બૂરાઈનો અંત જરૂર આવશે!
ઈશ્વરે આપણને બાઇબલ આપ્યું છે, એમાં બતાવ્યું છે કે શા માટે લોકો દુષ્ટતા કરે છે. એ ઉપરાંત, ઈશ્વરે આપણને નિર્ણયો લેવાની આઝાદી આપી છે. સાથે સાથે પોતાની જાત પર કાબૂ રાખવા શક્તિ પણ આપી છે. આ શક્તિને લીધે આપણે ખોટા નિર્ણયો લેતા અટકી શકીએ છીએ. (પુનર્નિયમ ૩૦:૧૫, ૧૬, ૧૯) આપણે પોતાનામાં રહેલી ખોટી આદતોને પારખીને એને સુધારવા જરૂરી પગલાં લેવાં જોઈએ. આ રીતે આપણે ખોટી બાબતોથી દૂર રહી શકીશું. આમ કરવાથી આપણે સુખી બનીશું અને આપણી આસપાસના લોકોને પણ તકલીફ નહિ પડે.—ગીતશાસ્ત્ર ૧:૧.
જોકે, આપણે ખરાબ કામો ન કરવા ઘણો પ્રયત્ન કરીએ છીએ. છતાં, દુનિયામાં ફેલાયેલા દુષ્ટતાના રોગચાળામાં લોકો વધારે ને વધારે ફસાતા જાય છે. બાઇબલ ચેતવે છે: ‘આ વાતો યાદ રાખ! અંતના સમયમાં મુશ્કેલીના દિવસો આવશે.’ આ દિવસો કેવી રીતે કઠિન બનશે એ બતાવવા બાઇબલ આગળ જણાવે છે: ‘માણસો સ્વાર્થી, પૈસાના લોભી, બડાશ મારનારા અને અભિમાની બની જશે. તેઓ બીજાની નિંદા કરશે, માતાપિતાને આધીન નહીં રહે, કદર નહીં કરનારા હશે. તેઓ દયા વગરના, બદલો લેનારા, અફવા ફેલાવનારા, સંયમ નહિ રાખનારા, ઘાતકી અને સત્યનો નકાર કરનારા હશે. તેઓ દગો દેનારા, અવિચારી, અભિમાનથી ફૂલાઈ ગયેલા અને ઈશ્વર પર પ્રેમ કરવાને બદલે પૈસાને ચાહનારા હશે. ધાર્મિક હોવાનો ઢોંગ કરશે. આવા પ્રકારના માણસોથી તું દૂર રહે.’—૨ તીમોથી ૩:૧-૫, પ્રેમસંદેશ.
ઉપરની બાઇબલ ભવિષ્યવાણીમાં તમારું ધ્યાન કદાચ “અંતના સમય” પર ગયું હશે. એનો તમારા માટે શું અર્થ થાય? સામાન્ય રીતે ‘અંતનો સમય’ કશાના અંતને સૂચવે છે. એ શેનો અંત હોઈ શકે? નોંધ લો કે ઈશ્વરે બાઇબલમાં શું લખાવ્યું છે.
ખરાબ લોકોનો નાશ થશે.
‘થોડા વખતમાં દુષ્ટો હતા ન હતા થશે. તું તેના મકાનને ખંતથી શોધશે, પણ તેનું નામ નિશાન જડશે નહિ. નમ્ર લોકો પૃથ્વીનું વતન પામશે અને પુષ્કળ શાંતિમાં તેઓ આનંદ કરશે.’—ગીતશાસ્ત્ર ૩૭:૧૦, ૧૧.
“જેઓ યહોવાહ પર પ્રેમ રાખે છે તે બધાનું તે રક્ષણ કરે છે; પણ સર્વ દુષ્ટોનો તે સંહાર કરશે.”—ગીતશાસ્ત્ર ૧૪૫:૨૦.
જોરજુલમ હશે નહિ.
‘ગરીબ પોકાર કરે ત્યારે ઈશ્વર તેને છોડાવશે; દુઃખી, જેનો કોઈ મદદગાર નથી, તેનો તે બચાવ કરશે. જુલમમાંથી તે તેઓને છોડાવશે.’—ગીતશાસ્ત્ર ૭૨:૧૨, ૧૪.
‘સૃષ્ટિ પોતે પણ એક દિવસે બૂરાઈની ગુલામીમાંથી મુક્ત થશે, અને ઈશ્વરના પુત્રો સાથે સ્વતંત્રતાની ભાગીદાર થશે.’—રૂમી ૮:૨૧.
લોકોની જરૂરિયાતો પૂરી કરાશે.
‘સર્વ પોતપોતાના દ્રાક્ષાવેલા તળે તથા પોતપોતાની અંજીરી તળે બેસશે; કોઈ તેઓને બીવડાવશે નહિ.’—મીખાહ ૪:૪.
‘તેઓ ઘરો બાંધીને એમાં રહેશે, ને દ્રાક્ષાવાડીઓ રોપીને તેમનાં ફળ ખાશે. તેઓ બાંધશે ને તેમાં બીજો વસશે, એમ નહિ બને. તેઓ રોપશે ને તે બીજો ખાશે, એવું થશે નહિ. કેમ કે ઝાડના આયુષ્ય જેટલું મારા લોકોનું આયુષ્ય થશે, ને મારા લોકો પોતાના હાથોનાં કામોનાં ફળ લાંબા કાળ સુધી ભોગવશે.’—યશાયાહ ૬૫:૨૧, ૨૨.
બધાને ઇન્સાફ મળશે.
‘ઈશ્વર પોતાના પસંદ કરેલા, કે જેઓ તેને રાતદહાડો પોકારે છે, તેઓને ઇન્સાફ શું નહિ આપશે? હું તમને કહું છું કે તે જલદી તેઓને ઇન્સાફ આપશે.’—લુક ૧૮:૭, ૮.
“યહોવાહ ન્યાયને ચાહે છે, તે પોતાના ભક્તોને તજી દેતો નથી. તે તેઓનું સદા રક્ષણ કરે છે.”—ગીતશાસ્ત્ર ૩૭:૨૮.
‘પૃથ્વીના લોકો ઈશ્વરના ન્યાયચુકાદાઓ પરથી સાચું શું છે એ શીખશે.’—યશાયા ૨૬:૯, કોમન લેંગ્વેજ.
‘ઈશ્વરના વચન પ્રમાણે નવાં આકાશ તથા નવી પૃથ્વી જેમાં ન્યાયીપણું વસે છે, તેની વાટ જોઈએ છીએ.’—૨ પીતર ૩:૧૩.
લોકો સુધરી રહ્યાં છે
એમાં કોઈ શંકા નથી કે આપણે બધા આવા વચનોથી ખુશ થઈએ છીએ. પણ શું ખાતરી કે એ બધા વચનો પૂરાં થશે જ? હાલમાં આપણી પાસે પુરાવા છે કે ઈશ્વરે આપેલા વચનો પૂરા થયા છે. એ કયા પુરાવા છે? આજે લાખો લોકો આખી દુનિયા ફરતે સ્વાર્થ, અનૈતિકતા અને હિંસા છોડીને ઇમાનદાર, શાંતિપ્રિય અને નમ્ર બન્યા છે. આખી દુનિયામાં રહેતા સિત્તેર લાખ કરતાં વધુ યહોવાહના સાક્ષીઓ એકતામાં રહે છે.a જ્યારે બીજી તરફ નાત-જાતના ભેદ, રાષ્ટ્રવાદ, રાજકારણ અને અમીરી-ગરીબીના બંધનોને લીધે લોકોએ કેટલીય હિંસા, અત્યાચાર અને લોહીની નદીઓ વહેવડાવી છે. પણ યહોવાહના ભક્તો આવી બધી બાબતોથી દૂર રહ્યા છે. તેઓના સ્વભાવમાં મોટા ફેરફારો જોઈને આપણે ખાતરી રાખી શકીએ કે ઈશ્વરનાં વચનો ચોક્કસ પૂરાં થશે.
ભાવિમાં એ ફેરફારો કઈ રીતે થશે? એનો જવાબ બીજા એક બાઇબલ વચનમાં મળી આવે છે. યશાયાહ નામના ઈશ્વરભક્તે હજારો વર્ષો પહેલાં એ વિષે લખ્યું હતું:
‘વરુ તથા હલવાન સાથે રહેશે, ચિત્તો લવારા પાસે સૂશે; વાછરડું, સિંહ તથા ઢોર એકઠાં રહેશે; અને નાનું છોકરું તેઓને દોરશે. સિંહ ઢોરની જેમ ઘાસ ખાશે. ધાવણું બાળક સાપના દર પર રમશે, ને ધાવણ છોડાવેલું છોકરું નાગના રાફડા ઉપર પોતાનો હાથ મૂકશે. મારા આખા પવિત્ર પર્વતમાં કોઈ પણ નુકસાન કરશે નહિ, તેમ વિનાશ કરશે નહિ; કેમ કે જેમ સમુદ્ર પાણીથી ભરપૂર છે, તે પ્રમાણે પૃથ્વી યહોવાહના જ્ઞાનથી ભરપૂર થશે.’—યશાયાહ ૧૧:૬-૯.
આ ભવિષ્યવચન એવા સમય વિષે વાત કરે છે, જ્યાં પ્રાણીઓ શાંતિથી માણસોની સાથે રહેશે. એ ઉપરાંત એમાં વધારે સારા ભાવિ વિષે પણ જણાવ્યું છે. એ મોટા ફેરફાર થવાનું કારણ શું છે, એ વચનના છેલ્લા ભાગમાં બતાવવામાં આવ્યું છે: “પૃથ્વી યહોવાહના જ્ઞાનથી ભરપૂર થશે.” શું ઈશ્વરનું જ્ઞાન ખતરનાક પ્રાણીઓને શાંત કરી નાખશે? ના, બાઇબલ વચન એવું કંઈ કહેતું નથી. પણ ઈશ્વરનું જ્ઞાન હાલમાં માણસોના સ્વભાવને બદલી રહ્યું છે, અને ભવિષ્યમાં પણ ચોક્કસ બદલશે. આ ભવિષ્યવાણી જણાવે છે કે અનેક એવા લોકો છે જે પહેલાં પ્રાણીઓ જેવું જંગલી વર્તન રાખતા હતા. પણ હવે તેઓએ સ્વભાવ બદલી નાખ્યો છે. કઈ રીતે? બાઇબલમાંથી શીખીને અને ઈસુ જેવો સ્વભાવ કેળવીને.
જરા પૅડ્રોનો વિચાર કરો.b તેને અન્યાય થયો હોવાથી તે આતંકવાદીઓ સાથે જોડાયો. ટ્રેનિંગ આપ્યા પછી, તેને એક પોલીસ રહેઠાણનો ખાતમો કરવાનો ઑર્ડર આપવામાં આવ્યો. એ કામની તૈયારી કરતો હતો એ વખતે જ તે પકડાઈ ગયો. તેને ૧૮ મહિનાની જેલ થઈ. ત્યાં પણ તેણે આતંકવાદીઓ સાથે કોઈને કોઈ યોજના ઘડવાનું ચાલુ રાખ્યું. એ સમયગાળામાં તેની પત્ની યહોવાહના સાક્ષીઓ સાથે બાઇબલ અભ્યાસ કરવા લાગી. જેલમાંથી છૂટ્યા બાદ, પૅડ્રો પણ યહોવાહ ઈશ્વર વિષે શીખવા લાગ્યો. યહોવાહ વિષે જાણવાથી તે પોતાનામાં સુધારો કરી શક્યો. તેણે પોતાનો સ્વભાવ અને જીવન સાવ બદલી નાખ્યું. તેણે કહ્યું ‘હું યહોવાહનો ખૂબ જ આભાર માનું છું કે આતંકવાદી હતો એ દરમિયાન મેં કોઈનો જીવ લીધો નહિ. હવે, હું લોકોને ન્યાય અને શાંતિનો સંદેશો પહોંચાડવા બાઇબલ વાપરું છું જે જાણે તલવાર છે.’ પૅડ્રોએ એ જગ્યાની મુલાકાત લીધી જેને તે ઉડાવી દેવાનો હતો. ત્યાં તેણે શાંતિનો સંદેશો આપ્યો અને લોકોને જણાવ્યું કે ભાવિમાં એવી દુનિયા હશે જ્યાં કોઈ જાતની હિંસા નહિ હોય.
ઈશ્વરનો શબ્દ બહુ જ અસરકારક છે. એ લોકોના જીવનને સાવ બદલી શકે છે. લોકોના જીવનમાં થયેલાં ફેરફારો જોઈને બાઇબલ પર આપણો વિશ્વાસ વધે છે. પણ હાલમાં બૂરાઈ કેમ છે? બાઇબલ કહે છે: “આખું જગત તે દુષ્ટની સત્તામાં રહે છે.” (૧ યોહાન ૫:૧૯) આ દુષ્ટ વ્યક્તિ શેતાન છે. દુનિયામાં થતી બધી દુષ્ટતા પાછળ તેનો હાથ છે. જલદી જ યહોવાહ શેતાનનો નાશ કરશે. એવા લોકોનો પણ નાશ કરશે જેઓ ખોટાં કામો છોડવા માંગતા નથી. પૃથ્વી પરથી બધી દુષ્ટતા નાબૂદ થઈ જશે ત્યારે જીવન જીવવા જેવું હશે!
આવા સુંદર ભાવિમાં જીવવા માટે આપણે કંઈક કરવું જોઈએ. આગળ જોઈ ગયા તેમ, ‘યહોવાહના જ્ઞાનથી’ લોકોનો સ્વભાવ સુધરે છે. નજીકમાં એ જ જ્ઞાનને લીધે આખી દુનિયામાં શાંતિ આવશે. એટલે જરૂરી છે કે પૅડ્રોની જેમ બાઇબલમાંથી જ્ઞાન લેતા રહીએ અને જીવનમાં લાગુ કરીએ. એમ કરીશું તો ‘ન્યાયી નવી દુનિયામાં’ જીવવાનો આનંદ માણી શકીશું. (૨ પીતર ૩:૧૩) અમે તમને અરજ કરીએ છીએ કે હજી તક છે કે તમે ઈશ્વરનું અને ઈસુ ખ્રિસ્તનું જ્ઞાન લો. એમ કરશો તો તમે આવનાર નવી દુનિયામાં સદા માટે જીવી શકશો.—યોહાન ૧૭:૩. (w10-E 09/01)
[ફુટનોટ્સ]
a વધુ માહિતી માટે યહોવાહના સાક્ષીઓએ બહાર પાડેલ બ્રોશર, વીસમી સદીમાં યહોવાહના સાક્ષીઓ જુઓ.
b નામ બદલવામાં આવ્યું છે.
[પાન ૯ પર ચિત્રનું મથાળું]
તમે ‘ન્યાયી નવી દુનિયામાં’ જીવવાનો આનંદ માણી શકો છો.—૨ પીતર ૩:૧૩