સિથિયનો ભૂતકાળના રહસ્યમય લોકો
વણજારાના ઘોડેસવારો લૂંટના માલથી ભરેલી થેલીઓ લઈને આવ્યા. તેઓ ધૂળ ઉડાડતા યૂરેશિયા તરફ ઝડપથી આવ્યા અને મેદાનોમાં છવાઈ ગયા. આ રહસ્યમય લોકોએ આ આખા વિસ્તાર પર ૭૦૦થી ૩૦૦ બી.સી.ઈ. સુધી પોતાનો કબજો જમાવ્યો હતો. પરંતુ, અચાનક આ જાતિનું નામોનિશાન મટી ગયું. તેમ છતાં, ઇતિહાસમાં આ જાતિએ પોતાની છાપ છોડી હતી. એટલે સુધી કે બાઇબલમાં પણ આ જાતિનો એક વાર ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેઓ સિથિયનો હતા.
સદીઓ સુધી, આ વણજારાઓ અને જંગલી ઘોડાઓનાં ટોળા પૂર્વીય યુરોપના કાર્પેથિયન પર્વતોથી લઈને આજના અગ્નિ રશિયાના ઘાસના વિસ્તારો સુધી ભટકતા હતા. પરંતુ, આઠમી સદી બી.સી.ઈ.માં ચીનના સમ્રાટ, શુઆને તેઓની વિરુદ્ધ લડાઈ કરી ત્યારે, તેઓ પોતાનો વિસ્તાર છોડીને પશ્ચિમ તરફ જતા રહ્યા. પશ્ચિમમાં સિથિયન લોકોએ કૉકેસસ અને કાળા સમુદ્રના ઉત્તરીય વિસ્તારો પર રાજ કરતી સમરૂની જાતિઓને હરાવીને તેઓને ત્યાંથી હાંકી કાઢ્યા.
સંપત્તિ મેળવવા સિથિયનોએ આશ્શૂરના પાટનગર નીનવેહને લૂંટી લીધું. ત્યાર બાદ, તેઓએ આશ્શૂર સાથે મળીને માદાય, બાબેલોન અને બીજાં રાષ્ટ્રો પર ચઢાઈ કરી. તેઓ હુમલો કરીને ઉત્તરીય મિસર સુધી આવ્યા. હકીકતમાં ઉત્તરીય ઈસ્રાએલના બેથ-શાનના શહેરને સિથોપોલિસ કહેવામાં આવ્યું. એ સિથિયનના સમયગાળાને બતાવે છે.—૧ શમૂએલ ૩૧:૧૧, ૧૨.
છેવટે, સિથિયનો વર્તમાન સમયના રોમાનિયા, મોલ્દોવા, યુક્રેઈન અને અગ્નિ રશિયાના સપાટ પ્રદેશમાં સ્થાયી થયા. ત્યાં તેઓ વર્તમાન સમયના યુક્રેઈન, દક્ષિણ રશિયાના ગ્રીકો અને ખેડૂતોના દલાલ તરીકે ઘણા સમૃદ્ધ થયા. સિથિયનો અનાજ, મધ, રૂંવાટીવાળાં ચામડાં અને ઢોરઢાંક આપીને એના બદલામાં ગ્રીસનો દારૂ, કાપડ, હથિયાર અને ચિત્રકામનો સામાન લેતા હતા. આમ, તેઓ ખૂબ જ ધનવાન હતા.
અદ્ભુત ઘોડેસવારો
રણમાં રહેનારા લોકો માટે ઊંટ હોય છે તેમ, આ લડવૈયાઓ માટે ઘોડાઓ હતા. સિથિયનો ઉત્તમ ઘોડેસવારો હતા અને તેઓએ ઘોડા પર બેસવા માટે સૌ પ્રથમ જીન અને ખરીનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું હતું. તેઓ ઘોડાનું માંસ ખાતા અને ઘોડીનું દૂધ પીતા હતા. હકીકતમાં, તેઓ ઘોડાઓનો દહનીયાર્પણો માટે ઉપયોગ કરતા હતા. કોઈ સિથિયન લડવૈયો યુદ્ધમાં માર્યો જાય ત્યારે, તેના ઘોડાને મારી નાખીને તેનું માનનીય દફન કરવામાં આવતું. એમાં ઘોડાને પૂરેપૂરો શણગારવામાં આવતો હતો.
ઇતિહાસકાર હેરોદોતસના વર્ણવ્યા પ્રમાણે, સિથિયનોએ બહુ જ ક્રૂર રિવાજો અપનાવ્યા હતા. એમાં તેઓ બલિ આપનારની ખોપરીનો પીવાના પ્યાલા તરીકે ઉપયોગ કરતા હતા. પોતાના દુશ્મનો પર ધસી જઈને તેઓનો નાશ કરવા લોખંડની તલવારો, યુદ્ધની કુહાડીઓ, ભાલાઓ અને માંસ ચીરી નાંખે એવા ધારદાર તીરનો ઉપયોગ કરતા હતા.
હંમેશા રહેવા બનાવવામાં આવેલી કબરો
સિથિયનો જંતરમંતર અને મેલીવિદ્યા આચરતા હતા. વળી, તેઓ અગ્નિ અને એક દેવી માતાની પૂજા કરતા હતા. (પુનર્નિયમ ૧૮:૧૦-૧૨) તેઓ કબરને મરેલા લોકોનું ઘર માનતા હતા. આથી, કોઈ માલિક મરી જાય ત્યારે તેની ચાકરી કરવા માટે દાસો અને જાનવરોનું બલિદાન ચઢાવવામાં આવતું હતું. તેઓ એવું માનતા કે સરદારોની સાથે સાથે તેનો ખજાનો અને ઘરના નોકરચાકરો પણ “આગળની દુનિયામાં” જાય છે. એક રાજવી કબરમાં માલિકની લાશની સાથે એના પાંચ નોકરોની પણ લાશો મળી. તેઓ પોતાના માલિકના પગે એ રીતે પડ્યા હતા કે જાણે ઊઠતાંની સાથે જ તેની સેવા શરૂ કરી દેશે.
સિથિયન લોકો પોતાના રાજાને દફનાવતી વખતે પશુઓનું બલિદાન ચઢાવતા હતા અને તેમના માટે એટલી હદ સુધી વિલાપ કરતા કે તેઓ પોતાનું લોહી વહેવડાવતા અને પોતાના વાળ પણ કપાવી નાંખતા હતા. હેરોદોતસે લખ્યું: “તેઓ પોતાના એક કાનના એક ભાગને કાપી લેતા, વાળ કાપી નાંખતા, ભૂજાઓને ચીરી નાખતા, કપાળ અને નાકને લોહીલુહાણ કરી દેતા અને તીરથી પોતાના ડાબા હાથને છેદતા હતા.” પરંતુ, એનાથી ભિન્ન, એ જ સમયમાં રહેનારા પરમેશ્વરના લોકો ઈસ્રાએલીઓને આજ્ઞા આપવામાં આવી હતી: “મૂએલાંને લીધે તમારા શરીરમાં ઘા ન પાડો.”—લેવીય ૧૯:૨૮.
સિથિયન લોકોની હજારો કુરગાન (બાંધેલી કબરો) જોવા મળે છે. આ કુરગાનમાંથી મળી આવેલાં ઘરેણાંઓથી સિથિયનોની રહેણીકરણી વિષે જાણવા મળે છે. રશિયાના સમ્રાટ પીટર મહાને ૧૭૧૫માં એવી ચળકતી વસ્તુઓને ભેગી કરવાનું શરૂ કર્યું કે જે આજે રશિયા અને યુક્રેઈનનાં સંગ્રહસ્થાનોમાં જોવા મળે છે. આ “પશુ ચિત્રકલામાં” ઘોડા, ગરુડ, બાજ, બિલાડીઓ, ચિત્તા, સાબર, હરણ, કાલ્પનિક પક્ષીઓ અને સિંહોનો (આ એવાં કાલ્પનિક પ્રાણીઓ છે કે જેઓનાં શરીર પાંખોવાળાં અને પાંખો વગરના એક જાનવર જેવાં અને માથું બીજા પ્રાણીનું હોય) સમાવેશ થાય છે.
સિથિયનો અને બાઇબલ
બાઇબલમાં સિથિયનો વિષે સીધેસીધું ફક્ત એક જ વાર જોવા મળે છે. કોલોસી ૩:૧૧માં આપણને વાંચવા મળે છે: “તેમાં નથી ગ્રીક કે યહુદી, નથી સુનતી કે બેસુનત, નથી બર્બર, નથી સિથિયન, નથી દાસ કે સ્વતંત્ર; પણ ખ્રિસ્ત સર્વ તથા સર્વમાં છે.” આ કલમમાં ખ્રિસ્તી પ્રેરિત પાઊલે “સિથિયન” માટે જે ગ્રીક શબ્દનો ઉપયોગ કર્યો છે, એ કોઈ જાતિને નહિ પરંતુ દુનિયાના એકદમ અસભ્ય લોકોને લાગુ પડે છે. પાઊલ એ બતાવવા ઇચ્છતા હતા કે યહોવાહના પવિત્ર આત્મા અથવા સક્રિય બળની મદદથી એવા લોકો પણ પરમેશ્વર જેવા ગુણો વિકસાવી શકે છે.—કોલોસી ૩:૯, ૧૦.
કેટલાક પુરાતત્ત્વશાસ્ત્રીઓ માને છે કે યિર્મેયાહ ૫૧:૨૭માં ઉલ્લેખ કરવામાં આવેલા આશ્કેનાઝ, આશ્શૂરી નામ આશગૂજે છે, જે સિથિયનોને લાગુ પડતો હતો. કેટલાક શિલાલેખોમાંથી જાણવા મળે છે કે સિથિયન અને મિન્નીના લોકોએ સાત બી.સી.ઈ.માં આશ્શૂર વિરુદ્ધ લડવા માટે સંધિ કરી હતી. યિર્મેયાહે ભવિષ્યવાણી કરવાનું શરૂ કર્યું એના ફક્ત થોડા સમય પહેલાં, સિથિયનો યહુદાહમાંથી મિસરમાં ગયા અને પાછા આવ્યા, પરંતુ તેઓએ એ દેશને બિલકુલ નુકસાન પહોંચાડ્યું ન હતું. એટલા માટે યિર્મેયાહે ભવિષ્યવાણી કરી કે ઉત્તર દિશાથી યહુદાહ પર આક્રમણ થશે ત્યારે ઘણા લોકોએ તેમની ભવિષ્યવાણી પર વિશ્વાસ કર્યો નહિ હોય.—યિર્મેયાહ ૧:૧૩-૧૫.
કેટલાક બાઇબલ વિદ્વાનો માને છે કે યિર્મેયાહ ૫૦:૪૨માં સિથિયનો વિષે જણાવવામાં આવ્યું છે જે કહે છે: “તેઓ ધનુષ્ય તથા ભાલા ધારણ કરનારા છે; તેઓ ક્રૂર છે, ને દયા રાખતા નથી; તેઓ સમુદ્રની પેઠે ગર્જના કરે છે, તેઓ ઘોડાઓ પર સવારી કરે છે; જેમ શૂરવીર લડાઈને સારૂ [તૈયારી કરે છે] તેમ, રે બાબેલની દીકરી, તેઓ તારી વિરૂદ્ધ સજ્જડ થએલા છે.” પરંતુ, આ કલમ સૌથી પહેલા માદાય અને ઈરાનીઓને લાગુ પડે છે, જેઓએ ૫૩૯ બી.સી.ઈ.માં બાબેલોનને હરાવ્યું હતું.
એવું પણ કહેવામાં આવે છે કે હઝકીએલના ૩૮ અને ૩૯ અધ્યાયોમાં જે ‘માગોગ દેશના ગોગનો’ ઉલ્લેખ કર્યો છે એ સિથિયન જાતિને લાગુ પડે છે. પરંતુ, હકીકત એ છે કે ‘માગોગ દેશનું’ એક સાંકેતિક મહત્ત્વ છે. એ દેખીતી રીતે જ, પૃથ્વીના એવા ભાગને બતાવે છે કે જ્યાં શેતાન અને તેના અપદૂતોને સ્વર્ગમાં થયેલા યુદ્ધ પછી ફેંકી દેવામાં આવ્યા હતા.—પ્રકટીકરણ ૧૨:૭-૧૭.
નીનવેહને ઉથલાવી પાડવાની નાહૂમની ભવિષ્યવાણી પરિપૂર્ણ કરવામાં સિથિયનોએ ભાગ ભજવ્યો હતો. (નાહૂમ ૧:૧, ૧૪) ખાલદીઓ, સિથિયનો અને માદીઓએ ૬૩૨ બી.સી.ઈ.માં નીનવેહને લૂંટી લીધું અને આ રીતે તેઓ આશ્શૂર સામ્રાજ્યના પતનનું કારણ બન્યા.
તેઓના પતનનું રહસ્ય
સિથિયન જાતિ દુનિયામાંથી અદૃશ્ય થઈ ગઈ છે. પરંતુ, એવું શા માટે બન્યું? યુક્રેઈનના એક પ્રમુખ પુરાતત્ત્વજ્ઞાની કહે છે કે, “સત્ય એ છે કે તેઓનું શું થયું એ આપણે જાણતા નથી.” કેટલાક લોકો માને છે કે ધનદોલતની લાલચે તેઓને કમજોર બનાવી દીધા હતા અથવા પ્રથમ અને બીજી સદી બી.સી.ઈ.માં એશિયાની સમરૂની નામની એક નવી રખેવાળ જાતિની સામે તેઓ હારી ગયા.
કેટલાક લોકો માને છે કે સિથિયનો અલગ અલગ કૂળો વચ્ચેના ઝઘડાને કારણે સાફ થઈ ગયા. બીજાઓનું માનવું છે કે સિથિયન જાતિના બચી ગયેલા લોકો કૉકેસસમાં રહેતા લોકોમાં જોવા મળે છે. એક સમયે થઈ ગયેલા આ રહસ્યમય લોકો વિષેની હકીકત ભલે ગમે તે હોય, પરંતુ તેઓ ઇતિહાસમાં પોતાના નામની એક ઊંડી છાપ છોડી ગયા છે. એવી છાપ સિથિયનો એટલે ક્રૂર લોકો છે.
[પાન ૨૪ પર નકશા]
(લેખને છપાયો છે એવો જોવા એ પ્રકાશનમાં જુઓ)
પ્રાચીન શહેર
આધુનિક શહેર
ડૅન્યૂબ
સ્કિ તિ યા ← પ્ર વા સ મા ર્ગ
કિયેફ
નીપર
નીસ્ટર
કા ળો સ મુ દ્ર
ઑસેટિયા
કૉ કે સ સ પ ર્વ ત
કાસ્પિયન સમુદ્ર
આશ્શૂર ← ચ ઢા ઈ ક ર વા નો મા ર્ગ
નીનવેહ
તાઈગ્રિસ
માદાય ← ચ ઢા ઈ ક ર વા નો મા ર્ગ
મેસોપોટેમિયા
બાબેલોનિયા ← ચ ઢા ઈ ક ર વા નો મા ર્ગ
બાબેલોન
યુફ્રેટીસ
ઈ રા ની સા મ્રા જ્ય
સુસા
ઈરાનનો અખાત
પેલેસ્ટાઈન
બેથ-શાન (સિથોપોલિસ)
મિસર ← ચ ઢા ઈ ક ર વા નો મા ર્ગ
નાઈલ
ભૂ મ ધ્ય સ મુ દ્ર
ગ્રીસ
[પાન ૨૫ પર ચિત્રો]
સિથિયનો યુદ્ધવીર પ્રજા હતી
[ક્રેડીટ લાઈન]
The State Hermitage Museum, St. Petersburg
[પાન ૨૬ પર ચિત્રો]
સિથિયનો ગ્રીક કાર્યની કળા માટે પોતાના માલનો વેપાર કરીને ઘણા ધનવાન બન્યા
[ક્રેડીટ લાઈન]
Courtesy of the Ukraine Historic Treasures Museum, Kiev