છેલ્લા દુશ્મન મરણનો નાશ કરાશે
“જે છેલ્લો શત્રુ નાશ પામશે તે મરણ છે.”—૧ કોરીં. ૧૫:૨૬.
૧, ૨. શરૂઆતમાં આદમ અને હવાનું જીવન કેવું હતું? આપણને કયા સવાલો થઈ શકે?
યહોવાએ આદમ અને હવાનું સર્જન કર્યું ત્યારે તેઓનો કોઈ દુશ્મન ન હતો. તેઓ બંને, બગીચા જેવી સુંદર ધરતી પર સંપૂર્ણ માનવીઓ તરીકે જીવતાં હતાં. ઈશ્વરના દીકરા અને દીકરી તરીકે તેઓ પોતાના સર્જનહાર સાથે સારા સંબંધનો આનંદ માણતાં હતાં. (ઉત. ૨:૭-૯; લુક ૩:૩૮) યહોવાએ તેઓને ‘પૃથ્વીને ભરપૂર કરવા, એને વશ કરવા અને સઘળાં પ્રાણીઓ પર અમલ’ ચલાવવાનું કામ સોંપ્યું હતું. (ઉત્પત્તિ ૧:૨૮ વાંચો.) એ માટે તેઓને કેટલાં લાંબા જીવનની જરૂર હતી? ખરું કે, ‘પૃથ્વીને ભરપૂર કરવા અને એને વશ કરવા’ તેઓને હંમેશ માટેના જીવનની જરૂર ન હતી. પરંતુ, આખી પૃથ્વી પરનાં “સઘળાં પ્રાણીઓ પર અમલ” ચલાવવા તેઓને હંમેશ માટેના જીવનની જરૂર હતી. તેઓ એ સોંપણીનો આનંદ કાયમ માટે માણી શક્યાં હોત.
૨ તો સવાલ થાય કે શા માટે આજે પરિસ્થિતિ સાવ જુદી જ છે? શા માટે મનુષ્યોની ખુશીઓના ઘણા દુશ્મનો છે, જેમાંનો સૌથી મોટો દુશ્મન મરણ છે? ઈશ્વર એ દુશ્મનોનો નાશ કરવા શું કરશે? એવા સવાલોના જવાબ મેળવવા બાઇબલ મદદ કરે છે. ચાલો, એ જવાબો મેળવીએ.
પ્રેમના લીધે આપેલી ચેતવણી
૩, ૪. (ક) યહોવાએ આદમ અને હવાને કઈ આજ્ઞા આપી? (ખ) એ આજ્ઞા પાળવી શા માટે મહત્ત્વની હતી?
૩ આદમ અને હવા હંમેશ માટે જીવી શકે એ રીતે બનાવવામાં આવ્યાં હતાં. જોકે, તેઓને જીવન ટકાવી રાખવા હવા, પાણી, ખોરાક અને ઊંઘની જરૂર હતી. સૌથી મહત્ત્વનું તો, તેઓનું જીવન સર્જનહાર સાથેના સંબંધ પર નિર્ભર હતું. (પુન. ૮:૩) જીવનનો હંમેશ માટે આનંદ માણવા જરૂરી હતું કે તેઓ યહોવાના માર્ગદર્શનને સ્વીકારે. એ વાત યહોવાએ હવાનું સર્જન કર્યું એ પહેલાં જ આદમને સ્પષ્ટ રીતે જણાવી હતી. આપણે શાના આધારે એમ કહી શકીએ? બાઇબલ જણાવે છે કે, “યહોવા ઈશ્વરે તે માણસને એવો હુકમ આપ્યો, કે વાડીના હરેક વૃક્ષ પરનું ફળ તું ખાયા કર; પણ ભલુંભૂંડું જાણવાના વૃક્ષનું તારે ખાવું નહિ; કેમ કે જે દિવસે તું ખાશે તે જ દિવસે તું મરશે જ મરશે.”—ઉત. ૨:૧૬, ૧૭.
૪ ‘ભલુંભૂંડું જાણવાનું વૃક્ષ’ બતાવતું હતું કે, ખરું શું છે અને ખોટું શું છે, એ નક્કી કરવાનો હક ફક્ત યહોવાનો છે. ખરું કે, આદમને યહોવાએ પોતાના સ્વરૂપમાં બનાવ્યો અને તેને અંતઃકરણ આપ્યું, જેથી તે ખરા અને ખોટા વચ્ચે ભેદ સારી રીતે પારખી શકતો હતો. છતાં, એ વૃક્ષ તેઓને યાદ અપાવતું હતું કે તેઓને હંમેશાં યહોવાના માર્ગદર્શનની જરૂર છે. જો તેઓ એ વૃક્ષ પરનું ફળ ખાય તો એ જાણે કે, એમ કહેવા જેવું હતું કે “ઈશ્વર, અમને તમારા નિયમોની જરૂર નથી!” પરિણામે તેઓ અને તેઓના વંશજોને મરણનો સામનો કરવો પડે, જેના વિશે યહોવાએ પહેલાંથી ચેતવી રાખ્યું હતું.
મનુષ્યોમાં મરણ કઈ રીતે આવ્યું
૫. આદમ અને હવાએ શા માટે યહોવાનું કહ્યું ન માન્યું?
૫ હવાના સર્જન પછી, ઈશ્વરની એ આજ્ઞા વિશે આદમે તેને જણાવ્યું હતું. હવા એ આજ્ઞાનો શબ્દે શબ્દ જાણતી હતી. (ઉત. ૩:૧-૩) તેણે શેતાન સાથે વાત કરતી વખતે એ આજ્ઞા કહી જણાવી હતી. આપણે જાણીએ છીએ કે શેતાને સત્તા અને ઈશ્વર સમાન થવાની ઇચ્છાને વધવા દીધી હતી. (વધુ માહિતી: યાકૂબ ૧:૧૪, ૧૫) અરે, તેણે પોતાની ઇચ્છાને સંતોષવા ઈશ્વર પર આરોપ મૂક્યો કે તે જૂઠા છે! શેતાને હવાને એવી ખાતરી આપી કે ઈશ્વરની આજ્ઞા તોડશે તોપણ તેઓ મરશે નહિ, એના બદલે ઈશ્વર જેવાં બની જશે. (ઉત. ૩:૪, ૫) હવા શેતાનની વાતમાં આવી ગઈ. તેણે ઈશ્વરનું કહ્યું ન માન્યું અને એ વૃક્ષનું ફળ ખાધું. તેણે એ ફળ આદમને પણ આપ્યું અને તેણે પણ એ ખાધું. (ઉત. ૩:૬, ૧૭) શેતાન તો હવાને જૂઠું બોલ્યો હતો, જેમાં તે ફસાઈ ગઈ. (૧ તીમોથી ૨:૧૪ વાંચો.) પરંતુ, આદમ તો જાણતો હતો કે એ ફળ ખાવું ખોટું છે છતાં, તેણે ‘પોતાની પત્નીની વાત માની.’ શેતાને એક સારો સલાહકાર હોવાનો ઢોંગ કર્યો. પરંતુ, હકીકતમાં તે એક ક્રૂર દુશ્મન હતો. શેતાન સારી રીતે જાણતો હતો કે તેની એ સલાહનો કેવો ખરાબ અંજામ આવશે.
૬, ૭. યહોવાએ કઈ રીતે બંડ કરનારાઓનો ન્યાય કર્યો?
૬ ઈશ્વરે આદમ અને હવાને જીવન આપ્યું હતું અને દરેક જરૂરિયાત પણ પૂરી પાડી હતી. છતાં, પોતાના સ્વાર્થના લીધે તેઓ ઈશ્વરની વિરુદ્ધ ગયાં હતાં. ઈશ્વર સારી રીતે જાણતા હતા કે શું બની રહ્યું છે. (૧ કાળ. ૨૮:૯; નીતિવચનો ૧૫:૩ વાંચો.) તોપણ, આદમ, હવા અને શેતાનને તક આપવામાં આવી, જેથી તેઓ જણાવી શકે કે ઈશ્વર વિશે પોતાને કેવું લાગે છે. એમાં કોઈ શંકા નથી કે, એક પિતા તરીકે યહોવાને ખૂબ જ દુઃખ થયું હશે. (વધુ માહિતી: ઉત્પત્તિ ૬:૬) પોતાના ન્યાયી ધોરણોને લીધે તેમણે એ બંડ કરનારાઓને શિક્ષા આપી.
૭ યહોવાએ આદમને કહ્યું હતું કે, એ વૃક્ષનું ફળ “જે દિવસે તું ખાશે એ જ દિવસે તું મરશે જ મરશે.” આદમને થયું હશે કે યહોવાએ જે ‘દિવસ’ વિશે વાત કરી એ ૨૪ કલાકનો હશે. તેણે વિચાર્યું હશે કે ઈશ્વરની આજ્ઞા તોડવાને લીધે, એ જ દિવસે સૂર્ય આથમતા પહેલાં તે મરણ પામશે. “દિવસને ઠંડે પહોરે” આદમ અને હવા સાથે યહોવાએ વાત કરી. (ઉત. ૩:૮) એક સારા ન્યાયાધીશ હોવાથી યહોવાએ પહેલા તેઓની પૂરી વાત સાંભળી. (ઉત. ૩:૯-૧૩) એ પછી જ, તેઓને દોષિત ઠરાવતા યહોવાએ તેઓને મોતની સજા ફરમાવી. (ઉત. ૩:૧૪-૧૯) જો યહોવાએ તેઓનો તરત જ નાશ કર્યો હોત, તો મનુષ્યો માટેનો તેમનો હેતુ પૂરો ન થાત. (યશા. ૫૫:૧૧) ખરું કે, એ પાપની અસર તરત શરૂ થઈ ગઈ. છતાં, યહોવાએ આદમ-હવાને જીવવા દીધાં, જેથી તેઓને બાળકો થાય, જેઓ સારું ભાવિ મેળવી શકે. એક રીતે જોતાં, યહોવાની નજરે આદમ અને હવા એ જ દિવસે મરણ પામ્યાં. કારણ કે, યહોવા માટે “એક દિવસ” એ હજાર વર્ષો સમાન છે.—૨ પીત. ૩:૮.
૮, ૯. આદમના પાપની તેનાં સંતાનો પર કઈ અસર થઈ? (શરૂઆતનું ચિત્ર જુઓ.)
૮ આદમ અને હવાએ જે કર્યું, શું એની અસર તેઓનાં સંતાનો પર થઈ? હા, રોમનો ૫:૧૨ જણાવે છે કે, ‘એક માણસથી જગતમાં પાપ આવ્યું ને પાપથી મરણ. અને સઘળાએ પાપ કર્યું, તેથી સઘળા માણસોમાં મરણનો પ્રસાર થયો.’ મરણ પામનાર પ્રથમ માણસ ઈશ્વરભક્ત હાબેલ હતા. (ઉત. ૪:૮) ત્યાર બાદ આદમનાં બીજાં સંતાનો પણ વૃદ્ધ થઈને મરણ પામ્યાં. તો શું તેઓને પણ વારસામાં પાપ અને મરણ મળ્યાં હતાં? એનો જવાબ આપતા પ્રેરિત પાઊલ આમ કહે છે: “એક માણસના આજ્ઞાભંગથી ઘણા પાપી થયા.” (રોમ. ૫:૧૯) એ રીતે, પાપ અને મરણ મનુષ્યોના ક્રૂર દુશ્મન બન્યા. એના પંજામાંથી કોઈ છટકી શક્યું નથી. આપણે પૂરી રીતે સમજી શકતા નથી કે પાપ અને મરણ આદમનાં સંતાનોનાં શરીરમાં કઈ રીતે આવ્યાં. પરંતુ, એનાં પરિણામો સાફ દેખાઈ આવે છે.
૯ તેથી જ બાઇબલ સરખામણી કરે છે કે, “સઘળી પ્રજાઓ પર” જાણે પાપ અને મરણ ‘ઓઢાડેલાં છે.’ (યશા. ૨૫:૭) કોઈ પણ મનુષ્ય પાપ અને મરણથી બચી શકતો નથી. એટલે બાઇબલ કહે છે, ‘આદમના લીધે બધા મરે છે.’ (૧ કોરીં. ૧૫:૨૨) એ માટે પાઊલે પણ સવાલ કર્યો કે “મને આ મરણના શરીરથી કોણ મુક્ત કરશે?” (રોમ. ૭:૨૪) શું કોઈ કરી શકે?a
આદમથી મળેલાં પાપ અને મરણનો અંત આવશે
૧૦. (ક) બાઇબલની કઈ કલમો જણાવે છે કે યહોવા મરણને રદ કરશે? (ખ) એ કલમોમાંથી યહોવા અને તેમના દીકરા વિશે શું શીખી શકીએ?
૧૦ યહોવા લોકોને મરણથી બચાવી શકે છે. બાઇબલ જણાવે છે કે ‘તેમણે સદાને માટે મરણ રદ કર્યું છે અને તે સર્વનાં મુખ પરથી આંસુ લૂછી નાખશે.’ (યશા. ૨૫:૮) એક પિતા જેમ પોતાના બાળકની તકલીફોનું કારણ દૂર કરીને તેનાં આંસુ લૂછે છે, તેમ યહોવા પણ આદમથી આવેલાં પાપનો નાશ કરવા આતુર છે. એમ કરવામાં ઈસુ પણ તેમની સાથે છે. પહેલો કોરીંથી ૧૫:૨૨ જણાવે છે કે, ‘જેમ આદમને લીધે બધા મરે છે, તેમ જ ખ્રિસ્તને લીધે બધા સજીવન થશે.’ પાઊલે પૂછ્યું હતું, “મને આ મરણના શરીરથી કોણ મુક્ત કરશે?” એ પછી તેમણે તરત જણાવ્યું, “આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તને આશરે હું ઈશ્વરની ઉપકારસ્તુતિ કરું છું.” (રોમ. ૭:૨૫) પાઊલના એ વિચારો પરથી સ્પષ્ટ થાય છે કે આદમ અને હવાના બંડ કર્યાં પછી પણ યહોવાએ મનુષ્યો પર પ્રેમ રાખ્યો. એ જ રીતે, એ યુગલના સર્જન વખતે યહોવાનો સાથ આપનાર ઈસુ પણ મનુષ્યોને હજુય ચાહે છે. (નીતિ. ૮:૩૦, ૩૧) પરંતુ, સવાલ થાય કે મનુષ્યો પાપ અને મરણના પંજામાંથી કઈ રીતે છૂટશે?
૧૧. મનુષ્યોને મદદ કરવા યહોવાએ શું કર્યું?
૧૧ આદમે કરેલાં પાપને લીધે તેને મરણની શિક્ષા થઈ. એના લીધે દરેક મનુષ્ય પાપ અને મરણનો ભોગ બને છે. (રોમ. ૫:૧૨, ૧૬) બાઇબલ જણાવે છે, “એક પાપને પરિણામે બધા માણસો દોષિત ઠર્યા.” (રોમ. ૫:૧૮, કોમન લેંગ્વેજ) પોતાનાં ન્યાયી ધોરણોને તોડ્યાં વગર યહોવા કઈ રીતે મનુષ્યોને મદદ કરવાના હતા? એનો જવાબ ઈસુના આ શબ્દોમાં મળે છે: ‘ઘણા લોકોના જીવની કિંમત ચૂકવવા માણસનો દીકરો પોતાનો જીવ આપવા આવ્યો.’ (માથ. ૨૦:૨૮) ઈસુ પૃથ્વી પર એ માટે આવ્યા કે, આદમે જે ગુમાવ્યું હતું એની કિંમત ચૂકવી શકે. હવે, સવાલ થાય કે શું ઈસુએ ચૂકવેલી એ કિંમતથી ન્યાય થયો કહેવાય?—૧ તીમો. ૨:૫, ૬.
૧૨. કઈ રીતે ઈસુએ ચૂકવેલી કિંમતથી યહોવાનાં ન્યાયી ધોરણો જળવાઈ રહ્યાં?
૧૨ ઈસુ સંપૂર્ણ વ્યક્તિ હોવાથી હંમેશ માટે પૃથ્વી પર જીવી શક્યા હોત. આદમ માટે પણ યહોવા એવું જ ઇચ્છતા હતા. યહોવા અને મનુષ્યો પર પ્રેમ રાખતા હોવાથી, ઈસુએ પોતાનો જીવ કુરબાન કર્યો. આદમે જે ગુમાવ્યું હતું, એની બરોબરની કિંમત ઈસુના બલિદાન દ્વારા ચૂકવવામાં આવી. પછી, યહોવાએ ઈસુને સ્વર્ગના જીવન માટે સજીવન કર્યા. (૧ પીત. ૩:૧૮) એ રીતે, સંપૂર્ણ જીવને બદલે સંપૂર્ણ જીવ આપવામાં આવ્યો. ઈસુએ ચૂકવેલી એ બરોબરની કિંમતથી યહોવાનાં ન્યાયી ધોરણો જળવાઈ રહ્યાં. ઈસુના બલિદાનથી આદમનાં વંશજો માટે હંમેશાંનું જીવન શક્ય બન્યું. તેથી, પાઊલે ઈસુ વિશે લખ્યું કે “છેલ્લો આદમ જીવન આપનાર” બન્યો.—૧ કોરીં. ૧૫:૪૫.
૧૩. ગુજરી ગયેલા લોકો માટે “છેલ્લો આદમ” શું કરશે?
૧૩ “છેલ્લો આદમ” ઈસુ, નજીકના ભાવિમાં મનુષ્યોને હંમેશ માટેનું જીવન આપશે. ગુજરી ગયેલા લોકોને પણ પૃથ્વી પર સજીવન કરવામાં આવશે.—યોહા. ૫:૨૮, ૨૯.
૧૪. કઈ રીતે મનુષ્યો પાપના પંજામાંથી મુક્ત કરાશે?
૧૪ કઈ રીતે મનુષ્યો પાપના પંજામાંથી મુક્ત કરાશે? એ માટે યહોવાએ સ્વર્ગમાં એક સરકાર સ્થાપી છે. એ સરકારમાં “છેલ્લો આદમ” ઈસુ અને તેની સાથે પૃથ્વી પરથી પસંદ કરાયેલા ૧,૪૪,૦૦૦ અભિષિક્તો હશે. (પ્રકટીકરણ ૫:૯, ૧૦ વાંચો.) પૃથ્વી પરથી લેવામાં આવ્યા હોવાથી એ અભિષિક્તો મનુષ્યોની અપૂર્ણતાને સારી રીતે સમજે છે. સ્વર્ગમાંથી ઈસુ અને ૧,૪૪,૦૦૦ અભિષિક્તો એક હજાર વર્ષ સુધી પૃથ્વી પર રાજ કરશે અને મનુષ્યોને સંપૂર્ણ બનવામાં મદદ કરશે.—પ્રકટી. ૨૦:૬.
૧૫, ૧૬. (ક) ‘છેલ્લો શત્રુ મરણ’ એટલે શું અને એનો ક્યારે નાશ કરાશે? (ખ) પહેલો કોરીંથી ૧૫:૨૮ પ્રમાણે, ઈસુ શું કરવાના છે?
૧૫ હજાર વર્ષના રાજના અંતે, યહોવાને આધીન રહેનાર મનુષ્યોને પાપ અને મરણથી છોડાવવામાં આવશે. એ વિશે બાઇબલ જણાવે છે, “જેમ આદમ દ્વારા સર્વે મરે છે, તેમ જ વળી ખ્રિસ્ત દ્વારા સર્વે સજીવન થશે. પણ દરેકને પોતપોતાને અનુક્રમે: ખ્રિસ્ત પ્રથમફળ; ત્યાર પછી જેઓ ખ્રિસ્તના છે [ખ્રિસ્ત સાથે રાજ કરનારા] તેઓને તેના આવવાની વેળાએ સજીવન કરવામાં આવશે. પછી જ્યારે તે ઈશ્વરને એટલે બાપને રાજ્ય સોંપી દેશે, જ્યારે તે સઘળી રાજ્યસત્તા તથા સઘળો અધિકાર તથા પરાક્રમ તોડી પાડશે ત્યારે અંત આવશે. કેમ કે તે પોતાના સર્વ શત્રુઓને પગ તળે નહિ દાબે, ત્યાં સુધી તેણે રાજ કરવું જોઈએ. જે છેલ્લો શત્રુ નાશ પામશે તે મરણ છે.” (૧ કોરીં. ૧૫:૨૨-૨૬) હા, આદમથી આવેલાં મરણનો નાશ કરવામાં આવશે! મોતનું એ કફન જે મનુષ્યો પર ‘ઓઢાડેલું છે,’ એને હંમેશ માટે કાઢી નાંખવામાં આવશે.—યશા. ૨૫:૭, ૮.
૧૬ પાઊલ પોતાનો એ અહેવાલ આમ કહીને પૂરો કરે છે, ‘જ્યારે ઈસુને બધા આધીન કરવામાં આવશે, ત્યારે યહોવા જેમણે બધાને ઈસુને આધીન કર્યાં છે, તેમને ઈસુ પોતે પણ આધીન થશે, જેથી યહોવા સર્વમાં સર્વ થાય.’ (૧ કોરીં. ૧૫:૨૮) ઈસુના રાજનો હેતુ પૂરો થશે. એ પછી, સંપૂર્ણ થયેલાં મનુષ્યોને અને પોતાને અપાયેલા અધિકારને ઈસુ ખુશીથી યહોવાને સોંપશે.
૧૭. શેતાનનું શું થશે?
૧૭ પરંતુ, મનુષ્યોની તકલીફોનું મૂળ કારણ એટલે કે, શેતાન વિશે શું? પ્રકટીકરણ ૨૦:૭-૧૫ એનો જવાબ આપે છે. હજાર વર્ષના અંતે થોડાક સમય માટે શેતાનને છૂટો કરવામાં આવશે. સંપૂર્ણ મનુષ્યોનું તે છેલ્લી વાર પરીક્ષણ કરશે. એ સમયે જેઓ તેની વાતોમાં આવી જશે તેઓને અને શેતાનને હંમેશ માટે ખતમ કરી દેવામાં આવશે. એને “બીજું મરણ” કહેવાય છે. (પ્રકટી. ૨૧:૮) જેઓ એવું મોત મરશે તેઓ ફરી ક્યારેય જીવતા થઈ શકશે નહિ. આમ, બીજું મરણ ક્યારેય નાશ કરાશે નહિ. જોકે, આપણે યહોવાને વફાદાર રહીશું તો બીજા મરણથી જરાય ડરવાની જરૂર નથી.
૧૮. યહોવાએ આદમને આપેલી સોંપણી કઈ રીતે પૂરી થશે?
૧૮ સંપૂર્ણ બનેલી માનવજાતને યહોવા હંમેશ માટેના જીવનને યોગ્ય ગણશે. મનુષ્યોની ખુશીઓના બધા દુશ્મનો નાશ થઈ ગયા હશે. આમ, જે સોંપણી ઈશ્વરે આદમને આપી હતી, એ તેના વગર પણ પૂરી થઈ ગઈ હશે. એટલે કે, આ પૃથ્વી આદમના વંશજોથી ભરપૂર થશે. તેઓ ખુશીથી ધરતીની અને દરેક પ્રકારના જીવોની કાળજી રાખશે. આપણે કેટલી કદર કરીએ છીએ કે, જલદી જ યહોવા આપણા છેલ્લા શત્રુ મરણનો નાશ કરશે!
a વૈજ્ઞાનિકો વૃદ્ધ થવાનું અને મરણનું કારણ શોધવાના ઘણા પ્રયત્નો કરે છે. એ વિશે જણાવતા ઇન્સાઈટ ઓન ધ સ્ક્રીપ્ચર્સમાં કંઈક આમ લખ્યું છે: ‘તેઓ એ વાતની અવગણના કરે છે કે પ્રથમ માનવ યુગલને, સર્જનહારે મરણની સજા ફરમાવી હતી. એ સજા તેઓ પર એવી રીતે લાગુ થઈ, કે મનુષ્યો એને પૂરી રીતે સમજી શકતા નથી.’—બીજો ગ્રંથ, પાન ૨૪૭.