ઈશ્વરની અપાર કૃપા માટે આભાર માનીએ
‘અમે સર્વ કૃપા પર કૃપા પામ્યા.’—યોહા. ૧:૧૬.
૧, ૨. (ક) ઈસુએ આપેલા દ્રાક્ષાવાડીના માલિકના ઉદાહરણનું વર્ણન કરો. (ખ) એ ઉદાહરણ કઈ રીતે ઉદારતા અને અપાર કૃપાના ગુણ વિશે બતાવે છે?
એક દ્રાક્ષાવાડીનો માલિક વહેલી સવારે બજારમાં ગયો અને પોતાના કામ માટે તેણે મજૂરો રોક્યા. તેણે તેઓને અમુક ચોક્કસ મહેનતાણું આપવાનું જણાવ્યું અને મજૂરો એ માટે રાજી પણ થયા. પરંતુ, માલિકને હજી વધારે મજૂરોની જરૂર હોવાથી, તે દિવસમાં ઘણી વાર બજારમાં ગયો, જેથી વધારે મજૂરોને રોકી શકે. તેણે બધા મજૂરોને યોગ્ય મહેનતાણું આપવાનું નક્કી કર્યું. દિવસને અંતે, માલિકે બધા મજૂરોને ભેગા કર્યા, જેથી તેઓની મજૂરી ચૂકવી શકે. તે ઘણો ઉદાર હતો. તેથી, ભલે તેઓએ આખો દિવસ કામ કર્યું હોય કે ફક્ત એક જ કલાક, તેણે બધાને એકસરખી મજૂરી ચૂકવી. જોકે, આખો દિવસ કામ કરનારા મજૂરોએ ફરિયાદ કરી ત્યારે, તેણે કહ્યું: ‘શું તમારી સાથે દિવસની મજૂરીનો મેં એક જ દીનાર નક્કી કર્યો નહોતો? મારા પૈસા મારી મરજી મુજબ વાપરવાનો શું મને હક નથી? હું ઉદારતા દર્શાવું તેથી તમારે શા માટે ગુસ્સે થવું જોઈએ?’—માથ. ૨૦:૧-૧૫, IBSI.
૨ ઈસુનું એ ઉદાહરણ આપણને યહોવાની “અપાર કૃપા” વિશે એક મહત્ત્વનો બોધપાઠ શીખવે છે. “અપાર કૃપા” માટે વપરાયેલા ગ્રીક શબ્દનો મોટા ભાગે બધા ગુજરાતી બાઇબલમાં “કૃપા” તરીકે અનુવાદ થયો છે.[1] (૨ કોરીંથી ૬:૧ વાંચો.) અમુકને કદાચ લાગે કે, આખો દિવસ કામ કરનાર મજૂરોને બીજા મજૂરો કરતાં વધારે પૈસા મળવા જોઈતા હતા. પણ, જેઓએ અમુક કલાક જ કામ કર્યું તેઓને માલિકે અપાર કૃપા બતાવી. બાઇબલમાં વપરાયેલા “અપાર કૃપા” શબ્દ વિશે એક નિષ્ણાતે આમ જણાવ્યું: ‘એ શબ્દ એવી ભેટને દર્શાવે છે, જેની માટે વ્યક્તિ લાયક નથી, તેણે કંઈ ચૂકવવું પડતું નથી અને એને કમાઈ પણ શકાતી નથી. છતાં પણ, એ ભેટ તેને આપવામાં આવે છે.’
યહોવાએ આપેલી ઉદાર ભેટ
૩, ૪. યહોવાએ શા માટે આખી માણસજાતને અપાર કૃપા બતાવી છે અને કઈ રીતે?
૩ બાઇબલ જણાવે છે કે, ઈશ્વરની અપાર કૃપા તો એક ‘ભેટ’ છે. (એફે. ૩:૭, NW) આપણે યહોવાને માર્ગે પૂરેપૂરી રીતે ચાલી શકતા નથી. તેથી, ઈશ્વર પાસેથી કોઈ પણ પ્રકારની કૃપા મેળવવાને આપણે લાયક નથી. હકીકતમાં તો, આપણે મરણને જ લાયક છીએ. રાજા સુલેમાને લખ્યું: “જે સારું જ કરે છે અને પાપ કરતો જ નથી એવો નેક માણસ નિશ્ચે પૃથ્વી પર એકે નથી.” (સભા. ૭:૨૦) સમય જતાં, પ્રેરિત પાઊલે લખ્યું: “સઘળાએ પાપ કર્યું છે, અને ઈશ્વરના મહિમા વિશે સઘળા અધૂરા રહે છે” અને “પાપનો મુસારો મરણ છે.”—રોમ. ૩:૨૩; ૬:૨૩ક.
૪ યહોવાએ માણસજાત પર એટલો બધો પ્રેમ કર્યો કે, તેમણે પોતાનો “એકાકીજનિત દીકરો” આપણા માટે આપી દીધો, જેથી તે આપણા માટે મરણ પામે. (યોહા. ૩:૧૬) યહોવાની અપાર કૃપાનો આનાથી મોટો પુરાવો બીજો શો હોય શકે? પાઊલે ઈસુ વિશે કહ્યું કે, તે ‘ઈશ્વરની કૃપાથી સર્વ માણસો માટે મરણ પામ્યા. તેથી, મરણ સહેવાને લીધે તેમના પર ગૌરવ તથા માનનો મુગટ મૂકવામાં આવ્યો.’ (હિબ્રૂ ૨:૯) હા, “આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તને આશરે ઈશ્વરનું કૃપાદાન અનંતજીવન છે.”—રોમ. ૬:૨૩ખ.
૫, ૬. (ક) પાપ આપણા પર રાજ કરે છે ત્યારે, શું પરિણામ આવે છે? (ખ) અપાર કૃપા આપણા પર રાજ કરે છે ત્યારે, શું પરિણામ આવે છે?
૫ મનુષ્યમાં પાપ અને મરણ કઈ રીતે આવ્યું? બાઇબલ જણાવે છે કે, “એકથી [આદમથી] તેના પાપને લીધે મરણે રાજ કર્યું.” (રોમ. ૫:૧૨, ૧૪, ૧૭) આપણે બધા આદમના વંશજો છીએ. તેથી, આપણે બધા અપૂર્ણ છીએ અને મરણ પામીએ છીએ. જોકે, પાપના તાબે થવું કે ન થવું એ આપણા હાથમાં છે. કઈ રીતે? જ્યારે આપણે ઈસુના બલિદાનમાં વિશ્વાસ મૂકીએ છીએ, ત્યારે આપણે યહોવાની અપાર કૃપામાંથી ફાયદો મેળવી શકીએ છીએ. બાઇબલ જણાવે છે: “જ્યાં પાપ અધિક થયું, ત્યાં કૃપા તેથી અધિક થઈ; જેથી જેમ પાપે મરણરૂપી રાજ્યમાં રાજ કર્યું તેમ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા ન્યાયીકરણે કરીને સર્વકાળના જીવનને અર્થે કૃપા પણ રાજ કરે.”—રોમ. ૫:૨૦, ૨૧.
૬ ખરું કે, આપણે બધા પાપી છીએ. તોપણ, પાપ આપણા પર રાજ કરે એવું આપણે ન થવા દેવું જોઈએ. તેથી, ભૂલ કરી બેસીએ ત્યારે, આપણે યહોવા પાસે માફી માંગવી જોઈએ. પાઊલે ચેતવણી આપતા કહ્યું હતું: ‘પાપને તમારા પર રાજ કરવા ન દો; કેમ કે તમે નિયમને આધીન નથી, પણ કૃપાને આધીન છો.’ (રોમ. ૬:૧૪) તો પછી, આપણે કઈ રીતે યહોવાની અપાર કૃપામાંથી ફાયદો મેળવી શકીએ? પાઊલે કહ્યું: ‘ઈશ્વરની કૃપાથી આપણને એવું શિક્ષણ મળે છે કે, અધર્મ તથા ખરાબ કામોનો ત્યાગ કરીને હાલના જમાનામાં સમજદારીથી, પ્રામાણિકપણે તથા ભક્તિભાવ રાખીને વર્તીએ.’—તીત. ૨:૧૧, ૧૨.
ઈશ્વરની ‘અનેક પ્રકારની કૃપા’
૭, ૮. યહોવાની ‘અનેક પ્રકારની કૃપા’ એ શબ્દોનો શો અર્થ થાય? (શરૂઆતનું ચિત્ર જુઓ.)
૭ પ્રેરિત પીતરે લખ્યું: “દરેકને જે કૃપાદાન મળ્યું તે એકબીજાની સેવા કરવામાં ઈશ્વરની અનેક પ્રકારની કૃપાના સારા કારભારીઓ તરીકે વાપરવું.” (૧ પીત. ૪:૧૦) યહોવાની ‘અનેક પ્રકારની કૃપા’ એ શબ્દોનો શો અર્થ થાય? એનો અર્થ થાય કે, આપણા જીવનમાં ગમે એ મુશ્કેલી આવે, શ્રદ્ધામાં ટકી રહેવા યહોવા આપણને હિંમત આપે છે. (૧ પીત. ૧:૬) દરેક કસોટી પર જીત મેળવવા યહોવા આપણને જેની જરૂર છે એ મદદ ચોક્કસ આપશે.
૮ પ્રેરિત યોહાને લખ્યું: “અમે સર્વ તેની ભરપૂરીમાંથી કૃપા પર કૃપા પામ્યા.” (યોહા. ૧:૧૬) યહોવા અલગ અલગ રીતે તેમની અપાર કૃપા બતાવતા હોવાથી, આપણે ઘણા આશીર્વાદો મેળવીએ છીએ. ચાલો, અમુક આશીર્વાદો વિશે જોઈએ.
૯. આપણે કઈ રીતે યહોવાની અપાર કૃપામાંથી ફાયદો મેળવી શકીએ? આપણે કઈ રીતે એ માટે કદર બતાવી શકીએ?
૯ યહોવા આપણાં પાપ માફ કરે છે. આપણે યહોવાના કેટલા આભારી છીએ કે, તે પોતાની અપાર કૃપાને લીધે આપણાં પાપો માફ કરે છે. પણ, જો આપણે પસ્તાવો કરીએ અને ખોટી ઇચ્છા વિરુદ્ધ લડતા રહીએ, તો જ તે આપણને માફ કરે છે. (૧ યોહાન ૧:૮, ૯ વાંચો.) પાઊલે એ સમયના બીજા અભિષિક્તોને જણાવ્યું: ‘યહોવાએ અંધકારના અધિકારમાંથી આપણને છોડાવ્યા તથા પોતાના પ્રિય પુત્રના રાજ્યમાં લાવ્યા. તેનામાં આપણને ઉદ્ધાર, એટલે પાપોની માફી છે.’ (કોલો. ૧:૧૩, ૧૪) ઈશ્વરની કૃપા આપણને તેમનો આભાર માનવા અને તેમનો મહિમા કરવા પ્રેરે છે. આપણાં પાપોની માફી મેળવવાથી આપણને બીજા પણ અદ્ભુત આશીર્વાદો મળે છે.
૧૦. ઈશ્વરની અપાર કૃપાને લીધે આપણે શાનો આનંદ માણી શકીએ છીએ?
૧૦ ઈશ્વર સાથે શાંતિભર્યો સંબંધ કેળવી શકીએ છીએ. આપણે બધા અપૂર્ણ છીએ. તેથી, જન્મથી જ આપણે ઈશ્વરના શત્રુઓ છીએ. તેમ છતાં, પાઊલે કહ્યું: ‘જ્યારે આપણે શત્રુ હતા, ત્યારે ઈશ્વરની સાથે તેના દીકરાના મરણ દ્વારા આપણું તેની સાથે સમાધાન થયું.’ (રોમ. ૫:૧૦) ઈસુના બલિદાનને લીધે જ આપણે યહોવા સાથે સમાધાન કરી શકીએ છીએ. એટલે કે, તેમની સાથે શાંતિભર્યો સંબંધ કેળવી શકીએ છીએ અને તેમના મિત્ર બની શકીએ છીએ. એ લહાવાને યહોવાની અપાર કૃપા સાથે સાંકળતા પાઊલે કહ્યું: “આપણને [ખ્રિસ્તના અભિષિક્ત ભાઈઓને] વિશ્વાસથી ન્યાયી ઠરાવવામાં આવ્યા છે, તેથી આપણે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તને આશરે ઈશ્વરની સાથે સમાધાન પામીએ છીએ; આ જે કૃપામાં આપણે સ્થિર છીએ, તે કૃપામાં ઈસુને આશરે પણ વિશ્વાસથી પ્રવેશ પામેલા છીએ.” (રોમ. ૫:૧, ૨) યહોવા સાથે શાંતિભર્યો સંબંધ જાળવવો શક્ય બન્યો છે, એ માટે આપણે તેમના કેટલા આભારી છીએ!
૧૧. અભિષિક્તો કઈ રીતે “બીજાં ઘેટાં”ને ન્યાયી બનવા મદદ કરે છે?
૧૧ ઈશ્વરની નજરે ન્યાયી બની શકીએ છીએ. પ્રબોધક દાનીયેલે લખ્યું હતું કે, અંતના સમયમાં “સૂજ્ઞો [જ્ઞાનીઓ]” પ્રકાશશે, જેઓ “ઘણાઓને નેકીમાં વાળી” લાવશે. તે જ્ઞાનીઓ અભિષિક્તોને રજૂ કરે છે. (દાનીયેલ ૧૨:૩ વાંચો.) અભિષિક્તો કઈ રીતે એમ કરે છે? તેઓ ખુશખબર ફેલાવવાનું કામ કરે છે અને “બીજાં ઘેટાં”ના લાખો લોકોને યહોવાના નિયમો શીખવે છે. (યોહા. ૧૦:૧૬) એ લાખો લોકો ઈશ્વરની નજરે ન્યાયી બને માટે અભિષિક્તો તેઓને મદદ કરે છે. એ ફક્ત યહોવાની અપાર કૃપાને લીધે જ શક્ય બન્યું છે. એ વિશે પાઊલે સમજાવ્યું: “ઈસુ ખ્રિસ્તથી જે ઉદ્ધાર છે, તેની મારફતે ઈશ્વરની કૃપાથી તેઓ વિનામૂલ્યે ન્યાયી ગણાય છે.”—રોમ. ૩:૨૩, ૨૪.
૧૨. પ્રાર્થના કઈ રીતે ઈશ્વરની અપાર કૃપા સાથે જોડાયેલી છે?
૧૨ આપણે પ્રાર્થના દ્વારા ઈશ્વરની નજીક જઈ શકીએ છીએ. યહોવાની અપાર કૃપાને લીધે આપણે તેમને પ્રાર્થના કરી શકીએ છીએ. પાઊલ યહોવાના રાજ્યાસનને ‘અપાર કૃપાના રાજ્યાસન’ તરીકે ઓળખાવે છે અને આપણને અરજ કરે છે કે આપણે તેમને ‘વિના સંકોચે પ્રાર્થના કરીએ.’ (હિબ્રૂ ૪:૧૬ક, NW) ઈસુના નામે આપણે યહોવાને ગમે ત્યારે પ્રાર્થના કરી શકીએ છીએ. એ સાચે જ મોટો લહાવો છે! પાઊલે કહ્યું કે, “ખ્રિસ્તમાં વિશ્વાસ રાખીને, ભય વિના મુક્ત રીતે” ઈશ્વર પાસે જઈએ.—એફે. ૩:૧૨, ઈઝી-ટુ-રીડ વર્ઝન.
૧૩. અપાર કૃપા કઈ રીતે ‘ખરા સમયે મદદ’ કરી શકે?
૧૩ ખરા સમયે મદદ મેળવી શકીએ છીએ. પાઊલે આપણને જરૂર હોય ત્યારે પ્રાર્થના કરવાનું ઉત્તેજન આપ્યું, ‘જેથી ખરા સમયે મદદ મળે માટે આપણે દયા અને અપાર કૃપા મેળવી શકીએ.’ (હિબ્રૂ ૪:૧૬ખ, NW) મુશ્કેલી કે કસોટીઓના સમયમાં આપણે યહોવા પાસે મદદ માટે કાલાવાલા કરી શકીએ. આપણે તો એને લાયક પણ નથી કે, યહોવા આપણી પ્રાર્થનાઓને કાન ધરે. તોપણ, તે આપણી પ્રાર્થનાઓ સાંભળે છે અને એનો જવાબ આપે છે. આપણને મદદ કરવા તે ઘણી વાર આપણાં ભાઈ-બહેનોનો ઉપયોગ કરે છે. આપણે “ખાતરીપૂર્વક કહી શકીએ છીએ કે, પ્રભુ [યહોવા] મને સહાય કરનાર છે; હું બીહિશ નહિ: માણસ મને શું કરનાર છે?”—હિબ્રૂ ૧૩:૬.
૧૪. યહોવાની અપાર કૃપાથી આપણને કઈ રીતે દિલાસો મળે છે?
૧૪ આપણે દિલાસો મેળવી શકીએ છીએ. લાગણીમય રીતે તૂટી ગયા હોઈએ ત્યારે, યહોવા આપણને દિલાસો આપે છે. એ કેટલો મોટો આશીર્વાદ છે! (ગીત. ૫૧:૧૭) થેસ્સાલોનિકી મંડળનાં ભાઈ-બહેનો સતાવણી સહી રહ્યાં હતાં ત્યારે, પાઊલે તેઓને લખ્યું: ‘હવે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે અને ઈશ્વર આપણા પિતા, જેમણે આપણા પર પ્રેમ રાખ્યો, ને કૃપા કરીને આપણને સર્વકાળનો દિલાસો ને સારી આશા આપ્યાં, તે તમારાં હૃદયોને દિલાસો આપો, ને દરેક સારા કામમાં તથા વચનમાં તમને દૃઢ કરો.’ (૨ થેસ્સા. ૨:૧૬, ૧૭) યહોવા આપણને ચાહે છે અને આપણી કાળજી રાખે છે, એ જાણીને દિલને કેટલી રાહત મળે છે!
૧૫. ઈશ્વરની અપાર કૃપાને લીધે આપણી પાસે કઈ આશા છે?
૧૫ આપણને હંમેશના જીવનની આશા છે. આપણે બધા પાપી છીએ. યહોવાની મદદ વગર આપણું ભાવિ ધૂંધળું છે. (ગીતશાસ્ત્ર ૪૯:૭, ૮ વાંચો.) પણ, યહોવાએ આપણને એક સુંદર આશા આપી છે. એ કઈ છે? ઈસુએ કહ્યું: ‘મારા પિતાની ઇચ્છા એ છે કે, જે કોઈ દીકરાને જોઈને તેના પર વિશ્વાસ કરશે, તેને અનંતજીવન મળશે; અને છેલ્લે દહાડે હું તેને પાછો ઉઠાડીશ.’ (યોહા. ૬:૪૦) આમ, યહોવાની અપાર કૃપાને લીધે આપણી પાસે હંમેશ માટે જીવવાની આશા છે. પાઊલે કહ્યું: “ઈશ્વરની જે કૃપા સઘળાં માણસોનું તારણ કરે છે તે પ્રગટ થઈ છે.”—તીત. ૨:૧૧.
ઈશ્વરની અપાર કૃપાનો દુરુપયોગ ન કરો
૧૬. પહેલી સદીના અમુક ખ્રિસ્તીઓએ કઈ રીતે ઈશ્વરની અપાર કૃપાનો દુરુપયોગ કર્યો?
૧૬ યહોવાની અપાર કૃપાને લીધે આપણે ઘણા બધા આશીર્વાદોનો આનંદ માણીએ છીએ. જોકે, આપણે ઈશ્વરની અપાર કૃપાનો દુરુપયોગ ન કરવો જોઈએ. એટલે કે, એને પાપ કરવાનું બહાનું ન ગણવું જોઈએ. પહેલી સદીમાં એવા અમુક ખ્રિસ્તીઓ હતા, જેઓ ‘આપણા ઈશ્વરની કૃપાનો બેશરમ કામોમાં દુરુપયોગ’ કરતા હતા. (યહુ. ૪) એ બેવફા ઈશ્વરભક્તોના મનમાં કદાચ હતું કે, તેઓ પાપ કરતા રહી શકે અને યહોવા હંમેશાં માફ કરતા રહેશે. એટલું જ નહિ, તેઓએ બીજા ઈશ્વરભક્તોને પણ પોતાના પાપના ભાગીદાર બનાવવાની કોશિશ કરી. આજે પણ, જે કોઈ એવું કરે છે, તે ‘કૃપા આપનારી પવિત્ર શક્તિનું અપમાન’ કરે છે.—હિબ્રૂ ૧૦:૨૯.
૧૭. પીતરે કઈ સલાહ આપી?
૧૭ શેતાને આજે પણ અમુક ઈશ્વરભક્તોને એવું માનવા છેતર્યા છે કે, તેઓ પાપ કરતા રહી શકે અને તેઓને આપોઆપ યહોવા પાસેથી માફી મળતી રહેશે. એ સાચું છે કે, પસ્તાવો કરનાર વ્યક્તિને યહોવા દિલથી માફ કરવા ચાહે છે. જોકે, તે એ પણ ચાહે છે કે આપણે ખોટી ઇચ્છા વિરુદ્ધ લડીએ. યહોવાએ પીતરને આમ લખવા પ્રેર્યા: “માટે, વહાલાઓ, તમે અગાઉથી ચેતીને સાવધ થાઓ કે, અધર્મીઓની ભૂલથી ખેંચાઈ જઈને તમે તમારી સ્થિરતાથી ન ડગો. પણ આપણા પ્રભુ તથા તારનાર ઈસુ ખ્રિસ્તની કૃપામાં તથા જ્ઞાનમાં તમે વધતા જાઓ.”—૨ પીત. ૩:૧૭, ૧૮.
અપાર કૃપાને લીધે આવતી જવાબદારીઓ
૧૮. યહોવાની અપાર કૃપાને લીધે આપણા પર કઈ જવાબદારીઓ આવે છે?
૧૮ યહોવાની અપાર કૃપા માટે આપણે તેમના ખૂબ આભારી છીએ. તેથી, આપણને મળેલાં કૃપાદાનો કે ભેટોનો ઉપયોગ બીજાઓને મદદ કરવા અને યહોવાને મહિમા આપવા કરવો જોઈએ. એમ કરવું આપણી ફરજ છે. આપણે કઈ રીતે એ ભેટોનો ઉપયોગ કરી શકીએ? પાઊલે કહ્યું: ‘આપણને જે કૃપાદાન આપવામાં આવ્યું છે, તે પ્રમાણે આપણને જુદાં જુદાં વરદાન મળ્યાં છે; તેથી જો સેવાનું, તો સેવામાં તત્પર રહેવું; વળી જે શિક્ષક હોય તેણે શિક્ષણ આપવામાં મંડ્યા રહેવું; અને જે સુબોધ કરનાર, તેણે સુબોધ કરવામાં લાગુ રહેવું; અને જે દયા રાખે, તેણે ઉમંગથી રાખવી.’ (રોમ. ૧૨:૬-૮) તેથી, યહોવાની અપાર કૃપાને લીધે આપણી જવાબદારી બને છે કે, આપણે પ્રચારકામમાં મહેનત કરીએ, બીજાઓને બાઇબલમાંથી શીખવીએ, આપણાં ભાઈ-બહેનોને ઉત્તેજન આપીએ અને આપણને દુઃખ પહોંચાડનારને માફ કરીએ.
૧૯. આવતા લેખમાં આપણે શાની ચર્ચા કરીશું?
૧૯ આપણને બધાને યહોવાની અપાર કૃપાનો આશીર્વાદ મળ્યો છે. તેથી, આપણી જવાબદારી બને છે કે, ‘ઈશ્વરની કૃપાની સુવાર્તાની સાક્ષી આપવા’ બનતું બધું કરીએ. (પ્રે.કૃ. ૨૦:૨૪) આવતા લેખમાં આપણે એ જવાબદારી વિશે શીખીશું.
^ [૧] (ફકરો ૨) આ અને આવતા લેખમાં જ્યારે બાઇબલની કલમમાં “કૃપા” શબ્દ આવે, ત્યારે એ ઈશ્વરની “અપાર કૃપા”ને દર્શાવે છે. “અપાર કૃપા” માટે જે ગ્રીક શબ્દ વપરાયો છે એનો મુખ્ય વિચાર છે કે, યોગ્ય હોય એવું અને પસંદ પડે એવું. મોટા ભાગે આ શબ્દ ભેટ અથવા પ્રેમથી કંઈક આપવાને રજૂ કરવા વપરાય છે. ઈશ્વરની અપાર કૃપાની વાત થાય ત્યારે, એ શબ્દ કંઈ પણ પાછું મેળવવાના ઇરાદા વગર ઈશ્વરે ઉદારતાથી આપેલી ભેટને બતાવે છે. આમ, ઈશ્વરે મનુષ્યો માટે બતાવેલી ઉદારતા, પુષ્કળ પ્રેમ અને દયાને આ શબ્દ રજૂ કરે છે. ગ્રીક શબ્દ માટે “કૃપા,” “દયા” અને “ઉદાર ભેટ” જેવા શબ્દો પણ વાપરવામાં આવ્યા છે. કમાણી તરીકે અને લાયકાતને આધારે એ આપવામાં આવતી નથી, પણ એ ફક્ત આપનારની ઉદારતા પર આધારિત છે.