બૉક્સ ૧૯-ખ
ધીમે ધીમે વહેતું પાણી એક નદી બની જાય છે
યહોવાના મંદિરમાંથી પાણી ધીમે ધીમે વહે છે. હઝકિયેલ એની સાથે સાથે આગળ વધે છે. એ પાણી ખાલી બે કિલોમીટરમાં જ એક મોટી ખળખળ વહેતી નદી બની જાય છે. નદીના બંને કિનારે લીલાંછમ વૃક્ષો છે. એનાં પર સરસ મજાનાં ફળ લાગેલાં છે. એ વૃક્ષોનાં પાંદડાં પણ દવા માટે વપરાય છે. આ બધાનો શું અર્થ થાય છે?
આશીર્વાદોની નદી
અગાઉ: યહૂદીઓ ગુલામીમાંથી પોતાના વતન પાછા આવ્યા પછી, તેઓ પૂરાં દિલથી યહોવાની ભક્તિ કરવા લાગ્યા. એટલે તેઓને ઘણા આશીર્વાદો મળ્યા
હમણાં: ૧૯૧૯માં યહોવાની ભક્તિ ફરી શરૂ થઈ. એવી ગોઠવણો કરવામાં આવી, જેથી યહોવાના લોકો તન-મનથી તેમની ભક્તિ કરી શકે. એ સમયથી તેઓને પુષ્કળ આશીર્વાદો મળવા લાગ્યા
ભાવિમાં: આર્માગેદન પછી યહોવા આપણને ગણ્યા ગણાય નહિ, એટલા બધા આશીર્વાદો આપશે. જેમ કે, આપણે તન-મનથી એકદમ સરસ બની જઈશું. આપણામાં કોઈ ખામી નહિ હોય. યહોવા આપણને નવું નવું શિક્ષણ આપશે
જીવન આપનાર પાણી
અગાઉ: યહૂદીઓ ગુલામીમાંથી પોતાના વતન પાછા આવ્યા ત્યારે, યહોવાએ તેઓને ઘણા આશીર્વાદ આપ્યા. તેઓની વસ્તી વધતી ગઈ. તોપણ યહોવાએ એવી એવી ગોઠવણ કરી કે તેઓ યહોવાની દિલોજાનથી ભક્તિ કરતા રહે
હમણાં: આજે યહોવાની ભક્તિ જોરશોરથી થઈ રહી છે. યહોવાના આશીર્વાદોને લીધે તેમની ભક્તિ કરવા વધારે ને વધારે લોકો આવતા જાય છે. યહોવા સાથે પાકો સંબંધ બાંધવાને લીધે તેઓ જાણે નવું જીવન જીવવા લાગ્યા છે
ભાવિમાં: યહોવાની કૃપાથી તેમના લોકો આર્માગેદન પાર કરીને જશે. પછી તેઓની સાથે લાખો-કરોડો લોકો જોડાશે, જેઓને મરણમાંથી જીવતા કરવામાં આવશે. જરા એની કલ્પના કરો! તેઓ પર યહોવાના આશીર્વાદોનો કોઈ પાર નહિ હોય!
ખાવાનું અને દવા આપતાં વૃક્ષો
અગાઉ: યહૂદીઓ જ્યારે પોતાના વતન પાછા ફર્યા, ત્યારે યહોવાએ તેઓને એકદમ સારું શિક્ષણ આપ્યું. એનાથી તેઓનો યહોવા સાથેનો સંબંધ એકદમ પાકો થયો. યહોવાએ તેઓ માટે એવી ગોઠવણો કરી, જેથી તેઓ તેમની ભક્તિ કરી શકે. યહોવાએ તેઓને શુદ્ધ કર્યા, જેથી તેઓ ફરીથી બીજાં દેવી-દેવતાઓને ન ભજે
હમણાં: આજે દુનિયામાં ખરું માર્ગદર્શન મેળવવું અઘરું થઈ ગયું છે. પણ યહોવા પોતાના લોકોને સૌથી સારું માર્ગદર્શન આપે છે. એની મદદથી તેઓ પાપના ફાંદામાં ફસાતા નથી. તેઓ યહોવાને વળગી રહે છે. દુનિયાના લોકો નીચ અને અધમ કામો કરે છે. પણ યહોવાના લોકો તેઓથી બાર ગાઉ દૂર રહે છે
ભાવિમાં: ખ્રિસ્ત અને તેમની સાથે રાજ કરનારા ૧,૪૪,૦૦૦ની મદદથી વફાદાર લોકો તન-મનથી એકદમ તાજા-માજા થઈ જશે. તેઓમાં કોઈ ખામી નહિ રહે. તેઓ કાયમ તંદુરસ્ત રહેશે