જીવનના બાગની આતુરતાથી રાહ જોઈએ!
“તું મારી સાથે જીવનના બાગમાં હોઈશ.”—લુક ૨૩:૪૩.
૧, ૨. જીવનના બાગ વિશે લોકો શું વિચારે છે?
અલગ અલગ દેશોમાંથી ઘણાં ભાઈ-બહેનો કોરિયાના સેઉલ શહેરમાં સંમેલન માટે આવ્યાં હતાં. તેઓ પોતાના દેશ પાછાં ફરી રહ્યાં હતાં ત્યારે, કોરિયાનાં ભાઈ-બહેનો તેઓને ઘેરી વળ્યાં. તેઓ એકબીજાને આવજો કહેતાં આમ કહી રહ્યાં હતાં: “નવી દુનિયામાં ફરી મળીશું.” એ દૃશ્ય ખરેખર દિલને સ્પર્શી જાય એવું હતું! તેઓ નવી દુનિયાની, એટલે કે જીવનના બાગની વાત કરી રહ્યા હતા. જીવનનો બાગ શું છે?
૨ જીવનના બાગ વિશે લોકોના મનમાં જુદા જુદા વિચારો છે. અમુકને એ સપનાની દુનિયા જેવું લાગે છે. બીજાઓ માને છે કે એ એવી જગ્યા છે, જ્યાં પુષ્કળ સુખ-શાંતિ મળે છે. એ બાગ વિશે તમે શું વિચારો છો? શું ભાવિમાં બાગ જેવી દુનિયા હશે?
૩. બાઇબલમાં જીવનના બાગ વિશે સૌપ્રથમ ક્યાં લખવામાં આવ્યું છે?
૩ બાઇબલમાં જીવનના બાગ વિશે માહિતી છે. એમાં જણાવ્યું છે કે અગાઉ એવો બાગ હતો અને ભાવિમાં પણ આખી દુનિયા એવી થઈ જશે. જીવનના બાગ વિશે સૌપ્રથમ બાઇબલના પહેલા પુસ્તકમાં લખવામાં આવ્યું છે. ઉત્પત્તિ ૨:૮ જણાવે છે: “યહોવા ઈશ્વરે પૂર્વ તરફ એદનમાં એક વાડી [અથવા આનંદનો બગીચો, કેથલિક ડુએ વર્ઝન (અંગ્રેજી)] બનાવી.” એ વાડી તેમણે માણસને રહેવા માટે આપી. ‘એદનનો’ અર્થ થાય, “આનંદ.” એ વાડી ખરેખર આનંદ આપે એવી જગ્યા હતી. એ વાડી ઘણી સુંદર હતી, જેમાં અઢળક ખોરાક હતો. માણસો અને પ્રાણીઓ હળીમળીને રહેતા હતા.—ઉત. ૧:૨૯-૩૧.
૪. એદન વાડીને શા માટે જીવનનો બાગ કહી શકાય?
૪ “વાડી” માટેના મૂળ હિબ્રૂ શબ્દનું ગ્રીકમાં પરાથેસોસ તરીકે ભાષાંતર થયું છે. મેક્લીન્ટોક અને સ્ટ્રોંગ દ્વારા લખાયેલા જ્ઞાનકોશમાં જણાવવામાં આવ્યું છે કે જો એક ગ્રીક વ્યક્તિ પરાથેસોસ શબ્દ સાંભળે, તો તે આવા બાગની કલ્પના કરે: રમણીય અને વિશાળ જગ્યા હોય; એમાં કશાનો ડર ન હોય; ફળોથી લચી પડેલાં ઝાડ હોય; કાચ જેવું પાણી ઝરણાંમાં ખળખળ વહી રહ્યું હોય; હરણ અને ઘેટાંના ટોળાં ચરી રહ્યા હોય; લીલોતરી તો એટલી કે જાણે ધરતીએ લીલી ચાદર ના ઓઢી હોય! આ વર્ણન પરથી કહી શકાય કે એદન વાડી જીવનના બાગ જેવી હતી.—ઉત્પત્તિ ૨:૧૫, ૧૬ સરખાવો.
૫, ૬. આદમ અને હવાએ શા માટે બાગ છોડવો પડ્યો? ઘણાના મનમાં કેવી શંકા થઈ શકે?
૫ આપણે ઉપર જોઈ ગયા, એવો બાગ યહોવાએ આદમ અને હવાને ઘર તરીકે આપ્યો હતો. પણ તેઓએ યહોવાનું કહ્યું માન્યું નહિ. એટલે તેઓએ એ બાગ છોડવો પડ્યો. એટલું જ નહિ, તેઓનાં બાળકોને પણ એમાં રહેવાનો મોકો ન મળ્યો. (ઉત. ૩:૨૩, ૨૪) પછી એ બાગ માણસો વગર સૂમસામ થઈ ગયો. એવું લાગે છે કે નુહના જળપ્રલય સુધી એ બાગ હતો.
૬ પૃથ્વી પર ફરીથી જીવનનો બાગ હશે કે નહિ, એવી ઘણાના મનમાં શંકા થઈ શકે. એટલે, આ સવાલો પર ધ્યાન આપવું જોઈએ: એ વિશે હકીકતો શું જણાવે છે? કદાચ તમે સગાં-વહાલાં સાથે એવી સુંદર ધરતી પર રહેવાની આશા રાખતા હશો. તમે શાને આધારે એવી આશા રાખો છો? તમે શા માટે પાકી ખાતરીથી કહી શકો કે ભાવિમાં ધરતી ફરીથી ખીલી ઊઠશે?
ભાવિમાં આવનાર નવી દુનિયાનો પુરાવો
૭, ૮. (ક) ઈશ્વરે ઈબ્રાહીમને કયું વચન આપ્યું હતું? (ખ) ઈશ્વરના વચનથી ઈબ્રાહીમના મનમાં કયો વિચાર આવ્યો હશે?
૭ એના સાચા જવાબો આપણને બાઇબલમાંથી જ મળી શકે. બાઇબલ આપનાર તો યહોવા છે, જેમણે જીવનનો બાગ બનાવ્યો હતો. યહોવાએ પોતાના મિત્ર ઈબ્રાહીમને જે કહ્યું એનો વિચાર કરો. તેમણે કહ્યું કે તે ઈબ્રાહીમના સંતાનોને “સમુદ્રના કાંઠાની રેતી જેટલાં” વધારશે. પછી ઈશ્વરે ઈબ્રાહીમને આ મહત્ત્વનું વચન આપ્યું: “તારા વંશમાં પૃથ્વીના સર્વ લોક આશીર્વાદ પામશે; કેમ કે તેં મારું કહ્યું માન્યું છે.” (ઉત. ૨૨:૧૭, ૧૮) સમય જતાં, ઈશ્વરે ઈબ્રાહીમના દીકરાને અને પૌત્રને પણ એ જ વચન આપ્યું.—ઉત્પત્તિ ૨૬:૪; ૨૮:૧૪ વાંચો.
૮ શું ઈબ્રાહીમે એવું વિચાર્યું હતું કે એ સુંદર નવી દુનિયા સ્વર્ગમાં હશે અને ત્યાં એ વચન પૂરું થશે? બાઇબલ જણાવે છે કે તેમણે ક્યારેય એવું વિચાર્યું ન હતું. ઈશ્વરે વચન આપ્યું હતું કે ‘પૃથ્વીના સર્વ લોકોને’ આશીર્વાદ મળશે. એ આશીર્વાદ પૃથ્વી પર મળશે એવો વિચાર ઈબ્રાહીમના મનમાં આવ્યો હશે. બાગ જેવી સુંદર દુનિયા પૃથ્વી પર હશે, એનો બાઇબલમાં શું આ એક જ પુરાવો છે?
૯, ૧૦. કયા વચનોથી આપણને આશા મળે છે કે ભાવિમાં પૃથ્વી સુંદર બાગ જેવી બનશે?
૯ ઈશ્વરે ઈબ્રાહીમના વંશજ દાઊદને ભાવિ વિશે લખવાની પ્રેરણા આપી હતી. દાઊદે લખ્યું હતું: “થોડા વખતમાં દુષ્ટો હતા ન હતા થશે.” (ગીત. ૩૭:૧, ૨, ૧૦) ઉપરાંત, “નમ્ર લોકો દેશનું વતન પામશે; અને પુષ્કળ શાંતિમાં તેઓ આનંદ કરશે.” તેમણે એમ પણ જણાવ્યું: “ન્યાયીઓ દેશનો વારસો પામશે, અને તેમાં તેઓ સદાકાળ રહેશે.” (ગીત. ૩૭:૧૧, ૨૯; ૨ શમૂ. ૨૩:૨) ઈશ્વરની ઇચ્છા પૂરી કરવા ચાહતા લોકો પર એ વચનોની કેવી અસર પડી હશે? તેઓને આશા મળી હશે કે ફક્ત ન્યાયી કે સારા લોકો પૃથ્વી પર રહેશે અને પૃથ્વી એદન બાગ જેવી બનશે.
૧૦ સમય જતાં, યહોવાને ભજવાનો દાવો કરનારા મોટા ભાગના ઇઝરાયેલીઓએ તેમનાથી મોં ફેરવી લીધું. તેઓએ સાચી ભક્તિ છોડી દીધી. એટલે ઈશ્વરે બાબેલોનીઓને ઇઝરાયેલીઓ પર હુમલો કરવાની છૂટ આપી. તેઓએ ઇઝરાયેલીઓનો દેશ જીતી લીધો અને તેઓને ગુલામ બનાવીને લઈ ગયા. (૨ કાળ. ૩૬:૧૫-૨૧; યિર્મે. ૪:૨૨-૨૭) પ્રબોધકોએ ભવિષ્યવાણી કરી હતી કે ઈશ્વરના લોકો ૭૦ વર્ષ પછી પોતાના વતન પાછા ફરશે. એ શબ્દો સાચા પડ્યા! એ આપણા માટે પણ મહત્ત્વના છે. આગળ જોઈ ગયા એ બાબતો પરથી આપણી આશા મજબૂત થાય છે કે ભાવિમાં પૃથ્વી સુંદર બાગ જેવી બનશે.
૧૧. યશાયા ૧૧:૬-૯ના શબ્દો પહેલી વાર ક્યારે પૂરા થયા હતા? આપણને કેવો સવાલ થઈ શકે?
૧૧ યશાયા ૧૧:૬-૯ વાંચો. ઈશ્વરે પ્રબોધક યશાયા દ્વારા જણાવ્યું હતું કે ઇઝરાયેલીઓ પોતાના વતન પાછા ફરશે ત્યારે ત્યાં શાંતિ હશે. ત્યાં પ્રાણીઓ કે લોકોનો ડર હશે નહિ. નાના-મોટા સૌ સલામત હશે. એનાથી ચોક્કસ તમારા મનમાં એદન બાગના શાંતિભર્યા માહોલનું ચિત્ર ઊભું થયું હશે. (યશા. ૫૧:૩) યશાયાએ ફક્ત ઇઝરાયેલ દેશ માટે નહિ, પણ આખી પૃથ્વી માટે ભવિષ્યવાણી કરી હતી. તેમણે કહ્યું હતું: “જેમ સમુદ્ર પાણીથી ભરપૂર છે, તે પ્રમાણે પૃથ્વી યહોવાના જ્ઞાનથી ભરપૂર થશે.” કદાચ તમને હજી પણ સવાલ થાય કે એવું ક્યારે થશે?
૧૨. (ક) બાબેલોનથી પાછા ફરેલા ઇઝરાયેલીઓને કેવા આશીર્વાદો મળ્યા હતા? (ખ) યશાયા ૩૫:૫-૧૦ના શબ્દો ભાવિમાં પણ પૂરા થશે, એવું શા પરથી કહી શકાય?
૧૨ યશાયા ૩૫:૫-૧૦ વાંચો. યશાયાએ ફરીથી ભવિષ્યવાણી કરી કે ઇઝરાયેલીઓ બાબેલોનથી પાછા ફરશે ત્યારે, તેઓ પર પ્રાણીઓ કે લોકો હુમલો નહિ કરે. તેમણે કહ્યું હતું કે તેઓના દેશમાં ઢગલાબંધ અનાજ પાકશે. કારણ કે એદન બાગની જેમ ત્યાં પુષ્કળ પાણી હશે. (ઉત. ૨:૧૦-૧૪; યિર્મે. ૩૧:૧૨) શું ભવિષ્યવાણીના બધા શબ્દો એ ઇઝરાયેલીઓના સમયમાં પૂરા થયા હતા? ધ્યાન આપો, ભવિષ્યવાણી એમ પણ જણાવે છે કે આંધળા, બહેરા અને અપંગ લોકોને સાજા કરવામાં આવશે. પણ બાબેલોનથી પાછા ફરેલા ઇઝરાયેલીઓ સાથે તો એવું કંઈ થયું ન હતું. એ શબ્દોથી ઈશ્વર જણાવતા હતા કે બધી બીમારીઓને તે ભાવિમાં દૂર કરશે.
૧૩, ૧૪. ઇઝરાયેલીઓ બાબેલોનથી પાછા ફર્યા ત્યારે યશાયા ૬૫:૨૧-૨૩ના શબ્દો કઈ રીતે સાચા પડ્યા? એ ભવિષ્યવાણીનો કયો ભાગ હજી પૂરો થવાનો બાકી છે? (શરૂઆતનું ચિત્ર જુઓ.)
૧૩ યશાયા ૬૫:૨૧-૨૩ વાંચો. જ્યારે યહુદીઓ પોતાના વતન પાછા ફર્યા, ત્યારે તેઓને સારું ઘર, ખેતર અને દ્રાક્ષાવાડી તૈયાર મળ્યાં ન હતાં. પણ ઈશ્વરના આશીર્વાદથી તેઓ પર સુખનો સૂરજ ઊગ્યો. કલ્પના કરો, તેઓ પોતાનાં ઘરો બાંધીને એમાં રહેતા હશે અને પોતે ઉગાડેલાં ખોરાકની મજા માણતા હશે. એ સમયે તેઓની ખુશીનો કોઈ પાર નહિ હોય!
૧૪ ધ્યાન આપો કે, ભવિષ્યવાણી પ્રમાણે આપણું આયુષ્ય “ઝાડના આયુષ્ય જેટલું” થશે. કેટલાંક ઝાડ હજારો વર્ષો સુધી ટકી રહે છે. જો મનુષ્યો બીમાર ન પડે અને તંદુરસ્ત રહે, તો જ એટલું લાંબું જીવી શકે. આવા લાંબા આયુષ્ય સાથે શાંત અને સુંદર ધરતી પર રહેવા મળે તો જાણે સપનું હકીકત બની જાય. ભાવિમાં ચોક્કસ એવું થશે!
૧૫. યશાયાના પુસ્તકમાં કેવા આશીર્વાદો વિશે જણાવવામાં આવ્યું છે?
૧૫ આપણે જે વચનો જોઈ ગયા, એનાથી ખાતરી મળે છે કે ભાવિમાં દુનિયા સુંદર બાગ જેવી હશે. કલ્પના કરો, પૃથ્વીની દરેક વ્યક્તિ પર ઈશ્વર આશીર્વાદ વરસાવશે. પ્રાણીઓ કે હિંસક લોકો હુમલો કરશે એવી બીક સાથે જીવવું નહિ પડે. આંધળા, બહેરા અને અપંગ લોકોને સાજા કરવામાં આવશે. લોકો પોતાના ઘરો બાંધશે અને પોતે ઉગાડેલાં ખોરાકની મજા માણશે. તેઓ ઝાડ કરતાં પણ વધારે વર્ષો જીવશે. બાઇબલમાં પુરાવા છે કે પૃથ્વી પર બહુ જલદી એવી દુનિયા આવશે. જ્યારે આપણે લોકોને એવી ભવિષ્યવાણીઓ વિશે જણાવીએ છીએ, ત્યારે કેટલાકને શંકા થાય છે. તમે તેઓને શું કહેશો? તમે શા માટે પાકી ખાતરીથી કહી શકો કે ભાવિમાં દુનિયા સુંદર બાગ જેવી થશે? પૃથ્વી પર થઈ ગયેલા સૌથી મહાન માણસ ઈસુએ પોતે એનું કારણ જણાવ્યું છે.
તું જીવનના બાગમાં હોઈશ!
૧૬, ૧૭. ઈસુએ જીવનના બાગ વિશે ક્યારે જણાવ્યું હતું?
૧૬ ઈસુ નિર્દોષ હતા તોપણ તેમને દોષિત ઠરાવવામાં આવ્યા. તેમને મોતની સજા થઈ. તેમને બે યહુદી ગુનેગારો સાથે વધસ્તંભ પર લટકાવવામાં આવ્યા. એક ગુનેગારે સ્વીકાર્યું કે ઈસુ રાજા છે. તેણે કહ્યું: “ઈસુ, તમે તમારા રાજ્યમાં આવો ત્યારે, મને યાદ કરજો.” (લુક ૨૩:૩૯-૪૨) ઈસુએ જવાબમાં ગુનેગારને એક વચન આપ્યું. એ વચન આપણા માટે પણ ઘણું મહત્ત્વનું છે. એ વચન લુક ૨૩:૪૩માં જોવા મળે છે. આ શબ્દોનું ભાષાંતર અલગ અલગ રીતે કરવામાં આવે છે. કેટલાક નિષ્ણાતોને લાગે છે કે મૂળ ભાષામાં એ શબ્દો આ પ્રમાણે હતા: “સાચે જ હું તને કહું છું, આજે તું મારી સાથે જીવનના બાગમાં હોઈશ.” પણ બધા લોકોને લાગતું નથી કે એ સાચો અર્થ છે. તો પછી “આજે” શબ્દનો અર્થ શું થાય?
૧૭ ઘણી ભાષાઓમાં શબ્દો સમજાવવા માટે વિરામચિહ્નો વપરાય છે અથવા શબ્દો કે વાક્યને આગળપાછળ કરવામાં આવે છે. પણ ગ્રીક હસ્તપ્રતોમાં વિરામચિહ્નો બધી જગ્યાએ વપરાયા નથી. એટલે આપણને કદાચ થાય: “શું ઈસુ એમ કહી રહ્યા હતા, ‘સાચે જ હું તને કહું છું, આજે તું મારી સાથે જીવનના બાગમાં હોઈશ.’ કે પછી તે કહી રહ્યા હતા, ‘સાચે જ હું તને આજે કહું છું, તું મારી સાથે જીવનના બાગમાં હોઈશ.’” એટલે, ભાષાંતર કરનારાઓ પોતાની સમજ પ્રમાણે એ વાક્યમાં વિરામચિહ્નો મૂકે છે. એટલે જુદાં જુદાં બાઇબલમાં એ વાક્ય અલગ અલગ રીતે લખેલું જોવા મળે છે.
૧૮, ૧૯. ઈસુએ ગુનેગારને જે વચન આપ્યું, એનો શો અર્થ થતો હતો?
૧૮ ઈસુએ પોતાના મરણ વિશે શિષ્યોને જે કહ્યું હતું, એ યાદ કરો. તેમણે કહ્યું: “માણસનો દીકરો પૃથ્વીના પેટમાં ત્રણ દિવસ અને ત્રણ રાત રહેશે.” તેમણે એમ પણ કહ્યું: “માણસના દીકરાને દગો કરીને લોકોના હાથમાં સોંપવામાં આવશે; અને તેઓ તેને મારી નાખશે અને ત્રીજા દિવસે તેને મરણમાંથી ઉઠાડવામાં આવશે.” (માથ. ૧૨:૪૦; ૧૬:૨૧; ૧૭:૨૨, ૨૩; માર્ક ૧૦:૩૪) પ્રેરિત પીતરે પણ જણાવ્યું કે એ વાત સાચી હતી. (પ્રે.કા. ૧૦:૩૯, ૪૦) જે દિવસે ઈસુ અને પેલો ગુનેગાર મરણ પામ્યા હતા, એ જ દિવસે તેઓ જીવનના બાગમાં ગયા ન હતા. બાઇબલ જણાવે છે કે ઈસુ ત્રણ દિવસ “કબરમાં” હતા, પછી ઈશ્વરે તેમને સજીવન કર્યા.—પ્રે.કા. ૨:૩૧, ૩૨.a
૧૯ ઈસુએ ગુનેગારને વચન આપ્યું ત્યારે તેમણે જણાવ્યું હતું કે, “સાચે જ હું તને આજે કહું છું.” મુસાના સમયમાં પણ વચન આપવા માટે આવા શબ્દો વાપરવામાં આવતા હતા. એકવાર મુસાએ કહ્યું હતું: “આ જે વચનો હું આજે તને ફરમાવું છું તે તારા અંતઃકરણમાં ઠસી રહે.”—પુન. ૬:૬; ૭:૧૧; ૮:૧, ૧૯; ૩૦:૧૫.
૨૦. ઈસુના શબ્દો સમજવા બીજી કઈ માહિતી મદદ કરે છે?
૨૦ મધ્ય પૂર્વ એશિયાના એક બાઇબલ ભાષાંતરકારે કહ્યું: “એ વાક્યમાં ‘આજે’ શબ્દ પર ભાર મૂકવો જોઈએ. એને આ રીતે વાંચવું જોઈએ: ‘સાચે જ હું તને આજે કહું છું, તું મારી સાથે જીવનના બાગમાં હોઈશ.’ ભલે વચન એ દિવસે આપવામાં આવ્યું હતું, પણ એ ભાવિમાં પૂરું થવાનું હતું.” ભાષાંતરકારે એમ પણ જણાવ્યું કે એ વિસ્તારના લોકોની બોલવાની રીત જ એવી હતી. એનો આવો અર્થ થતો: ‘વચન એ દિવસે આપવામાં આવ્યું હતું અને એ ભાવિમાં પૂરું થવાનું હતું.’ એ માટે પાંચમી સદીના સિરીયાક વર્ઝનમાં કલમનું આ રીતે ભાષાંતર થયું છે: ‘આમેન, આજે હું તને કહું છું તું મારી સાથે એદન વાડીમાં હોઈશ.’ એ વચનથી આપણને બધાને ઘણું ઉત્તેજન મળે છે.
૨૧. ઈસુ ગુનેગારને શાના વિશે જણાવી રહ્યા હતા? એવું શા પરથી કહી શકાય?
૨૧ ઈસુએ ગુનેગારને જીવનના બાગ વિશે કહ્યું ત્યારે, તે સ્વર્ગ વિશે કહી રહ્યા ન હતા. એવું શા પરથી કહી શકાય? ઈસુએ વફાદાર પ્રેરિતો સાથે કરાર કર્યો હતો કે તેઓ સ્વર્ગમાં તેમની સાથે રાજ કરશે. એ કરાર વિશે ગુનેગાર જાણતો ન હતો. (લુક ૨૨:૨૯) પાણી કે પવિત્ર શક્તિથી એ ગુનેગારનું બાપ્તિસ્મા થયું ન હતું. (યોહા. ૩:૩-૬, ૧૨) એનો અર્થ થાય કે ગુનેગારને ઈસુ પૃથ્વી પરના જીવનના બાગ વિશે કહી રહ્યા હતા. વર્ષો પછી, પ્રેરિત પાઊલે એક દર્શન વિશે જણાવ્યું. એમાં એક માણસને “જીવનના બાગમાં લઈ જવાયો હતો.” (૨ કોરીં. ૧૨:૧-૪) પાઊલ અને બીજા પ્રેરિતોને સ્વર્ગમાં ઈસુ સાથે રાજા બનવા પસંદ કરવામાં આવ્યા હતા. પણ પાઊલ અહીં ભાવિમાં આવનાર “જીવનના બાગ” વિશે જણાવી રહ્યા હતા.b શું એ જીવનનો બાગ પૃથ્વી પર હશે? શું તમે ત્યાં હશો?
તમે કેવી આશા રાખો છો?
૨૨, ૨૩. તમે કેવી આશા રાખો છો?
૨૨ યાદ કરો, દાઊદે જણાવ્યું કે એવો સમય આવશે, જ્યારે “ન્યાયીઓ દેશનો વારસો પામશે.” (ગીત. ૩૭:૨૯; ૨ પીત. ૩:૧૩) દાઊદ એવા સમય વિશે જણાવી રહ્યા હતા, જ્યારે પૃથ્વી પર બધા લોકો ઈશ્વરના સિદ્ધાંતો પ્રમાણે ચાલશે. યશાયા ૬૫:૨૨ની ભવિષ્યવાણી કહે છે: “ઝાડના આયુષ્ય જેટલું મારા લોકોનું આયુષ્ય થશે.” એ બતાવે છે કે યહોવાની નવી દુનિયામાં તેમના ભક્તો હજારો-લાખો વર્ષો જીવશે. શું એ વાત પર ભરોસો રાખી શકાય? હા, પ્રકટીકરણ ૨૧:૧-૪ પ્રમાણે ઈશ્વર માણસજાત પર આશીર્વાદો વરસાવશે. જેમ કે, “મરણ હશે જ નહિ.”
૨૩ બાઇબલ જીવનના બાગ વિશે સાફ-સાફ જણાવે છે. આદમ અને હવાએ ભલે એ આશીર્વાદ ગુમાવી દીધો પણ પૃથ્વી ફરીથી બાગ જેવી સુંદર બનશે. પૃથ્વીના લોકો પર ઈશ્વર આશીર્વાદ વરસાવશે, ઈશ્વરનું એ વચન પૂરું થશે. દાઊદે કહ્યું હતું કે નમ્ર અને નેક લોકો પૃથ્વીનો વારસો મેળવશે અને હંમેશ માટે જીવશે. યશાયાના પુસ્તકમાં જણાવેલી ભવિષ્યવાણીઓ આશા આપે છે કે સુંદર બાગ જેવી પૃથ્વી પર આપણે જીવનની મજા માણીશું. એવું ક્યારે થશે? ગુનેગારને આપેલું ઈસુનું વચન પૂરું થશે ત્યારે. તમે પણ એ સુંદર દુનિયામાં જઈ શકશો. એ સમયે કોરિયાનાં ભાઈ-બહેનોએ કહેલા આ શબ્દો સાચા પડશે: “નવી દુનિયામાં ફરી મળીશું.”
a પ્રોફેસર સી. માર્વિન પેત લખે છે કે, ‘ઈસુએ વાપરેલા “આજે” શબ્દનો અમુક નિષ્ણાતો આવો અર્થ કાઢે છે: ઈસુ એ જ દિવસે અથવા ૨૪ કલાકની અંદર જ મરણ પામીને જીવનના બાગમાં જશે. પણ નિષ્ણાતોનો આ મત બાઇબલની બીજી હકીકતો સાથે મેળ ખાતો નથી. દાખલા તરીકે, મરણ પછી ઈસુ કબરમાં હતા અને પછીથી સ્વર્ગમાં ગયા.’—માથ. ૧૨:૪૦; પ્રે.કા. ૨:૩૧; રોમ. ૧૦:૭.
b આ અંકમાં આપેલો લેખ જુઓ: “વાચકો તરફથી પ્રશ્નો.”