯૬:૧ પૃથ્વીના લોકોની વાત કરે છે.a તેથી, યશાયાહે ભાખેલી “નવી પૃથ્વી” યહુદીઓના વતનમાં વસેલા લોકોના સમાજને દર્શાવે છે. પરંતુ, યશાયાહ ૬૫:૧૭ના “નવાં આકાશ” વિષે શું? એનો શું અર્થ થાય છે?
૧૧ મેક્લીન્ટોક અને સ્ટ્રોંગ રચિત બાઇબલ, ધર્મશાસ્ત્ર, અને ચર્ચનાં સાહિત્યનો જ્ઞાનકોશ (અંગ્રેજી) જણાવે છે: “ભવિષ્યવાણીનું દૃશ્ય ઊભું થાય છે ત્યારે, આકાશ . . . શાસન કરનારા સમૂહને દર્શાવે છે . . . જે સત્તા ધરાવે છે, લોકો પર રાજ કરે છે. જેમ કે આકાશ પૃથ્વી પર હોય છે, અને જાણે કે પૃથ્વી પર રાજ કરે છે.” પછી આ જ્ઞાનકોશ “આકાશ અને પૃથ્વી” વિષે સમજાવે છે: ‘ભવિષ્યવાણીમાં એનો અર્થ સત્તા ચલાવનારી રાજકીય વ્યવસ્થા છે. આકાશ સર્વોપરી છે; પૃથ્વી એવા લોકો છે, જેઓ પર રાજ કરવામાં આવે છે.’
૧૨ બાબેલનમાંથી પાછા ફરેલા યહુદીઓને જાણે નવું શાસન મળ્યું હતું. એમાં રાજ કરનાર નવા લોકો હતા. રાજા દાઊદના વંશજ, ઝરુબ્બાબેલ અધિકારી, અને યહોશુઆ પ્રમુખ યાજક હતા. (હાગ્ગાય ૧:૧, ૧૨; ૨:૨૧; ઝખાર્યાહ ૬:૧૧) તેઓથી ‘નવું આકાશ’ બન્યું. તેઓ “નવી પૃથ્વી” પર રાજ કરતા હતા. એ પોતાના વતન પાછા ફરેલા લોકોનો એક શુદ્ધ સમાજ હતો, જેઓનો હેતુ યરૂશાલેમ અને એના મંદિરને યહોવાહની શુદ્ધ ભક્તિ માટે ફરીથી બાંધવાનો હતો. આમ, એ સમયે ‘નવાં આકાશ અને નવી પૃથ્વીની’ પહેલી પરિપૂર્ણતા થઈ.
૧૩ જોકે, અહીં આપણે ફક્ત ઇતિહાસ નથી વાંચતા અથવા ફક્ત બાઇબલનું જ્ઞાન લઈ રહ્યા નથી. એમાં તો આપણું ભાવિ સમાયેલું છે! તેથી, હવે આપણે ૨ પીતર ૩:૧૩માં “નવાં આકાશ તથા નવી પૃથ્વી” વિષેની આગળની ભવિષ્યવાણી પર ધ્યાન આપીએ.
૧૪ યહુદીઓ બાબેલોનમાંથી પોતાના વતન પાછા ફર્યા, એના ૫૦૦ વર્ષ બાદ, પીતરે આ લખ્યું. ઈસુના પ્રેષિત તરીકે, તે ‘પ્રભુના’ શિષ્યોને આ પત્ર લખી રહ્યા હતા. (ર પીતર ૩:૨) ચોથી કલમમાં પીતર ઈસુના “આગમનના વચન” વિષે વાત કરે છે, જે આજે બહુ જ મહત્ત્વનું છે. પુષ્કળ પુરાવાઓ બતાવે છે કે, પ્રથમ વિશ્વયુદ્ધથી ઈસુ હાજર છે, સ્વર્ગમાં પરમેશ્વરના રાજ્યના રાજા તરીકે રાજ કરે છે. (પ્રકટીકરણ ૬:૧-૮; ૧૧:૧૫, ૧૮) એ ધ્યાનમાં રાખીને, એ જ અધ્યાયની પીતરની ભવિષ્યવાણીનો વિચાર કરીએ, જેનું ખાસ મહત્ત્વ છે.
૧૫ આપણે ૨ પીતર ૩:૧૩માં વાંચીએ છીએ: “આપણે તેના વચન પ્રમાણે નવાં આકાશ તથા નવી પૃથ્વી જેમાં ન્યાયીપણું વસે છે, તેની વાટ જોઈએ છીએ.” તમે જાણી ચૂક્યા છો કે સ્વર્ગમાં ઈસુ ‘નવાં આકાશના’ મુખ્ય રાજા છે. (લુક ૧:૩૨, ૩૩) પરંતુ બીજી બાઇબલ કલમો જણાવે છે કે, તે એકલા જ રાજ કરતા નથી. ઈસુએ વચન આપ્યું કે પ્રેષિતો અને તેઓના જેવા બીજા શિષ્યો સ્વર્ગમાં જશે. હેબ્રીઓના પત્રમાં, એવા લોકોને પ્રેષિત પાઊલે “સ્વર્ગીય તેડાના ભાગીદાર” કહ્યા. ઈસુએ કહ્યું કે, તેઓ તેમની સાથે સ્વર્ગમાં રાજગાદીએ બેસશે. (હેબ્રી ૩:૧; માત્થી ૧૯:૨૮; લુક ૨૨:૨૮-૩૦; યોહાન ૧૪:૨, ૩) એનો અર્થ એ થાય કે ઈસુની સાથે બીજા પણ આ નવાં આકાશમાં રાજ કરશે. હવે, પીતરે જણાવેલી “નવી પૃથ્વી” શું છે?
૧૬ બાબેલોનથી પોતાના વતન પાછા આવેલા યહુદીઓમાં અગાઉની ભવિષ્યવાણી પૂરી થઈ. એવી જ રીતે, ૨ પીતર ૩:૧૩માં પણ નવાં આકાશની રાજસત્તાને આધીન લોકોનો સમાવેશ થાય છે. આજે લાખો લોકો એવી સત્તાનો ખુશીથી સ્વીકાર કરે છે. તેઓ બાઇબલનાં શિક્ષણથી લાભ મેળવે છે. તેથી, તેઓ એના નિયમોને પાળવા સખત પ્રયત્ન કરી રહ્યા છે. (યશાયાહ ૫૪:૧૩) આ નવો સમાજ આખી દુનિયા ફરતે જોવા મળે છે. એમાં દરેક દેશ, જાતિ, અને ભાષાના લોકો આવી રહ્યા છે. તેઓ એક બનીને પોતાના રાજા, ઈસુ ખ્રિસ્તને આધીન થઈને કામ કરે છે. કેમ નહિ કે તમે પણ આ નવા સમાજનો એક ભાગ બનો?—મીખાહ ૪:૧-૪.
૧૭ પરંતુ, અહીં જ વાત પૂરી થઈ જતી નથી. હજુ તો ભાવિ વિષે વધુ જાણવાનું છે. તમે બીજો પીતર ત્રીજો અધ્યાય વાંચો તો, તમને જલદી જ થનારા મોટા ફેરફારો વિષે જાણવા મળશે. પાંચમી અને છઠ્ઠી કલમમાં પીતર, નુહના દિવસોના જળપ્રલય વિષે જણાવે છે, જેમાં સર્વ દુષ્ટોનો વિનાશ થયો હતો. પછી ૭મી કલમમાં તે જણાવે છે કે, “હમણાંના આકાશ તથા પૃથ્વી” એટલે કે, બધી સરકારો અને પ્રજાઓ “ન્યાયકાળ તથા અધર્મી માણસોના નાશના દિવસ” માટે રાખી મૂકાયેલા છે. (અક્ષરો અમે ત્રાંસા કર્યા છે.) ફરીથી આ બતાવે છે કે “આકાશ તથા પૃથ્વી” શાબ્દિક આકાશ અને આપણો ગ્રહ પૃથ્વી નહિ, પણ લોકો અને એના પરની રાજસત્તાને દર્શાવે છે.
૧૮ પીતર આગળ સમજાવે છે કે, યહોવાહનો આવનાર દિવસ મોટા મોટા ફેરફારો લાવશે. જેથી, ૧૩મી કલમના “નવાં આકાશ તથા નવી પૃથ્વી” આવી શકે. એ કલમને અંતે કહેવામાં આવ્યું છે કે, એમાં ‘ન્યાયપણું વસશે.’ શું એ જણાવતું નથી કે, જલદી જ મહાન ફેરફારો થશે? શું એમાં સઘળી નવી વસ્તુઓનું સુંદર ભાવિ દેખાઈ આવતું નથી, જ્યારે લોકો જીવનનો આનંદ માણી શકશે? તમે એ જોઈ શકતા હો તો, ખરેખર તમે બાઇબલ ભાખે છે, એ સમજો છો, જેની સમજણ બહુ ઓછા લોકોને છે.
૧૯ આપણે યશાયાહના ૬૫માં અધ્યાય અને બીજા પીતરના ત્રીજા અધ્યાયમાં “નવાં આકાશ તથા નવી પૃથ્વી” વિષે જોઈ ગયા. હવે આપણે પ્રકટીકરણ ૨૧માં અધ્યાયમાં ધ્યાન આપીએ, જ્યાં ફરીથી એ વિષે કહેવામાં આવ્યું છે. એ સમજવા માટે, આપણે એની અગાઉના બે અધ્યાયો પર ધ્યાન આપીએ. પ્રકટીકરણના ૧૯માં અધ્યાયમાં સાંકેતિક ભાષામાં યુદ્ધનું વર્ણન થયું છે. આ યુદ્ધ બે દેશોની વચ્ચે નથી. પરંતુ, એમાં એક તરફ ‘દેવનો શબ્દ’ એટલે કે ઈસુ ખ્રિસ્ત છે. (યોહાન ૧:૧, ૧૪) એ સ્વર્ગમાં છે અને આ સંદર્શનમાં તેમની સાથે મોટું સૈન્ય છે. તેઓ કોની સાથે લડી રહ્યા છે? એ જ અધ્યાયમાં બતાવવામાં આવ્યું છે કે, બીજી બાજુ ‘રાજાઓ,’ ‘સેનાપતિઓ’ અને ‘નાના મોટા’ સર્વ છે. આ યુદ્ધ યહોવાહના આવનાર દિવસે થશે, જ્યારે તમામ દુષ્ટતાનો નાશ થશે. (૨ થેસ્સલોનિકી ૧:૬-૧૦) એના પછી વીસમા અધ્યાયમાં ‘ઘરડા સર્પ, શેતાનને’ ઊંડાણમાં નાખી દેવાનું વર્ણન કરવામાં આવ્યું છે. આ ધ્યાનમાં રાખીને હવે એકવીસમા અધ્યાય પર ધ્યાન આપીએ.
૨૦ પ્રેષિત યોહાન ધ્યાન ખેંચતા શબ્દોથી શરૂઆત કરે છે: “મેં નવું આકાશ તથા નવી પૃથ્વી જોયાં: કેમકે પહેલું આકાશ તથા પહેલી પૃથ્વી જતાં રહેલાં છે; અને સમુદ્ર હવે છે જ નહિ.” આપણે પહેલાં જ જોઈ ચૂક્યા છે એમ, અહીં શાબ્દિક આકાશ, પૃથ્વી અને સમુદ્રના જતા રહેવાની વાત નથી. પરંતુ, અગાઉના અધ્યાયોમાં જોયું તેમ, દુષ્ટો અને તેઓની રાજસત્તા જતા રહેશે, જેમાં તેઓના અદૃશ્ય શાસક, શેતાનનો પણ અંત આવશે. ખરેખર, એ ભવિષ્યવાણીનું વચન પૃથ્વી પરના લોકો માટે નવી દુનિયા છે.
૨૧ આ અદ્ભુત ભવિષ્યવચનમાં આગળ જોઈએ તેમ, આપણને ખાતરી આપવામાં આવે છે. ત્રીજી કલમ બતાવે છે કે પરમેશ્વર મનુષ્યો સાથે રહેશે, એટલે કે યહોવાહની ઇચ્છા પૂરી કરનારા પર તે આશીર્વાદ વરસાવશે. (હઝકીએલ ૪૩:૭) યોહાન ચોથી અને પાંચમી કલમમાં આગળ કહે છે: “તે [યહોવાહ] તેઓની આંખોમાંનું દરેક આંસુ લૂછી નાખશે; મરણ ફરીથી થનાર નથી; તેમજ શોક કે રૂદન કે દુઃખ ફરીથી થનાર નથી; પ્રથમની વાતો જતી રહેલી છે. રાજ્યાસન પર જે બેઠેલો છે તેણે કહ્યું, કે જુઓ, હું સઘળું નવું બનાવું છું. વળી તે કહે છે, કે તું લખ; કેમકે આ વાતો વિશ્વાસયોગ્ય તથા સત્ય છે.” કેવી ઉત્તેજન આપનારી ભવિષ્યવાણી!
૨૨ બાઇબલ ભાખે છે, એના પર મનન કરો: ‘પરમેશ્વર તેઓની આંખોમાંથી આંસુ લૂછી નાખશે.’ જોકે, એ આપણી આંખો ચોખ્ખી રાખતા, કે ખુશીના આંસુની વાત તો નહિ જ થતી હોય. ના, પરમેશ્વર જે આંસુ લૂછી નાખશે, એ તો દુઃખ, શોક, નિરાશા, નુકસાન, અને વેદનાના કારણે આવતા આંસુ છે. આપણે એવું કઈ રીતે કહી શકીએ? એ જ કલમ આપણને જણાવે છે કે, ‘મરણ, શોક, રૂદન, કે દુઃખ ફરીથી થનાર નથી.’—યોહાન ૧૧:૩૫
૨૩ શું એ જ સાબિત કરતું નથી કે, કૅન્સર, સ્ટ્રોક, કે હાર્ટ ઍટેકનો અંત આવશે? જરા વિચારો કે મરણ હશે જ નહિ! આપણે સર્વએ કોઈને કોઈ રીતે આપણાં કોઈક પ્રિયજનને ગુમાવ્યા છે. ખરું ને? અહીં દેવનું વચન છે કે, મરણનો અંત આવશે. જેનો અર્થ એમ પણ થાય કે, એ સમયે જન્મ લેનારાં બાળકો ઘરડાં થઈને મરણ નહિ પામે. તેમ જ, ઘડપણમાં થતી જાતજાતની બીમારીઓ, જેમ કે, સાંધાનો દુખાવો, આંખે ઓછું દેખાવું, દમ થવો, કે મોતિયાની બીમારી પણ નહિ હોય.
૨૪ તમે સહમત થશો કે, મરણ, ઘડપણ, અને બીમારી નહિ હોવાથી, શોક અને દુઃખ જરૂર જતા રહેશે. જોકે, સખત ગરીબી, બાળ અત્યાચાર, જાતિભેદ અને રંગભેદને કારણે થતા હિંસક ભેદભાવ વિષે શું? એ બધુ ચાલુ જ રહેશે તો, શું આપણી આંખોમાં આંસુ નહિ આવે? પરંતુ, આ ‘નવાં આકાશ અને નવી પૃથ્વી’ પર કોઈ પણ જાતનો શોક કે દુઃખ લાવનાર દરેક બાબતને કાઢી નાખવામાં આવશે. દુનિયાની હાલતનો નકશો જ બદલાય જશે! જોકે, આપણે “નવાં આકાશ તથા નવી પૃથ્વી” વિષેની ફક્ત ત્રણ ભવિષ્યવાણીની ચર્ચા કરી. એની હજુ એક ભવિષ્યવાણી બાકી છે. એ ખાસ કરીને જણાવશે કે, ‘સઘળું નવું કરવાનું’ દેવે આપેલું વચન તે ક્યારે અને કઈ રીતે પૂરું કરશે. તેમ જ, આપણે કેમ આતુરતાથી એની રાહ જોવી જોઈએ. હવે પછીનો લેખ એ ભવિષ્યવાણી અને આપણા સુખી ભાવિ વિષે ચર્ચા કરે છે.
[ફુટનોટ]
a બીજો ગુજરાતી અનુવાદ આ કલમમાં જણાવે છે: ‘પૃથ્વીના સર્વ લોકો, પ્રભુના ગીત ગાઓ.’ હિન્દી ઓ.વી. બાઇબલમાં આમ વંચાય છે: “હે સર્વ પૃથ્વીના લોકો, યહોવાહને માટે ગાઓ.” ખરેખર, એ સમજી શકાય એમ છે કે, યશાયાહ “નવી પૃથ્વી” દ્વારા વતનમાં પાછા ફરેલા દેવના લોકો વિષે વાત કરી રહ્યા હતા.
શું તમને યાદ છે?
• “નવાં આકાશ તથા નવી પૃથ્વી” વિષે બાઇબલમાં કઈ ત્રણ જગ્યાએ ભાખવામાં આવ્યું છે?
• “નવાં આકાશ તથા નવી પૃથ્વી” વિષેની ભવિષ્યવાણી પ્રથમ યહુદીઓમાં કેવી રીતે પૂરી થઈ?
• પીતરે જણાવેલા “નવાં આકાશ તથા નવી પૃથ્વી” શું છે?
• પ્રકટીકરણનો ૨૧મો અધ્યાય આપણને કયા સુખી ભાવિની આશા આપે છે?
[અભ્યાસ પ્રશ્નો]
૧, ૨. ઘણા લોકો ભાવિ વિષે અનુમાન કરતા, કે ભાવિ ભાખનારાઓ પર ભરોસો મૂકતા કેમ અચકાય છે?
૩, ૪. (ક) કેટલાક લોકો મિલેનિયમ વિષે કઈ આશા ધરાવે છે? (ખ) મોટા ભાગના લોકો ભાવિ વિષે કઈ હકીકત સ્વીકારે છે?
૫. ભાવિ વિષેની ખરી માહિતી આપણને ક્યાંથી મળી શકે?
૬, ૭. યશાયાહની ભવિષ્યવાણી કેવા સંજોગોમાં લખાઈ, અને કઈ રીતે પૂરી થઈ?
૮. યશાયાહે કયું સુખી ભાવિ ભાખ્યું, અને ખાસ કરીને કયા શબ્દો વિચારવા જેવા છે?
૯. યશાયાહ ૬૫:૧૭-૧૯ની ભવિષ્યવાણી કઈ રીતે યહુદીઓમાં પૂરી થઈ?
૧૦. યશાયાહે ભાખેલી “નવી પૃથ્વી” શું દર્શાવે છે?
૧૧. “નવાં આકાશ” શાને દર્શાવે છે?
૧૨. અગાઉ યહુદીઓએ કઈ રીતે “નવાં આકાશ તથા નવી પૃથ્વી” જોયા?
૧૩, ૧૪. (ક) ‘નવું આકાશ તથા નવી પૃથ્વી’ વિષે બીજી કઈ ભવિષ્યવાણી પર હવે ધ્યાન આપવું જોઈએ? (ખ) આજે પીતરની ભવિષ્યવાણી શા માટે મહત્ત્વની છે?
૧૫. “નવાં આકાશ” વિષે પીતરની ભવિષ્યવાણી કઈ રીતે પૂરી થઈ?
૧૬. આજની “નવી પૃથ્વી” શું છે?
૧૭, ૧૮. આપણને ૨ પીતર ૩:૧૩ કેવા પ્રકારના ભાવિની આશા આપે છે?
૧૯. પ્રકટીકરણમાં “નવાં આકાશ તથા નવી પૃથ્વી” વિષે જણાવતા પહેલાં શાનું વર્ણન થાય છે?
૨૦. પ્રકટીકરણ ૨૧:૧ અનુસાર કયા ફેરફારો થશે?
૨૧, ૨૨. યોહાન કયા આશીર્વાદોની ખાતરી આપે છે, અને ‘આંસુ લૂછી નાખવાનો’ શું અર્થ થાય?
૨૩. યોહાનની ભવિષ્યવાણીમાં શાના અંતની ખાતરી અપાઈ છે?
૨૪. ‘નવાં આકાશ અને નવી પૃથ્વીમાં’ કયા આશીર્વાદો મળશે અને હવે પછીના લેખમાં આપણે કઈ ચર્ચા કરીશું?
[પાન ૧૦ પર ચિત્ર]
યહોવાહ દેવે ભાખ્યું હતું તેમ જ, ૫૩૭ બી.સી.ઈ.માં કોરેશે યહુદી લોકોને તેઓના વતન પાછા મોકલ્યા