તરુણો શું તમે બાપ્તિસ્મા માટે તૈયાર છો?
“તમારામાં એવો કોણ છે કે જે બુરજ બાંધવા ચાહે, પણ પહેલવહેલાં બેસીને ખરચ નહિ ગણે કે તે પૂરો કરવા જેટલું મારી પાસે છે કે નહિ?”—લુક ૧૪:૨૮.
આ અને આવતો લેખ બાપ્તિસ્મા લેવાનું વિચારી રહેલા તરુણો માટે તૈયાર કરવામાં આવ્યો છે
૧, ૨. (ક) યહોવાના લોકોને આજે શું જોઈને ખુશી મળે છે? (ખ) માબાપ અને મંડળના વડીલો તરુણોને કઈ રીતે સમજાવી શકે કે બાપ્તિસ્મા લેવાનો શો અર્થ થાય?
એક વડીલે ૧૨ વર્ષના ક્રિસ્ટોફરને કહ્યું: ‘તું જન્મ્યો ત્યારથી હું તને ઓળખું છું. મને ઘણી ખુશી છે કે તું બાપ્તિસ્મા લેવા ચાહે છે. પણ તને એક સવાલ પૂછું, તું શા માટે બાપ્તિસ્મા લેવા માંગે છે?’ એવો સવાલ પૂછવા પાછળ એ વડીલ પાસે યોગ્ય કારણો હતાં. દર વર્ષે હજારો તરુણોને બાપ્તિસ્મા લેતા જોઈને આપણને ખૂબ ખુશી થાય છે. (સભા. ૧૨:૧) પરંતુ, માબાપ અને મંડળના વડીલો ખાતરી કરવા ચાહે છે કે તરુણો બાપ્તિસ્મા લેવાનો અર્થ સમજે અને એનો નિર્ણય જાતે લે.
૨ બાઇબલમાંથી શીખવા મળે છે કે સમર્પણ કર્યા પછી અને બાપ્તિસ્મા લીધા પછી વ્યક્તિનું જાણે એક નવું જીવન શરૂ થાય છે. એનાથી જીવનમાં યહોવાના આશીર્વાદો મળવાની શરૂઆત થાય છે. પરંતુ, એ જોઈને શેતાન ખુશ થતો નથી. તે આપણા પર સતાવણી લાવે છે. (નીતિ. ૧૦:૨૨; ૧ પીત. ૫:૮) તેથી, માબાપે પોતાના તરુણને સમય કાઢીને શીખવવું જોઈએ કે ઈસુના શિષ્ય હોવાનો શો અર્થ થાય. પરંતુ, માબાપ સત્યમાં ન હોય તો મંડળના વડીલો એ તરુણને મદદ આપશે. તેઓ એ તરુણને પ્રેમથી સમજાવશે કે સમર્પણ અને બાપ્તિસ્મા લેવાનો શો અર્થ થાય છે. (લુક ૧૪:૨૭-૩૦ વાંચો.) એમ કરવું શા માટે જરૂરી છે? એ જાણવા ચાલો એક દાખલો જોઈએ. ધારો કે તમે એક બિલ્ડિંગ બનાવી રહ્યા છો. એનું બાંધકામ શરૂ કરો એ પહેલાં સારી તૈયારી કરવી જરૂરી છે, જેથી બાંધકામ પૂરું થઈ શકે, ખરુંને! એવી જ રીતે, તરુણો બાપ્તિસ્મા લે એ પહેલાં સારી તૈયારી કરે એ બહુ જરૂરી છે, જેથી તેઓ “અંત સુધી” યહોવાની સેવા કરી શકે. (માથ. ૨૪:૧૩) જીવનભર યહોવાની સેવા કરતા રહેવાનો પાક્કો નિર્ણય લેવા તરુણોને શું મદદ કરશે? ચાલો જોઈએ.
૩. (ક) ઈસુ અને પીતરના શબ્દો પરથી બાપ્તિસ્માના મહત્ત્વ વિશે શું શીખી શકાય? (માથ. ૨૮:૧૯, ૨૦; ૧ પીત. ૩:૨૧) (ખ) આપણે કયા સવાલોની ચર્ચા કરીશું અને શા માટે?
૩ શું તમે તરુણ છો અને બાપ્તિસ્મા લેવાનો ધ્યેય રાખો છો? જો એમ હોય તો, એ ઘણી વખાણવા લાયક વાત છે! બાપ્તિસ્મા લઈને યહોવાના ભક્ત બનવું ખરેખર એક મોટું સન્માન છે. એટલું જ નહિ, યહોવાના સેવક બનવા અને મોટી વિપત્તિમાંથી બચવા એ પગલું ભરવું ખૂબ જરૂરી છે. (માથ. ૨૮:૧૯, ૨૦; ૧ પીત. ૩:૨૧) બાપ્તિસ્મા લઈને તમે બતાવી આપો છો કે હંમેશાં યહોવાની સેવા કરવાનું તમે વચન આપ્યું છે. તમે ચોક્કસ એ વચન પાળવા માંગો છો. તમે બાપ્તિસ્મા લેવા તૈયાર છો કે નહિ એ જાણવા આ ત્રણ સવાલો તમને મદદ કરશે: (૧) શું હું એટલો પરિપક્વ છું કે જાતે નિર્ણય લઈ શકું? (૨) શું હું મારી મરજીથી બાપ્તિસ્મા લેવા ચાહું છું? અને (૩) શું હું સમજું છું કે યહોવાને જીવન સમર્પણ કરવામાં શું સમાયેલું છે?
તમે પરિપક્વ થાઓ ત્યારે
૪, ૫. (ક) શું ઉંમરમાં મોટી વ્યક્તિઓ જ બાપ્તિસ્મા લઈ શકે? (ખ) પરિપક્વ હોવાનો શો અર્થ થાય?
૪ બાઇબલ એમ નથી જણાવતું કે અમુક ઉંમરના થયા પછી જ બાપ્તિસ્મા લઈ શકાય. નીતિવચનો ૨૦:૧૧ જણાવે છે કે ‘બાળક પણ પોતાના ચાલચલણથી ઓળખાય છે, કે તેનું કામ શુદ્ધ અને સારું છે કે નહિ.’ આમ, બાળક પણ સમજી શકે છે કે ખરું કરવાનો શો અર્થ થાય. તે એ પણ સમજી શકે છે કે તેના સર્જનહારને જીવન સમર્પણ કરવામાં શું સમાયેલું છે. આમ, પોતાને પરિપક્વ સાબિત કરનાર તેમજ યહોવાને સમર્પણ કરનાર તરુણ માટે બાપ્તિસ્મા લેવું મહત્ત્વનું અને યોગ્ય છે.—નીતિ. ૨૦:૭.
૫ પરિપક્વ હોવાનો શો અર્થ થાય? એનો હંમેશાં એવો અર્થ થતો નથી કે વ્યક્તિ ઉંમરમાં અથવા કદમાં મોટી હોય. બાઇબલ જણાવે છે કે ‘ખરા અને ખોટા વચ્ચેનો ફરક પારખી શકે’ એ માટે જેઓએ પોતાની સમજશક્તિ કેળવી લીધી છે, તેઓ પરિપક્વ કે સમજદાર વ્યક્તિઓ છે. (હિબ્રૂ ૫:૧૪) એવી વ્યક્તિને ખબર હોય છે કે ખરું શું છે અને તેણે એ જ પ્રમાણે કરવાનો પાક્કો નિર્ણય લીધો હોય છે. એટલે, જો તેને કંઈ ખોટું કરવા વિશે લલચાવવામાં આવે, તો તે એમાં ફસાઈ જતી નથી. તેને વારંવાર ટોકવાની જરૂર પડતી નથી કે, “આ સારું છે, તારે આમ કરવું જોઈએ.” તેથી, બાપ્તિસ્મા લેનાર તરુણ પાસેથી એવી અપેક્ષા રાખવી ખોટી નહિ કહેવાય કે તે હવેથી એ જ કરશે જે સારું છે, પછી ભલે તેનાં માબાપ અથવા બીજા લોકો આસપાસ હોય કે ન હોય!—વધુ માહિતી: ફિલિપી ૨:૧૨.
૬, ૭. (ક) બાબેલોનમાં દાનીયેલ સામે જે પડકારો આવ્યા એનું વર્ણન કરો. (ખ) દાનીયેલે કઈ રીતે સાબિત કર્યું હતું કે તે પરિપક્વ હતા?
૬ શું તરુણ વ્યક્તિ માટે એવી પરિપક્વતા બતાવવી શક્ય છે? હા, કેમ નહિ! ચાલો, ઈશ્વરભક્ત દાનીયેલનો દાખલો જોઈએ. તેમને ગુલામ બનાવીને તેમનાં માતા-પિતાથી દૂર બાબેલોનમાં લઈ જવામાં આવ્યા, ત્યારે તે કદાચ તરુણ હતા. આમ, રાતોરાત જાણે તેમની દુનિયા બદલાઈ ગઈ. હવે, તેમની આસપાસ એવા લોકો હતા, જેઓ યહોવાના ભક્તો ન હતા ને તેમની આજ્ઞા પ્રમાણે કરતા ન હતા. એટલું જ નહિ, દાનીયેલ સામે બીજો પણ એક પડકાર હતો. ત્યાંના લોકો દાનીયેલને એક ખાસ વ્યક્તિ ગણતા અને એ રીતે વર્તતા. એનું કારણ શું હતું? દાનીયેલ એવા અમુક યુવાનોમાંના એક હતા, જેઓની પસંદગી રાજમહેલમાં રાજાની સેવા કરવા માટે થઈ હતી. ઘણી લાયકાતો ધ્યાનમાં રાખીને તેમને એ સેવા માટે પસંદ કરવામાં આવ્યા હતા. (દાની. ૧:૩-૫, ૧૩) એવું લાગે છે કે દાનીયેલને જે પદવી બાબેલોનમાં મળી હતી, એવી કદાચ ઈસ્રાએલમાં ક્યારેય મળી ન હોત.
૭ બાબેલોનના એવા માહોલમાં દાનીયેલનું વર્તન કેવું રહ્યું? શું તે બાબેલોનના રંગે રંગાઈ ગયા? અથવા શું તેમણે પોતાની શ્રદ્ધા પર જરાય આંચ આવવા દીધી? ના, જરાય નહિ! બાઇબલ જણાવે છે કે બાબેલોનમાં હતા ત્યારે, દાનીયેલે ‘પોતાના મનમાં પાક્કો નિર્ણય કર્યો, કે પોતાને ભ્રષ્ટ થવા દેશે નહિ.’ તેમ જ, જૂઠી ઉપાસનાને લગતી કોઈ પણ બાબતથી એકદમ દૂર રહેશે. (દાની. ૧:૮) ખરેખર, તેમણે સાબિત કર્યું કે તે સાચે જ પરિપક્વ હતા!
૮. તરુણો, દાનીયેલના ઉદાહરણ પરથી તમે શું શીખી શકો?
૮ તરુણો, દાનીયેલના ઉદાહરણ પરથી તમે શું શીખી શકો? એ જ કે જો એક તરુણ સાચે જ સમજણો હશે, તો તે પોતાની માન્યતાઓમાં મક્કમ રહેશે. પછી, ભલેને તેના માટે સંજોગો ગમે તેટલા મુશ્કેલ કેમ ન હોય! તે કાચીંડાની જેમ આસપાસના માહોલ પ્રમાણે રંગ બદલશે નહિ. તે એવું નહિ કરે કે રાજ્યગૃહમાં આવે ત્યારે ઈશ્વરના મિત્ર હોવાનો દેખાડો કરે અને સ્કૂલમાં જાય ત્યારે ત્યાંના રંગે રંગાઈ જાય. એને બદલે, તે ગમે તેવી લાલચમાં પણ પોતાની શ્રદ્ધામાં અડગ રહેશે.—એફેસી ૪:૧૪, ૧૫ વાંચો.
૯, ૧૦. (ક) કોઈ તરુણે પોતાની શ્રદ્ધાની પરીક્ષા વખતે કેવું કર્યું છે, જો તે એનો વિચાર કરશે, તો તેને કેવો ફાયદો થશે? (ખ) બાપ્તિસ્મા એટલે શું?
૯ એ હકીકત છે કે દુનિયામાં કોઈ પણ વ્યક્તિ સંપૂર્ણ નથી. નાના હોય કે મોટા, બધા જ લોકો કોઈકને કોઈક વાર ભૂલ કરી બેસે છે. (સભા. ૭:૨૦) તોપણ, યહોવાની આજ્ઞા પાળવામાં તમે પોતે કેટલા મક્કમ છો એ તપાસવામાં સમજદારી છે. એટલે આ સવાલનો વિચાર કરો, ‘યહોવાનું કહેવું માનવામાં મેં અત્યાર સુધી કેવું કર્યું છે?’ હાલનો કોઈ એવો બનાવ યાદ કરો, જેમાં તમારી શ્રદ્ધાની પરીક્ષા થઈ હોય. એ વખતે શું તમે પારખી શક્યા હતા કે શું કરવું ખરું કહેવાશે? દાનીયેલની સાથે બન્યું તેમ, શું કોઈએ તમને પણ તમારી આવડતો શેતાનની દુનિયા માટે વાપરવા ઉશ્કેર્યા છે? એવી લાલચ આવે ત્યારે શું તમે પારખી શકો છો કે એ સંજોગોમાં યહોવા તમારી પાસેથી શું ઇચ્છે છે?—એફે. ૫:૧૭.
૧૦ એ સવાલોના જવાબ મેળવવા કેમ જરૂરી છે? કેમ કે, એના જવાબથી તમને એ જોવા મદદ મળશે કે બાપ્તિસ્મા એ કંઈ મજાકમાં લેવા જેવી વાત નથી, એક જવાબદારીભર્યું પગલું છે. બાપ્તિસ્મા લઈને તમે બીજાઓ આગળ જાહેર કરો છો કે તમે યહોવાને એક મહત્ત્વનું વચન આપ્યું છે. તમે વચન આપ્યું છે કે યહોવાને તમે પ્રેમ કરશો અને હંમેશાં પૂરા દિલથી તેમની સેવા કરશો. (માર્ક ૧૨:૩૦) બાપ્તિસ્મા લેનારે યહોવાને આપેલું વચન પાળવા વિશે મક્કમ રહેવું જ જોઈએ.—સભાશિક્ષક ૫:૪, ૫ વાંચો.
શું એ તમારી ઇચ્છા છે?
૧૧, ૧૨. (ક) બાપ્તિસ્મા લેવાનું વિચારી રહેલી વ્યક્તિએ શાની ખાતરી કરવી જરૂરી છે? (ખ) બાપ્તિસ્માની ગોઠવણ વિશે યોગ્ય વલણ રાખવા તમને શું મદદ કરશે?
૧૧ બાઇબલ જણાવે છે કે, ભલે નાના હોય કે મોટા, યહોવાના બધા જ ભક્તો ‘રાજીખુશીથી’ યહોવાની સેવા કરશે. (ગીત. ૧૧૦:૩) તેથી, બાપ્તિસ્મા લેવા માંગતી વ્યક્તિએ પૂરી ખાતરી કરવી જોઈએ કે તે પોતાની ઇચ્છાથી બાપ્તિસ્મા લે. એ માટે વ્યક્તિએ બાપ્તિસ્મા લેવાની પોતાની ઇચ્છાને કદાચ બરાબર પારખવી પડે. એમાંય, જો તમારો ઉછેર સત્યમાં થયો હોય, તો એમ કરવું ખાસ જરૂરી છે. શા માટે?
૧૨ તમે મોટા થતા ગયા તેમ ઘણા લોકોને બાપ્તિસ્મા લેતા જોયા હશે. એમાં કદાચ તમારા મિત્રો કે ભાઈ-બહેનો પણ હશે. પણ જોજો એમ ન માનશો કે બધા બાપ્તિસ્મા લઈ રહ્યા છે, એટલે તમારે પણ બાપ્તિસ્મા લેવું જ પડશે. અથવા એવું પણ ન માનશો કે, તમે મોટા થઈ ગયા છો એટલે હવે તમારે બાપ્તિસ્મા લેવું જ જોઈએ. તમારે બાપ્તિસ્માને એ નજરે જોવું જોઈએ જે નજરે યહોવા એને જુએ છે. તમે એમ કરો છો કે નહિ એની ખાતરી કઈ રીતે કરી શકો? બાપ્તિસ્મા લેવું શા માટે ખૂબ મહત્ત્વનું છે, એ વિચારવા સમય કાઢો. એનું મહત્ત્વ સમજાવતાં ઘણાં સારાં કારણો તમને આ અને આવતા લેખમાં જોવા મળશે.
૧૩. તમે કઈ રીતે કહી શકો કે બાપ્તિસ્મા લેવાનો તમારો નિર્ણય તમારા દિલની ઇચ્છા છે?
૧૩ બાપ્તિસ્મા લેવાનો નિર્ણય તમે પોતે દિલથી કર્યો છે કે નહિ, એ ખાતરી કરવા તમે તમારી પ્રાર્થનાઓ વિશે વિચારો. યહોવા સાથે વાત કરવા તમે કેટલી વાર પ્રાર્થના કરો છો? શું તમારા મનમાં ચાલી રહેલા કોઈ ખાસ મુદ્દા વિશે પણ તમે યહોવાને જણાવો છો? એ સવાલોના જવાબ પરથી તમે જોઈ શકશો કે યહોવા સાથે તમારી દોસ્તી કેટલી ગાઢ છે. (ગીત. ૨૫:૪) યહોવા ઘણી વાર આપણને પ્રાર્થનાનો જવાબ બાઇબલમાંથી આપે છે. આમ, તમે બાઇબલ અભ્યાસ માટે જેટલો સમય ફાળવો છો, એના પરથી પણ જોઈ શકશો કે તમે ખરેખર તેમની નજીક જવા માંગો છો કે નહિ. તેમ જ, તેમની સેવા કરવાની ઇચ્છા તમારા દિલમાં છે કે નહિ. (યહો. ૧:૮) તેથી, વિચારો કે ‘કેટલી નિયમિત રીતે તમે બાઇબલનો અભ્યાસ કરો છો? શું તમે કુટુંબ તરીકેની ભક્તિમાં રાજીખુશીથી ભાગ લો છો?’ એના જવાબ પરથી તમે જોઈ શકશો કે બાપ્તિસ્મા લેવાની ઇચ્છા તમારા દિલની ઇચ્છા છે કે કેમ.
સમર્પણ એટલે શું?
૧૪. સમર્પણ અને બાપ્તિસ્મા વચ્ચેનો ફરક જણાવો.
૧૪ કેટલાક તરુણો કદાચ સમર્પણ અને બાપ્તિસ્મા વચ્ચેનો ફરક ખરેખર સમજતા નથી. દાખલા તરીકે, અમુક કદાચ એમ કહે કે તેઓ યહોવાને પોતાનું જીવન સમર્પિત કરી ચૂક્યા છે, પણ હજી બાપ્તિસ્મા માટે તૈયાર નથી. પણ શું એવું શક્ય છે? ના. કારણ કે, સમર્પણ તો એક પ્રાર્થના છે, જેમાં તમે યહોવાને વચન આપો છો કે તમે તેમની સેવા હંમેશાં કરશો. જ્યારે કે, બાપ્તિસ્મા દ્વારા તમે બીજાઓ આગળ જાહેર કરો છો કે તમે યહોવાને સમર્પણ કરી દીધું છે. તેથી, બાપ્તિસ્મા પામ્યા પહેલાં તમારે સમજવાની જરૂર છે કે યહોવાને સમર્પણ કરવું એટલે શું.
૧૫. સમર્પણ એટલે શું?
૧૫ તમે યહોવાને પોતાનું જીવન સમર્પણ કરો છો ત્યારે તમે તેમને જણાવો છો કે હવેથી તે જ તમારા માલિક છે. તમે તેમને વચન આપો છો કે હવે તેમની સેવા જ તમારા જીવનમાં સૌથી મહત્ત્વની છે. (માથ્થી ૧૬:૨૪ વાંચો.) યહોવાને એવું વચન આપવું કંઈ નાની-અમથી વાત નહિ, પણ ગંભીર વાત છે, ખરુંને! (માથ. ૫:૩૩) તો પછી, તમે કઈ રીતે બતાવી શકો કે હવેથી તમે નહિ, પણ યહોવા તમારા માલિક છે?—રોમ. ૧૪:૮.
૧૬, ૧૭. (ક) યહોવાને પોતાનું જીવન સોંપી દેવાનો શો અર્થ થાય, એ દાખલો આપીને સમજાવો. (ખ) સમર્પણ કરનાર વ્યક્તિ હકીકતમાં યહોવાને શું કહી રહી હોય છે?
૧૬ એ સમજવા ચાલો એક દાખલો જોઈએ. ધારો કે તમારો કોઈ મિત્ર તમને એક કાર ગીફ્ટમાં આપે છે. એ કાર તમારા નામે કરે છે અને એના બધા જ કાગળો તમારા હાથમાં થમાવતા કહે છે: “હવે આ કાર આજથી તારી.” પછી તે કહે છે, “પણ ચાવી તો હું મારી પાસે જ રાખીશ. તું નહિ, હું જ કાર ચલાવીશ!” એવી ગીફ્ટ વિશે તમને કેવું લાગશે? તમને કાર આપનારા તમારા એ મિત્ર વિશે કેવું લાગશે?
૧૭ જ્યારે કોઈ વ્યક્તિ પોતાનું જીવન યહોવાને સમર્પણ કરે છે, ત્યારે જાણે તે યહોવાને કહે છે: “હું તમને મારું જીવન સોંપું છું. હવેથી હું તમારો!” એટલે, એ વ્યક્તિ પોતાનું વચન પાળે એવી અપેક્ષા રાખવાનો યહોવાને પૂરો હક છે. પણ, યહોવાની આજ્ઞા તોડીને જો એ વ્યક્તિ એવા કોઈની સાથે ચોરીછૂપીથી ડેટિંગ કરે, જે સત્યમાં ન હોય તો? અથવા એવી નોકરી સ્વીકારે જેના લીધે તે પ્રચારમાં ઓછું કરવા લાગે, અથવા સભાઓ ચૂકવા લાગે તો? એમ બને તો, એ વ્યક્તિ યહોવાને આપેલું વચન પાળી રહી નથી. એ તો જાણે કાર ગીફ્ટ આપનાર મિત્રની જેમ ચાવી પોતાની પાસે રાખવા જેવું થશે. આપણે જ્યારે સમર્પણ કરીએ છીએ ત્યારે યહોવાને આમ કહીએ છીએ: “હવે હું નહિ, પણ તમે મારા જીવનના માલિક છો.” તેથી આપણે હંમેશાં એ જ કરીશું જે યહોવા ચાહે છે, ભલે પછી એ આપણી મરજી હોય કે ન હોય. ઈસુના આ શબ્દો પરથી દેખાઈ આવે કે ઈસુએ એવું જ કર્યું હતું: “હું મારી પોતાની ઇચ્છા નહિ, પણ જેણે મને મોકલ્યો છે તેની ઇચ્છા પૂરી કરવાને આકાશથી ઊતર્યો છું.”—યોહા. ૬:૩૮.
૧૮, ૧૯. (ક) રોઝ અને ક્રિસ્ટોફરના શબ્દો કઈ રીતે સાબિત કરે છે કે બાપ્તિસ્મા એક લહાવો છે, જે ઘણા આશીર્વાદો લાવે છે? (ખ) બાપ્તિસ્માના લહાવા વિશે તમને કેવું લાગે છે?
૧૮ આમ, કહી શકાય કે બાપ્તિસ્મા લેવું એ એક ગંભીર બાબત છે. એ નિર્ણય ખરેખર સમજી-વિચારીને અને દિલથી કરવાનો હોય છે. યહોવાને પોતાનું જીવન સમર્પણ કરવું અને બાપ્તિસ્મા લેવું એ તો એક મોટો લહાવો છે. જે તરુણો યહોવાને ચાહે છે અને સમર્પણ કરવાનો અર્થ સમજે છે, તેઓ યહોવાને સમર્પણ કરવાથી અને બાપ્તિસ્મા લેવાથી અચકાતા નથી. તેઓને પોતાના નિર્ણયનો જરાય અફસોસ થતો નથી. બાપ્તિસ્મા પામેલી આપણી રૉઝ નામની તરુણી જણાવે છે: ‘હું યહોવાને પ્રેમ કરું છું! યહોવાની સેવા કરવાથી મને જેટલી ખુશી મળે છે, એટલી ખુશી મને બીજા કશામાં મળતી નથી. મને પૂરી ખાતરી હતી કે મારે બાપ્તિસ્મા લેવું જ છે. એટલી બધી ખાતરી તો મને મારા જીવનના બીજા કોઈ નિર્ણય વખતે ન હતી.’
૧૯ આ લેખની શરૂઆતમાં આપણે ભાઈ ક્રિસ્ટોફર વિશે જોઈ ગયા. તેમણે ૧૨ વર્ષની નાની ઉંમરે બાપ્તિસ્મા લીધું. એ વિશે તેમને કેવું લાગે છે? તે જણાવે છે કે એ નિર્ણય લેવા બદલ તેમને ઘણી ખુશી છે. તેમણે એવું કર્યું એટલે ૧૭ વર્ષની ઉંમરે તે એક નિયમિત પાયોનિયર બની શક્યા અને ૧૮ વર્ષની ઉંમરે સેવકાઈ ચાકર બન્યા. હવે, તે બેથેલમાં સેવા આપી રહ્યા છે. તે કહે છે: ‘બાપ્તિસ્મા લેવાનો મારો નિર્ણય એકદમ યોગ્ય હતો. મારું જીવન યહોવાની સેવા અને તેમના સંગઠનનાં કામોમાં વીતે છે, જે ખરેખર ખુશી આપનારું કામ છે.’ જો તમે બાપ્તિસ્મા લેવા ચાહતા હો, તો તમે કઈ રીતે એની તૈયારી કરી શકો? હવે, પછીનો લેખ એનો જવાબ આપશે.