યહોવાહના ઇન્સાફમાં અંધેર નથી
“હું યહોવાહ ઇન્સાફ ચાહું છું.”—યશાયાહ ૬૧:૮.
૧, ૨. (ક) “ન્યાય” અને “અન્યાય” શબ્દોનો અર્થ સમજાવો. (ખ) યહોવાહને ન્યાય વિષે કેવું લાગે છે?
ન્યાય એટલે ‘એવો ગુણ જેમાં કોઈને અન્યાય ન થાય. ખરા-ખોટાની બરોબર તપાસ થયા પછી યોગ્ય ફેંસલો લેવાય.’ જ્યારે કે અન્યાયમાં જુલમ, અંધેર, અનીતિ અને ભેદભાવ હોય છે.
૨ વિશ્વના માલિક, યહોવાહને એના વિષે કેવું લાગે છે? આજથી લગભગ ૩,૫૦૦ વર્ષો પહેલાં, ઈશ્વરભક્ત મુસાએ લખ્યું: ‘તેમના સર્વ માર્ગો ન્યાયરૂપ છે; તે ન્યાયી તથા ખરા છે.’ (પુનર્નિયમ ૩૨:૪) એ લખાયું એના લગભગ સાતસો વર્ષો પછી, યહોવાહે કહ્યું: ‘હું ઇન્સાફ ચાહું છું.’ (યશાયાહ ૬૧:૮) આપણી પહેલી સદીમાં ઈશ્વરભક્ત પાઊલે લખ્યું: “શું ઈશ્વર અન્યાયી છે? કદી નહિ.” (રોમનો ૯:૧૪, કોમન લેંગ્વેજ) ઈશ્વરભક્ત પીતરે પણ કહ્યું કે ‘ઈશ્વર પક્ષપાતી નથી; પણ દરેક દેશમાં જે કોઈ તેમની બીક રાખે છે, ને ન્યાયીપણું કરે છે, તે તેમને માન્ય છે.’ (પ્રેરિતોનાં કૃત્યો ૧૦:૩૪, ૩૫) યહોવાહની રગેરગમાં ન્યાય જ વહે છે, ‘તે ન્યાયને ચાહે છે.’—ગીતશાસ્ત્ર ૩૭:૨૮; માલાખી ૩:૬.
આજે ન્યાય જેવું છે જ ક્યાં?
૩. મનુષ્યો પર અન્યાયનાં કાળાં વાદળ કેવી રીતે છવાયાં?
૩ આજે ઇન્સાફ જોઈતો હોય તો કંઈ કેટલીયે કોર્ટના દરવાજા ખખડાવવા પડે. કુટુંબમાં, નોકરી-ધંધે, સ્કૂલે, કોર્ટ-કચેરીએ કે બીજી કોઈ રીતે આપણે અન્યાયના ચક્કરમાં ફસાઈએ છીએ. આવું તો આદમબાબાથી ચાલ્યું આવે છે. શરૂઆતમાં એક સ્વર્ગદૂત ઈશ્વરનો દુશ્મન બન્યો અને શેતાન કહેવાયો. તેણે આદમ અને હવાને ચાવી ચડાવી. યહોવાહે તો એ ત્રણેવને પોતાની મરજી પ્રમાણે કરવાની છૂટ આપી હતી. તેઓએ પોતે ઈશ્વરના કાયદા-કાનૂન તોડ્યા. ત્યારથી મનુષ્યો પર અન્યાયનાં કાળાં વાદળ છવાયેલાં છે. આદમ-હવાએ સામે ચાલીને આપણને દુઃખ-દર્દ અને મોતના ખાડામાં ધકેલ્યા.—ઉત્પત્તિ ૩:૧-૬; રૂમી ૫:૧૨; હેબ્રી ૨:૧૪.
૪. આપણે કેટલા સમયથી અન્યાય સહી રહ્યા છીએ?
૪ આદમના જમાનાથી મનુષ્યો અન્યાયની ચક્કીમાં પિસાય છે. છએક હજાર વર્ષોથી માનવ નિસાસા નાખે છે. પણ શેતાનની દુનિયામાં કંઈ સારાની આશા રખાય? (૨ કોરીંથી ૪:૪) ના રે ના! શેતાન તો અન્યાયનો બાદશાહ છે. યહોવાહ ઈશ્વરનો કટ્ટર દુશ્મન છે. તે પોતે જ જૂઠાનો બાપ છે. (યોહાન ૮:૪૪) ઈશ્વરભક્ત નુહના જમાનામાં યહોવાહે પ્રલય લાવીને દુનિયા સાફ કરવી પડી. શેતાનને લીધે ‘માણસની ભૂંડાઈ પૃથ્વીમાં ઘણી થઈ, ને તેઓનાં હૃદયના વિચારો ભૂંડા જ હતા.’ (ઉત્પત્તિ ૬:૫) ઈસુના જમાનામાં પણ દુનિયાની હાલત એવી જ હતી. તેમણે કહ્યું કે “આજનું દુઃખ આજને માટે પૂરતું છે.” (માથ્થી ૬:૩૪, IBSI) બાઇબલ આમ કહે છે એમાં કંઈ નવાઈ નથી: ‘અત્યાર સુધી આખી સૃષ્ટિ નિસાસા નાખીને પ્રસૂતિની વેદના સહી રહી છે.’—રૂમી ૮:૨૨.
૫. પહેલાંના કરતાં આજે કેમ વધારે અન્યાય ચાલે છે?
૫ માનવ ઇતિહાસની શરૂઆતથી જ બૂરાઈ અને અન્યાય થતા આવે છે. આજે તો અન્યાયનો પાર જ નથી. આપણે વર્ષોથી દુષ્ટ દુનિયાના “છેલ્લા સમયમાં” છીએ, હવે ‘સંકટનો વખત આવી’ પહોંચ્યો છે. બાઇબલ જણાવે છે કે એ સમયે લોકો ‘સ્વાર્થી, લોભી, બડાશ મારનારા અને અભિમાની બની જશે. તેઓ બીજાની નિંદા કરશે, કદર નહીં કરનારા, નાસ્તિક હશે. તેઓ દયા વગરના, બદલો લેનારા, અફવા ફેલાવનારા, સંયમ નહિ રાખનારા, ઘાતકી અને સત્યનો નકાર કરનારા હશે. તેઓ દગો દેનારા, અવિચારી, અભિમાનથી ફૂલાઈ ગયેલા હશે.’ (૨ તીમોથી ૩:૧-૫, પ્રેમસંદેશ) આવા લોકોને લીધે જ્યાં જુઓ ત્યાં અન્યાય જ જોવા મળે છે.
૬, ૭. આજે કેવો ઘોર અન્યાય થઈ રહ્યો છે?
૬ છેલ્લાં સોએક વર્ષોમાં તો એટલો અન્યાય વધ્યો છે કે લોકો દુઃખી દુઃખી થઈ ગયા છે. એ ટાઇમમાં યુદ્ધોનો કોઈ પાર જ નહોતો. ફક્ત બીજા વિશ્વયુદ્ધનો જ વિચાર કરો. અમુક ઇતિહાસકારોનું કહેવું છે કે એમાં જ પાંચથી છ કરોડ લોકો માર્યા ગયા. અફસોસ કે મોટે ભાગે નિર્દોષ સ્ત્રી-પુરુષો અને બાળકો એનો ભોગ બન્યા. ત્યારથી તો બીજી ઘણી નાની-મોટી લડાઈઓ થઈ છે. એમાંય કરોડો નિર્દોષ લોકોએ વગર લેવે-દેવે જીવ ખોયા છે. આવો અન્યાય કેમ? બાઇબલ જણાવે છે કે ‘શેતાન તમારી પાસે ઊતરી આવ્યો છે, ને તે ઘણો ગુસ્સે થયો છે, કેમ કે તે જાણે છે કે હવે તેને માટે થોડો જ વખત રહેલો છે.’ (પ્રકટીકરણ ૧૨:૧૨) શેતાન જાણે છે કે તેની ઘડીઓ ગણાઈ રહી છે. તે મરવાનો જ છે, કેમ કે યહોવાહ પોતે તેને સજા કરશે.
૭ મિલિટરી પાછળ દર વર્ષે કરોડોના કરોડો રૂપિયા વપરાય છે. જો એ પૈસા સારી રીતે વાપર્યા હોત, તો લાખો લોકો શાંતિથી જીવી શકત. આજે અમુકને ખાવા-પીવાની કોઈ ખોટ નથી. જ્યારે કે કરોડો લોકો પાસે એક ટંકનો રોટલો પણ નથી. યુનાઇટેડ નેશન્સ પ્રમાણે, દર વર્ષે પચાસેક લાખ બાળકો ભૂખે ટળવળીને મોતનો કોળિયો બને છે! હવે દર વર્ષે થતા ચારથી છ કરોડ ગર્ભપાત કે ઍબોર્શનનો વિચાર કરો. દુનિયામાં પહેલો શ્વાસ લે એના પહેલાં જ બચ્ચાંનું ગળું ઘોંટી દેવામાં આવે છે. આ તે કેવો ઘોર અન્યાય!
૮. ફક્ત કોણ આપણા માટે અદલ ઇન્સાફ કરી શકે?
૮ આપણે આજે દુઃખ-તકલીફોની ચક્કીમાં પિસાઈએ છીએ. એમાંથી કોઈ પણ માનવ બચાવી શકે એમ નથી. ઈશ્વરે પોતે આપણા ટાઇમ વિષે કહ્યું કે ‘દુષ્ટ માણસો તો વધુ ને વધુ ખરાબ બનતા જશે અને બીજાને છેતરીને, તેઓ જાતે પણ છેતરાઈ જશે.’ (૨ તિમોથી ૩:૧૩, કોમન લેંગ્વેજ) જીવનમાં આપણને ડગલે ને પગલે અન્યાય થાય છે. મનુષ્ય અદલ ઇન્સાફ કરી શકતો નથી. ફક્ત ઈશ્વર જ અદલ ઇન્સાફ કરી શકે છે. અન્યાયને જડમૂળથી કાઢી શકે છે. શેતાન, તેના ચેલા અને દુષ્ટ માણસોનો તે જ નાશ કરી શકે છે.—યિર્મેયાહ ૧૦:૨૩, ૨૪.
આવો અન્યાય કેમ?
૯, ૧૦. આસાફ કેમ નિરાશ થઈ ગયા હતા?
૯ બાઇબલના અમુક લેખકોને થતું કે ‘ભગવાન કેમ કંઈ કરતા નથી? ક્યારે અદલ ઇન્સાફ મળશે?’ ચાલો આસાફનો દાખલો લઈએ. ગીતશાસ્ત્રના ૭૩મા અધ્યાય ઉપરના લખાણમાં એમનું નામ છે. એ અધ્યાયમાં ક્યાં તો દાઊદ રાજાના સમયના જાણીતા લેવી સંગીતકાર આસાફની વાત થાય છે. અથવા તો આસાફ જે કુટુંબના વડીલ હતા એના સંગીતકારોની વાત થાય છે. યહોવાહની ભક્તિમાં ગવાતાં ઘણાં ભજનો આસાફ અને તેના કુટુંબે રચ્યાં હતાં. તોપણ, આસાફની જિંદગીમાં એવો સમય પણ આવ્યો જ્યારે તે બહુ જ નિરાશ થઈ ગયા.
૧૦ કવિએ જોયું કે દુષ્ટ માણસો સુખ-સાહેબીમાં જીવે છે. તે કહે છે કે “મેં દુષ્ટોની સમૃદ્ધિ જોઈ, ત્યારે મેં ગર્વિષ્ઠોની અદેખાઈ કરી. કેમ કે મરણ સમયે તેમને વેદના થતી નથી; પણ તેઓનું બળ દૃઢ રહે છે. મનુષ્યજાતનાં દુઃખો તેમના પર આવતાં નથી; અને બીજા માણસોની પેઠે તેઓને પીડા થતી નથી.” (ગીતશાસ્ત્ર ૭૩:૨-૮) સમય જતાં, એ કવિને ખ્યાલ આવ્યો કે એવું વિચારવું નકામું છે. ખોટું છે. (ગીતશાસ્ત્ર ૭૩:૧૫, ૧૬) આસાફે પોતાના વિચારોમાં સુધારો કર્યો. તોપણ તેમને એ સવાલ મનમાં ડંખતો હતો કે ‘કેમ દુષ્ટ, પાપી, અધમ લોકોને કંઈ નથી થતું? કેમ સચ્ચાઈથી ચાલનાર પર દુઃખોના ડુંગર તૂટી પડે છે?’
૧૧. કવિ શું સમજી શક્યા?
૧૧ પછી કવિ સમજી શક્યા કે દુષ્ટોના જલસા કાયમ નથી રહેવાના. તેઓએ યહોવાહને જવાબ આપવો પડશે. તેઓનો ન્યાય થશે. (ગીતશાસ્ત્ર ૭૩:૧૭-૧૯) રાજા દાઊદે પણ લખ્યું કે “યહોવાહની વાટ જો, તેને માર્ગે ચાલ, અને દેશનો વારસો પામવાને તે તને મોટો કરશે; દુષ્ટોનો ઉચ્છેદ [નાશ] થશે તે તું જોશે.”—ગીતશાસ્ત્ર ૩૭:૯, ૧૧, ૩૪.
૧૨. (ક) દુષ્ટ કામો અને અન્યાયનું યહોવાહ શું કરશે? (ખ) અન્યાયનો યહોવાહ ન્યાય કરશે, એ જાણીને તમને કેવું લાગે છે?
૧૨ કોઈ જ શંકા નથી કે યહોવાહ પોતાના સમયે આખી દુનિયામાંથી બધી દુષ્ટતા મિટાવી દેશે. હરેક અન્યાયનો ન્યાય કરશે. એ હકીકત આપણે કદીયે ભૂલીએ નહિ. બાઇબલ જણાવે છે કે ‘યહોવાહની આંખો મનુષ્યોને જુએ છે તથા તેનાં પોપચાં પારખે છે. યહોવાહ ન્યાયીઓને પારખે છે; પણ દુષ્ટ તથા જુલમીથી તે કંટાળે છે. તે દુષ્ટો પર અગ્નિ, ગંધક અને ભયંકર લૂ વરસાવશે, કેમ કે યહોવાહ ન્યાયી છે; તે ન્યાયીપણાને ચાહે છે.’ (ગીતશાસ્ત્ર ૧૧:૪-૭) યહોવાહ પોતાના માર્ગે ચાલનારાને આશીર્વાદ જ આશીર્વાદ આપશે.
અદલ ઇન્સાફની દુનિયા
૧૩, ૧૪. યહોવાહની દુનિયામાં કેમ અદલ ઇન્સાફ મળશે?
૧૩ ઈસુએ આમ પ્રાર્થના કરતા શીખવ્યું: “તારૂં રાજ્ય આવો; જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તારી ઇચ્છા પૂરી થાઓ.” (માત્થી ૬:૧૦) યહોવાહનું રાજ અદલ ઇન્સાફની દુનિયા લાવશે. અન્યાયથી ભરેલી શેતાનની દુનિયાને જલદી જ હટાવી નાખશે. દુષ્ટતા અને અન્યાય કાયમ માટે જતા રહેશે.
૧૪ આપણે એ રાજની કાગ ડોળે રાહ જોઈએ છીએ. એમાં ગીતશાસ્ત્ર ૧૪૫:૧૬નું આ વચન પૂરું થશે: ‘યહોવાહ પોતાનો હાથ ખોલીને સર્વ સજીવોની ઇચ્છાને પૂરી કરશે.’ એ રાજના રાજા કેવા હશે? યશાયાહ ૩૨:૧ કહે છે: “જુઓ, એક રાજા [ઈસુ ખ્રિસ્ત] ન્યાયથી રાજ કરશે, ને સરદારો [વડીલો] ઇન્સાફથી અધિકાર ચલાવશે.” એના વિષે યશાયાહ ૯:૭ પણ કહે છે: ‘દાઊદના રાજ્યાસન ઉપર, ને તેના રાજ્ય ઉપર, તેને ઇન્સાફ અને ન્યાયીપણાથી તે સમયથી તે સર્વકાળ સુધી સ્થાપવા અને દૃઢ કરવા માટે તેની સત્તાની વૃદ્ધિનો અને શાંતિનો પાર રહેશે નહિ. યહોવાહની ઇચ્છાથી આ થશે.’ શું તમે ત્યાં હશો?
૧૫. યહોવાહ આપણા માટે કેવી દુનિયા લાવશે?
૧૫ આજની દુનિયામાં તો કલ્પના કરવી મુશ્કેલ છે કે યહોવાહની દુનિયા કેવી હશે. તમે માનો કે ના માનો, પણ ત્યારે કોઈ આવું નહિ કહે: ‘પાછા ફરીને પૃથ્વી ઉપર જે જુલમ કરવામાં આવે છે તે સર્વ મેં જોયો; જુલમ વેઠનારાઓનાં આંસુ પડતાં હતાં, અને તેમને દિલાસો દેનાર કોઈ નહોતું; તેમના પર જુલમ કરનારાઓના પક્ષમાં બળ હતું, પણ તેમને દિલાસો દેનાર કોઈ નહોતું.’ (સભાશિક્ષક ૪:૧) યહોવાહ બૂરાઈનું નામોનિશાન મિટાવી દેશે. બસ, ભલાઈની દુનિયા હશે. આપણે સપનેય વિચાર કર્યો નહિ હોય, એવા એવા આશીર્વાદો યહોવાહ આપશે. એટલે જ તેમણે પોતાના ભક્ત પાસે આવું લખાવ્યું: ‘આપણે નવાં આકાશ તથા નવી પૃથ્વી જેમાં ન્યાયીપણું વસે છે, તેની વાટ જોઈએ છીએ.’—૨ પીતર ૩:૧૩.
૧૬. “નવાં આકાશ” શું છે? “નવી પૃથ્વી” શું છે?
૧૬ “નવાં આકાશ” એટલે કે યહોવાહનું રાજ, જે તેમણે ઈસુને સોંપ્યું છે. “નવી પૃથ્વી” એટલે કે યહોવાહના માર્ગે ચાલનારા લોકોનો સમાજ. આજે એમાં લગભગ ૭૦ લાખ લોકો ભેગા થઈ ચૂક્યા છે. તેઓ લગભગ ૨૩૫ દેશોમાં એક લાખ જેટલાં મંડળોમાં ભેગા મળે છે. તેઓ બધાના એક જ પરમેશ્વર છે, યહોવાહ. તેઓ ન્યાયના માર્ગે ચાલે છે. દુનિયાના કોઈ પણ ખૂણામાં હોય, બધાય પ્રેમના બંધનથી બંધાયેલા છે. માનવ ઇતિહાસમાં તેઓની એકતા, સંપનો કોઈ જોટો ન જડે. એવો પ્રેમ અને સંપ બતાવે છે કે યહોવાહની દુનિયા કેવી હશે. એમાં અન્યાયનો પડછાયો પણ જોવા નહિ મળે!—યશાયાહ ૨:૨-૪; યોહાન ૧૩:૩૪, ૩૫; કોલોસી ૩:૧૪.
શેતાનની હાર
૧૭. યહોવાહના ભક્તો પરના હુમલામાં કેમ શેતાનની હાર નક્કી છે?
૧૭ ઈસુએ કહ્યું હતું તેમ “એવી મોટી વિપત્તિ આવી પડશે કે તેના જેવી જગતના આરંભથી તે હમણાં સુધી થઈ નથી, ને કદી થશે પણ નહિ.” (માત્થી ૨૪:૨૧) શેતાન અને તેના ચેલાઓ યહોવાહના ભક્તો પર હુમલો કરશે. તેઓને મિટાવી દેવાનો ઇરાદો રાખશે. (હઝકીએલ ૩૮:૧૪-૨૩) શું શેતાનની જીત થશે? કદીયે નહિ! બાઇબલ જણાવે છે કે “યહોવાહ ન્યાયને ચાહે છે, તે પોતાના ભક્તોને તજી દેતો નથી; તે તેઓનું સદા રક્ષણ કરે છે; પણ દુષ્ટોનાં સંતાનનો ઉચ્છેદ [નાશ] થશે. ન્યાયીઓ દેશનો વારસો પામશે, અને તેમાં તેઓ સદાકાળ રહેશે.”—ગીતશાસ્ત્ર ૩૭:૨૮, ૨૯.
૧૮. (ક) પોતાના ભક્તો પર હુમલો થશે ત્યારે યહોવાહ શું કરશે? (ખ) ઇન્સાફની જીત થશે એના વિષે શીખીને તમને કેવું લાગે છે?
૧૮ આ છેલ્લી વખત શેતાન અને તેના ચેલાઓ આપણા પર હુમલો કરશે. પણ યહોવાહ કહે છે કે ‘જે તમને અડકે છે તે મારી આંખની કીકીને અડકે છે.’ (ઝખાર્યાહ ૨:૮) માનો કે કોઈ યહોવાહની આંખમાં આંગળી ભોંકે, તો તે કંઈ શાંતિથી બેસી નહિ રહે. તે તરત જ દુશ્મનનો હાથ રોકશે. તેનો બદલો લેશે, કેમ કે યહોવાહના ભક્તો પ્રેમાળ છે. હળી-મળીને રહે છે. કાયદા-કાનૂન પાળે છે. તેઓ પર હુમલો થાય એ તો ઘોર અન્યાય ગણાય. એ જોઈને ‘ન્યાય ચાહનાર’ યહોવાહ કેવી રીતે બેસી રહે? જ્યારે તે પોતાના લોકોના દુશ્મનોનો બદલો લેવા ઊઠશે, ત્યારે તેઓનું આવી જ બન્યું સમજો. દુશ્મનોનો કાયમ માટે નાશ! ઇન્સાફની જીત! યહોવાહની ભક્તિ કરનારાને જીવનનું વરદાન! જરા વિચાર તો કરો, યહોવાહ જલદી જ કેવા મોટા મોટા ફેરફારો લાવશે.—નીતિવચનો ૨:૨૧, ૨૨.
આપણે કેવો જવાબ આપીશું?
• આજે કેમ આટલો બધો અન્યાય છે?
• યહોવાહ અન્યાયનું શું કરશે?
• આ લેખમાંથી તમને શું ગમ્યું?
[Picture on page 9]
પાણીનો પ્રલય આવ્યા પહેલાં ઘણી દુષ્ટતા હતી. આજે પણ એવું જ છે
[Picture on page 10]
યહોવાહની દુનિયામાં અન્યાયનું નામનિશાન નહિ હોય