અઢારમું પ્રકરણ
બેવફાઈનો બોધપાઠ
૧. દુશ્મનોથી ઘેરાયેલા પ્રાચીન શહેરમાં હોવાનું વર્ણન કરો.
માની લો કે તમે એક પ્રાચીન શહેરમાં રહો છો, જેને દુશ્મનોએ ચારે તરફથી ઘેરી લીધું છે. તેઓ ખૂબ જ શક્તિશાળી અને ક્રૂર છે. તેઓ શહેરના મજબૂત કોટની બહાર તાકીને જ બેઠા છે. તમે જાણો છો કે તેઓ બીજાં શહેરો પર જીત મેળવી ચૂક્યા છે. હવે, તેઓએ તમારું શહેર જીતવા અને લૂંટી લેવા તથા એના રહેવાસીઓ પર જુલમ કરીને મારી નાખવા તૈયાર ઊભા છે. દુશ્મનોનું લશ્કર એટલું શક્તિશાળી છે કે, એની સામે લડવા જઈ શકાય એમ નથી. તમે એ જ આશા રાખો છો કે શહેર ફરતેનો મજબૂત કોટ તેઓને રોકી રાખશે. પરંતુ, કોટ પરથી બહાર નજર કરતા તમે જુઓ છો કે દુશ્મનો તો ઊંચા ઊંચા માંચડા લાવ્યા છે! તેઓ લડાઈના એવા સાધનો પણ લાવ્યા છે, કે જેની આગળ તમારા શહેરે રક્ષણ માટે ઊભી કરેલી વ્યવસ્થા કંઈ જ નથી. તમે જોઈ શકો છો કે તેઓ પાસે દરવાજા તોડવા માટેના યુદ્ધના ભિન્ન ભિન્ન હથિયારો, કોટ પર ચડવાની સીડીઓ, તીરંદાજો, રથો અને સંખ્યાબંધ સૈનિકો છે. કેવું બિહામણું દૃશ્ય!
૨. યશાયાહના બાવીસમાં અધ્યાયમાં જણાવ્યા પ્રમાણે, યરૂશાલેમને ક્યારે ઘેરી લેવામાં આવ્યું હતું?
૨ યશાયાહના બાવીસમાં અધ્યાયમાં, આપણે એવી જ રીતે ઘેરાયેલા યરૂશાલેમ વિષે વાંચીએ છીએ. એ ક્યારે બને છે? ઉપર વર્ણવેલી બધી જ બાબતો પૂરી થઈ હોય, એવી કોઈ એક આક્રમણો વિષે જણાવવું મુશ્કેલ છે. ખરું જોતા, યરૂશાલેમ પર આવનાર અનેક આક્રમણો વિષે એ ભવિષ્યવાણી એક ચેતવણી છે.
૩. યશાયાહે વર્ણવેલા આક્રમણના સમયે યરૂશાલેમના લોકો શું કરી રહ્યા હતા?
૩ યશાયાહે વર્ણવેલા આક્રમણના સમયે, યરૂશાલેમના લોકો શું કરી રહ્યા હતા? યહોવાહના કરારના લોકો તરીકે, શું તેઓ તેમને મદદ માટે પોકારી રહ્યા હતા? ના, તેઓ તો એનાથી ઊંધું જ વલણ બતાવી રહ્યા હતા. જેમ આજે પરમેશ્વરની ભક્તિ કરવાનો દાવો કરનારાઓમાં એવું જ વલણ જોવા મળે છે.
ઘેરાયેલું શહેર
૪. (ક) “દર્શનની ખીણ” શું છે અને એને શા માટે એ નામ આપવામાં આવ્યું છે? (ખ) યરૂશાલેમના લોકોની ધાર્મિક હાલત કેવી હતી?
૪ યશાયાહના ૨૧મા અધ્યાયમાં, ન્યાયકરણના ત્રણ સંદેશાઓ આપવામાં આવ્યા છે અને દરેક સંદેશમાં પહેલું વાક્ય “દેવવાણી” રજૂ કરે છે. (યશાયાહ ૨૧:૧, ૧૧, ૧૩) બાવીસમા અધ્યાયની શરૂઆત પણ એ જ પ્રમાણે થાય છે: “દર્શનની ખીણ વિષે દેવવાણી. તને શું થયું છે વારૂ કે તારાં સઘળાં માણસો ધાબા પર ચઢી ગયાં છે?” (યશાયાહ ૨૨:૧) “દર્શનની ખીણ” યરૂશાલેમને સૂચવે છે. એને ખીણ કહેવામાં આવે છે, કારણ કે એ ઊંચાણમાં આવેલું હોવા છતાં, એની આજુબાજુ ઊંચા ઊંચા પર્વતો છે. એ “દર્શન” સાથે સંકળાયેલું છે, કારણ કે ત્યાં યહોવાહ પાસેથી ઘણાં સંદર્શનો અને પ્રકટીકરણો આપવામાં આવ્યાં હતાં. એ માટે, યરૂશાલેમના લોકોએ યહોવાહના શબ્દને ધ્યાન આપવાની જરૂર હતી. એને બદલે, તેઓ યહોવાહને છોડીને જૂઠી ભક્તિ તરફ ભટકી ગયા. તેથી, જે દુશ્મનોએ શહેરને ઘેરો ઘાલ્યો હતો, તેઓનો યહોવાહે પોતાના વંઠી ગયેલા લોકોનો ન્યાય કરવા સાધન તરીકે ઉપયોગ કર્યો.—પુનર્નિયમ ૨૮:૪૫, ૪૯, ૫૦, ૫૨.
૫. લોકો પોતાના ધાબા પર શા માટે ગયા હોય શકે?
૫ યરૂશાલેમના લોકો પોતાનાં ઘરનાં “ધાબા પર ચઢી ગયા છે,” એની નોંધ લો. એ સમયે, ઈસ્રાએલી લોકોના ઘરોનાં ધાબા સપાટ હતા અને ઘણી વાર કુટુંબો એના પર ભેગા થતા. યશાયાહ જણાવતા નથી કે, આ પ્રસંગે તેઓએ શા માટે એમ કર્યું. પરંતુ, તેમના શબ્દો બતાવે છે કે તેઓ કંઈ સારું કરતા ન હતા. તેથી, શક્ય છે કે તેઓ જૂઠા દેવોની ભક્તિ કરવા પોતાનાં ધાબા પર ચઢી ગયા હોય શકે. યરૂશાલેમનો ૬૦૭ બી.સી.ઈ.માં વિનાશ થયો, એ પહેલાંના વર્ષોમાં પણ લોકો એવું જ કરતા હતા.—યિર્મેયાહ ૧૯:૧૩; સફાન્યાહ ૧:૫.
૬. (ક) યરૂશાલેમની અંદર કઈ હાલત હતી? (ખ) કેટલાક લોકો શા માટે આનંદ માણ્યો, પરંતુ આગળ શું થવાનું હતું?
૬ યશાયાહ આગળ કહે છે: “અરે, શોરબકોરથી ભરપૂર, ઘોંઘાટ કરનાર નગર, મોજીલા શહેર, તારા મારેલા તો તરવારથી મારેલા નથી, ને યુદ્ધમાં મરણ પામેલા નથી.” (યશાયાહ ૨૨:૨) શહેરમાં લોકોના ટોળેટોળાં ભેગા થયા છે, એટલે શોરબકોર મચી ગયો છે. શેરીઓમાં લોકો ઘોંઘાટ કરી રહ્યા છે અને ખૂબ ગભરાયેલા છે. જો કે અમુક લોકો તો જલસા કરે છે, જાણે કે તેઓને કંઈ પડી જ નથી કે પછી તેઓને એવું લાગે છે કે જોખમ ટળી ગયું છે.a પરંતુ, એ સમયે મોજ માણવામાં મૂર્ખાઈ હતી. શહેરના ઘણા લોકો તરવારથી માર્યા જવા કરતાં નિર્દયી મોત પામવાના હતા. ઘેરાયેલા શહેરને બહારથી મળતા અન્નપાણી બંધ થઈ જાય છે. પછી શહેરના અન્ન પુરવઠાનું પણ તળિયું દેખાવા લાગે છે. શહેરમાં ભૂખમરો અને ઘણી વસ્તીને કારણે રોગચાળો ફાટી નીકળે છે. આમ, દુકાળ અને રોગચાળાથી યરૂશાલેમમાંના ઘણા લોકો મરણ પામશે. આવું જ, ૬૦૭ બી.સી.ઈ.માં અને ૭૦ સી.ઈ.માં પણ બન્યું હતું.—૨ રાજાઓ ૨૫:૩; યિર્મેયાહનો વિલાપ ૪:૯, ૧૦.b
૭. યરૂશાલેમને ઘેરવામાં આવ્યું ત્યારે એના અધિકારીઓ શું કરે છે અને તેઓનું શું થાય છે?
૭ આવા સંકટના સમયે, યરૂશાલેમના અધિકારીઓ લોકોને કેવું માર્ગદર્શન આપે છે? એનો યશાયાહ જવાબ આપે છે: “તારા સર્વ અધિકારીઓ એકત્ર થઈને નાઠા, તીરંદાજોએ તેમને બાંધ્યા; તારામાંથી જે સર્વ હાથ આવ્યા તેઓને એકત્ર બાંધવામાં આવ્યા, તેઓ આઘે નાઠા હતા.” (યશાયાહ ૨૨:૩) અધિકારીઓ અને શૂરવીરો નાસી છૂટે છે, પરંતુ છેવટે તેઓને પકડવામાં આવે છે! તેઓને પકડવામાં આવે છે ત્યારે, તીર-કામઠાની પણ જરૂર પડતી નથી. તેઓને ગુલામ બનાવી લઈ જવાયા. એ ૬૦૭ બી.સી.ઈ.માં બન્યું. યરૂશાલેમના કોટમાં બાકોરું પડી ગયા પછી, રાજા સિદકીયાહ પોતાના શૂરવીરોને લઈને રાતોરાત નાસી છૂટ્યો. પરંતુ, દુશ્મનોને એની ખબર પડી ગઈ અને તેઓનો પીછો કરીને યરેખોના મેદાનમાં તેઓને પકડી પાડે છે. સિદકીયાહના શૂરવીરો તેને છોડીને નાસી છૂટે છે. સિદકીયાહને પકડીને તેની આંખો ફોડી નાખવામાં આવે છે. પછી તેને તાંબાની બેડીઓ પહેરાવીને બાબેલોન ઘસડીને લઈ જવામાં આવે છે. (૨ રાજાઓ ૨૫:૨-૭) તેની બેવફાઈનો કેવો કરુણ અંજામ આવ્યો!
આફત પર વિલાપ
૮. (ક) યરૂશાલેમ પર આવી પડનાર આફત વિષે ભાખવાથી યશાયાહ પર શું અસર પડે છે? (ખ) યરૂશાલેમનું દૃશ્ય કેવું હશે?
૮ એ ભવિષ્યવાણીની યશાયાહ પર ઊંડી અસર થાય છે. તે કહે છે: “મારી તરફથી દૃષ્ટિ ફેરવો, હું ચોધાર આંસુએ રડીશ; મારા લોકની કન્યાના વિનાશને લીધે મને દિલાસો આપવા સારૂ શ્રમ કરશો મા.” (યશાયાહ ૨૨:૪) મોઆબ અને બાબેલોન પર આવી પડનાર આફતો વિષે ભાખતી વખતે પણ યશાયાહને ખૂબ દુઃખ થયું હતું. (યશાયાહ ૧૬:૧૧; ૨૧:૨) તેથી, પોતાના જ લોકો પર આવી પડનાર આફતો પર તેમના દુઃખ અને વિલાપની તો વાત જ ન પૂછો. તે કશાથી દિલાસો પામતા નથી. શા માટે નહિ? “કેમકે દર્શનની ખીણમાં સૈન્યોના પ્રભુ યહોવાહે મોકલેલો ગડગડાટ, પાયમાલી તથા ઘોંટાળાનો દિવસ છે; કોટનો નાશ કરવાનો, ને પર્વતની તરફ આક્રંદ કરવાનો તે દિવસ છે.” (યશાયાહ ૨૨:૫) યરૂશાલેમમાં ખળભળાટ મચી જશે. લોકો ગભરાટના માર્યા આમતેમ ફાંફાં મારશે. દુશ્મનો શહેરના કોટમાં ગાબડું પાડશે ત્યારે, “પર્વતની તરફ આક્રંદ” સંભળાશે. શું એનો અર્થ એ છે કે, શહેરના લોકો મોરીયાહ પર્વત પર, યહોવાહના પવિત્ર મંદિરમાં મદદ માટે તેને પોકારી ઊઠશે? એમ શક્ય છે છતાં, તેઓની બેવફાઈ જોતાં, એમ લાગે છે કે, ભયના માર્યા તેઓ જે બૂમબરાડા પાડશે એના માત્ર પડઘા જ પર્વતોમાં સંભળાતા હશે.
૯. યરૂશાલેમને ધમકીરૂપ બનેલા લશ્કરનું વર્ણન કરો.
૯ યરૂશાલેમને કયા દુશ્મનો ભયભીત કરી રહ્યા હતા? યશાયાહ આપણને જણાવે છે: “એલામે પાયદળ તથા ઘોડેસવારોની ટુકડીઓ સુદ્ધાં ભાથો ઊંચકી લીધો; અને કીરે ઢાલ ઉઘાડી કરી.” (યશાયાહ ૨૨:૬) દુશ્મનોએ પૂરેપૂરી તૈયારી કરી છે. તેઓના તીરંદાજોના ભાથા તીરોથી ભરેલા છે. લડવૈયાઓ લડાઈ માટે પોતાની ઢાલ તૈયાર કરે છે. વળી, રથો અને લડાઈ માટે તૈયાર ઘોડાઓ પણ છે. લશ્કરમાં એલામ અને કીરના સૈનિકો પણ છે. એલામ આજે ઈરાનના અખાતની ઉત્તરે આવેલું છે અને કીર એલામની પાસે જ હોય શકે. એ દેશોનો ઉલ્લેખ જણાવે છે કે, દુશ્મનો ઘણે દૂર-દૂરથી આવ્યા હતા. એનાથી એ પણ જાણવા મળે છે કે, હિઝકીયાહના સમયે યરૂશાલેમને ધમકીરૂપ બનેલા લશ્કરમાં એલામના તીરંદાજો પણ હોય શકે.
બચાવ કરવાના પ્રયત્નો
૧૦. શહેર માટે કયો બનાવ આફતરૂપ સાબિત થાય છે?
૧૦ આગળ શું થાય છે એ વિષે યશાયાહ વર્ણવે છે: “તારી ઉત્તમ ખીણો રથોથી ભરપૂર થઈ ગઈ હતી, ને સવારો ભાગળ આગળ પહેરો ભરતા ઊભા રહ્યા હતા. તેણે યહુદાહની નિરાધાર સ્થિતિ ખુલ્લી કરી.” (યશાયાહ ૨૨:૭, ૮ ક) યરૂશાલેમની બહારનું મેદાન રથો તેમ જ ઘોડેસવારોથી ભરાઈ ગયું છે અને તેઓ શહેરના દરવાજા તોડી પાડવાની ગોઠવણ કરી રહ્યા છે. “યહુદાહની નિરાધાર સ્થિતિ” ખુલ્લી કરવામાં આવે છે, એ શું છે? મોટે ભાગે, એ શહેરના દરવાજા હોય શકે, જેના પર દુશ્મનો કબજો જમાવી લે તો, શહેરનું રક્ષણ કરનારાઓ માટે એ આફતરૂપ સાબિત થશે.c એક વાર, શહેરના આ રક્ષણને દૂર કરવામાં આવે પછી, હુમલો કરનારાઓ માટે શહેર ખુલ્લું થઈ જશે.
૧૧, ૧૨. યરૂશાલેમના લોકો રક્ષણ માટે કયાં પગલાં ભરે છે?
૧૧ હવે, લોકો બચાવ માટે શું કરે છે, એના પર યશાયાહ ધ્યાન દોરે છે. સૌપ્રથમ, તેઓ હથિયારો તરફ દોડે છે! “તે દિવસે તેં વનનાં શસ્ત્રાગાર તપાસી જોયાં. વળી તમે જોયું કે દાઊદના નગરના કોટમાં ઘણે ઠેકાણે ફાટ પડી છે; અને તમે નીચલા તળાવનું પાણી એકઠું કર્યું.” (યશાયાહ ૨૨:૮ ખ, ૯) હથિયારો વનમાં સંઘરવામાં આવતાં. એ જગ્યા સુલેમાને બાંધી હતી. એને લબાનોનથી આવેલા લાકડાથી બાંધ્યું હોવાથી, એ “લબાનોન-વનગૃહ” કહેવાયું. (૧ રાજાઓ ૭:૨-૫) કોટમાં પડેલાં ગાબડાંની તપાસ કરવામાં આવે છે. પાણી પણ ભેગું કરવામાં આવ્યું છે, જે રક્ષણ માટે બહુ જ મહત્ત્વનું છે. લોકો પાણી વગર જીવી જ ન શકે અને એના વગર શહેર પણ ટકી શકે નહિ. જો કે તમે નોંધ લો કે, છુટકારા માટે તેઓ યહોવાહની મદદ માંગી હોય, એવું કંઈ જ જણાવાયું નથી. એને બદલે, તેઓ તો પોતાની જ અક્કલ પર આધાર રાખે છે.—ગીતશાસ્ત્ર ૧૨૭:૧.
૧૨ શહેરના કોટમાં પડેલાં ગાબડાં વિષે શું કરી શકાય? “તમે યરૂશાલેમનાં ઘરોને ગણી જોયાં, ને કોટને સમારવા સારૂ ઘરોને પાડી નાખ્યાં.” (યશાયાહ ૨૨:૧૦) ઘરોની તપાસ કરવામાં આવે છે, જેથી કોટ સમારવા જોઈતા સામાન માટે કયા ઘરો તોડી શકાય, એની ખબર પડે. દુશ્મનો કોટ પર પૂરેપૂરો કબજો ન જમાવી દે એ માટે આમ કરવામાં આવે છે.
અવિશ્વાસુ લોકો
૧૩. લોકો પાણીનો સંગ્રહ કરવાના કયા પ્રયત્નો કરે છે અને તેઓ કોને ભૂલી જાય છે?
૧૩ “વળી તમે બે કોટોની વચમાં પુરાતન તળાવના પાણીને સારૂ કુંડ કર્યો; પરંતુ તમે આ બધાના કર્તાની તરફ લક્ષ લગાડ્યું નહિ, ને પુરાતન કાળમાં જેણે આ રચ્યું તેને જોયો નહિ.” (યશાયાહ ૨૨:૧૧) આ અને નવમી કલમમાં પાણીનો સંગ્રહ કરવા માટે થતા પ્રયત્નો આપણને રાજા હિઝકીયાહે આશ્શૂરીઓના હુમલા સામે શહેરનું રક્ષણ કરવા માટે લીધેલાં પગલાંની યાદ અપાવે છે. (૨ કાળવૃત્તાંત ૩૨:૨-૫) તેમ છતાં, આ શહેરના લોકો એકદમ અવિશ્વાસુ છે જેઓ વિષે યશાયાહ આ ભવિષ્યવાણી કરે છે. હિઝકીયાહે તો સૃષ્ટિના ઉત્પન્નકર્તાને યાદ કરીને પગલાં ભર્યા હતા, જ્યારે કે આ લોકો તો તેમને ભૂલીને પોતાની રીતે જ શહેરનું રક્ષણ કરવા પ્રયત્નો કરે છે.
૧૪. યહોવાહે ચેતવણી આપી હોવા છતાં, લોકો કેવી મૂર્ખતા કરે છે?
૧૪ યશાયાહ આગળ કહે છે: “તે દિવસે સૈન્યોના પ્રભુ યહોવાહે રડવાને, વિલાપ કરવાને, મુંડાવાને તથા તાટ પહેરવાને બોલાવ્યા; પણ જુઓ, તેને બદલે આનંદ ને હર્ષ, બળદ મારવાનું ને ઘેટાં કાપવાનું, માંસ ખાવાનું, ને દ્રાક્ષારસ પીવાનું ચાલે છે; કાલે મરી જઈશું માટે આપણે ખાઈપી લઈએ.” (યશાયાહ ૨૨:૧૨, ૧૩) યરૂશાલેમના લોકોને યહોવાહ વિરુદ્ધ કરેલા બંડ માટે જરાય અફસોસ નથી. તેઓ પસ્તાવાની નિશાનીરૂપે વિલાપ કરતા નથી, કે વાળ કપાવતા નથી, કે તાટ પણ પહેરતા નથી. તેઓએ એમ કર્યું હોત તો, મોટે ભાગે યહોવાહે આવનાર વિનાશક આફતોથી તેઓને બચાવ્યા હોત. એને બદલે, તેઓ તો ભોગવિલાસમાં ડૂબી ગયા છે. આજે પણ, ઘણા લોકો એવું જ વલણ બતાવે છે, કેમ કે તેઓ યહોવાહમાં ભરોસો રાખતા નથી. પૃથ્વી પર મૂએલાં ફરી સજીવન થશે અને બધે જ સુખ-શાંતિ આવશે એવું તેઓ માનતા નથી. તેથી, “ભલે ખાઈએ તથા પીઈએ, કેમકે કાલે આપણે મરવાના છીએ,” એવું વલણ રાખીને તેઓ મોજશોખમાંથી જ ઊંચા આવતા નથી. (૧ કોરીંથી ૧૫:૩૨) કેવી મૂર્ખાઈ! તેઓ યહોવાહમાં ભરોસો મૂકે તો, તેઓને પણ કાયમી જીવનની આશા મળી હોત!—ગીતશાસ્ત્ર ૪: ૬-૮; નીતિવચનો ૧:૩૩.
૧૫. (ક) યરૂશાલેમ વિરુદ્ધ યહોવાહનો ન્યાયચુકાદો શું છે, અને એ કોના દ્વારા તેઓ પર આવી પડશે? (ખ) શા માટે ખ્રિસ્તીરાષ્ટ્રનો પણ યરૂશાલેમ જેવો જ અંત આવશે?
૧૫ દુશ્મનોથી ઘેરાયેલા યરૂશાલેમના લોકોને કોઈ બચાવી શકશે નહિ. યશાયાહ કહે છે: “મારા કાનોમાં સૈન્યોના દેવ યહોવાહે કહ્યું, કે ખરેખર, આ અન્યાયનું પ્રાયશ્ચિત્ત તમારા મરણ સુધી થશે નહિ; પ્રભુ સૈન્યોના દેવ યહોવાહે એમ કહ્યું છે.” (યશાયાહ ૨૨:૧૪) લોકોના હૃદયની કઠણતાને લીધે તેઓને માફી મળશે નહિ. હવે, મોત મોં ફાડીને બેઠું છે. યહોવાહ વિશ્વના સર્વોપરી અને સૈન્યોના પરમેશ્વર હોવાથી તેમણે એમ કહ્યું છે. છેવટે, યશાયાહની ભવિષ્યવાણીની પરિપૂર્ણતામાં, અવિશ્વાસુ યરૂશાલેમ પર બે વાર આફતો આવી પડે છે. પહેલા બાબેલોન એનો નાશ કરે છે અને પછીથી રોમના લશ્કર દ્વારા એનો નાશ થાય છે. એ જ રીતે, ખ્રિસ્તીરાષ્ટ્રના અવિશ્વાસુ લોકો પર પણ આફત આવી પડશે, જેઓ પરમેશ્વરની ભક્તિ કરવાનો દાવો કરે છે, પણ પોતાનાં કાર્યોથી તેમનો નકાર કરે છે. (તીતસ ૧:૧૬) ખ્રિસ્તીરાષ્ટ્ર અને જગતના અન્ય ધર્મોએ યહોવાહના ન્યાયી માર્ગો વિરુદ્ધ જે પાપો કર્યા છે એ “આકાશ સુધી પહોંચ્યાં છે.” ધર્મત્યાગી યરૂશાલેમના પાપોની જેમ જ, તેઓનાં પાપો માફ કરી શકાય એમ નથી.—પ્રકટીકરણ ૧૮:૫, ૮, ૨૧.
સ્વાર્થી કારભારી
૧૬, ૧૭. (ક)યહોવાહ પાસેથી હવે કોને ચેતવણી મળે છે અને શા માટે? (ખ) શેબ્નાના મોટાં મોટાં સપનાંઓને કારણે, તેનું શું થશે?
૧૬ હવે, પ્રબોધક પોતાનું ધ્યાન અવિશ્વાસુ લોકો તરફથી અવિશ્વાસુ વ્યક્તિ તરફ દોરે છે. યશાયાહ લખે છે: “સૈન્યોનો પ્રભુ યહોવાહ એવું કહે છે, આ પ્રધાન શેબ્ના જે રાજમહેલનો કારભારી છે તેની પાસે જઈને તેને કહે, કે તારૂં અહીં શું છે? અને તારૂં અહીં કોણ છે, કે તેં પોતાને સારૂ અહીં કબર ખોદી છે? તું ઊંચે પોતાની કબર ખોદે છે, ખડકમાં પોતાને સારૂ રહેઠાણ કોતરે છે!”—યશાયાહ ૨૨:૧૫, ૧૬.
૧૭ શેબ્ના મોટે ભાગે રાજા હિઝકીયાહના “રાજમહેલનો કારભારી” હતો. એ માટે, તે ઊંચી પદવી ધરાવે છે, જે રાજાથી પછીનું બીજું સ્થાન છે. શેબ્નાની ઉચ્ચ પદવીને કારણે, તેની પાસેથી ઘણી આશાઓ રાખવામાં આવે છે. (૧ કોરીંથી ૪:૨) પરંતુ, પ્રથમ દેશનું ભલું કરવાને બદલે, તે પોતાનો સ્વાર્થ સાધવા મંડી પડ્યો છે. તે પોતાને માટે રાજાના જેવી જ ઊંચા ખડક પર ભવ્ય કબર બનાવડાવે છે. એ જોઈને યહોવાહ પરમેશ્વર યશાયાહને પ્રેરણા આપે છે કે, તે જઈને આ અવિશ્વાસુ કારભારીને ચેતવણી આપે: “જુઓ, યહોવાહ શૂરવીરની પેઠે તને જોરથી ફેંકી દેશે; હા, તે તને મજબૂતાઇથી પકડી રાખશે. ખચીત તે તને લપેટી લપેટીને દડાની પેઠે વિશાળ પ્રદેશમાં ફેંકી દેશે; ત્યાં તું મરી જઈશ, ને હે તારા ધણીના ઘરને કલંક લગાડનાર, તારા ભપકાદાર રથો ત્યાંજ રહેશે. હું તને તારી પદવી પરથી હડસેલી કાઢીશ, ને તને તારી જગાએથી પાડી નાખીશ.” (યશાયાહ ૨૨:૧૭-૧૯) શેબ્નાના સ્વાર્થી વલણને કારણે, તેને માટે યરૂશાલેમની સામાન્ય કબર પણ નહિ હોય. એને બદલે, તેને દડાની જેમ દૂર દેશમાં ફેંકી દેવામાં આવશે, જ્યાં તે મરી જશે. યહોવાહના લોકોમાં જેઓને જવાબદારી સોંપવામાં આવી છે, તેઓ સર્વ માટે આ ચેતવણીરૂપ છે. તેઓ સત્તાનો દુરુપયોગ કરશે તો, તેઓની સત્તા ઝૂંટવી લેવામાં આવશે. અરે, તેઓને યહોવાહના લોકોમાંથી પણ હાંકી કાઢવામાં આવી શકે.
૧૮. શેબ્નાની જગ્યા કોણ લેશે અને એ વ્યક્તિને શેબ્નાનો પોષાક તથા દાઊદના ઘરની કૂંચી આપવામાં આવશે, એનો શું અર્થ થાય છે?
૧૮ પરંતુ, શેબ્નાનું સ્થાન કઈ રીતે લઈ લેવામાં આવશે? યશાયાહ દ્વારા યહોવાહ સમજાવે છે: “તે દિવસે હું મારા સેવક હિલ્કીયાહના દીકરા એલ્યાકીમને બોલાવીશ; હું તેને તારો પોષાક પહેરાવીશ, તારો કમરબંધ તેની કમરે બાંધીશ, હું તેના હાથમાં તારો અધિકાર સોંપીશ; અને તે યરૂશાલેમના રહેવાસીઓ સાથે, તથા યહુદાહના માણસો સાથે પિતા પ્રમાણે વર્તશે. હું દાઊદના ઘરની કૂંચી તેની ખાંધ પર મૂકીશ; તેને તે ઉઘાડશે, ને કોઈ બંધ કરનાર મળશે નહિ; અને તે બંધ કરશે ત્યારે કોઈ ઉઘાડનાર મળશે નહિ.” (યશાયાહ ૨૨:૨૦-૨૨) શેબ્નાની જગ્યાએ એલ્યાકીમને દાઊદના ઘરની ચાવી સહિત, કારભારીનો પોષાક આપવામાં આવશે. બાઇબલમાં “કૂંચી” શબ્દ સત્તા, અધિકાર કે તાકાત દર્શાવવા વાપરવામાં આવ્યો છે. (માત્થી ૧૬:૧૯ સરખાવો.) પહેલાંના સમયમાં, રાજાના સલાહકાર પાસે ‘કૂંચીઓ’ રહેતી, જે કદાચ રાજમહેલની દેખરેખ રાખતો હતો. રાજાની સેવામાં કોને રાખવા અને કોને નહિ, એની પણ તે પસંદગી કરતો હતો. (પ્રકટીકરણ ૩:૭, ૮ સરખાવો.) આમ, કારભારીની પદવી બહુ જ મહત્ત્વની હતી અને જે કોઈને એ મળી હોય, તેની પાસેથી ઘણી આશા રાખવામાં આવતી. (લુક ૧૨:૪૮) શેબ્ના એ માટે યોગ્ય હોય શકે, પરંતુ તે વિશ્વાસુ ન હોવાથી યહોવાહ તેની એ પદવી લઈ લેશે.
બે સાંકેતિક ખૂંટીઓ
૧૯, ૨૦. (ક) એલ્યાકીમ પોતાના લોકો માટે કઈ રીતે આશીર્વાદ બની રહેશે? (ખ) જેઓ શેબ્નામાં ભરોસો રાખશે તેઓનું શું થશે?
૧૯ છેવટે, યહોવાહ શેબ્નાની સત્તા એલ્યાકીમને આપવાનું સાંકેતિક રીતે વર્ણન કરે છે. તે કહે છે: “હું તેને [એલ્યાકીમને] મજબૂત સ્થાનમાં ખૂંટીની પેઠે ઠોકી બેસાડીશ; અને તે પોતાના બાપના કુટુંબને માટે માનાસ્પદ થશે. તેઓ તેના બાપના ઘરનો સર્વ વૈભવ, કુટુંબપરિવાર, પ્યાલાં જેવાં નાનાં પાત્રથી તે શિરોઈ જેવાં પાત્ર સુધી, તે સર્વ તેના પર ટાંગી રાખશે. સૈન્યોના દેવ યહોવાહનું એવું વચન છે, કે તે દિવસે મજબૂત સ્થાનમાં જે ખૂંટી [શેબ્ના] ઠોકી બેસાડેલી હતી તે નીકળી આવશે; તે કપાઈ જઈને નીચે પડશે, ને તેના પર જે ભાર હતો તે નષ્ટ થશે; કેમકે યહોવાહ એવું બોલ્યો છે.”—યશાયાહ ૨૨:૨૩-૨૫.
૨૦ પ્રથમ ખૂંટી એલ્યાકીમ છે. તે પોતાના પિતા, હિલ્કીયાહના કુટુંબને માટે “માનાસ્પદ” થશે. શેબ્નાની જેમ, તે પોતાના પિતાના કુટુંબને કે તેમના મોભાને કોઈ કલંક લગાડશે નહિ. એલ્યાકીમ, રાજાના કુટુંબના પાત્રો, એટલે કે રાજાની સેવા કરનારા બીજાઓને માટે કાયમી ટેકો બની રહેશે. (૨ તીમોથી ૨:૨૦, ૨૧) એનાથી અલગ બીજી ખૂંટી શેબ્નાને ચિત્રિત કરે છે. તે ભલે સલામત દેખાતી હોય, પણ તેને ખસેડવામાં આવશે. જે તેનામાં ભરોસો રાખશે તેનો પણ અંત આવશે.
૨૧. આજે શેબ્નાની જેમ, કોને હાંકી કાઢવામાં આવ્યા છે અને શા માટે, તથા તેઓનું સ્થાન કોને આપવામાં આવ્યું છે?
૨૧ શેબ્નાનું ઉદાહરણ આપણને યાદ દેવડાવે છે કે પરમેશ્વરના ભક્તોમાં જેઓ જવાબદારી ઉપાડે છે તેઓને એ સત્તાનો બીજાઓની સેવા કરવા અને યહોવાહને મહિમા આપવા ઉપયોગ કરવો જોઈએ. તેઓએ એનો ઉપયોગ પોતાના સ્વાર્થ માટે અથવા પોતાનું નામ કમાવા કરવો ન જોઈએ. દાખલા તરીકે, ખ્રિસ્તીરાષ્ટ્ર લાંબા સમયથી દાવો કરે છે કે તેઓ યહોવાહના નીમાયેલા કારભારી છે અને ઈસુ ખ્રિસ્તના પૃથ્વી પરના પ્રતિનિધિ છે. જો કે શેબ્નાએ પોતે મહિમા શોધીને પોતાના પિતાનું નામ બદનામ કર્યું તેમ, ખ્રિસ્તીરાષ્ટ્રના ઘણા આગેવાનોએ પણ પોતાના માટે ધન અને સત્તા ભેગી કરીને ઉત્પન્નકર્તા પર કલંક લાવ્યા છે. તેથી, ૧૯૧૮માં ‘ન્યાયકરણનો આરંભ દેવની મંડળીમાં થવાનો’ સમય આવ્યો ત્યારે, યહોવાહે ખ્રિસ્તીરાષ્ટ્રને હાંકી કાઢ્યું. એ સમયે, ઈસુના પૃથ્વી પરના કુટુંબ પર “વિશ્વાસુ તથા શાણો કારભારી” નીમવામાં આવ્યો. (૧ પીતર ૪:૧૭; લુક ૧૨:૪૨-૪૪) આ સંયુક્ત વર્ગે બતાવ્યું છે કે, તેઓ દાઊદના ઘરની “કૂંચી” સંભાળવા યોગ્ય છે. એ ભરોસાપાત્ર ‘ખૂંટીની’ જેમ, વિવિધ “પાત્રો” માટે ટેકારૂપ સાબિત થયો છે. અલગ અલગ જવાબદારીઓ સંભાળતા અભિષિક્ત ખ્રિસ્તીઓ આત્મિક આધાર માટે એના તરફ જુએ છે. તેમ જ, પહેલાંના યરૂશાલેમની ‘અંદર રહેતા પરદેશીઓની’ જેમ, “બીજાં ઘેટાં” પણ આ “ખૂંટી,” આજના એલ્યાકીમ પર આધાર રાખે છે.—યોહાન ૧૦:૧૬; પુનર્નિયમ ૫:૧૪.
૨૨. (ક) શેબ્નાને કારભારીના સ્થાન પરથી હટાવવામાં આવ્યો, એ શા માટે સમયસરનું હતું? (ખ) આજે કઈ રીતે ‘વિશ્વાસુ તથા શાણા કારભારીને’ સમયસર નીમવામાં આવ્યા છે?
૨૨ સાન્હેરીબ અને તેનું લશ્કર યરૂશાલેમને ધમકીરૂપ હતા ત્યારે, શેબ્નાની જગ્યા એલ્યાકીમે લીધી. એ જ પ્રમાણે, આ અંતના સમયમાં સેવા આપવાને “વિશ્વાસુ તથા શાણો કારભારી” નીમવામાં આવ્યો છે. એ અંતનો સમય ત્યારે સમાપ્ત થશે જ્યારે, શેતાન અને તેનું લશ્કર “દેવના ઈસ્રાએલ” અને તેમના સંગાથી, બીજાં ઘેટાં પર છેલ્લો હુમલો કરશે. (ગલાતી ૬:૧૬) હિઝકીયાહના સમયમાં થયું હતું તેમ, ન્યાયીપણાના શત્રુઓના વિનાશ સાથે એ હુમલાનો અંત આવશે. આશ્શૂરીઓના આક્રમણ વખતે યરૂશાલેમના વિશ્વાસુ લોકોની જેમ, જેઓ ‘મજબૂત સ્થાનમાંની ખૂંટી,’ એટલે કે વિશ્વાસુ કારભારી પર આધાર રાખશે, તેઓ જરૂર બચશે. તેથી, ખ્રિસ્તીરાષ્ટ્રની બદનામ “ખૂંટી” પર આધાર ન રાખવામાં જ ડહાપણ છે!
૨૩. શેબ્નાનું આખરે શું થાય છે અને એ પરથી આપણે શું શીખી શકીએ?
૨૩ શેબ્નાનું શું થયું? યશાયાહ ૨૨:૧૮માંની તેના વિષેની ભવિષ્યવાણી કઈ રીતે પૂરી થઈ, એની નોંધ આપણી પાસે નથી. જો કે ખ્રિસ્તીરાષ્ટ્રથી ભિન્ન, તે પોતાને મળેલી શિસ્તમાંથી શીખ્યો હોય એમ લાગે છે. આશ્શૂરી રાબશાકેહ યરૂશાલેમને શરણાગતિ સ્વીકારી લેવા ધમકી આપે છે ત્યારે, હિઝકીયાહનો નવો કારભારી, એલ્યાકીમ પોતાના પ્રતિનિધિઓ સાથે રાજાને મળવા જાય છે. એ સમયે, શેબ્ના પણ રાજાના મંત્રી તરીકે તેઓની સાથે જ હોય છે. દેખીતું છે કે, શેબ્ના હજુ પણ રાજાની સેવા બજાવે છે. (યશાયાહ ૩૬:૨, ૨૨) જેઓએ યહોવાહના સંગઠનમાં સેવાના લહાવા ગુમાવ્યા છે તેઓ માટે કેવું સુંદર ઉદાહરણ! એ વિષે કડવું વલણ કે મનમાં ખાર રાખવાને બદલે, એ ડહાપણભર્યું થશે કે તેઓ યહોવાહની સેવામાં જે કંઈ કરવા મળે એમાં મંડ્યા રહે. (હેબ્રી ૧૨:૬) એમ કરવાથી, ખ્રિસ્તીરાષ્ટ્રની જેમ તેઓ આફત વહોરી લેશે નહિ. એને બદલે, તેઓ યહોવાહની કૃપા અને આશીર્વાદનો હંમેશા આનંદ માણતા રહેશે.
[ફુટનોટ્સ]
a રોમન લશ્કરોએ યરૂશાલેમને ૬૬ સી.ઈ.માં ઘેરો ઘાલ્યો હતો. પછી તેઓ પાછા ચાલ્યા ગયા ત્યારે, ઘણા યહુદીઓએ આનંદ મનાવ્યો હતો.
b પ્રથમ સદીના ઇતિહાસકાર જોસેફસ અનુસાર, ૭૦ સી.ઈ.માં યરૂશાલેમમાં એટલો ભયંકર દુકાળ પડ્યો કે, લોકો ચામડું, ઘાસ અને વનસ્પતિ પણ ખાઈ ગયા. એક અહેવાલ મુજબ, એક સ્ત્રીએ પોતાના પુત્રને શેકીને ખાધો.
c “યહુદાહની નિરાધાર સ્થિતિ” એવું કંઈ પણ હોય શકે, જેનાથી શહેરનું રક્ષણ થતું હોય, જેમ કે એવા કિલ્લાઓ પણ હોય શકે જ્યાં હથિયારો રાખવામાં આવતાં હતાં અને સૈનિકો રહેતા હતા.
[પાન ૨૩૧ પર ચિત્ર]
સિદકીયાહ નાસી છૂટે છે ત્યારે, તેને પકડીને તેની આંખો ફોડી નાખવામાં આવે છે
[પાન ૨૩૨, ૨૩૩ પર ચિત્ર]
યરૂશાલેમમાં ફસાયેલા યહુદીઓ સામે મોત મોં ફાડીને બેઠું છે
[પાન ૨૩૯ પર ચિત્ર]
હિઝકીયાહે એલ્યાકીમને ‘મજબૂત સ્થાનમાં ખૂંટી’ બનાવ્યો
[પાન ૨૪૧ પર ચિત્ર]
શેબ્નાની જેમ, ખ્રિસ્તીરાષ્ટ્રના ઘણા આગેવાનોએ ધનસંપત્તિ ભેગી કરીને ઉત્પન્નકર્તાને કલંક લગાડ્યું
[પાન ૨૪૨ પર ચિત્રો]
વિશ્વાસુ કારભારી વર્ગને આજે ઈસુના કુટુંબ પર નીમવામાં આવ્યો છે