પ્રકરણ ૫૮
થોડી રોટલીમાંથી ઘણી, ખમીર વિશે ચેતવણી
માથ્થી ૧૫:૩૨–૧૬:૧૨ માર્ક ૮:૧-૨૧
ઈસુ ૪,૦૦૦ માણસોને જમાડે છે
ફરોશીઓના ખમીર વિશે ઈસુ ચેતવે છે
ગાલીલ સરોવરની પૂર્વ તરફ દકાપોલીસના વિસ્તારમાં, લોકોનું મોટું ટોળું ઈસુ પાસે ભેગું થયું હતું. તેઓ ઈસુને સાંભળવા અને સાજા થવા આવ્યા હતા. તેઓ ટોપલી કે ટોપલામાં ખોરાક પણ લાવ્યા હતા.
સમય જતાં, ઈસુએ શિષ્યોને જણાવ્યું: “મને ટોળાની દયા આવે છે, કેમ કે ત્રણ દિવસથી તેઓ મારી સાથે છે અને તેઓ પાસે કંઈ ખાવાનું નથી. જો હું તેઓને ભૂખ્યા જ ઘરે મોકલી દઉં, તો તેઓ રસ્તામાં બેભાન થઈ જશે અને તેઓમાંના અમુક તો ઘણે દૂરથી આવ્યા છે.” શિષ્યોએ પૂછ્યું: “આ લોકો પેટ ભરીને ખાય શકે એટલી રોટલી કોઈ આ ઉજ્જડ જગ્યામાં કઈ રીતે લાવે?”—માર્ક ૮:૨-૪.
ઈસુએ પૂછ્યું: “તમારી પાસે કેટલી રોટલી છે?” શિષ્યોએ કહ્યું: “સાત અને અમુક નાની માછલી.” (માથ્થી ૧૫:૩૪) પછી, ઈસુએ લોકોને જમીન પર બેસવા કહ્યું. તેમણે સાત રોટલીઓ અને માછલીઓ લીધી તથા ઈશ્વરને પ્રાર્થના કરી. પછી, એ વહેંચવા શિષ્યોને આપી અને બધાએ ધરાઈને ખાધું. ૪,૦૦૦ માણસો તેમજ સ્ત્રીઓ અને બાળકોએ ખાધું હોવા છતાં, રોટલીના વધેલા ટુકડાથી સાત ટોપલા ભરાયા!
ટોળાને વિદાય કર્યા પછી, ઈસુ અને શિષ્યો હોડીમાં મગદાન ગયા, જે ગાલીલ સરોવરના પશ્ચિમ કિનારે આવેલું હતું. અહીં ફરોશીઓ અને સાદુકીઓના પંથના અમુક લોકો ઈસુ પાસે આવ્યા; તેઓએ આકાશમાંથી નિશાની માંગીને તેમને ચકાસવાનો પ્રયત્ન કર્યો.
તેઓના ઇરાદા જાણીને ઈસુએ જવાબ આપ્યો: “સાંજ પડે છે ત્યારે તમે કહેતા હો છો કે, ‘હવામાન સારું હશે, કેમ કે આકાશ લાલ રંગનું છે;’ અને સવારે કહો છો, ‘આજે ઠંડી હશે અને વરસાદ પડશે, કેમ કે આકાશ લાલ રંગનું પણ વાદળોથી ઘેરાયેલું છે.’ તમે આકાશ તરફ જોઈને હવામાન પારખી શકો છો, પણ તમે સમયની નિશાનીઓને પારખી શકતા નથી.” (માથ્થી ૧૬:૨, ૩) ઈસુએ ફરોશીઓને અને સાદુકીઓને કહ્યું કે યૂનાની નિશાની સિવાય બીજી કોઈ નિશાની તેઓને આપવામાં નહિ આવે.
પછી, ઈસુ અને શિષ્યો હોડીમાં બેસીને સરોવરના ઉત્તર-પૂર્વ કિનારે આવેલા બેથસૈદા તરફ ગયા. માર્ગમાં શિષ્યોને ખબર પડી કે તેઓ પૂરતી રોટલી લેવાનું ભૂલી ગયા હતા. તેઓ પાસે માત્ર એક રોટલી હતી. હાલમાં જ ફરોશીઓ અને હેરોદને ટેકો આપતા સાદુકીઓને જે કહ્યું હતું, એને ધ્યાનમાં રાખીને ઈસુએ ચેતવણી આપી: “તમારી આંખો ખુલ્લી રાખો; ફરોશીઓના ખમીરથી તથા હેરોદના ખમીરથી સાવચેત રહો.” શિષ્યોને લાગ્યું કે પોતે રોટલી લાવવાનું ભૂલી ગયા હોવાથી ઈસુએ ખમીરની વાત કરી. એ જાણીને ઈસુએ કહ્યું: “રોટલી ન લાવવા વિશે તમે કેમ દલીલ કરો છો?”—માર્ક ૮:૧૫-૧૭.
ઈસુએ થોડા સમય પહેલાં હજારો લોકોને જમાડ્યા હતા. એટલે, શિષ્યોને ખબર હોવી જોઈતી હતી કે તેમને રોટલીની ચિંતા ન હતી. ઈસુએ પૂછ્યું: “શું તમને યાદ નથી, જ્યારે મેં ૫,૦૦૦ પુરુષો માટે પાંચ રોટલી તોડી, ત્યારે વધેલા ટુકડા ભરેલી કેટલી ટોપલીઓ તમે ભેગી કરી હતી?” તેઓએ જવાબ આપ્યો: “બાર.” ઈસુએ આગળ પૂછ્યું: “જ્યારે મેં ૪,૦૦૦ પુરુષો માટે સાત રોટલી તોડી, ત્યારે વધેલા ટુકડા ભરેલા કેટલા ટોપલા તમે ભેગા કર્યા હતા?” તેઓએ જવાબ આપ્યો: “સાત.”—માર્ક ૮:૧૮-૨૦.
ઈસુએ પૂછ્યું: “તમે કેમ નથી સમજતા કે હું તમારી સાથે રોટલી વિશે વાત નથી કરતો?” તેમણે ઉમેર્યું: “ફરોશીઓ અને સાદુકીઓના ખમીરથી સાવચેત રહો.”—માથ્થી ૧૬:૧૧.
આખરે, શિષ્યોને સમજણ પડી. ખમીરનો ઉપયોગ આથો લાવવા અને રોટલી ફુલાવવા માટે થાય છે. ભ્રષ્ટતાને રજૂ કરવા ઈસુએ અહીં ખમીરનો ઉપયોગ કર્યો. તેમણે શિષ્યોને “ફરોશીઓ અને સાદુકીઓના શિક્ષણથી” સાવચેત રહેવાનું કહ્યું. તેઓના શિક્ષણની ઘણી ખરાબ અસર થઈ શકતી હતી.—માથ્થી ૧૬:૧૨.