પચ્ચીસમું પ્રકરણ
રાજા અને તેમના સરદારો
૧, ૨. મૃત સરોવરના યશાયાહના વીંટાના લખાણ વિષે શું કહી શકાય?
પેલેસ્તાઈનમાં મૃત સરોવર પાસે આવેલી ગુફાઓમાંથી અમૂલ્ય વીંટાઓ મળી આવ્યા, જે ૧૯૪૦ના દાયકાને અંતે બન્યું. તે મૃત સરોવરના વીંટા તરીકે જાણીતા થયા અને તેના લખાણો લગભગ ૨૦૦ બી.સી.ઈ. અને ૭૦ સી.ઈ. વચ્ચેના હોવાનું મનાય છે. તેઓમાં સૌથી જાણીતો યશાયાહનો વીંટો છે, જે ટકાઉ ચામડા પર હેબ્રીમાં લખવામાં આવ્યો હતો. આ વીંટો લગભગ પૂરેપૂરો છે. તેમ જ લગભગ એના ૧,૦૦૦ વર્ષ પછીના મેસોરેટ લખાણની નકલો સાથે એ વીંટાને સરખાવતા, લખાણમાં બહુ જ ઓછો ફરક જોવા મળે છે. આમ, એ વીંટો બતાવે છે કે બાઇબલની નકલ કેટલી ચોકસાઈથી કરવામાં આવી છે.
૨ મૃત સરોવરના યશાયાહના વીંટાની એક મહત્ત્વની વાત એ છે કે, આજે જાણીતા યશાયાહના ૩૨માં અધ્યાયના હાંસિયામાં “X” જોવા મળે છે. એ ચોકડી શાસ્ત્રીએ મારી છે. આપણને ખબર નથી કે શાસ્ત્રીએ શા માટે એ ચોકડી મૂકી હતી, પણ આપણે એ જાણીએ છીએ કે પવિત્ર બાઇબલના આ ભાગમાં કંઈક ખાસ વાત છે.
ન્યાય અને ઇન્સાફથી રાજ ચલાવવું
૩. યશાયાહ અને પ્રકટીકરણના પુસ્તકોમાં કઈ સરકાર વિષે ભાખવામાં આવ્યું છે?
૩ યશાયાહનો ૩૨મો અધ્યાય એવી રોમાંચક ભવિષ્યવાણીથી શરૂ થાય છે, જે આપણા સમયમાં અદ્ભુત રીતે પૂરી થઈ રહી છે: “જુઓ, એક રાજા ન્યાયથી રાજ કરશે, ને સરદારો ઈન્સાફથી અધિકાર ચલાવશે.” (યશાયાહ ૩૨:૧) “જુઓ,” આ શબ્દ આપણને બાઇબલના છેલ્લા પુસ્તકમાં મળી આવતા એના જેવા જ શબ્દની યાદ અપાવે છે: “રાજ્યાસન પર જે બેઠેલો છે તેણે કહ્યું, કે જુઓ, હું સઘળું નવું બનાવું છું.” (પ્રકટીકરણ ૨૧:૫, ત્રાસા અક્ષરો અમારા છે.) યશાયાહ અને પ્રકટીકરણ બંને પુસ્તકોના લખાણ વચ્ચે ૯૦૦ વર્ષનો ગાળો છે. પરંતુ, બંને પુસ્તકો નવી સરકાર એટલે કે ‘નવા આકાશ’ વિષે વર્ણન કરે છે. સ્વર્ગમાં ૧૯૧૪માં એ સરકારના રાજા થયેલા ઈસુ ખ્રિસ્ત અને ‘માણસોમાંથી ખરીદવામાં આવેલા’ ૧,૪૪,૦૦૦ સાથી રાજાઓનો એમાં સમાવેશ થાય છે. વળી, બંને પુસ્તકો “નવી પૃથ્વી” વિષે પણ વર્ણન કરે છે, જે આખા જગતમાંથી આવેલા મનુષ્યોનો સંપીલો સમાજ છે.a (પ્રકટીકરણ ૧૪:૧-૪; ૨૧:૧-૪; યશાયાહ ૬૫:૧૭-૨૫) આ સર્વ ગોઠવણો ખ્રિસ્તના ખંડણી બલિદાનને કારણે શક્ય બની છે.
૪. નવી પૃથ્વીનો કયો મોટો ભાગ હમણાં હાજર છે?
૪ પ્રેષિત યોહાને સંદર્શનમાં ૧,૪૪,૦૦૦ની આખરી પસંદગી થયેલી જોયા પછી, તે જણાવે છે: “પછી મેં જોયું, તો જુઓ, સર્વ દેશોમાંથી આવેલા, સર્વ કુળના, લોકના તથા ભાષાના, કોઈથી ગણી શકાય નહિ એટલા માણસોની એક મોટી સભા! તેઓ રાજ્યાસનની આગળ તથા હલવાનની આગળ ઊભેલા હતા.” (ત્રાસા અક્ષરો અમારા છે.) આ નવી પૃથ્વીનો મુખ્ય ભાગ છે, એક મોટો સમુદાય જેઓની સંખ્યા હમણાં લાખોની છે. તેઓ ૧,૪૪,૦૦૦ના બાકી રહેલાની સાથે ભેગા થયા છે, જેઓમાંના મોટા ભાગના હવે વૃદ્ધ છે. આ મોટો સમુદાય ઝડપથી આવી રહેલી મોટી વિપત્તિમાંથી બચી જશે અને સુંદર, સુખી પૃથ્વીમાં જશે. ત્યાં તેઓ સાથે સજીવન થયેલા વિશ્વાસુ જનો અને બીજા અબજો જોડાશે, જેઓને વિશ્વાસુ સાબિત થવાની તક મળશે. જેઓ વિશ્વાસુ સાબિત થશે, તેઓને હંમેશ માટેના જીવનનો આશીર્વાદ મળશે.—પ્રકટીકરણ ૭:૪, ૯-૧૭.
૫-૭. ભાખવામાં આવ્યા પ્રમાણે, યહોવાહના ટોળાંમાં “સરદારો” કયો ભાગ ભજવે છે?
૫ જો કે આ દુષ્ટ જગત રહેશે ત્યાં સુધી, એ મોટા સમુદાયને રક્ષણની જરૂર પડશે. મોટે ભાગે એ ‘ઇન્સાફથી અધિકાર ચલાવનાર સરદારો’ પૂરું પાડે છે. યહોવાહની કેવી સરસ ગોઠવણ! યશાયાહની ભવિષ્યવાણીમાં એ “સરદારો” વિષે સુંદર શબ્દોમાં વર્ણન કરવામાં આવ્યું છે: “તેમાંનો દરેક માણસ વાયુથી સંતાવાની જગા તથા તોફાનથી ઓથા જેવો, સૂકી ભૂમિમાં પાણીના નાળા જેવો, કંટાળો ઉપજાવનાર દેશમાં વિશાળ ખડકની છાયા જેવો થશે.”—યશાયાહ ૩૨:૨.
૬ હમણાંના દુઃખી જગતમાં, આ “સરદારો” એટલે કે વડીલોની ઘણી જરૂર છે. તેઓ યહોવાહના લોકો માટે કાળજી રાખીને, તેમના ન્યાયી ધોરણો પ્રમાણે ન્યાય કરીને ‘ટોળા સંબંધી સાવધ રહેશે.’ (પ્રેરિતોનાં કૃત્યો ૨૦:૨૮) એવા ‘સરદારોનું’ જીવન બાઇબલમાં તેઓ માટે જણાવેલી ખાસ જરૂરિયાતો પ્રમાણે હોવું જોઈએ.—૧ તીમોથી ૩:૨-૭; તીતસ ૧:૬-૯.
૭ ઈસુએ “જગતના અંતની” દુઃખી હાલતનું વર્ણન કરતી ભવિષ્યવાણીમાં કહ્યું કે, “જોજો, ગભરાતા ના.” (માત્થી ૨૪:૩-૮) શા માટે ઈસુના શિષ્યો આજના જોખમી જગતથી ગભરાશે નહિ? એક કારણ એ છે કે, ભલે આ “સરદારો” અભિષિક્ત હોય કે ‘બીજાં ઘેટાંના’ હોય, તેઓ યહોવાહના લોકોનું વફાદારીથી રક્ષણ કરી રહ્યા છે. (યોહાન ૧૦:૧૬) તેઓ પોતાના ભાઈ બહેનોની હિંમતથી સંભાળ લે છે, ભલેને કોમવાદ કે જાતિભેદની લડાઈઓ ચાલતી હોય. આત્મિક રીતે કંગાળ જગતમાં પણ તેઓ દુઃખી લોકોને બાઇબલનું સત્ય જે ઉત્તેજન આપે છે, એનાથી તાજગી આપતા રહે છે.
૮. યહોવાહ કઈ રીતે બીજાં ઘેટાંના ‘સરદારોને’ તાલીમ આપીને જવાબદારી સોંપે છે?
૮ છેલ્લા ૫૦ વર્ષોમાં, આ “સરદારો” વધુ જાણીતા થયા છે. હાલમાં બીજાં ઘેટાંના “સરદારો” કે ‘રાજકર્તાને’ પ્રગતિ કરવા તાલીમ આપવામાં આવી રહી છે. જેથી મોટી વિપત્તિ પછી, તેઓમાંથી અનુભવી ભાઈઓ “નવી પૃથ્વી” પરની ગોઠવણમાં સેવા આપવાની જવાબદારી લેવા તૈયાર હોય. (હઝકીએલ ૪૪:૨, ૩, IBSI; ૨ પીતર ૩:૧૩) તેઓ રાજ્ય સેવામાં આગેવાની લે છે તેમ, આત્મિક માર્ગદર્શન અને તાજગી આપીને, તેઓ પોતે ‘વિશાળ ખડકની છાયા જેવા’ બને છે અને યહોવાહની ભક્તિ કરનારા લોકોને રાહત પૂરી પાડે છે.b
૯. આજે કઈ હાલત બતાવે છે કે ‘સરદારોની’ ખૂબ જરૂર છે?
૯ શેતાનના આ દુષ્ટ જગતના છેલ્લા દિવસોમાં, સમર્પિત ખ્રિસ્તીઓને ખરેખર રક્ષણની જરૂર છે. (૨ તીમોથી ૩:૧-૫, ૧૩) જૂઠા નીતિ-નિયમો અને કપટી શિક્ષણનો પવન જોરશોરથી ફૂંકાઈ રહ્યો છે. દેશોની વચ્ચે અને અંદરોઅંદર યુદ્ધોનું તોફાન ઊઠ્યું છે. તેમ જ, યહોવાહના વિશ્વાસુ સેવકો પર સતાવણી પણ લાવવામાં આવે છે. જગત પર ભયંકર આત્મિક દુકાળ આવી પડ્યો છે ત્યારે, આપણને ભેળસેળ વિનાના, શુદ્ધ સત્યના પાણીનાં ઝરણાંની ખૂબ જ જરૂર છે. જેથી, આપણે આત્મિક તરસ છીપાવી શકીએ. એ જ કારણે યહોવાહે વચન આપ્યું છે કે રાજા ઈસુ ખ્રિસ્ત, તેમના અભિષિક્ત ભાઈઓ અને બીજાં ઘેટાંના “સરદારો” દ્વારા મદદ પૂરી પાડશે. એ રીતે આ દુઃખી જગતમાં જરૂરી ઉત્તેજન અને માર્ગદર્શન પૂરું પાડશે. આમ, યહોવાહ જરૂર ન્યાયી અને નમ્ર લોકોને ટકાવી રાખશે.
આંખો, કાન અને દિલથી સાંભળવું
૧૦. યહોવાહે કઈ ગોઠવણ કરી છે, જેથી તેમના લોકો આત્મિક બાબતો ‘જુએ’ અને ‘સાંભળે’?
૧૦ યહોવાહની આ ગોઠવણ વિષે મોટા સમુદાયને કેવું લાગે છે? ભવિષ્યવાણી આગળ કહે છે: “જોનારની આંખો ઝાંખી થશે નહિ, ને સાંભળનારના કાન શ્રવણ કરશે.” (યશાયાહ ૩૨:૩) વર્ષો વીત્યા તેમ, યહોવાહ પોતાના વહાલા સેવકોને વધારે અનુભવી કરવા શિક્ષણ આપી રહ્યા છે. દેવશાહી સેવા શાળા અને બીજી સભાઓ આખી દુનિયામાં યહોવાહના સાક્ષીઓના મંડળોમાં ચાલી રહી છે; સરકીટ, ડિસ્ટ્રીક્ટ અને આંતરરાષ્ટ્રીય સંમેલનો ગોઠવવામાં આવે છે; તેમ જ ‘સરદારોને’ ખાસ તાલીમ આપવામાં આવે છે, જેથી તેઓ યહોવાહના લોકોની પ્રેમાળ સંભાળ રાખી શકે. આ સર્વનું પરિણામ લાખો ભાઈ-બહેનોનું બનેલું સંપીલું સંગઠન છે. આ ભાઈઓ દુનિયામાં ગમે ત્યાં હોય, જાણે કે તેઓના કાન બાઇબલના સત્યની સમજણ પ્રમાણે ફેરગોઠવણ કરવા ખુલ્લા હોય છે. તેઓનું હૃદય બાઇબલથી કેળવાયેલું છે. તેથી તેઓ હંમેશા ધ્યાનથી સાંભળીને એની સલાહ અમલમાં મૂકવા તૈયાર છે.—ગીતશાસ્ત્ર ૨૫:૧૦.
૧૧. હવે યહોવાહના લોકો શા માટે કોઈ શંકા વિના, પૂરા વિશ્વાસથી બોલે છે?
૧૧ પછી, ભવિષ્યવાણી કહે છે: “ઉતાવળિયાઓનાં મન જ્ઞાન સમજશે, ને બોબડાઓની જીભ સ્પષ્ટ બોલશે.” (યશાયાહ ૩૨:૪) ખરું શું છે અને ખોટું શું છે, એ વિષે કોઈએ કદી પણ ઉતાવળે નિર્ણય ન લેવો. બાઇબલ કહે છે: “જો બોલવે ઉતાવળો માણસ તારા જોવામાં આવે, તો તારે જાણવું કે તેના કરતાં કોઈ મૂર્ખ વિષે વધારે આશા રાખી શકાય.” (નીતિવચનો ૨૯:૨૦; સભાશિક્ષક ૫:૨) યહોવાહના લોકો પણ ૧૯૧૯ પહેલાં, બાબેલોની વિચારો ધરાવતા હતા. પરંતુ, એ જ વર્ષથી યહોવાહ તેઓને પોતાના હેતુઓ વિષે સ્પષ્ટ સમજણ આપી રહ્યા છે. આમ, તેઓ જોઈ શક્યા કે યહોવાહે ઉતાવળે નહિ, પણ સમજી વિચારીને સત્ય પ્રગટ કર્યું છે અને તેથી તેઓ હવે કોઈ શંકા વિના, પૂરા વિશ્વાસથી એ વિષે બોલી શકે છે.
“મૂર્ખ”
૧૨. આજે “મૂર્ખ” કોણ છે અને તેઓ કઈ રીતે ઉદાર નથી?
૧૨ યશાયાહની ભવિષ્યવાણી હવે તફાવત બતાવે છે: “મૂર્ખને કોઈ ખાનદાન કહેશે નથી, ને ધૂર્ત્ત ઉદાર કહેવાશે નહિ. કેમકે મૂર્ખ મૂર્ખાઈની જ વાત બોલશે.” (યશાયાહ ૩૨:૫, ૬ ક) આ “મૂર્ખ” કોણ છે? એનો જવાબ આપતા, દાઊદ બે વાર ભાર મૂકીને જણાવે છે: “મૂર્ખે પોતાના મનમાં માન્યું છે, કે દેવ છે જ નહિ.” (ગીતશાસ્ત્ર ૧૪:૧; ૫૩:૧) હા, નાસ્તિક વ્યક્તિ કહેશે કે યહોવાહ છે જ નહિ. હકીકતમાં, “વિદ્વાનો” અને પરમેશ્વરનો ડર નથી તેઓ પણ કહેશે કે યહોવાહ છે જ નહિ. એવા લોકોમાં સત્ય નથી. તેઓના હૃદયમાં ઉદારતા નથી. તેઓમાં પ્રેમનો સંદેશ નથી. સાચા ખ્રિસ્તીઓની સરખામણીમાં, તેઓ દુઃખી લોકોને મદદ પૂરી પાડવામાં ધીમા પડે છે, અથવા કંઈ જ મદદ આપતા નથી.
૧૩, ૧૪. (ક) કઈ રીતે આજે ધર્મત્યાગીઓ અન્યાય કરે છે? (ખ) ધર્મત્યાગીઓ ભૂખ્યા અને તરસ્યા લોકોથી શું રોકવાનો પ્રયત્ન કરે છે, પણ આખરી પરિણામ શું આવશે?
૧૩ ઘણા મૂર્ખોને એવા લોકો જરાય ગમતા નથી, જેઓ યહોવાહના સત્ય પ્રમાણે જીવે છે. “તે તેનું હૃદય અધર્મ કરવામાં, યહોવાહ વિષે ભૂલભરેલી વાત બોલવામાં . . . અન્યાય કરશે.” (યશાયાહ ૩૨:૬ ખ) આજના ધર્મત્યાગીઓ વિષે આ કેટલું ખરું છે! યુરોપ અને એશિયામાં અમુક દેશોમાં, ધર્મત્યાગીઓ સત્યના વિરોધીઓ સાથે જોડાઈ ગયા છે. તેઓ અધિકારીઓના મનમાં યહોવાહના લોકો વિષે જૂઠાણું ભરે છે, અને પ્રયત્ન કરે છે કે આપણું કામ બંધ થઈ જાય કે એના પર પ્રતિબંધ મૂકાય. તેઓ ‘ભૂંડા ચાકરનું’ વલણ બતાવે છે, જેના વિષે ઈસુએ ભાખ્યું: “જો કોઈ ભૂંડો ચાકર પોતાના મનમાં કહે, કે મારા ધણીને આવતાં વાર છે; અને બીજા ચાકરોને તે મારવા તથા છાકટાઓની સાથે ખાવાપીવા લાગે; તો જે દહાડે તે તેની વાટ જોતો નથી, ને જે ઘડી તે જાણતો નથી, તેવે વખતે તે ચાકરનો ધણી આવશે, ને તે તેને કાપી નાખશે, ને તેનો ભાગ ઢોંગીઓની સાથે ઠરાવશે; ત્યાં રડવુ ને દાંત પીસવું થશે.”—માત્થી ૨૪:૪૮-૫૧.
૧૪ એ સમય સુધી, ધર્મત્યાગીઓ “ભૂખ્યાઓનો જીવ અતૃપ્ત રાખવામાં, ને તરસ્યાઓનું પીવાનું બંધ કરવામાં” મંડ્યા રહે છે. (યશાયાહ ૩૨:૬ ગ) સત્યના દુશ્મનો સત્ય માટે ભૂખ્યા લોકોને આત્મિક ખોરાકથી અને તરસ્યાઓને રાજ્ય સંદેશાનું તાજગી આપનારું પાણી પીવાથી રોકવાનો પ્રયત્ન કરે છે. પરંતુ, આખરી પરિણામ તો આ આવશે, જે યહોવાહે પોતાના બીજા પ્રબોધકો દ્વારા જાહેર કર્યું: “તેઓ તારી સાથે યુદ્ધ કરશે; પણ તને હરાવશે નહિ; કેમકે તારો છૂટકારો કરવા માટે હું તારી સાથે છું, એવું યહોવાહ કહે છે.”—યિર્મેયાહ ૧:૧૯; યશાયાહ ૫૪:૧૭.
૧૫. આજે ખાસ કરીને “ધૂર્ત” કોણ છે, તેઓ કઈ ‘મિથ્યા વાતોને’ ઉત્તેજન આપે છે અને એનું શું પરિણામ આવે છે?
૧૫ વીસમી સદીની અધવચથી ખ્રિસ્તીરાષ્ટ્રના દેશોમાં અનૈતિકતા ફૂલી ફાલી છે. શા માટે? એક કારણ જણાવતા ભવિષ્યવાણી કહે છે: “ધૂર્ત્તનાં હથિયારો ભૂંડાં છે; તે, દરિદ્રી પોતાના વાજબી હકનું સમર્થન કરતો હોય, ત્યારે પણ, મિથ્યા વાતોથી ગરીબનો નાશ કરવા સારૂ દુષ્ટ યુક્તિઓ યોજે છે.” (યશાયાહ ૩૨:૭) આ શબ્દોની પરિપૂર્ણતા ખાસ કરીને ઘણા પાદરીઓમાં થાય છે, જેઓ લગ્ન પહેલાં જાતીય સંબંધ, લગ્ન કર્યા વિના સાથે રહેવું, સજાતીય સંબંધ, અરે સર્વ “વ્યભિચાર તથા સર્વ પ્રકારની મલિનતા” ચલાવી લે છે. (એફેસી ૫:૩) આમ, તેઓ પોતાના જૂઠા શિક્ષણથી પોતાના ટોળાનો ‘નાશ કરે છે.’
૧૬. સાચા ખ્રિસ્તીઓને શું કરવામાં આનંદ મળે છે?
૧૬ એના બદલે, પ્રબોધકના હવે પછીના શબ્દો પૂરા થવાથી કેવી તાજગી મળે છે! “ઉદાર ઉદારતા યોજે છે; અને ઉદારપણામાં તે સ્થિર રહેશે.” (યશાયાહ ૩૨:૮) ઈસુએ પોતે ઉદાર બનવાનું ઉત્તેજન આપતા કહ્યું હતું: “આપો ને તમને અપાશે; સારૂં માપ દાબેલું ને હલાવેલું તથા ઊભરાતું તમારા ખોળામાં તેઓ ઠાલવી દેશે. કેમકે જે માપથી તમે માપી આપો છો, તેથી તમને પાછું માપી આપવામાં આવશે.” (લુક ૬:૩૮) પ્રેષિત પાઊલે પણ ઉદાર બનવાના આશીર્વાદો વિષે જણાવતા કહ્યું હતું: ‘“લેવા કરતાં આપવામાં વધારે ધન્યતા છે” એ પ્રભુ ઈસુનું વચન જે તેણે પોતે કહ્યું છે, એ તમારે યાદ રાખવું જોઈએ.’ (પ્રેરિતોનાં કૃત્યો ૨૦:૩૫) સાચા ખ્રિસ્તીઓ આજે ધનદોલત કે ઊંચી પદવી મેળવીને નહિ, પણ ઉદાર બનીને ખુશ રહે છે. એમાં તેઓ યહોવાહનું અનુકરણ કરે છે, જે ઉદાર છે. (માત્થી ૫:૪૪, ૪૫) તેઓને યહોવાહની ઇચ્છા પૂરી કરવામાં આનંદ મળે છે. તેથી, તેઓ “સ્તુત્ય દેવના મહિમાની સુવાર્તા” બીજાઓને જણાવવા ઉદારતાથી પોતાને ખર્ચે છે.—૧ તીમોથી ૧:૧૧.
૧૭. યશાયાહે જણાવેલી “બેદરકાર દીકરીઓ” જેવા આજે કોણ છે?
૧૭ યશાયાહની ભવિષ્યવાણી આગળ કહે છે: “સુખવાસી સ્ત્રીઓ, ઊઠો, મારી વાણી સાંભળો; બેદરકાર દીકરીઓ, મારાં વચનો તરફ કાન દો. હે બેદરકાર સ્ત્રીઓ, એક વર્ષ ઉપરાંત કેટલાક દિવસો પછી તમે ધૂજશો; કેમકે દ્રાક્ષાની ઉપજ બંધ થશે, ને એકઠું કરવાની વેળા આવશે નહિ. સુખવાસી સ્ત્રીઓ, કાંપો; બેદરકાર રહેનારીઓ, ધૂજો.” (યશાયાહ ૩૨:૯-૧૧ ક) આ સ્ત્રીઓનું વલણ આપણને આજે એવા લોકોની યાદ આપે છે, જેઓ યહોવાહની ભક્તિ કરવાનો દાવો તો કરે છે પણ તેમની સેવામાં ઉત્સાહી નથી. તેઓ ‘મહાન બાબેલોન, વેશ્યાની માતાના’ ધર્મોમાં મળી આવે છે. (પ્રકટીકરણ ૧૭:૫) દાખલા તરીકે, ખ્રિસ્તીરાષ્ટ્રના ધર્મો એ “સ્ત્રીઓ” જેવા જ છે, જેઓનું યશાયાહ વર્ણન કરે છે. તેઓ પર જલદી જ આવી પડનાર ન્યાયચુકાદા વિષે તેઓ “બેદરકાર,” બેપરવા બની ગયા છે.
૧૮. “કમર પર તાટ બાંધો,” એમ કોને કહેવામાં આવ્યું અને શા માટે?
૧૮ તેથી, જૂઠા ધર્મોને હવે કહેવામાં આવે છે: “વસ્ત્રો કાઢીને નાગી થાઓ, ને કમર પર તાટ બાંધો. આનંદદાયક ખેતરને માટે તથા ફળદાયક દ્રાક્ષાવેલાને માટે તેઓ છાતી કુટવાની છે. મારા લોકની ભૂમિ પર કાંટા તથા ઝાંખરાં ઊગી નીકળશે; ઉલ્લાસી નગરનાં સર્વ આનંદી ઘર પર તેઓ ઊગશે.” (યશાયાહ ૩૨:૧૧ ખ-૧૩) “વસ્ત્રો કાઢીને નાગી થાઓ” એ શબ્દો એમ નથી બતાવતા કે બધા જ વસ્ત્રો કાઢી નાખવા. એ જમાનામાં અંદરના કપડાં ઉપર ઝભ્ભો પહેરવાનો રિવાજ હતો. એ ઝભ્ભો મોટે ભાગે વ્યક્તિની ઓળખ આપતો હતો. (૨ રાજાઓ ૧૦:૨૨, ૨૩; પ્રકટીકરણ ૭:૧૩, ૧૪) તેથી, ભવિષ્યવાણી જૂઠા ધર્મોના સભ્યોને તેઓનો ઝભ્ભો ઊતારી નાખવા કહે છે, જે યહોવાહના સેવકો તરીકે તેઓની બનાવટી ઓળખ છે. તેમ જ, તેઓને તાટ બાંધવાનું કહેવામાં આવ્યું, જે તેઓના જલદી જ આવનાર વિનાશના શોકની નિશાની છે. (પ્રકટીકરણ ૧૭:૧૬) પરમેશ્વરનું ‘ઉલ્લાસી નગર’ હોવાનો દાવો કરનાર ખ્રિસ્તીરાષ્ટ્રના ધાર્મિક સંગઠનોમાં કે જૂઠા ધર્મોના જગત સામ્રાજ્યના બાકીના સભ્યોમાં, યહોવાહના કોઈ ગુણો દેખાઈ આવતા નથી. તેઓના કાર્યો તો બસ “કાંટા તથા ઝાંખરાં,” નિષ્કાળજી અને ઉજ્જડપણામાં જ પરિણમે છે.
૧૯. યશાયાહે ધર્મત્યાગી ‘યરૂશાલેમની’ હાલતનું કેવું વર્ણન કર્યું?
૧૯ ધર્મત્યાગી ‘યરૂશાલેમના’ સર્વ ભાગોમાં આ નિરાશાનું વાતાવરણ છવાઈ જાય છે: “રાજમહેલનો ત્યાગ કરવામાં આવશે; વસ્તીવાળુ નગર ઉજ્જડ થશે; ટેકરી તથા બુરજ સર્વકાળ સુધી કોતર જેવાં, રાની ગધેડાંના આનંદનું સ્થાન, અને ઘેટાંનું ચરણ થશે.” (યશાયાહ ૩૨:૧૪) હા, ‘ટેકરીનો’ પણ સમાવેશ થાય છે. યરૂશાલેમમાં “ટેકરી” એવી ઊંચી જગ્યા હતી, જ્યાંથી સારી રીતે લડીને રક્ષણ કરી શકાતું હતું. હવે, જો એમ કહેવામાં આવે કે એ “ટેકરી” કોતર જેવી થઈ જશે, તો એ બતાવે છે કે શહેરનો પૂરેપૂરો વિનાશ થશે. યશાયાહના શબ્દો બતાવે છે કે ધર્મત્યાગી “યરૂશાલેમ” એટલે કે ખ્રિસ્તીરાષ્ટ્ર, યહોવાહની ઇચ્છા પૂરી કરવા ખંતીલું રહ્યું નથી. તે આત્મિક રીતે ઉજ્જડ થઈ ગયું છે, જંગલી પ્રાણી જેવું બની ગયું છે, જેને સત્ય અને ન્યાયનું કશું જ ભાન નથી.
અદ્ભુત તફાવત!
૨૦. યહોવાહે પોતાનો આત્મા તેમના લોકો પર રેડ્યો એની શું અસર થઈ છે?
૨૦ હવે યહોવાહની ઇચ્છા પૂરી કરનારાઓ માટે, યશાયાહ દિલ ખુશ કરી નાખતી આશા આપે છે. યહોવાહના લોકોને કોઈ નુકસાન થયું હોય તો, એ કાયમ નહિ રહે. પરંતુ, “જ્યાં સુધી કે ઉપરથી આત્મા આપણા પર રેડાય, અને અરણ્ય ફળવંત વાડી થાય, ને ફળવંત વાડી વન સમાન ગણાય ત્યાં સુધી એમ થશે.” (યશાયાહ ૩૨:૧૫) ખુશીની વાત એ છે કે ૧૯૧૯થી યહોવાહે પોતાના લોકો પર પુષ્કળ પ્રમાણમાં પવિત્ર આત્મા રેડ્યો છે. જાણે કે તેમના અભિષિક્ત સાક્ષીઓને ફળવંત વાડી બનાવી દીધા છે, જે બીજાં ઘેટાંનું વધતું જતું વન બની છે. આજે પૃથ્વી પર તેમના સંગઠનમાં જ્યાં જુઓ ત્યાં વધારોને વધારો જ દેખાય છે. તેમના લોકો આત્મિક સુખ પાછુ મેળવીને “યહોવાહનું ગૌરવ, આપણા દેવનો વૈભવ” બતાવે છે. આમ, તેઓ આખી દુનિયામાં આવનાર રાજ્યનો પ્રચાર કરી રહ્યા છે.—યશાયાહ ૩૫:૧, ૨.
૨૧. આજે ન્યાયીપણું, શાંતિ અને સલામતી ક્યાં જોવા મળે છે?
૨૧ હવે, યહોવાહનું ભવ્ય વચન ધ્યાનથી સાંભળો: “પછી ઈન્સાફ અરણ્યમાં વસશે, ને ન્યાયીપણું ફળવંત વાડીમાં વસ્તી કરશે. ન્યાયીપણાનું કામ શાંતિ; ન્યાયીપણાનું પરિણામ સર્વકાળનો વિશ્રામ તથા નિર્ભયતા થશે.” (યશાયાહ ૩૨:૧૬, ૧૭) આજે આ યહોવાહના લોકોની આત્મિક પરિસ્થિતિને કેટલી સારી રીતે બંધબેસે છે! આપણે જગતમાં જોઈએ તો મોટા ભાગે લોકો ધિક્કાર, હિંસા અને આત્મિક રીતે કંગાળ હાલતમાં દુઃખી છે. જ્યારે કે સાચા ખ્રિસ્તીઓ આખી દુનિયામાં હળીમળીને રહે છે, ભલે તેઓ “સર્વ દેશોમાંથી આવેલા, સર્વ કુળના, લોકના તથા ભાષાના” લોકો છે. તેઓ યહોવાહના ન્યાયીપણાની સુમેળમાં જીવે છે, સેવા કરે છે અને તેમની ભક્તિ કરે છે. તેમ જ, તેઓને ખાતરી છે કે એમ કરવાથી તેઓ આખરે સાચી શાંતિ અને સલામતીનો હંમેશ માટે આનંદ માણી શકશે.—પ્રકટીકરણ ૭:૯, ૧૭.
૨૨. યહોવાહના લોકો અને જૂઠા ધર્મના લોકોની હાલતમાં શું તફાવત છે?
૨૨ આજે યહોવાહના સંગઠનમાં યશાયાહ ૩૨:૧૮નું વચન પૂરું થઈ રહ્યું છે, જે કહે છે: “મારા લોક શાંતિના સ્થાનમાં, નિર્ભય આવાસોમાં તથા સ્વસ્થ વિશ્રામસ્થાનોમાં રહેશે.” પરંતુ, કહેવાતા ખ્રિસ્તીઓ માટે તો “વન પડતી વેળાએ કરા પડશે; અને નગર જમીનદોસ્ત કરવામાં આવશે.” (યશાયાહ ૩૨:૧૯) હા, જાણે કરાના તોફાની વાવાઝોડાની જેમ, યહોવાહનું ન્યાયકરણ જૂઠા ધર્મના નકલી શહેર પર આવી પડશે, અને એને સાથ આપનારાના ‘વનનો’ હંમેશને માટે વિનાશ કરવામાં આવશે!
૨૩. આખી દુનિયામાં થઈ રહેલું કયું કાર્ય પૂરું થવાની તૈયારી છે, અને એમાં ભાગ લેનારાને કેવા ગણવામાં આવે છે?
૨૩ આ ભવિષ્યવાણી આમ સમાપ્ત થાય છે: “તમે જેઓ સર્વ પાણીની પાસે વાવો છો, ને બળદ તથા ગધેડાને છૂટથી ફરવા મોકલો છો તે તમને ધન્ય છે.” (યશાયાહ ૩૨:૨૦) બળદ અને ગધેડો મહેનતું પ્રાણીઓ છે, જેનો ઉપયોગ પરમેશ્વરના અગાઉના લોકો ખેતીવાડીમાં કરતા હતા. આજે, યહોવાહના લોકો છાપકામના સાધનો, ઇલેક્ટ્રોનિક સાધનો, આધુનિક બાંધકામ અને વાહન વ્યવહારનો ઉપયોગ કરે છે. તેમ જ, તેઓનું સંપીલું દેવશાહી સંગઠન છે, જે બાઇબલ આધારિત અબજો પ્રકાશનો છાપીને વહેંચે છે. સ્વેચ્છાએ કામ કરનારા આ સાધનોનો ઉપયોગ કરીને, રાજ્ય વિષેના સત્યના બી આખી પૃથ્વી પર, શાબ્દિક રીતે “સર્વ પાણીની પાસે” વાવે છે. યહોવાહને ખુશ કરનારા લાખો સ્ત્રી-પુરુષોની ફસલ ભેગી કરવામાં આવી ચૂકી છે, અને હજુ તો મોટી સંખ્યામાં લોકો આવવાના બાકી છે. (પ્રકટીકરણ ૧૪:૧૫, ૧૬) ખરેખર, તેઓ સર્વને “ધન્ય” છે!
[ફુટનોટ્સ]
a યશાયાહ ૩૨:૧માં જણાવેલા “રાજા” કદાચ પહેલી પરિપૂર્ણતામાં રાજા હિઝકીયાહને લાગુ પડતું હશે. પરંતુ, યશાયાહનો ૩૨મો અધ્યાય મોટે ભાગે રાજા, ખ્રિસ્ત ઈસુને લાગુ પડે છે.
b વૉચટાવર બાઇબલ ઍન્ડ ટ્રેક્ટ સોસાયટીએ બહાર પાડેલું માર્ચ ૧, ૧૯૯૯નું ચોકીબુરજ, પાન ૧૩-૧૮ જુઓ.
[પાન ૩૩૧ પર ચિત્રો]
મૃત સરોવરના વીંટાઓમાં, યશાયાહના ૩૨મા અધ્યાયમાં આ નિશાન છે, “X”
[પાન ૩૩૩ પર ચિત્રો]
દરેક ‘સરદાર’ વાયુથી સંતાવાની જગ્યા, તોફાનમાં આશરો, રણમાં પાણી અને સૂર્યના તાપમાં છાયા જેવા છે
[પાન ૩૩૮ પર ચિત્ર]
ખ્રિસ્તીઓ બીજાઓને રાજ્યનો સંદેશ જણાવીને બહુ જ ખુશ થાય છે