પ્રકાશ પસંદ કરનારા તારણ મેળવે છે
“યહોવાહ મારૂં અજવાળું તથા મારૂં તારણ છે; હું કોનાથી બીઉં?”—ગીતશાસ્ત્ર ૨૭:૧.
યહોવાહ પરમેશ્વર સૂર્ય-પ્રકાશ ઉત્પન્ન કરનાર છે. એનાથી આખી પૃથ્વી પર જીવન શક્ય બને છે. (ઉત્પત્તિ ૧:૨, ૧૪) તે આત્મિક પ્રકાશના ઉત્પન્ન કરનાર પણ છે, જે મોત તરફ દોરી જતા શેતાનના જગતનો અંધકાર દૂર કરે છે. (યશાયાહ ૬૦:૨; ૨ કોરીંથી ૪:૬; એફેસી ૫:૮-૧૧; ૬:૧૨) તેથી, એ પ્રકાશ પસંદ કરનારા ગીતશાસ્ત્રના લેખક સાથે સહમત થઈ શકે: “યહોવાહ મારૂં અજવાળું તથા મારૂં તારણ છે; હું કોનાથી બીઉં?” (ગીતશાસ્ત્ર ૨૭:૧ક) જોકે, ઈસુના સમયમાં થયું હતું એમ, અંધકાર ચાહનારાઓ ફક્ત યહોવાહના કોપની જ આશા રાખી શકે છે.—યોહાન ૧:૯-૧૧; ૩:૧૯-૨૧, ૩૬.
૨ યશાયાહના સમયમાં યહોવાહના મોટા ભાગના સેવકોએ અંધકાર ચાહ્યો. તેથી, યશાયાહે ઈસ્રાએલના ઉત્તરના રાજ્યનો વિનાશ જોયો. વળી, ૬૦૭ બી.સી.ઈ.માં યરૂશાલેમ અને એના મંદિરનો પણ વિનાશ થયો, તેમ જ યહુદાહના લોકોને બંદીવાન બનાવી બાબેલોન લઈ જવાયા. તેમ છતાં, યહોવાહનાં વચનો માનનાર લોકોને હિંમત મળી, જેથી તેઓ એ સમયના ધર્મવિરોધી લોકોનો સામનો કરી શક્યા. એ ૬૦૭ બી.સી.ઈ.ના સમય વિષે યહોવાહે વચન આપ્યું કે તેમનું કહ્યું માનનારા લોકોને તે બચાવશે. (યિર્મેયાહ ૨૧:૮, ૯) એ બનાવો પરથી, આપણે યહોવાહના અજવાળામાં ચાલનારા ઘણું શીખી શકીએ છીએ.—એફેસી ૫:૫.
અજવાળામાં ચાલનારાનો આનંદ
૩ “અમારૂં એક મજબૂત નગર છે; તેના કોટ તથા મોરચા દેવ તારણને અર્થે ઠરાવી આપશે. ભાગળોને ઉઘાડો, કે સત્યનું પાલન કરનારી ન્યાયી પ્રજા તેમાં પેસે.” (યશાયાહ ૨૬:૧, ૨) યહોવાહમાં ભરોસો રાખનારા લોકો આનંદથી આમ પોકારી ઊઠે છે. યશાયાહના દિવસના વિશ્વાસુ યહુદીઓ સલામતી માટે જૂઠા દેવદેવીઓ પર નહિ, પણ ફક્ત પરમેશ્વર યહોવાહ પર ભરોસો રાખતા હતા. આજે આપણને પણ એવો જ ભરોસો છે. એ ઉપરાંત આપણે “દેવના ઈસ્રાએલ,” એટલે કે યહોવાહની “ન્યાયી પ્રજા” પર પ્રેમ રાખીએ છીએ. (ગલાતી ૬:૧૬; માત્થી ૨૧:૪૩) યહોવાહ પણ એ પ્રજાને ચાહે છે, કેમ કે એ સત્યનું પાલન કરનારી પ્રજા છે. યહોવાહના આશીર્વાદથી ‘તેમના ઈસ્રાએલ’ પાસે “એક મજબૂત નગર,” એટલે કે યહોવાહનું સંગઠન છે, જે તેઓને ટેકો અને રક્ષણ આપે છે.
૪ એ ‘નગરમાં’ રહેનારા સારી રીતે જાણે છે કે “દૃઢ મનવાળાને તું [યહોવાહ] શાંત જ રાખીશ; કેમકે તેનો ભરોસો તારા પર છે.” યહોવાહમાં દૃઢ મનથી ભરોસો રાખનારા અને તેમના ન્યાયી ધોરણો પાળનારાને, તે ટકાવી રાખે છે. તેથી, યહુદાહના વિશ્વાસુ સેવકોએ યશાયાહની સલાહ માની: “યહોવાહ પર સદા ભરોસો રાખો; કેમકે યહોવાહ દેવ સનાતન ખડક છે.” (યશાયાહ ૨૬:૩, ૪; ગીતશાસ્ત્ર ૯:૧૦; ૩૭:૩; નીતિવચન ૩:૫) એવા દૃઢ વલણવાળા સેવકો ફક્ત “યહોવાહ દેવ,” સનાતન ખડકમાં ભરોસો રાખે છે અને તેમની શાંતિનો આનંદ માણે છે.—ફિલિપી ૧:૨; ૪:૬, ૭.
યહોવાહના દુશ્મનોએ નીચું જોવું પડ્યું
૫ યહોવાહમાં ભરોસો રાખનારા પર સતાવણી આવે ત્યારે, તેઓએ ગભરાઈ જવાની જરૂર નથી. યહોવાહ એ સતાવણીને અમુક સમય સુધી ચાલવા દે છે, પરંતુ એમાંથી છુટકારો પણ અપાવે છે. એટલું જ નહિ, પણ સતાવણી લાવનારાનો તે જરૂર ન્યાય કરશે. (૨ થેસ્સાલોનીકી ૧:૪-૭; ૨ તીમોથી ૧:૮-૧૦) એક ‘ગર્વિષ્ઠ નગરનો’ વિચાર કરો. યશાયાહ કહે છે: “તેણે [યહોવાહે] ઉચ્ચસ્થાનમાં રહેનારાઓને ને ગર્વિષ્ઠ નગરને નીચાં નમાવ્યાં છે; તે તેને પાડી નાખે છે, પાડી નાખીને તેને જમીનદોસ્ત કરે છે; તે તેને ધૂળભેગું કરે છે. પગથી તે ખૂંદાશે; હા, દીનોના પગથી, અને કંગાલોના પગથી તે ખૂંદાશે.” (યશાયાહ ૨૬:૫, ૬) અહીં જણાવેલું ગર્વિષ્ઠ નગર બાબેલોન હોય શકે. એ શહેરે પરમેશ્વરના લોકોને સાચે જ ઘણા દુઃખી કર્યા હતા. પરંતુ બાબેલોનનું શું થયું? એ ૫૩૯ બી.સી.ઈ.માં માદી-ઈરાનીઓ આગળ હારી ગયું. ખરેખર, એણે નીચું જોવું પડ્યું!
૬ યશાયાહની ભવિષ્યવાણી ૧૯૧૯થી ‘મોટા બાબેલોન શહેરનું’ જે થયું છે, એનું સારી રીતે વર્ણન કરે છે. એ ગર્વિષ્ઠ શહેરે ૧૯૧૯માં પોતાની કેદમાંથી યહોવાહના લોકોને છોડવા પડ્યા ત્યારે, એણે નીચું જોવું પડ્યું. (પ્રકટીકરણ ૧૪:૮) એ પછી જે બન્યું એ વધારે શરમજનક હતું. સાચા ખ્રિસ્તીઓનું એ નાનકડું વૃંદ પોતાને કેદ રાખનારને ‘ખૂંદવા’ તૈયાર થયું. તેઓ ખ્રિસ્તી રાષ્ટ્રના આવનાર વિનાશ વિષે ૧૯૨૨થી જણાવવા લાગ્યા. તેઓએ પ્રકટીકરણમાં જણાવેલા સ્વર્ગદૂતોએ વગાડેલા ચાર રણશિંગડાનો અને ભાખેલી ત્રણ આપત્તિનો પ્રચાર કરવાનું શરૂ કર્યું.—પ્રકટીકરણ ૮:૭-૧૨; ૯:૧–૧૧:૧૫.
“ન્યાયીનો માર્ગ સીધો છે”
૭ યહોવાહ પોતાના અજવાળામાં ચાલનારાને માર્ગદર્શન આપે છે અને તેઓને તારણ આપે છે. હવે એ વિષે યશાયાહ જણાવે છે: “ન્યાયીનો માર્ગ સીધો છે; તું ન્યાયીનો રસ્તો સરળ કરી બતાવે છે. હે યહોવાહ, અમે તારાં ન્યાયશાસનોને માર્ગે ચાલીને તારી વાટ જોતા આવ્યા છીએ; અમારા જીવને તારા નામની તથા તારા સ્મરણની ઉત્કંઠા છે.” (યશાયાહ ૨૬:૭, ૮) યહોવાહ ન્યાયી પરમેશ્વર છે અને તેમની ભક્તિ કરનારાએ પણ તેમના ન્યાયી ધોરણો પાળવા જ જોઈએ. તેઓ એમ કરે છે ત્યારે, યહોવાહ તેઓને માર્ગદર્શન આપીને, તેઓનો રસ્તો સરળ બનાવે છે. એ પ્રમાણે જીવીને આ નમ્ર લોકો બતાવે છે કે તેઓ તેમનામાં જ આશા રાખે છે, અને પૂરા દિલથી તેમના નામ તથા તેમની “યાદગીરી” ચાહે છે.—નિર્ગમન ૩:૧૫.
૮ યશાયાહ પણ યહોવાહના નામ પર પ્રેમ રાખતા હતા. એટલે જ તેમણે કહ્યું: “રાત્રે હું તારે માટે ઉત્કંઠિત રહ્યો છું; મારા અંતરાત્માથી આગ્રહપૂર્વક હું તને શોધીશ; પૃથ્વી પર તારાં ન્યાયશાસનો હોય, ત્યારે જગતના રહેવાસીઓ ધાર્મિકપણું શીખે.” (યશાયાહ ૨૬:૯) યશાયાહ પૂરા દિલથી યહોવાહ પર પ્રેમ રાખતા હતા. જરા કલ્પના કરો. રાત્રિનો શાંત સમય છે. પ્રબોધક યશાયાહ એ સમયે પ્રાર્થનામાં યહોવાહ આગળ પોતાનું દિલ ખોલીને તેમના માર્ગદર્શન માટે કાલાવાલા કરે છે. આપણા માટે કેવું સુંદર ઉદાહરણ! તેમ જ, યહોવાહના ન્યાયી કાર્યોથી જ યશાયાહ ન્યાયીપણું શીખી શક્યા. આ રીતે તે આપણને યાદ કરાવે છે કે આપણે હંમેશા સાવધ રહીને યહોવાહની ઇચ્છા પારખીએ, એ કેટલું બધું જરૂરી છે.
કેટલાક અંધકાર પસંદ કરે છે
૯ યહોવાહે યહુદાહ પર ઘણી જ પ્રેમાળ-કૃપા રાખી. પરંતુ, દુઃખની વાત છે કે બધાએ તેમનું માન્યું નહિ. મોટા ભાગના સંજોગોમાં ઘણાએ યહોવાહના સત્યના પ્રકાશને બદલે અંધકાર પસંદ કર્યો. યશાયાહે કહ્યું: “દુષ્ટ ઉપર કૃપા કરવામાં આવે, તોપણ તે ધાર્મિકપણું નહિ શીખે; પવિત્ર ભૂમિમાં પણ તે અધર્મ કરશે, ને યહોવાહના માહાત્મ્યને જોશે નહિ.”—યશાયાહ ૨૬:૧૦.
૧૦ યશાયાહના દિવસોમાં યહોવાહે દુશ્મનોથી યહુદાહનું રક્ષણ કર્યું ત્યારે, એના મોટા ભાગના લોકો એ માનવા તૈયાર ન હતા. યહોવાહે તેઓને આશીર્વાદ આપ્યો ત્યારે, તેઓએ કોઈ કદર બતાવી નહિ. એ માટે યહોવાહે તેઓને ત્યજી દીધા અને ‘બીજા ધણીઓની’ ચાકરી કરવા દીધી. આખરે, તેમણે યહુદીઓને ૬૦૭ બી.સી.ઈ.માં બાબેલોનના બંદીવાસમાં જવા દીધા. (યશાયાહ ૨૬:૧૧-૧૩) જોકે, તેઓમાંથી બાકી રહેલાઓ શિક્ષા ભોગવીને વતન પાછા ફર્યા.
૧૧ યહુદાહને બંદીવાન કરનાર વિષે શું? યશાયાહ ભવિષ્યવાણી કરે છે: “મરેલા જીવશે નહિ; મોત પામેલાઓ પાછા ઉઠશે નહિ; તેજ માટે તેં તેમનો ન્યાય કરીને તેમનો નાશ કર્યો છે, ને તેઓની સર્વ યાદગીરી નષ્ટ કરી છે.” (યશાયાહ ૨૬:૧૪) ખરેખર, ૫૩૯ બી.સી.ઈ.માં બાબેલોનના નાશ પછી એનું કોઈ ભાવિ રહ્યું નહિ. સમય જતાં, શહેરનું નામનિશાન રહેવાનું ન હતું. એનું મહાન સામ્રાજ્ય ‘નષ્ટ થઈ’ જઈને, ફક્ત ઇતિહાસનાં પુસ્તકો પૂરતું જ રહી જવાનું હતું. આ જગતના શક્તિશાળી લોકોમાં ભરોસો રાખનારા માટે કેવી ગંભીર ચેતવણી!
૧૨ યહોવાહે પોતાના અભિષિક્ત સેવકોને ૧૯૧૮માં આત્મિક બંદીવાસમાં જવા દીધા. પછી, ૧૯૧૯માં તેમણે તેઓને છોડાવ્યા. એ સમયે આ ભવિષ્યવાણી અમુક રીતે પૂરી થઈ. એ સમયથી માંડીને તેઓને બંદીવાન બનાવનારનું, ખાસ કરીને ખ્રિસ્તી રાષ્ટ્રનું ભાવિ અંધકારમય છે. પરંતુ, યહોવાહના લોકો માટે તો આશીર્વાદો રાહ જોતા હતા.
“તેં દેશની પ્રજા વધારી છે”
૧૩ યહોવાહે પોતાના અભિષિક્ત સેવકોએ કરેલા પસ્તાવાને કારણે, ૧૯૧૯માં તેઓને આશીર્વાદ આપ્યો અને તેઓમાં વધારો કર્યો. પ્રથમ, ‘દેવના ઈસ્રાએલના’ બાકી રહેલા સભ્યો ભેગા કરવામાં આવ્યા. પછી, ‘બીજાં ઘેટાંની’ “મોટી સભા” એકઠી કરવાનું શરૂ થયું. (પ્રકટીકરણ ૭:૯; યોહાન ૧૦:૧૬) એ આશીર્વાદ વિષે યશાયાહની ભવિષ્યવાણી કહે છે: “તેં દેશની પ્રજા વધારી છે, હે યહોવાહ, તેં પ્રજા વધારી છે; તેં તારો મહિમા પ્રગટ કર્યો છે; દેશની સીમાઓ તેં વિસ્તારી છે. હે યહોવાહ, સંકટસમયે તેઓ તારી ભણી ફર્યા છે, તારી શિક્ષા તેઓને લાગી ત્યારે તેઓએ તારી પ્રાર્થના કરી છે.”—યશાયાહ ૨૬:૧૫, ૧૬.
૧૪ આજે પરમેશ્વરના ‘ઈસ્રાએલની’ સીમાઓ આખી પૃથ્વી પર વિસ્તરી ગઈ છે. વળી, મોટા ટોળાની સંખ્યા હવે ૬૦ લાખ જેટલી છે, જેઓ યહોવાહના રાજ્યનો સંદેશ ઉત્સાહથી જણાવી રહ્યા છે. (માત્થી ૨૪:૧૪) એ યહોવાહનો કેવો મોટો આશીર્વાદ છે! એ તેમના નામને કેટલો બધો મહિમા આપે છે! આજે એ નામ ૨૩૫ દેશોમાં સાંભળવા મળે છે, જે બતાવે છે કે તેમનું વચન અદ્ભુત રીતે પૂરું થયું છે.
૧૫ યહોવાહની મદદથી યહુદાહ બાબેલોનના બંદીવાસમાંથી છૂટકારો મેળવી શક્યું. તેઓ પોતે એમ કરી શક્યા ન હોત. (યશાયાહ ૨૬:૧૭, ૧૮) એ જ પ્રમાણે ૧૯૧૯માં પરમેશ્વરના ઈસ્રાએલનો છૂટકારો થયો, એ પણ યહોવાહની મદદનો પુરાવો હતો. તેમની મદદ વિના એ શક્ય ન હતું. ખરેખર, તેઓની પરિસ્થિતિ એટલી બદલાઈ ગઈ કે યશાયાહે એને મરણમાંથી સજીવન થવા સાથે સરખાવી: “તારાં મરેલાં જીવશે; મારાં મુડદાં ઊઠશે. હે ધૂળમાં રહેનારા, તમે જાગૃત થાઓ, ને હર્ષનાદ કરો; કેમકે તારૂં ઝાકળ પ્રકાશનું ઝાકળ છે, ને પૃથ્વી મૂએલાંને બહાર કાઢશે.” (યશાયાહ ૨૬:૧૯; પ્રકટીકરણ ૧૧:૭-૧૧) સાચે જ, જાણે કે મૂએલાં ફરીથી સજીવન થશે અને ઉત્સાહથી કામ ઉપાડી લેશે!
કોપના સમયે રક્ષણ
૧૬ યહોવાહના સેવકોને હંમેશા તેમના રક્ષણની જરૂર છે. જોકે, જલદી જ યહોવાહના સેવકોને એની વધારે જરૂર પડશે, કેમ કે તે શેતાનના જગત વિરુદ્ધ છેલ્લી વખત હાથ લંબાવશે. (૧ યોહાન ૫:૧૯) એ ભયજનક સમય વિષે યહોવાહ આપણને ચેતવણી આપે છે કે, “ચાલ, મારી પ્રજા, તારી પોતાની ઓરડીમાં પેસ, ને પોતે માંહે રહીને બારણાં બંધ કર; કોપ બંધ પડે ત્યાં સુધી થોડી વાર સંતાઈ રહે. કેમકે જુઓ, પૃથ્વી પરના રહેવાસીઓના અપરાધને માટે તેમને શાસન આપવા સારૂ, યહોવાહ પોતાના સ્થાનમાંથી બહાર નીકળી આવે છે; પૃથ્વી પોતે શોષી લીધેલું રક્ત પ્રગટ કરશે, ને ત્યાર પછી પોતામાંનાં મારેલાંને ઢાંકી દેશે નહિ.” (યશાયાહ ૨૬:૨૦, ૨૧; સફાન્યાહ ૧:૧૪) આ ચેતવણીએ યહુદીઓને જણાવ્યું કે ૫૩૯ બી.સી.ઈ.માંના બાબેલોનના વિનાશથી કઈ રીતે બચવું. જેઓએ એ ચેતવણી માની, તેઓ પોતપોતાનાં ઘરોની બહાર નીકળ્યા નહિ હોય, પણ શેરીઓમાંના સૈનિકોથી બચીને ઘરમાં સલામત રહ્યા હશે.
૧૭ આજે એ ભવિષ્યવાણીની ‘ઓરડી’ શું છે? મોટે ભાગે એ જગત ફરતે યહોવાહના લોકોના હજારો મંડળોને ચિત્રિત કરતી હોય શકે. આવા મંડળો હમણાં પણ રક્ષણ આપે છે, જ્યાં આપણે આપણા ભાઈઓ મધ્યે અને વડીલોની પ્રેમાળ સંભાળ હેઠળ સલામતી અનુભવીએ છીએ. (યશાયાહ ૩૨:૧, ૨; હેબ્રી ૧૦:૨૪, ૨૫) આ જગતનો અંત સાવ નજીક છે ત્યારે એ ખરેખર સાચું છે, કેમ કે એમાંથી બચવાનો આધાર આપણે આજ્ઞા પાળીશું કે કેમ એના પર રહેશે.—સફાન્યાહ ૨:૩.
૧૮ એ સમય વિષે યશાયાહે ભાખ્યું: “તે દિવસે યહોવાહ પોતાની સખત, મહાન તથા સમર્થ તરવારથી, વેગવાન સર્પ લિવયાથાનને, ને ગૂંછળિયા સર્પ લિવયાથાનને જોઈ લેશે; અને જે અજગર સમુદ્રમાં રહે છે તેને તે મારી નાખશે.” (યશાયાહ ૨૭:૧) આજે ‘લિવયાથાન’ શું છે? એ તો “જૂનો સર્પ,” શેતાન છે જે તેના દુષ્ટ જગતનો ઉપયોગ પરમેશ્વરના ‘ઈસ્રાએલ’ સામે લડવા માટે કરે છે. (પ્રકટીકરણ ૧૨:૯, ૧૦, ૧૭; ૧૩:૧૪, ૧૬, ૧૭) લિવયાથાને ૧૯૧૯માં યહોવાહના લોકો પરથી પોતાનો કાબૂ ગુમાવ્યો. સમય જતાં, તેનો પણ અંત આવી જશે. (પ્રકટીકરણ ૧૯:૧૯-૨૧; ૨૦:૧-૩, ૧૦) આમ, યહોવાહ એ ‘સમુદ્રના અજગરને’ મારી નાખશે. ત્યાં સુધી લિવયાથાન યહોવાહના લોકોને હાનિ પહોંચાડવા ગમે તેટલા ધમપછાડા કરે, પણ તે કાયમી સફળતા મેળવશે નહિ. (યશાયાહ ૫૪:૧૭) ખરેખર, એ જાણીને કેટલી રાહત મળે છે!
“આનંદદાયક દ્રાક્ષાવાડી”
૧૯ યહોવાહનો આ સર્વ પ્રકાશ જોતા, શું તમને આનંદ નથી થતો? ખરેખર આપણને ઘણો આનંદ થાય છે! યહોવાહના લોકોની ખુશીનું સુંદર રીતે વર્ણન કરતા યશાયાહે લખ્યું: “તે દિવસે, ‘આનંદદાયક દ્રાક્ષાવાડી!’ સંબંધી ગીત ગાઓ. હું યહોવાહ તેનો રક્ષક છું; પળેપળ હું તેને સિંચું છું; રાતદિવસ હું તેનું રક્ષણ કરૂં છું, રખેને કોઈ તેને ઉપદ્રવ કરે.” (યશાયાહ ૨૭:૨, ૩) યહોવાહ પોતાની “દ્રાક્ષાવાડી,” એટલે કે પરમેશ્વરના અભિષિક્ત સેવકોના બાકી રહેલા અને તેઓના મહેનતુ મિત્રોની કાળજી લે છે. (યોહાન ૧૫:૧-૮) એના ફળોથી તેમના નામને મહિમા મળે છે અને પૃથ્વી પરના તેમના સેવકોમાં મોટો આનંદ થાય છે.
૨૦ અગાઉ યહોવાહ અભિષિક્ત સેવકો પર ગુસ્સે હોવાથી, ૧૯૧૮માં તેઓને આત્મિક બંદીવાસમાં જવા દીધા. પરંતુ, આપણને ખુશી થાય છે કે હવે એમ નથી. યહોવાહ પોતે કહે છે: “મારામાં ક્રોધ નથી; યુદ્ધમાં ઝાંખરાં તથા કાંટા મારી સામે હોત તો કેવું સારૂં! તો તેમની સામે કૂચ કરીને હું તેઓને એકત્ર બાળી નાખત. નહિ તો તેણે મારો આશરો લેવો, તેણે મારી સાથે સમાધાન કરવું; હા, તેણે મારી સાથે સમાધાન કરવું.” (યશાયાહ ૨૭:૪, ૫) યહોવાહની “આનંદદાયક દ્રાક્ષાવાડી” પર પુષ્કળ ફળ આવતા રહે અને એને કોઈ નુકસાન ન થાય એ માટે, તે કોઈ પણ ઝાંખરાં કે કાંટાનો નાશ કરે છે. તેથી, કોઈએ પણ ખ્રિસ્તી મંડળને નુકસાન થાય એવું કંઈ કરવું નહિ! ચાલો આપણે સર્વ ‘યહોવાહનો આશરો લઈને’ તેમની કૃપા અને રક્ષણ શોધીએ. આમ કરીને આપણે યહોવાહ સાથે સમાધાન કરીએ, જે ખૂબ જ મહત્ત્વનું છે. એટલું મહત્ત્વનું કે યશાયાહે એનો બે વખત ઉલ્લેખ કર્યો.—ગીતશાસ્ત્ર ૮૫:૧, ૨, ૮; રૂમી ૫:૧.
૨૧ હજુ વધારે આશીર્વાદ રહેલા છે: “ભવિષ્યમાં યાકૂબની જડ બાઝશે, ઇસ્રાએલને ફૂલ તથા કળીઓ ખીલશે; અને તેઓ ફળથી પૃથ્વીનું પૃષ્ઠ ભરપૂર કરશે.” (યશાયાહ ૨૭:૬) આ કલમ ૧૯૧૯થી પૂરી થઈ રહી છે, જે યહોવાહની શક્તિનો પુરાવો આપે છે. અભિષિક્ત ખ્રિસ્તીઓએ પોષણ આપતા આત્મિક ખોરાક, ‘ફળોથી’ પૃથ્વીને ભરી દીધી છે. આ દુષ્ટ જગતમાં તેઓ આનંદથી યહોવાહના ઉચ્ચ ધોરણો જાળવી રાખે છે. એ માટે યહોવાહ તેઓને આશીર્વાદિત કરીને વૃદ્ધિ આપે છે. તેથી, તેઓના લાખો સંગાથી, બીજાં ઘેટાં “રાતદહાડો તેની [યહોવાહની] સેવા કરે છે.” (પ્રકટીકરણ ૭:૧૫) ચાલો આપણે કદી પણ એ ‘ફળોમાંથી’ ભાગ લેવાનો અને એ વિષે બીજાઓને જણાવવાનો લહાવો ચૂકી ન જઈએ!
૨૨ પૃથ્વી પર ઘોર અંધકાર છવાયેલો છે એવા આ કપરા સમયમાં, શું આપણે યહોવાહ પરમેશ્વરના આભારી નથી કે તેમણે પોતાના લોકો પર આત્મિક અજવાળું પ્રકાશવા દીધું છે? (યશાયાહ ૬૦:૨; રૂમી ૨:૧૯; ૧૩:૧૨) જે સર્વ એ પ્રકાશમાં ચાલે છે, તેઓને હમણાં મનની શાંતિ અને આનંદ છે. તેમ જ, તેઓ માટે ભાવિમાં હંમેશ માટેનું જીવન રહેલું છે. એટલે જ એ પ્રકાશ ચાહનારા આપણે સર્વ દિલથી યહોવાહની સ્તુતિ કરીને કહીએ છીએ: “યહોવાહ મારા જીવનનું સામર્થ્ય છે; મને કોનું ભય લાગે? યહોવાહની વાટ જો; બળવાન થા, અને હિમ્મત રાખ; હા, યહોવાહની વાટ જો.”—ગીતશાસ્ત્ર ૨૭:૧ખ, ૧૪.
શું તમને યાદ છે?
• યહોવાહના સેવકોને દુઃખ દેનારાનું શું થશે?
• યશાયાહ કઈ વૃદ્ધિ વિષે ભાખે છે?
• આપણે કઈ “ઓરડીમાં” રહેવાની જરૂર છે અને શા માટે?
• આજે યહોવાહના ભક્તોની જે પરિસ્થિતિ છે એનાથી તેમને કઈ રીતે મહિમા મળે છે?
[અભ્યાસ પ્રશ્નો]
૧. યહોવાહે જીવન આપનાર કઈ બાબતો ઉત્પન્ન કરી છે?
૨. યશાયાહના સમયમાં અંધકાર ચાહનારાનું શું થયું અને યહોવાહનાં વચનો માનનારાનું શું થયું?
૩. (ક) આજે આપણે કયો ભરોસો રાખી શકીએ છીએ? (ખ) આપણે કઈ “ન્યાયી પ્રજા” પર પ્રેમ રાખીએ છીએ અને એને કયું “મજબૂત નગર” છે?
૪. આપણે કેવું વલણ કેળવવું જોઈએ?
૫, ૬. (ક) અગાઉના બાબેલોને કઈ રીતે નીચું જોવું પડ્યું? (ખ) ‘મોટા બાબેલોન શહેરે’ કઈ રીતે નીચું જોવું પડ્યું?
૭. (ક) યહોવાહના અજવાળામાં ચાલનારા કયું માર્ગદર્શન મેળવે છે? (ખ) તેઓ કોનામાં આશા રાખે છે અને શાને ચાહે છે?
૮. યશાયાહે કયું સુંદર ઉદાહરણ બેસાડ્યું?
૯, ૧૦. યહોવાહે પોતાના બેવફા લોકો માટે શું કર્યું, પરંતુ તેઓએ કેવો બદલો વાળ્યો?
૧૧, ૧૨. (ક) યહુદાહને બંદીવાન કરનારનું શું થયું? (ખ) યહોવાહના અભિષિક્ત સેવકોને બંદીવાન કરનારનું ૧૯૧૯થી કયું ભાવિ છે?
૧૩, ૧૪. યહોવાહના સેવકો ૧૯૧૯થી કેવા આશીર્વાદોનો આનંદ માણી રહ્યા છે?
૧૫. વર્ષ ૧૯૧૯માં કઈ રીતે મૂએલાં જાણે કે સજીવન થયા?
૧૬, ૧૭. (ક) બાબેલોનનો ૫૩૯ બી.સી.ઈ.માં વિનાશ થયો, એમાંથી બચવા યહુદીઓએ શું કરવાની જરૂર હતી? (ખ) આજે ‘ઓરડી’ શાને ચિત્રિત કરતી હોય શકે અને એ આપણને કઈ રીતે લાભ કરે છે?
૧૮. યહોવાહ કઈ રીતે ‘સમુદ્રના અજગરને’ મારી નાખશે?
૧૯. આજે અભિષિક્ત સેવકોના બાકી રહેલા કઈ સ્થિતિમાં છે?
૨૦. યહોવાહ કઈ રીતે ખ્રિસ્તી મંડળનું રક્ષણ કરે છે?
૨૧. કઈ રીતે પૃથ્વી ‘ફળોથી’ ભરપૂર થઈ છે?
૨૨. યહોવાહના પ્રકાશમાં ચાલનારા માટે કયા આશીર્વાદ રહેલા છે?
[પાન ૨૨ પર બોક્સ]
નવું પ્રકાશન
આ બે અભ્યાસ લેખોમાં ચર્ચવામાં આવેલી મોટા ભાગની માહિતી ૨૦૦૦/૨૦૦૧ માટેના ડિસ્ટ્રીક્ટ મહાસંમેલનના પ્રવચનમાં રજૂ થઈ હતી. એ પ્રવચનના અંતે, અંગ્રેજીમાં એક નવું પુસ્તક બહાર પાડવામાં આવ્યું હતું, જેનો વિષય હતો, યશાયાહની ભવિષ્યવાણી—સર્વ માટે પ્રકાશ ૧. આ ૪૧૬ પાનના પુસ્તકમાં યશાયાહના ૧-૪૦ અધ્યાયોની દરેક કલમની ચર્ચા કરવામાં આવી છે.
[પાન ૧૮ પર ચિત્ર]
ફક્ત ન્યાયી લોકોને યહોવાહના “મજબૂત નગર,” તેમના સંગઠનમાં પ્રવેશ મળશે
[પાન ૧૯ પર ચિત્ર]
યશાયાહે “રાત્રે” યહોવાહને કાલાવાલા કર્યા
[પાન ૨૧ પર ચિત્ર]
યહોવાહ પોતાની ‘દ્રાક્ષાવાડીનું’ રક્ષણ કરે છે અને તેને ફળદ્રુપ કરે છે