ચોથું પ્રકરણ
યહોવાહની ઉપાસના ચડિયાતી થઈ
૧, ૨. યુનાઈટેડ નેશન્સની ઇમારત પર કયા શબ્દો કોતરવામાં આવ્યા છે, અને એ શબ્દો મૂળ ક્યાંથી આવ્યા?
“તેઓ પોતાની તરવારોને ટીપીને કોશો, અને પોતાના ભાલાઓનાં ધારિયાં બનાવશે; પ્રજાઓ એકબીજીની વિરૂદ્ધ તરવાર ઉગામશે નહિ, અને તેઓ ફરીથી યુદ્ધકળા શીખશે નહિ.” આ શબ્દો ન્યૂયૉર્ક શહેરમાં યુનાઈટેડ નેશન્સ (યુએન)ની ઇમારતની દીવાલ પર કોતરવામાં આવ્યા છે. વર્ષો સુધી જણાવાયું ન હતું કે એ શબ્દો કોના છે. સર્વત્ર શાંતિ લાવવાનો યુએનનો ધ્યેય હોવાથી, એમ માનવું સહેલું હતું કે ૧૯૪૫માં એની સ્થાપના કરનાર પાસેથી એ શબ્દો આવ્યા હોવા જોઈએ.
૨ જો કે ૧૯૭૫માં એ લખાણ નીચે યશાયાહનું નામ કોતરવામાં આવ્યું. હા, એ શબ્દો કંઈ આપણા સમયમાં લખાયા ન હતા. એ તો ૨,૭૦૦ વર્ષ પહેલાં ભવિષ્યવાણી તરીકે લખાયા હતા, જે યશાયાહના પુસ્તકના બીજા અધ્યાયમાં મળી આવે છે. ઘણા સમયથી શાંતિચાહકો જાણવા માંગે છે કે, યશાયાહની એ ભવિષ્યવાણી કઈ રીતે અને ક્યારે પૂરી થશે. જો કે હવે એ જાણવા આપણે રાહ જોવાની જરૂર નથી. આજે આપણા સમયમાં જ એ ભવિષ્યવાણી અદ્ભુત રીતે પૂરી થઈ રહી છે.
૩. તરવારોને ટીપીને કોશો બનાવનારી આ પ્રજાઓ કોણ છે?
૩ તરવારોને ટીપીને કોશો બનાવનારી આ પ્રજાઓ કોણ છે? તેઓ કંઈ આજના દેશો અને સરકારો નથી, કેમ કે તેઓ તો તરવારો, અથવા લડાઈના સાધનો બનાવવામાં મશગુલ છે. તેઓ એનો ઉપયોગ યુદ્ધ કરવા અને પોતાની તાકાત બતાવીને “શાંતિ” જાળવવા કરે છે. ખરું જોતા, આજની સરકારોનું વલણ સાવ ઊંધું છે, તેઓ તો કોશોને ટીપીને તરવારો બનાવી રહ્યા છે! પરંતુ, યશાયાહની ભવિષ્યવાણી એવા લોકોમાં પૂરી થાય છે, જેઓ સર્વ દેશોમાંથી આવે છે અને જેઓ ‘શાંતિના દેવ’ યહોવાહની ભક્તિ કરે છે.—ફિલિપી ૪:૯.
શુદ્ધ ઉપાસના કરતી પ્રજાઓ
૪, ૫. યશાયાહના બીજા અધ્યાયની શરૂઆતની કલમો શું ભાખે છે, અને એ શબ્દોની કઈ રીતે ખાતરી આપવામાં આવી?
૪ યશાયાહનો બીજો અધ્યાય આ શબ્દોથી શરૂ થાય છે: “આમોસના પુત્ર યશાયાહને યહુદાહ તથા યરૂશાલેમ સંબંધી સંદર્શનમાં જે વાત પ્રગટ થઈ તે. છેલ્લા કાળમાં યહોવાહના મંદિરનો પર્વત પહાડોનાં શિખરો પર સ્થાપન થશે, ને ડુંગરો કરતાં તેને ઊંચો કરવામાં આવશે; અને સર્વ પ્રજાઓ તેમાં પ્રવાહની પેઠે પ્રવેશ કરશે.”—યશાયાહ ૨:૧, ૨.
૫ યશાયાહે જે ભાખ્યું એ કંઈ સ્વપ્ન ન હતું. યશાયાહને એવા બનાવો લખી લેવા જણાવવામાં આવ્યું હતું, જે ચોક્કસ પૂરા થશે. યહોવાહ જે કંઈ ધારે, એ હંમેશા ‘સફળ થાય’ છે. (યશાયાહ ૫૫:૧૧) યશાયાહના સમયમાં બીજા એક પ્રબોધક મીખાહ હતા. યહોવાહ પોતાના વચનની ખાતરી આપવા, તેમને પણ યશાયાહ ૨:૨-૪ જેવી જ ભવિષ્યવાણી લખવાની પ્રેરણા આપે છે.—મીખાહ ૪:૧-૩.
૬. યશાયાહની ભવિષ્યવાણી ક્યારે પૂરી થાય છે?
૬ યશાયાહની ભવિષ્યવાણી ક્યારે પૂરી થવાની હતી? “છેલ્લા કાળમાં.” સરળ ભાષાનું પવિત્ર બાઇબલ કહે છે: “છેલ્લા દિવસોમાં.” ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રમાં એ સમયમાં થનાર બનાવો ભાખવામાં આવ્યા. એમાં યુદ્ધો, ધરતીકંપો, બીમારીઓ, ખોરાકની અછત અને ‘સંકટના વખતોનો’ સમાવેશ થાય છે.a (૨ તીમોથી ૩: ૧-૫; લુક ૨૧:૧૦, ૧૧) એવી ભવિષ્યવાણીઓ જ પુરાવો આપે છે કે આપણે “છેલ્લા કાળમાં,” આ જગતના છેલ્લા દિવસોમાં જીવી રહ્યા છે. તેથી, વાજબી રીતે જ યશાયાહે ભાખેલી બાબતો પૂરી થવાની આપણે અપેક્ષા રાખીએ છીએ.
ઉપાસનાની જગ્યા
૭. યશાયાહ કેવું પ્રબોધકીય ચિત્ર રજૂ કરે છે?
૭ યશાયાહ થોડા જ શબ્દોમાં પ્રબોધકીય ચિત્રનું સુંદર વર્ણન કરે છે. આપણે એક ઊંચો પર્વત જોઈએ છીએ, જેના પર યહોવાહનું ભવ્ય મંદિર મુગટ સમાન શોભે છે. બીજા બધા પર્વતો અને ડુંગરોથી એ પર્વત ખૂબ જ ઊંચો છે. તોપણ, એ જોઈને ચઢવાની હિંમત હારી જવાય એવો નથી. સર્વ દેશોમાંના લોકો યહોવાહના મંદિરના એ પર્વત પર પ્રવાહની પેઠે પ્રવેશ કરી રહ્યા છે. એની કલ્પના કરવી સહેલું છે, પણ એનો અર્થ શું થાય છે?
૮. (ક) યશાયાહના સમયમાં ડુંગર અને પર્વતો શું દર્શાવતા હતા? (ખ) ‘યહોવાહના મંદિરના પર્વત’ પર પ્રજાઓ પ્રવાહની પેઠે પ્રવેશ કરે છે, એ શું ચિત્રિત કરે છે?
૮ યશાયાહના સમયમાં મોટે ભાગે ડુંગર અને પર્વતો પર ઉપાસના થતી. દાખલા તરીકે, એના પર મૂર્તિપૂજા માટે જૂઠા દેવોની વેદીઓ હતી. (પુનર્નિયમ ૧૨:૨; યિર્મેયાહ ૩:૬) જો કે યહોવાહનું મંદિર તો યરૂશાલેમના મોરીયાહ પર્વતના શિખરે આવેલું હતું. વિશ્વાસુ ઈસ્રાએલીઓ વર્ષમાં ત્રણ વખત મોરીયાહ પર્વત પર સાચા દેવની ભક્તિ કરવા ચઢતા. (પુનર્નિયમ ૧૬:૧૬) તેથી, ‘યહોવાહના મંદિરના પર્વત’ પર પ્રજાઓ પ્રવાહની પેઠે પ્રવેશ કરશે, એ સાચી ઉપાસના માટે ઘણા લોકોનું ભેગા થવું ચિત્રિત કરે છે.
૯. “યહોવાહના મંદિરનો પર્વત” શું દર્શાવે છે?
૯ જો કે આજે યહોવાહના લોકો પર્વત પર આવેલા પથ્થરના મંદિરમાં ભક્તિ કરતા નથી. યહોવાહનું મંદિર તો રૂમી લશ્કરોએ ૭૦ની સાલમાં નાશ કરી નાખ્યું હતું. એ સિવાય, પ્રેષિત પાઊલે પણ સ્પષ્ટ કર્યું કે યરૂશાલેમનું મંદિર અને એના પહેલાનો મુલાકાતમંડપ, એ બંને ભાવિનું ચિત્ર રજૂ કરતા હતા. એ તો એવા મહાન, આત્મિક બંધારણને દર્શાવે છે, જે “મંડપ માણસોએ નહિ પણ પ્રભુએ ઊભો કરેલો છે.” (હેબ્રી ૮:૨) એ આત્મિક મંડપ યહોવાહની ભક્તિ કરવાની ગોઠવણ છે, જે ઈસુ ખ્રિસ્તના ખંડણી બલિદાન પર આધારિત છે. (હેબ્રી ૯:૨-૧૦, ૨૩) એની સુમેળમાં, યશાયાહ ૨:૨માંનો “યહોવાહના મંદિરનો પર્વત” આપણા સમયમાં ચડિયાતી બનેલી યહોવાહની ભક્તિને રજૂ કરે છે. તેથી, શુદ્ધ ઉપાસના કરનારાઓ કંઈ અમુક જગ્યાએ ભેગા થતા નથી, પણ તેઓ યહોવાહની ઉપાસનામાં એક થાય છે.
શુદ્ધ ઉપાસના ચડિયાતી કરવી
૧૦, ૧૧. આજે યહોવાહની શુદ્ધ ભક્તિ કઈ રીતે ચડિયાતી થઈ છે?
૧૦ પ્રબોધક કહે છે કે “યહોવાહના મંદિરનો પર્વત” અથવા શુદ્ધ ઉપાસના “પહાડોનાં શિખરો પર સ્થાપન થશે.” તેમ જ, “ડુંગરો કરતાં તેને ઊંચો કરવામાં આવશે.” યશાયાહથી લાંબા સમય અગાઉ, રાજા દાઊદ કરારકોશ યરૂશાલેમમાં સિયોન પર્વત પર લઈ આવ્યા. એ પર્વત સમુદ્રની સપાટીથી ૭૬૦ મીટર ઊંચો હતો. મોરીયાહ પર્વત પરનું મંદિર બંધાયું પછી, કરારકોશ ત્યાં લઈ જવાયો. ત્યાં સુધી કરારકોશ એ જ જગ્યાએ હતો. (૨ શમૂએલ ૫:૭; ૬:૧૪-૧૯; ૨ કાળવૃત્તાંત ૩:૧; ૫:૧-૧૦) આમ, યશાયાહના સમય સુધીમાં તો, પવિત્ર કોશને ખરેખર ઊંચો ચડાવીને મંદિરમાં મૂકવામાં આવ્યો હતો. આજુબાજુના ઘણા ડુંગરો પર જૂઠી ઉપાસના થતી હતી, એના કરતાં એ જગ્યા ઊંચી હતી.
૧૧ ખરું જોતા, જૂઠા દેવો કરતાં યહોવાહ પરમેશ્વરની ઉપાસના હંમેશા ચડિયાતી રહી છે. આપણા સમયમાં, યહોવાહે પોતાની શુદ્ધ ભક્તિ એકદમ ચડિયાતી કરી છે. એ સર્વ પ્રકારની ખોટી ભક્તિથી, હા, સર્વ “ડુંગરો” અને “પહાડોનાં શિખરો” કરતાં ઊંચી છે. કઈ રીતે? યહોવાહે પોતાની “આત્માથી તથા સત્યતાથી” ભક્તિ કરનારાઓને એકતામાં લાવીને, એમ કર્યું છે.—યોહાન ૪:૨૩.
૧૨. “રાજ્યનાં છૈયાં” કોણ છે, અને કોને ભેગા કરવામાં આવ્યા છે?
૧૨ ઈસુ ખ્રિસ્તે “જગતનો અંત” કાપણી સાથે સરખાવ્યો. એ સમયે સ્વર્ગ દૂતો “રાજ્યનાં છૈયાં” ભેગા કરશે, જેઓની આશા સ્વર્ગમાં ઈસુ સાથે રાજ કરવાની છે. (માત્થી ૧૩:૩૬-૪૩) યહોવાહે તેઓમાંના ‘બાકીનાં સંતાનને,’ ૧૯૧૯થી કાપણીના કાર્યમાં સ્વર્ગ દૂતો સાથે કામ કરવા શક્તિમાન કર્યા છે. (પ્રકટીકરણ ૧૨:૧૭) આમ, શરૂઆતમાં “રાજ્યનાં છૈયાં,” ઈસુના અભિષિક્ત ભાઈઓને ભેગા કરવામાં આવ્યા. પછી, તેઓ હજુ વધારે કાપણી ભેગી કરવાનું કાર્ય ચાલુ રાખે છે.
૧૩. યહોવાહે અભિષિક્ત જનોને કઈ રીતે આશીર્વાદ આપ્યો છે?
૧૩ આ કાપણીના સમયમાં, યહોવાહે અભિષિક્ત શેષભાગને બાઇબલ સમજીને લાગુ પાડવા ધીમે ધીમે મદદ કરી. એ કારણે પણ શુદ્ધ ઉપાસના ચડિયાતી થઈ. અભિષિક્ત જનો યહોવાહ પરમેશ્વર દ્વારા શુદ્ધ થયા અને ચકાસાયા છે. તેથી, ‘પૃથ્વી અને લોકોને ઘોર અંધકાર ઢાંકે છે,’ પણ અભિષિક્ત જનો જગતમાં ‘જ્યોતિઓ જેવા દેખાય છે.’ (યશાયાહ ૬૦:૨; ફિલિપી ૨:૧૫) “સર્વે આત્મિક સમજણ તથા બુદ્ધિમાં દેવની ઇચ્છાના જ્ઞાનથી ભરપૂર” થઈને, આ અભિષિક્ત જનો ‘પોતાના બાપના રાજ્યમાં સૂરજની પેઠે પ્રકાશે છે.’—કોલોસી ૧:૯; માત્થી ૧૩:૪૩.
૧૪, ૧૫. “રાજ્યનાં છૈયાં” સાથે સાથે બીજા કયા લોકોને ભેગા કરવામાં આવ્યા છે, અને હાગ્ગાયે એ વિષે શું ભાખ્યું હતું?
૧૪ વધુમાં, ‘યહોવાહના મંદિરના પર્વત’ પર બીજા લોકો પણ જોડાયા છે. ઈસુ ખ્રિસ્તે તેઓને “બીજાં ઘેટાં” કહ્યા, જેઓની આશા સુંદર-સુખી પૃથ્વી પર હંમેશ માટે જીવવાની છે. (યોહાન ૧૦:૧૬; પ્રકટીકરણ ૨૧:૩, ૪) તેઓની શરૂઆત ૧૯૩૦ પછી થઈ. એ સમયે હજારો અને હવે લાખોની સંખ્યામાં તેઓ જોવા મળે છે! પ્રેષિત યોહાનને આપવામાં આવેલા સંદર્શનમાં તેઓનું વર્ણન આ રીતે કરવામાં આવ્યું છે: “સર્વ દેશોમાંથી આવેલા, સર્વ કુળના, લોકના તથા ભાષાના, કોઈથી ગણી શકાય નહિ એટલા માણસોની એક મોટી સભા!”—પ્રકટીકરણ ૭:૯.
૧૫ પ્રબોધક હાગ્ગાયે આ મોટી સભા વિષે ભાખતા લખ્યું: “સૈન્યોનો દેવ યહોવાહ આમ કહે છે: હજી એક વાર થોડી મુદ્દત પછી હું આકાશોને, પૃથ્વીને, સમુદ્રને તેમજ કોરી ભૂમિને હલાવીશ; હું સર્વ પ્રજાઓને હલાવી નાખીશ, ને સર્વ પ્રજાઓની કિંમતી વસ્તુઓ [અભિષિક્ત ખ્રિસ્તીઓ સાથે શુદ્ધ ઉપાસના કરનારાઓ] આવશે, ને હું આ મંદિરને ગૌરવથી ભરીશ, એવું સૈન્યોનો દેવ યહોવાહ કહે છે.” (હાગ્ગાય ૨:૬, ૭) આ વધી રહેલી “મોટી સભા” અને તેઓના સાથી અભિષિક્ત જનો યહોવાહના મંદિરમાં શુદ્ધ ભક્તિને વધારે છે, હા, મહિમાવાન બનાવે છે. અગાઉ કદી પણ સાચા પરમેશ્વરની ભક્તિ કરવા ભેગા થયેલા લોકોની સંખ્યા આટલી બધી ન હતી. ખરેખર, એનાથી યહોવાહને અને તેમના રાજ્યના રાજા, ઈસુ ખ્રિસ્તને મહિમા મળે છે. રાજા સુલેમાને લખ્યું: “ઘણી પ્રજા તે રાજાનું માન છે.”—નીતિવચનો ૧૪:૨૮.
યહોવાહ ઉપાસના પ્રથમ મૂકવી
૧૬-૧૮. યહોવાહની ઇચ્છા પ્રમાણે તેમની ભક્તિ કરવા, કેટલાકે કેવા ફેરફારો કર્યા છે?
૧૬ આપણા સમયમાં વધતી જતી શુદ્ધ ઉપાસનાના સર્વ મહિમા માટે, ફક્ત યહોવાહ જ લાયક છે. તેમ છતાં, તેમની સાથે સંબંધ બાંધનારાઓને આ કાર્ય કરવાનો મોકો છે. પણ એ સહેલું નથી. જેમ પર્વત પર ચડવા માટે પ્રયત્નની જરૂર પડે છે, તેમ તેમનાં ન્યાયી ધોરણો શીખીને, એ પ્રમાણે જીવવા સખત પ્રયત્ન જરૂરી છે. પ્રથમ સદીના ખ્રિસ્તીઓની જેમ જ, આજે સાચા ઉપાસકોએ અયોગ્ય જીવન-ઢબ અને ગંદા આચરણો છોડી દીધાં છે. વ્યભિચારીઓ, મૂર્તિપૂજકો, લંપટો, ચોરો, લોભીઓ, છાકટા, નિંદકો તથા બીજાઓએ પોતાના જીવન બદલ્યા છે અને યહોવાહની નજરમાં “શુદ્ધ થયા” છે.—૧ કોરીંથી ૬:૯-૧૧.
૧૭ એક યુવતીએ પોતાના વિષે જણાવતા લખ્યું: “એક સમયે મને કોઈ જ આશા ન હતી. મારું જીવન અનૈતિક હતું અને હું ખૂબ દારૂ પીતી હતી. મને જાતીય રોગો થયા હતા. હું ડ્રગ્સ પણ વેચતી, બસ મને જાણે કશાની પડી ન હતી.” બાઇબલ વિષે શીખ્યા પછી, તેણે યહોવાહના ધોરણો પ્રમાણે મોટા ફેરફારો કર્યા. હવે તે કહે છે: “હવે હું મનની શાંતિ, સ્વમાન, ભાવિની આશા, પ્રેમાળ કુટુંબ અને સૌથી મહત્ત્વનું તો આપણા પિતા, યહોવાહ સાથે સારા સંબંધનો આનંદ માણું છું.”
૧૮ જો કે એક વાર યહોવાહની કૃપા મેળવી લીધી એટલે બસ, એવું નથી. પરંતુ, દરેક જણે શુદ્ધ ઉપાસના ચડિયાતી બનાવવા, એને પોતાના જીવનમાં પ્રથમ મૂકવાનું ચાલુ જ રાખવાનું છે. હજારો વર્ષો અગાઉ, યહોવાહે યશાયાહ દ્વારા પોતાનો ભરોસો વ્યક્ત કર્યો કે, મોટી સંખ્યામાં એવા લોકો હશે, જેઓ તેમની ઉપાસના પ્રથમ મૂકશે. શું તમે પણ તેઓમાંના એક છો?
યહોવાહનો માર્ગ શીખતા લોકો
૧૯, ૨૦. યહોવાહના લોકોને કેવું શિક્ષણ આપવામાં આવે છે અને ક્યાં?
૧૯ યહોવાહના આજના શુદ્ધ ઉપાસકો વિષે યશાયાહ આપણને વધુ જણાવે છે: “ઘણા લોકો જઇને કહેશે, ચાલો, આપણે યહોવાહના પર્વત પાસે, યાકૂબના દેવના મંદિર પાસે, ચઢી જઈએ; તે આપણને તેના માર્ગ શિખવશે, ને આપણે તેના રસ્તામાં ચાલીશું; કેમકે નિયમશાસ્ત્ર સિયોનમાંથી ને યહોવાહનાં વચન યરૂશાલેમમાંથી નીકળશે.”—યશાયાહ ૨:૩.
૨૦ યહોવાહ પોતાના લોકોને પાળક વિનાના ઘેટાંની જેમ, ભટકવા દેતા નથી. તે તેઓને પોતાના માર્ગો વિષે શીખવવા, બાઇબલ અને બાઇબલ પરના સાહિત્યથી, “નિયમશાસ્ત્ર” અને તેમનાં “વચન” આપે છે. આ જ્ઞાન તેઓને ‘તેમના રસ્તામાં ચાલવા’ મદદ કરે છે. તેઓ ખરેખર એની કદર કરે છે. તેથી, યહોવાહના કહ્યા પ્રમાણે, તેઓ એકબીજાને તેમના માર્ગ વિષે જણાવે છે. તેઓ સંમેલનોમાં, સભાઓમાં અને ઘરોમાં ભેગા મળે છે, જેથી પરમેશ્વરના માર્ગ વિષે શીખી શકે. (પુનર્નિયમ ૩૧:૧૨, ૧૩) આમ, તેઓ શરૂઆતના ખ્રિસ્તીઓ જેવા છે, જેઓ “પ્રેમ રાખવાને તથા સારાં કામ કરવા” અરસપરસ ઉત્તેજન આપવા ભેગા મળતા હતા.—હેબ્રી ૧૦:૨૪, ૨૫.
૨૧. યહોવાહના સાક્ષીઓ કયા કાર્યમાં ભાગ લઈ રહ્યા છે?
૨૧ તેઓ બીજાઓને પણ યહોવાહની ઉપાસના કરવા ઉત્તેજન આપે છે. ઈસુ સ્વર્ગમાં ચઢી ગયા અગાઉ, તેમના શિષ્યોને આપેલી આજ્ઞા પ્રમાણે જ એ છે! તેમણે જણાવ્યું: “એ માટે તમે જઈને સર્વ દેશનાઓને શિષ્ય કરો; બાપ તથા દીકરા તથા પવિત્ર આત્માને નામે તેઓને બાપ્તિસ્મા આપતા જાઓ; મેં તમને જે જે આજ્ઞા કરી તે સર્વ પાળવાનું તેઓને શીખવતા જાઓ.” (માત્થી ૨૮:૧૯, ૨૦) આજે, યહોવાહના સાક્ષીઓ તેમની શક્તિથી તેમના કહ્યા પ્રમાણે આખી પૃથ્વીમાં શિક્ષણ આપી, શિષ્યો બનાવીને બાપ્તિસ્મા આપે છે.
તરવારોની કોશો બનાવવી
૨૨, ૨૩. યશાયાહ ૨:૪ શું ભાખે છે, અને એ વિષે યુએનના એક અધિકારીએ શું કહ્યું?
૨૨ હવે આપણે એ કલમ પર આવીએ છીએ, જેનો અમુક ભાગ યુએનની ઇમારત પર કોતરવામાં આવ્યો છે. યશાયાહ લખે છે: “તે વિદેશીઓમાં ઈન્સાફ કરશે, તે ઘણા લોકોનો ફેંસલો કરશે; અને તેઓ પોતાની તરવારોને ટીપીને કોશો, અને પોતાના ભાલાઓનાં ધારિયાં બનાવશે; પ્રજાઓ એકબીજીની વિરૂદ્ધ તરવાર ઉગામશે નહિ, અને તેઓ ફરીથી યુદ્ધકળા શીખશે નહિ.”—યશાયાહ ૨:૪.
૨૩ એમ કરવું કંઈ સહેલું નથી. ફેડરિકો મેયોર, જે યુનાઈટેડ નેશન્સના શૈક્ષણિક, વૈજ્ઞાનિક અને સામાજિક સંગઠનના મુખ્ય સંચાલક છે, તેમણે કહ્યું: “આપણને મળતા યુદ્ધના સમાચારની કોઈ જ અસર થતી નથી. એક પછી બીજા દિવસે શસ્ત્રોના ઢગલા થતા આવે છે. ‘તરવારોને ટીપીને કોશો’ બનાવવી, આજના લોકો માટે અશક્ય છે. લડાઈ જાણે તેઓના લોહીમાં જ હોય, તો શાંતિની કોને પડી છે? પરંતુ, બાઇબલમાં કહ્યું છે એમ કરવામાં આવે તો, ‘આખા જગત’ માટે સોનાનો સૂરજ ઊગી નીકળશે અને આવનાર પેઢી માટે એ સૌથી ઉત્તમ વારસો બનશે.”
૨૪, ૨૫. યશાયાહના શબ્દો કયા લોકોમાં પૂરા થાય છે અને કઈ રીતે?
૨૪ દેશો અને સરકારો આ ઉત્તમ ધ્યેય કદી પણ હાંસલ કરી શકશે નહિ. એ તેઓના ગજા બહારની વાત છે. પરંતુ, યશાયાહના શબ્દો ઘણાં દેશોમાંથી આવેલી એ પ્રજામાં પૂરા થાય છે, જેઓ શુદ્ધ ભક્તિમાં એક થયેલા છે. યહોવાહ તેઓનો ‘ફેંસલો કર્યો’ છે. તેમણે પોતાના લોકોને એકબીજા સાથે હળીમળીને રહેવાનું શીખવ્યું છે. આ જગતમાં જ્યાં જુઓ ત્યાં લડાઈ ચાલી રહી છે ત્યારે, તેઓએ જાણે કે પોતાની “તરવારોને ટીપીને કોશો, અને પોતાના ભાલાઓનાં ધારિયાં” બનાવ્યા છે. કઈ રીતે?
૨૫ એક રીત એ છે કે તેઓ યુદ્ધમાં ભાગ લેતા નથી. ઈસુના મરણના થોડા સમય અગાઉ, લોકો તેમને પકડવા હથિયારો સાથે આવી પહોંચ્યા. પીતરે ઈસુને બચાવવા તરવાર ખેંચી કાઢી ત્યારે, ઈસુએ તેમને કહ્યું: “તારી તરવાર તેના મ્યાનમાં પાછી ઘાલ; કેમકે જેટલા તરવાર પકડે છે તેઓ સર્વ તરવારથી નાશ પામશે.” (માત્થી ૨૬:૫૨) એ સમયથી, ઈસુના શિષ્યો પોતાની તરવારોને ટીપીને કોશો બનાવે છે. તેમ જ, તેઓ કોઈને પણ મારવા હથિયાર ઉપાડતા નથી, કે બીજી કોઈ રીતે યુદ્ધને ટેકો પણ આપતા નથી. તેઓ ‘સઘળાંની સાથે શાંતિથી વર્તે’ છે.—હેબ્રી ૧૨:૧૪.
શાંતિના માર્ગે ચાલતા રહેવું
૨૬, ૨૭. કઈ રીતે યહોવાહના લોકો ‘સલાહશાંતિ શોધીને તેની પાછળ મંડ્યા રહે’ છે? અનુભવ જણાવો.
૨૬ યહોવાહના લોકો ફક્ત યુદ્ધમાં જ ભાગ નહિ લઈને શાંતિ બતાવતા નથી. પરંતુ, તેઓ પોતે હળીમળીને રહે છે. પછી ભલેને તેઓ ૨૩૦ કરતાં વધારે દેશોમાં વસે છે અને જુદી જુદી ભાષા બોલે છે, તથા અલગ અલગ સમાજમાંથી આવે છે. પ્રથમ સદીમાં ઈસુએ પોતાના શિષ્યોને જે શબ્દો કહ્યા હતા, એ આપણા સમયમાં પૂરા થાય છે: “જો તમે એકબીજા પર પ્રેમ રાખો, તો તેથી સર્વ માણસો જાણશે કે તમે મારા શિષ્યો છો.” (યોહાન ૧૩:૩૫) આજે ખ્રિસ્તીઓ “સલાહ કરાવનારાઓ” છે. (માત્થી ૫:૯) તેઓ ‘સલાહશાંતિ શોધે છે, અને તેની પાછળ મંડ્યા રહે’ છે. (૧ પીતર ૩:૧૧) તેઓને ટકાવી રાખનાર “શાંતિદાતા દેવ,” યહોવાહ છે.—રૂમી ૧૫:૩૩.
૨૭ એ રીતે શાંતિના માર્ગે જોડાતા અદ્ભુત અનુભવો છે. એક યુવાન જણાવે છે: “જીવનના ખરાબ અનુભવોએ મને કઠોર અને ઝઘડાળુ બનાવ્યો. હું હંમેશા મારામારી કરતો. કોઈક વાર હાથથી, તો કોઈ વાર પથ્થર અને કાચની બાટલીથી, એમ રોજ હું કોઈ છોકરાં સાથે લડતો. મોટો થતા, હું બહુ જ હિંસક બન્યો.” જો કે આખરે તેમણે ‘યહોવાહના મંદિરના પર્વત’ પર જવાનું આમંત્રણ સ્વીકાર્યું. તેમણે યહોવાહના માર્ગો વિષે શિક્ષણ લીધું અને તેમના શાંતિચાહક સેવક બન્યા.
૨૮. આપણે શાંતિ જાળવવા શું કરી શકીએ?
૨૮ જો કે યહોવાહના મોટા ભાગના સેવકો એવા હિંસક હોતા નથી. તેમ છતાં, માયાળુ બનવું, માફ કરવું, દયાભાવ રાખવો, એવી નાની-નાની બાબતોમાં પણ તેઓ બીજાઓ સાથે શાંતિથી વર્તે છે. તેઓ અપૂર્ણ હોવા છતાં, બાઇબલની સલાહ લાગુ પાડવાનો પ્રયત્ન કરે છે, જે કહે છે કે, “એકબીજાનું સહન કરો, ને જો કોઇને કોઈની સાથે કજિયો હોય તો તેને ક્ષમા કરો.”—કોલોસી ૩:૧૩.
આખરે સુખ-શાંતિ!
૨૯, ૩૦. પૃથ્વીનું ભાવિ શું છે?
૨૯ યહોવાહે “છેલ્લા કાળમાં” અદ્ભુત બાબતો કરી છે. તેમણે સર્વ દેશોમાંથી પોતાના સેવકોને ભેગા કર્યા છે. તેમણે તેઓને શાંતિનો માર્ગ શીખવ્યો છે. તેઓ જ “મોટી વિપત્તિમાંથી” બચી જશે અને શાંતિની નવી દુનિયામાં જશે, જ્યાં લડાઈનું નામનિશાન નહિ હોય.—પ્રકટીકરણ ૭:૧૪.
૩૦ એ પછી, કોઈ જ હથિયારો નહિ હોય. એ વિષે ગીતશાસ્ત્રના એક લેખકે લખ્યું: “આવો, યહોવાહનાં કૃત્યો જુઓ, તેણે પૃથ્વી પર કેવા અદ્ભુત કાર્યો કર્યા છે તે જુઓ. તે પૃથ્વીના છેડા સુધી લડાઈઓ બંધ કરી દે છે; તે ધનુષ્યને ભાંગી નાખે છે, ભાલાને કાપી નાખે છે; અને રથોને અગ્નિથી બાળી નાખે છે.” (ગીતશાસ્ત્ર ૪૬:૮, ૯, NW) એ ભાવિ જોતાં, યશાયાહની આ ભલામણ, તેમના સમય જેટલી જ આજે પણ લાગુ પડે છે: “હે યાકૂબના વંશજો, ચાલો, આપણે યહોવાહના પ્રકાશમાં ચાલીએ.” (યશાયાહ ૨:૫) હા, યહોવાહનો પ્રકાશ આપણને માર્ગ બતાવે છે અને આપણે હંમેશા તેમના જ માર્ગમાં ચાલીશું.—મીખાહ ૪:૫.
[ફુટનોટ]
a વૉચટાવર બાઇબલ ઍન્ડ ટ્રૅક્ટ સોસાયટી દ્વારા પ્રકાશિત, જ્ઞાન જે અનંતજીવન તરફ દોરી જાય છે પુસ્તકનું ૧૧મું પ્રકરણ, “આ છેલ્લા દિવસો છે!” જુઓ.