‘દેહમાંનો કાંટો’ સહન કરવો
“તારે વાસ્તે મારી કૃપા બસ છે.”—૨ કોરીંથી ૧૨:૯.
“જેઓ ખ્રિસ્ત ઈસુમાં ભક્તિભાવથી ચાલવા ઇચ્છે છે, તેઓ સઘળા પર સતાવણી થશે જ.” (૨ તીમોથી ૩:૧૨) શા માટે એમ બનશે? એની જડ શેતાન છે, જે કોઈ પણ હિસાબે સાબિત કરવા માંગે છે કે આપણે યહોવાહ પરમેશ્વરની ભક્તિ ફક્ત સ્વાર્થને કારણે કરીએ છીએ. ઈસુએ પોતાના પ્રેષિતોને એમ પણ કહ્યું હતું કે “શેતાને ઘઉંની પેઠે ચાળવા સારૂ તમને કબજે લેવા માગ્યા.” (લુક ૨૨:૩૧) ઈસુ સારી રીતે જાણતા હતા કે યહોવાહે પરવાનગી આપી છે કે શેતાન મુશ્કેલીઓ દ્વારા આપણી કસોટી કરે. એનો અર્થ એવો નથી કે જીવનમાં આવતી દરેક મુશ્કેલીઓ શેતાન કે એના ચેલાઓ લાવે છે. (સભાશિક્ષક ૯:૧૧) પરંતુ, શેતાન આપણી વફાદારી તોડવા બનતું બધું જ કરે છે.
૨ બાઇબલ જણાવે છે કે આપણે કસોટીઓ સામે હિંમત ન હારીએ. આપણા પર ગમે એ આવી પડે, એ કંઈ નવું નથી. (૧ પીતર ૪:૧૨) હકીકત તો એ છે કે ‘પૃથ્વી પરના આપણા ભાઈઓ પર એજ પ્રકારનાં દુઃખો પડે છે.’ (૧ પીતર ૫:૯) આજે યહોવાહના દરેક સેવકો પર શેતાન સખત દબાણ લાવી રહ્યો છે. સખત પીડા આપનાર કાંટા જેવા ઘણા દુઃખોને કારણે આપણને રિબાતા જોવાની શેતાનને મઝા આવે છે. તેથી, તે પોતાના જગતનો એવા સાધન તરીકે ઉપયોગ કરે છે, જેનાથી ‘દેહમાંના કાંટા’ આપણને વધારે દુઃખી કરે. (૨ કોરીંથી ૧૨:૭) તેમ છતાં, શેતાનની આ ચાલાકી સામે આપણે હિંમત હારવાની કોઈ જરૂર નથી. આપણે પરીક્ષણો સહન કરી શકીએ, એ માટે યહોવાહ “છૂટકાનો માર્ગ” રાખે છે. એ જ રીતે, દેહમાંના કાંટાનું દુઃખ સહી શકીએ, એ કારણે પણ યહોવાહ મદદ કરશે.—૧ કોરીંથી ૧૦:૧૩.
કઈ રીતે “કાંટો” સહન કરવો
૩ પ્રેષિત પાઊલે યહોવાહ પાસે ભીખ માંગી પોતાના દેહમાંનો કાંટો દૂર કરે ભીખ માંગી. “તે મારી પાસેથી દૂર જાય એ બાબત વિષે મેં ત્રણવાર પ્રભુની પ્રાર્થના કરી.” પાઊલની આ પ્રાર્થનાનો યહોવાહે કઈ રીતે જવાબ આપ્યો? “તારે વાસ્તે મારી કૃપા બસ છે; કેમકે મારૂં સામર્થ્ય નિર્બળતામાં સંપૂર્ણ થાય છે.” (૨ કોરીંથી ૧૨:૮, ૯) ચાલો આપણે એના પર વિચાર કરીએ કે આપણને દુઃખી કરતી, કાંટા જેવી મુશ્કેલીઓ સહન કરવા એમાંથી કઈ મદદ મળી શકે.
૪ યહોવાહે પાઊલને ઉત્તેજન આપ્યું, કે ખ્રિસ્ત દ્વારા તેને જે અપાર કૃપા બતાવવામાં આવી એ પૂરતી હતી. ખરું જોતાં, પાઊલને ઘણા આશીર્વાદો મળ્યા હતા. ભલે તે ઈસુના શિષ્યોનો કટ્ટર વિરોધી હતો છતાં, યહોવાહે તેને શિષ્ય બનવાની તક આપી. (પ્રેરિતોનાં કૃત્યો ૭:૫૮; ૮:૩; ૯:૧-૪) એ પછી, યહોવાહે પાઊલને ઘણા મોટા કામો અને જવાબદારીઓ આપી. આપણે એમાંથી એક બાબત સ્પષ્ટ શીખી શકીએ છીએ. ભલે ગમે એવી મુશ્કેલીમાં હોઈએ છતાં, આપણને એવા ઘણા આશીર્વાદો મળ્યા છે, જેની કદર કરવી જોઈએ. આપણી કસોટીઓમાં પણ, યહોવાહે બતાવેલી ભલાઈ કદી ભૂલવી ન જોઈએ.—ગીતશાસ્ત્ર ૩૧:૧૯.
૫ બીજી એક રીતે પણ યહોવાહની અપાર કૃપા પૂરતી સાબિત થાય છે. યહોવાહની શક્તિ આપણી મુશ્કેલીઓમાં મદદ કરવા, આપણે ધારીએ એ કરતાં ઘણું કરી શકે છે. (એફેસી ૩:૨૦) યહોવાહે પાઊલને શીખવ્યું કે તેમની શક્તિ “નિર્બળતામાં સંપૂર્ણ થાય છે.” એમ કઈ રીતે બને છે? યહોવાહે પોતાના પ્રેમને કારણે પાઊલને તેની કસોટીઓ સહન કરવા જોઈતી હિંમત આપી. આમ, પાઊલે સહન કરેલા દુઃખો અને યહોવાહમાં તેનો પૂરો ભરોસો બતાવી આપતા હતા કે એ નિર્બળ અને પાપી મનુષ્યમાં યહોવાહની શક્તિ વિજય પામી રહી હતી. હવે શેતાન પર એની શું અસર થાય છે એ વિચારો. તે દાવો કરે છે કે યહોવાહના ભક્તો સુખ-ચેનથી અને કોઈ તકલીફો વગર જીવતા હોય, ત્યારે જ યહોવાહની સેવા કરે છે. પાઊલની વફાદારીથી એ એકદમ જૂઠું સાબિત થયું અને એનાથી જાણે શેતાનનું નાક કપાયું!
૬ પાઊલ એક સમયે પરમેશ્વરના કટ્ટર દુશ્મન, શેતાનની સાથે હતો. તે ખ્રિસ્તીઓને સતાવવામાં ગર્વ લેતો, ઉત્સાહી ફરોશી હતો. વળી, તેનો જન્મ ધનવાન કુટુંબમાં થયો હોવાથી, તેનું જીવન જરૂર એશઆરામી હશે. પરંતુ, હવે પાઊલ ‘પ્રેરિતોમાં સર્વેથી નાના’ તરીકે યહોવાહ અને ઈસુ ખ્રિસ્તની સેવા કરી રહ્યા હતા. (૧ કોરીંથી ૧૫:૯) એ રીતે, તેમણે પહેલી સદીના નિયામક જૂથના હાથ નીચે કામ કરીને નમ્રતા બતાવી. તેમ જ, દેહમાંનો કાંટો હોવા છતાં, તે વફાદાર હતા. શેતાને ભલે આકાશ-પાતાળ એક કરી નાખ્યું, પણ જીવનની મુશ્કેલીઓથી પાઊલનો ઉત્સાહ ઠંડો પડી ગયો નહિ. વળી, પાઊલે ખ્રિસ્ત સાથે સ્વર્ગના રાજમાં ભાગીદાર થવાની આશા પરથી પોતાની નજર ખસેડી નહિ. (૨ તીમોથી ૨:૧૨; ૪:૧૮) ભલે ગમે એટલું સહન કરવું પડ્યું, છતાં કોઈ પણ પ્રકારનો કાંટો તેના ઉત્સાહને ઠંડો પાડી શક્યો નહિ. એ જ રીતે આપણે મહેનત કરીએ કે આપણો ઉત્સાહ પણ વધતો જ જાય! યહોવાહ આપણને ટકાવી રાખીને અજોડ તક આપે છે, જેથી શેતાનને જૂઠો સાબિત કરવામાં મદદ કરી શકીએ.—નીતિવચનો ૨૭:૧૧.
યહોવાહની મદદ
૭ આજે યહોવાહ વિશ્વાસુ ખ્રિસ્તીઓને પોતાના પવિત્ર આત્મા, બાઇબલ અને ખ્રિસ્તી ભાઈ-બહેનો દ્વારા શક્તિમાન કરે છે. પ્રેષિત પાઊલની જેમ આપણે પણ પ્રાર્થનામાં આપણો બોજો યહોવાહ પર નાખી દઈએ. (ગીતશાસ્ત્ર ૫૫:૨૨) ખરું કે યહોવાહ આપણી કસોટીઓ દૂર નહિ કરે, પણ તેઓને સહન કરવા જરૂરી મદદ પૂરી પાડશે, ભલેને એ ગમે એટલી મુશ્કેલ હોય. હા, યહોવાહ આપણને સહન કરવાની શક્તિ આપીને ઘણા હિંમતવાન કરશે.—૨ કોરીંથી ૪:૭.
૮ આપણે કઈ રીતે એવી મદદ મેળવી શકીએ? આપણે બાઇબલનું ઊંડું જ્ઞાન લઈએ, જેમાં યહોવાહનો દિલાસો મળશે. (ગીતશાસ્ત્ર ૯૪:૧૯) આપણે બાઇબલમાંથી યહોવાહના સેવકોની એવી પ્રાર્થનાઓ વાંચીએ છીએ, જે દિલને સ્પર્શી જાય છે. એ પ્રાર્થનાઓનો યહોવાહે કઈ રીતે જવાબ આપ્યો, એના પર મનન કરવા જેવું છે, જેમાંથી આપણને દિલાસો મળશે. બાઇબલનો ઊંડો અભ્યાસ કરવાથી આપણને એવી મદદ મળશે, જેનાથી આપણે જોઈ શકીશું કે એ મદદ અને હિંમત જેવી-તેવી નહિ, પણ યહોવાહ પાસેથી મળી છે. આપણને પોષણ અને શક્તિ માટે દરરોજ ખાવું પડે છે તેમ, આપણે નિયમિત રીતે બાઇબલ વાંચીને મનન કરવું જોઈએ. શું આપણે એમ કરીએ છીએ? એમ હોય તો, આપણે જોઈ શકીશું કે યહોવાહની શક્તિ આપણને ગમે એવા કાંટા જેવી મુશ્કેલીઓ સહન કરવા મદદ કરશે.
૯ યહોવાહના માર્ગે ચાલનારા વડીલો દુઃખોના “વાયુથી સંતાવાની જગા” જેવા અને મુશ્કેલીઓના ‘તોફાનથી ઓથા જેવા’ સાબિત થઈ શકે. એવા બનવા માટે વડીલો યહોવાહ પાસે સાચા દિલથી માંગી શકે કે તેઓને નમ્રતા અને “ભણેલાની જીભ” મળે. જેથી, દુઃખી લોકોને શું કહેવું અને કઈ રીતે કહેવું એ તેઓ જાણે. વડીલોના શબ્દો ઝરમર ઝરમર વરસતા વરસાદ જેવા બની શકે, જે જીવનના મુશ્કેલ સમયમાં આપણા જીવને ઠંડક આપી શકે. વડીલો દિલાસો આપતા શબ્દોથી પોતાના ભાઈ-બહેનોને ખરેખર હિંમત આપી શકે, જેઓ જીવનના અમુક કાંટાને લીધે કંટાળી કે થાકી ગયા હોય શકે.—યશાયાહ ૩૨:૨; ૫૦:૪; ૧ થેસ્સાલોનીકી ૫:૧૪.
૧૦ યહોવાહના બધા જ સેવકો તેમના ખ્રિસ્તી કુટુંબનો એક ભાગ છે. આપણે “અરસપરસ એકબીજાના અવયવો છીએ,” તેથી “આપણે પણ એકબીજા પર પ્રેમ રાખવો જોઈએ.” (રૂમી ૧૨:૫; ૧ યોહાન ૪:૧૧) આપણે આ ફરજ કઈ રીતે બજાવીએ છીએ? આપણા ખ્રિસ્તી ભાઈ-બહેનોના “સુખદુઃખમાં ભાગ લેનારાં, ભાઈઓ પર પ્રીતિ રાખનારાં, કરુણાળુ તથા નમ્ર” બનીને આપણે એમ કરી શકીએ. (૧ પીતર ૩:૮) ભલે નાના હોય કે મોટા, જો કોઈ દેહમાંના કાંટાનું દુઃખ સહન કરતા હોય, તો તેઓને આપણે સર્વએ ખાસ ઉત્તેજન આપવું જોઈએ. કઈ રીતે એમ કરી શકીએ?
૧૧ તેઓને દુઃખના કારણે થતી લાગણીઓ સમજવાનો આપણે પ્રયત્ન કરવો જોઈએ. આપણે એમ નહિ કરીએ અને તેમની લાગણી પ્રત્યે ઠંડા હોઈશું તો, એકબીજાને સમજી નહિ શકીએ. તેમ જ, અજાણે તેમના દુઃખો વધારીશું. તેમના દુઃખોથી જાણકાર હોવાથી, આપણે જે કંઈ કહીએ, કરીએ કે જે રીતે વર્તીએ, એમાં બહુ જ સાવધાની રાખીશું. આપણે હંમેશા સારી વાતો કરીને ઉત્તેજન આપીશું તો તેમના દુઃખમાં રાહત મળશે. આમ, આપણે તેઓ માટે દિલાસારૂપ સાબિત થઈશું.—કોલોસી ૪:૧૧.
સહન કરવામાં સફળ થયેલા
૧૨ આપણે આ છેલ્લા દિવસોના અંતમાં જીવીએ છીએ તેમ, “દુઃખો” દરરોજ વધતા જાય છે. (માત્થી ૨૪:૮) તેથી, પૃથ્વી પરના દરેક જણને કસોટીઓ તો આવવાની જ છે. પરંતુ યહોવાહના વિશ્વાસુ સેવકોને વધારે આવે છે, કેમ કે તેઓ યહોવાહની ઇચ્છા પૂરી કરવા ચાહે છે. દાખલા તરીકે, એક ખ્રિસ્તી બહેનનો વિચાર કરો જે મોટા ભાગનો સમય પ્રચાર કાર્ય કરતી હતી. તેને કેન્સર થયું અને ઑપરેશન કરવું પડ્યું. તેની લાળ અને લસિકા ગ્રંથિઓ કાઢી નાખવી પડી. તેને અને તેના પતિને જ્યારે ખબર પડી કે તેને આ રોગ થયો છે, ત્યારે તરત જ તેઓએ લાંબી, કાલાવાલા કરતી પ્રાર્થનામાં યહોવાહ પાસે મદદ માંગી. તેણે પછીથી જણાવ્યું કે તેઓ પર જાણે યહોવાહની શાંતિ છવાઈ ગઈ. તેમ છતાં, તેણે ઘણી ચડતી અને પડતી સહન કરવી પડી, કેમ કે તેની સારવારની આડી અસર પણ થતી હતી.
૧૩ આ બહેને પોતાના સંજોગો સહન કરવા, એ કેન્સર વિષે બની શકે એટલું શીખવાનો પ્રયત્ન કર્યો. તેણે પોતાના ડૉક્ટર સાથે સારો સંપર્ક રાખ્યો. વૉચટાવર, અવેક! અને આપણાં બીજા પ્રકાશનોમાંથી, તેણે એવા અનુભવો શોધી કાઢ્યા, જે આવી બીમારી સહન કરનારા ભાઈ-બહેનો વિષે જણાવતા હતા. તેમ જ, બાઇબલની એવી કલમો શોધી કાઢી, જે બતાવતી હતી કે યહોવાહ પોતાના લોકોને કઈ રીતે મુશ્કેલ સમયમાં ટકાવી રાખે છે. વળી, તેણે એ બીમારીને લગતી બીજી મદદરૂપ માહિતી પણ શોધી કાઢી.
૧૪ નિરાશા સહન કરવા વિષેના એક લેખમાં આ શબ્દો હતા: “જે જુદો પડે છે તે પોતાની ઈચ્છા સાધવા મથે છે.” (નીતિવચનો ૧૮:૧) તેથી, આ લેખની સલાહ હતી: “એકલા ન પડો.”a એ બહેને જણાવ્યું: “ઘણાએ મને કહ્યું કે તેઓ મારા માટે પ્રાર્થના કરતા હતા અને બીજાઓએ મને ફોન કર્યો. બે વડીલો નિયમિત ફોન કરીને ખબર-અંતર પૂછતા હતા. મને ફૂલો અને ઢગલાબંધ કાર્ડ મળ્યા. અરે ઘણા તો ભોજન તૈયાર કરી લાવ્યા. ઘણાએ મને સારવાર માટે લઈ જવા-આવવા મદદ કરી.”
૧૫ અમેરિકાના ન્યૂ મૅક્સિકોમાં એક બહેન લાંબા સમયથી યહોવાહની સેવિકા હતી, તેને ઍકિસડન્ટ થયો. તેની ડોક અને ખભામાં વાગ્યું. એનાથી તેના સંધિવાના એટલે આરથ્રાઇટિસના દુઃખમાં હજુ વધારો થયો, જે તે પચ્ચીસ વર્ષથી સહી રહી છે. તે જણાવે છે: “મારું માથું ઊંચું રાખવામાં મને ખૂબ મુશ્કેલી પડતી અને હું બે કિલોથી વધારે વજન ઊંચકી શકતી નહિ. પરંતુ, યહોવાહને કરેલી પ્રાર્થનાઓ મને ટકાવી રાખે છે. તેમ જ, આપણે વૉચટાવરમાંથી અભ્યાસ કરીએ છીએ એ લેખો પણ મને ખૂબ મદદ કરે છે. એમાંના એક લેખે મીખાહ ૬:૮ની ચર્ચા કરી. એમાં સમજણ આપી હતી કે યહોવાહ સાથે નમ્રતાથી ચાલવાનો અર્થ થાય, પોતાની મર્યાદા જાણવી. એનાથી મારા સંજોગોમાં મને ખૂબ જ મદદ મળી. ભલે હું ચાહું એટલું સેવાકાર્ય કરી શકતી નથી, પણ મારે નિરાશ થવું ન જોઈએ. મારા માટે મહત્ત્વનું તો એ છે કે હું યહોવાહની સાચા દિલથી ભક્તિ કરું.”
૧૬ તેમણે એ પણ જણાવ્યું કે “સભામાં અને પ્રચાર કાર્યમાં જવાના મારા પ્રયત્નોની વડીલો હંમેશા પ્રશંસા કરતા. બાળકો આવીને મને ભેટતા. પ્રચાર કાર્યમાં પાયોનિયર ભાઈ-બહેનો મારી સાથે ધીરજથી વર્તતા અને મને સારું ન હોય તો પોતે બીજી કોઈ ગોઠવણ કરી લેતા. મોસમ સારી ન હોય ત્યારે, તેઓ મને રસ ધરાવનારની મુલાકાતે અથવા તેઓ સાથે બાઇબલની ચર્ચા કરનારને ત્યાં લઈ જતા. તેમ જ, હું વજન ઊંચકી ન શકતી, એટલે જે ભાઈ-બહેન સાથે પ્રચારમાં જતી, તેઓ પોતાની બૅગમાં મારું સાહિત્ય ઊંચકી લેતા.”
૧૭ તમે જોયું કે વડીલો અને બીજા ભાઈ-બહેનોએ આ બે બહેનોને કાંટા જેવી બીમારીઓ સહન કરવા કેવી મદદ કરી. તેઓએ જેની જરૂર હતી એ ખાસ આત્મિક, દૈહિક અને લાગણીમય જરૂરિયાતો પૂરી પાડી. શું એનાથી તમને ઉત્તેજન મળતું નથી કે મુશ્કેલી સહન કરતા ભાઈ-બહેનોને તમે સહાય આપો? યુવાનો, તમે પણ તમારા મંડળમાં મુશ્કેલી સહન કરી રહેલાને ઘણી મદદ આપી શકો છો.—નીતિવચનો ૨૦:૨૯.
૧૮ ચોકીબુરજ અને સજાગ બનો! મેગેઝિનોમાં ભાઈ-બહેનોના ઘણા અનુભવો આપવામાં આવ્યા છે, જેઓએ જીવનની ઘણી મુશ્કેલી સહન કરી છે અને હજુ કરે છે. તમે એવા લેખો નિયમિત વાંચો તેમ, તમે જોશો કે દુનિયામાં આપણા ઘણા ભાઈ-બહેનોએ પૈસાની તંગી વેઠી છે, આફતોમાં પ્રિયજનોને ગુમાવ્યા છે અને યુદ્ધોમાં જીવ્યા છે. વળી બીજાઓ ઘણી રીતે લાચાર બનાવતી બીમારીઓ સહે છે. તેમ જ, મોટે ભાગે ચપટી વગાડતા થઈ શકે, એવી નાની-નાની બાબતો પણ ઘણા કરી શકતા નથી. બીમારી તેઓ પર આકરી કસોટીઓ લાવે છે. એમાં ખાસ કરીને તેઓ પ્રચાર કાર્યમાં જ્યારે ભાગ લઈ શકતા નથી, ત્યારે એ તેઓ માટે ખૂબ અઘરું હોય છે. તેઓ પોતાના ભાઈ-બહેનો, નાના કે મોટા બધાની મદદ અને ઉત્તેજનની ખૂબ જ કદર કરે છે!
સહન કરવાથી મળતો આનંદ
૧૯ યહોવાહે કરેલી મદદથી પાઊલને ઘણી ખુશી મળી. તેમણે કહ્યું: “ખ્રિસ્તનું પરાક્રમ મારા પર આવી રહે, એ સારૂ ઊલટું હું ઘણી ખુશીથી મારી નિર્બળતા વિષે અભિમાન કરીશ. એ માટે નિર્બળતામાં, અપમાન સહન કરવા, તંગીમાં, સતાવણીમાં અને સંકટમાં, ખ્રિસ્તની ખાતર હું આનંદ માનું છું; કેમકે જ્યારે હું નિર્બળ છું, ત્યારે હું બળવાન છું.” (૨ કોરીંથી ૧૨:૯, ૧૦) પાઊલના આ અનુભવને કારણે તે કહી શક્યા: “હું તંગાસને લીધે બોલું છું એમ નહિ; કેમકે જે અવસ્થામાં હું છું, તેમાં સંતોષથી રહેવાને હું શીખ્યો છું. ગરીબ થવું હું જાણું છું, તથા ભરપૂર હોવું પણ હું જાણું છું; હરપ્રકારે તથા સર્વ બાબતમાં તૃપ્ત થવાને તથા ભૂખ્યો રહેવાને, તેમજ પુષ્કળ પામવાને અને તંગીમાં રહેવાને હું શીખેલો છું. જે મને સામર્થ્ય આપે છે તેની સહાયથી હું બધું કરી શકું છું.”—ફિલિપી ૪:૧૧-૧૩.
૨૦ તેથી, ભલે દેહનો ગમે એ કાંટો હોય, એને સહન કરીને આપણને ઘણો આનંદ થાય છે. એનું કારણ એ છે કે એનાથી દરેકને જણાવીએ છીએ કે આપણી નિર્બળતામાં યહોવાહની શક્તિ સંપૂર્ણ થાય છે. પાઊલે લખ્યું: “આ કારણથી જ અમે નિરાશ થતા નથી. . . . અમારું આત્મિક જીવન દરરોજ તાજગી પામતું જાય છે. આ નાની અને ક્ષણિક મુશ્કેલી અમે ભોગવીએ છીએ, પણ તેના દ્વારા અમને એ મુશ્કેલી કરતાં પણ મહાન એટલે અદ્ભુત અને સાર્વકાળિક ગૌરવ પ્રાપ્ત થશે. કારણ અમે અમારું લક્ષ . . . અદૃશ્ય બાબતો પર રાખીએ છીએ. . . . જે અદૃશ્ય છે, તે કાયમ રહે છે.”—૨ કોરીંથી ૪:૧૬-૧૮, પ્રેમસંદેશ.
૨૧ આજે યહોવાહના મોટા ભાગના લોકો આ પૃથ્વી પર આવનાર તેમની નવી દુનિયામાં જીવવા અને એના આશીર્વાદો પામવાની આશા રાખે છે. આપણા માટે એ આશીર્વાદો “અદૃશ્ય” છે. પરંતુ, એ સમય ઝડપથી આવી રહ્યો છે, જ્યારે આપણે પોતે એ આશીર્વાદો જોઈશું, અરે એનો આનંદ કાયમ માટે માણીશું. એમાંનો એક આશીર્વાદ એ હશે કે આપણે કોઈએ કદી પણ કાંટા જેવી મુશ્કેલીઓ સહન કરવી નહિ પડે! યહોવાહના પુત્ર, ઈસુ જલદી જ ‘શેતાનનાં કામનો’ અને ‘મરણ પર સત્તા ધરાવનાર, એટલે શેતાનનો નાશ કરશે.’—૧ યોહાન ૩:૮; હેબ્રી ૨:૧૪.
૨૨ તેથી, આપણને દેહમાંનો ગમે એવો કાંટો દુઃખ આપતો હોય, એ સહન કરતા રહીએ. પાઊલની જેમ, એ સહન કરવા યહોવાહ આપણને પુષ્કળ હિંમત આપશે. આપણે તેમની નવી સુંદર દુનિયામાં રહેતા હોઈશું ત્યારે, યહોવાહે આપણા માટે કરેલા અદ્ભુત કામો માટે તેમને દરરોજ આશીર્વાદ આપીશું.—ગીતશાસ્ત્ર ૧૦૩:૨.
[ફુટનોટ]
a “બાઇબલ શું કહે છે: હતાશાનો સામનો કઈ રીતે કરવો” લેખ ઑક્ટોબર-ડિસેમ્બર, ૨૦૦૦ના સજાગ બનો!ના અંકમાં જુઓ.
તમે શું કહેશો?
• સાચા ખ્રિસ્તીઓની વફાદારી તોડવા શેતાન શા માટે અને કઈ રીતે પ્રયત્નો કરે છે?
• કઈ રીતે યહોવાહની શક્તિ “નિર્બળતામાં સંપૂર્ણ થાય છે”?
• મુશ્કેલીઓ સહન કરનારાને વડીલો અને મંડળના બીજા કઈ રીતે ઉત્તેજન આપી શકે?
[Questions]
૧, ૨. (ક) આપણા પર આવતી મુશ્કેલીઓથી શા માટે મૂંઝાવું ન જોઈએ? (ખ) કસોટીઓ આવે તોપણ આપણે શા માટે હિંમત રાખી શકીએ?
૩. પાઊલે પોતાના દેહમાંનો કાંટો દૂર કરવા વિનંતી કરી, એનો યહોવાહે શું જવાબ આપ્યો?
૪. પાઊલ પર કઈ રીતે યહોવાહની અપાર કૃપા હતી?
૫, ૬. (ક) યહોવાહે કઈ રીતે પાઊલને શીખવ્યું કે તેમની શક્તિ “નિર્બળતામાં સંપૂર્ણ થાય છે”? (ખ) પાઊલના ઉદાહરણે કઈ રીતે શેતાનને જૂઠો સાબિત કર્યો?
૭, ૮. (ક) આજે યહોવાહ કઈ રીતે પોતાના સેવકોને હિંમતવાન કરે છે? (ખ) આપણો દેહમાંનો કાંટો સહન કરવા, દરરોજ બાઇબલ વાંચીને મનન કરવું શા માટે બહુ મહત્ત્વનું છે?
૯. મુશ્કેલીઓ સહન કરનારને વડીલો કઈ રીતે હિંમત આપી શકે?
૧૦, ૧૧. આકરી કસોટી સહન કરનારને યહોવાહના સેવકો કઈ રીતે ઉત્તેજન આપી શકે?
૧૨-૧૪. (ક) એક ખ્રિસ્તીએ કેન્સરની બીમારી સહન કરવા શું કર્યું? (ખ) આ બહેનને ભાઈ-બહેનોએ કઈ રીતે મદદ અને ઉત્તેજન આપ્યા?
૧૫-૧૭. (ક) એક બહેને ઍક્સિડન્ટને કારણે આવેલી મુશ્કેલીઓ કઈ રીતે સહન કરી? (ખ) મંડળના ભાઈ-બહેનોએ કઈ રીતે સહાય આપી?
૧૮. ચોકીબુરજ અને સજાગ બનો!માં આવતા અનુભવો આપણને કેવું ઉત્તેજન આપે છે?
૧૯. પાઊલની કાંટા જેવી કસોટીઓ અને નિર્બળતા છતાં, શા માટે તે ખુશ હતા?
૨૦, ૨૧. (ક) “અદૃશ્ય બાબતો પર” મનન કરવાથી આપણને શા માટે ખુશી મળી શકે? (ખ) પૃથ્વી પર આવનાર નવી દુનિયામાં તમે કઈ “અદૃશ્ય બાબતો” જોવાની આશા રાખો છો?
૨૨. આપણે કઈ ખાતરી રાખવી અને કયો નિર્ણય કરવો જોઈએ?
[પાન ૧૮ પર ચિત્ર]
પાઊલે ત્રણ વાર યહોવાહને પ્રાર્થના કરી કે તેમના દેહનો કાંટો દૂર થાય