પ્રકરણ ૮
તેઓ દુષ્ટ રાજાના હાથમાંથી છટકી જાય છે
ઈસુનું કુટુંબ ઇજિપ્ત નાસી છૂટે છે
યુસફ પોતાના કુટુંબને નાઝરેથ લઈ જાય છે
યુસફે એક મહત્ત્વના સમાચાર આપવા મરિયમને ઊંઘમાંથી જગાડી. યહોવાનો દૂત યુસફને હમણાં જ સપનામાં દેખાયો અને જણાવ્યું: “ઊઠ, બાળક અને એની માને લઈને ઇજિપ્ત નાસી જા; જ્યાં સુધી હું કહું નહિ ત્યાં સુધી ત્યાં જ રહેજે, કેમ કે હેરોદ બાળકને મારી નાખવા શોધ કરવાનો છે.”—માથ્થી ૨:૧૩.
યુસફ રાતોરાત મરિયમ અને પોતાના દીકરાને લઈને નાસી ગયા. તેઓ માંડ માંડ છટકી ગયા, કેમ કે હેરોદને ખબર પડી ગઈ હતી કે જ્યોતિષીઓ તેને છેતરી ગયા હતા. રાજાએ જણાવ્યું હતું કે તેઓ પાછા આવીને ખબર આપે. જ્યારે કે તેઓ દેશ છોડીને ચાલ્યા ગયા હતા. હેરોદનો ગુસ્સો ભભૂકી ઊઠ્યો. તે હજુ પણ ઈસુને મારી નાખવા માંગતો હતો. એટલે, તેણે હુકમ આપ્યો કે બેથલેહેમ અને એની આસપાસના વિસ્તારોમાં બે વર્ષ કે એનાથી નાના બધા છોકરાઓની કતલ કરવામાં આવે. પૂર્વથી આવેલા જ્યોતિષીઓ પાસેથી હેરોદને જે માહિતી મળી, એને આધારે તેણે એ ઉંમર નક્કી કરી હતી.
બધા છોકરાઓની ઠંડા કલેજે હત્યા કરવી કેટલું ક્રૂર કહેવાય! ખબર નથી કે કેટલા માસૂમ છોકરાઓ માર્યા ગયા; પણ, પોતાના કાળજાના ટુકડાથી વિખૂટી પડેલી માતાઓનાં મોટાં વિલાપ અને રૂદનથી બાઇબલની એક ભવિષ્યવાણી પૂરી થઈ, જે ઈશ્વરના પ્રબોધક યિર્મેયાએ કરી હતી.—યિર્મેયા ૩૧:૧૫.
એ સમય સુધીમાં તો, યુસફ પોતાના કુટુંબ સાથે ઇજિપ્ત નાસી છૂટ્યા અને તેઓ ત્યાં જ રહેવા લાગ્યા. પછી, એક રાતે યહોવાનો દૂત ફરીથી યુસફને સપનામાં દેખાયો. દૂતે કહ્યું: “ઊઠ, બાળકને તથા એની માને લઈને ઇઝરાયેલ દેશમાં જા, કેમ કે જેઓ બાળકનો જીવ લેવા માંગતા હતા તેઓ મરણ પામ્યા છે.” (માથ્થી ૨:૨૦) તેથી, યુસફને લાગ્યું કે હવે પોતે પોતાના કુટુંબ સાથે વતન પાછા ફરી શકે છે. આ રીતે બાઇબલની બીજી એક ભવિષ્યવાણી પૂરી થઈ, જે કહે છે કે ઈશ્વરના દીકરાને ઇજિપ્તમાંથી બોલાવવામાં આવ્યો.—હોશીઆ ૧૧:૧.
યુસફ ચાહતા હતા કે તેમનું કુટુંબ યહુદિયામાં, કદાચ બેથલેહેમ શહેરની નજીક ઠરીઠામ થાય. તેઓ ઇજિપ્ત નાસી ગયા એ પહેલાં ત્યાં જ રહેતા હતા. પરંતુ, તેમને જાણ થઈ કે હેરોદનો દુષ્ટ પુત્ર આર્ખિલાઉસ હવે યહુદિયાનો રાજા હતો. બીજા એક સપનામાં ઈશ્વરે એ જોખમની યુસફને ચેતવણી આપી. એટલે, યુસફ અને તેમના કુટુંબે ઉત્તર તરફ આગળ મુસાફરી કરી. તેઓ ગાલીલ વિસ્તારમાં આવેલા નાઝરેથ શહેરમાં જઈને વસ્યા. એ શહેર યહુદી ધાર્મિક સ્થળ યરૂશાલેમથી દૂર આવેલું હતું. ઈસુ ત્યાં મોટા થયા, જેનાથી બીજી એક ભવિષ્યવાણી પૂરી થઈ: “તે નાઝારી કહેવાશે.”—માથ્થી ૨:૨૩.