ચેતતો નર સદા સુખી
“શરૂઆતમાં મને લાગ્યું કે મારા દીકરા એન્ડ્રુને ખાલી માથું દુઃખે છે. પણ પછી તો તેની ભૂખ જ મરી ગઈ. તાવ પણ વધવા લાગ્યો. તેને માથું તો એવું દુખવા લાગ્યું જાણે હમણાં ફાટી જશે. મને તેની ખૂબ ચિંતા થવા લાગી. મારા પતિ ઘરે આવ્યા એટલે તરત જ અમે એન્ડ્રુને ડૉક્ટર પાસે લઈ ગયા. ડૉક્ટરે તેને તપાસીને તરત જ હૉસ્પિટલમાં દાખલ કરી દીધો. એન્ડ્રુને ફક્ત માથાનો દુખાવો જ ન હતો. તે મિનીનગિટ્સ (મગજની એક ગંભીર બીમારી) નામની ગંભીર બીમારીથી પીડાતો હતો. અમે તેની સારવાર કરાવી અને તે જલદી જ સાજો થઈ ગયો.”—ઘરત્રૂડ જર્મનીની એક મા.
ઘણા માબાપને ઘરત્રૂડ જેવો અનુભવ થયો હશે. બાળકને જોઈને જ તેઓને ખબર પડી જાય છે કે તે બીમાર છે. જોકે બધી બીમારી કંઈ ગંભીર હોતી નથી. તોપણ, બાળકોને કંઈ થાય કે તરત માબાપ ઊંચા-નીચા થઈ જાય છે. તરત પગલાં લે છે. એનાથી ખરેખર ફરક પડે છે, જેમ કે કહેવત છે કે ચેતતો નર સદા સુખી.
તંદુરસ્તી સિવાયની બીજી બાબતો પણ મહત્ત્વની છે. દાખલા તરીકે, ડિસેમ્બર, ૨૦૦૪માં ભારતના દરિયાકાંઠાના વિસ્તારોમાં સુનામીના રાક્ષસી મોજાં ત્રાટક્યાં હતાં. ઑસ્ટ્રેલિયા અને હવાઈમાં સુનામીની ચેતવણી આપતા સેન્ટરોને ખબર પડી ગઈ હતી કે ઉત્તર સુમાત્રામાં ભારે ધરતીકંપ થયો છે. તેઓ એ પણ જોઈ શકતા હતા કે એનાથી કેવી મોટી જાનહાનિ થઈ શકે છે. પરંતુ, દુઃખની વાત છે કે સુનામીગ્રસ્ત વિસ્તારોમાં એવું કોઈ માધ્યમ ન હતું કે જે લોકોને એ સેન્ટરો તરફથી આવનાર આફતની ચેતવણી આપે. પરિણામે સુનામીમાં ૨,૨૦,૦૦૦થી વધારે લોકો મોતના મોંમાં ચાલ્યા ગયા.
મહત્ત્વના બનાવો
ઈસુ પૃથ્વી પર હતા ત્યારે તેમણે લોકોને બનાવો પારખીને, ચેતતા રહેવાનું શીખવ્યું હતું. તેમણે ચેતવણી પારખવાને બહુ મહત્ત્વ આપ્યું હતું. બાઇબલ જણાવે છે: “ફરોશીઓએ તથા સાદુકીઓએ આવીને તેનું પરીક્ષણ કરતાં માગ્યું, કે અમને આકાશથી ચિહ્ન દેખાડ. પણ તેણે તેઓને ઉત્તર દીધો, કે સાંજ પડે છે ત્યારે તમે કહો છો કે ઉઘાડ થશે, કેમ કે આકાશ રતુમડું છે. અને સવારે તમે કહો છો, કે આજ ઝડી પડશે, કેમ કે આકાશ રતુમડું તથા અંધરાએલું છે. તમે આકાશનું રૂપ પારખી જાણો છો ખરા, પણ સમયોનાં ચિહ્ન તમે પારખી નથી શકતા.”—માત્થી ૧૬:૧-૩.
‘સમયોનાં ચિહ્નોનો’ ઉલ્લેખ કરતા ઈસુએ જણાવ્યું કે પ્રથમ સદીના યહુદીઓને એ ખબર હોવી જોઈતી હતી કે તેઓ અંતના સમયમાં જીવી રહ્યાં છે. કેમ કે, થોડા જ સમયમાં તેઓના મંદિર અને યરૂશાલેમ શહેરનો વિનાશ થવાનો હતો. યહોવાહનો આશિષ યહુદીઓના ધર્મ પર રહેવાનો ન હતો. એની તેઓ સર્વ પર અસર થવાની હતી. ઈસુએ પોતાના મરણના થોડા દિવસો પહેલાં શિષ્યોને બીજા એક ચિહ્ન કે બનાવ વિષે વાત કરી. એ કયો બનાવ હતો? પરમેશ્વરના રાજ્યમાં ઈસુ રાજા બને એ બનાવ. ત્યારે તેમણે જે કહ્યું હતું એ જાણવું આજે આપણા સર્વ માટે ખૂબ મહત્ત્વનું છે.