યહોવાહના ભક્તો “સૂરજની પેઠે પ્રકાશશે”
‘ત્યારે ન્યાયીઓ પોતાના પિતાના રાજ્યમાં સૂરજની પેઠે પ્રકાશશે.’—માથ. ૧૩:૪૩.
૧. રાજ્ય વિષે સમજાવવા ઈસુએ કયાં દૃષ્ટાંતો વાપર્યા?
ઈશ્વરના રાજ્ય વિષે સમજાવવા ઈસુએ ઘણાં દૃષ્ટાંતો કે ઉદાહરણો વાપર્યા. તેમણે ‘લોકોને દૃષ્ટાંત વગર કંઈ કહ્યું નહિ.’ (માથ. ૧૩:૩૪) ઈશ્વરના રાજ્યને જાહેર કરવાના કામને તેમણે બી વાવવા સાથે સરખાવ્યું. એ દૃષ્ટાંતમાં તેમણે સમજાવ્યું કે કેવાં દિલની વ્યક્તિ સંદેશાને સ્વીકારે છે. એ પણ સમજાવ્યું કે યહોવાહ કઈ રીતે વ્યક્તિને પ્રગતિ કરવા મદદ કરે છે. (માર્ક ૪:૩-૯, ૨૬-૨૯) ઈસુએ બીજા એક દૃષ્ટાંતમાં સમજાવ્યું કે જેઓ સત્ય સ્વીકારે છે તેઓમાં ઘણો વધારો થશે, પછી ભલેને એ શરૂઆતમાં ન દેખાય. (માથ. ૧૩:૩૧-૩૩) વધુમાં, તેમણે એ પણ જણાવ્યું કે રાજ્યનો સંદેશો સાંભળે છે તેઓમાંથી બધા જ કંઈ રાજ્યની પ્રજા બનશે નહિ.—માથ. ૧૩:૪૭-૫૦.a
૨. ઘઉં અને કડવા દાણાના દૃષ્ટાંતમાં સારાં બી શાને રજૂ કરે છે?
૨ ઈસુએ માત્થીના ૧૩માં અધ્યાયના એક દૃષ્ટાંતમાં જણાવ્યું કે વાવેલું બી “રાજ્યનું વચન” છે. જ્યારે કે એ જ અધ્યાયના ઘઉં અને કડવા દાણાના દૃષ્ટાંતમાં ‘બીʼનો અર્થ સાવ જુદો છે. એ દૃષ્ટાંત બતાવે છે કે ખાસ લોકોને ભેગા કરવામાં આવશે જેઓ ઈસુ સાથે સ્વર્ગમાં રાજ કરશે. આ દૃષ્ટાંતમાં સારાં બી ‘રાજ્યનાં છૈયાંને’ રજૂ કરે છે. (માથ. ૧૩:૧૯, ૩૮) આ ‘છૈયાં’ રાજ્યની પ્રજા નથી પણ ‘દીકરા’ છે જેઓ રાજ્યના વારસ છે.—રૂમી ૮:૧૪-૧૭; ગલાતી ૪:૬, ૭ વાંચો.
ઘઉં અને કડવા દાણાનું દૃષ્ટાંત
૩. દૃષ્ટાંતમાં માલિક પર કેવી મુશ્કેલી આવી પડે છે અને તે એને કઈ રીતે હાથ ધરે છે?
૩ આ દૃષ્ટાંત જણાવે છે: ‘આકાશનું રાજ્ય પોતાના ખેતરમાં સારૂં બી વાવનાર માણસના જેવું છે. પણ માણસો ઊંઘતા હતા તેવામાં તેનો વૈરી આવીને ઘઉંમાં કડવા દાણા વાવીને ચાલ્યો ગયો. પણ જ્યારે છોડવા ઊગ્યા, ને તેમને ઉંબીઓ આવી, ત્યારે કડવા દાણા પણ દેખાયા. ત્યારે તે ઘરધણીના ચાકરોએ પાસે આવીને તેને કહ્યું, કે સાહેબ, તેં શું તારા ખેતરમાં સારૂં બી વાવ્યું નહોતું? તો તેમાં કડવા દાણાના છોડ ક્યાંથી આવ્યા? અને તેણે તેઓને કહ્યું, કે કોઈ વૈરીએ એ કર્યું છે; ત્યારે ચાકરોએ તેને કહ્યું, કે તારી મરજી હોય તો અમે જઈને તેને એકઠા કરીએ. પણ તેણે કહ્યું, ના, રખેને તમે કડવા દાણાના છોડ એકઠા કરતાં ઘઉંને પણ તેની સાથે ઉખેડો. કાપણી સુધી બન્નેને સાથે વધવા દો. અને કાપણીની મોસમમાં હું કાપનારાઓને કહીશ, કે તમે પહેલાં કડવા દાણાના છોડ એકઠા કરો, ને બાળવા સારૂ તેના ભારા બાંધો, પણ ઘઉં મારી વખારમાં ભરો.’—માથ. ૧૩:૨૪-૩૦.
૪. (ક) સારાં બી વાવનાર કોણ છે? (ખ) ઈસુએ બી વાવવાનું કામ ક્યારે અને કેવી રીતે શરૂ કર્યું?
૪ ખેતરમાં સારાં બી વાવનાર કોણ છે? એનો જવાબ ઈસુએ પોતાના શિષ્યોને આપ્યો કે “સારૂં બી જે વાવે છે તે માણસનો દીકરો છે.” (માથ. ૧૩:૩૭) ઈસુ પોતે “માણસનો દીકરો” છે. તેમણે પૃથ્વી પર સાડા ત્રણ વર્ષ ઈશ્વરના રાજ્યનો પ્રચાર કરીને જાણે ખેતરને તૈયાર કર્યું હતું. (માથ. ૮:૨૦; ૨૫:૩૧; ૨૬:૬૪) પછી ઈસવીસન ૩૩ પેન્તેકોસ્તના દિવસથી તેમણે સારાં બી વાવવાનું શરૂ કર્યું. એ બી ‘રાજ્યનાં દીકરાઓ’ છે. એ દિવસે ઈસુએ પોતાના શિષ્યો પર યહોવાહનો આશીર્વાદ રેડ્યો. ત્યાર પછી શિષ્યો સ્વર્ગમાં જવા પસંદ થયા અને ઈશ્વરના દીકરાઓ તરીકે ઓળખાયા. એવું લાગે છે કે વાવવાનું કામ પેન્તેકોસ્તના દિવસથી શરૂ થયું હોઈ શકે.b (પ્રે.કૃ. ૨:૩૩) આ સારાં બી ઘઉં બન્યા. સારાં બી વાવવાનો હેતુ શું હતો? એ જ કે ઈસુ સાથે સ્વર્ગમાં રાજ કરનારાઓની પૂરી સંખ્યા ભેગી થાય.
૫. દૃષ્ટાંતમાં વૈરી અને કડવા દાણા કોણ છે?
૫ દૃષ્ટાંતમાં “વૈરી” કોણ છે? ઈસુ જણાવે છે કે વૈરી, ‘શેતાન’ છે. કડવા દાણા કોણ છે? એ “શેતાનનાં છૈયાં” કે દીકરા છે. (માથ. ૧૩:૨૫, ૩૮, ૩૯) ઈસુએ દૃષ્ટાંતમાં જે કડવા દાણા જણાવ્યા એ કદાચ એક જાતનું જંગલી ઘાસ છે. આ જંગલી ઘાસ ઝેરી છે, એના છોડ નાના હોય ત્યારે ઘઉંના છોડ જેવા દેખાય છે. પણ છોડ મોટા થયા પછી જ એનો ફરક દેખાઈ આવે છે. આ દૃષ્ટાંત, કહેવાતા ખ્રિસ્તીઓને કેટલું બંધબેસે છે. તેઓ રાજ્યના દીકરા હોવાનો દાવો કરે છે, પણ સારા ફળ આપતા નથી. તેઓ ઈસુને પગલે ચાલવાનો ઢોંગ કરે છે પણ હકીક્તમાં તેઓ શેતાનના “સંતાન” છે.—ઉત. ૩:૧૫.
૬. કડવા દાણા જેવા ખ્રિસ્તીઓ ક્યારે દેખાયા? અને કયા અર્થમાં ‘માણસો ઊંઘી’ ગયા?
૬ કડવા દાણા જેવા ખ્રિસ્તીઓ ક્યારે દેખાયા? ઈસુએ કહ્યું કે જ્યારે “માણસો ઊંઘતા હતા.” (માથ. ૧૩:૨૫) એ ક્યારે બન્યું? એનો જવાબ આપણને પાઊલે એફેસીઓના વડીલોને લખેલા શબ્દોમાં જોવા મળે છે: “હું જાણું છું કે મારા ગયા પછી ટોળા પર દયા નહિ રાખે એવા ક્રુર વરૂઓ તમારામાં દાખલ થશે; અને તમારા પોતાનામાંથી પણ કેટલાક માણસો ઊભા થશે, અને શિષ્યોને પોતાની પાછળ ખેંચી લઈ જવા માટે અવળી વાતો બોલશે.” (પ્રે.કૃ. ૨૦:૨૯, ૩૦) પાઊલે એ વડીલોને સત્યમાં જાગતા રહેવા ચેતવ્યા હતા. પ્રેરિતો મંડળમાં ભ્રષ્ટ ખ્રિસ્તીઓને આવતા ‘અટકાવતા’ હતા. પણ પ્રેરિતો મરણમાં ઊંઘી ગયા પછી અનેક ખ્રિસ્તીઓ સત્યમાં ઠંડા પડીને જાણે ઊંઘી ગયા. (૨ થેસ્સાલોનીકી ૨:૩, ૬-૮ વાંચો.)c આ સમયથી “ધર્મત્યાગ” શરૂ થયો અને યહોવાહના શિક્ષણમાં ભેળસેળ થવા લાગી.
૭. શું ઘઉં, કડવા દાણા બની ગયા? સમજાવો.
૭ દૃષ્ટાંતમાં ઈસુએ એમ ન કહ્યું કે ઘઉં જ કડવા દાણા બની જશે. પણ એમ કહ્યું કે કડવા દાણા, ઘઉં મધ્યે વાવવામાં આવ્યા હતા. તેથી આ દૃષ્ટાંત એવું નથી બતાવતું કે મંડળના ભાઈ-બહેનો સત્ય છોડી દેશે. એના બદલે મંડળને ભ્રષ્ટ કરવા શેતાન જાણી જોઈને ખરાબ લોકોને એમાં મૂકશે. પ્રેરિત યોહાન ઘરડા હતા ત્યારે મંડળમાં ભ્રષ્ટ અને ઢોંગી ખ્રિસ્તીઓની અસર સાફ દેખાય આવી હતી. યોહાન પછી બીજા કોઈ પ્રેરિતો ન હતા.—૨ પીત. ૨:૧-૩; ૧ યોહા. ૨:૧૮.
‘કાપણી સુધી બન્નેને સાથે વધવા દો’
૮, ૯. (ક) ઈસુના દૃષ્ટાંતમાં માલિકે પોતાના ચાકરને જે કહ્યું એ કેમ શિષ્યો સમજી શક્યા? (ખ) ઇતિહાસમાં ઘઉં અને કડવા દાણા કઈ રીતે સાથે ઊગ્યા?
૮ ચાકરોને જ્યારે જાણ થઈ કે ઘઉં સાથે જંગલી ઘાસ પણ ઉગે છે ત્યારે તેઓ માલિકને આમ કહે છે: “તારી મરજી હોય તો અમે જઈને તેને [જંગલી ઘાસ] એકઠા કરીએ.” (માથ. ૧૩:૨૭, ૨૮) માલિકે તેઓને કહ્યું કે ઘઉં અને જંગલી ઘાસને કાપણીના સમય સુધી સાથે ઉગવા દો. માલિકે જે કહ્યું એનાથી કદાચ આપણને નવાઈ લાગે. પણ શિષ્યો સમજી શક્યા કે શા માટે ઈસુએ આમ કહ્યું. તેઓ જાણતા હતા કે છોડ નાના હોય ત્યારે જંગલી ઘાસ અને ઘઉં વચ્ચેનો ભેદ પારખવો અઘરો છે. સાથે સાથે જેઓને ખેતીવાડીનો થોડો ઘણો અનુભવ હતો તેઓ જાણતા હતા કે જંગલી ઘાસના મૂળિયાં ઘઉંના મૂળિયાં સાથે વીંટળાઈ જાય છે. એટલે જો કાપણી પહેલાં એને ઉખાડી કાઢવામાં આવે, તો એનાથી ઘઉંને પણ નુકશાન થાય.d આ કારણે જ માલિકે પોતાના ચાકરોને કાપણી સુધી રાહ જોવા કહ્યું.
૯ જંગલી ઘાસ ફૂલેફાલે છે એવી જ રીતે પ્રથમ સદી પછી કહેવાતા ખ્રિસ્તીઓ ફુલ્યા-ફાલ્યા. મોટાભાગના કહેવાતા ખ્રિસ્તીઓ રોમન કેથલિક અને ઑર્થોડૉક્સ પંથના હતા. સદીઓ પછી અનેક પ્રોટેસ્ટંટ પંથમાંથી પણ ઊભા થયા. એ સમય દરમિયાન પૃથ્વી પર ઘઉં જેવા સાચા ખ્રિસ્તીઓ પણ હતા. દૃષ્ટાંતમાં માલિકે ઘણા લાંબા સમય ધીરજ રાખીને ઘઉં અને કડવા દાણાને ઊગવા દીધા. પછી કાપણીના સમયમાં એને છૂટા પાડવામાં બહુ વાર લાગી નહિ.
છેવટે કાપણીનો સમય આવ્યો
૧૦, ૧૧. (ક) કાપણીનો સમય ક્યારે છે? (ખ) કઈ રીતે ઘઉં જેવા ખ્રિસ્તીઓને યહોવાહની ‘વખારમાં’ લાવવામાં આવ્યા છે?
૧૦ ઈસુએ કહ્યું: ‘કાપણી જગતના અંતનો સમય છે. અને કાપનારા દૂતો છે.’ (માથ. ૧૩:૩૯) આ દુષ્ટ જગતના અંતના સમયમાં ઘઉં જેવા રાજ્યના દીકરાઓને ભેગા કરાશે. કડવા દાણા જેવા શેતાનના દીકરાઓથી અલગ કરાશે. આ વિષે પીતરે જણાવ્યું: ‘ન્યાયકરણની શરૂઆત ઈશ્વરની મંડળીમાં થાય, એવો સમય આવ્યો છે; અને જો આપણામાં એની શરૂઆત થાય, તો ઈશ્વરની સુવાર્તા માનતા નથી તેઓના શું હાલ થશે?’—૧ પીત. ૪:૧૭.
૧૧ ‘જગતના અંતની’ શરૂઆતમાં એટલે છેલ્લા દિવસોની શરૂઆતમાં ખ્રિસ્તીઓનો ન્યાય કરવાનું ચાલુ થયું. એ પછી નક્કી થયું કે તેઓ “રાજ્યનાં” દીકરા છે કે “શેતાનના.” આવું નક્કી કઈ રીતે થયું? કાપણીના સમયની શરૂઆતમાં “પહેલાં” મહાન બાબેલોન પડી ભાંગ્યું. પછી રાજ્યના દીકરાઓને ભેગા કરવામાં આવ્યા. (માથ. ૧૩:૩૦) પણ આ ઘઉં જેવા સાચા ખ્રિસ્તીઓને કઈ રીતે યહોવાહની ‘વખારમાં’ લાવવામાં આવ્યા છે? એક રીત છે, મંડળ શુદ્ધ થઈને ફરી સ્થપાયું ત્યારથી આ ખ્રિસ્તીઓને એમાં ભેગા કરવામાં આવ્યા છે. ત્યાં તેઓને યહોવાહનો આશીર્વાદ અને રક્ષણ મળે છે. બીજી રીત છે, મરણ સુધી યહોવાહને વફાદાર રહેવાથી તેઓને સ્વર્ગમાં જવાનું ઈનામ મળે છે.
૧૨. કાપણી કેટલો સમય ચાલશે?
૧૨ ન્યાય કરવાનો સમય કેટલો લાંબો છે? ઈસુએ ‘કાપણીના મોસમની’ વાત કરી, જે અમુક સમય સુધી જ હોય છે. (પ્રકટી. ૧૪:૧૫, ૧૬) તેથી અંતના સમય દરમિયાન અભિષિક્ત કરાએલા સભ્યોનો ન્યાય ચાલે છે. આ ન્યાયનો સમય ક્યારે પૂરો થશે? જ્યારે આ અભિષિક્ત જનોને મુદ્રા મળે એટલે કે તેઓને પૂરી ખાતરી થાય કે તેઓ સ્વર્ગમાં જવાના જ છે.—પ્રકટી. ૭:૧-૪.
૧૩. કડવા દાણા જેવા કહેવાતા ખ્રિસ્તીઓએ કઈ રીતે લોકોને ઠોકર ખવડાવી છે અને ભૂંડા કામો કર્યા છે?
૧૩ રાજ્યમાંથી કોને બહાર કાઢવામાં આવ્યા? કડવા દાણા જેવા પાદરીઓને. તેઓએ કઈ રીતે લોકોને ઠોકર ખવડાવી છે અને ભૂંડા કામો કર્યા છે? (માથ. ૧૩:૪૧) તેઓએ લાખો લોકોને સદીઓથી ઈશ્વર વિષે ખોટું શિક્ષણ શીખવીને ‘ઠોકર ખવડાવી’ છે. જેમ કે, નરક અને ત્રૈક્યની ગૂંચવણ ભરી માન્યતા. પાદરીઓએ કેવા ભૂંડા કામો કર્યા છે? ઘણાએ ખરાબ દાખલો બેસાડ્યો છે. તેઓ રાજકારણમાં જોડાય છે, બીજા ઘણાએ પાપી કામો કર્યા છે. (યાકૂ. ૪:૪) વધુમાં ચર્ચની સંસ્થાઓ તેઓના સભ્યોના અનૈતિક કામોને દિવસે ને દિવસે વધારે નજરઅંદાજ કરે છે. (યહુદા ૪ વાંચો.) આવા ખોટાં કામો કર્યા છતાં તેઓ ધાર્મિક હોવાનો ઢોંગ કરે છે. રાજ્યના દીકરાઓ ઘણા ખુશ છે કે તેઓ કડવા દાણા જેવા ખ્રિસ્તીઓથી તદ્દન અલગ છે. વધુમાં, તેઓ ઠોકર ખવડાવે એવા ખોટા શિક્ષણથી દૂર રહ્યાં છે.
૧૪. શા માટે કડવા દાણા જેવા પાદરીઓ ‘રડશે અને દાંત પીસશે?’
૧૪ શા માટે કડવા દાણા જેવા પાદરીઓ ‘રડશે અને દાંત પીસશે?’ (માથ. ૧૩:૪૨) એક કારણ એ છે, કે ‘રાજ્યના દીકરાઓએ’ તેઓના ખોટા શિક્ષણોને ખુલ્લા પાડ્યા છે. બીજું કે, કહેવાતા ખ્રિસ્તીઓ ચર્ચને ઓછો ટેકો આપી રહ્યાં છે. તેમ જ, પાદરીઓ હવે પોતાના સભ્યોને મુઠ્ઠીમાં રાખી શકતા નથી. આ કારણોને લીધે ‘શેતાનનાં દીકરાઓને’ પીડા થઈ રહી છે.—યશાયાહ ૬૫:૧૩, ૧૪ વાંચો.
૧૫. કડવા દાણાના છોડનું શું થશે?
૧૫ કડવા દાણાના છોડનું શું થશે? તેઓને ભેગા કરીને બાળવામાં આવશે. (માથ. ૧૩:૪૦) તેઓનો આગમાં પૂરેપૂરો નાશ કરવામાં આવશે. (પ્રકટી. ૨૦:૧૪; ૨૧:૮) એનો અર્થ થાય કે “મોટી વિપત્તિ” દરમિયાન કડવા દાણા જેવા કહેવાતા ખ્રિસ્તીઓને જડમૂળથી કાઢી નાખવામાં આવશે.—માથ. ૨૪:૨૧.
તેઓ “સૂરજની પેઠે પ્રકાશશે”
૧૬, ૧૭. માલાખીએ ઈશ્વરના મંદિરમાં થતી ભક્તિ વિષે શું ભાખ્યું? એ ક્યારે અને કઈ રીતે શરૂ થઈ?
૧૬ ઘઉં જેવા સાચા ખ્રિસ્તીઓ ક્યારે ‘સૂરજની પેઠે પ્રકાશ્યા’ છે? (માથ. ૧૩:૪૩) ઈશ્વરના મંદિરમાં થતી ભક્તિને શુદ્ધ કરવા વિષે માલાખીએ લખ્યું: ‘જે પ્રભુને તમે શોધો છો, તે પોતાના મંદિરમાં અકસ્માતે આવશે. એટલે કરારનો દૂત જેનામાં તમે આનંદ માનો છો, જુઓ, તે આવે છે, એમ સૈન્યોનો ઈશ્વર યહોવાહ કહે છે. પણ તેના આવવાનો દિવસ કોણ સહન કરી શકે? અને તે પોતે હાજર થશે ત્યારે કોણ ઊભો રહી શકશે? કેમકે તે ધાતુ ગાળનારના અગ્નિરૂપ તથા ધોબીના સાબુરૂપ છે. તે રૂપું ગાળનાર તથા શુદ્ધ કરનારની પેઠે બિરાજશે, ને તે લેવીના પુત્રોને શુદ્ધ કરીને ચોખ્ખા સોનારૂપા જેવા કરશે. અને તેઓ યહોવાહને ન્યાયીપણાથી અર્પણો ચઢાવશે.’—માલા. ૩:૧-૩.
૧૭ એવું લાગે છે કે આ ભવિષ્યવાણી ૧૯૧૮માં શરૂ થઈ. એ વખતે યહોવાહ અને ‘કરારના દૂત’ ઈસુએ ‘મંદિરમાં’ થતી યહોવાહની ભક્તિ વિષે તપાસ કરી. યહોવાહના ભક્તો શુદ્ધ થયા પછી માલાખીએ સમજાવ્યું: “સદાચારીની તથા દુરાચારીની વચ્ચેનો, ઈશ્વરની સેવા કરનારની તથા તેની સેવા નહિ કરનારની વચ્ચેનો, ભેદ સમજશો.” (માલા. ૩:૧૮) એ સમયથી યહોવાહના ભક્તો ફરી જોરશોરથી ભક્તિ કરવા લાગ્યા. તેથી કહી શકીએ કે એ સમયથી કાપણીની શરૂઆત થઈ.
૧૮. આપણા દિવસો વિષે દાનીયેલે શું ભાખ્યું હતું?
૧૮ આપણા દિવસો વિષે દાનીયેલે ભાખ્યું: ‘જ્ઞાનીઓ પ્રકાશની માફક, અને ઘણાઓને નેકીમાં વાળી લાવનારાઓ સદાસર્વકાળ તારાઓની માફક પ્રકાશશે.’ (દાની. ૧૨:૩) પ્રકાશની માફક ચમકતા લોકો કોણ છે? તેઓ અભિષિક્ત ખ્રિસ્તીઓ છે. ઈસુએ તેઓને ઘઉં અને કડવા દાણાના દૃષ્ટાંતમાં ઘઉં સાથે સરખાવ્યા હતા. આજે કડવા દાણા જેવા ઢોંગી ખ્રિસ્તીઓને ‘એકઠા કરવામાં’ આવ્યા છે. નમ્ર દિલના વધુને વધુ લોકો ઘઉં અને કડવા દાણા જેવા ખ્રિસ્તી વચ્ચેનો ફરક પારખી શક્યા છે. તેઓ પૃથ્વી પર બાકી રહેલા દેવના ઈસ્રાએલના સભ્યોને ટેકો આપે છે. તેઓ પણ અંધકારમય જગતમાં પ્રકાશ ફેલાવી રહ્યાં છે. તેઓ પાસે ઈશ્વરના રાજ્યમાં તેમની પ્રજા બનવાની આશા છે.—ઝખા. ૮:૨૩; માથ. ૫:૧૪-૧૬; ફિલિ. ૨:૧૫.
૧૯, ૨૦. ‘રાજ્યના દીકરાઓ’ શાની રાહ જોઈ રહ્યાં છે? હવે પછીના લેખમાં શાની ચર્ચા કરીશું?
૧૯ આજે પૃથ્વી પર બાકી રહેલા ‘રાજ્યના દીકરાઓ’ સ્વર્ગમાં જવાની રાહ જોઈ રહ્યાં છે. (રૂમી ૮:૧૮, ૧૯; ૧ કોરીં. ૧૫:૫૩; ફિલિ. ૧:૨૧-૨૪) તેઓએ એ ઈનામ મેળવવા યહોવાહને વળગી રહેવાની અને પ્રકાશની માફક ચમકતા રહેવાની જરૂર છે. તેમ જ, ‘શેતાનનાં સંતાનોથી’ અલગ દેખાઈ આવવાની જરૂર છે. (માથ. ૧૩:૩૮; પ્રકટી. ૨:૧૦) આજે કડવા દાણા જેવા ખ્રિસ્તીઓને ‘એકઠા કરવામાં’ આવે છે. એનાથી આપણે ઘઉં જેવા ખ્રિસ્તીઓને સહેલાઈથી પારખી શકીએ છીએ. એ આપણા માટે કેટલી ખુશીની વાત છે!
૨૦ હાલમાં રાજ્યના દીકરાઓને સાથ આપનારાઓની સંખ્યા દિવસે-દિવસે વધતી જાય છે. રાજ્યની પ્રજા તરીકે તેઓને પૃથ્વી પર હંમેશ માટે જીવવાની આશા છે. પણ તેઓ અને રાજ્યના દીકરાઓ વચ્ચે શું સંબંધ છે? હવે પછીના લેખમાં એની ચર્ચા થશે. (w10-E 03/15)
[ફુટનોટ્સ]
a આ દૃષ્ટાંતો વિષે વધારે જાણવા ચોકીબુરજ જુલાઈ ૧, ૨૦૦૮ના પાન ૧૭-૨૧ અને ૨૫-૨૯ જુઓ.
b આ દૃષ્ટાંતમાં વાવવું એ પ્રચાર અને શિષ્યો બનાવવાના કામને રજૂ કરતું નથી. ખેતરમાં વાવવામાં આવેલા સારાં બી વિષે ઈસુએ કહ્યું: ‘સારાં બી રાજ્યનાં દીકરા છે.’ અહીં ઈસુએ એમ ન કહ્યું કે તેઓ રાજ્યના દીકરા ‘બનશે.’ એટલે ખેતરમાં બી વાવવાનું કામ આ દુનિયામાંથી રાજ્યના દીકરાઓને પસંદ કરવાના કામને બતાવે છે.
c મૂળ ગ્રીક ભાષામાં ‘ધર્મત્યાગ’ માટે ભાષાંતર થયેલો શબ્દ બે પ્રકારના લોકોને લાગુ પડે છે. એક, એવા ખ્રિસ્તીઓ જેઓ યહોવાહની વિરુદ્ધ ગયા છે. બીજું, ઢોંગી ખ્રિસ્તીઓ, જેઓને શેતાને મંડળમાં મૂક્યા હતા.
d વધારે માહિતી માટે ઇન્સાઈટ ઓન ધ સ્ક્રીપ્ચર્સ, ગ્રંથ ૧, પાન ૧૧૭૮ જુઓ.
શું તમને યાદ છે?
ઘઉં અને કડવા દાણાના ઈસુના દૃષ્ટાંત પ્રમાણે:
• સારા દાણા કોણ છે?
• સારું બી વાવનાર કોણ છે?
• બી વાવવાનો અર્થ શું થાય?
• વૈરી કોણ છે?
• કડવા દાણા કોણ છે?
• કાપણીની મોસમ શું રજૂ કરે છે?
• વખાર શું છે?
• રડવું અને દાંત પીસવાનો શું અર્થ થાય?
• કડવા દાણાના છોડને બાળવાનો શું અર્થ થાય?
[પાન ૨૪ પર ચિત્રનું મથાળું]
ઈસવીસન ૩૩ પેન્તેકોસ્તના દિવસથી ઘઉં વાવવાનું શરૂ થયું
[પાન ૨૭ પર ચિત્રનું મથાળું]
ઘઉં જેવા સાચા ખ્રિસ્તીઓને યહોવાહની ‘વખારમાં’ લાવવામાં આવ્યા છે
Pictorial Archive (Near Eastern History) Est.