બાવીસમું પ્રકરણ
યહોવાહના અનોખા કામની ભવિષ્યવાણી
૧, ૨. ઈસ્રાએલ અને યહુદાહ શા માટે સલામતી અનુભવે છે?
ઈસ્રાએલ અને યહુદાહ થોડા સમય માટે સલામતી અનુભવે છે. એના આગેવાનોએ જોખમી જગતમાં સલામતી શોધવા માટે, વધારે શક્તિશાળી દેશો સાથે ભળી જઈને નકામી આશા બાંધી છે. ઈસ્રાએલનું પાટનગર સમરૂન મદદ માટે પડોશી સીરિયા તરફ ફર્યું છે, જ્યારે કે યહુદાહનું પાટનગર યરૂશાલેમ નિર્દયી આશ્શૂરમાં ભરોસો મૂકી બેઠું છે.
૨ તેઓના નવા રાજકારણી મિત્રોમાં ભરોસો મૂકવાની સાથે સાથે, ઉત્તરના રાજ્યના કેટલાક તો એમ માની બેઠા હોય શકે કે યહોવાહ પણ તેઓનું રક્ષણ કરશે. જો કે તેઓએ સોનાના વાછરડાની ભક્તિ કરવાનું છોડી દીધું ન હતું. એ જ પ્રમાણે, યહુદાહ પણ ખાતરી રાખે છે કે યહોવાહ જરૂર તેઓનું રક્ષણ કરશે. કેમ વળી, તેઓના પાટનગર યરૂશાલેમમાં યહોવાહનું મંદિર ન હતું? પરંતુ, નવાઈ પમાડે એવા બનાવો બનવાના હતા, એની એ બંનેને ક્યાં ખબર હતી? યહોવાહ, યશાયાહને જે બનશે એ વિષે ભાખવાની પ્રેરણા આપે છે, જે તેમના વંઠી ગયેલા લોકોને નવાઈ પમાડશે. યશાયાહના શબ્દો આજે દરેક માટે મહત્ત્વનું શિક્ષણ પૂરું પાડે છે.
‘એફ્રાઈમના છાકટાઓ’
૩, ૪. ઈસ્રાએલનું ઉત્તરનું રાજ્ય શાના વિષે ઘમંડ કરે છે?
૩ યશાયાહની ભવિષ્યવાણીની શરૂઆત આ રીતે થાય છે: ‘અફસોસ છે એફ્રાઈમના છાકટાઓના ગર્વિષ્ઠ મુગટને, તથા દ્રાક્ષારસથી પાડી નાખવામાં આવેલાની રસાળ ખીણના મથાળા પરના તેના મહાન શોભા આપનાર ચીમળાનાર ફૂલને અફસોસ! જુઓ, પ્રભુનો એક પરાક્રમી ને સમર્થ વીર છે; તે કરાની આંધીની પેઠે તેઓને જમીન પર જોરથી પછાડશે. એફ્રાઈમના છાકટાઓનો ગર્વિષ્ઠ મુગટ પગ તળે કચરાશે.’—યશાયાહ ૨૮:૧-૩.
૪ ઉત્તરના દસ કુળોમાંના મુખ્ય એફ્રાઈમ, આખા ઈસ્રાએલના રાજ્ય માટે જવાબદાર છે. તેનું પાટનગર સમરૂન “રસાળ ખીણના મથાળા” પર આવેલું છે. તેથી, તે સુંદર છે અને બધાનું ધ્યાન ખેંચે છે. એફ્રાઈમના આગેવાનો પોતે દાઊદના રાજશાસન, યરૂશાલેમથી સ્વતંત્ર છે. એ સ્વતંત્રતાના “ગર્વિષ્ઠ મુગટને” કારણે તેઓ ઘમંડ રાખે છે. પરંતુ, તેઓ ‘છાક્ટાઓ’ છે. એટલે કે, આત્મિક રીતે પીધેલા છે, કેમ કે તેઓએ યહુદાહ વિરુદ્ધ થવા સીરિયા સાથે દોસ્તી બાંધી છે. તેઓને જે કંઈ ગમે છે, એ જલદી જ દુશ્મનોના પગ તળે ખૂંદાશે.—યશાયાહ ૨૯:૯ સરખાવો.
૫. ઈસ્રાએલ પર કયું જોખમ રહેલું છે, પણ યશાયાહ કઈ આશા આપે છે?
૫ એફ્રાઈમ પોતે જે જોખમમાં છે, એની તેને ખબર નથી. યશાયાહ આગળ કહે છે: “મોસમ આવ્યા પહેલાંના પાકેલા પ્રથમ અંજીરને જોનાર જુએ છે, ને હાથમાં આવતાં જ ગળી જાય છે, તેના જેવી ગતિ રસાળ ખીણને મથાળે આવેલા તેના મહાન શોભા આપનાર ચીમળનાર ફૂલની થશે.” (યશાયાહ ૨૮:૪) એફ્રાઈમ આશ્શૂરના હાથમાં પકડાશે અને જાણે સ્વાદિષ્ટ ભોજનના એક કોળિયાની જેમ, ખવાઈ જશે. શું તેઓ માટે કોઈ આશા છે? જેમ મોટા ભાગે બને છે એમ, ન્યાયચુકાદા વિષેની યશાયાહની ભવિષ્યવાણી આશા પણ આપે છે. ભલે દેશનો વિનાશ થશે, પણ યહોવાહની મદદથી વિશ્વાસુ જનો બચી જશે. “તે દિવસે સૈન્યોનો દેવ યહોવાહ પોતાના લોકના શેષને સારૂ મહિમાનો મુગટ તથા સૌંદર્યનો તાજ થશે; અને જે ન્યાય કરવા બેસે છે તેને સારૂ ન્યાયનો આત્મા થશે, ને હલ્લો કરનારને ભાગળમાંથી પાછા હઠાડનારના પરાક્રમરૂપ થશે.”—યશાયાહ ૨૮:૫, ૬.
‘તેઓએ ગોથાં ખાધાં છે’
૬. ઈસ્રાએલનો અંત ક્યારે આવ્યો, પણ શા માટે યહુદાહે એના પર ખુશ થવું ન જોઈએ?
૬ સમરૂન માટે હિસાબ આપવાનો દિવસ ૭૪૦ બી.સી.ઈ.માં આવી પહોંચે છે. એ સમયે આશ્શૂર દેશનો વિનાશ કરી નાખે છે અને ઉત્તરના રાજ્યનું સ્વતંત્ર રાજ તરીકે નામ મીટાવી દેવાય છે. યહુદાહ વિષે શું? તેના દેશમાં પ્રથમ આશ્શૂર ચડી આવશે અને પછી બાબેલોન આવીને તેના પાટનગરનો નાશ કરશે. પરંતુ, યશાયાહના જીવન દરમિયાન, યહુદાહનું મંદિર ટકી રહે છે અને તેના યાજકો પોતાની સેવા ચાલુ રાખે છે. તેમ જ, તેના પ્રબોધકો પણ પ્રબોધ કરવાનું ચાલુ રાખે છે. શું યહુદાહે પોતાના ઉત્તર તરફના પડોશીના વિનાશ પર ખુશી મનાવવી જોઈએ? ના! યહુદાહ અને તેના આગેવાનોએ આજ્ઞા પાળી નહિ અને અવિશ્વાસુ બન્યા, એ માટે યહોવાહ જલદી જ તેઓ પાસેથી હિસાબ લેશે.
૭. યહુદાહના આગેવાનો કઈ રીતે પીધેલા છે અને એનું શું પરિણામ આવે છે?
૭ યહુદાહને સંબોધતા, યશાયાહ આગળ કહે છે: “તેઓએ પણ દ્રાક્ષારસને લીધે ગોથાં ખાધાં છે, ને દારૂને લીધે તેઓ ભૂલા પડ્યા છે; યાજકે તથા પ્રબોધકે દારૂને લીધે ગોથાં ખાધાં છે, તેઓ દ્રાક્ષારસમાં ગરક થયા છે, તેઓ દારૂના સેવનને લીધે ભૂલા પડ્યા છે; દર્શન વિષે તેઓ ગોથાં ખાય છે, ઇન્સાફ કરવામાં તેઓ ઠોકર ખાય છે. કેમકે ગંદી ઊલટીથી સર્વ મેજો ભરપૂર છે, તેથી કંઈ પણ જગા સ્વચ્છ રહી નથી.” (યશાયાહ ૨૮:૭, ૮) કેટલી ગંદકી! જો યહોવાહના મંદિરમાં દારુ પીવું પણ ઘણું જ ખરાબ કહેવાય. પરંતુ, આ યાજકો અને પ્રબોધકો તો આત્મિક રીતે પીધેલા છે, માનવ સત્તાઓ પર ભરોસો રાખીને તેઓની બુદ્ધિ બહેર મારી ગઈ છે. તેઓએ એમ માનીને પોતાને છેતર્યા છે કે, પોતે જે કરે છે એ જ ખરું છે. કદાચ તેઓ એમ પણ માનતા હોય કે જો યહોવાહનું રક્ષણ કામ ન આવે તોપણ, બીજી રીતે રક્ષણ મળી શકશે. આત્મિક રીતે તેઓ નશામાં હોવાથી, આ ધર્મગુરુઓ એવી ગંદી, અયોગ્ય બાબતો બોલે છે, જે બતાવી આપે છે કે તેઓને યહોવાહનાં વચનોમાં ખરેખર ભરોસો નથી.
૮. યશાયાહનો સંદેશો સાંભળીને લોકો શું કરે છે?
૮ યહોવાહની ચેતવણી સાંભળીને યહુદાહના આગેવાનો શું કરે છે? તેઓ તો યશાયાહની મશ્કરી કરે છે. યશાયાહ પર આરોપ મૂકતા તેઓ કહે છે કે શું તેઓ નાના બાળકો છે કે તે તેઓ સાથે આ રીતે વાત કરે છે: “તે કોને જ્ઞાન શિખવશે? કોને સંદેશો સમજાવશે? શું તે ધાવણ મુકાવેલાઓને તથા થાન છોડાવેલાઓને સમજાવશે? કેમકે આજ્ઞા પર આજ્ઞા, આજ્ઞા પર આજ્ઞા; નિયમ પર નિયમ, નિયમ પર નિયમ; થોડું આમ, થોડું તેમ એ પ્રમાણે તેઓ બોલે છે.” (યશાયાહ ૨૮:૯, ૧૦) યશાયાહના શબ્દોથી તેઓને કંટાળો આવે છે અને એ વિચિત્ર લાગે છે! જાણે કે તે વારંવાર એકની એક જ વાત કહેતા હોય એવું લાગે છે: ‘યહોવાહે આમ આજ્ઞા આપી છે! યહોવાહે તેમ આજ્ઞા આપી છે! યહોવાહનાં આ ધોરણો છે! યહોવાહનાં તે ધોરણો છે!a પરંતુ, યહોવાહ જલદી જ યહુદાહના લોકો પર પગલાં ભરીને “વાત” કરશે. તે તેઓની વિરુદ્ધ બાબેલોનનું લશ્કર મોકલશે, જેઓ ખરેખર પરદેશી ભાષા બોલે છે. એ લશ્કરો ચોક્કસ યહોવાહની “આજ્ઞા પર આજ્ઞા” પૂરી કરશે અને યહુદાહનો અંત આવશે.—યશાયાહ ૨૮:૧૧-૧૩ વાંચો.
આજે આત્મિક રીતે પીધેલા લોકો
૯, ૧૦. ક્યારે અને કઈ રીતે યશાયાહના શબ્દો પછીની પેઢીઓમાં પણ પૂરા થયા?
૯ શું યશાયાહની ભવિષ્યવાણી ફક્ત અગાઉના ઈસ્રાએલ અને યહુદાહ પર જ પૂરી થઈ? ના! ઈસુ અને પાઊલ બંનેએ યશાયાહના શબ્દોનો ઉલ્લેખ કરીને તેઓના સમયના લોકોને લાગુ પાડ્યા. (યશાયાહ ૨૯:૧૦, ૧૩; માત્થી ૧૫:૮, ૯; રૂમી ૧૧:૮) આજે પણ યશાયાહના દિવસો જેવી જ પરિસ્થિતિ ઊભી થઈ છે.
૧૦ આ વખતે, ખ્રિસ્તીરાષ્ટ્રના ધર્મગુરુઓ પોતાનો ભરોસો રાજકારણમાં મૂકે છે. ઈસ્રાએલ અને યહુદાહના પીધેલાઓની જેમ, તેઓ પણ આમથી તેમ લથડિયાં ખાય છે. તેઓ રાજકારણમાં માથું મારે છે અને આ જગતના કહેવાતા મોટા લોકો કોઈ બાબતમાં મંતવ્ય માંગે તો તેઓ ફુલાઈ જાય છે. બાઇબલનું શુદ્ધ સત્ય જણાવવાને બદલે, તેઓ મન ફાવે એમ બોલે છે. તેઓની આત્મિક નજર ઝાંખી થઈ છે અને તેઓ મનુષ્યોને સલામત માર્ગે દોરતા નથી.—માત્થી ૧૫:૧૪.
૧૧. યહોવાહના રાજ્યનો સંદેશ સાંભળીને ખ્રિસ્તીરાષ્ટ્રના આગેવાનો શું કરે છે?
૧૧ યહોવાહના સાક્ષીઓ જણાવે છે કે ફક્ત પરમેશ્વરનું રાજ્ય જ એક ખરી આશા છે ત્યારે, ખ્રિસ્તીરાષ્ટ્રના આગેવાનો શું કરે છે? તેઓને એમાં કંઈ સમજાતું નથી. તેઓને લાગે છે કે યહોવાહના લોકો નાનાં બાળકોની જેમ બકબક કરે છે. ધર્મગુરુઓ આ સંદેશો આપનારાઓને ધુતકારી કાઢે છે, અને તેઓની મશ્કરી કરે છે. ઈસુના સમયના યહુદીઓની જેમ, તેઓને યહોવાહનું રાજ્ય જોઈતું નથી, અને બીજા એ વિષે સાંભળે, એ પણ તેઓને જરાય ગમતું નથી. (માત્થી ૨૩:૧૩) તેથી, હવે તેઓને જણાવાય છે કે, યહોવાહ તેઓને હંમેશાં પોતાના પ્રબોધકો દ્વારા જ જણાવ્યા કરશે નહિ. એવો સમય આવશે કે, યહોવાહના રાજ્યને આધીન ન થનારાઓ ‘પડશે, ફસાશે અને પકડાશે,’ ખરેખર પૂરો વિનાશ પામશે.
“મોત સાથે કરાર”
૧૨. યહુદાહે કરેલો ‘મોત સાથેનો કરાર’ શું છે?
૧૨ યશાયાહ આગળ જાહેર કરે છે: “તમે કહ્યું છે, કે અમે મોત સાથે કરાર કર્યો છે, અને શેઓલની સાથે સંપ કર્યો છે; જ્યારે સંકટ ઊભરાઈને દેશમાં થઈને પાર જશે, ત્યારે તે અમારા પર આવવાનું નથી; કેમકે અમે જૂઠાણાનો આશ્રય પકડ્યો છે, અને અસત્યતામાં સંતાઈ રહેલા છીએ.” (યશાયાહ ૨૮:૧૪, ૧૫) યહુદાહના આગેવાનો બડાઈ હાંકે છે કે જે રાજકારણીઓ સાથે તેઓએ હાથ મિલાવ્યા છે, તેઓ તેમને હારવા નહિ દે. તેઓને લાગે છે કે જાણે તેઓએ “મોત સાથે કરાર કર્યો છે,” એટલે તેઓને કંઈ થશે નહિ. પરંતુ, તેઓનો જૂઠો ભરોસો તેઓને રક્ષણ આપશે નહિ. તેઓ જૂઠાણું અને અસત્યતાની સહાય લે છે. એ જ પ્રમાણે, યહોવાહનો હિસાબ લેવાનો વખત આવશે ત્યારે, જગતના નેતાઓ સાથે ખ્રિસ્તીરાષ્ટ્રની ગાઢ મિત્રતા કંઈ કામ આવશે નહિ. ખરેખર, એ તેનો પૂરો વિનાશ સાબિત થશે.—પ્રકટીકરણ ૧૭:૧૬, ૧૭.
૧૩. “કસી જોએલો પથ્થર” કોણ છે, અને કઈ રીતે ખ્રિસ્તીરાષ્ટ્રએ તેમનો નકાર કર્યો છે?
૧૩ તો પછી, આ ધર્મગુરુઓએ કોની મદદ લેવી જોઈએ? યશાયાહ હવે યહોવાહનું વચન આપે છે: “સિયોનમાં હું પાયાનો પથ્થર મૂકું છું, તે કસી જોએલો પથ્થર, દૃઢ પાયાનો ખૂણાનો મૂલ્યવાન પથ્થર છે; જે વિશ્વાસ રાખે છે તે ઉતાવળો થશે નહિ. હું ઈન્સાફને દોરી, ને ન્યાયીપણાને ઓળંબો કરીશ; જૂઠાણાનો આશ્રય કરાના તોફાનથી તણાઈ જશે, અને સંતાવાની જગા પર પાણી ફરી વળશે.” (યશાયાહ ૨૮:૧૬, ૧૭) યશાયાહે આ શબ્દો કહ્યા એના થોડા સમય પછી જ, વિશ્વાસુ રાજા હિઝકીયાહને સિયોનના રાજ્યાસન પર બેસાડવામાં આવ્યો. તેનું રાજ્ય કંઈ આજુબાજુના દેશોની મદદથી નહિ, પણ યહોવાહની મદદથી બચી ગયું. તેમ છતાં, એ પ્રેરિત શબ્દો હિઝકીયાહને લાગુ પડતા નથી. યશાયાહના શબ્દોનો ઉલ્લેખ કરીને, પ્રેરિત પીતર બતાવે છે કે, હિઝકીયાહના વંશજ, ઈસુ ખ્રિસ્ત “કસી જોએલો પથ્થર” છે. તેમ જ, તેમનામાં વિશ્વાસ મૂકનારને ગભરાવાની કોઈ જરૂર નથી. (૧ પીતર ૨:૬) ખરેખર, કેટલો અફસોસ કે ખ્રિસ્તીરાષ્ટ્રના આગેવાનો પોતાને ખ્રિસ્તી તરીકે ઓળખાવીને, ઈસુએ જેની મનાઈ કરી છે, એ જ કરે છે! યહોવાહ પોતાના રાજા ઈસુ ખ્રિસ્ત દ્વારા પોતાનું રાજ્ય લાવે એની રાહ જોવાને બદલે, તેઓએ આ જગતનું માન અને મહિમા પસંદ કર્યાં છે.
૧૪. યહુદાહનો ‘મોતની સાથેનો કરાર’ ક્યારે રદ કરવામાં આવશે?
૧૪ વળી, “સંકટની રેલ,” બાબેલોની લશ્કર દેશ પર ચઢી આવશે ત્યારે, યહોવાહ યહુદાહના રાજનૈતિક આશ્રયને જૂઠું ઠરાવશે. યહોવાહ કહે છે કે, “મોતની સાથેનો તમારો કરાર રદ કરવામાં આવશે, . . . સંકટની રેલ જ્યારે ચઢી આવશે, ત્યારે તમે તેમાં તણાઈ જશો. તે જેટલી વાર આરપાર જાય તેટલી વાર . . . આ સંદેશાનું ભાન તમને ભયંકર લાગશે.” (યશાયાહ ૨૮:૧૮, ૧૯) ખરેખર, આપણને એ સત્ય શીખવા મળે છે કે જેઓ યહોવાહની સેવા કરવાનો દાવો કરતા હોય છે, પણ જગતની મિત્રતા રાખી, તેમાં ભરોસો રાખે છે, તેઓની કેવી દશા થાય છે!
૧૫. યશાયાહ કઈ રીતે યહુદાહના રક્ષણની નિષ્ફળતા વિષે ઉદાહરણ આપી સમજાવે છે?
૧૫ વિચાર કરો કે હવે આ યહુદાહના આગેવાનોની શી હાલત થઈ. “પગ લાંબા કરવા સારૂ ખાટલો ટુંકો પડે છે; અને શરીર પર ઓઢવા સારૂ ચાદર સાંકડી છે.” (યશાયાહ ૨૮:૨૦) જાણે કે તેઓ નિરાંતથી જીવવા માંગતા હતા, પણ બધું જ નિષ્ફળ ગયું. ક્યાં તો તેઓના પગ બહાર ઠંડીમાં હોવાથી ઠરે છે, કે પછી ચાદરની અંદર પગ ખેંચી લે તો, ચાદર સાંકડી હોવાથી પૂરી પડતી નથી. યશાયાહના દિવસમાં આવી કપરી હાલત હતી. તેમ જ, આજે જે કોઈ પોતાનો ભરોસો જૂઠા ખ્રિસ્તીરાષ્ટ્રમાં મૂકે છે, તેઓની પણ એ જ હાલત છે. ખ્રિસ્તીરાષ્ટ્ર રાજકારણમાં માથું મારવા જાય છે, એ કારણે એના અમુક ધર્મગુરુઓ તો આખી લોકજાતિનો નાશ કરવા કતલમાં સંડોવાઈ ગયા છે. ખરેખર, કેટલું ધિક્કારપાત્ર કહેવાય!
યહોવાહનાં અનોખા કાર્યો
૧૬. યહોવાહ નવાઈ પમાડતું કયું કાર્ય કરવાના હતા, અને શા માટે એ વિચિત્ર છે?
૧૬ આખા બનાવનું છેવટનું પરિણામ યહુદાહના ધર્મગુરુઓએ ધાર્યું હતું એના કરતાં, એકદમ અલગ જ આવવાનું હતું. યહોવાહ એ યહુદાહના આત્મિક છાક્ટાઓને કંઈક નવાઈ પમાડે એવું કરશે. “જેમ પરાશીમ પર્વત પર થયું, ને જેમ ગિબઓનની ખીણમાં થયું તેમ યહોવાહ ઊઠશે, ને કોપાયમાન થશે; જેથી તે પોતાનું કામ, પોતાનું વિચિત્ર કામ કરે, અને પોતાનું કૃત્ય, પોતાનું અદ્ભુત કૃત્ય સાધે.” (યશાયાહ ૨૮:૨૧) રાજા દાઊદના સમયમાં, યહોવાહે પોતાના લોકોને પરાશીમ પર્વત પાસે અને ગિબઓનની ખીણમાં પલિસ્તીઓ પર મહત્ત્વની જીત અપાવી. (૧ કાળવૃત્તાંત ૧૪:૧૦-૧૬) યહોશુઆના દિવસોમાં, યહોવાહે ગિબઓન પર સૂર્યને પણ થંભાવી દીધો, જેથી અમોરીઓ પરની ઈસ્રાએલની જીત પૂરેપૂરી હોય. (યહોશુઆ ૧૦:૮-૧૪) ખરેખર, એ અદ્ભુત બનાવો હતા! હવે યહોવાહ ફરીથી લડશે, પણ આ વખતે પોતાના લોકો હોવાનો દાવો કરનારાની વિરુદ્ધ લડશે. શું આનાથી વધારે નવાઈ પમાડે એવું કંઈ હોય શકે? એ બહુ જ નવાઈ પમાડે એવું છે, કેમ કે યરૂશાલેમ તો યહોવાહની ઉપાસનાનું મુખ્ય સ્થળ છે અને તેના અભિષિક્ત રાજાનું શહેર છે. હમણાં સુધી યરૂશાલેમમાં દાઊદના રાજવંશને કોઈએ ઊથલાવ્યો નથી. પરંતુ, યહોવાહ જરૂર ‘વિસ્મય પમાડે’ એવું કાર્ય કરશે.—હબાક્કૂક ૧:૫-૭ સરખાવો.
૧૭. શું તેઓની નિંદાની, યશાયાહની ભવિષ્યવાણી પર કોઈ અસર પડશે?
૧૭ તેથી યશાયાહ ચેતવણી આપે છે: “હવે તમે નિંદા ન કરશો, રખેને તમારાં બંધન મજબૂત કરવામાં આવે; કેમકે આખી પૃથ્વી પર આવનાર વિનાશ, નિર્માણ થએલો વિનાશ, એની ખબર મેં સૈન્યોના પ્રભુ યહોવાહ પાસેથી સાંભળી છે.” (યશાયાહ ૨૮:૨૨) ભલે આગેવાનો હસી કાઢે અને નિંદા કરે, પણ યશાયાહનો સંદેશો સાચો છે. તેમણે ખુદ યહોવાહ પાસેથી સાંભળ્યું હતું, જેમની સાથે પેલા આગેવાનોએ કરાર કરેલો છે. એ જ પ્રમાણે, આજે પણ ખ્રિસ્તીરાષ્ટ્રના ધર્મગુરુઓ યહોવાહના વિચિત્ર કાર્ય વિષે સાંભળે છે ત્યારે, તેઓ હસી કાઢે છે. તેઓ યહોવાહના સેવકો વિરુદ્ધ ગુસ્સે થઈને મન ફાવે એમ કરીને નિંદા કરે છે. પરંતુ, યહોવાહના લોકો જાહેર કરે છે, એ સંદેશો સાચો છે. એ બાઇબલમાં મળી આવે છે, જે પુસ્તક પેલા ધર્મગુરુઓ માનતા હોવાનો દાવો કરે છે.
૧૮. યહોવાહ જે રીતે શિસ્ત આપે છે, એ યશાયાહ કયા ઉદાહરણોથી બતાવે છે?
૧૮ જે નમ્ર લોકો પેલા આગેવાનોને અનુસરતા નથી, તેઓને સુધારો કરવા યહોવાહ મદદ કરશે અને પોતાની કૃપા બતાવશે. (યશાયાહ ૨૮:૨૩-૨૯ વાંચો.) જેમ એક ખેડૂત જીરા જેવા દાણા છૂટા પાડવા માટે યોગ્ય સાધન વાપરશે, તેમ યહોવાહ દરેક વ્યક્તિ અને તેના સંજોગો પ્રમાણે તેને શિસ્ત આપશે. તે કંઈ મન ફાવે તેમ શિસ્ત આપવા માંડતા નથી. પરંતુ, પાપી વ્યક્તિમાં સુધારો આવે અને પાછી ફરે એ ધ્યાનમાં રાખીને શિસ્ત આપે છે. જો વ્યક્તિ યહોવાહની શિસ્તને અમલમાં મૂકીને સુધારો કરશે, તો જરૂર આશા રહેલી છે. આજે પણ, આખા ખ્રિસ્તીરાષ્ટ્રનો અંજામ નક્કી થઈ ચૂક્યો છે. પરંતુ, એમાંના કોઈ પણ વ્યક્તિ યહોવાહના રાજ્યને આધીન થવા ચાહે તો, તે તેમના ન્યાયકરણથી બચી જઈ શકે છે.
યરૂશાલેમને અફસોસ!
૧૯. કઈ રીતે યરૂશાલેમ “વેદી જેવું” બનાવાનું હતું, અને ક્યારે અને કઈ રીતે એમ બન્યું?
૧૯ જો કે હવે, યહોવાહ શું કહે છે? “અરે અરીએલ, અરીએલ, દાઊદની છાવણીના નગર! એક પછી એક વર્ષ વીતી જાઓ; વારાફરતી પર્વ આવ્યાં કરો. પછી હું અરીએલને સંકટમાં નાખીશ, ત્યાં શોક તથા વિલાપ થઇ રહેશે; અને તે મારી આગળ વેદી જેવું જ થશે.” (યશાયાહ ૨૯:૧, ૨) અરીએલનો અર્થ ‘યહોવાહની આગળ વેદી’ થાય છે, અને અહીં એ યરૂશાલેમને સૂચવે છે. મંદિર અને એની વેદી ત્યાં જ આવેલા છે. યહુદીઓ ત્યાં બધા પર્વો પાળે છે અને બલિદાનો ચડાવે છે, પણ યહોવાહ તેઓની ઉપાસનાથી ખુશ નથી. (હોશીયા ૬:૬) એને બદલ, યહોવાહ કહે છે કે એ શહેર ખુદ અલગ અર્થમાં “વેદી જેવું” બની જશે. વેદીની જેમ, એમાં પણ લોહી વહેશે અને એને આગ લગાડવામાં આવશે. એ કેવી રીતે બનશે, એનું યહોવાહ વર્ણન પણ કરે છે: “હું તારી આસપાસ ફરતી છાવણી રાખીશ, ને કિલ્લા બાંધી તને ઘેરો ઘાલીશ, ને તારી સામા મોરચા ઊભા કરીશ. તું નીચું પડીને ભૂમિમાંથી બોલશે, ને ધૂળમાંથી તારી વાત ધીમે સાદે સંભળાવશે.” (યશાયાહ ૨૯:૩, ૪) યહુદાહ અને યરૂશાલેમ માટે આ ૬૦૭ બી.સી.ઈ.માં સાચું પડ્યું, જ્યારે બાબેલોની લશ્કરોએ શહેરને ઘેરી અને મંદિરને આગ લગાડી. યરૂશાલેમને તોડી પાડીને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યું.
૨૦. યહોવાહના દુશ્મનોનો આખરી અંજામ શું હશે?
૨૦ એ સમય આવ્યો એ પહેલાં, યહુદાહમાં અમુક રાજાઓ એવા હતા, જેઓ યહોવાહના નિયમ પ્રમાણે ચાલતા હતા. એ પછી શું થયું? એ પછી યહોવાહ પોતાના લોકો માટે લડે છે. ભલે દેશમાં દુશ્મનો છવાઈ ગયા હોય, છતાં તેઓ જાણે કે ‘ઝીણી ધૂળ’ અને ‘ફોતરાં’ જેવા બનશે. યહોવાહ પોતાના સમયે, દુશ્મનોને “ગર્જના, ધરતીકંપ, મોટા અવાજ, વંટોળિયા, આંધી તથા ભસ્મ કરનાર અગ્નિની જ્વાળા મારફત” વિખેરી નાખશે.—યશાયાહ ૨૯:૫, ૬.
૨૧. યશાયાહ ૨૯:૭, ૮નું ઉદાહરણ સમજાવો.
૨૧ દુશ્મનોનું લશ્કર યરૂશાલેમનો વિનાશ કરીને, લડાઈની લૂંટની મઝા માણવાની રાહ જોઈને જ બેઠા હશે. પરંતુ, તેઓને એ ક્યાં ખબર છે કે તેઓના સપનાં જલદી જ તૂટી જવાના છે! કોઈ ભૂખ્યો માણસ મોટી મિજબાનીનો આનંદ માણવાના સપનાં જુએ તો છે, પણ જ્યારે ઊંઘમાંથી જાગે છે, ત્યારે પહેલાં જેવો ભૂખ્યો હતો, એવો જ હોય છે. એવી જ રીતે, યહુદાહના દુશ્મનો જે લૂંટનો આનંદ માણવાની આતુરતાથી રાહ જોતા હતા એ પૂરી થશે નહિ. (યશાયાહ ૨૯:૭, ૮ વાંચો.) સાન્હેરીબની આગેવાની હેઠળ આશ્શૂરી લશ્કરનું શું થયું એની કલ્પના કરો. તે યરૂશાલેમના વિશ્વાસુ રાજા હિઝકીયાહના સમયમાં જઈને જે ધમકી આપે છે, એ વિચારો. (યશાયાહ, અધ્યાય ૩૬ અને ૩૭) પરંતુ એક જ રાત્રે, કોઈ માણસે લડ્યા વિના, ભયાનક આશ્શૂરીઓને હરાવી દીધા! હા, એના ૧,૮૫,૦૦૦ શૂરવીરો માર્યા ગયા! ભાવિમાં ફરીથી, જીતનાં સપનાં તૂટીને ચૂર થઈ જશે, જ્યારે મેગોગનો ગોગ પોતાના લશ્કર સાથે, યહોવાહના લોકો સામે લડશે.—હઝકીએલ ૩૮:૧૦-૧૨; ૩૯:૬, ૭.
૨૨. યહુદાહના લોકો આત્મિક રીતે પીધેલા હતા, એની તેઓ પર કેવી અસર થાય છે?
૨૨ યશાયાહ આ ભવિષ્યવાણી ભાખે છે ત્યારે, યહુદાહના આગેવાનોને હિઝકીયાહ જેવો વિશ્વાસ નથી. તેઓ યહોવાહના દુશ્મનો સાથે ભળી જઈને, પીધેલા થયા છે અને આત્મિક રીતે બેહોશ છે. “વિસ્મિત થઈને અચંબો પામો; પોતાને આંધળા કરીને આંધળા થાઓ; તેઓ પીધેલા છે, પણ દ્રાક્ષારસથી નહિ; તેઓ લથડિયાં ખાય છે, પણ દારૂથી નહિ.” (યશાયાહ ૨૯:૯) યહોવાહના સાચા પ્રબોધકને જે જણાવવામાં આવ્યું છે, એનું મહત્ત્વ આ આત્મિક રીતે પીધેલા આગેવાનો જોઈ શકતા નથી. યશાયાહ કહે છે: “યહોવાહે ભર ઊંઘનો આત્મા તમારી પર રેડ્યો છે, ને તમારી આંખો (એટલે પ્રબોધકો) બંધ કરી છે, ને તમારાં શિર (એટલે દ્રષ્ટાઓ) ઢાંક્યાં છે. આ સર્વનું દર્શન તમારી આગળ મહોરથી બંધ કરેલા લેખના જેવું છે, લોકો જે ભણેલો છે તેને તે આપીને કહે છે, કે આ વાંચ; તે કહે છે, હું તે વાંચી શકતો નથી, કારણ કે તે પર મહોર કરેલી છે. પછી તે લેખ અભણને આપવામાં આવે છે ને તેને કહે છે, કે આ વાંચ; તે કહે છે, મને વાંચતાં આવડતું નથી.”—યશાયાહ ૨૯:૧૦-૧૨.
૨૩. યહોવાહ શા માટે યહુદાહ પાસેથી જવાબ માગશે, અને તે કઈ રીતે એમ કરશે?
૨૩ યહુદાહના ધર્મગુરુઓ આત્મિક રીતે શાણા હોવાનો દાવો તો કરે છે, પણ તેઓએ યહોવાહને છોડી મૂક્યા છે. એને બદલે, ખરાં-ખોટાનો ભેદ પારખવા, તેઓ પોતાના કપટી વિચારો શીખવે છે. આમ, પોતાનું અવિશ્વાસુ અને અનૈતિક જીવન સંતાડે છે અને લોકોને ખોટે માર્ગે ચડાવી, યહોવાહની વિરુદ્ધ પાપ કરાવે છે. પરંતુ, યહોવાહ પોતાના “અદ્ભુત” અને નવાઈ પમાડે એવા કાર્યોથી, તેઓના ઢોંગનો જવાબ માંગશે. યહોવાહ કહે છે: “આ લોક તો મારી પાસે આવે છે, ને પોતાના મોંથી તથા હોઠોથી મને માન આપે છે, પણ તેમણે પોતાનું હૃદય મારાથી દૂર રાખ્યું છે, ને તેઓમાં મારી જે બીક છે તે કેવળ પાઠે કરેલી માણસની આજ્ઞા છે; તે માટે હું આ લોકમાં અદ્ભુત કામ, હા, અદ્ભુત તથા અજાયબ કામ ફરીથી કરવાનો છું; તેમના જ્ઞાનીઓનું જ્ઞાન નષ્ટ થશે, અને તેમના બુદ્ધિમાનોની બુદ્ધિ લોપ થઈ જશે.” (યશાયાહ ૨૯:૧૩, ૧૪) યહોવાહ બાબતો એવી રીતે થવા દેશે કે, યહુદાહની આખી ધર્મત્યાગી વ્યવસ્થા બાબેલોનના જગત સામ્રાજ્યને હાથે નાશ પામશે ત્યારે, યહુદાહનું પોતાનું ડહાપણ અને જ્ઞાન કંઈ કામ આવશે નહિ. પ્રથમ સદીમાં પણ એમ જ બન્યું હતું, જ્યારે યહુદી આગેવાનોએ મન ફાવે એમ કરીને, લોકોને ખોટા માર્ગે ચડાવી દીધા હતા. એવું જ કંઈક આપણા દિવસમાં ખ્રિસ્તીરાષ્ટ્રનું પણ થશે.—માત્થી ૧૫:૮, ૯; રૂમી ૧૧:૮.
૨૪. યહુદીઓ કઈ રીતે બતાવી આપે છે કે તેઓને યહોવાહનું ભય નથી?
૨૪ જો કે હાલ પૂરતું તો યહુદાહના ઘમંડી આગેવાનો માને છે કે, પોતાની ચાલાકીથી મન ફાવે એમ તેઓ સાચી ઉપાસનાને મચકોડી શકશે. શું તેઓ એમ કરી શકે છે? યશાયાહ તેઓને ખુલ્લા પાડતા જણાવે છે કે, તેઓ ખરેખર યહોવાહની બીક રાખતા નથી. તેમ જ તેઓની પાસે સાચું ડહાપણ પણ નથી: “જેઓ યહોવાહથી પોતાની યોજના સંતાડવાને ઊંડો વિચાર કરે છે, ને જેઓ અંધારામાં પોતાનું કામ કરે છે, ને જેઓ કહે છે, કે અમને કોણ જુએ છે? અમારા વિષે કોણ જાણે છે? તેઓને અફસોસ! અરે તમારી કેવી આડાઈ! શું કુંભાર માટીની બરાબર ગણાય? એવી રીતે, કે કૃત્ય પોતાના કર્તા વિષે કહે, કે તેણે મને કર્યું નથી; અથવા બનાવેલું પોતાના બનાવનાર વિષે કહે, કે તેને કંઇ સમજ નથી?” (યશાયાહ ૨૯:૧૫, ૧૬; સરખાવો ગીતશાસ્ત્ર ૧૧૧:૧૦.) ભલે તેઓને લાગે કે બહુ ચાલાકીથી પોતાનું કપટ સંતાડી શકે છે. તેમ છતાં, યહોવાહની નજરમાં તેઓ “સઘળાં નાગાં તથા ઉઘાડાં છે.”—હેબ્રી ૪:૧૩.
‘બહેરા સાંભળશે’
૨૫. કયા અર્થમાં “બહેરા” સાંભળશે?
૨૫ જો કે જેઓ વિશ્વાસ કરશે, એવી દરેક વ્યક્તિ માટે તારણ છે. (યશાયાહ ૨૯:૧૭-૨૪ વાંચો; લુક ૭:૨૨ સરખાવો.) “બહેરા લેખની વાતો સાંભળશે,” એટલે કે યહોવાહનો સંદેશો સાંભળશે. આ કંઈ બહેરા વ્યક્તિને સાજા કરવાની નહિ, પણ આત્મિક રીતે બહેરાશ સાજી કરવાની વાત થાય છે. યશાયાહ ફરીથી મસીહી રાજ્ય અને એના દ્વારા પૃથ્વી પર સ્થાપિત થનાર સાચી ઉપાસના તરફ ધ્યાન દોરે છે. એ આપણા સમયમાં બન્યું છે અને લાખો લોકોએ પોતાને યહોવાહના હાથમાં સોંપ્યા છે, જેથી તે તેઓને મદદ કરે અને તેઓ પરમેશ્વરની ઉપાસના કરે. ખરેખર કેવી રોમાંચક પરિપૂર્ણતા! છેવટે, એવો દિવસ આવશે જ્યારે દરેક જણ, દરેક જીવંત વસ્તુ યહોવાહને ભજશે, અને તેમનું નામ પવિત્ર મનાવશે.—ગીતશાસ્ત્ર ૧૫૦:૬.
૨૬. જેઓ “બહેરા” હતા તેઓ આજે શું સાંભળે છે?
૨૬ જેઓ “બહેરા” હતા, પણ હવે યહોવાહના વચનો સાંભળે છે, તેઓ શું શીખે છે? એ જ કે સર્વ ખ્રિસ્તીઓ, ખાસ કરીને મંડળ જેઓને ઉદાહરણ તરીકે જુએ છે, તેઓ ‘દારુને લીધે ગોથાં ખાવાનું’ ટાળવા દરેક ડગલે ને પગલે સાવધ રહે. (યશાયાહ ૨૮:૭) તેમ જ, યહોવાહના નિયમો વિષે વારંવાર સાંભળતા કદી પણ ન થાકીએ, કેમ કે એ આપણને આત્મિક દૃષ્ટિ કેળવવા મદદ કરે છે. ખરું કે આપણે યોગ્ય રીતે જ સરકારી અધિકારીઓને આધીન રહે છે અને અમુક જરૂરિયાતો પૂરી પાડવા તેઓની મદદ લે છે. તેમ છતાં, આપણું તારણ તો ફક્ત યહોવાહ પરમેશ્વર કરશે, કોઈ સરકાર નહિ. વળી, આપણે કદી પણ ભૂલીએ નહિ કે જેમ ધર્મત્યાગી યરૂશાલેમ પર યહોવાહના ન્યાયનો અમલ થયો, તેમ જ આપણા સમયમાં પણ જરૂર બનશે, એમાં કોઈ શંકા નથી. ભલે વિરોધ થાય તોપણ યહોવાહની મદદથી, યશાયાહની જેમ આપણે તેમની ચેતવણીનો પ્રચાર કરવાનું ચાલુ જ રાખીએ.—યશાયાહ ૨૮:૧૪, ૨૨; માત્થી ૨૪:૩૪; રૂમી ૧૩:૧-૪.
૨૭. યશાયાહની ભવિષ્યવાણીમાંથી આજે આપણે શું શીખી શકીએ?
૨૭ યહોવાહે જે રીતે શિસ્ત આપી, એમાંથી વડીલો અને માબાપો શીખી શકે. ભૂલ કરનારને હંમેશા યહોવાહની કૃપા પાછી મળે, એ માટે મદદ કરવી, નહિ કે ફક્ત સજા કરવી. (યશાયાહ ૨૮:૨૬-૨૯; સરખાવો યિર્મેયાહ ૩૦:૧૧.) આ આપણને બધાને, આપણા યુવાનોને પણ યાદ અપાવે છે કે, એ કેટલું મહત્ત્વનું છે કે આપણે યહોવાહની ભક્તિ પૂરા દિલથી કરીએ. આપણે માણસને ખુશ કરવા ફક્ત ઢોંગ કરવાની કોઈ જરૂર નથી. (યશાયાહ ૨૯:૧૩) આપણે યહુદાહના અવિશ્વાસુ લોકો જેવા નથી બનવું, પણ યહોવાહનો ખરો ભય રાખીએ અને તેમને પૂરું માન આપીએ. (યશાયાહ ૨૯:૧૬) તેમ જ, આપણે એ રીતે જીવીએ, જે બતાવી આપે કે યહોવાહ દ્વારા સુધરવા અને શીખવા માટે આપણે આતુર છીએ.—યશાયાહ ૨૯:૨૪.
૨૮. યહોવાહ પોતાના લોકોના બચાવ માટે જે કાર્યો કરશે, એ વિષે તેઓનું કેવું વલણ છે?
૨૮ ખરેખર, એ કેટલું મહત્ત્વનું છે કે આપણે યહોવાહમાં અને તેમના હેતુઓમાં પૂરો ભરોસો રાખીએ! (ગીતશાસ્ત્ર ૧૪૬:૩ સરખાવો.) મોટા ભાગના લોકોને, આપણે પ્રચાર કરીએ ત્યારે જાણે બાળકની ભાષા બોલતા હોઈએ એવું લાગશે. પરમેશ્વરની સેવા કરવાનો દાવો કરનાર, ખ્રિસ્તીરાષ્ટ્રનો આવનાર વિનાશ ખરેખર નવાઈ પમાડે એવું કાર્ય છે. પરંતુ, યહોવાહ એ કાર્ય જરૂર કરશે, એમાં કોઈ જ શંકા નથી. તેથી, આ જગતના છેલ્લા દિવસોમાં, યહોવાહના ભક્તો પોતાનો પૂરો ભરોસો તેમના રાજ્ય અને તેમના રાજા, ઈસુ ખ્રિસ્તમાં મૂકે છે. તેઓ જાણે છે કે, યહોવાહ પોતાના સેવકો માટે જે બચાવના કાર્યો કરશે, જેમાં તેમના ‘અજાયબ કાર્યો’ પણ હશે, એ સર્વ આજ્ઞાંકિત મનુષ્યો માટે હંમેશ માટેના આશીર્વાદો લાવશે.
[ફુટનોટ]
a મૂળ હેબ્રી ભાષામાં, યશાયાહ ૨૮:૧૦માં વારંવાર એકના એક શબ્દો વાપરવામાં આવ્યા છે, જેમ બાળમંદિરની કવિતા હોય. તેથી, યશાયાહનો સંદેશો ધર્મગુરુઓને છોકરમત જેવો લાગ્યો.
[પાન ૨૮૯ પર ચિત્રો]
ખ્રિસ્તીરાષ્ટ્ર યહોવાહ પર નહિ, પણ માનવ શાસકો પર ભરોસો મૂકે છે
[પાન ૨૯૦ પર ચિત્ર]
બાબેલોનને યરૂશાલેમનો નાશ કરવા દઈને, યહોવાહે પોતાનું નવાઈ પમાડે એવું કાર્ય કર્યું
[પાન ૨૯૮ પર ચિત્ર]
આત્મિક રીતે તેઓ “બહેરા” હતા તેઓ યહોવાહનો સંદેશ સાંભળી શકે છે