ત્રીજું પ્રકરણ
“આવો, આપણે બાબતો થાળે પાડીએ”
૧, ૨. યરૂશાલેમ અને યહુદાહના રાજાઓ તથા લોકોને, યહોવાહ કોની સાથે સરખાવે છે અને શા માટે એ યોગ્ય છે?
યશાયાહ ૧:૧-૯માં ઠપકો મળ્યા પછી, યરૂશાલેમના લોકોએ નિર્દોષ દેખાવા છટકબારી શોધી હોય શકે. તેઓએ યહોવાહ પરમેશ્વરને અર્પેલાં સર્વ અર્પણો વિષે બડાઈ મારવા ચાહ્યું હશે. જો કે યહોવાહ એવા વલણવાળા લોકોને શું કહે છે, એ ૧૦-૧૫મી કલમ જણાવે છે. એની શરૂઆત આમ થાય છે: “હે સદોમના ન્યાયાધીશો, તમે યહોવાહની વાત સાંભળો; હે ગમોરાહના લોક, આપણા દેવના નિયમ શાસ્ત્ર પ્રત્યે કાન દો.”—યશાયાહ ૧:૧૦.
૨ સદોમ અને ગમોરાહના લોકોના વિનાશનું કારણ તેઓના ગંદા જાતીય આચરણો જ ન હતા. પરંતુ, તેઓનું જિદ્દી અને અભિમાની વલણ પણ હતું. (ઉત્પત્તિ ૧૮:૨૦, ૨૧; ૧૯:૪, ૫, ૨૩-૨૫; હઝકીએલ ૧૬:૪૯, ૫૦) યશાયાહનો સંદેશો જેઓને કાને પડ્યો, તેઓ ખૂબ જ આઘાત પામ્યા હશે, કેમ કે તેઓને એ શાપિત શહેરો સાથે સરખામણી થઈ.a પરંતુ, યહોવાહ પોતાના લોકોને સારી રીતે જાણતા હતા. તેમ જ, યશાયાહે પણ તેઓના ‘કાનમાં ખંજવાળ લાવવા’ યહોવાહનો સંદેશો હળવો બનાવ્યો નહિ.—૨ તીમોથી ૪:૩.
૩. લોકોના અર્પણોથી યહોવાહ ‘ધરાઈ ગયા હતા,’ એનો અર્થ શું થતો હતો અને શા માટે એમ બન્યું?
૩ યહોવાહ પોતાના ઢોંગી ભક્તો વિષે જે કહે છે, એની નોંધ લો. “યહોવાહ કહે છે, મારી આગળ તમે પુષ્કળ યજ્ઞો કરો છો તે શા કામના? હું ઘેટાનાં દહનીયાર્પણથી તથા માતેલાં જાનવરોના મેદથી ધરાઇ ગયો છું; અને ગોધા, હલવાન તથા બકરાનું રક્ત મને ભાવતું નથી.” (યશાયાહ ૧:૧૧) એ લોકો ભૂલી ગયા છે કે યહોવાહ કંઈ તેઓનાં અર્પણોની રાહ જોઈને બેઠા નથી. (ગીતશાસ્ત્ર ૫૦:૮-૧૩) તેમને લોકોએ કરેલાં કોઈ પણ અર્પણોની જરૂર નથી. તેથી, તેઓને એમ લાગતું હોય કે, મને-કમને કરેલાં અર્પણોથી તેઓ યહોવાહ પર અહેસાન કરતા હતા, તો એ તેઓની ભૂલ હતી. યહોવાહ પરમેશ્વર અહીં કડક શબ્દો વાપરે છે. તે કહે છે, ‘હું ધરાઈ ગયો છું.’ બીજા શબ્દોમાં એમ કહી શકાય કે જાણે એ “મારા ગળા સુધી આવી ગયું છે,” અથવા “મને ઊબકા આવે છે.” શું તમે કદી અનુભવ કર્યો છે કે તમારું પેટ એટલું બધું ભરાઈ ગયું હોય કે, ખોરાકને જોતા જ કંઈક થવા લાગે? યહોવાહને પણ એ અર્પણો વિષે એવી જ નફરત આવી ગઈ હતી!
૪. યશાયાહ ૧:૧૨ યરૂશાલેમના મંદિરમાં આવતા લોકોનો ઢોંગ કઈ રીતે ખુલ્લો પાડે છે?
૪ યહોવાહ પરમેશ્વર આગળ કહે છે: “તમે મારૂં દર્શન કરવા સારૂ આવો છો, ત્યારે મારાં આંગણાં તમે પગ તળે ખૂંદો છો એમ કરવાને કોણે તમારી પાસે માગ્યું છે?” (યશાયાહ ૧:૧૨) શું પરમેશ્વરનો એવો નિયમ ન હતો કે લોકો ‘તેમની આગળ હાજર થાય,’ એટલે કે યરૂશાલેમના તેમના મંદિરમાં ભેગા થાય? (નિર્ગમન ૩૪:૨૩, ૨૪) હા, પરંતુ તેઓ સાચી ભક્તિ માટે નહિ, પણ ફક્ત દેખાડો કરવા જ ત્યાં આવતા હતા. તેઓ વારંવાર મંદિરના આંગણામાં આવતા હતા, એ યહોવાહને મન તો ફક્ત આંગણું ‘ખૂંદવા’ જેવું જ હતું.
૫. યહુદીઓએ કઈ રીતે ભક્તિ કરી અને શા માટે યહોવાહને એ “બોજારૂપ” લાગી?
૫ હવે યહોવાહ વધુ કડક શબ્દો વાપરે છે, એમાં કંઈ નવાઈ નથી: “બીજાં વ્યર્થ ખાદ્યાર્પણ લાવશો મા; ધૂપ તો મને ધિક્કારપાત્ર લાગે છે; ચંદ્રદર્શન તથા સાબ્બાથ તથા સભા ભેગી કરવી,—અન્યાય [અથવા, અનર્થ કામો] સાથેનો ધર્મમેળો હું સહન કરી શકતો નથી. તમારાં ચંદ્રદર્શનનાં તથા બીજાં પર્વોથી મારૂં મન કંટાળે છે; તેઓ મને બોજારૂપ થઈ પડે છે; સહન કરી કરીને હું થાકી ગયો છું.” (યશાયાહ ૧:૧૩, ૧૪) ખાદ્યાર્પણો, ધૂપ, સાબ્બાથ, અને મેળાવડા, એ સર્વ યહોવાહે ઈસ્રાએલને આપેલા નિયમશાસ્ત્રમાં છે. પરંતુ, “ચંદ્રદર્શન” વિષે નિયમશાસ્ત્રમાં ફક્ત ઉજવણી કરવાનું જણાવાયું હતું, પણ લોકો એમાં ધીમે ધીમે ઘણા રીતરિવાજો ઉમેરતા ગયા. (ગણના ૧૦:૧૦; ૨૮:૧૧) હવે ચંદ્રદર્શનને માસિક સાબ્બાથ તરીકે ગણવામાં આવતું, જ્યારે લોકો કામકાજ કરતા નહિ. અરે તેઓએ તો પ્રબોધકો અને યાજકો પાસે શિક્ષણ મેળવવા ભેગા થવાનું પણ શરૂ કર્યું. (૨ રાજાઓ ૪:૨૩; હઝકીએલ ૪૬:૩; આમોસ ૮:૫) એમ કરવું કંઈ ખોટું ન હતું. પરંતુ તેઓ એ બધુ ફક્ત દેખાડો કરવા પૂરતું જ કરતા હતા. યહુદીઓ યહોવાહના નિયમશાસ્ત્રની ઉજવણીઓ નામ પૂરતી કરતા જઈને, સાથે સાથે ‘અનર્થ કામો,’ અથવા મેલી વિદ્યાનો ઉપયોગ પણ કરતા હતા.b એ માટે, યહોવાહ પરમેશ્વરને તેઓની ભક્તિ “બોજારૂપ” લાગતી હતી.
૬. યહોવાહ કઈ રીતે ‘થાકી ગયા’ હતા?
૬ પરંતુ, યહોવાહ કઈ રીતે ‘થાકી જઈ’ શકે? તે તો ‘મહા સમર્થ . . . છે. તે નિર્ગત થતા નથી, ને થાકતા પણ નથી.’ (યશાયાહ ૪૦:૨૬, ૨૮) ફરીથી, અહીં યહોવાહ સરખામણી કરી રહ્યા છે, જેથી આપણે તેમની લાગણીઓ સમજી શકીએ. શું તમે કદી પણ લાંબા સમય સુધી ભાર ઉપાડ્યો છે? એનાથી તમે એટલા થાકી જાવ કે જાણે એ ગમે ત્યાં નાખી દેવા તૈયાર હોવ? યહોવાહને લોકોની ઢોંગી ભક્તિ માટે પણ એવી જ લાગણી થાય છે.
૭. યહોવાહે પોતાના લોકોની પ્રાર્થના શા માટે સાંભળી નહિ?
૭ હવે યહોવાહ ભક્તિના એકદમ અંગત પાસાં વિષે વાત કરે છે. “જ્યારે તમે પોતાના હાથ જોડશો [‘આકાશ તરફ લંબાવશો,’ IBSI] ત્યારે હું તમારી તરફથી મારી નજર અવળી ફેરવીશ; તમે ઘણી પ્રાર્થનાઓ કરશો, પણ તે હું સાંભળનાર નથી; તમારા હાથ રક્તથી ભરેલા છે.” (યશાયાહ ૧:૧૫) આકાશ તરફ જોઈને હાથ જોડવા કે હાથ લંબાવવાનો અર્થ પ્રાર્થના કરવી થઈ શકે. પરંતુ, યહોવાહને મન એનો કોઈ જ અર્થ નથી, કારણ કે તેઓના હાથ લોહીથી ભરેલા છે. દેશમાં જ્યાં જુઓ ત્યાં હિંસા ચાલી રહી હતી. નિરાધાર લોકો પર પુષ્કળ જુલમ થતો હતો. આવા અત્યાચારી, સ્વાર્થી લોકો કયા મોઢે યહોવાહના આશીર્વાદ માટે પ્રાર્થના કરતા હશે? તેથી, એમાં કંઈ નવાઈ નથી કે યહોવાહે કહ્યું: “હું સાંભળનાર નથી”!
૮. આજે ખ્રિસ્તીરાષ્ટ્ર કઈ ભૂલ કરે છે, અને કઈ રીતે કેટલાક ખ્રિસ્તીઓ એવા જ ફાંદામાં પડે છે?
૮ આજે, ખ્રિસ્તીરાષ્ટ્ર એ જ પ્રમાણે વર્તે છે. જો કે ઢોંગી પ્રાર્થનાઓ અને બીજા ધાર્મિક “કામો” કરીને, એ યહોવાહની કૃપા પામી શક્યું નથી. (માત્થી ૭:૨૧-૨૩) આપણા માટે પણ એ મહત્ત્વની ચેતવણી છે કે એ જ ફાંદામાં ન પડીએ. અમુક સમયે, કોઈ ખ્રિસ્તી ગંભીર પાપમાં પડી જાય છે. પછી, તે વિચારી શકે કે તેણે જે કર્યું, એ વિષે કોઈને જણાવશે નહિ, પણ ખ્રિસ્તી મંડળમાં વધારે કામ કરશે. આમ, જાણે કે તેનાં સારા કર્મો તેનાં પાપ ધોઈ નાખશે. પરંતુ, એવી ઢોંગી ભક્તિથી યહોવાહની કૃપા મેળવી શકાતી નથી. આત્મિક બીમારીનો એક જ ઇલાજ છે, જે યશાયાહની હવે પછીની કલમો જણાવશે.
આત્મિક બીમારીનો ઇલાજ
૯, ૧૦. યહોવાહને ભજવામાં શુદ્ધતા કેટલી મહત્ત્વની છે?
૯ દયાળુ પરમેશ્વર યહોવાહ હવે પ્રેમાળ, વિનંતી કરીને જણાવે છે: “સ્નાન કરો, શુદ્ધ થાઓ; તમારાં ભૂંડાં કર્મો મારી આંખ આગળથી દૂર કરો; ભૂંડું કરવું મૂકી દો; સારૂં કરતાં શીખો; ન્યાય શોધો, જુલમથી દુઃખી થતાં માણસોનું રક્ષણ કરો, [“જુલમગારને રોકો,” NW] અનાથને ઈન્સાફ આપો, વિધવાની હિમાયત કરો.” (યશાયાહ ૧:૧૬, ૧૭) અહીં આપણને અલગ અલગ નવ વિનંતી, અથવા આજ્ઞાઓ મળી આવે છે. પ્રથમ ચાર પાપ દૂર કરવાનું જણાવે છે; છેલ્લી પાંચ સારાં કાર્યો પર ભાર મૂકે છે, જે કરવાથી યહોવાહના આશીર્વાદ મળી શકે.
૧૦ સ્નાન કરવું અને શુદ્ધ થવું એ પવિત્ર ઉપાસનાનો મહત્ત્વનો ભાગ છે. (નિર્ગમન ૧૯:૧૦, ૧૧; ૩૦:૨૦; ૨ કોરીંથી ૭:૧) તેમ જ, યહોવાહ ચાહે છે કે પોતાના ઉપાસકોમાં એ શુદ્ધતા વધુ ઊંડે, છેક હૃદય સુધી જાય. નૈતિક અને આત્મિક શુદ્ધતા સૌથી મહત્ત્વની છે, જે વિષે અહીં ચર્ચા થાય છે. સોળમી કલમની પ્રથમ બે આજ્ઞા કંઈ એકસરખી નથી. હેબ્રી વ્યાકરણના એક વિદ્વાન સૂચવે છે કે, ‘સ્નાન કરવું,’ એ શુદ્ધ થવાનું પહેલું પગલું છે. ‘શુદ્ધ થવું,’ એ સતત શુદ્ધ રહેવાના પ્રયત્નને દર્શાવે છે.
૧૧. પાપ પર જીત મેળવવા આપણે શું કરવું જોઈએ અને કદી પણ શું ન કરવું જોઈએ?
૧૧ આપણે યહોવાહથી કંઈ પણ સંતાડી શકતા નથી. (અયૂબ ૩૪:૨૨; નીતિવચનો ૧૫:૩; હેબ્રી ૪:૧૩) તેથી, “તમારાં ભૂંડાં કર્મો મારી આંખ આગળથી દૂર કરો,” એ આજ્ઞાનો માત્ર એક જ અર્થ થઈ શકે: ભૂંડું કરવાનું બંધ કરો. એટલે કે, ગંભીર પાપો છુપાવવા નહિ, કેમ કે એમ કરવું પણ પાપ છે. નીતિવચનો ૨૮:૧૩ ચેતવણી આપે છે: “જે માણસ પોતાનાં ઉલ્લંઘનો છૂપાવે છે તેની આબાદી થશે નહિ; પણ જે કોઇ તેમને કબૂલ કરીને તેનો ત્યાગ કરે છે, તેઓ પર દયા કરવામાં આવશે.”
૧૨. (ક) શા માટે ‘સારું કરતા શીખવું’ મહત્ત્વનું છે? (ખ) “ન્યાય શોધો” અને “જુલમગારને રોકો,” એવું માર્ગદર્શન ખાસ કરીને વડીલોને કઈ રીતે લાગુ પડે છે?
૧૨ અહીં યશાયાહ ૧:૧૭માં યહોવાહની આજ્ઞાને લગતા સારાં કાર્યો વિષે આપણે ઘણું શીખી શકીએ. તમે નોંધ કરી કે, એમાં માત્ર એમ કહેવામાં નથી આવ્યું કે “સારું કરો,” પણ “સારૂં કરતાં શીખો.” યહોવાહની નજરમાં સારું છે, એ કરવા માટે આપણે તેમની પાસેથી આવતા બાઇબલનું જ્ઞાન લેવું જરૂરી છે. તેમ જ, યહોવાહ કંઈ એમ જ કહેતા નથી કે, “ન્યાય કરો” પણ “ન્યાય શોધો.” અનુભવી વડીલોએ પણ કોઈક બાબતમાં ન્યાય કરવા માટે બાઇબલમાં પૂરેપૂરું સંશોધન કરવાની જરૂર છે. યહોવાહ આગળ આજ્ઞા આપે છે તેમ, ‘જુલમગારને રોકવાની’ પણ તેઓની જવાબદારી છે. આજે ખ્રિસ્તી વડીલો માટે આ સલાહ મહત્ત્વની છે, કેમ કે તેઓ “ક્રુર વરૂઓ” સામે યહોવાહના લોકોને રક્ષણ આપવા માંગે છે.—પ્રેરિતોનાં કૃત્યો ૨૦:૨૮-૩૦.
૧૩. આજે આપણે અનાથ અને વિધવા વિષેની આજ્ઞાઓ કઈ રીતે પાળી શકીએ?
૧૩ છેલ્લી બે આજ્ઞાઓ અનાથ અને વિધવાઓનો સમાવેશ કરે છે. આપણે તેઓનું ખાસ ધ્યાન રાખવાનું છે, કેમ કે જગત તેઓનો ફાયદો ઉઠાવવા માંગે છે. પરંતુ, યહોવાહના લોકોમાં એમ હોવું ન જોઈએ. પ્રેમાળ વડીલો મંડળમાં પિતા વિનાના બાળકોને ‘ઈન્સાફ આપે’ છે. તેમ જ ન્યાય અને રક્ષણ મેળવવા તેઓને મદદ કરે છે. વડીલો વિધવાની ‘હિમાયત કરે’ છે, અથવા હેબ્રી શબ્દનો અર્થ એ પણ થાય કે તેને માટે “જહેમત ઉઠાવે” છે. ખરેખર, આપણે આપણા નિરાધાર ભાઈ-બહેનોને આશ્રય, દિલાસો અને ન્યાય આપવા માંગીએ છીએ, કારણ કે તેઓ યહોવાહને પ્રિય છે.—મીખાહ ૬:૮; યાકૂબ ૧:૨૭.
૧૪. યશાયાહ ૧:૧૬, ૧૭માં કયું ઉત્તેજન આપવામાં આવ્યું છે?
૧૪ આ નવ આજ્ઞાઓ દ્વારા યહોવાહ કેવો દૃઢ કરનારો, સ્પષ્ટ સંદેશો પૂરો પાડે છે! કેટલીક વખત પાપી વ્યક્તિ એવું ધારે છે કે, તે કદી સુધરશે નહિ. એમ માનવું નિરાશાજનક છે. એમ ધારી લેવું ખોટું છે, કેમ કે યહોવાહ જાણે છે કે તેમની મદદથી કોઈ પણ પાપી પોતાનો માર્ગ બદલી શકે છે. તેમ જ, તે આપણને જણાવવા માંગે છે કે પાપી વ્યક્તિ સાચે માર્ગે ચાલી શકે છે.
પ્રેમાળ વિનંતી
૧૫. “આવો આપણે બાબતો થાળે પાડીએ,” ઘણી વખત આ શબ્દોની કઈ ગેરસમજણ થાય છે, પણ એનો ખરો અર્થ શું છે?
૧૫ હવે યહોવાહનો સાદ વધુ પ્રેમાળ અને માયાળુ બને છે. “યહોવાહ કહે છે, આવો, આપણે વિવાદ કરીએ [“બાબતો થાળે પાડીએ,” NW]: તમારાં પાપ જોકે લાલ વસ્ત્રના જેવાં હોય, તો પણ તેઓ હિમ સરખાં શ્વેત થશે; જો તે કીરમજના જેવાં રાતાં હોય, તોપણ તેઓ ઊન સરખાં થશે.” (યશાયાહ ૧:૧૮) આ કલમની શરૂઆતના સુંદર આમંત્રણને ઘણી વખત ખોટી રીતે સમજવામાં આવે છે. દાખલા તરીકે, ઉપર જણાવ્યા પ્રમાણે ગુજરાતી ઓ.વી. બાઇબલ કહે છે, “આવો, આપણે વિવાદ કરીએ.” એટલે કે, જાણે બંને પક્ષો કોઈ સમાધાન કરવા માટે વાદવિવાદ કરે. ખરેખર બાબત એમ નથી! યહોવાહમાં કોઈ જ દોષ નથી! તો પછી આ બંડખોર, ઢોંગી લોકો સાથેના તેમના વહેવારમાં વાંક શોધવાની વાત તો બાજુએ જ રહી. (પુનર્નિયમ ૩૨:૪, ૫) હકીકતમાં, આ કલમ કંઈ બે સરખા પક્ષોની આપ-લે વિષે વાત કરતી નથી. પરંતુ, એ તો ઇન્સાફ કરવા માટેની અદાલત વિષે વાત કરે છે. યહોવાહ જાણે કે ઈસ્રાએલને અદાલતમાં બાબત થાળે પાડવા જણાવે છે.
૧૬, ૧૭. યહોવાહ ગંભીર પાપ પણ માફ કરવા તૈયાર છે, એમ આપણે શા માટે કહીએ છીએ?
૧૬ ખરું કે અદાલતમાં જવાનો વિચાર જ પગ ઢીલા કરી નાખી શકે, પણ યહોવાહ તો દયાળુ અને માયાળુ ન્યાયાધીશ છે. તેમની ક્ષમા અજોડ છે. (ગીતશાસ્ત્ર ૮૬:૫) ઈસ્રાએલના “લાલ વસ્ત્રના જેવા” પાપ, ફક્ત તે જ માફ કરી શકે અને એને “હિમ સરખાં શ્વેત” બનાવી શકે. પાપના ડાઘ કોઈ માનવ, કોઈક ધાર્મિક વિધિ, અર્પણો કે પ્રાર્થનાઓ ધોઈ શકે એમ નથી. ફક્ત યહોવાહની માફી જ પાપ ધોઈ શકે. એવી માફી યહોવાહે કહ્યા પ્રમાણે અને દિલથી કરેલા પસ્તાવા પર આધારિત છે.
૧૭ આ સત્ય એટલું મહત્ત્વનું છે કે યહોવાહ એને ફરીથી કાવ્યમય રીતે જણાવે છે. “કીરમજના જેવાં રાતાં” પાપ પણ નવા, સફેદ ઊન જેવા થશે. યહોવાહ આપણને જણાવવા ચાહે છે કે જો તે આપણામાં સાચો પસ્તાવો જુએ, તો ખરેખર આપણાં પાપ હા, ગંભીર પાપની પણ માફી આપશે. આ સત્ય માનવું અઘરું લાગતું હોય, તેઓએ મનાશ્શેહ જેવી વ્યક્તિનો વિચાર કરવાની જરૂર છે. તેણે ક્રૂર રીતે વર્ષો સુધી પાપ કર્યાં હતાં. તોપણ, ખરેખર પસ્તાવો કર્યો ત્યારે, તેને માફ કરવામાં આવ્યો. (૨ કાળવૃત્તાંત ૩૩:૯-૧૬) યહોવાહ આપણ સર્વને, હા, ગંભીર પાપ કરનારાને પણ જણાવવા માંગે છે કે, ‘બાબતો થાળે પાડવા’ બહુ મોડું થઈ ગયું નથી.
૧૮. યહોવાહે પોતાના બંડખોર લોકો સામે કઈ પસંદગી મૂકી?
૧૮ યહોવાહ પોતાના લોકોને યાદ કરાવે છે કે તેઓએ પસંદગી કરવાની છે. “જો તમે રાજી થઈને મારૂં માનશો, તો દેશની ઉત્તમ પેદાશ ખાશો; પણ જો તમે મારાથી વિમુખ થઈને દ્રોહ કરશો તો તમે તરવારથી માર્યા જશો; કેમકે એ યહોવાહના મુખનું વચન છે.” (યશાયાહ ૧:૧૯, ૨૦) અહીં યહોવાહ સરખામણી કરીને યોગ્ય વલણ પર ભાર મૂકે છે. યહુદાહ માટે આ પસંદગી રહેલી છે: સાંભળો, નહિ તો માર્યા જશો. તેઓ યહોવાહનું સાંભળે તો, તેઓ દેશની ઉત્તમ પેદાશ ખાશે. પરંતુ, બંડખોર માર્ગમાં ચાલ્યા જ કરશે તો, તેઓ દુશ્મનોની તરવારથી માર્યા જશે! એમ માનવું અઘરું છે કે લોકો દયાળુ અને ખુલ્લા દિલથી માફી આપનારને બદલે, દુશ્મનોની તરવારથી માર્યા જવાનું પસંદ કરે. છતાં, યશાયાહની હવે પછીની કલમો બતાવે છે તેમ, યરૂશાલેમના લોકોએ એ જ પસંદ કર્યું.
પ્રિય શહેર પર વિલાપ
૧૯, ૨૦. (ક) યહોવાહ પોતાને થતી બેવફાઈની લાગણી કઈ રીતે વર્ણવે છે? (ખ) કઈ રીતે ‘યરૂશાલેમમાં ન્યાયીપણું વસતું’ હતું?
૧૯ યશાયાહ ૧:૨૧-૨૩માં આપણે જોઈએ છીએ કે યરૂશાલેમ એ સમયે કેટલું દુષ્ટ બન્યું હતું. હવે યશાયાહ શોકગીત અથવા વિલાપની ઢબે લખવા પ્રેરણા પામે છે: “પતિવ્રતા નગરી કેમ વ્યભિચારિણી થઈ ગઈ છે! તે ઈન્સાફથી ભરેલી હતી! ન્યાયીપણું તેમાં વસતું, પણ હાલ ઘાતકીઓ વસે છે.”—યશાયાહ ૧:૨૧.
૨૦ યરૂશાલેમની કેવી પડતી થઈ છે! એક સમયની વફાદાર પત્ની જાણે હવે વેશ્યા બની ગઈ છે. બેવફાઈ અને નિરાશાની જે લાગણી યહોવાહને થાય છે, એ અહીં કડક શબ્દોમાં જણાવવામાં આવી છે. “ન્યાયીપણું તેમાં વસતું” હતું. કયા સમયે? એ તો ઈસ્રાએલના સમય પહેલાં, ઈબ્રાહીમના દિવસમાં બન્યું, જ્યારે એ શહેરને શાલેમ અથવા શાંતિનું નગર કહેવામાં આવતું હતું. એના પર રાજ કરનાર પોતે જ રાજા અને યાજક બંને હતા. તેમનું નામ યોગ્ય રીતે જ મેલ્ખીસેદેક, એટલે કે “ન્યાયીપણાનો રાજા” હતું. (હેબ્રી ૭:૨; ઉત્પત્તિ ૧૪:૧૮-૨૦) મેલ્ખીસેદેક પછી ૧,૦૦૦ વર્ષે, રાજા દાઊદ અને સુલેમાનના રાજમાં યરૂશાલેમમાં બધે જ સુખ-શાંતિ હતી. હા, ખાસ કરીને એના રાજાઓ યહોવાહના માર્ગે ચાલવામાં સારું ઉદાહરણ બેસાડતા ત્યારે, “ન્યાયીપણું તેમાં વસતું.” જો કે યશાયાહના સમય સુધીમાં તો, એ ગઈ ગુજરી વાત બની ગઈ.
૨૧, ૨૨. રૂપામાંથી તરી આવેલો મેલ અને પાણીવાળો દારૂ શું દર્શાવે છે, અને યહુદાહના સરદારોનું શા માટે આવું વર્ણન કરવામાં આવે છે?
૨૧ લોકોના આગેવાનો જ સમસ્યાનું મૂળ હોય એમ જણાતું હતું. યશાયાહ પોતાનો વિલાપ ચાલુ રાખે છે: “તારૂં રૂપું ભેગવાળું થઈ ગયું છે, તારો દ્રાક્ષારસ પાણીથી મિશ્રિત થએલો છે. તારા સરદારો બળવાખોરો છે, અને ચોરોના સાથીઓ થયા છે; તેઓમાંનો દરેક લાંચનો લાલચુ છે, ને નજરાણાં માટે વલખાં મારે છે; તેઓ અનાથને ઈન્સાફ આપતા નથી, અને વિધવાની દાદ તેઓ સાંભળતા નથી.” (યશાયાહ ૧:૨૨, ૨૩) આવનાર વિગતો માટે વાચકનું મન તૈયાર કરવા બે ઉદાહરણો આપવામાં આવ્યા છે. ગાળેલા રૂપામાંથી તરી આવેલો મેલ સોની ફેંકી દે છે. ઈસ્રાએલના રાજાઓ અને ન્યાયાધીશો રૂપું નહિ, પરંતુ એ મેલ જેવા છે. તેઓને નકામા ગણી ફેંકી દેવાની જરૂર છે. તેઓ પાણી ભેળવેલા દારૂ જેવા છે, જેનો સ્વાદ જતો રહ્યો હોવાથી એ પીવા લાયક નથી. એવા દારૂને તો ગટરમાં જ જવા દેવાય.
૨૨ સરદારોનું આવું વર્ણન કેમ કરવામાં આવે છે, એનો જવાબ ૨૩મી કલમમાંથી મળે છે. મુસાના નિયમશાસ્ત્રથી પરમેશ્વરના લોકો બીજાં રાષ્ટ્રોમાં અલગ જ તરી આવતા. દાખલા તરીકે, અનાથ અને વિધવાનું રક્ષણ કરવા માટે આજ્ઞા આપવામાં આવી હતી. (નિર્ગમન ૨૨:૨૨-૨૪) પરંતુ યશાયાહના સમયમાં, અનાથ બાળકને ઇન્સાફ મળવાની કોઈ આશા ન હતી. વિધવાની ફરિયાદ પણ સાંભળવામાં આવતી ન હતી, તો પછી તેને માટે જહેમત ઉઠાવવાની વાત તો બાજુએ જ રહી. આ ન્યાયાધીશો અને સરદારો તો પોતાના ખિસ્સા ભરવામાંથી જ ઊંચા આવતા ન હતા. લાંચ લેવા, ભેટો મેળવવા ફાંફાં મારતા, તેઓ ચોરના ભાઈ બની ગયા હતા. તેમ જ, ગુનેગારોનું રક્ષણ કરીને, તેઓના ભોગ બનેલાનું ભક્ષણ કરતા હતા. એટલું જ નહિ, પણ તેઓ એ ખોટા માર્ગમાં ‘બળવાખોર’ અથવા હઠીલા હતા. કેવી ભૂંડી હાલત!
યહોવાહ પોતાના લોકોને શુદ્ધ કરશે
૨૩. યહોવાહ પોતાની લાગણી દુશ્મનોને કઈ રીતે વ્યક્ત કરે છે?
૨૩ યહોવાહ આવી જુલમી સત્તા કાયમ સહન કરશે નહિ. યશાયાહ આગળ કહે છે: “તે માટે સૈન્યોનો દેવ યહોવાહ, ઈસ્રાએલનો સમર્થ પ્રભુ, એવું કહે છે, કે હાશ! મારા શત્રુઓ ઉપર વૈર વાળીને હું સંતોષ પામીશ.” (યશાયાહ ૧:૨૪) યહોવાહને આપવામાં આવેલા ખિતાબો તેમનો હક્કપૂર્ણ અધિકાર અને તેમની ઊંચી સત્તા પર ભાર મૂકે છે. “હાશ!” ઉદ્ગાર મોટે ભાગે દર્શાવે છે કે, હવે યહોવાહની દયા સાથે રોષ મિશ્રિત થયો છે અને તેમણે પગલાં લેવા માટે નિર્ણય લઈ લીધો છે. એની પાછળ જરૂર કોઈ કારણ છે.
૨૪. યહોવાહ પોતાના લોકોને શુદ્ધ કરવાની કઈ રીત જણાવે છે?
૨૪ યહોવાહના લોકો જ તેમના દુશ્મન બની બેઠા છે. તેઓ યહોવાહની સજાને લાયક છે. તે તેઓ પર વેર વાળીને ‘સંતોષ પામશે.’ શું એનો અર્થ એમ થાય કે તે પોતાના લોકોનો પૂરેપૂરો, કાયમી વિનાશ કરી નાખશે? ના, કેમ કે યહોવાહ આગળ કહે છે: “તારા પર હું મારો હાથ ઉગામીશ, અને જેમ ક્ષારથી મેલ કપાય છે તેમ તારો મેલ કાઢીશ, તારામાંથી બધો ભેગ હું દૂર કરીશ.” (યશાયાહ ૧:૨૫) હવે યહોવાહ શુદ્ધ કરવાનું ઉદાહરણ વાપરે છે. અગાઉના જમાનામાં ધાતુ ગાળનાર, મૂલ્યવાન ધાતુથી મેલ છૂટો પાડવા, મોટે ભાગે ક્ષાર અથવા સોડાખારનો ઉપયોગ કરતા. એ જ રીતે, યહોવાહ પોતાના લોકોને ‘ન્યાયની રૂએ શિક્ષા કરશે.’ તે પોતાના લોકોને સાવ નકામા ગણતા નથી. તેથી, તે તેઓમાંથી ફક્ત “ભેગ” અથવા મેલ જેવા હઠીલા લોકોને કાઢી નાખશે, જેઓ આજ્ઞાભંગ કરે છે.c (યિર્મેયાહ ૪૬:૨૮) આ શબ્દો લખીને, યશાયાહને ભાવિમાં બનનાર વિગતો લખવાનો લહાવો મળ્યો.
૨૫. (ક) યહોવાહે ૬૦૭ બી.સી.ઈ.માં પોતાના લોકોને કઈ રીતે શુદ્ધ કર્યા? (ખ) યહોવાહે આપણા સમયમાં પોતાના લોકોને ક્યારે શુદ્ધ કર્યા?
૨૫ યહોવાહે પોતાના લોકોને જરૂર શુદ્ધ કર્યા. તેમણે ‘મેલ’ જેવા ભ્રષ્ટ સરદારો અને બીજા બંડખોરોને કાઢી મૂક્યા. યશાયાહના દિવસોથી લાંબા સમય પછી, ૬૦૭ બી.સી.ઈ.માં યરૂશાલેમનો વિનાશ થયો. એના રહેવાસીઓને ૭૦ વર્ષના ગુલામીમાં બાબેલોન લઈ જવામાં આવ્યા. આવું જ કંઈક યહોવાહે ઘણા સમય પછી પણ કર્યું હતું. બાબેલોની ગુલામીના લાંબા સમય પછી લખાયેલી, માલાખી ૩:૧-૫માંની ભવિષ્યવાણીએ બતાવ્યું કે, યહોવાહ ફરીથી શુદ્ધિકરણ કરશે. તે પોતાના ‘કરારના દૂત,’ ઈસુ ખ્રિસ્ત સાથે પોતાના આત્મિક મંદિરમાં આવશે, એના વિષે એ જણાવે છે. દેખીતી રીતે જ, પહેલા વિશ્વ યુદ્ધના અંતે એ બન્યું. યહોવાહે ખ્રિસ્તી હોવાનો દાવો કરનારા સર્વની ચકાસણી કરીને, સાચા ખ્રિસ્તીઓને ખોટાથી જુદા પાડ્યા. એનું પરિણામ શું આવ્યું?
૨૬-૨૮. (ક) યશાયાહ ૧:૨૬ સૌ પ્રથમ ક્યારે પૂરી થઈ? (ખ) એ ભવિષ્યવાણી આપણા સમયમાં કઈ રીતે પરિપૂર્ણ થઈ? (ગ) આજે વડીલોને એ ભવિષ્યવાણી કઈ રીતે લાભ કરી શકે?
૨૬ યહોવાહ જવાબ આપે છે: “આદિકાળની પેઠે હું તારા ન્યાયાધીશોને, અને પૂર્વકાળની પેઠે તારા મંત્રીઓને પાછા લાવીશ; ત્યાર પછી તારૂં નામ ન્યાયનગર, ધર્મપુરી કહેવાશે. સિયોન ઈન્સાફથી, અને પ્રભુ પાસે તેના પાછા ફરનારા ન્યાયીપણાથી ઉદ્ધાર પામશે.” (યશાયાહ ૧:૨૬, ૨૭) પ્રાચીન યરૂશાલેમમાં આ ભવિષ્યવાણી સૌ પ્રથમ પૂરી થઈ. બાબેલોની ગુલામો ૫૩૭ બી.સી.ઈ.માં પોતાના વહાલા વતનમાં પાછા ફર્યા. પછી, અગાઉની જેમ ફરીથી એમાં વિશ્વાસુ ન્યાયાધીશો અને મંત્રીઓ હતા. હાગ્ગાય અને ઝખાર્યાહ પ્રબોધકો, યાજક યહોશુઆ, શાસ્ત્રી એઝરા અને સૂબો ઝરૂબ્બાબેલ, એ બધાએ પાછા ફરેલા વિશ્વાસુ શેષભાગને યહોવાહના માર્ગે ચાલવા માર્ગદર્શન અને દોરવણી આપી. જો કે વીસમી સદીમાં એનાથી વધુ મહત્ત્વની પરિપૂર્ણતા થઈ.
૨૭ યહોવાહના લોકો ૧૯૧૯ની સાલમાં કસોટીમાંથી બહાર આવ્યા. તેઓને મહાન બાબેલોન એટલે જૂઠા ધર્મોની પકડમાંથી છોડાવવામાં આવ્યા. વિશ્વાસુ અભિષિક્ત શેષભાગ અને ખ્રિસ્તીરાષ્ટ્રના ધર્મત્યાગી પાદરીઓ વચ્ચેનો તફાવત ચોખ્ખો દેખાઈ આવ્યો. યહોવાહે ફરીથી પોતાના લોકોને કૃપા બતાવી અને વિશ્વાસુ ‘ન્યાયાધીશો તથા મંત્રીઓને પાછા લાવ્યા’. તેઓએ યહોવાહના લોકોને પોતાના શિક્ષણ પ્રમાણે નહિ, પણ યહોવાહના શબ્દ, બાઇબલમાંથી સલાહ આપી. આજે ઘટી રહેલી “નાની ટોળી” અને લાખોની સંખ્યામાં વધી રહેલા તેઓના સંગાથી, “બીજાં ઘેટાં” મધ્યે એવા હજારો વિશ્વાસુ ભાઈઓ છે.—લુક ૧૨:૩૨; યોહાન ૧૦:૧૬; યશાયાહ ૩૨:૧, ૨; ૬૦:૧૭; ૬૧:૩, ૪.
૨૮ વડીલો અમુક વખતે મંડળમાં “ન્યાયાધીશો” તરીકે ભૂમિકા ભજવે છે. જેથી મંડળને નૈતિક અને આત્મિક રીતે શુદ્ધ રાખી શકાય, તેમ જ ખોટું કરનારને સુધારી શકાય. તેઓ યહોવાહની રીતે સેવા આપવા આતુર છે, જેથી યહોવાહના માયાળુ, ન્યાયી ધોરણો પાળવામાં આવે. જો કે મોટે ભાગે તેઓ “મંત્રીઓ” તરીકે સેવા આપે છે. પરંતુ, તેઓ કંઈ પોતાનું રાજ જમાવી બેસતા નથી. એના બદલે, તેઓ ‘સોંપેલા ટોળા પર ધણી’ ન દેખાય, એ માટે સખત પ્રયત્ન કરે છે.—૧ પીતર ૫:૩.
૨૯, ૩૦. (ક) યહોવાહે કરેલા શુદ્ધિકરણનો નકાર કરનારા વિષે, તે શું જાહેર કરે છે? (ખ) કયા અર્થમાં લોકોને પોતાનાં ઝાડ અને વાડીઓથી ‘શરમાવું’ પડ્યું?
૨૯ યશાયાહની ભવિષ્યવાણીમાં જણાવાયેલા “મેલ” વિષે શું? યહોવાહે કરેલા શુદ્ધિકરણથી લાભ લેવાનો નકાર કરનારાઓ વિષે શું? યશાયાહ આગળ કહે છે: “દ્રોહીઓનો તથા પાપીઓનો વિનાશ સાથે થશે, યહોવાહથી વિમુખ થનાર નાશ પામશે. કેમકે જે એલોન ઝાડને તમે ચાહતા હતા તેને લીધે તમે શરમાશો, ને જે વાડીઓને તમે પસંદ કરી હતી તેઓથી તમે લજ્જિત થશો.” (યશાયાહ ૧:૨૮, ૨૯) યહોવાહ સામે બંડ પોકારનારા, તેમના પ્રબોધકોની ચેતવણી નહિ માનનારાનો ખરેખર “વિનાશ” થાય છે, અને તેઓ ‘નાશ પામે છે.’ એ ૬૦૭ બી.સી.ઈ.માં બન્યું હતું. જો કે આ ઝાડ અને વાડીઓનો શું અર્થ થાય છે?
૩૦ યહુદાહના લોકો મૂર્તિપૂજક હતા. ઝાડ નીચે, વાડીઓ અને વનમાં ઘણી વાર ગંદા કામો થતાં હતાં. દાખલા તરીકે, બઆલ અને તેની પત્ની એશોરેથના ભક્તો એમ માનતા કે, ઉનાળામાં આ દેવદેવી મરણ પામ્યા છે. પછી, તેઓને ફરીથી જગાડવા અને દેશને ફળદ્રુપ કરવા, આ મૂર્તિપૂજકો વનમાં અથવા વાડીઓમાં “ખાસ” ઝાડ નીચે ભેગા થઈ, અકુદરતી જાતીય કુકર્મો કરતા. વરસાદથી દેશ ફળદ્રુપ થતો ત્યારે, તેનો મહિમા આ જૂઠા દેવદેવીને મળતો; આમ, એ મૂર્તિપૂજકોનો અંધવિશ્વાસ વધતો રહેતો. પરંતુ યહોવાહે આ બંડખોરોનો વિનાશ કર્યો ત્યારે, એ દેવોમાંનો એકેય તેઓની મદદે આવ્યો નહિ. એ બંડખોરોને પોતાના નકામા ઝાડ અને વાડીઓને કારણે ‘શરમાવું’ પડ્યું.
૩૧. કઈ રીતે મૂર્તિપૂજકોને હજુ પણ આકરી સજા થશે?
૩૧ જો કે યહુદાહના મૂર્તિપૂજકોને એનાથી પણ આકરી સજા થશે. હવે, યહોવાહ મૂર્તિપૂજકને ઝાડ સાથે સરખાવે છે. “જે એલોન ઝાડનાં પાંદડાં ખરી પડે છે, ને જે વાડીમાં પાણી નથી, તેના જેવા તમે થશો.” (યશાયાહ ૧:૩૦) મધ્યપૂર્વના ધગધગતા ઉનાળામાં, આ ઉદાહરણ બંધબેસે છે. એમાં કોઈ પણ ઝાડ કે વાડીને પૂરતું પાણી ન મળે તો, ટકી શકે નહિ. એકદમ સૂકાઈ ગયેલા ઝાડ-પાનને ઝડપથી આગ લાગી શકે. તેથી, ૩૧મી કલમનું ઉદાહરણ એકદમ બંધબેસે છે.
૩૨. (ક) યશાયાહ ૧:૩૧માંનો “બળવાન” કોણ છે? (ખ) કયા અર્થમાં એ “શણના કચરા જેવો” બનશે અને કઈ “ચિણગારી” એને આગ લગાડશે, તથા એનું પરિણામ શું આવશે?
૩૨ “વળી જે બળવાન છે તે શણના કચરા જેવો, ને તેનું કામ ચિણગારી જેવું થશે; તે બન્નેને સાથે બાળી નાખવામાં આવશે, ને તેને કોઈ હોલવનાર મળશે નહિ.” (યશાયાહ ૧:૩૧) આ “બળવાન” કોણ છે? હેબ્રી શબ્દ શક્તિ અને ધનનો અર્થ બતાવે છે. મોટે ભાગે એ જૂઠા દેવોના ધનવાન, અભિમાની ભક્તને દર્શાવે છે. આપણા સમયની જેમ, યશાયાહના દિવસમાં પણ યહોવાહ અને તેમની શુદ્ધ ભક્તિનો નકાર કરનારાઓની કોઈ કમી ન હતી. તેઓમાંના અમુક તો સુખી જણાતા હતા. તોપણ, યહોવાહ ચેતવણી આપે છે કે, એવા માણસો “શણના કચરા” જેવા, શણના રેસાથી બનેલા દોરડા જેવા થશે, જેને આગ લાગતા જ બળીને ભસ્મ થઈ જાય છે. (ન્યાયાધીશો ૧૬:૮, ૯) યહોવાહની ભક્તિ કરવાને બદલે, મૂર્તિપૂજક ભલે તેના દેવદેવીઓ, ધનદોલત કે બીજા ગમે તેની પૂજા કરે. એના પરિણામ ચિણગારી જેવા આવશે. ચિણગારી અને શણનો કચરો બંને એવી આગમાં બળીને રાખ થઈ જશે, જેને કોઈ હોલવી શકશે નહિ. વિશ્વની કોઈ તાકાત યહોવાહના સંપૂર્ણ ન્યાયચુકાદાને ઉથલાવી શકશે નહિ.
૩૩. (ક) ન્યાયચુકાદા વિષે યહોવાહની ચેતવણી કઈ રીતે તેમની દયા બતાવે છે? (ખ) યહોવાહ મનુષ્યોને કઈ તક આપે છે અને એ આપણ સર્વને કઈ રીતે અસર કરે છે?
૩૩ આ આખરી સંદેશો, કલમ ૧૮માંના દયા અને માફીના સંદેશાની વિરુદ્ધ નથી? ના! યહોવાહ આવી ચેતવણીઓ લખાવે છે તથા પોતાના સેવકો દ્વારા જણાવે છે, કારણ કે તે દયાળુ છે. ખરું જોતા તો, તે ઇચ્છે છે કે “કોઈનો નાશ ન થાય પણ સઘળાં પશ્ચાત્તાપ કરે.” (૨ પીતર ૩:૯) આજે, દરેક સાચા ખ્રિસ્તીઓ પાસે સુંદર લહાવો છે કે સર્વ લોકોને યહોવાહના ચેતવણીના સંદેશા જણાવે. જેથી પસ્તાવો કરનાર તેમની ઉદાર માફીનો લાભ મેળવે અને હંમેશ માટે જીવે. ખરેખર, યહોવાહ કેટલા કૃપાળુ છે કે ઘણું મોડું થાય એ પહેલાં, મનુષ્યોને તેમની સાથે ‘બાબતો થાળે પાડવાની’ તક આપે છે!
[ફુટનોટ્સ]
a જૂના યહુદી લખાણો પ્રમાણે, દુષ્ટ રાજા મનાશ્શેહે યશાયાહને કરવતથી વહેરાવીને મારી નાખ્યા હતા. (હેબ્રી ૧૧:૩૭ સરખાવો.) એક લખાણ મુજબ એ મોતની સજા અપાવવા માટે, એક બનાવટી પ્રબોધકે યશાયાહ પર એવો આરોપ મૂક્યો કે “તેમણે યરૂશાલેમને સદોમ કહ્યું છે, અને યહુદાહના રાજાઓને ગમોરાહના લોકો કહ્યા છે.”
b ‘અનર્થ કામો’ માટે વપરાયેલા હેબ્રી શબ્દનું ભાષાંતર “હાનિકારક,” “અનર્થ,” અને “ખોટું” પણ થઈ શકે. જૂના કરારના ધર્મશાસ્ત્ર પરના શબ્દકોશ (અંગ્રેજી) પ્રમાણે, હેબ્રી પ્રબોધકો એ શબ્દનો ઉપયોગ “સત્તાના નામે કરેલી હાનિ” ખુલ્લી પાડવા કરતા હતા.
c “તારા પર હું મારો હાથ ઉગામીશ,” શબ્દોનો અર્થ એ થાય કે, હવે યહોવાહ પોતાના લોકોને સહાય કરવાને બદલે શિક્ષા કરશે.