દુનિયાના અધિકારી પરથી પડદો હટી ગયો છે
એક સમયે ઈસુએ લોકોને કહ્યું: “આ જગતના અધિકારીને કાઢી નાખવામાં આવશે.” તેમણે એ પણ કહ્યું કે “આ દુનિયાનો શાસક આવી રહ્યો છે; એને મારા પર કશી સત્તા નથી.” (યોહાન ૧૪:૩૦, કોમન લેંગ્વેજ) ‘આ જગતના અધિકારીનો ન્યાય કરવામાં આવ્યો છે.’ (યોહાન ૧૨:૩૧; ૧૬:૧૧) અહીંયા ઈસુ કોની વાત કરતા હતા?
“આ જગતના અધિકારી” વિષે ઈસુ શું કહેતા હતા? એક વાત ચોક્કસ છે કે તે પોતાના પિતા યહોવાહની વાત કરતા ન હતા. તો પછી “આ જગતનો અધિકારી” કોણ છે? તેને કઈ રીતે “કાઢી નાખવામાં આવશે”? તેનો કઈ રીતે “ન્યાય” કરવામાં આવ્યો છે?
“આ જગતનો અધિકારી” પોતાની ઓળખ છતી કરે છે
જેમ એક ગુંડો પોતાની તાકતની ડંફાસ મારે, એવું જ શેતાને પણ કર્યું છે. તેણે ઈસુને ‘જગતનાં સઘળાં રાજ્ય દેખાડીને’ કહ્યું: “આ બધાનો અધિકાર તથા મહિમા હું તને આપીશ; કેમ કે એ મારે સ્વાધીન કરેલું છે; અને જેને હું આપવા ચાહું તેને હું આપું છું. માટે જો તું મારી આગળ પડીને ભજન કરશે તો તે સઘળું તારું થશે.”—લુક ૪:૫-૭.
અમુક લોકો કહે છે કે શેતાન તો આપણામાં રહેલી દુષ્ટતા છે. તો પછી સવાલ થાય કે ઈસુ સામે મૂકેલી લાલચને કેવી રીતે સમજાવી શકો? શું ઈસુમાં રહેલી દુષ્ટતાએ તેમને લાલચ આપી? કે પછી ઈસુએ બાપ્તિસ્મા લીધું ત્યાર બાદ તેમના વિચારોમાં ગૂંચવણ ઊભી થઈ? જો એમ થયું હોત તો કઈ રીતે કહી શકાય કે ‘ઈસુમાં પાપ નથી’? (૧ યોહાન ૩:૫) ઈસુએ માણસો પર થતી શેતાનની અસરનો જરાય નકાર કર્યો નહિ. અરે તેમણે તો શેતાનને ખુલ્લો પાડતા કહ્યું કે તે “આ જગતનો અધિકારી” છે, તે “મનુષ્યઘાતક” અને “જૂઠો” પણ છે.—યોહાન ૧૪:૩૦; ૮:૪૪.
ઈસુનું પરીક્ષણ થયું એના આશરે ૭૦ વર્ષ પછી ઈશ્વરભક્ત યોહાને ખ્રિસ્તીઓને શેતાનથી ચેતવ્યા. શેતાનની અસર કેટલી શક્તિશાળી છે, એ વિષે જણાવતા કહ્યું, “આખું જગત તે દુષ્ટની સત્તામાં રહે છે.” એ પણ ઉમેર્યું કે શેતાન ‘આખા જગતને ભમાવે છે.’ (૧ યોહાન ૫:૧૯; પ્રકટીકરણ ૧૨:૯) બાઇબલ સાફ બતાવે છે કે આ અદૃશ્ય દૂત ‘જગતનો અધિકારી’ છે. પણ સવાલ થાય કે કેટલી હદ સુધી લોકો પર તેની અસર થઈ છે?
આ અધિકારી પોતાના ચેલાઓને સત્તા આપે છે
ઈશ્વરભક્ત પાઊલે ખ્રિસ્તીઓને વિશ્વાસને જાળવી રાખવાની લડત વિષે લખ્યું હતું. એમાં તેમણે સૌથી મોટા દુશ્મનને ખુલ્લો પાડતા જણાવ્યું કે ‘આપણું આ યુદ્ધ રક્ત તથા માંસની સામે નથી, પણ અધિપતિઓની સામે, અધિકારીઓની સામે, આ અંધકારરૂપી જગતના સત્તાધારીઓની સામે, દુષ્ટ દૂતોના લશ્કરોની સામે છે.’ (એફેસી ૬:૧૨) આ બતાવે છે કે આપણી લડાઈ ‘રક્ત અને માંસની’ બનેલી વ્યક્તિ સામે નહિ, પણ ‘દુષ્ટ દૂતોના લશ્કરોની સામે’ છે.
મોટા ભાગના બાઇબલ ભાષાંતરોમાં ‘દુષ્ટ દૂતોના લશ્કરો’ કઈ ખરાબ ગુણને બતાવતું નથી, પણ એ શક્તિશાળી અદૃશ્ય વ્યક્તિઓને દર્શાવે છે. એનાથી આપણે કહી શકીએ કે શેતાન બીજા બંડખોર દૂતો દ્વારા સત્તા ચલાવે છે. આ દૂતોએ પણ સ્વર્ગનું ‘પોતાનું સ્થાન છોડી દીધું’ છે.—યહુદા ૬.
બાઇબલમાં દાનીયેલ નામનું એક ભવિષ્યવાણીનું પુસ્તક છે. એમાં સમજાવ્યું છે કે આ ‘જગતના અધિકારીઓ’ કઈ રીતે સદીઓથી પૃથ્વી પર રાજ કરી રહ્યા છે. યહુદીઓ ઈ.સ. પૂર્વે ૫૩૭માં બાબેલોનની ગુલામીમાંથી છૂટીને પાછા યરૂશાલેમ આવ્યા, ત્યારે પ્રબોધક દાનીયેલને તેઓની ઘણી ચિંતા થતી હતી. એટલે દાનીયેલ તેઓ માટે ત્રણ અઠવાડિયા સુધી પ્રાર્થના કરે છે. પણ દાનીયેલ માટે દિલાસાનો સંદેશો લાવનાર એક દૂતને આવતા મોડું થાય છે. મોડું થવાનું કારણ જણાવતા એ દૂત કહે છે: “ઈરાનના રાજ્યના સરદારે એકવીસ દિવસ સુધી મારી સામે ટક્કર લીધી.”—દાનીયેલ ૧૦:૨, ૧૩.
આ ‘ઈરાનના રાજ્યનો સરદાર’ કોણ છે? એ તો સાફ છે કે દૂત કંઈ ઈરાનના રાજા કોરેશની વાત કરતો ન હતો, કેમ કે એ રાજાએ દાનીયેલ અને યહુદીઓને મદદ કરી હતી. એ ઉપરાંત કઈ રીતે એક માનવી રાજા ત્રણ અઠવાડિયા સુધી એક દૂતને અટકાવી શકે! એક દૂતની તાકતનો વિચાર કરો, જેણે એક રાતમાં ૧,૮૫,૦૦૦ સૈનિકોનો સફાયો કરી નાખ્યો હતો. (યશાયાહ ૩૭:૩૬) એટલે કહી શકીએ કે ‘ઈરાનના રાજ્યનો સરદાર’ એક દુષ્ટ દૂત હતો, જેને શેતાને ઈરાનના રાજ્ય પર સત્તા આપી હતી. દાનીયેલના અહેવાલમાં ઈશ્વરનો દૂત એ પણ કહે છે કે તેણે ફરીથી ‘ઈરાનના રાજ્યના સરદાર’ અને પછીથી ‘ગ્રીસના સરદાર’ સાથે લડવું પડશે.—દાનીયેલ ૧૦:૨૦.
આ માહિતી પરથી આપણે શું તારણ કાઢી શકીએ? એ જ કે, ‘દુનિયા પર રાજ’ કરતા ઘણા ખરાબ દૂતો છે. જેઓ, શેતાનના હાથ નીચે કામ કરીને આ દુનિયાને પોતાના કબજામાં રાખે છે. પણ તેઓનો મુખ્ય ધ્યેય શું છે?
દુનિયાનો અધિકારી પોતાનો અસલી રંગ બતાવે છે
બાઇબલના છેલ્લા પુસ્તકમાં ઈશ્વરભક્ત યોહાન એક ખુલાસો કરે છે. તે જણાવે છે કે ઈસુ, જે મીખાએલ પ્રમુખ દૂત છે, તે કઈ રીતે શેતાન અને તેના દુષ્ટ દૂતોને હરાવે છે. પછી યોહાન જણાવે છે કે શેતાન અને તેના ચેલાઓને સ્વર્ગમાંથી ફેકી દેવામાં આવ્યા ત્યાર બાદ શું બન્યું. તે કહે છે: ‘પૃથ્વીને અફસોસ! કેમ કે શેતાન તમારી પાસે ઊતરી આવ્યો છે, ને તે ઘણો કોપાયમાન થયો છે, કેમ કે તે જાણે છે કે હવે મારે માટે થોડો જ વખત રહેલો છે.’—પ્રકટીકરણ ૧૨:૯, ૧૨.
પોતાનો ગુસ્સો ઠાલવવા શેતાન શું કરે છે? ઘણા ગુનેગારોની જેમ શેતાન પણ આ નીતિ અજમાવે છે: ‘રાજ કરો કે નાશ કરો.’ તેના ચેલાઓ પણ એવું જ કરવા ઇચ્છે છે. તેઓનો એક જ ધ્યેય છે કે પોતાની જોડે આ દુનિયાનો અને એમાં રહેતા બધાનો નાશ થાય. શેતાનને ખબર છે કે તેની પાસે થોડો જ સમય રહેલો છે, એટલે તે મનુષ્યને કાબૂમાં રાખવા વેપાર-ધંધાનું પ્રલોભન મૂકે છે. લોકોને ભાત-ભાતની વસ્તુઓ ખરીદવા ઉપસાવે છે. એના લીધે કુદરતી સંપત્તિનું નિકંદન નીકળી ગયું છે. વાતાવરણને પણ નુકસાન થયું છે. પરિણામે માનવનું અસ્તિત્વ જોખમમાં આવી ગયું છે.—પ્રકટીકરણ ૧૧:૧૮; ૧૮:૧૧-૧૭.
મનુષ્યની શરૂઆતથી જ શેતાન સત્તાનો ભૂખ્યો છે. એ ભૂખ ધર્મો અને રાજકારણમાં સાફ દેખાઈ આવે છે. પ્રકટીકરણનું પુસ્તક રાજકીય સત્તાઓને જંગલી પ્રાણીઓ સાથે સરખાવે છે, જેને શેતાને “મોટો અધિકાર” આપ્યો છે. એમાં ધર્મો અને રાજકારણ વચ્ચેની મિલીભગતને વ્યભિચાર સાથે સરખાવ્યું છે. (પ્રકટીકરણ ૧૩:૨; ૧૭:૧, ૨) માનવ ઇતિહાસમાં થયેલ જુલમ, ગુલામી તેમ જ ભેદભાવે કરોડો લોકોનો ભોગ લીધો છે. શું એવા બનાવો ફક્ત મનુષ્યના કામો છે? કે પછી દુષ્ટ દૂતો અદૃશ્ય રીતે મનુષ્યને હથિયાર તરીકે વાપરે છે?
બાઇબલ સાફ સાફ જણાવે છે કે માનવ નેતાઓને અને દુનિયાના આગળ પડતા રાજ્યોને કોઈ વ્યક્તિ ભમાવે છે. જાણતા કે અજાણતા લોકો ‘રાજ કરો કે નાશ કરો’ જેવું શેતાનનું વલણ અપનાવે છે. પણ સવાલ થાય કે ક્યાં સુધી માણસોએ શેતાનના રાજ હેઠળ સહેવું પડશે?
શેતાનનો છેલ્લો શ્વાસ
પહેલી સદીમાં ઈસુએ પૃથ્વી પર કરેલા કામો પરથી જોવા મળ્યું કે શેતાન અને તેના ચેલાઓનો અંત હાથવેંતમાં છે. જ્યારે શિષ્યોએ જણાવ્યું કે તેઓએ માણસોમાંથી “ભૂતો” એટલે કે દુષ્ટ દૂતોને કાઢ્યા છે, ત્યારે ઈસુએ કહ્યું: “મેં શેતાનને વીજળીની પેઠે આકાશથી પડેલો જોયો.” (લુક ૧૦:૧૮) એ કહીને ઈસુ ખુશીથી જણાવતા હતા કે ભાવિમાં તે સ્વર્ગમાં મીખાએલ પ્રમુખ દૂત તરીકે દુનિયાના અધિકારી પર જીત મેળવશે. (પ્રકટીકરણ ૧૨:૭-૯) બાઇબલનો ઊંડો અભ્યાસ કરવાથી જોવા મળે છે કે ઈસુને આ જીત ૧૯૧૪માં કે એના થોડા સમય પછી સ્વર્ગમાં મળી ગઈ હતી.a
ત્યારથી જ શેતાન જાણે છે કે તેની ઘડીઓ ગણાઈ રહી છે. ખરું કે ‘આખું જગત શેતાનની સત્તામાં છે,’ તોપણ લાખો લોકો તેની ચાલમાં ફસાયા નથી. બાઇબલે આવા લોકોની આંખો ખોલી છે, જેથી તેઓ શેતાનને અને તેની ચાલાકીઓને પારખી શક્યા છે. (૨ કોરીંથી ૨:૧૧) સાથી ખ્રિસ્તીઓને લખેલા પાઊલના શબ્દોમાંથી તેઓ આશા મેળવે છે: ‘શાંતિદાતા ઈશ્વર શેતાનને વહેલો તમારા પગ તળે છૂંદી નંખાવશે.’b—રોમનો ૧૬:૨૦.
જલદી જ શેતાન પોતાનો છેલ્લો શ્વાસ લેશે. ખ્રિસ્તના પ્રેમાળ રાજ નીચે, ન્યાયી લોકો ધરતીને સુંદર બગીચા જેવી બનાવી દેશે. હિંસા, નફરત અને લોભ હંમેશ માટે જતા રહ્યા હશે. બાઇબલ કહે છે: “આગલી બીનાઓનું સ્મરણ કરવામાં આવશે નહિ.” (યશાયાહ ૬૫:૧૭) જે લોકો આ દુનિયાના અદૃશ્ય અધિકારી અને તેના રાજમાંથી બહાર નીકળી આવ્યા છે, તેઓને કેટલી રાહત મળશે! (w11-E 09/01)
[ફુટનોટ્સ]
a આ તારીખ વિષે વધારે માહિતી મેળવવા પવિત્ર બાઇબલ શું શીખવે છે? પુસ્તકના પાન ૨૧૫-૨૧૭ જુઓ. આ પુસ્તક યહોવાહના સાક્ષીઓએ બહાર પાડ્યું છે.
b પાઊલના શબ્દો ઉત્પત્તિ ૩:૧૫ની ભવિષ્યવાણી તરફ ઇશારો કરે છે. એ બાઇબલની પહેલી ભવિષ્યવાણી છે, જેમાં શેતાનના નાશ વિષે જણાવ્યું છે. એ બનાવનું વર્ણન કરવા પાઊલે જે શબ્દ વાપર્યો એનો અર્થ થાય ‘છૂંદી નાખવું, તોડીને ચૂરેચૂરા કરી નાખવા.’—વાઇન્સ કંમ્પલીટ એક્સ્પોસીટ્રી ડિક્શનરી ઑફ ઓલ્ડ ઍન્ડ ન્યૂ ટેસ્ટામેન્ટ વર્ડસ.
[પાન ૯ પર બ્લર્બ]
ખ્રિસ્તના પ્રેમાળ રાજ નીચે, ન્યાયી લોકો આ ધરતીને સુંદર બગીચા જેવી બનાવી દેશે