અગિયારમું પ્રકરણ
બંડખોરોને અફસોસ!
૧. યરોબઆમે કઈ ગંભીર ભૂલ કરી?
યહોવાહ પરમેશ્વર સાથે કરારમાં હતા, એ લોકોના બે રાજ્યોમાં ભાગલા પડ્યા. એ સમયે, ઉત્તરનું દસ-કુળનું રાજ્ય યરોબઆમના હાથમાં આવ્યું. નવો રાજા કુશળ, અને શક્તિશાળી હતો. પરંતુ તેને યહોવાહમાં પૂરો ભરોસો ન હતો. એ જ કારણે, તે એવી ભૂલ કરી બેઠો, જેનાથી ઉત્તરના રાજ્યનું ભાવિ બગડી ગયું. મુસાના નિયમશાસ્ત્ર પ્રમાણે, ઈસ્રાએલીઓને વર્ષમાં ત્રણ વાર યરૂશાલેમના મંદિરે જવાની આજ્ઞા આપવામાં આવી હતી, જે હવે દક્ષિણના રાજ્ય, યહુદાહમાં હતું. (પુનર્નિયમ ૧૬:૧૬) જો કે યરોબઆમને બીક લાગી કે, તેની પ્રજા નિયમિત રીતે દક્ષિણમાંના પોતાના ભાઈઓની મુલાકાત લેશે તો ફરીથી એક થઈ જશે. તેથી, તેણે “સોનાના બે વાછરડા બનાવ્યા; અને તેણે તેમને કહ્યું, કે યરૂશાલેમમાં જવું તમને ઘણું મુશ્કેલ થઈ પડે છે; હે ઇસ્રાએલ, જો, તારા જે દેવો મિસર દેશમાંથી તને કાઢી લાવ્યા તે આ રહ્યા. અને એકને તેણે બેથેલમાં ઊભો કર્યો, ને બીજાને તેણે દાનમાં મૂક્યો.”—૧ રાજાઓ ૧૨:૨૮, ૨૯.
૨, ૩. યરોબઆમની ભૂલની ઈસ્રાએલ પર શું અસર થઈ?
૨ ટૂંક સમય માટે, યરોબઆમની જીત થતી હોય એમ લાગ્યું. ધીમે ધીમે લોકોએ યરૂશાલેમ જવાનું છોડી દીધું, અને બે વાછરડાની પૂજા કરવા માંડ્યા. (૧ રાજાઓ ૧૨:૩૦) જો કે એ દસ-કુળના રાજ્ય પર આ ધાર્મિક ભ્રષ્ટાચારની ખરાબ અસર પડી. અરે યેહૂ, જેણે ઈસ્રાએલમાંથી બઆલનો અંત લાવી દેવા પ્રશંસાપાત્ર કાર્યો કર્યા હતાં, તે પણ પાછલાં વર્ષોમાં, સોનાના વાછરડાની પૂજા કરવા લાગ્યો. (૨ રાજાઓ ૧૦:૨૮, ૨૯) યરોબઆમની ગંભીર ભૂલને કારણે બીજું શું થયું? લોકો માટે રાજકીય ઊથલપાથલ અને દુઃખના દહાડા આવી પડ્યા.
૩ યરોબઆમ ધર્મત્યાગી બન્યો હોવાથી, યહોવાહે કહ્યું કે, તેના વંશજો દેશ પર રાજ ચલાવશે નહિ. છેવટે, ઉત્તરના રાજ પર ભયંકર આફત આવી પડશે. (૧ રાજાઓ ૧૪:૧૪, ૧૫) યહોવાહનું વચન સાચું સાબિત થયું. ઈસ્રાએલના સાત રાજાઓએ માંડ બે વર્ષ રાજ કર્યું, કેટલાકે તો અમુક દિવસો જ રાજ કર્યું. એક રાજાએ આપઘાત કર્યો, અને રાજગાદીની લાલચું વ્યક્તિઓએ બીજા છની કતલ કરી નાખી. ખાસ કરીને, ૮૦૪ બી.સી.ઈ.માં પૂરા થયેલા, યરોબઆમ બીજાના રાજ પછી, ઈસ્રાએલમાં ઊથલપાથલ, હિંસા અને ખૂનામરકી ફાટી નીકળ્યા. એ સમયે યહુદાહમાં ઉઝ્ઝીયાહ રાજ કરી રહ્યો હતો. આવા સંજોગોમાં, યહોવાહે યશાયાહ દ્વારા ઉત્તરના રાજ્યને સીધેસીધી ચેતવણી, અથવા “સંદેશો” મોકલે છે. “પ્રભુએ યાકૂબમાં સંદેશો મોકલ્યો છે, ને ઈસ્રાએલને તે પહોંચ્યો છે.”—યશાયાહ ૯:૮.a
ગર્વ તથા બડાઈ યહોવાહનો કોપ વહોરી લે છે
૪. યહોવાહે ઈસ્રાએલ વિરુદ્ધ કયો “સંદેશો” મોકલ્યો, અને શા માટે?
૪ યહોવાહનો “સંદેશો” ધ્યાન બહાર રહેશે નહિ. ‘એફ્રાઈમ તથા સમરૂનના સર્વ રહેવાસીઓ, કે જેઓ ગર્વથી તથા મનની બડાઈ મારે છે,’ એ સર્વને જાણવું જ પડશે. (યશાયાહ ૯:૯) “યાકૂબ,” “ઈસ્રાએલ,” “એફ્રાઈમ,” અને “સમરૂન” એ સર્વ ઈસ્રાએલના ઉત્તરના રાજ્યમાં આવેલા છે, જેમાં એફ્રાઈમ મુખ્ય કુળ અને સમરૂન પાટનગર છે. એ રાજ્ય વિરુદ્ધ યહોવાહનો સંદેશો સખત ન્યાયચુકાદાનો છે, કેમ કે એફ્રાઈમ ધર્મત્યાગી બન્યું છે, અને યહોવાહ વિરુદ્ધ બડાઈ મારે છે. યહોવાહ લોકોને તેઓની દુષ્ટતાની સજા ભોગવવા દેશે. તેઓએ યહોવાહના સંદેશાને સાંભળીને ધ્યાન આપવું જ પડશે.—ગલાતી ૬:૭.
૫. યહોવાહના ન્યાયચુકાદા વિષે ઈસ્રાએલીઓ કેવા હઠીલા સાબિત થાય છે?
૫ પરિસ્થિતિ બગડતી ગઈ તેમ, લોકો એક પછી એક વસ્તુઓ અને પોતાનાં ઘરો પણ ગુમાવવા માંડે છે, જે સામાન્યપણે ઈંટો અને સસ્તાં લાકડાંનાં હતાં. તેથી, શું તેઓનાં દિલ પીગળે છે? શું તેઓ યહોવાહના પ્રબોધકોનું સાંભળીને સાચા પરમેશ્વર તરફ પાછા ફરે છે?b યશાયાહ એ લોકોનો ઘમંડી જવાબ નોંધે છે: “ઈંટો પડી ગઈ છે, પણ અમે ઘડેલા પથ્થરોથી બાંધીશું; ગુલરઝાડ કાપી નાખવામાં આવ્યાં છે, પણ તેઓને બદલે એરેજવૃક્ષ લાવીશું.” (યશાયાહ ૯:૧૦) ઈસ્રાએલીઓ યહોવાહની સામા થયા, અને તેમના પ્રબોધકો, જેઓ લોકોની મુશ્કેલીઓનું કારણ જણાવતા હતા, તેઓનું ન માન્યું. ખરું જોતાં, લોકો કહે છે: ‘ભલે અમે ઈંટો અને સસ્તા લાકડાના ઘરો ગુમાવ્યાં. હવે, અમે એનાથી પણ ચડિયાતાં ઘડેલા પથ્થરો અને એરેજ વૃક્ષના ઘરો બનાવીશું!’ (અયૂબ ૪:૧૯ સરખાવો.) ખરેખર, તેઓ યહોવાહની શિસ્તને લાયક જ હતા.—યશાયાહ ૪૮:૨૨ સરખાવો.
૬. યહુદાહ વિરુદ્ધ, ઈસ્રાએલ અને અરામનું કાવતરું યહોવાહ કઈ રીતે નિષ્ફળ બનાવે છે?
૬ યશાયાહ આગળ કહે છે: “યહોવાહે રસીનના શત્રુઓને તેના ઉપર ચઢાવ્યા છે.” (યશાયાહ ૯:૧૧ ક) ઈસ્રાએલનો રાજા પેકાહ અને અરામનો રાજા રસીન એક ગાંઠ હતા. તેઓ યહુદાહના બે કુળના રાજ્ય પર જીત મેળવવાનું કાવતરું ઘડતા હતા, અને યરૂશાલેમના યહોવાહના રાજ્યાસન પર “ટાબએલના દીકરાને” કઠપૂતળી સમાન રાજા બનાવવા માંગતા હતા. (યશાયાહ ૭:૬) પરંતુ કાવતરું નિષ્ફળ ગયું. રસીનને શક્તિશાળી દુશ્મનનો સામનો કરવાનો હતો. તેમ જ, યહોવાહ એ શત્રુઓને “તેના,” ઈસ્રાએલ ‘ઉપર ચઢાવે છે.’ ‘ચઢાવવા’ શબ્દનો અર્થ થાય કે, તેઓ વચ્ચે એવી લડાઈ થવા દેવી, જેનાથી તેઓની દોસ્તી અને એનો હેતુ બંને નિષ્ફળ જાય.
૭, ૮. આશ્શૂરે અરામ જીતી લીધું હોવાથી, ઈસ્રાએલની કેવી હાલત થઈ?
૭ આશ્શૂરીઓ અરામ પર ચઢી આવે છે ત્યારે, આ દોસ્તીના અંતની શરૂઆત થાય છે. “આશ્શૂરના રાજાએ દમસ્ક [અરામના પાટનગર] પર ચઢાઈ કરીને તે સર કર્યું, ને તેના લોકોને પકડીને કીર લઇ ગયો, ને રસીનને મારી નાખ્યો.” (૨ રાજાઓ ૧૬:૯) પેકાહે એવો શક્તિશાળી દોસ્ત ગુમાવી દેવાથી, તેને યહુદાહ વિષેની આખી યોજના પર પાણી ફરી વળતું દેખાયું. રસીન માર્યો ગયો એના ટૂંક સમય બાદ, પેકાહને પણ હોશિયાએ મારી નાખ્યો, અને સમરૂનનું રાજ પડાવી લીધું.—૨ રાજાઓ ૧૫:૨૩-૨૫, ૩૦.
૮ ઈસ્રાએલનું અગાઉનું દોસ્ત અરામ, હવે શક્તિશાળી આશ્શૂરને તાબે હતું. યશાયાહ ભાખે છે કે, આ નવી રાજકીય સત્તાનો યહોવાહ કેવો ઉપયોગ કરશે: “યહોવાહે . . . તેના [ઈસ્રાએલના] વૈરીઓને ઉશ્કેર્યા છે; પૂર્વ તરફથી અરામીઓને તથા પશ્ચિમથી પલિસ્તીઓને તે ઉશ્કેરશે; તેઓ મુખ પહોળું કરીને ઈસ્રાએલને ગળી જશે. એ સર્વ છતાં તેનો રોષ સમી ગયો નથી, ને તેનો હાથ હજી ઉગામેલો છે.” (યશાયાહ ૯:૧૧ ખ, ૧૨) હા, હવે અરામ ઈસ્રાએલનું દુશ્મન છે. તેથી, ઈસ્રાએલે આશ્શૂર અને અરામના હુમલા માટે તૈયાર રહેવાનું છે. એ આક્રમણ સફળ રહ્યું. આશ્શૂર, સત્તા પડાવી લેનાર હોશિયાને, કરની મોટી રકમની માંગણી કરીને ગુલામ બનાવી લે છે. (થોડાં વર્ષો પહેલાં, આશ્શૂરે ઈસ્રાએલના રાજા, મનાહેમ પાસેથી મોટી રકમ મેળવી હતી.) પ્રબોધક હોશિયાના શબ્દો કેવા સાચા ઠરે છે: “પરદેશીઓએ તેનું [એફ્રાઈમનું] બળ શોષી લીધું છે”!—હોશીયા ૭:૯; ૨ રાજાઓ ૧૫:૧૯, ૨૦; ૧૭:૧-૩.
૯. પલિસ્તીઓએ “પશ્ચિમથી” હુમલો કર્યો, એમ કઈ રીતે કહી શકાય?
૯ શું યશાયાહે કહ્યું ન હતું કે, “પશ્ચિમથી” પલિસ્તીઓ આક્રમણ કરશે? હા. હોકાયંત્રો આવ્યા એ પહેલાં, હેબ્રીઓ સૂર્યોદય તરફ જોઈને દિશા બતાવતા હતા. આમ, “પૂર્વ” સામે હતું, જ્યારે કે, પલિસ્તીઓનું દરિયાકાંઠાનું “પશ્ચિમ” પાછળ હતું. યશાયાહ ૯:૧૨માં જણાવાયેલા ‘ઈસ્રાએલમાં’ આ વખતે, યહુદાહનો પણ સમાવેશ થતો હોય શકે, કારણ કે પલિસ્તીઓએ આહાઝના રાજમાં યહુદાહ પર આક્રમણ કર્યું, જે પેકાહના સમયનો હતો. વળી, યહુદાહનાં અમુક શહેરો અને ગઢ જીતી લીધાં હતાં. ઉત્તરના એફ્રાઈમની જેમ, યહોવાહ પાસેથી યહુદાહને આ યોગ્ય શિસ્ત મળી હતી, કેમ કે એ પણ ધર્મત્યાગી બન્યું હતું.—૨ કાળવૃત્તાંત ૨૮:૧-૪, ૧૮, ૧૯.
‘માથાથી પૂછડા’ સુધી રાષ્ટ્ર બંડખોર છે
૧૦, ૧૧. ઈસ્રાએલની હઠીલાઈને કારણે, યહોવાહ કઈ સજા ફરમાવે છે?
૧૦ ઉત્તરનું રાજ્ય બધી આફતો અને યહોવાહના પ્રબોધકોની કડક ચેતવણી છતાં, બંડ કરવાનું ચાલુ જ રાખે છે. “લોક પોતાને મારનારની તરફ ફર્યા નથી, સૈન્યોના દેવ યહોવાહને તેઓએ શોધ્યો નથી.” (યશાયાહ ૯:૧૩) તેથી, પ્રબોધક કહે છે: “યહોવાહે ઈસ્રાએલનું માથું તથા તેનું પૂછડું, ખજૂરીની ટોચ તથા સરકટ એક જ દિવસે કાપી નાખ્યાં છે. વડીલ તથા માનવંતા તે માથું, અને અસત્ય શિખવનાર પ્રબોધક તે પૂછડું છે. કેમકે આ લોકના નેતાઓ ભૂલવનાર થયા છે; અને તેઓને અનુસરનારાને ખાઇ જવામાં આવ્યા છે.”—યશાયાહ ૯:૧૪-૧૬.
૧૧ “માથું” અને “ટોચ,” “વડીલ તથા માનવંતા” વ્યક્તિઓને દર્શાવે છે, જેઓ દેશના આગેવાનો છે. “પૂછડું” અને “સરકટ” જૂઠા પ્રબોધકોને દર્શાવે છે, જેઓ આગેવાનોને ખુશ કરવા મીઠી મીઠી વાતો કરે છે. એક બાઇબલ તજજ્ઞ લખે છે: “જૂઠા પ્રબોધકોને પૂછડું કહેવામાં આવ્યા છે, કારણ કે તેઓ સાવ પતિત લોકો હતા, અને દુષ્ટ શાસકોની ચમચાગીરી કરીને દોઢડાહ્યા બનતા હતા.” પ્રોફેસર એડવર્ડ જે. યંગ આ જૂઠા પ્રબોધકો વિષે કહે છે: “તેઓ આગેવાનો તો ન હતા, પરંતુ આગેવાનોની હામાં હા ભણી, પાળેલા કૂતરાની જેમ પૂછડી પટપટાવતા, આગળ-પાછળ ફરતા હતા.”—૨ તીમોથી ૪:૩ સરખાવો.
‘અનાથો અને વિધવાઓ’ પણ બંડખોર
૧૨. ઈસ્રાએલીઓમાં ભ્રષ્ટતાની કેવી અસર થઈ હતી?
૧૨ યહોવાહ પોતે વિધવાઓ અને અનાથો માટે લડનાર છે. (નિર્ગમન ૨૨:૨૨, ૨૩) પરંતુ, હવે યશાયાહ કહે છે એ સાંભળો: “પ્રભુ તેમના જુવાનોથી હરખાશે નહિ; અને તેઓના અનાથો પર, તથા તેમની વિધવાઓ પર દયા રાખશે નહિ; કેમકે તેઓ સર્વ અધર્મી, ને પાપ કરનારા છે, ને સર્વ મુખો મૂર્ખાઇની વાતો બોલે છે. એ સર્વ છતાં તેનો રોષ સમી ગયો નથી, ને તેનો હાથ હજી ઉગામેલો છે.” (યશાયાહ ૯:૧૭) સમાજમાં વિધવાઓ અને અનાથો સહિત, બધે જ ધર્મત્યાગની અસર થઈ છે! યહોવાહ ધીરજ રાખીને પ્રબોધકોને મોકલે છે કે, લોકો સુધરે. દાખલા તરીકે, હોશિયા વિનંતી કરે છે: “હે ઈસ્રાએલ, તારા દેવ યહોવાહની પાસે પાછો આવ; કેમકે તું તારા અન્યાયને લીધે પડી ગયો છે.” (હોશીયા ૧૪:૧) વિધવાઓ અને અનાથોની પ્રેમાળ કાળજી લેનાર યહોવાહને, તેઓ પર ન્યાયચુકાદો લાવતા કેટલું દુઃખ થયું હશે!
૧૩. યશાયાહના સમયની પરિસ્થિતિમાંથી આપણે શું શીખી શકીએ?
૧૩ આપણે પણ યશાયાહની જેમ, યહોવાહ દુષ્ટતાનો અંત લાવે એ પહેલાંના મુશ્કેલ સમયમાં જીવીએ છીએ. (૨ તીમોથી ૩: ૧-૫) તેથી, સાચા ખ્રિસ્તીઓ માટે કેટલું મહત્ત્વનું છે કે, જીવનના ગમે તે સંજોગોમાં ધાર્મિક, નૈતિક, અને માનસિક રીતે શુદ્ધ રહીએ અને યહોવાહની કૃપા પામીએ. આપણે દરેક યહોવાહ સાથેના સંબંધને અમૂલ્ય ખજાનાની જેમ સાચવીએ. મહાન બાબેલોન છોડનારાઓ ફરી કદી પણ ‘તેનાં પાપના ભાગીદાર ન થાય.’—પ્રકટીકરણ ૧૮:૨, ૪.
જૂઠી ભક્તિ હિંસા પોષે છે
૧૪, ૧૫. (ક) ભૂતોની ભક્તિથી શું પરિણમે છે? (ખ) ઈસ્રાએલ વિરુદ્ધ કઈ બાબતો વિષે યશાયાહ ભાખે છે?
૧૪ જૂઠી ભક્તિ ખરેખર ભૂતોની ભક્તિ છે. (૧ કોરીંથી ૧૦:૨૦) જળપ્રલય આવ્યા પહેલાં બન્યું હતું એમ, ભૂતો હિંસા ઉશ્કેરે છે. (ઉત્પત્તિ ૬:૧૧, ૧૨) તેથી, એમાં કંઈ નવાઈ નથી કે, ઈસ્રાએલે ધર્મત્યાગ કર્યો અને ભૂતોની ભક્તિ કરવા માંડ્યું ત્યારે, દેશ હિંસા અને જુલમથી ભરાઈ ગયો.—પુનર્નિયમ ૩૨:૧૭; ગીતશાસ્ત્ર ૧૦૬:૩૫-૩૮.
૧૫ આખા ઈસ્રાએલમાં પ્રસરી ગયેલી હિંસા અને જુલમનું વર્ણન કરતા યશાયાહ કહે છે: “દુષ્ટતા દવની પેઠે બળે છે; તે કાંટાને તથા ઝાંખરાંને બાળી નાખે છે; તેથી વનની ઝાડીઓ સળગી ઊઠે છે, એટલે તેના ધુમાડાના ગોટેગોટા ચક્કર ખાતાં ચઢી જાય છે. સૈન્યોના દેવ યહોવાહના કોપથી દેશ બળી જાય છે, અને લોક અગ્નિના બળતણ જેવા થાય છે; કોઈ માણસ પોતાના ભાઈ પર દયા રાખતો નથી. કોઈક જમણે હાથે ખુંચવી લેશે, તોપણ ભૂખ્યો રહેશે; અને ડાબે હાથે ખાઈ જશે, તો પણ તેઓ ધરાશે નહિ; તેઓમાંનો દરેક પોતાના ભુજનું માંસ ખાઇ જશે; મનાશ્શેહ એફ્રાઇમને તથા એફ્રાઈમ મનાશ્શેહને ખાઈ જશે; તેઓ બન્ને યહુદાહની સામે થશે. એ સર્વ છતાં તેનો રોષ સમી ગયો નથી, ને તેનો હાથ હજી ઉગામેલો છે.”—યશાયાહ ૯:૧૮-૨૧.
૧૬. યશાયાહ ૯:૧૮-૨૧માંના શબ્દો કઈ રીતે પૂરા થયા?
૧૬ કાંટા-ઝાંખરામાં ફેલાતી આગની જેમ, હિંસાની બેકાબૂ આગ પણ “વનની ઝાડીઓ” સળગાવી મૂકી સર્વત્ર ફેલાય જાય છે. એ હિંસા વિષે વર્ણન કરતા, બાઇબલ વિવેચકો કીલ અને ડીલીત્ઝ કહે છે કે, જાણે “પુષ્કળ ધાંધલ-ધમાલ ફાટી નીકળી હોય, જેમાં ક્રૂર રીતે એકબીજાની કતલ થાય. તેમ જ, કોઈ પણ જાતની હમદર્દી વિના, ભૂખ્યા વરુની જેમ તેઓ એકબીજાને ફાડી ખાતા હતા.” અહીં એફ્રાઈમ અને મનાશ્શેહ વિષે એટલા માટે જણાવવામાં આવ્યું હોય શકે, કારણ કે તેઓ ઉત્તરના રાજ્યનો મુખ્ય ભાગ હતા. તેમ જ, યુસફના બે પુત્રોનાં વંશજ હોવાથી, તેઓ દસ કુળના નજીકના સંબંધી હતા. જો કે આ સર્વ છતાં, તેઓ દક્ષિણમાંના યહુદાહ સાથે લડતા ત્યારે જ, જાણે હિંસા કરવાથી શ્વાસ ખાવા થોભતા.—૨ કાળવૃત્તાંત ૨૮:૧-૮.
ભ્રષ્ટ ન્યાયાધીશોનો ન્યાય
૧૭, ૧૮. ઈસ્રાએલના કાયદા અને સરકારી વ્યવસ્થામાં કઈ ભ્રષ્ટતા હતી?
૧૭ હવે, યહોવાહ ભ્રષ્ટ ન્યાયાધીશો અને તેમના સાથીદારોનો ન્યાય કરે છે. આ લોકો પોતાની સત્તાનો દુરુપયોગ કરીને, તેઓ પાસે ન્યાય માંગવા આવતા દુઃખી અને નિરાધાર લોકોને લૂંટે છે. યશાયાહ કહે છે: “જેઓ અન્યાયી કાયદા ઘડે છે, ને જે લેખકો જુલમી ફેંસલા લખે છે; જેથી ગરીબોને ઈન્સાફ મળે નહિ, ને તેઓ મારા લોકમાંના દરિદ્રીઓનો હક છીનવી લે, જેથી વિધવાઓ તેઓનો શિકાર થાય, ને તેઓ અનાથોને લૂંટે, તેઓને અફસોસ!”—યશાયાહ ૧૦:૧, ૨.
૧૮ યહોવાહનું નિયમશાસ્ત્ર દરેક પ્રકારના અન્યાયની મનાઈ ફરમાવે છે: “ઇનસાફ કરવામાં અન્યાય ન કરો; ગરીબને દેખી તેનો પક્ષ ન કર, ને બળિયાનું મોં ન રાખ.” (લેવીય ૧૯:૧૫) એ નિયમને એક બાજુએ મૂકીને, આ ન્યાયાધીશોએ પોતાના “અન્યાયી કાયદા” ઘડ્યા હતા. જેથી, વિધવાઓ અને અનાથો પાસે જે કંઈ વધ્યું-ઘટ્યું હતું, એ પણ પડાવી લઈ શકે. આમ, ચોરી કરીને પણ શાહુકાર બની ફરી શકે. ઈસ્રાએલીઓના જૂઠા દેવો તો અંધ હોવાથી, આ અન્યાય જોઈ શકતા ન હતા. પરંતુ, યહોવાહ જોતા હતા. યશાયાહ દ્વારા, યહોવાહ હવે આ દુષ્ટ ન્યાયાધીશોનો ન્યાય કરે છે.
૧૯, ૨૦. ભ્રષ્ટ ઈસ્રાએલી ન્યાયાધીશોની હાલતમાં કયો ફેરફાર આવશે, અને તેઓની ‘સમૃદ્ધિનું’ શું થશે?
૧૯ “તમે ન્યાયને દિવસે, ને આઘેથી આવનાર વિનાશકાળે શું કરશો? તમે સહાયને સારૂ કોની પાસે દોડશો? તમારી સમૃદ્ધિ ક્યાં મૂકી જશો? બંદીવાનોની ભેગા નમી જવા સિવાય, અને કતલ થએલાની હેઠળ પડી રહ્યા વગર રહેવાશે નહિ.” (યશાયાહ ૧૦:૩, ૪ ક) વિધવાઓ અને અનાથો મદદ માગી શકે, એવા પ્રમાણિક ન્યાયાધીશો રહ્યા જ નથી. તેથી, એ કેટલું યોગ્ય છે કે હવે યહોવાહ ઈસ્રાએલના એ ભ્રષ્ટ ન્યાયાધીશોને પૂછે છે કે, પોતે હિસાબ માંગશે ત્યારે તેઓ કોની પાસે દોડશે. હા, તેઓ શીખશે કે “જીવતા દેવના હાથમાં પડવું એ ભયંકર છે.”—હેબ્રી ૧૦:૩૧.
૨૦ આ દુષ્ટ ન્યાયાધીશોની “સમૃદ્ધિ,” એટલે કે, ધનદોલત અને સત્તા, તેમ જ પદવી અને માન, એ બધું ટૂંક સમય માટે જ છે. કેટલાકને યુદ્ધના બંદીવાનો ભેગા ‘નમી જવું’ પડશે, અથવા બીજા બંદીવાનો સાથે ઘૂંટણે પડવું પડશે. અન્યોની કતલ થઈ જશે, અને તેઓ યુદ્ધથી માર્યા ગયેલા ભેગા મળી જશે. તેમની “સમૃદ્ધિ” અન્યાયી ધન છે, જે દુશ્મનો લૂંટી જશે.
૨૧. ઈસ્રાએલે મેળવેલી શિક્ષાને જોતાં, શું યહોવાહનો કોપ શાંત થઈ ગયો?
૨૧ યશાયાહ આ છેલ્લી કડી ગમગીન ચેતવણી આપી પૂરી કરે છે: “તે સર્વ છતાં [એ દેશે સહન કરેલા સર્વ શાપ છતાં] તેનો રોષ સમી ગયો નથી, ને તેનો હાથ હજી ઉગામેલો છે.” (યશાયાહ ૧૦:૪ ખ) હા, યહોવાહ ઈસ્રાએલને હજુ કંઈક કહેવાના છે. ઉત્તરના બંડખોર રાજ્ય પર આખરી, વિનાશક પ્રહાર ન કરે ત્યાં સુધી યહોવાહનો હાથ ઉગામેલો જ રહેશે.
જૂઠાણા અને સ્વાર્થનો કદી શિકાર ન બનો
૨૨. ઈસ્રાએલ પર જે વીત્યું, એના પરથી આપણે શું શીખી શકીએ?
૨૨ યહોવાહનો કડક સંદેશો ઈસ્રાએલ પર આવી પડ્યો, અને ‘એમાં સફળ થયા વિના તેમની પાસે પાછો વળ્યો નહિ.’ (યશાયાહ ૫૫:૧૦, ૧૧) ઇતિહાસ ઈસ્રાએલના ઉત્તરીય રાજ્યના કરુણ અંતનો અહેવાલ આપે છે. એના લોકોએ સહેવા પડેલાં દુઃખોની આપણે માત્ર કલ્પના જ કરી શકીએ. એવી જ રીતે, આજના જગત પર, ખાસ કરીને ધર્મત્યાગી કહેવાતા ખ્રિસ્તીઓ પર યહોવાહનો સંદેશો જરૂર પૂરો થશે. તેથી, એ કેટલું મહત્ત્વનું છે કે, સાચા ખ્રિસ્તીઓ જૂઠાણાને અને યહોવાહ-વિરોધી કોઈ પણ સંદેશાને ધ્યાન ન આપે! યહોવાહના સંદેશાથી શેતાનની ચાલાકી ખુલ્લી પાડવામાં આવી છે. તેથી, પ્રાચીન ઈસ્રાએલના લોકોની જેમ આપણે એ ચાલાકીમાં ફસાઈ જવાની જરૂર નથી. (૨ કોરીંથી ૨:૧૧) આપણે સર્વ કદી પણ યહોવાહની “આત્માથી તથા સત્યતાથી” ભક્તિ કરવાનું પડતું ન મૂકીએ. (યોહાન ૪:૨૪) એમ કરીશું તો, તેમના ઉગામેલા હાથથી બંડખોર એફ્રાઈમની જેમ, તેમના ભક્તોનો નાશ કરશે નહિ. પરંતુ, તેમના હાથ પ્રેમાળ રીતે તેઓ ફરતે વીંટાળશે. તે તેઓને મદદ કરશે, જેથી તેઓ બગીચા જેવી સુંદર પૃથ્વી પર, હંમેશા સુખી જીવનનો આનંદ માણે.—યાકૂબ ૪:૮.
[ફુટનોટ્સ]
a યશાયાહ ૯:૮–૧૦:૪ એવા ચાર કાવ્યમય ભાગનું બનેલું છે, જેનો અંત એકસરખા અમંગળ વાક્યથી આવે છે: “એ સર્વ છતાં તેનો રોષ સમી ગયો નથી, ને તેનો હાથ હજી ઉગામેલો છે.” (યશાયાહ ૯:૧૨, ૧૭, ૨૧; ૧૦:૪) લેખનની આ કળા યશાયાહ ૯:૮-૧૦:૪ને એક જ ‘સંદેશામાં’ રજૂ કરે છે. (યશાયાહ ૯:૮) એની પણ નોંધ લો કે, ન્યાય કરવા માટે યહોવાહનો “હાથ હજી ઉગામેલો છે.”—યશાયાહ ૯:૧૩.
b ઈસ્રાએલના ઉત્તરના રાજ્યમાં આવેલા પ્રબોધકોમાં યેહૂ, (રાજા નહિ), એલીયાહ, મીખાયાહ, એલીશા, યૂના, ઓદેદ, હોશિયા, આમોસ, અને મીખાહનો સમાવેશ થાય છે.
[પાન ૧૩૯ પર ચિત્ર]
વનમાં લાગેલી આગની જેમ, દુષ્ટતા અને હિંસા ઈસ્રાએલમાં પ્રસરી ગઈ
[પાન ૧૪૧ પર ચિત્ર]
બીજાનો ફાયદો ઉઠાવનારાનો યહોવાહ હિસાબ લેશે