અભ્યાસ લેખ ૪
આપણે કેમ સ્મરણપ્રસંગમાં હાજર રહીએ છીએ?
“મારી યાદમાં આ કરતા રહો.”—લૂક ૨૨:૧૯.
ગીત ૧૪૮ તમારો વહાલો દીકરો આપ્યો
ઝલકa
૧-૨. (ક) ગુજરી ગયેલાં સગાં-વહાલાંની કયા દિવસે વધારે યાદ આવે છે? (ખ) મરણની આગલી રાતે ઈસુએ શાની શરૂઆત કરી?
આપણે જેઓને પ્રેમ કરીએ છીએ તેઓને મરણમાં ગુમાવ્યાને વર્ષો વીતી ગયા હોય, પણ હજી તેઓ સાથે વિતાવેલી પળો આપણે ભૂલ્યા નથી. તેઓના મરણની તારીખે આપણા મનમાં તેઓની બધી યાદો તાજી થઈ જાય છે.
૨ દર વર્ષે આપણે એક ખાસ વ્યક્તિના મરણને યાદ કરવા ભેગા મળીએ છીએ. આપણી સાથે એ પ્રસંગમાં લાખો લોકો જોડાય છે. એ ખાસ વ્યક્તિ બીજું કોઈ નહિ પણ ઈસુ ખ્રિસ્ત છે, જેમને આપણે ખૂબ પ્રેમ કરીએ છીએ. (૧ પિત. ૧:૮) આપણને પાપ અને મરણમાંથી છોડાવવા, તેમણે પોતાનું જીવન આપીને કિંમત ચૂકવી. (માથ. ૨૦:૨૮) એ યાદ કરવા આપણે ભેગા મળીએ છીએ. ઈસુ ચાહતા હતા કે શિષ્યો તેમના મરણને યાદ કરે. મરણની આગલી રાતે તેમણે એક ખાસ ભોજનની શરૂઆત કરી અને આજ્ઞા આપી, “મારી યાદમાં આ કરતા રહો.”—લૂક ૨૨:૧૯.
૩. આ લેખમાં આપણે શાની ચર્ચા કરીશું?
૩ ખ્રિસ્તના સ્મરણપ્રસંગમાં જેઓ હાજર રહે છે, તેઓમાંથી અમુક લોકોને જ સ્વર્ગમાં જીવવાની આશા છે. પણ બાકીના મોટા ભાગના લોકોને પૃથ્વી પર જીવવાની આશા છે. આ લેખમાં અમુક કારણો જોઈશું કે કેમ દર વર્ષે બંને સમૂહ સ્મરણપ્રસંગમાં હાજર રહેવા આતુર હોય છે. એ પણ જોઈશું કે એમાં હાજર રહેવાથી કેવા ફાયદા થાય છે. ચાલો પહેલા એ જોઈએ કે અભિષિક્તો કેમ સ્મરણપ્રસંગમાં હાજર રહે છે.
અભિષિક્તો કેમ સ્મરણપ્રસંગમાં હાજર રહે છે?
૪. અભિષિક્તો કેમ સ્મરણપ્રસંગમાં ખાવા-પીવામાં ભાગ લે છે?
૪ દર વર્ષે અભિષિક્તો સ્મરણપ્રસંગની રોટલી ખાવામાં અને દ્રાક્ષદારૂ પીવામાં ભાગ લે છે. તેઓ ખાવા-પીવામાં કેમ ભાગ લે છે? એ સમજવા ચાલો જોઈએ કે ઈસુના મરણની આગલી રાતે શું બન્યું હતું. પાસ્ખાનું ભોજન કર્યા પછી ઈસુએ એક ખાસ ભોજનની શરૂઆત કરી. એને ઈસુનું સાંજનું ભોજન કહેવામાં આવે છે. તેમણે પોતાના ૧૧ વફાદાર પ્રેરિતોને રોટલી ખાવા આપી અને દ્રાક્ષદારૂ પીવા આપ્યો. ઈસુએ તેઓને બે કરાર વિશે જણાવ્યું. એક, નવો કરાર અને બીજો, રાજ્યનો કરાર.b (લૂક ૨૨:૧૯, ૨૦, ૨૮-૩૦) એ બંને કરારને લીધે પ્રેરિતો અને બીજા અમુક લોકોને સ્વર્ગમાં રાજાઓ અને યાજકો બનવાનો લહાવો મળ્યો. (પ્રકટી. ૫:૧૦; ૧૪:૧) એટલે પૃથ્વી પર બાકી રહેલા અભિષિક્તો, જેઓ એ કરારનો ભાગ છે તેઓ જ સ્મરણપ્રસંગમાં ખાવા-પીવામાં ભાગ લઈ શકે છે.
૫. અભિષિક્તો પોતાની આશા વિશે શું જાણે છે?
૫ અભિષિક્તો બીજા એક કારણને લીધે પણ સ્મરણપ્રસંગમાં હાજર રહેવા આતુર હોય છે. એમાં તેઓને પોતાની આશા પર વિચાર કરવાનો મોકો મળે છે. યહોવાએ તેઓને સુંદર આશા આપી છે. એ આશા છે કે તેઓને સ્વર્ગમાં અમર અને અવિનાશી જીવન મળશે. તેઓ ઈસુ સાથે અને સ્વર્ગમાં છે એ અભિષિક્તો સાથે રાજ કરશે. એટલું જ નહિ, તેઓ યહોવાને નજરોનજર જોઈ શકશે! (૧ કોરીં. ૧૫:૫૧-૫૩; ૧ યોહા. ૩:૨) અભિષિક્તોને ખબર છે કે તેઓને અદ્ભુત આમંત્રણ મળ્યું છે. પણ તેઓ જાણે છે કે છેલ્લા શ્વાસ સુધી તેઓ વફાદાર રહેશે તો જ સ્વર્ગમાં જઈ શકશે. (૨ તિમો. ૪:૭, ૮) એ આશા પર મનન કરીને તેઓનું દિલ ખુશીથી ઊભરાઈ જાય છે. (તિત. ૨:૧૩) પણ જે લોકો ‘બીજાં ઘેટાંનો’ ભાગ છે તેઓ કેમ સ્મરણપ્રસંગમાં હાજર રહે છે? (યોહા. ૧૦:૧૬) ચાલો એનાં અમુક કારણો જોઈએ.
બીજાં ઘેટાંના લોકો કેમ સ્મરણપ્રસંગમાં હાજર રહે છે?
૬. દર વર્ષે બીજાં ઘેટાંના લોકો કેમ સ્મરણપ્રસંગમાં હાજરી આપે છે?
૬ બીજાં ઘેટાંના લોકો સ્મરણપ્રસંગમાં રોટલી ખાતા નથી અને દ્રાક્ષદારૂ પીતા નથી. તેઓ ફક્ત એમાં હાજરી આપે છે. ૧૯૩૮માં તેઓને પહેલી વાર સ્મરણપ્રસંગમાં હાજર રહેવાનું આમંત્રણ મળ્યું. માર્ચ ૧, ૧૯૩૮ના ચોકીબુરજમાં જણાવ્યું હતું, ‘એ એકદમ યોગ્ય હશે કે બીજાં ઘેટાંના લોકો એ પ્રસંગમાં હાજર રહે અને જુએ કે ત્યાં શું થાય છે. એ તેઓ માટે પણ ખુશીનો સમય છે.’ મહેમાનોને લગ્નપ્રસંગમાં હાજરી આપીને ખુશી મળે છે. એવી જ રીતે બીજાં ઘેટાંના લોકોને પણ સ્મરણપ્રસંગમાં હાજરી આપીને ખુશી મળે છે.
૭. બીજાં ઘેટાંના લોકો કેમ સ્મરણપ્રસંગના પ્રવચનની રાહ જુએ છે?
૭ સ્મરણપ્રસંગમાં હાજરી આપીને તેઓને પણ પોતાની આશા પર વિચાર કરવાનો મોકો મળે છે. તેઓ સ્મરણપ્રસંગના પ્રવચનને સાંભળવાની રાહ જુએ છે. એ પ્રવચનમાં જણાવવામાં આવે છે કે ખ્રિસ્ત અને તેમના સાથી રાજાઓ ૧,૦૦૦ વર્ષના રાજ દરમિયાન માણસો માટે શું કરશે. એ રાજમાં ૧,૪૪,૦૦૦ રાજાઓ, ઈસુ ખ્રિસ્તની આગેવાની નીચે પૃથ્વીને બાગ જેવી સુંદર બનાવવા અને માણસોને પાપ અને ખામી વગરના બનવા મદદ કરશે. એ પ્રસંગમાં બીજાં ઘેટાંના લોકો યશાયા ૩૫:૫, ૬; ૬૫:૨૧-૨૩ અને પ્રકટીકરણ ૨૧:૩, ૪ જેવી ભવિષ્યવાણીઓ પર વિચાર કરે છે. એનાથી તેઓના ચહેરા ખીલી ઊઠે છે. એ સુંદર ભાવિની કલ્પના કરીને તેઓની આશા મજબૂત થાય છે અને યહોવાની ભક્તિ કરતા રહેવાનો તેઓનો ઇરાદો પાકો થાય છે.—માથ. ૨૪:૧૩; ગલા. ૬:૯.
૮. બીજા કયા કારણને લીધે બીજાં ઘેટાંના લોકો સ્મરણપ્રસંગમાં હાજર રહે છે?
૮ બીજા એક કારણને લીધે પણ તેઓ સ્મરણપ્રસંગમાં હાજર રહે છે. એમ કરીને તેઓ અભિષિક્તોને પ્રેમ બતાવે છે અને તેઓને સાથ આપે છે. બાઇબલમાં પહેલેથી જણાવવામાં આવ્યું હતું કે અભિષિક્તો અને પૃથ્વી પર જીવવાની આશા રાખતા ભક્તો ખભેખભા મિલાવીને કામ કરશે. કઈ રીતે? ચાલો એ વિશે અમુક ભવિષ્યવાણીઓ જોઈએ.
૯. ઝખાર્યા ૮:૨૩માં આપેલી ભવિષ્યવાણીથી બીજાં ઘેટાંના લોકો વિશે શું જાણવા મળે છે?
૯ ઝખાર્યા ૮:૨૩ વાંચો. એ ભવિષ્યવાણી જણાવે છે કે બીજાં ઘેટાંના લોકોને અભિષિક્ત ભાઈ-બહેનો વિશે કેવું લાગે છે. એ કલમમાં “એક યહૂદી” અને “તમારી” એ શબ્દો પૃથ્વી પર બાકી રહેલા અભિષિક્તોને બતાવે છે. (રોમ. ૨:૨૮, ૨૯) “બધી ભાષાઓ અને પ્રજાઓમાંથી દસ માણસો” એ શબ્દો બીજાં ઘેટાંના લોકોને બતાવે છે. તેઓ યહૂદીનો ‘ઝભ્ભો પકડી લે છે,’ એનો અર્થ થાય કે તેઓ અભિષિક્તો સાથે મળીને શુદ્ધ ભક્તિ કરે છે. એટલે તેઓ અભિષિક્તો સાથે મળીને સ્મરણપ્રસંગમાં હાજર રહે છે.
૧૦. યહોવાએ કઈ રીતે હઝકિયેલ ૩૭:૧૫-૧૯, ૨૪, ૨૫ની ભવિષ્યવાણી પૂરી કરી છે?
૧૦ હઝકિયેલ ૩૭:૧૫-૧૯, ૨૪, ૨૫ વાંચો. અભિષિક્તો અને બીજાં ઘેટાંના લોકો વચ્ચે કદી તૂટે નહિ એવો સંબંધ છે. તેઓની એકતા સાબિતી આપે છે કે યહોવાએ એ ભવિષ્યવાણી પૂરી કરી છે. એ ભવિષ્યવાણી બે લાકડીઓ વિશે જણાવે છે. એક લાકડી “યહૂદા માટે” છે. (એ કુળમાંથી ઇઝરાયેલના રાજાઓ પસંદ કરવામાં આવતા હતા.) બીજી લાકડી “એફ્રાઈમની” છે. યહૂદા માટેની લાકડી એવા લોકોને રજૂ કરે છે, જેઓને સ્વર્ગમાં જીવવાની આશા છે. એફ્રાઈમની લાકડી એવા લોકોને રજૂ કરે છે, જેઓને પૃથ્વી પર જીવવાની આશા છે.c ભવિષ્યવાણી પ્રમાણે યહોવા એ બંને સમૂહને “એક લાકડી” બનાવશે. એનો અર્થ થાય કે તેઓ એક રાજા, ખ્રિસ્ત ઈસુના રાજમાં સંપીને યહોવાની ભક્તિ કરશે. દર વર્ષે અભિષિક્તો અને બીજાં ઘેટાંના લોકો અલગ અલગ સમૂહ તરીકે નહિ, પણ ‘એક ટોળા’ તરીકે સ્મરણપ્રસંગમાં હાજરી આપે છે, જેઓના “એક ઘેટાંપાળક” છે.—યોહા. ૧૦:૧૬.
૧૧. માથ્થી ૨૫:૩૧-૩૬, ૪૦માં જણાવેલા ‘ઘેટાં’ કઈ રીતે ખ્રિસ્તના ભાઈઓને સાથ આપે છે?
૧૧ માથ્થી ૨૫:૩૧-૩૬, ૪૦ વાંચો. ઈસુએ ઉદાહરણમાં ‘ઘેટાં’ વિશે વાત કરી. ઘેટાં એવા નેક લોકો છે જેઓને પૃથ્વી પર જીવવાની આશા છે, એટલે કે બીજાં ઘેટાંના એવા લોકો જેઓ અંતના સમયમાં જીવે છે. પૃથ્વી પર બાકી રહેલા ખ્રિસ્તના અભિષિક્ત ભાઈઓને તેઓ વફાદારીથી સાથ આપે છે. કઈ રીતે? તેઓ દુનિયા ફરતે ચાલી રહેલા પ્રચારકામમાં અને શિષ્યો બનાવવાના કામમાં અભિષિક્તોને મદદ કરે છે.—માથ. ૨૪:૧૪; ૨૮:૧૯, ૨૦.
૧૨-૧૩. બીજી કઈ રીતે ખ્રિસ્તના ભાઈઓને બીજાં ઘેટાંના લોકો સાથ આપે છે?
૧૨ દર વર્ષે સ્મરણપ્રસંગનાં અમુક અઠવાડિયાં પહેલાં પ્રચારની એક ખાસ ઝુંબેશ રાખવામાં આવે છે. બીજાં ઘેટાંના લોકો એમાં ભાગ લે છે અને બીજાઓને સ્મરણપ્રસંગનું આમંત્રણ આપે છે. આમ તેઓ ખ્રિસ્તના ભાઈઓને સાથ આપે છે. (“શું તમે સ્મરણપ્રસંગ માટે પહેલેથી તૈયારી કરો છો?” બૉક્સ જુઓ.) મોટા ભાગનાં મંડળોમાં અભિષિક્તો હોતા નથી. તોપણ ત્યાં સ્મરણપ્રસંગ સારી રીતે ઊજવાય એ માટે બીજાં ઘેટાંના લોકો જરૂરી તૈયારી કરે છે. તેઓ ખ્રિસ્તના ભાઈઓને પૂરા ઉત્સાહથી સાથ આપે છે. તેઓ જાણે છે કે તેઓ અભિષિક્તોને સાથ આપે છે ત્યારે, ઈસુની નજરે તો એ તેમને સાથ આપવા બરાબર છે.—માથ. ૨૫:૩૭-૪૦.
૧૩ બીજાં પણ અમુક કારણો છે જેના લીધે આપણે બધા સ્મરણપ્રસંગમાં હાજર રહીએ છીએ. ચાલો એ વિશે જોઈએ.
આપણે બધા કેમ સ્મરણપ્રસંગમાં હાજર રહીએ છીએ?
૧૪. યહોવા અને ઈસુએ આપણને કઈ રીતે અપાર પ્રેમ બતાવ્યો?
૧૪ યહોવા અને ઈસુના પ્રેમ માટે આપણે આભારી છીએ. યહોવાએ આપણને ઘણી રીતે અપાર પ્રેમ બતાવ્યો છે. એમાંની સૌથી ખાસ રીત કઈ છે? તેમણે આપણા માટે પોતાના વહાલા દીકરાનું જીવન આપી દીધું. સાચે જ, તેમના પ્રેમની કોઈ સીમા નથી. (યોહા. ૩:૧૬) ઈસુ પણ આપણને ખૂબ પ્રેમ કરે છે. એટલે તેમણે ખુશી ખુશી પોતાનું જીવન આપણા માટે કુરબાન કરી દીધું. (યોહા. ૧૫:૧૩) યહોવા અને ઈસુએ બતાવેલા પ્રેમની આપણે ક્યારેય ભરપાઈ કરી શકતા નથી. પણ આપણા જીવનથી બતાવી શકીએ છીએ કે આપણે તેઓના કેટલા આભારી છીએ. (કોલો. ૩:૧૫) સ્મરણપ્રસંગમાં હાજર રહીને આપણે યહોવા અને ઈસુના પ્રેમને યાદ કરીએ છીએ. એટલું જ નહિ તેઓ માટે આપણો પ્રેમ પણ બતાવી આપીએ છીએ.
૧૫. અભિષિક્તો અને બીજાં ઘેટાંના લોકો કેમ ઈસુના બલિદાનની કદર કરે છે?
૧૫ ઈસુના બલિદાનની આપણે ખૂબ કદર કરીએ છીએ. (માથ. ૨૦:૨૮) ઈસુએ માણસો માટે છુટકારાની કિંમત ચૂકવી. અભિષિક્તો માટે એ બલિદાન ખૂબ જ કીમતી છે, કેમ કે એના લીધે જ તેઓને સુંદર આશા મળી છે. તેઓએ ઈસુના બલિદાન પર શ્રદ્ધા મૂકી, એટલે યહોવાએ તેઓને નેક ગણ્યા અને દીકરાઓ તરીકે દત્તક લીધા. (રોમ. ૫:૧; ૮:૧૫-૧૭, ૨૩) બીજાં ઘેટાંના લોકો પણ એ બલિદાન માટે ખૂબ આભારી છે. ખ્રિસ્તે વહેવડાવેલા લોહી પર શ્રદ્ધા મૂકીને તેઓ ઈશ્વર આગળ સાફ દિલ રાખી શકે છે અને તેમની પવિત્ર સેવા કરી શકે છે. એટલું જ નહિ તેઓ “મોટી વિપત્તિમાંથી” બચી જવાની આશા રાખી શકે છે. (પ્રકટી. ૭:૧૩-૧૫) અભિષિક્તો અને બીજાં ઘેટાંના લોકો દર વર્ષે સ્મરણપ્રસંગમાં હાજર રહે છે. ઈસુના બલિદાનની કદર કરવાની આ એક સૌથી સરસ રીત છે.
૧૬. બીજા કયા કારણને લીધે આપણે સ્મરણપ્રસંગમાં હાજર રહીએ છીએ?
૧૬ સ્મરણપ્રસંગમાં હાજર રહેવાનું બીજું એક કારણ કયું છે? આપણે ઈસુની આજ્ઞા પાળવા માંગીએ છીએ. પ્રસંગની શરૂઆત કરી એ રાતે ઈસુએ તેમના શિષ્યોને આજ્ઞા આપી, “મારી યાદમાં આ કરતા રહો.” (૧ કોરીં. ૧૧:૨૩, ૨૪) ભલે આપણી આશા સ્વર્ગમાં જીવવાની હોય કે પૃથ્વી પર, આપણે બધા એ આજ્ઞા પાળવા માંગીએ છીએ.
આપણને કેવા ફાયદા થાય છે?
૧૭. સ્મરણપ્રસંગમાં હાજર રહેવાથી કઈ રીતે યહોવા સાથેની દોસ્તી પાકી થાય છે?
૧૭ યહોવા સાથેની આપણી દોસ્તી પાકી થાય છે. (યાકૂ. ૪:૮) આપણે શીખ્યા કે સ્મરણપ્રસંગમાં હાજર રહેવાથી યહોવાએ આપેલી સોનેરી આશા પર વિચાર કરી શકીએ છીએ. તેમણે બતાવેલા અપાર પ્રેમ પર મનન કરી શકીએ છીએ. (યર્મિ. ૨૯:૧૧; ૧ યોહા. ૪:૮-૧૦) એ બધા પર વિચાર કરવાથી યહોવા માટેનો આપણો પ્રેમ વધે છે અને તેમની સાથેની આપણી દોસ્તી પાકી થાય છે.—રોમ. ૮:૩૮, ૩૯.
૧૮. ઈસુના દાખલા પર મનન કરવાથી આપણને શું કરવાનું ઉત્તેજન મળે છે?
૧૮ ઈસુને અનુસરવાનું આપણને ઉત્તેજન મળે છે. (૧ પિત. ૨:૨૧) સ્મરણપ્રસંગ નજીક આવતો જાય તેમ આપણે ઈસુના છેલ્લા અઠવાડિયા વિશે, તેમના મરણ વિશે અને તે પાછા જીવતા થયા એ વિશે બાઇબલમાંથી વાંચીને એના પર મનન કરીએ છીએ. સ્મરણપ્રસંગની સાંજે, પ્રવચનમાં આપણને ઈસુએ બતાવેલો પ્રેમ યાદ કરાવવામાં આવે છે. (એફે. ૫:૨; ૧ યોહા. ૩:૧૬) ઈસુ વિશે વાંચવાથી અને એના પર મનન કરવાથી આપણને ‘ઈસુની જેમ ચાલતા રહેવા’ ઉત્તેજન મળે છે.—૧ યોહા. ૨:૬.
૧૯. આપણે કઈ રીતે ઈશ્વરના પ્રેમમાં કાયમ રહી શકીએ?
૧૯ ઈશ્વરના પ્રેમમાં કાયમ રહેવાનો આપણો ઇરાદો પાકો થાય છે. (યહૂ. ૨૦, ૨૧) જો આપણે યહોવાની આજ્ઞા પાળીશું, તેમના નામને પવિત્ર મનાવીશું અને તેમના દિલને ખુશ કરીશું, તો યહોવાના પ્રેમની છાયામાં કાયમ રહી શકીશું. (નીતિ. ૨૭:૧૧; માથ. ૬:૯; ૧ યોહા. ૫:૩) સ્મરણપ્રસંગથી આપણો ઇરાદો મજબૂત થાય છે કે આપણે એ રીતે જીવન જીવીએ કે દરરોજ યહોવાને કહી શકીએ, ‘હું તમારા પ્રેમમાં કાયમ રહેવા ઇચ્છું છું.’
૨૦. આપણે કેમ સ્મરણપ્રસંગમાં હાજર રહીએ છીએ?
૨૦ ભલે આપણી આશા સ્વર્ગમાં જીવવાની હોય કે પૃથ્વી પર જીવવાની, સ્મરણપ્રસંગમાં હાજર રહેવાના આપણી પાસે ઘણાં કારણો છે. આપણે ઈસુ ખ્રિસ્તને ખૂબ પ્રેમ કરીએ છીએ, એટલે દર વર્ષે તેમના મરણને યાદ કરવા ભેગા મળીએ છીએ. આપણે એ પણ યાદ કરીએ છીએ કે યહોવાએ પોતાના વહાલા દીકરાની કુરબાની આપીને આપણને કેટલો પ્રેમ બતાવ્યો. સાચે જ, એ પ્રેમની તોલે બીજું કંઈ ન આવી શકે. આ વર્ષે સ્મરણપ્રસંગ શુક્રવાર ૧૫ એપ્રિલ, ૨૦૨૨ની સાંજે ઉજવવામાં આવશે. આપણે યહોવા અને તેમના દીકરાને ખૂબ જ પ્રેમ કરીએ છીએ, એટલે સ્મરણપ્રસંગમાં હાજર રહેવું આપણા માટે સૌથી મહત્ત્વનું છે.
ગીત ૧૪ કદી દુઃખના કાંટા નહિ ખૂંચે
a આપણી આશા સ્વર્ગના જીવનની હોય કે પૃથ્વી પરના જીવનની, આપણે બધા સ્મરણપ્રસંગની દર વર્ષે આતુરતાથી રાહ જોઈએ છીએ. આપણે કેમ સ્મરણપ્રસંગમાં હાજર રહીએ છીએ અને એમાં હાજર રહેવાથી કેવા ફાયદા થાય છે? એ વિશે બાઇબલમાં અમુક કારણો આપ્યાં છે. આ લેખમાં એની ચર્ચા કરીશું.
b નવા કરાર અને રાજ્યના કરાર વિશે વધુ જાણવા ઑક્ટોબર ૧૫, ૨૦૧૪ ચોકીબુરજ પાન ૧૫-૧૭ પર આપેલો આ લેખ જુઓ: “તમે ‘યાજકોનું રાજ્ય’ બનશો.”
c હઝકિયેલ અધ્યાય ૩૭માં આપેલી બે લાકડીની ભવિષ્યવાણી વિશે વધુ જાણવા આખી ધરતી પર યહોવાની ભક્તિ! પુસ્તકનાં પાન ૧૩૦-૧૩૫, ફકરા ૩-૧૭ જુઓ.